પાપા-અંકલ

વહેલી સવારે ઉઠીને ઝડપથી તૈયાર થઇ જવાનું અને સવારે આઠ વાગ્યાની સબર્બન ટ્રેન લઈને ઓફીસ જવાનું..મલાડથી ચર્ચગેટ.

આજ નિત્યક્રમ…

મલાડ સ્ટેશનથી પાંચ મીનીટના અંતરે જ ચાહવાલા મેન્શનના ત્રીજા મજલા પર કંપનીનો ફ્લેટ હતો…અને કંપનીએ મોહિતને ટ્રાન્સ્ફર ઑર્ડરની સાથેજ ફ્લેટની ચાવી પણ મોકલી આપેલી. સવારે નવ વાગેતો ઈરોઝ પર પહોચવાનું. ચર્ચગેટ સ્ટેશનની બરોબર સામે ઈરોઝ બીલ્ડીંગનાં પાંચમાં માળે એની મલ્ટીનેશનલ કંપનીની ઓફીસ હતી. બપોરે સાડા બાર વાગે લંચ પડે ત્યારે ઇચ્છા મુજબ કાંઈક ખાઈ લે. ક્યારેક ટેલિફોન ઑપરેટર રૂબી સાથે તો ક્યારેક એની ઓફીસ સેક્રેટરી શર્લી સાથે ટીફીનમાંથી લંચ ખાઈ લેતો..આમને આમ બે વર્ષ વીતી ગયાં પણ હજુ એની ટ્રાન્સ્ફર હોમટાઉનમાં થતી ન હતી અને એટલે ક્યારેક ખૂબ કંટાળો આવતો. દિવસતો કામમાં પસાર થઇ જતો પણ સાંજે હોમસીકનેસ લાગતી….બધા ખૂબ યાદ આવતાં. મમ્મી-પપ્પાએ ક્યારેય એને આંખ સામેથી દૂર ન હતો કર્યો અને આજે બે વર્ષથી એમનાથી દૂર હતો એટલે શરૂમાં ચિંતા હતી પણ હવે બધું ગોઠવાઈ ગયું. હજુતો બેચલર છે અને આમ પણ એને પરણવાની ઉતાવળ પણ નથી.. ક્યારેક ફલર્ટ કરી લેવું પણ લગ્નની જંજાળમાં હમણાં પડવું નથી.. અત્યારેતો બસ કરિયર બનાવવી છે… અને એજ તો એનો ગોલ હતો…

એની બાજુના ફ્લેટમાં એક નવું ફેમિલી રહેવા આવ્યું…પતિ-પત્ની અને બે નાની દીકરીઓ….હવેતો સાંજનો સમય પણ એ લોકોની સાથે આનંદથી પસાર થઇ જતો હતો..પણ તેમ છતાં ક્યારેક ઘર યાદ આવી જતું.. બાજુમાં રહેતો આ પરિવાર અત્યંત સંસ્કારી હતો…બે નાની છોકરીઓ ટ્વીન્સ હતી.. બંનેની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી…એક રૂબી હતી અને એક પર્લ હતી…બંને છોકરીઓને મોહિતની હવે ખૂબ માયા થઇ ગઈ હતી અને એ છોકરીઓની મમ્મી હતી નોબીકા…

નોબીકા અને જેમ્સના આંતરજાતીય લગ્ન હતાં..જેમ્સ એક મલ્ટીનેશનલ કમ્પનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો અને નોબીકા પણ એજ કમ્પનીમાં જુનિયર એક્ઝીક્યુટીવ હતી..બંને વચ્ચે પરિચય થયો…..પરિણય થયો અને પરણી ગયા..પણ નોબીકાના રૂઢીચુસ્ત પરિવારમાં એનો ખૂબ વિરોધ થયો..જેમ્સ ચેન્નાઈથી ટ્રાન્સ્ફર કરાવીને કોલકત્તા અને ત્યાંથી ટ્રાન્સ્ફર લઈને મુંબઈ આવી ગયો..બંને જણા એક શહેરથી બીજા શહેર ફરતા રહ્યા…લગ્નને પણ છ સાડા છ વર્ષ જેવો સમય વીતી ગયો..પણ એના પરિવારે હજુ આ લગ્નને સ્વીકૃતિ આપી નથી..નોબીકાની સાથેનો સંબંધ બિલકુલ કાપી નાંખ્યો છે.. અને નોબીકા પણ એટલીજ મક્કમ હતી..તેણે પણ પોતાના પરિવાર સાથેના સંબંધને તદ્દન વિસારી દીધો હતો…ક્યારેય કોઈને પણ યાદ કર્યા નથી.. જેમ્સ સાથેના લગ્નજીવનથી ખૂબજ સંતુષ્ટ હતી..

મોહિતને પણ પર્લ-રૂબી સાથે બહુ ગોઠી ગયેલું.. જેમ્સને મોટે ભાગે ટ્યોરીંગ રહેતું અને મોહિતનું પણ એમ હતું.. બંને માર્કેટિંગનાં ખેરખાં હતા. જેમ્સ એની કમ્પનીમાં વાઈસ પ્રૅસિડેન્ટ, સેલ્સ હતો.. તો મોહિત ડાયરેક્ટર, માર્કેટિંગ હતો. મોહિત, જેમ્સના પરિવાર સાથે એ રીતે હળી ગયેલો કે એમ લાગતું કે જાણે તે બધા એક પરિવારનો હિસ્સો હોય.. હવેતો મોટેભાગે મોહિતનું જમવાનું પણ આ લોકોની સાથે થતું..જોકે મોહિત એના જમવાના પૈસા દર મહીને આપી દેતો. શરૂઆતની આનાકાની પછી એ વાત હવે સ્વીકારાઈ ગઈ છે..જેમ્સ અને મોહિત વચ્ચે પાંચેક વર્ષનો ફર્ક હતો…મોહિત જેમ્સ કરતા મોટો હતો..મોહિત તો બેચલરજ હતો અને હવે તો ખાસ કાંઈ પરણવાની ઇચ્છા પણ ન હતી..

પર્લ-રૂબી સાથેનું તાદાત્મ્ય અને જેમ્સ સાથેનાં પારિવારિક સંબંધો પછી પર્લ-રૂબી તેને પાપા-અંકલ કહીનેજ બોલાવતાં..અને જેમ્સને તે લોકો ડેડી કહેતા…જેમ્સેજ એવું બોલતાં શિખવાડેલું..
જેમ્સને વર્કિંગ ટ્યોર પર જવાનું થાય કે મોહિતને બિઝનેસ ટયોર હોય બંને એ રીતે મેનેજ કરતા કે બંને દીકરીઓ સાથે બેમાંથી એક જણતો હોયજ…જેમ્સ અને મોહિત જાણે બે ભાઈઓ હતા. નોબીકા, જેમ્સ અને મોહિત ત્રણેય જુદી જુદી જાતિનાં હતાં…. નોબીકા મુસ્લિમ હતી તો જેમ્સ ગોવાનીઝ હતો અને મોહિત ગુજરાતી … ઘરમાં મોટેભાગે કમ્યુંનીકેશન અંગ્રેજીમાંજ થતું, પણ ક્યારેક હિન્દીમાં પણ વાતચીત કરતા.
શરૂશરૂ માં મોહિત નોબીકાને ભાભીજી કહીને બોલાવતો પણ જેમજેમ નિકટતા વધતી ગઈ તેમતેમ એ સંબોધન બંનેને સારું ન હતું લાગતું… અને એક દિવસ બન્નેએ એકબીજાને નોબીકા અને મોહિત કહીને બોલાવવાનું શરુ કર્યું..

આ વખતે મોહિત ઘણા લાંબા સમયે પોતાના ઘરે ગયો.. મમ્મી-પપ્પા સાથે સારો એવો સમય વિતાવ્યો..પર્લ-રૂબીની અને જેમ્સ નોબીકા વિષે ખુબ વાતો કરી.. આ વખતે પણ મમ્મીએતો એને પરણાવવાનું રટણ ચાલુ રાખ્યું…ત્યારે મોહિતે મમ્મીને કહ્યું..” હું પરણીશ તો નોબીકા જેવીજ કોઈક છોકરીને અને હા મમ્મી જો તારે મારા માટે કોઈ છોકરી શોધવી હોય તો તું પહેલા નોબીકાને જોઇલે…
” બેટા તું ત્રીસ વર્ષનો થયો ક્યાં સુધી તું કુંવારો રહીશ…?”
” સાચું કહું મમ્મી…મારી અત્યારે પરણવાની જરાપણ ઈચ્છા નથી, મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે…મારે ફક્ત પરણીને સંસારમાં બંધાઈ નથી જવું.”
જ્યારે પણ પરણવાની વાત નીકળે ત્યારે આમજ વાત ટાળી દેતો.
આવી ગયો પાછો મુંબઈ…
આ બધીજ વાતો એણે નોબીકાને અને જેમ્સને કરી અને એ દિવસે બહુ હસ્યા એ ત્રણેય જણા..
ત્રણેક વર્ષ તો આમને આમ વીતી ગયાં..કઈ ખબર ના પડી..બંને દીકરીઓ પણ મોટી થવા માંડી..!

**** ****

” પાપા- અંકલ ….પાપા- અંકલ ….હવે અમે જતા રહેવાનાં…!!!!
મોહિત ઘરમાં પ્રવેશ્યો અને છોકરીઓ દોડતી આવીને વળગી પડી….નોબીકા એમની પાછળ દરવાજા સુધી આવી પહોંચી …મોહિત એની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો…
” આવીજા…અંદર આવ..”,
.”બેટા પાપા- અંકલને ઘરમાંતો આવવા દો..”
મોહિત એ બધાની સાથે લીવીંગ રૂમમાં ગયો… જેમ્સ સોફા પર બેઠો હતો અને ડ્રીંક લઈ રહ્યો હતો..રૂમમાં પ્રવેશતાં એક મજાની કડક ખુશ્બુ આવીને એના શ્વસન તંત્રમાં પ્રવેશી ગઈ…મોહિતે ઉંડો શ્વાસ લઈને એ ખુશ્બુનો અંગીકાર કર્યો…જેમ્સની સામે પડેલો ખાલી ગ્લાસ મોહિતનીજ રાહ જોતો હતો.. એ ફ્રૅશ થઈને ચેઇન્જ કરીને આવી ગયો જેમ્સની બાજુમાં…ડ્રીંક બન્યું..અને બે ગ્લાસ અથડાઈને ટણીનનનન અવાજ આવ્યો…ચીયર્સ…થયું…
” મોહિત ડિયર..પ્લીઝ.. વિશ મી ગૂડ લક ફોર ગોઇંગ બેક ટુ માય હોમ ટાઉન …!”
મોહિત એની સામે જ જોઈ રહ્યો…” યસ ડિયર… આઈ ગોટ ટ્રાન્સ્ફર ટુ માય હોમ ટાઉન ”
બહુ ખુશ હતો જેમ્સ…પણ નાખુશ હતી નોબીકા…
આજે સાંજે જ જેમ્સને ઑર્ડર મળ્યો…જેમ્સને ખૂબજ આનંદ હતો…પણ નોબીકા અત્યંત નારાજ હતી એ શહેરમાં જવા માટે.. નોબીકાએ જેમ્સ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એના પરિવારે એ બન્ને સાથે કરેલા દુર્વ્યવહારથી પારાવાર દુઃખ થયેલું અને એ લોકો પ્રત્યે નફરત થઇ ગયેલી અને એમની સાથે ક્યારેય સંબંધ નહિ રાખવાના સોગંદ લીધેલા…
આ વાત મોહિત જાણતો હતો..

એકાદ અઠવાડિયામાં એ લોકો શિફ્ટ થઇ ગયા..મોહિત એકલો થઇ ગયો…એકલતામાં ફરી પાછો અટવાઈ ગયો…
એજ પાછો લંચ બ્રેક….અને બ્રેડ ઓમ્લેટ અને ક્યારેક જાતે બનાવેલી બળી ગયેલી વઘારેલી ખીચડી…અને એજ સૂનકાર …પર્લ-રૂબીનો અદ્રશ્ય થઇ ગયેલો કિલબીલાટ…બહુ યાદ આવતા હતા એ બધ્ધાં…બહુ યાદ આવતી હતી નોબીકા…કેટલા બધા ઉપકાર હતા નોબીકાના મોહિત પર…એક વખત જ્યારે મોહિતને એક્યુટ ન્યુમોનિયા થઇ ગયેલો અને પથારીવશ હતો ત્યારે નોબીકાએ માંની જેમ એની સેવા કરેલી..લગભગ પંદર દિવસ સુધી એણે એને સાચવેલો.. હવે ક્યારેક આ બધું યાદ આવે છે ત્યારે આંખો ભીની થઇ જાય છે. આવો સ્નેહાળ પરિવાર વેરવિખેર થઇ ગયો….

હવે તો ક્યારેક ફોનથી તો ક્યારેક પત્રથી તો વળી જેમ્સ ક્યારેક કમ્પનીના કામે મુંબઈ આવે ત્યારે મુલાકાત થતી..સમય વીતતો ગયો…એક વર્ષ..બે વર્ષ..ત્રણ વર્ષ અરે સાડા સાત વર્ષ થઇ ગયા એ પરિવારથી વિખૂટાં પડયાને.. એકાદ બે વખત મોહિત ચેન્નાઈ જઈ આવ્યો.. પર્લ અને રૂબી તો ખાસા મોટા થઇ ગયાં હતાં..પણ તોયે પાપા- અંકલને ભૂલ્યાં નથી..અમીટ છાપ કોરાઈ ગઈ હતી બદ્ધાના હ્રદયમાં…!!!
મોહિત પણ ટ્રાન્સ્ફર લઈને પોતાના હોમ ટાઉન અમદાવાદ આવી ગયો.. ઉંમર પણ ખાસ્સી વધી ગઈ છે પાંત્રીસનો થયો…પણ હજુ પરણ્યો નથી.. મમ્મી પપ્પાને ચિંતા થતી પણ એ તો સાવ બેફિકરો…એને એ પળોજણમાં પડવું નથી..

એક દિવસ મોહિત ફિલ્ડમાં વર્કિંગમાં હતો..અને એના ઘરે ચેન્નાઈથી ફોન આવ્યો.. ચેન્નાઈથી નોબીકાના નંબર પર થી ફોન હતો.. મમ્મીએ ફોન લીધો તો ફક્ત એટલાં સમાચાર આપ્યા કે જેમ્સને એકસીડન્ટ થયો છે અને મોહિતભાઈને તાત્કાલિક ચેન્નાઈ મોકલો… નોબીકા એની રાહ જૂએ છે.. મોહિતે નોબીકા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ નોબીકા બિલકુલ વાત કરવાની પરિસ્થિતિમાં ન હતી.. મોહિત સાંજની વહેલામાં વહેલી ફ્લાઇટ લઈને ચેન્નાઈ પહોચી ગયો..નોબીકા અને એના એક-બે પાડોશીઓ અને જેમ્સનો ઓફીસ સ્ટાફ એની રાહ જોતા હતા..જેમ્સનું કાર એક્સીડન્ટમાં મૃત્યુ થયું હતું.. મોહિત અવાક થઇ ગયો..ત્યાંની પરિસ્થિતિ જોઇને.. નોબીકા સાવ અસ્વસ્થ હતી અને પર્લ અને રૂબી ખૂબ રડતાં હતાં.. મોહિતને જોતાં ત્રણેય જણા એને વળગી પડયા…ખૂબ રડયા..નોબીકા એને છોડતીજ નહતી.. નોબીકાનું હવે જાણે બધું મોહિત જ હતો.. મોહિતે વારંવાર એનાં આંસુ લૂછ્યાં પણ એતો રોકાવાનું નામજ લેતાં નથી..મોહિત એના ગાલ પર, એના વાળમાં અને એના બરડે હાથ ફેરવતો રહ્યો અને સાંત્વના આપતો રહ્યો..મોહિતની આંખો પણ બેસુમાર વરસતી હતી.. થોડાક શાંત થયા પછી મોહિતે નોબીકાને જેમ્સ અને એના પરિવારને સમાચાર આપવા સમજાવી… દરમ્યાન મોર્ગમાંથી ડેડબોડી ઘરે લાવ્યા…અંતિમ ક્રિયામાં જેમ્સને ત્યાંથી કોઈ ના આવ્યું..અને નોબીકાએ એના પરિવારમાં જાણ કરવા ના દીધી..
નફરત એટલી હતી કે કોઈએ મોતનો મલાજો પણ ના જાળવ્યો..!!
અંતિમક્રિયા પતિ ગઈ.. નોબીકા આ વાસ્તવિકતા સ્વીકારી શકતી ન હતી. પર્લ અને રૂબી રડવાનું બંધ જ નથી કરતા..ત્રણેય જણા જાણે સાવ નિરાધાર બની ગયા..મોહિત એ લોકોની સાથે રોકાયો..નોબીકા હવે થોડી થોડી સ્વસ્થ થવા માંડી…પણ સામે નર્યો અંધકાર દેખાતો..જોકે એટલું સારું હતું કે આર્થિક સંકડામણ પડવાની ન હતી કારણકે જેમ્સની ખૂબ મોટી બચત હતી…ખૂબ મોટો ઇન્સ્યોરન્સ આવ્યો..અને કમ્પનીએ પણ એના બેનીફીટસનાં પૈસા આપ્યા તે રકમ પણ ખાસ્સી મોટી હતી..
મોહિત પંદરેક દિવસ રોકાયો.. બધું સેટલ કર્યું પછી નોબીકાને કહ્યું ” નોબીકા તું કહે તો હવે હું જાઉં ??”
“———–”
” તું જરાય ચિંતા ના કરીશ તારી કે દીકરીઓની…હવે તમે ત્રણેય મારી જવાબદારી છો..હું જીવીશ ત્યાં સુધી તમને કોઈ તકલીફ નહિ પડવા દઉં..નોબીકા તું આ યુદ્ધ લડવામાં એકલી નથી..એટલો વિશ્વાસ રાખજે..”
” મને ખબર છે મોહિત તું મારી સાથે છે અને હોઈશ પણ હું તારા માથે કોઈ રીતે બોજ બનવા નથી માંગતી.. મારું તો સર્વસ્વ લુટાઈ ગયું છે પણ….પણ… ના મોહિત હવે હું નહિ રડું કે નહિ ઢીલી પડું..બસ મારે આ છોકરીઓને ખૂબ ભણાવવાની છે..એમની કરિયર બનાવવાની છે…. મોહિત મારે તને એક વિનંતી કરવી છે.. તું હંમેશા મારી સાથે રહે. મારે તારા સાથની જરૂર છે. જા તું આપને સતત સમ્પર્કમાં રહીશું..”
મોહિત ગયો..લગભગ રોજ ફોનથી વાત કરતા અને નાનીમોટી તમામ બાબતોમાં મોહિત માર્ગદર્શન આપતો..
થોડા દિવસોમાં નોબીકાને જેમ્સનીજ કમ્પનીમાં ફરી પાછી નોકરી મળી ગઈ..
આ ઘટના પછી મોહિતે ક્યારેય લગ્ન નહિ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો અને એ નિર્ણય એણે એના ઘરમાં જણાવી પણ દીધો.
કાળનાં નિશાન નોબીકાના શરીર પર વર્તાવા માંડ્યા…પણ એના જુસ્સામાં કે એના દેખાવમાં કે પછી એની નજાકતમાં કોઈ અસર દેખાતી નથી..
કેટલાં બધા વર્ષો વિતી ગયાં.. છોકરીઓ એમના જીવનમાં સેટલ્ડ થઇ ગઈ ..
મોહિત પંચાવનનો થયો…નોબીકા પણ લગભગ એટલી છપ્પન-સત્તાવનની થઇ.. બંને અલગ અલગ રહેતા હતા.. મોહિત અમદાવાદમાં અને નોબીકા ચેન્નાઈમાં..પણ હવે એ બંનેએ એક સાથે એકજ જગ્યાએ રહેવાનું નક્કી કર્યું અને મોહિત ચેન્નાઈ શિફ્ટ થઇ ગયો.. નોબીકા અને મોહિત આજે પણ એક છત નીચે રહે છે, એક બીજા પ્રત્યે અપાર લાગણીનાં સહારે એકબીજાની હૂંફમાં બંને જણા રહે છે..

ઘણાંબધાં લોકોને પ્રશ્ન થાય છે..શું સંબંધ છે એમની વચ્ચે? શું એમણે લગ્ન કર્યા છે ..?? શું એમની વચ્ચે અનૈતિક સંબંધ છે..???

આ બધા પ્રશ્નોનો ઉત્તર સીધો સાદો એટલો છે
આ છે નામ વિનાનો સંબંધ…
આ છે માણસાઈનો સંબંધ…
આ છે દોસ્તીનો -વફાદારીનો સંબંધ…
આ છે પાપા-અંકલ અને દીકરીઓનો સંબંધ…

*****************

વિષાદ

ખી રાત  તંદ્રામાં પસાર થઇ ગઈ..

આંખોએ જાણે બંધ નહીં થવાની જીદ પકડી છે.. સતત મારી પાંપણો પર કો’ક દસ્તક દીધા કરે છે..ગઈકાલે બજારમાં ફરતાં ફરતાં નજર સમક્ષ થઇ ગયેલો એ ધૂંધળો ચહેરો મન પર સવાર થઇ ગયો છે..

“બજારમાં તહેવારોને કારણે પુષ્કળ ભીડ … અને એમાં જાણીતાંય વિખૂટાં પડી જાય તો અલપ ઝલપ દેખાયેલો એ ચહેરો હવે આ ભીડમાં હું ક્યાં શોધું..??”

“ હા… ! હતો તો એજ તો પછી  અચાનક ક્યાં અદ્રશ્ય થઈ ગયો..? શું એ માત્ર ભ્રમજ હતો કે વાસ્તવિકતા હતી..??”

બધાજ પ્રશ્નો નિરુત્તર રહ્યાં છે…

ઘરે તો આવી ગઈ …પણ એણે સમગ્ર ચેતાતંત્રને હલબલાવી મૂક્યું છે..

મારા હસબન્ડતો વ્યવસાયાર્થે બહારગામ છે, અને એમની ગેરહાજરીમાં અતીતનો આ પડછાયો શીદને આવ્યો હશે..? સતત એ પડછાયો મારી સમક્ષ આવીને ઉભો થઇ જાય છે.. ઘોર અંધારી રાત્રે પડછાયાનું કોઈ અસ્તિત્વજ ના હોય ત્યારે ક્યાંથી મારી ચોપાસ ફરે છે એ..!!!

અગાશીમાં હીંચકા પરજ આખી રાત જાગતા ઉંઘતા પસાર થઇ ગઈ.. ગગનની સાથેય મારે કેવો ઘરોબો છે..!   એકદમ પરિચિત છતાંય જોજનો દૂર..!!!

એનીજ  સ્વરાંકન કરેલી એક રચનાના શબ્દો ત્રૂટક ત્રૂટક કાનમાં ગુંજ્યા કરે છે….

“પાસપાસે તોય,

કેટલાં જોજન દુરનો આપણો વાસ..!

આમતો ગગન સાવ અડોઅડ,

તોય છેટાંનો ભાસ ……!! “

બસ હિંચકે ઝૂલતાં ઝૂલતાં કાનમાં ગૂંજતું એ ગીત….એનું સંગીત અને ખરજના દર્દભર્યા એના અવાજમાં ગવાયેલું ગીત જાણે ગગનનો એકેએક તારો ગાઈ રહ્યો હોય એવો ભાસ થાય છે …

ઘડીક દૂરથી તો ઘડીકમાં સાવ અડોઅડ આવીને, મારી પીઠ થપથપાવીને પાછો ક્યાંક દૂર નાસી જતો એ, અને એનો અવાજ, ચેન પડવા નથી દેતો મને…

અગાશીમાં ફેલાઈ ગયેલો ગુલમહોરનો કેસરિયો વૈભવેય કોઈજ બીજી અનુભૂતિ નથી કરાવી શકતો..પણ આ વહેલી પરોઢે પક્ષીઓના કલરવમાંથી દૂરદૂરથી એક સંબોધન થતું સંભળાયાં કરે છે..

“ચકી…એય ચકી……..ચ…..કી….!!!”

“એ મને કાયમ ચકીજ કહેતા… જ્યારે પહેલી વખત એમણે મને ચકી કહ્યું ત્યારે મેં એમને પૂછેલું ….કે તમે મને ચકી કેમ કહો  છો ???”

“ જો હું તને ચકી એટલા માટે કહું છું કારણકે… કારણકે… ચકી એ મારું સૌથી વહાલું અને લાડકું નામ છે…અને હા….! ચકી એતો નિર્દોષતાનો પર્યાય છે.. અને સાચું કહું ને તો  મને તો, ચકી જેવોજ ફરફરાટ અને તરવરાટ તારામાં દેખાય છે..”

ચકી શબ્દ સાંભળતાજ મારું સમગ્ર ચેતાતંત્ર ઝંકૃત થઇ ઉઠતું… હું કહેતી…”પ…પ..પણ …પણ આટલું નાનું સંબોધન..?”

“ હા ચકી…., જ્યારે સંબંધમાં નિકટતા આવે છે ત્યારે સંબોધન ટૂંકું બને છે.. “

સામાન્ય રીતે જેનો વિસ્તરવાનો ક્રમ છે એ સમય પણ આજે સંકોરાયા કરે છે….અને મને અનાયાસ ધકેલે છે અતીતના ઊંડાણમાં.. હૃદયમાં કંડારાયેલાં યાદનાં એકેએક પૃષ્ઠ આજે નજર સમક્ષ થયેલા એ ચહેરાએ ઉઠાવેલા બવંડરમાં આમથી તેમ ઉડયા કરે છે…. વિખરાયાં કરે છે…..અને હું, બસ તાકી રહી છું….મારી આંખો સ્થિર થઇ ગઈ છે …શ્વાસની ગતી તીવ્ર બની ગઈ છે.. અને મનના બાઈસ્કોપમાં જોઈ રહી છું એ અતીતના કાલખંડને….. હું વિસરાયેલા એ સમયખંડમાં હડદોલાયા કરું છું.. ફંગોળાયા કરું છું..

XXX                XXX                XXX

પપ્પાજીને એ વખતે એમની કંપની તરફથી ક્વાર્ટર મળ્યું હતું….

મુગ્ધાવસ્થાના એ તબક્કે કેટકેટલાં શમણાં આંખોમાં આંજેલા…! અમારાથી ત્રીજાજ બ્લોકમાં એ નવાજ રહેવા આવેલા..તદ્દન રૂક્ષ માણસ..સાવ અનાકર્ષક ચહેરો અને અવ્યવસ્થિત લિબાસ…પણ.. અવાજમાં ગજબની ભીનાશ ..!!

રોજ  વહેલી સવારે એમના ક્વાર્ટર તરફથી આવતો ગાવાનો ધીમો અવાજ….અને એ અવાજે ધીમે ધીમે મારા મનોમસ્તિષ્કનો કબજો લઇ લીધો હતો..

સંગીત શિક્ષક હતા એ અને કેટલાંય લોકો એમની પાસે સંગીતની તાલીમ માટે આવતાં.. યુવાનો યુવતીઓ અને પ્રૌઢો બધાંજ એમનાં શિષ્યવૃંદમાં સામેલ હતાં..અને એટલેજ, એ પણ હમેશાં ઘેરાયેલા રહેતા લોકોની ભીડમાં…

હું પણ એમની પાસે સંગીતની તાલીમ માટે ગઈ.. મારી તાલીમ શરુ થઇ.. એમની શીખવવાની પધ્ધતીજ કાંઇક વિશિષ્ઠ હતી..બસ મને તો રસ પડતો ગયો..સમય વિસ્તરતો ગયો..ત્રણ-ચાર વર્ષનો અભ્યાસ થયો.. પારંગતતા તરફ આગળ ધપવા માંડી.. એમના પ્રિય વિદ્યાર્થીઓમાંની એક હું હતી.. પાસપાસે રહેતા એટલે સમયનાં કોઈ બંધનો નડતાં નહીં…ઘણીવખત તો રાત્રે મોડા સુધી મને તે શીખવતા.. એકજ ધ્યેય હતું સંગીતની તાલીમ મેળવવાનું…

XXX           XXX             XXX

હવે તો એમનું પણ મ્યુઝીક કમ્પોઝર તરીકે નામ થઇ ગયું છે.

એ હવે, માત્ર સંગીત શિક્ષકજ નથી રહ્યા પરંતુ હવે તેમનું પોતાનું એક  “હાઉસ ઓફ મ્યુઝીક”

છે..અને ઘણાં સારા કમ્પોઝીશન્સ કરે છે..  જાયન્ટ સ્કેલ પર તે મ્યુઝીકલ ઈવેન્ટ્સ કરે છે.. તેમનો પહેરવેશ, રહેણીકરણી બદલાયાં છે.. ઘણાબધાં પ્રોફેશનલ મેનરીઝમ્સ હવે તે શીખી ગયા છે.. છોકરીઓની ભીડ આસપાસ વધવા માંડી છે..અન્ય લોકો વચ્ચે સતત તે ઘેરાયેલા રહે છે અને એટલેજ, મારા માટેય, હવે તેઓ બહુ સમય ફાળવી શકતા નથી..

અકારણ મને પણ લોકો તરફ ઈર્ષ્યા થવા લાગી છે.. અજાણપણેય એમના માટે મારામાં પઝેસીવનેસ આવી ગઈ છે..ત્યારે હું મારી જાત સાથે જ સંવાદ કરું છું

“ કેમ મને આવો ભાવ થાય છે..?? હેં..? મારે શું છે એમની સાથે ??”

આ પ્રશ્નોના કોઈ જવાબ મળતા નથી..

અનેક પ્રશ્નો અને એમના માટેની ધારણાઓની વણઝાર ફરી પાછી  મારી સામે આવીને ખડી થઇ જાય છે..

“ લોકોની સાથે અને એમાંય  ખાસ કરીને સ્ત્રીઓ સાથે  એકદમ ખૂલીને વાત કરવી…સંબંધનો એકદમ વિસ્તાર કરવો એજ એનો સ્વભાવ છે..એની ફિતરત છે… શું છે આ માણસમાં કે લોકો એની આસપાસ ટોળે વળે છે..? એવું તો એનું કાંઈ આકર્ષક વ્યક્તિત્વ પણ નથી…“ હું સ્વગત ગણગણતી રહી.. જેમજેમ આવા પ્રશ્નો સામે આવતા ગયાં તેમતેમ એના તરફનું ખેંચાણ પણ એટલીજ તીવ્રતાથી વધવા માંડ્યું..મનમાં રીતસર દ્વંદ્વ આરમ્ભાઈ ગયું છે.. “ તદ્દન છીછરો આ માણસ સંબંધને શું જાણે..?? લાગણી જેવું તત્વ આટલા પરિચય પછીય મને તો એનામાં વર્તાયું નથી..શું એને મારા માટે કોઈ ભાવ હશે..લાગણી હશે..પ્રેમ….???? હોઈ શકે…?? જો કે અમારા બે વચ્ચેનો  ઉંમરનો ખાસ્સો તફાવત અને સામાજિક અસમાનતા એવો કોઈ ભાવ ઉદભવવા દઈ શકે ખરા..??” બસ..!! અનેક વિચારો મને આમથી તેમ હડદોલ્યા કરે છે..

XXX             XXX              XXX

“મારી મુગ્ધાવસ્થા અને હું સતત એના તરફ આકર્ષાતી રહી છું…. પ્રથમ વ્યક્તિ છે આ,  જેણે મને હચમચાવી નાંખી છે..મારું મન ચગડોળની માફક એકજ દિશામાં ઘુમરાયા કરે છે…. કશુંજ સૂજતું નથી.. પ…પ.પણ કેમ કરીને વ્યક્ત થવું એની પાસે..? હું તો સાવ બહાવરી બની ગઈ છું. અરે ..હા એનું પણ મારા તરફ ધ્યાન ગયું હોય એવું લાગે તો છે.. હવે તો એ મારી સામે જૂએ છે કે પછી મારી સાથે વાત પણ કરે છે તોય એમની નજરમાં અને એમનાં શબ્દોમાં પણ મારા તરફનો વિશેષ ભાવ વ્યક્ત થતો હોય તેવું લાગે છે…એમના શબ્દોમાંથી મારા માટે વ્હાલ વરસતું હોય એવો અહેસાસ થાય છે…..તો મનમાં પાછું એમ પણ થાય છે કે આભાસીતો  નહીં હોય ને આ અહેસાસ..???”

XXX               XXX               XXX

મારા મનમાં વિચારોનું દ્વંદ્વ ચાલે છે… હું સતત એના તરફ જોતી રહું છું…એમનું આટલું બારીક નિરીક્ષણ કદાચ કોઈએ નહિ કર્યું હોય… મારી આંખો હવે બોલકી બની છે, પણ વાણીમાં ની:શબ્દતા છવાયેલી છે..  શું એ આંખોની ભાષા નહીં સમજતો હોય..? સમજતો તો હોય જ ને….!  તો પછી કેમ એના તરફથી  કોઈજ પ્રતિભાવ નથી..?

 

XXX               XXX                 XXX

રવિવારે કોઈ પણ પ્રયોજન વગર અચાનક ઘરે આવી ચડયા અને તે પણ  બિલકુલ જાણ કર્યા વગર..ઘરમાં મારા મિત્રો હતા..એ પણ બેઠા અમારી સાથે પણ સહેજ અસ્વસ્થ હોય એવું લાગ્યું..ખાસ કાંઈ બોલતા ન હતા..મોટેભાગે મૌન રહ્યા. ઔપચારિકતા પતાવી અને તરતજ વિદાય થયા..પણ એમના ચહેરા પરની રેખાઓ તંગ થઇ ગઈ હતી..એ હું નોંધી શકી હતી.. બીજા દિવસે હું એમને ત્યાં ટ્યુશન માટે ગઈ..મારી સાથે વાત કરવાનું ટાળતા હોય એવું લાગ્યું..અને મેં એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો તો સાવ શુષ્ક પ્રતિભાવ..જરા સરખીયે ઉષ્મા ના વર્તાઈ એમના વર્તનમાં…જોકે એમના આવા વર્તાવથી મને તો છૂપો આનંદજ થયો.. જાણે તીર બરોબર નિશાન ઉપરજ વાગ્યું હોય એમ લાગ્યું.. મારી આશા પૂરી થશે જ એવો હવે મને વિશ્વાસ થવા લાગ્યો.. હું કાંઈજ બોલી નહીં…બેસી રહી એમની સામે જોઇને.. મારું એમને ટીકી ટીકીને જોઈ રહેવું એમને અકળાવવા લાગ્યું..

“ શું જોઈ રહી છે મારી સામે..?”

“ શું થયું છે તમને…..હેં..??”

“ શું થવાનું છે મને …કાંઈજ નથી થયું મને ..”

“ સાચું બોલો છો..?”

“હા “

“ ખરેખર સાચું બોલો છો..”

“હા…ખરેખર સાચું બોલું છું “

“ ના… તમે ખરેખર ખોટું બોલો છો.. ખબર નહીં પણ કેમ હું તમારા વર્તનમાં આવેલા ફેરફાર જોઈ શકું છું…અનુભવી શકું છું, મને દેખાય છે તમારા ચહેરાના બદલાતા હાવભાવ…તમારા ચહેરા પરની તંગ બનતી રેખાઓ….તમારા અવાજમાંથી આવતી તોછડાઈ…તમારો રુક્ષ વ્યવહાર.. અને..! અને..તમારી આંખમાં દેખાતો ઈર્ષ્યાનો ભાવ…”:

“ હા..હા..હા..હું જ ખરાબ છું.. મને ઈર્ષ્યા થાય છે એ લોકો માટે જે તારી સાથે મજાક-મસ્તી  કરે છે …તને સ્પર્શ કરે છે.. “

અને એ સાથેજ સામે પડેલા હાર્મોનિયમને જોરથી લાત મારી….હાર્મોનિયમ તૂટી ગયું….હું અવાચક બની ગઈ…ગભરાઈ ગઈ …. મારા મોમાંથી ચીસ નીકળી ગઈ…મારા હાથોથી મારો ચહેરો ઢંકાઈ ગયો..

સુનમુન બેસી રહી હું… સમય સડસડાટ દોડતો હતો  અને હું, ક્યારની એકજ જગાએ બેઠી હતી…..

એ પણ એમના આસન પર જ્યાં બેસીને એ બધાને શીખવતા એજ જગાએ બેસી રહેલા.. વિચારોનું ધુમ્મસ બન્ને પક્ષે છવાયેલું હતું…  બહુવારે હું ઉભી થઇ અને ત્યાંથી જ મેં કહ્યું “ હું જાઉ છું…”

એ પણ ઉભા થયા, રસોડામાં ગયા ફ્રીઝમાંથી પાણીની બોટલ લઇને આવ્યા મારી પાસે  અને ગ્લાસમાં મને પાણી આપ્યું.. મેં એક ઘૂંટો પાણી પીધું અને જવા માંડ્યું ત્યાંજ એમણે પાછળથી મને કહ્યું ‘ આઈ’મ સોરી … “

XXX                 XXX                XXX

અંત આવી ગયો મારી ભ્રાંતિનો….

સ્વીકૃતિ મળી ગઈ મારા અરમાનને…

એના વર્તનમાં એકદમ પરિવર્તન હતું.. એ વધારે ખુશ પણ દેખાતા  …તો વધારે બોલકા  પણ બન્યા હતા.. એમની તમામ ગતીવિધીઓમાં આવેલા ફેરફારો કોઇના પણ ધ્યાને આવી શકે એટલા એ બદલાયેલા હતા..

એમના ઘરે બનેલા એ પ્રસંગ પછી ઘણાંબધા દિવસોએ આજે મળવાનું બન્યું.. અમે બન્ને એકલાંજ હતાં…બન્નેને કૈક બોલવું હતું પણ જીભ ઉપડતી નહતી…ખાસી વાર પછી પણ એ કશુંજ બોલ્યા નહીં… બહુ વાર એમજ બેસી રહ્યાં…મારી સામે જોઈ શકતા ન હતા…ક્યાંતો નીચે જોઈ રહેતા કે પછી આજુબાજુ દીવાલો પર જોતા હતા.. કંઇક કહેવાની ગડમથલ ચાલી રહી હતી..

“ ચકી… તને..તને બહુ દુઃખી કરીને મેં તે દિવસે…?”

મારી આંખમાંથી ગરમગરમ આંસુનું એક ટીપું એમના હાથ પર પડયું અને ત્યારેજ એમણે ઊંચું જોયું ..મારી સામે જોયું અને બોલ્યા ” ચકી, તું ક્યાંથી ઉડતી ઉડતી આવી ચડી આ સાવ કોરા આકાશમાં..હેં..!”

“બહુ રાહ જોઈ છે મેં…બહુ ઉડી..હા બસ ઉડીઉડીને થાકવામાંજ હતી અને મને મારો મુકામ દેખાયો તમારામાં..”

“પ…પણ… પણ, આ મુકામ પણ કાયમી નથી ચકી…!!.”

“ કેમ…????”

મારા પર આભ તૂટી પડ્યું…મારી આંખોમાંથી આંસુનો ધોધ વહેવા માંડ્યો..વિખરાઈ ગયો સપનાનો માળો… હજુતો તણખલા વિણતા અને ગોઠવતામાંજ જાણે વિખરાઈ ગયો…

“ ચકી…પ્લીઝ..! તું સાંભળ મને..”

મારી આંખો ધોધમાર વરસી રહી હતી..

“ શું સાંભળું હવે…હેં..??”

“ મારા અંગત પ્રશ્નો છે..”

“એ તમારું અંગત આપણું અંગત ના બની શકે..?” મેં રીતસર આજીજી કરવા માંડી..

“ ના ચકી ના…હું મારા વિષાદોને વહેંચી નથી શકતો…મારા આનંદમાં તું સહભાગી થઇ શકે પણ ના, મારા વિષાદો મારા પુરતાજ છે..”

“ હું શું એટલી નિકટ નથી કે…????”

“ ખબર નથી..”

“ કેમ..??”

“ ચકી…મારી કમનસીબી એ છે કે હું કશું પામી નથી શકતો..”

એ દિવસે પછી બહુ લાંબી વાત ના થઇ શકી..

મારી આંખો રડી રહી હતી ..મન વિષાદગ્રસ્ત હતું અને હૃદય તેની નિયત ગતિથી બમણાં વેગે ચાલતું હતું…શ્વાસ ધમણની પેઠે તીવ્ર ગતિથી ચાલતા હતા..અમે બંનેએ એકબીજાની સામે જોયું નજરો મળી અને તરતજ એમને નજર ફેરવી લીધી…. હું જોઈ શકી કે મારા મોં પરના ભાવ એને બહુ કનડતા હતા., કોણ જાણે કેમ એ દિવસે એ મારી આંખોનો સામનો કરી શકતા ન હતા અને એટલે અનાયાસ ઉભા થયા અને એક હરફ પણ ઉચ્ચાર્યા વગર જતા રહ્યા….હું  રડતી કકળતી રહી.. કોઈ હતું નહીં કે જે મારા આંસુ લુછી શકે..

XXX            XXX                XXX

એ દિવસની ઘટના પછી મેં સંગીત ક્લાસમાં જવાનું બંધ કરી દીધું …

છેલ્લા એક અઠવાડીયાથી તબિયત પણ બગડી છે..

શરીર બહુ ક્ષીણ થઇ ગયું છે.. કશુંજ ગમતું નથી…બેડમાં પડીજ રહી છું..

ખાસ્સી વારે દરવાજો નોક થયો.. મેં  ઉભા થયા વગરજ બૂમ પાડી

“ કમ ઓન ઇન…!!!”

દરવાજો ખૂલ્યો..મેં મારી પાછળ ગોઠવાયેલા લાર્જ સાઈઝ મિરરમાંથી એમને જોયા..

આવ્યા મારી પાસે ….મારા બેડની બાજુમાં  એક ચેર હતી તેના પર બેસી ગયા..

મૌન હતા.. હું ધારી ધારીને એમના ચહેરા સામે જોઈ રહી હતી…

“ ચકી..! બહુ ચિંતા થતી હતી તારી..” બહુ વારે તેઓ બોલ્યા.. અવાજમાં ખર્રાશ આવી ગઈ હતી..

“ કેમ….?? મારી ચિંતા કરવા  જેવો સંબંધ છે આપણો..??

એમણે મારી હથેળી હાથમાં લીધી..અને તેના પર બીજો હાથ ફેરવતા રહ્યા… બસ નીચું જોઇને બેસી રહ્યા..પહેલીજ વખત પરપુરુષના સ્પર્શનો અનુભવ થયો….ક્ષીણ શરીરે પણ સ્પર્શના કાનખજૂરાના સળવળાટનો અનુભવ અત્યંત રોમાંચકારી લાગ્યો….રોમરોમ પ્રગટ્યું સ્પર્શનું અજવાળું…..શરીરમાં રક્તનું જાણે પૂર આવ્યું હોય તેમ આખા શરીરમાં ભ્રમણ થવા માંડ્યું..શરીરનું ઉષ્ણતામાન અસામાન્ય બનવા લાગ્યું….મારા પગ ભીડાવા માંડ્યા અને પગની આંટીઓ વળી ગઈ..અને એક ગરમ ગરમ પાણીનું બુંદ મારા હાથ પર પડ્યું.. હું ચમકી ગઈ.. બસ… સ્પર્શનો રોમાંચ ઓસરી ગયો.. ત્વચા અને શરીરનાં અન્ય કોશો ઢીલાં થઇ ગયાં..  મેં એમની સામે જોયું.. એમણે પણ મારી સામે જોયું… હોઠ ભીડાયેલા હતા અને નકારમાં માથું ધુણાવતા હતા..સહેજ અધડુંકા ઉભા થયા.. ખિસ્સામાંથી એક નાનકડું એન્વેલપ મારા હાથમાં પકડાવી દીધું અને મારા હાથ પર એક ચૂંબન કરીને સડસડાટ બહાર નીકળી ગયા.. હું કાંઈ પણ સમજુ એ પહેલાતો એ નીકળી ગયા… મારી બૂમ મારા હોઠ પાસે આવીને થંભી ગઈ.. થોડીવાર લાગી મને આ ઝંઝાવાતમાંથી બહાર આવતા અને સ્વસ્થ થતાં.. મેં એન્વેલપ ખોલ્યું.. એક  મોટા કાગળ પર બરોબર વચ્ચે કાળા મોટ્ટા અક્ષરે લખ્યું હતું… “ ના “

અને પછી નીચે નાના અક્ષરે લખ્યું હતું..

“મારી વહાલી ચકી..

ચકી…મારી કમનસીબી એ છે કે હું કશુંજ પામી નથી શકતો.. હું..શાપિત પુરુષ છું… હા હું શાપિત પુરુષ છું.. હું..હું.. હું.. સત્વહીન પુરુષ છું..

XXX                XXX             XXX

આજે આ વહેલી પરોઢે એકાંતમાં એ વિખરાયેલા ચહેરાની કરચો ભેગી કરું છું…અને તોયે ક્યાં થાય છે ભેગો સંપૂર્ણ ચહેરો..આમતેમ વિખરાયેલા એકાંતનાં ટુકડાઓમાંથી અનાયાસ ઉપસી આવેલો એ ચહેરો ભલે  પીડા આપતો, ભલે દર્દ આપતો.. તોય એ ચહેરો મારો છે.. મારા અંતરમાં એ કેદ છે

મારા કાનમાં ગુંજે છે એના ગીતનાં શબ્દો..

“પાસપાસે તોય,

કેટલાં જોજન દુરનો આપણો વાસ..!

આમતો ગગન સાવ અડોઅડ,

તોય છેટાંનો ભાસ ……!! “

XXXXXXXXXXX

વિજય ઠક્કર

હું જાઉ…???

બ્રિગેડીયર મજાકના મુડમાં હતા અને એમને કંઇક સૂજ્યું અને એમણે કહ્યું : “ અજય સા’બ માનાકી આપ બેચલર હૈ પર આપકી કોઈ દોસ્ત તો હોગી હી નાં! ભાઈ આપકી તો કોઈ નાં કોઈ ગર્લફ્રેન્ડ હોગી હી…ઉન્હેં લે આનાથ…

Source: હું જાઉ…???

હું જાઉ…???

ડ્રાયવરને સુચના આપી…જો ભાઈ આગળ જઈને જમણી બાજુ વળવાનું આવશે એટલે હવે ગાડી જરા ધીમે ચલાવજો.. રોડના ડીવાઈડર પર અંગ્રેજીમાં  “આર્મી” લખેલું એક સાઈનબોર્ડ આવ્યું.. ડ્રાઈવરે રાઈટ ટર્ન લીધો.. અને ગેટ પાસે ગાડી થોભાવી દીધી. આ આર્મી કેન્ટોનમેન્ટ છે.  ગેટ બંધ હતો. બાજુના વિકેટ ગેટમાંથી  બે આર્મીના જવાનો એક સાથે બહાર આવ્યા અને કારની વિન્ડો પાસે આવ્યા એટલે અજયે વિન્ડોનો ગ્લાસ નીચે ઉતાર્યો. એક જવાન,  ગેટકીપર હતો અને બીજો જવાન કર્નલ બાબુનો માણસ હતો.

કર્નલ બાબુના માણસે પૂછ્યું : “ સર..આર યુ મી.અજયકુમાર? “

“ હાં..જી..”

જવાને સેલ્યુટ કરી અને કહ્યું “ સર.. જયહિન્દ, સર..હમારા નામ ફ્તેહબહાદુર હૈ સર..”

અજયે પણ પ્રત્યુત્તરમાં એને  સેલ્યુટ કરી અને કહ્યું: “ જયહિન્દ “

કર્નલ બાબુ સા’બને હમેં આપકો ગાઈડ કરને ભેજા હૈ..સર.. હમ આગેકી સીટમેં બૈઠ સકતે હૈ સર..?”

“ યેસ પ્લીઝ ..”

ફતેહ્બહાદુર, ગોરખા રેજીમેન્ટના આ જવાનનાં ચાલચલનમાં લશ્કરી શિસ્તનું અદભૂત દર્શન થતું હતું.વાક્યની શરૂઆતમાં અને અંતમાં ફતેહ્બહાદુર સર બોલતો હતો અને  એ સાંભળવાનો  અજયના કાન માટે નવોજ અનુભવ હતો.

ડ્રાઈવરે આગળનો દરવાજો ખોલ્યો અને ફ્તેહબહાદુર આગળની સીટમાં બેસી ગયો.. ગેટકીપરે દરવાજો ખોલ્યો અને કાર કેન્ટોન્મેન્ટમાં પ્રવેશી.. જિંદગીનો આ પહેલો અનુભવ હતો આર્મી કેન્ટોન્મેન્ટમાં જવાનો.  ફ્તેહ્બહાદુર ડ્રાયવરને સુચના આપીને વેન્યુ તરફ લઇ જઈ રહ્યો હતો.. કાર કેન્ટોનમેન્ટના રસ્તા પર ધીમી ગતિએ જેમજેમ આગળ વધતી હતી અજય  ત્યાંના વાતાવરણમાં ખોવાતો જતો હતો…અદભૂત નજારો હતો. અંધારું જામતું જતું હતું..પુનમનો ચંદ્ર પણ એની ઉત્કૃષ્ટ કક્ષાએથી શીતળ અજવાસ પાથરી રહ્યો હતો, નાનાં  જીવજંતુઓનાં લયબદ્ધ દ્વનીથી વાતાવરણ ભરાઈ ગયું હતું.. રાતનાં લગભગ સાડા આઠ વાગ્યા છે પણ અહીં સમય ઘડિયાળની મર્યાદા વટાવીને આગળ દોડતો હોય એમ લાગે છે.. અજય ખાસો એક કલાક મોડો છે. અજયને ચોક્કસ ખાતરી છે કે બધાજ લોકો એની રાહ જોતા હશે જ કારણ આજની મહેફિલનું  એજ તો મુખ્ય આકર્ષણછે.

લગભગ સાત આંઠ મીનીટના ડ્રાઈવ પછી કાર ગોલ્ડન કટાર ડીવીઝનના ક્લબ હાઉસના લોન પ્લોટના

ગેટ પાસે પહોંચી . ફતેહ્બહાદુરે ડ્રાયવરને દૂરથીજ  ગેટ પાસે ગાડી થોભાવવાની સુચના આપી દીધી હતી.

કર્નલ બાબુ ગેટ પાસેજ ઉભા હતા અજયને આવકારવા પણ એ પહેલાં સામેથી એક જવાન આવ્યો અને કારનો દરવાજો ખોલ્યો. સેરીમોનીયલ યુનિફોર્મમાં આવેલા એ જવાને સેલ્યુટ કરી..પ્રતિભાવમાં અજયે પણ હાથ ઉંચો કરીને એનો આદર કર્યો અને કર્નલ બાબુ સાથે જોડાયો. જવાન એમને મહેફિલ સ્થળ તરફ દોરી જતો હતો અને અજય ચાલતા ચાલતા કર્નલ બાબુ સાથે ઔપચારિક વાતો કરતો હતો.. બહુજ સરસ માદક  વાતાવરણ હતું.. આછું આછું અજવાળું, પીળી મદ્ધિમ લાઈટો અને લોન પરની ઠંડક અને લોન પ્લોટના એક કોર્નર પર જુદી જુદી ઉંમરની ચાળીસ-પચાસ સ્ત્રીઓ અલગ ગોઠવાયેલી છે, પોતાનાં બાળકોને સાચવતી..વાતો કરતી.. હંસી મજાક કરતી અને એ જ તરફથી અવારનવાર પવનના ઝોંકા સાથે વાતાવરણમાં ફેલાઈ જતી કોલોનની- પરફ્યુંમ્સની સુવાસથી મસ્તિષ્કમાં તાજગી પ્રસરી ગઈ.. આર્મી અફસરોની આ સોફેસ્ટીકેટેડ અને  ખૂબ રૂપાળી પત્નીઓ એમની મસ્તીમાં હતી.. કોઈ પોતે તો કોઈ પોતાનાં બાળકોને હાઉસી રમાડતી હતી.

 

લોન પ્લોટમાં પ્રવેશતાંજ સામે  કોર્નર પર કેટલાક અફસરો  ખુરશીઓમાં બેઠા હતાં અને એમના સેન્ટરમાં એક બહુજ મોટા અફસર હતા..કર્નલ બાબુએ  ત્યાં પ્રવેશતાંજ દૂર બેઠેલા એ અફસર તરફ ધ્યાન દોર્યું  અને કહ્યું “ અજય બાબુ વો જો બીચમેં બૈઠે હૈ વે હૈ બ્રિગેડીયર સુદ…એન્ડ હી ઇઝ ચીફ ઓફ ગોલ્ડન કટાર ડીવીઝન હિયર..”

ગોલ્ડન કટાર ડીવીઝનની અલગ અલગ બટાલીયનોનાં અફસરો  આખા પ્લોટમાં અહીં તહીં અલગ અલગ ગ્રુપમાં ઉભાં ઉભાં ગપ્પાં મારતા હતા. એક કોર્નર પર બનાવેલા  બારમાંથી બધાને ઊંચી જાતનો શરાબ સર્વ થતો હતો.. લગભગ બધાજ અફસરોના હાથમાં લીકર ગ્લાસમાં દરેકને અનુકૂળ બ્રાન્ડનો અને ચોઈસ મુજબનો શરાબ હતો અને તેમાંથી ચુસકીઓ લેવાતી હતી..વચ્ચે વચ્ચે “ઓરડર્લી “ સોડા-પાણી-આઈસ અને  સર્વિંગ ટ્રેમાં અલગ અલગ મંચર્સ લઈને ફરતા હતા. કોઈકની પાસે ફ્રાઈડ પી-નટ્સ તો કોઈકની પાસે ચીઝ રોલ્સ, આલું પકોડા હતા અને જેની જે ઇચ્છા થાય તે, ટુથ પીકમાં ભરાવીને શરાબના સીપ સાથે ખાઈ લેતા અને પછી શરાબની મસ્તીમાં ઝૂમતા હતા. કોઈ બોલકા અને મજાકિયા  અફસર વળી ક્યારેક અફસર પત્નીઓનાં ટોળામાં જઈ મજાક મસ્તી પણ કરી આવતા.

અજય, આ નજારો જોવામાં ગુલતાન હતો અને કર્નલ બાબુએ કહ્યું: “ ચલીયે અજય સા’બ આપકો બ્રિગેડીયરસે ઇન્ટ્રોડકશન કરવાતે હૈ..” અજય કર્નલ બાબુની સાથે થોડે દૂર કેટલાક અફસરો સાથે ઉભેલા બ્રિગેડીયર પાસે ગયા.  બ્રિગેડીયર લગભગ ૫૦-૫૫ આસપાસની ઉંમરનાં હશે, એકદમ સ્ટાઉટ બોડી અને વેલ ડ્રેસ્ડ હતા..

કર્નલ બાબુએ કહ્યું: “ એક્સક્યુઝ મી સર..”  બ્રિગેડીયર એમના તરફ વળ્યા અને કર્નલ બાબુએ મારી ઈન્ટ્રોડકશન આપી. “ સર ! ધીસ ઈઝ અજયબાબુ…હમારે બહુત હી અચ્છે દોસ્ત હૈ…!  દેશકે મશહુર ગઝલ સિંગરોમેં ઉનકા શુમાર હૈ.. “ બ્રિગેડીયરે શેકહેન્ડ કરતા કહ્યું: “ અરે વાહ ભઈ…!  યહ તો બડી ખુશીકી બાત હૈ..ધીસ ઈઝ અ બીગ સરપ્રાઈઝ ફોર ઓલ ઓફ અસ…ચલો આજ બડા મજા આએગા “

બ્રિગેડીયર સુદે એમના પત્નીની પણ અજય સાથે ઓળખાણ કરાવી..બંને એ નમસ્ત કર્યા.

“ અરે અજયસા’બ આજ આપ અકેલે હી કયું આયે જી ?” બ્રિગેડીયરે કહ્યું.

બધાં અફસરો હવે તેમનાં તરફ ફર્યા…કર્નલ બાબુએ મોરચો સંભાળતાં કહ્યું : “ સર..! હી ઈઝ બેચલર –“

“ઓહહહ… તભી ઇતને ખુશમીજાઝ દિખતે હે…! અજય બાબુ જરા દેખીયે હમારી તરફ…હમારે તો હંસને કે ભી હોશ નહીં રહે…” એમ કહીને બ્રિગેડીયરે એમનાં પત્ની તરફ એક નજર કરી લીધી.. થોડી વાત કરીને કર્નલ બાબુ અજયને બીજા અફસરોના ટોળા તરફ લઇ ગયા. અજય માટે કર્નલે “ ઓર્ડરલી”ને વ્હીસ્કી લઇ આવવા કહ્યું. “ઓર્ડરલી” એક ગ્લાસમાં વ્હીસ્કી લઇ આવ્યો. કર્નલ બાબુએ અજયને કહ્યું: “ લીજીયે સા’બ આજ બસ મન ચાહે ઇતના પીજીયે…ઝૂમીએ ઓર ફીર હમારે લીયે દિલ ખોલકર ગાઈએ..”

અજયે ગ્લાસ લીધો અને એટલામાં તો એની આગળ પાછળ ચાર-પાંચ અફસરો આવી ગયા.કર્નલે વારાફરતી બધાની ઓળખાણ કરાવી.” અજય સા’બ..!  યે હૈ મેજર સતીષ..યે હૈ મેજર વસંત..યે હૈ હમારે બહુત હી દમદાર અફસર મેજર જયરાજ…યે હૈ કેપ્ટન પાંડે ઔર યે હૈ હમારે દોસ્ત કેપ્ટન કદમ..”

 

ઓળખાણોનો દૌર અને વ્હીસ્કીના ઘૂંટ… સિગારેટ-પાઈપમાંથી આવતી તમાકુની કડવી કડક વાસ… ક્યાંકથી ખડખડાટ હસવાના અવાજો તો વળી ક્યાંકથી બચ્ચાઓનો રડવાનો અવાજ. થોડી થોડી વારે પવનના ઝોંકા સાથે ધસી આવતી પરફ્યુમ્સ-કોલોનની ખુશ્બુ.. બેકગ્રાઉન્ડમાં  ઘડીકમાં વાગતો શાસ્ત્રીય આલાપ તો ક્યારેક વાગતું  ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન…મસ્ત અને ખુશનુમા વાતાવરણ હતું. ત્યાં ઉપસ્થિત બધાંજ હળવા મૂડમાં હતાં.

 

આર્મીના વેસ્ટર્ન રીજીયનની ગોલ્ડન કટાર ડીવીઝનની ત્રણ બટાલીયનોનો દર મહીને યોજાતો આ ગેટ ટુ ગેધર પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામમાં અજયને કર્નલ બાબુએ એમના ખાસ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા હતા. અજય જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ મિત્ર હોવી અને આ પ્રોગ્રામમાં એને બોલાવવા એ કર્નલ બાબુ માટે ગૌરવ લેવા જેવી વાત હતી એટલે એ કાર્યક્રમમાં કર્નલ બાબુનો પણ કંઇક જૂદોજ માભો હતો. અજયને પણ અહીં ખૂબ મજા પડતી હતી.

આજે એ તદ્દન જુદાજ માહોલમાં હતો, વળી આખા ક્રાઉડમાં એ વિશિષ્ઠ વ્યક્તિ હતો. બધાજ એને ખૂબ માન આપતાં હતાં. બ્રિગેડીયર સૂદનો એ હમઉમ્ર હતો. ૫૨-૫૫ વર્ષનો આ ગઝલ ગાયક લશ્કરી અફસરો સાથે ભળી ગયો.

મહેફિલનો માહોલ હવે જામવા માંડ્યો હતો. શેરો-શાયરીનો દૌર શરુ થયો..બધા ઉપર શરાબની અસર ધીમેધીમે વર્તાવા માંડી હતી કારણ ત્યાં હાજર લગભગ તમામ લોકો ૨-૩ લાર્જ પેગ હલકની નીચે ઉતારી ચૂક્યા હતાં. ઈર્શાદ… વાહ.. શુભાનલ્લાહ..ક્યા બાત હૈ…જેવી દાદના અવાજો કયારેક ક્યારેક સંભળાતા હતા..

અજય આ મસ્ત-મજાની મહેફિલનો લુત્ફ ઉઠાવતો હતો.. મંદમંદ પવન અને શરાબની તલ્ખ ખુશ્બુની સાથે પરફ્યુમ્સ-કોલોનની  મહેકથી એકદમ માદક માહોલ થઇ ગયો હતો..અને એટલામાંજ કર્નલ બાબુએ આવીને કહ્યું..: “ અજય સા’બ આઇએ માહોલ બન ચૂકા હૈ..ઔર લોગ બેસબ્રીસે ઇન્તઝાર કર રહે હૈ આપકો સુનનેકા.. આઇએ ઔર બસ આજ ઇતના ગાઈએ કી સબકા દિલ ભર જાય..”

કર્નલ એમને ધીમે ધીમે સામે બનાવેલા રેઝ પ્લેટફોર્મ તરફ લઇ ગયા અને એનાઉન્સમેન્ટ કર્યું..

“ મે આઈ નાવ  યોર એટેન્શન પ્લીઝ..!!” મહેફિલમાં એકદમ ચૂપ્પી છવાઈ ગઈ

“ ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન.. એઝ યુ ઓલ નો, વી હવે ટુડે વિથ અસ આ વેલનોન ગઝલસિંગર મી. અજય, ઇન ધીસ ગેધરીંગ… વન્સ અગેઇન આઈ વેલકમ હિમ  ઓન બી હાફ ઓફ યુ ઓલ… એન્ડ નાઉ… આઈ રીક્વેસ્ટ આર સ્પેશ્યલ ગેસ્ટ ઓફ ટુડે’ઝ  બ્યુટીફૂલ ઇવનિંગ, મી. અજય, ટુ સિંગ બ્યુટીફૂલ  ગઝલ્સ ફોર અસ .. બીગ એપ્લોડ્સ ફોર અજયબાબુ..”

મહેફિલમાં એકદમ સન્નાટો વ્યાપી ગયો.. બધાંજ એકદમ શાંત.. અજય એની બેઠક પર ગોઠવાયો અને હાર્મોનિયમ લઈને આલાપ આપ્યો.. શરૂઆત એક શેરથી કરી..

 

“ હમારા  હશ્ર  તો  જો  હુઆ,  હુઆ લેકિન,

દુઆ યે હૈ, કી તેરી આંખે બસ સંવર જાયે,

નિગાહેં શૌક નહીં હૈ, નિગાહેં  શૌક   શર્મી,

જો એકબાર  રૂઠે  યાર  પર  ઠહર  જાએ …”

 

લોકો મંત્રમુગ્ધ થઇ ગયા..વાહ વાહના પોકારો અને તાળીઓનો ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. લગભગ એક-દોઢ કલાક સુધી ખૂબ સરસ ગઝલો ગઈ અને ત્યારબાદ ઊભા થવાની ઇજાજત માંગી પણ લોકોએ” કુછ ઔર..કુછ ઔર  સુનાઈએ સર “ એમ કહીને વધારે ગાવા માટે મજબુર કર્યો.. ત્યારબાદ બીજી ત્રણ-ચાર ગઝલો ગાઈને કાર્યક્રમ પૂરો કર્યો.. બધાં ડીનર માટે ગયાં…અજયની આગળ પાછળ ટોળું થઇ ગયું..બધા એની સાથે હાથ મિલાવવા તો કોઈ એની સાથે સેલ્ફી પડાવવા આતુર હતા.લોકોએ ખૂબ કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા. અનિચ્છાએ પણ સમયની પાબંદીને કારણે કાર્યક્રમ વહેલો પૂરો કરવો પડ્યો.

કર્નલ બાબુ અજયને જમવા માટે લઇ ગયા …બ્રિગેડીયર સૂદ એમના પત્ની અને અજય અને બીજા ત્રણ-ચાર અફસરો સાથે જમતાં હતાં. હવે ઔપચારિકતા રહી ના હતી.. બ્રિગેડીયર મજાકના મુડમાં હતા અને એમને કંઇક સૂજ્યું અને એમણે કહ્યું : “ અજય સા’બ માનાકી આપ બેચલર હૈ પર આપકી કોઈ દોસ્ત તો હોગી હી નાં! ભાઈ આપકી તો કોઈ નાં કોઈ ગર્લફ્રેન્ડ હોગી હી…ઉન્હેં લે આનાથ ઇસ મહેફિલમેં સા’બ.. આપ અકેલે આએ હમેં અચ્છા નહીં લગા સા’બ..”

અજયે હસતા હસતા કહ્યું: “ ક્યા કરે સા’બ હમ હૈ હી અકેલે …નાં કોઈ દોસ્ત..નાં કોઈ હમસફર “

“અરે …!!! ક્યા બાત કરતે હૈ સર .. આપકી તો બહુત સારી સુંદર સુંદર લડકિયાં ફેન્સ  હોંગી…? “

હમ સચ કહેતે હૈ સા’બજી…આપ વિશ્વાસ કીજીયે હમારા..”

“ હમે યકીન નહીં હોતા હૈ સા’બ…આપ જૈસે ઇન્સાનકી કોઈ ગર્લફ્રેન્ડ ના હો…!”

“ અબ ક્યા બતાએ સા’બ જિંદગીમેં કભીકભી કુછ છૂટ જાતા હૈ પીછે…ઔર રહ જાતે હૈ કુછ લોગ અકેલે…દેખિયે હમારી તરહ..” અજય સહેજ દર્દીલા અવાજમાં બોલ્યો…પાણીની પરત બાઝી ગઈ આંખોમાં..

 

મહેફિલ પૂરી થવાની તૈયારી હતી. બ્રિગેડીયર અને તેમના પત્નીને વિદાય આપવા બધાજ અફ્સર્સ ભેગા થયાં અને તેમની પત્નીઓ પણ ત્યાં આવી ગઈ.. શોફર કાળી એમ્બેસેડર ગાડી લાઉંજમાં લઇ આવ્યો.. ઓર્ડરલીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને બ્રિગેડીયર ગાડીમાં બેસતા બેસતા રોકાઈ ગયા અને અજયને પાસે બોલાવી આભાર માન્યો અને વિદાય થયા. બીજા બધા અફસરો પણ વિખરાવાની તૈયારી કરવા માંડ્યા અને એટલામાંજ મેજર જયરાજ અજય પાસે આવ્યા. કર્નલ બાબુ પણ ત્યાંજ ઉભા હતા.

“ એક્સક્યુઝ મી સર…!”

“ યસ ઓફીસર ..!” અજયે કહ્યું

“ વ્હોટ હેપન્ડ મેજર..?” કર્નલે પૂછ્યું

“ કુછ નહીં સર અભી યે જવાન મેરે ક્વાર્ટરસે આયા ઔર મરી મમ્માકા મેસેજ લાયા હૈ..”

“ ક્યા હુઆ..એનીથિંગ સિરિયસ..?” કર્નલે પૂછ્યું

“ સરસ… નહીં નહીં સર. અભી અજય સા’બને જો ગઝલે ગાઈ ઓર ઉનકી આવાઝ મેરે ક્વાર્ટર તક ગઈ હોગી ઓર મમ્માને શાયદ ઇન્હેં સુના…એન્ડ શી વોન્ટસ ટુ સી મી.અજય .”

“ ઓહ ધેટ્સ વેરી ગૂડ, બટ યુ નો વ્હોટ…! ઇટ્સ ટુ લેટ નાઉ” કર્નલની બહુ ઈચ્છા ન હતી

“ સર મેં જ્યાદા નહીં રોકુંગા ઇન્હેં સર..! યુ નો, શી કાન્ટ વોક સર ..અધરવાઈઝ  મેં મમ્માકો યંહા લે આતા… અજય સા’બ..પ્લીઝ ઇફ યુ કેન સ્પેર ફયુ મીનીટસ…પ્લીઝ સર..” મેજર જયરાજનો અવાજ ઢીલો પડી ગયો.

“ ઠીક હૈ … ઐસા કરતે હૈ કર્નલ અગર આપ થકે હો તો ડઝન્ટ મેટર, યુ ટેક રેસ્ટ ઓર મૈ જાતા હું મેજર કે સાથ  ઇનકે યહાં. થોડી દેર વહાં રુક કે ધેન આઈ’લ પ્રોસીડ ફોર માય હોમ”

“ ચલો ઠીક હૈ..” કર્નલે આવવાનું ટાળ્યું. મેજર જયરાજ બહુ ખુશ થઇ ગયા.

“ ચલીયે મેજર સા’બ..અબ હમ આપકે હવાલે હૈ”

“ હાંજી ચલીયે સર ! થેંક યુ વેરી મચ અજય સા’બ..મેરી મમ્મા આજ બહુત ખુશ હોગી સર..! હું આપને વધારે સમય રોકીશ નહીં “ મેજરે ગુજરાતીમાં વાત કરવા માંડી. અજય આશ્ચર્યમાં પડી ગયા. બંને ગાડીમાં ગોઠવાયા અને ગાડી મેજરના ક્વાર્ટર તરફ દોડવા માંડી.

“ મેજર તમે ગુજરાતી બહુ સારું બોલો છો.”

“ જી સર…આપને જાણીને આશ્ચર્ય થશે પણ હું ગુજરાતી છું સર.”

“ ઓહ ધેટ્સ ગ્રેટ.. આર્મીમાં આઈ થીંક ગુજરાતી અફસરો બહુ ઓછા હશે ને ?”

“હા સર …વેરી ફયુ”

મેજરનું ક્વાર્ટર આવી ગયું…મેજરે બેલ વગાડ્યો અને ઓર્ડરલીએ દરવાજો ખોલ્યો… વરંડો વટાવીને બંને રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં ઝીણી લાઈટ સળગતી હતી. દરવાજાની સામે મોં રાખીને એક સ્ત્રી વ્હીલચેરમાં બેઠી હતી. મેજરે મોટી લાઈટ કરી અને અજય આશ્ચર્યચકિત થઇ ગયો અને જોરથી બોલી પડ્યો “ ઓહ માય ગોડ”

“ આવો …અ..જ..ય..! ઓળખી ગઈને હું તમારો અવાજ ? “

“મને… હું…મા..મને..” અજય થોથવાવા માંડ્યો.”

“તમે ગાતા હતા એ અહીં ધીમુંધીમું સંભળાતું હતું.. ત્યારેજ મને અન્દાજતો આવ્યો હતો પણ જ્યારે હમારા હશ્ર જો હુઆ વાળી ગઝલ સાંભળીનેતો મારો વિશ્વાસ પાક્કો થઇ ગયો કે તમેજ છો..”

જયરાજ આ સંવાદ સાંભળતો રહ્યો અને એની મમ્મા અને અજ્યબાબુ પરિચિત હોવાનું જાણીને બહુજ ખુશ થયો.

“ હું માની નથી શકતો સુહા કે આટલાં વર્ષો પછી આપણે…” અવાજમાં ખુશી અને દર્દનું મિશ્રણ થઇ ગયું. આંખોમાં પાણીની પરત થઇ આવી.

“આપ બેસોને પ્લીઝ સર, હું જસ્ટ ચેંજ કરીને આવું છું.”

અજય અને સુહાએ આશ્ચર્યોની આપલે બહુજ ઝડપથી સંકેલી લીધી.

“તમે ગઝલનો પહેલો શેર ગાયો  અને મારાથી બોલાઈ ગયું.. વાહ અજય. એક વાત કહું અજય…? આજે…આજે સવારથીજ મને થતું હતું કે આજે કંઇક સારું થવાનું છે.”

“ કેમ સુહા…?

‘ આજે સવારે મને જયે કહેલું કે સાંજની પાર્ટીમાં કોઈ ગઝલ સિંગર આવવાના છે, અને સાચું કહું અજય, મને એમજ થયા કરતુ હતું કે જાણે તમેજ આવવાનો છો…અરે.. તમે બેસોતો ખરા..હું તો તમને બેસવાનું કહેવાનું પણ ભૂલી ગઈ..”

અજય સામે પડેલા દીવાન પર બેસી ગયા. સુહા પણ વ્હીલચેર છેક દીવાનની નજીક લઇ આવી અને ત્યારેજ અજયનું સુહાની પરિસ્થિતિ પર ધ્યાન ગયું. અત્યાર સુધીનાં આશ્ચર્યોમાં એક વધારે દુઃખદ આશ્ચર્યનો ઉમેરો થયો..” આ શું થયું તને સુહા..?”

“અકસ્માત ..” બહુજ ટૂંકાણમાં એણે જવાબ આપ્યો. એ જાણે બહુ લાંબી વાત કરવા માગતી નહતી કારણ એને અજય સાથે થોડા સમયમાં ઘણી બધી વાતો કરવી હતી..એના નાનકડા પાલવમાં જાણે આખું આકાશ ભરી લેવું હતું. જયરાજ બીજા રૂમમાંથી ત્યાં આવી પહોંચ્યો. મમ્માને આટલી બધી ખુશ જોઇને એ પણ ખુશ થયો..

જયરાજે કહ્યું: “ સર..!”

અજયે એને ત્યાંજ અટકાવ્યો…” મેજર, હવે હું સર નથી… આઈ’મ યોર અંકલ..ઓ..કે..?

” યસ સર..” ત્રણેય જણા હસી પડયાં.

“ હું એક વાત કહું સ…અંકલ ?

“ યસ..યસ “

“ તમે આજે અહીં રોકાઈ જાવ બીકોઝ યુ નો વ્હોટ..અત્યારે ઘણું મોડું થયું છે અને આપે ડ્રીંક પણ કર્યું છે…અત્યારે નાં જાવ તો સારું..”

“ નથી જવાનું…” સત્તાવાહી સ્વરે સુહાએ કહ્યું અને અજય એની સામેજ જોઈ રહ્યો. થોડીક ક્ષણો પછી સુહાને અહેસાસ થયો કે એ પહેલાં જેવુંજ વર્તન કરી બેઠી…સહેજ છોભીલી પડી ગઈ અને બંને જણ એક સાથે  હસી પડ્યાં. અજયે બહુ જીદ ના કરી અને રોકાઈ જવાનું નક્કી કરી લીધું. ખરેખરતો એનાં મનમાં પણ એવી ઈચ્છા થઇજ હતી.અને  એમાંય વળી સુહાએ આદેશ કર્યો એટલે એની ઈચ્છાની પૂર્તિ થઇ ગઈ.

જયરાજે કહ્યું: “ અંકલ તમારે જ્યારે પણ સૂઈ જવું હોય ત્યારે બાજુના રુમમાં મારી બાજુના બેડમાં સૂઈ જજો. મેં બેડશીટ બદલીને આપના માટે બેડ તૈયાર રાખ્યો છે. પાણીનો જગ પણ આપના બેડની બાજુમાં ટીપોય પર મુક્યો છે.”

“ થેન્ક્સ મેજર “

“અને હા અંકલ, હવે હું પણ મેજર નથી. આઈ’મ જયરાજ…સો પ્લીઝ કોલ મી જયરાજ,જય ઓર વ્હોટેવર  યુ લાઈક અકળ…ઓ..કે ..!”

“ યસ મેજ…જયરાજ …” ત્રણેય ફરી પાછા એકસાથે હસી પડયાં.

“ મમ્મા હું સુઈ જાઉં..? મારે મોર્નિંગ ડ્યુટી છે..”

“ હા બેટા તું સુઈ જા, અમે થોડીવાર બેઠા છીએ..”

“ ગુડ નાઈટ મમ્મા.. ગુડ નાઈટ અંકલ ..!”

“ગુડ નાઈટ “ બંને સાથેજ બોલ્યા

અજય અને સુહા વાતો કરતાં રહ્યાં. રાત ઘણી વીતી ગઈ. પોતાના વિષે અને પરિવાર વિષે વાતો થતી રહી. બસ વાતોવાતોમાં સુહા વિચારોમાં અટવાઈ ગઈ.

“ સુહા…સુ..હા !”

“હમ…હા હા શું..?”

“ ક્યાં ખોવાઈ ગઈ ? તારી ખોવાઈ જવાની આદત હજી એમની એમજ છે..નહીં..? “

સુહા સહેજ હસી.

“સુહા..જાય બહુ સ્માર્ટ છે..એની પહોળી મર્દાના છાતી, ભરાવદાર મોં, નાની મૂછો ગોરો વાન …અને..”

“અને શું અજય..?”

“અને તારા જેવી જ પાણીદાર આંખો, તારા જેવોજ અવાજ અને તારા જેવીજ ચાલ”

“ અને બીજું શું મારા જેવું ?”

“ તારા જેવોજ ધીર ગંભીર અને પ્રેમાળ બહુજ ઝડપથી આત્મીય બની જાય એવો.”

“ હા “ એની આંખમાં ચમક આવી ગઈ.

“ સુહા આપણે આમ આજે અચાનક મળ્યાં કેવી કુદરતની કમાલ ?”

“ મને બહુ ગમ્યું “

“હું પણ બહુજ ખુશ થયો સુહા બલકે એમ કહું કે જીવનની અંતિમ ઈચ્છા પૂરી કરી દીધી “

“ અજય..! તારો પરિવાર ? તું સેટલ થઇ ગયો..?”

એક નિ:સાસો તેનાથી નીકળી ગયો.. છાતીમાં શ્વાસ ભરીને અજયે કહ્યું, “ સુહા..! પરણ્યો તો નહીં, અને સેટલ વળી એકલા માણસને શું થવાનું? ગાઉં છું, જીવવા માટે થોડું કમાઉં છું અને..?”

“ અને શું ?”

“ તને મળવાની ઈચ્છામાં દિવસો પસાર કરતો હતો..સુહા ! જિંદગીની સફરમાં આપણે ક્યારેક હથેળીઓ જ્ક્ડેલી અને સાથે પગલાંઓ પાડેલાં અને શમણાંનાં આકાશે વિહરતાં એક દિવસ આપણી દિશાઓ ફંટાઈ ગઈ…!  બસ એ તરસ… એ તડપ… લઈને જીવ્યો.. જીવ્યાજ કર્યો.”

“ સુહા ! તું કેમ છું…? સુખી છું ..???

“ કશું જ ના સમજાય એનું નામ જિંદગી અજય ..”

“ સુખી તો છું ને .. સુહા ..?”

“ હા…ટૂંકમાં પતાવ્યું.”

“ તારો પરિવાર…જયના બીજા ભાઈ-બહેન?”

“ એનો એક નાનો ભાઈ છે કુલદીપ… ચેન્નાઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર છે અને એના પપ્પા એની સાથે રહે છે અને હું જય સાથે. આમ પણ મારે આ શહેર છોડવું ન હતું..”

“ સુહા ! કેવું લાગે છે આજે આપણે મળ્યાં તેથી ?”

“ હાશ થઇ ગઈ… જાણે જીવનની બધીજ એષણાઓનો અંત આવી ગયો..”

“ તને કેવું લાગે છે અજય…?” અજયને ‘તમે’માંથી અનાયાસજ ‘ તું ‘  કહેવાઈ ગયું.. પણ અજયનાં  ધ્યાનમાં એ આવ્યું નહીં. અજય એકીટસે સુહાને જોઈ રહ્યો હતો.

“ સાચું કહું સુહા…અત્યંત રોમાંચક…જીવનની તરસ પૂરી થઇ ગઈ…યુ આર ગ્રેટ માય ડીયર… એક વાત કહું …તને હું પામી ના શક્યો એનો બહુજ રંજ રહ્યો છે દોસ્ત..પ..પપ..પણ આજે…આજે તને એકવાર ફરી મળવાથી જીવનમાં હવે કોઈજ ઈચ્છા બાકી નથી રહી..”

રાતના ત્રણ વાગી ગયા હતા. બહુજ વાતો કર્યા પછી થોડી વાર સૂતાં. અજયની આંખ ખુલી ત્યારે તો ઘણું મોડું થઇ ગયેલું. સુહા કિચનમાં પ્લેટફોર્મ પાસે વ્હીલચેરમાં બેઠાં બેઠાં કાંઇક કરતી હતી. અજયને બેડમાં સૂતાં સૂતાંજ રસોડાનું દ્રશ્ય દેખાતું હતું, તે ધીમેથી ઊભો થા… પણ બેચેની લાગી એટલે પાછો બેડમાં આડો પડ્યો.રાતનાં ઉજાગરાથી શરીરમાં ખૂબ સુસ્તી હતી.. રાત્રે ડ્રીંક કરેલું એટલે એનું હેંગઓવર પણ હતું. અજય પાછો સૂઈ ગયો.

સવારનાં લગભગ દસેક વાગે સુહાઈ આવીને એને જગાડવા માટે બુમ પાડી.

“ અજય “ વર્ષોથી મનમાં ગોપાવી રાખેલું એ વહાલું નામ પોકારતાં રોમાંચ થઇ આવ્યો.

અજયે આંખ ઉઘાડી..

“ ઉઠ અજય ! બહુ મોડું થઇ ગયું છે…જય તો ડ્યુટી પર જતો પણ રહ્યો. ..”

અજય ઊઠીને ફ્રેશ થઇ ગયો..ચા પીધી અને સાથે સુહા એ એના માટે બનાવેલા બટર  ટોસ્ટ  અને હાફ ફ્રાઈડ ઓમલેટ ખાધા. કપડાં ચેન્જ કરી લીધાં

“ સુહા ..!’

“ હં..”

“ હું જાઉં..???”

“…………………”

બંને દ્વિધામાં હતાં. કોઈ ઇચ્છતું ન હતું વિખૂટાં પડવાનું. અજય સુહાની વ્હીલચેર પાસે આવ્યો અને પાછળના ભાગે ઊભા રહી સુહાના બંને ખભે હાથ મૂક્યા…વ્હીલચેરને ધક્કો મારીને દીવાન પાસે લઇ આવ્યો અને સુહાની સામે આવીને બેસી ગયો. સુહાના ચહેરા પર હાથ ફેરવ્યો…એની આંખો, એનાં ગાલ, એના હોઠપર આંગળીયો ફેરવી અને આખો ચહેરો બેય હાથોમાં સમાવી લીધો….સુહાની છાતી સરસું માથું મૂક્યું…સુહાના હાથ વીંટળાઈ વળ્યાં…શ્વાસોની ગતિ તેજ થઇ ગઈ..અશબ્દ ક્ષણો વીતી રહી…અજયનું માથું ક્યાંય સુધી એના ખોળામાંજ રહેવા દીધું… બિલકુલ ચૂપ બંને… ઉના લ્હાય શ્વાસ…ની:શ્વાસ…માથામાં સુહાની આંગળીઓ ફરતી રહી. આંખોમાંથી ઉના ઉના ચાર બુંદ અજયના માથા પર પડ્યાં…અજય સાવ શાંત હતો.. થોડીવારે સુહાએ બે હાથમાં અજયનો માથું લઈને ઊંચું કર્યું….આંખો બંધ હતી… એના કપાળે એની આંખોએ એના ગાલ પર ..એના હોઠ પર સુહાએ ચૂમી લીધી….પણ એ સાથેજ અજયનું માથું એકદમ ઢળી પડ્યું…

“નાઆઆઆઆ……….” મોમાંથી એક ચીસ નીકળી ગઈ….

 

************