Gujarati eBook| રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર | Biography | VIJAY THAKKAR

Gujarati eBook રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર by VIJAY THAKKAR in Biography genre, Matrubharti is biggest source of Indian eBooks available on web, android and iPhone

Source: Gujarati eBook| રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર | Biography | VIJAY THAKKAR

ત્રીજા ખૂણેથી…….

વારના લગભગ અગિયાર વાગ્યા છે. વિલાસ ચોકસીની સફાયર પર્લ કલરની મર્સિડીઝ બેન્ઝ એલએક્સ એસયુવી કાર ગ્રીન સ્ટ્રીટ પરથી રાઇટ ટર્ન લઈને રૂટ વન સાઉથ તરફ મર્જ થઇ. ૫૦ માઈલ પર અવરની સ્પીડનો રોડ હોવાથી અને પ્રમાણમાં ટ્રાફિક પણ ઓછો હોવાથી વિલાસ ચોકસીની કાર સડસડાટ દોડી રહી હતી અને એ કોઈકની સાથે બ્લુ ટુથથી સ્પીકર ઓન રાખીને વાત કરતા હતા. પ્લેનફિલ્ડ એવન્યુ પરની ચોકસી એન્ડ ચોકસી એલએલસીની એમની ઓફિસે પહોંચતા પંદર મિનિટ લાગે એ દરમિયાન એક બે અગત્યના ફોન કરી લે. જૂનાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીન વિલાસ ચોકસીની કારમાં સિક્સ સીડી ચેન્જરમાંથી મેલોડીયસ ગીતો કાયમ વાગતા હોય અને અત્યારે પણ મુકેશ અને લતાના ડ્યુએટ્સ વાગે છે. ફિલ્મ બરસાતનું ગીત વાગવા માંડ્યું જોકે એમનું ધ્યાન કોઈકની સાથે ફોન પરની વાતમાં હતું અને લતાનાં અવાજમાં અંતરો ગવાયો “ છૂટ ગયા બાલમ હાય છૂટ ગયા બાલમ સાથ હમારા છૂટ ગયા… તૂટ ગયા બાલમ હાય, તૂટ ગયા બાલમ મેરા પ્યાર ભરા દિલ તૂટ ગયા” એમણે અચાનક ફોન ડિસ્કનેકટ કર્યો. રીવાઈન્ડ કરીને ગીતનો અંતરો ફરી સાંભળ્યો અને સ્મૃતિના તાર અતીત સાથે જોડાઈ ગયા… બહુ વર્ષો પછી એ ચહેરો અચાનક યાદ આવી ગયો. હૃદયમાં એક કસક ઉઠી…આંખોમાં એક આવરણ આવી ગયું અને ફરી ગીતનાં શબ્દોમાં  ખોવાઈ ગયા.

***                        ***                                   ***

 

“ હયાતી….એય… હયાતી..?”

“ શું…….છે..?”

“ અરે આમ ગુસ્સો કેમ કરે છે…..??”

“ મેં ક્યા ગુસ્સો કર્યો ???”

“ તું આટલી ઉદ્ધતાઇથી મારી સાથે વાત કરે છે અને….”  વાક્ય અધૂરું છોડી દીધું

“…………………”

“…………………”

ન્યૂ જર્સીના રૂટ વન પર મર્સિડીઝ બેન્ઝ એલએક્સ એસયુવી કાર પુરપાટ ગતિએ દોડતી હતી અને વિલાસ ચોકસીનું મન એનાથીય તીવ્ર ગતિએ દોડતું છેક અતિતમાં આણંદના રેલવે સ્ટેશને લોકલ ટ્રેનની વિન્ડો પાસે પહોંચી ગયું હતું હયાતી પાસે.

                                              ****                     ****                             ****

ઓફીસ પ્લાઝા આવી ગયું. પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરી. બધું યંત્રવત થતું હતું અને ફરી સેલ ફોન રણક્યો અને વિલાસ ચોકસી અતીતમાંથી સીધા વર્તમાનમાં આવી ગયા. કાર લોક કરીને ઑફિસમાં ગયા. આખો ફર્સ્ટ ફ્લોર ચોકસી એન્ડ ચોકસી એલએલસી ના પઝેશનમાં છે. એલિવેટરમાં  ફર્સ્ટ ફ્લોર પર જતાં જમણા હાથે આખી ગ્લાસ વોલ છે અને એના ગ્લાસ ડોર્સ ખોલતાં જ એક મોટો પૅસેજ અને એની બન્ને બાજુ ત્રણ ઓફીસ ચેમ્બર્સ છે. એક વિશ્વેશની એની બરોબર બાજુની ઓફીસ કાજલની છે અને એ બંનેની સામે રિસેપ્શન કાઉન્ટર છે, એની બાજુમાં ભાગ્યશ્રીની ઓફીસ છે. વિલાસ ચોકસીની ઓફીસ છેક અંદર એક એવા કોર્નર પર છે જેની વિન્ડો રોડ સાઈડ પર છે એટલે નીચે રોડ પર થતી વાહનોની અને સામેના પ્લાઝામાં થતી લોકોની અવરજવર જોઈ શકાતી હતી. ચોકસી એન્ડ ચોકસી એલએલસી ની રીયલ એસ્ટેટ અને મોર્ટગેજ કમ્પનીની આ ઓફીસ એકદમ ભવ્ય છે. વિલાસ ચોકસીએ  હવે ઓફીસના કામકાજમાંથી લગભગ નિવૃત્તિ લઈ લીધી છે, જોકે હજુ એ નિયમિત ઓફીસ આવે છે અને આખો દિવસ બેસે છે. થોડાઘણાં અંગત મિત્રો સિવાય એમને કોઈ જ ક્લાયન્ટ્સ મળવા આવતા નથી કારણ એ બધું બિઝનેસનું કામ હવે વિશ્વેશ ડીલ કરે છે.

ન્યુ જર્સીમાં રીયલ એસ્ટેટ અને મોર્ટગેજનાં બિઝનેસમાં ખૂબ મોટું નામ છે એમની કંપનીનું. લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં વિલાસ પત્ની ભાગ્યશ્રી અને બે સંતાનો સાથે અમેરિકા આવી ગયા અને ધીમેધીમે અહીની જિંદગીમાં ગોઠવાતા ગયા. કોઈ વિશેષ શૈક્ષણિક લાયકાત હતી નહિ પણ મનમાં એક દ્રઢ નિર્ધાર હતો કે નોકરીતો નથી જ કરવી. શરૂઆતમાં નાનામોટા વ્યવસાય સાથે સંકળાયા અને સફળ થતા ગયા. પત્ની ભાગ્યશ્રીનો ખૂબ સપોર્ટ અને એમ કરતા રીયલ એસ્ટેટના  બિઝનેસમાં આવી ગયા અને ખૂબ સફળ થયા. વર્ષો વિતતા ગયા. ખૂબ દામ અને નામ કમાયા. ન્યૂ જર્સીની ઇન્ડિયન કમ્યુનિટીમાં પણ અગ્રેસર થઇ ગયા વિલાસ ચોકસી. દીકરો વિશ્વેશ અહીં આવીને ભણ્યો અને એ પણ ડેડીની સાથે બિઝનેસમાં જોડાઈ ગયો. ધીમે ધીમે બિઝનેસનો બધો ભાર એણે જ ઉપાડી લીધો. સદનસીબે એને પત્ની કાજલ પણ ખૂબ હોશિયાર મળી અને એ પણ જોડાઈ ગઈ ચોકસી એન્ડ ચોકસી એલએલસીમાં ફાઇનાન્સ કન્ટ્રોલર તરીકે. વિશ્વેશ અને કાજલે ખૂબ વિકસાવ્યો બિઝનેસ.

ચોકસી એન્ડ ચોકસી એલએલસી ની આટલી પ્રચંડ સફળતા એ વિલાસ ચોકસી અને ભાગ્યશ્રીની બંનેની સહિયારી મહેનતનું જ પરિણામ છે અને એમાં પાછો જોડાયો દીકરો વિશ્વેશ અને પુત્રવધૂ કાજલ.

ધીમે ધીમે વિલાસે જવાબદારી ઓછી કરવા માંડી અને હવે તો બસ કૉમ્યુનિટી સર્વિસ અને વાંચન અને મનગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવતા. વિલાસ ભાગ્યશ્રીને હમેશાં ‘શ્રી’ કહીને જ બોલાવતા. ખૂબ પ્રેમાળ ભાગ્યશ્રીને વિલાસ કાયમ કહે:

“શ્રી…તારા પગલે અને તારી મહેનત ને લીધેજ આપણે આટલા સુખી છીએ”

“મેં તો તમને સપોર્ટ કર્યો છે અને એ તો મારી ફરજ હતીને ? તમેય મહેનત કરવામાં ક્યાં પાછું વાળીને જોયું છે..?”

બંને ખૂબ પ્રેમ કરતા એકબીજાને. લગ્ન થયે ૪૫ વર્ષ થયાં અને દર પાંચમાં વર્ષે એ એમની મૅરેજ એનીવર્સરી સેલીબ્રેટ કરતા… આ વર્ષે પણ એમની એનીવર્સરીનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવાનું નક્કી થયું હતું.  ૨૦મી ડિસેમ્બર એમની એનીવર્સરી છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી એનું સેલિબ્રેશન થઇ જાય પછી સુહાસભાઈ અને ભાગ્યશ્રી ઇન્ડિયા વેકેશન માટે જતા. આ વખતે પણ સેલીબ્રેશનની તૈયારીઓ શરુ થઇ ગઈ હતી.

****                          ****                              ****

ઑફિસમાં યંત્રવત આવી ગયા અને રીવોલ્વીંગ ચેરના હેડરેસ્ટ પર માથું ટેકવીને બેસી ગયા…વિચારવા લાગ્યા “ કેમ આટલા બધા વર્ષો પછી હયાતી અચાનક યાદ આવી..??” પાછો એક વિચાર એ પણ આવ્યો કે આમતો સાવ અચાનક યાદ આવી છે એવું પણ ક્યાં છે..?… ક્યારેક ક્યારેક તો હયાતી સ્મરણમાં આવીને એની હયાતી નો અહેસાસ કરાવી જ જાય છે ને..!! છેલ્લા થોડા વખતમાં તો એવું ઘણી વાર બન્યું છે. વિચારો કરતા કરતા રીવોલ્વીંગ ચેરમાં ઝૂલતા હતા. કશુંક યાદ આવતા એકદમ ઉભા થઇ ગયા અને ગ્લાસ પૅનલ પર લગાડેલી વેનીશ્યન બ્લાઇન્ડ રોલ અપ કરીને ક્યાંય સુધી બારી બહાર નિર્હેતુક જોતા રહ્યા. આજે કશુંજ કરવાનું મન નથી થતું. મનમાં ખૂબ વ્યગ્રતા છે અજંપો છે અને અત્યંત ઉચાટ છે.

અતીતનું એ સાયુજ્ય અત્યારે તો એક ગમતી યાદ બનીને હૃદયમાં સંગ્રહાયેલું છે. હૃદયના એક ખૂણે પોતાના અસ્તિત્વની ભીનીભીની છાપ ઉપસાવીને અનિચ્છાએ પણ અન્ય માર્ગે ચૂપચાપ ચાલી નીકળેલી હયાતી આજે બહુ યાદ આવી ગઈ. સહેજ આંખો પણ નમ થઇ આવી વિલાસભાઈની. આટલા વર્ષો પછી પણ એનો ચહેરો એવો ને એવોજ યાદ છે….. અનુસંધાન થઇ ગયું એ ઘટના સાથે જ્યારે આણંદના રેલવે સ્ટેશને એ હયાતીને મળવા ગયા હતા…નિયતિના ખેલથી સાવ અજાણ એવા વિલાસ અને હયાતીને ક્યાં ખબર હતી કે વિલાસના લગ્ન પહેલાની એ છેલ્લી મુલાકાત બની રહેશે…!!!

****                             ****                           ****

લોકલ ટ્રેન હતી એટલે આણંદ સ્ટેશને ખાસ્સી વાર રોકાવાની હતી. હયાતી ટ્રેનમાં વિન્ડો સિટ પાસે હાથનો ટેકો લઈને બેઠી હતી. વિલાસ પ્લેટફોર્મ પર હયાતીની વિન્ડો પાસે ઉભા હતા અને એમણે એના હાથને એની હથેળીથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો અને જાણે ચારસો ચાલીસ વોટનો કરંટ લાગ્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો અને એકદમ ગુસ્સે થઇ ગઈ હયાતી:

“મને અડીશ નહિ.”

“અરે…..!!! હયાતી તું ગુસ્સો કેમ કરે છે…??”

“ …………….”

“ હયાતી તું કાંઈક બોલ તો ખરી..”

“……………..”

“મારી વાત તો સાંભળ !”

“બોલને તારે જે બોલવું હોય તે મેં ક્યાં કાન બંધ રાખ્યા છે. ?”

“હું તારા ઘરે આવું ?“

“ કેમ….હવે શું કામ પડ્યું..?”

“ બસ ચા પીવા”

“……………..”

“મેં કશુંક પૂછ્યું તને હયાતી તું કાંઈક જવાબ તો આપ ..?”

“તારે ગરજ હોય તો આવજે… મારે કશું કામ નથી..” હયાતીના આવા ઉગ્ર જવાબથી વિલાસભાઈ ડઘાઈ ગયા…..હાથની મુઠ્ઠીઓ વળી ગઈ….. બિલકુલ સ્તબ્ધ થઇ ગયા કારણ હયાતીનું આ સ્વરૂપ તે પહેલી વાર જોઈ રહ્યા હતા….બિલકુલ નિઃશબ્દ ક્ષણો વીતી…હયાતીના ચહેરા પરના ભાવ પણ બદલાઈ ગયા હતા અને ચહેરાની દિશા પણ. પાંચ-દસ મિનિટ પછી ટ્રેન ઉપડી અને એના ગન્તવ્ય તરફ દોડવા માંડી… ક્ષિતિજમાં ટ્રેન ઓગળી ગઈ ત્યાં સુધી વિલાસ એને એકી નજરે તાકી રહ્યા હતા.. હાથની મુઠ્ઠીઓ ખુલી ગઈ સાવ ખાલી હથેળી અને એમાં વિધાતાએ કરેલા ચિતરામણને જોઈ રહ્યા અને એક નિસાસો નીકળી ગયો…

હયાતીનું વર્તન અને એનો વ્યવહાર અચાનક કેમ બદલાઈ ગયાં  એ પ્રશ્ન બહુ લાંબા સમય સુધી નિરુત્તર રહ્યો અને જ્યારે એમને જાણ થઇ ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હતું. જીવનના એ અફસોસથી  વિલાસનું મન આળું થઇ ગયું. કોઇપણ કાળે એ વાત માનવા તૈયાર ન હતા કે હયાતીને એમની સાથેના સંબંધથી કોઈ નારાજગી હોય કારણ એ બે વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ થયો જ નહતો. વિલાસના પરિવારના લોકોને એમનો આ સંબંધ માન્ય નથી એવી જાણ કોઈક રીતે હયાતીને થઇ ગઈ અને એટલે એણે જાતે જ વિલાસના જીવનમાંથી દૂર થઈ જવાનો નિર્ણય કરી લીધો. વિલાસે જ્યારે જાણ્યું કે એને સુખી કરવા માટે હયાતીએ પોતાના પ્રેમનું બલિદાન આપ્યું અને પોતે દુઃખી થઈને પણ એના જીવનમાંથી દૂર થઇ જવાનો કપરો નિર્ણય કર્યો હતો ત્યારે એ હયાતી માટે ખૂબ દુઃખી થયા અને એનો દરજ્જો એમના મનમાં ખૂબ ઉંચો થઇ ગયો.

****                          ****                          ****

ઑફિસમાં બેઠાબેઠા અત્યારે પણ એક જોરદાર નિસાસો નીકળી ગયો અને એમની હથેળીઓ અનાયાસ ઉંચી થઇ અને આંખ સામે આવી ગઈ અને વિલાસ જોઈ રહ્યા હથેળીઓને…… અને હમણાં જ વાંચેલી ન્યૂ જર્સીનાં જ કવયિત્રી નિકેતા વ્યાસની એક ખૂબ સરસ ગઝલનો એક અદ્ભુત શેર જે એમના જીવનની કથની બયાન કરે છે તે યાદ આવી ગયો:

“આપીને હથેળીમાં તું ઢોળી નાંખે છે; / હસ્તરેખાઓને તું કેમ ચોળી નાંખે છે…???”

****                            ****                       ****

“ બાપુજી.. મારે તમને એક વાત કરવી છે..“

“ શું હતું..?”

“તમે મને છેલ્લા કેટલાય વખતથી લગ્ન માટે કહેતા હતા અને હું ના પાડતો હતો …હા એના કારણો હતા પણ હવે મને કોઈ વાંધો નથી. તમે જેમ કહેશો એમ અને જેની સાથે નક્કી કરશો એની સાથે હું લગ્ન કરવા તૈયાર છું.”

ઘડિયા લગ્ન લેવાયા. ભાગ્યશ્રી સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયાં. વિલાસના સદનસીબે ભાગ્યશ્રી અત્યંત સુંદર, નમણી, સમજદાર અને ખૂબ પ્રેમાળ છોકરી મળી. બિલકુલ એકબીજાને અનુકૂળ એવું જોડું હતું પણ વિલાસ ભાગ્યશ્રીને લગ્ન પહેલા એકવાર મળવા માંગતા હતા અને થયું પણ એમજ, મળ્યા.

પહેલાજ દિવસે વિલાસે ભાગ્યશ્રીને કહ્યું: “તું મને બહુ ગમે છે અને હું આજથી તને શ્રી કહીનેજ બોલાવીશ… તને ગમશે ને ?”

ભાગ્યશ્રી શરમાઈ ગઈ….કશું બોલી નહિ…. ફક્ત નીચું જોઇને બેસી રહી…

“ શ્રી…! કેવું લાગ્યું..?

“તમને ગમ્યું ને…?” બહુજ ધીમા અવાજે શરમાતા શરમાતા બોલી.

“હા મને બહુજ ગમ્યું….”

“તો મને પણ બહુ ગમ્યું…”

“પણ શ્રી, મારે તને કશુંક કહેવું છે….”

“ શું…??”

“ જો તું જરાય ચિંતા ના કરીશ કે ગભરાઈશ પણ નહીં પણ હું જે વાત કહું એ શાંતિથી સાંભળજે અને એના વિષે બહુ વિચારીશ નહિ. આપણા સુખી જીવન માટે હિતકર એવી એક વાત મારે તને કરવી છે હું ઈચ્છું છું કે આપણો સંબંધ પ્રમાણિકતાના પાયા પર ઉભો રહે… સ્થિર રહે અને એટલે જ હું તને લગ્ન થાય એ પહેલાં જ કશુંક કહેવા માંગુ છું.”

વિલાસની સમજાવટ છતાં ભાગ્યશ્રીને સહેજ ચિંતા તો થઇ આવી કે આ માણસ શું કહેશે ? મોટા દહેજની માંગણી કરશે કે શું…? પણ ધીરજ અને સ્વસ્થતા રાખીને આ સાંભળતી રહી…

****                       ****                      ****

“ આપણા ઘરની બરોબર સામે આપણીજ જ્ઞાતિનો એક પરિવાર રહે છે અને એમની એક દીકરી છે…હયાતી. લગભગ મારી જ ઉંમરની…અમે નાનપણથી સાથે ઉછર્યા અને મોટા થયા. અમે બંને એકબીજાને ક્યારે ગમવા માંડ્યા એ ખબર ના પડી અને ખૂબ પ્રેમ કરવા માંડ્યા..બેહદ પ્રેમ… જીવનનાં રંગો બદલાઈ ગયા… જીવનના અર્થો બદલાઈ ગયા, જીવનના રસ્તા બદલાઈ ગયા, જીવનના ગણિત બદલાઈ ગયા…..અને જીવનના ધ્યેય બદલાઈ ગયા…

“……………….” ભાગ્યશ્રી નીચું જોઇને સાંભળતી હતી…એના શ્વાસ ઝડપથી ચાલવા માંડ્યા.

“ શ્રી…..તું બરાબર છું ને …?”

ભાગ્યશ્રીએ ઊંચું જોયું અને એકીનજરે વિલાસને જોઈ રહી…કોઈ જ ભાવ એ ચહેરા પર ન હતા. બાજુમાં પડેલા જગમાંથી વિલાસે એક ગ્લાસમાં પાણી લઈ ભાગ્યશ્રીને આપ્યું. ગ્લાસને બે હથેળી વચ્ચે ઘુમાવતી રહી.

“શ્રી…. હયાતી અને હું વારંવાર મળતા કાંતો એ આપણા ઘરે આવે અને કાંતો હું એના ઘરે જાઉ.. અમે કલાકો સુધી બેસતા, વાતો કરતા અને ખૂબ પ્રેમ કરતાં. બહુ ખુશ હતા અમે બંને. સાચું કહુંને તો અમે  એક્બીજાને પતિ-પત્ની માનતા હતા. એક વખત એ એના ભાઈને ત્યાં મુંબઈ જવા નીકળી પણ એ પહેલાં એ બરોડા એની બહેનને ત્યાં થોડા દિવસ રહેવા ગઈ. હું એને ટ્રેનમાં બરોડા મૂકવા ગયો એ પહેલો દિવસ હતો જયારે અમે બંને આવી રીતે ટ્રેન માં બહાર જઈ રહ્યા હતા.  એ દિવસે મને જે રોમાંચ થયો હતો કે જાણે હું મારી પત્નીને લઈને હનીમૂન માટે જતો હોઉં. બહુ ખુશ હતા અમે બંને…. બિલકુલ વિખુટા પડવા માંગતા ન હતા, પણ ક્યાં શક્ય હતું એ..? બરોડાતો આંખના પલકારામાં આવી ગયું… સ્ટેશન પર ઉતરી અને રિક્ષામાં છેક એની બહેનના ઘર સુધી હું મૂકી આવ્યો. છૂટા પડવાનો સમય થયો અમારી તડપ વધવા માંડી. એણે કહ્યું: “વિલાસ એક અઠવાડીયા પછી હું મુંબઈ જઈશ મારા ભાઈ ને ઘરે…. તું મને મળવા મુંબઈ આવીશ…? આટલાં બધા દિવસ હું તારાથી દૂર કેવી રીતે રહી શકીશ..? નહિ ગમે મને તારા વગર વિલાસ…પ્લીઝ તું આવ જે ને મુંબઈ.”

“ સારું…. તું મને મુંબઈ પહોંચીને તારા ભાઈનું એડ્રેસ મોકલી આપજે …હું ચોક્કસ આવીશ તને મળવા કારણ તારા વગર તો હું પણ અહીં એકલો થઇ જઈશ ને… અને તને દિવસમાં એકવાર જોઉં નહિ કે તારી સાથે વાત ના કરું એવું બન્યું છે ક્યારેય હયાતી..? તને તો ખબર છે ને કે દરરોજ તારું એક સ્મિત મેળવવા તો જ્યાં સુધી તું  દેખાય નહિ ત્યાં સુધી તારા ઘર પાસે કેટલા બધા આંટા મારમાર કર્યા છે, અને આમ તું મારાથી દૂર જતી રહીશ તો હું પણ કેવી રીતે રહી શકીશ?” છેવટે અમારે તે દિવસે અનિચ્છાએ પણ છૂટા પડવું પડ્યું.” હું ઘરે આવ્યો પણ બધું જાણે સુમસામ લાગતું હતું અને ચારે બાજુ મને એનો ભાસ થતો હતો સતત જાણે એ મને બોલાવ્યા કરતી હોય એવું થયા કરતુ. “

વિલાસતો એના અતીતમાં પુરેપુરા ખોવાઈ ગયા હતા અને બાઇસ્કોપમાં ફિલ્મ જોતાંજોતાં એની કોમેન્ટ્રી આપતા હોય એમ બોલ્યે જતા હતા . ભાગ્યશ્રીના હાથમાંથી જ્યારે પાણીનો ગ્લાસ અચાનક પડ્યો અને પાણી ઢોળાયું ત્યારે જ વિલાસ એકદમ બોલતા અટકી ગયા.

“શ્રી…! શું થયું ?” એમના અવાજમાં શ્રી માટે પણ ચિંતાનો સૂર ભળ્યો અને પહેલીવાર શ્રીના હાથ પર પોતાનો હાથ મૂકીને સધિયારો આપ્યો કે એણે ચિંતા કરવાની જરૂર નથી.

“ કશુંય નહિ તમે કહો ..” ભાગ્યશ્રીના અવાજમાં દર્દ અને ચિંતા જણાય એ તો સ્વાભાવિકજ હતું..

“ શ્રી, આ વાત હું તને આજે નહિ કહું તો જીવનમાં ફરી ક્યારેય નહિ કહી શકું અને જેનો મને અફસોસ રહેશે કે હું તારી સાથે છલ કરું છું…મારે તારી સાથે પ્રપંચ નથી કરવો તો એ સાથે મારે હયાતીને અને એના બલિદાનને અન્યાય પણ નથી કરવો. મારે કાચી દીવાલ પર આપણા સંબંધની ઇમારત નથી ઉભી કરવી અને એટલે એમાં મારે તારી મદદ જોઈએ છે શ્રી…, ખૂબ કપરું છે સંબંધની શરૂઆતમાં આ બધું સહન કરવાનું એ હું જાણું છું પણ શ્રી, અહીં જ તારી અને મારી કસોટી છે. તું ખૂબ સમજદાર છું…અને શ્રી, એક વિનંતી કરું..?”

ભાગ્યશ્રી, કશું પણ બોલ્યા વગર એક નજરે વિલાસની સામે જોઈ રહી હતી. આંખોમાં લાલાશ આવી ગઈ પણ મનની મજબૂત આ છોકરીએ એના આંસુને બહાર આવવાની ઇજાજત નથી આપી. મનમાં વિચારોનું ધમસાણ ચાલે છે અને ભાવી જીવનની ચિંતા પણ. એક હરફ અત્યાર સુધી ઉચ્ચાર્યો નથી પણ આંખોથી જાણે વિલાસને સંમતી આપી દીધી કે જે કહેવું હોય તે હવે કહીજ દો.

“શ્રી…, હયાતી હવે ક્યાંય નથી અને તું હવે જીવનનું સત્ય છે… હયાતીનું મારી સાથે હોવું, મારા અસ્તિત્વની ચોપાસ હોવું એ અત્યંત સુખદ અહેસાસ હતો અને હવે…!” એક નિસાસો નીકળી ગયો એમના હૃદયમાંથી. થોડી વારે ફરી બોલવાનું શરુ કર્યું. “અને હવે..શ્રી, આપણે સાથે રહીને એક સુખદ સંસાર રચવાનો છે. તારી પાસેથી મારી એકજ અપેક્ષા છે કે તું મને મદદ કરજે.. મારી સાથે રહેજે મારા જીવનના એ કરુણ હિસ્સાને વિસારે પાડવામાં…કરી શકીશ મારી મદદ…??”

ભાગ્યશ્રી કશુંજ બોલી નહિ પણ વિલાસના ચહેરા સામે જોઈ રહી…અને થોડી ક્ષણો પછી ફક્ત હકારમાં ડોકું હલાવ્યું એટલે વિલાસે વાત આગળ ચલાવી.

“શ્રી…, હયાતી એ મુંબઈ પહોંચી અને પહેલું કામ મને કાગળ લખીને એડ્રેસ મોકલવાનું કર્યું. મારી કૉલેજના એડ્રેસ પર એનો પત્ર આવ્યો. હું પણ પહોંચી ગયો એને આપેલી તારીખ અને સમયે મુંબઈ. હયાતી એકદમ સરસ લાલ રંગની સાડી પહેરીને મારી રાહ જોતી બહાર ગેલેરીમાં ઉભી હતી. દૂરથી મને આવતો જોઇને બહુ ખુશ થઇ ગઈ, દોડતી મને લેવા સામે આવી. હું એના ભાઈના ઘરે ગયો. એના ભાભી ઘરે હતા. ઔપચારિકતાઓ પતાવીને એમની મંજુરી મેળવીને અમે બંને નીકળ્યા. ટૅક્સીમાં ખૂબ ફર્યા. હું બે-એક દિવસ રોકાયો અને જીવનનો ઉત્તમ સમય વિતાવ્યો.

****                             ****                             ****

વિલાસભાઈ ની ઑફિસમાં ઇન્ટરકોમ વાગ્યો.. સામે છેડે ભાગ્યશ્રી હતી.

“ બોલ શ્રી…!”

“કશું નહિ, આતો સવારથી તમે આવ્યા છો ઑફિસમાં અને આજે મારી ખબર પણ ના પૂછી એટલે…! શું કરો છો. જો કોઈ અગત્યનું કામ ના હોય તો હું તમારી ચેમ્બરમાં આવું..? થોડું લંચ ખાઈએ અને એનીવર્સરી પ્રોગ્રામનું બધું ફાઇનલ કરવા માંડીએ !”

“હા…શ્રી, તું આવ જોકે મારે કશું ખાવું નથી પણ બીજું કામ કરી લઈએ.”

થોડીવારે ભાગ્યશ્રી એમની ચેમ્બરમાં આવી અને પૂછ્યું “ કેમ કશું નથી ખાવું..?? તબિયત તો સારી છે ને..?”

“હા… પણ આજે ઇચ્છા નથી ”

“ શું થયું..???”

“કશું ખાસ નહિ..”

ભાગ્યશ્રીએ બહુ ફોર્સ ના કર્યો..એણે એનું લંચ કરવા માંડ્યું અને પ્રોગ્રામ વિષે ચર્ચા કરવા માંડી. ઈન્વીટેશનનું લિસ્ટ તૈયાર કરવા માંડ્યા… લગ્નના ૪૫ વર્ષ થયાં છે એટલે ઇન્ડિયા પણ કેટલાંક ઇન્વિટેશન મોકલવાના હતા. બધી ચર્ચા પછી ભાગ્યશ્રી એની ચેમ્બરમાં જવા નીકળતી હતી ત્યારે વિલાસે કહ્યું:

“શ્રી …! આપણે હયાતીને ઇન્વિટેશન મોકલીએ..?? “

“જોઈએ…?” એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર ભાગ્યશ્રી એ જવાબ આપ્યો અને ત્યાંથી નીકળી ગઈ.

****                             ****                             ****

ભાગ્યશ્રી અટવાઈ ગઈ વિચારોમાં અને વિક્ષુબ્ધ થઇ ગઇ. આજે ૪૫ વર્ષે પણ આ માણસના મનમાંથી હયાતી દૂર નથી થતી….મગજ વિચારે ચડી ગયું. ભાગ્યશ્રીનું મન એ સંબંધના લેખાજોખાં કરવા માંડ્યું. વિલાસ, હયાતી અને એ પોતે…વિલાસની વફાદારી….એની પોતાની સમજણ અને ઉદારતા અને હયાતીનું બલિદાન અને સંયમ ત્રિકોણનાં એ ત્રણ પરીમાણો દ્વારા જળવાયેલું સંબંધનું સંતુલન જ કારણ હતું નીર્વીવાદિત જીવનનું. ભાગ્યશ્રીનાં મનમાં પ્રશ્નો ઊઠતાં અને એનું સમાધાન પણ એજ આપતી. વિલાસના મનમાં જે હોય તે પણ એણે મને તો જરાય અન્યાય નથી જ કર્યો ને…? અમારું જીવન તો સરસજ વીત્યું વળી…!! હશે એની પૂર્વ જન્મની લેણદેણ હયાતી સાથે પણ એમાં હું તો શું કરી શકું..? હું તો બધી જ રીતે અને બધાં સંજોગોમાં એની પડખે ઉભી છું જીવનપર્યંત. અમેરિકા આવવાનું થયું ત્યારે પણ વિલાસની ખૂબ ઇચ્છા હતી કે જતા પહેલા હયાતીને મળીયે કારણ કે હવે પછી ક્યારે મળાશે. હું એમની સાથે હયાતીને મળવા એના ઘરે ગઈ. હું તો એજ દિવસે એને પહેલીવાર મળી.. અને પાછા આવ્યા ત્યારે વિલાસ કેટલા ખુશ હતા..!!

વિલાસે પ્રામાણિકતાથી લગ્ન પહેલા જ મને  હયાતી વિષે બધું જણાવી દીધું અને ત્યારપર્યંત મને આપેલા વચન કે એ એકલા ક્યારેય હયાતીને મળશે નહિ અને ફોન પણ નહિ કરે એનું શબ્દશ: એમણે પાલન કર્યું છે, ક્યારેય મને છેહ નથી દીધો… હા લગ્ન પછીએ કેટલીએ વાર હયાતી યાદ આવતી અને દુઃખી પણ થતા અને હું પૂછું તો કશુંજ છુપાવ્યા વગર બધું એ પ્રગટ કરી દેતા.. આમ વિચારો કરતાં કરતાં વર્ષો પહેલાની એ કમનસીબ ઘટનામાં ભાગ્યશ્રી ક્યારે સરી ગઈ એ એનેય ખબર ના રહી.

“કેમ તમને ઊંઘ નથી આવતી..?”

“ના..”

“આજે કેમ આટલા બધા ઉદાસ લાગો છો….. આ તમારી આંખો પણ લાલચોળ છે ! તમે રડ્યા છો..?”

“ શ્રી…, એક વાત કહું…હા…! હું આજે બહુ દુઃખી છું. તું તો જાણે છે હયાતી કાયમથી બહુ દુઃખી છે અને એની સાથે વિધાતાએ પણ કેટલી ક્રૂરતા આચરી છે. એક તો લગ્ન પણ કેટલા મોડા થયાં ? લગ્ન પછી બાળક અવતર્યું તે પણ મૃત અને હવે ફરી એ જીવનમાં ક્યારેય એ માતૃત્વ પ્રાપ્ત નહિ કરી શકે. કેવો કુદરતનો ન્યાય.. ??”

****                           ****                       ****

વિલાસ અને ભાગ્યશ્રીની પિસ્તાલીસમી એનીવર્સરીનું સેલિબ્રેશન ખૂબ ધામધૂમથી ગ્રાન્ડ મેર્કીસમાં કર્યું.  ન્યૂ જર્સીના આ ભવ્ય બેન્કવેટ હોલમાં કમ્યુનીટીના પ્રતિષ્ઠિત લોકો અને દોસ્તો, ક્લાયન્ટ્સ અને સગાવહાલાઓની હાજરીમાં સેલિબ્રેશન થયું. ખુશ હતાં બધાં. શાનદાર સેલીબ્રેશનના હેંગઓવર સાથે એમના વર્ષોના નિયમ અનુસાર એકજ અઠવાડીયા પછી વિલાસ અને ભાગ્યશ્રી ચાર મહિનાના વેકેશન પર ઇન્ડિયા પહોંચી ગયા. દસ પંદર દિવસ વિતી ગયા.

“ આજે સાંજે આપણે બહાર જવાનું છે તમે કોઈ બીજો પ્રોગ્રામ ના કરતા.”

“ ક્યાં જવાનું છે?”

“ સરસ કપડા પહેરી લેજો …હમણાં એનીવર્સરીના દિવસે પહેર્યો હતોને એજ સુટ પહેરી લેજો.” વિલાસ બહુ દલીલો ના કરતા.

સાંજે બંને જણ તૈયાર થઈને પહોંચ્યા સિલ્વર કલાઉડના ટૅરેસ ગાર્ડનમાં જ્યાં પાર્ટી હતી. ભાગ્યશ્રીએ એમની જાણ બહાર એક સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી હતી એમનાં એનીવર્સરી સેલીબ્રેશનની. એલિવેટરમાં ટૅરેસ પર પહોંચ્યા ત્યારે સામે એમને રીસીવ કરવા પરિવારના લોકો ઉભા હતા એક લાઈન કરીને ઉભા હતા. બધાને મળતા મળતા સ્ટેજ તરફ જઈ રહ્યા હતા. પાછળથી કોઈકે વિલાસનો ખભો થપથપાવ્યો. એમણે પાછળ ફરીને જોયું…… એક સુંદર મજાની ફલોરલ ડેકોરેશનની બાસ્કેટ એમની સામે ધરીને એમણે કહ્યું:

“ વિલાસ હેપી એનીવર્સરી….!!”

“ અરે…!!! હયાતી……..તું…….થેન્ક્સ……”

*************

 

વિજય ઠક્કર

ઓક્ટોબર ૨૫,૨૦૧૬

૪.૨૦ સવારે

શ્વેત ઓળો

દિવાળીનાં  દિવસો..ઊછળતા આનંદનાં દિવસો….

ઘેરેઘેર કિલ્લોલ…. હૈયાં આનંદે…..

પણ….!!

તડપતા હતા તપસ્વીભાઈ… વલોપાત કરતા હતાં વિભાબહેન….

ચિંતા કોરી ખાતી હતી કે ક્યાં ગઈ હશે એ છોકરી….? દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પાળીપોષી ને ઊછેરી એની બધીજ ઇચ્છાઓનું ધ્યાન રાખ્યું …એની લાગણીઓનું જતન કર્યું, અપાર સ્નેહ વરસાવ્યો એના તરફ અને એ આમ ઓગળી ગઈ અંધકારનો ઓળો બનીને..!!!!

દસ વર્ષ થયાં એ વાતને. નથી કોઈ સગડ. માત્ર દર દિવાળીએ એક નામ વગરનું કાર્ડ શુભેચ્છા વ્યક્ત કરતું  અને આશીર્વાદ માંગતું મોકલ્યા કરે છે. આવી બેનામ શુભેચ્છા પણ શા કામની અને આશીર્વાદ આપવા તો કોને આપવા …?  શો અર્થ એનો..?? કાર્ડ પર નથી હોતું મોકલનારનું નામ કે નથી હોતું સરનામું. કેટલી બધી તપાસ કરી પણ વ્યર્થ.તપસ્વીભાઈની તડપ લાડકી દીકરીને જોવાની અને વિભાબહેનના વલખાં એ વહાલી દીકરીના લાડકોડ માટે. બંને ઝૂરતા હતાં વૃદ્ધાવસ્થામાં… સંતાપ કરતા હતાં એ સંતાન માટે જેની સાથે લાગણી જોડાયેલી છે… જેની સાથે સપનાઓની હારમાળા જોડાયેલી છે…. જેની સાથે વૃદ્ધાવસ્થાનું અવલમ્બન જોડાયેલું છે.

વિભાબહેનનો જો કે વિશ્વાસ ઉઠી ગયો છે લાગણીના આ સંબંધ પરથી પણ તપસ્વીભાઈનો વિશ્વાસ અડગ છે. એ કાયમ કહે છે : “ આવશે જ… એણે આવવું જ પડશે….મારી દીકરી જરૂર થી આવશે…”

પણ ક્યારે….??

ઉપરવાળો જાણે એતો પણ એમનો આત્મા પોકારી પોકારીને કહેતો હતો કે…”એણે આવવું પડશે…એણે વચન આપ્યું છે…એ ચોક્કસ આવશે… આવવું જ પડશે.”

*****                                       *****                                         *****

લગ્ન થયાંને દસબાર વર્ષ વીતી ગયાં…..

હજી  ખોળો સુનો છે વિભાબહેનનો…..

મનના ખૂણે થી માતૃત્વની હોંશ એના અરમાન એની આશા અને હવે તો અપેક્ષા પણ ઓસરી ગઈ….

માતૃત્વનાં અંકુર સુકાવા માંડયાં અને માતૃત્વનો આનંદ વિલાવા માંડ્યો હતો.

મનમાં રચાયેલા માતૃત્વના સ્વપ્નમહેલની ઇંટો એક પછી એક ખરવા માંડી છે.

છાતી સૂકીભઠ્ઠ જ રહી ગઈ વિભાબહેનની…

લગ્ન પછી બે-એક વર્ષે આશા બંધાઈ હતી પરંતુ નસીબ ક્યાં પાધરું હતું…? આશા નિરાશામાં પલટાઈ ગઈ. હવે કોઈ જ શક્યતા રહી ન હતી. ડોક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા….અને એક વખત ડોકટરે સીધેસીધું કહી જ દીધું “તપસ્વીભાઈ…વિભાબહેન જૂઓ હું તમને ખોટા દિલાસા આપવા નથી માંગતો પણ સત્ય એ છે કે હવે તમારે સંતાનની આશા રાખવી વ્યર્થ છે….આપ બંને ક્યારેય માતાપિતાનું સુખ નહિ પામો.”

આકાશ તૂટી પડ્યું હતું બંને પર …સુન્ન થઇ ગયું હતું મન….. સુમસામ થઇ ગઈ હતી જિંદગી  બંનેની. શરૂઆતના પાંચેક વર્ષતો હતાશા, દુઃખ અને જીવન પ્રત્યેની અને પોતાની જાત માટેની કડવાશમાં વીતી ગયાં.,પણ બન્નેમાં સમજણ હતી અને મન ધીમેધીમે એ રીતે ઘડાવા માંડ્યું, પરિસ્થિતિનો સ્વીકાર થઇ ગયો.

એક દિવસ અનાયાસ કોઈક શુભ ક્ષણે, કોઈક સુખદ ઘડીએ તપસ્વીભાઈને કોઈક શુભ વિચાર સ્ફુર્યો….અને ખુશ થતા થતા એમણે વિભાબહેનને  કહી દીધું

“ વિભુ…! ચાલ આપણે બાળક દત્તક લઈએ….!!!”

“ના….મારા નસીબમાં જ એ સુખ નથી એનું શું કરવું…?“

“ગાંડી છું તું તો વિભુ..! સુખ દુઃખ તો મનનાં કારણો છે અને સાચું કહું,  આપણે જ પરિસ્થિતિમાંથી સુખ-દુઃખ તારવિયે છીએ….નિર્માણ કરીએ છીએ, ખરેખરતો આપણે તટસ્થભાવ નથી કેળવી શકતા. આપણે બાળક દત્તક લઈશું…. ઉછેરીને મોટું કરીશું….એને ખૂબ પ્રેમ કરીશું એને વહાલ કરીશું અને માં-બાપનું સુખ આપણે પણ પામીશું અને એની અને આપણી ખાલી જિંદગીને આપણા સૌના અરમાનથી ભરી દઈશું.”

“એવા ઉછીના સુખને શું કરવાનું…? મને એ મંજુર નથી…” વિભાબહેન બહુ મક્કમ હતા.

બહુ સમજાવટ પછી વિભાબહેન બાળક દત્તક લેવા તૈયાર થયાં. હવે પાછો એમાં એ બંને વચ્ચે વિવાદ થયો કે છોકરો લેવો કે છોકરી..?

“ જૂઓ મારે તો છોકરો જ જોઈએ….” વિભાબહેને દ્ગઢતાથી કહ્યું.

“વિભુ…સાંભળ મારી વાત…છોકરો-છોકરી બધું સરખું જ છે….એતો બધાં મનના કારણો છે. આપણા ઉછેર અને માવજત પર જ એના ભાવીનો આધાર હોય છે.”

“હું કશું ના જાણું કે કંઈ ના સમજુ…જૂઓ બાળક દત્તક લેવું હોય તો મારે છોકરો જ જોઈએ બસ…!”

તપસ્વીભાઈ દ્રઢ હતા એમના વિચારોમાં….. વિભાબહેન મક્કમ હતાં એમની માન્યતામાં….સમય વીતતો હતો આ દુવિધામાં, આ અસમંજસમા. અને અંતે તપસ્વીભાઈ કહ્યું: “ જો વિભુ…કુદરતે આપણને કશું નહિ આપીને બધું આપી દીધું છે…વિભુ તને ખબર છે આપણને બાળકની બાબતમાં પસંદગી કરી શકીએ એટલી સ્વતંત્રતા આપી છે….નહીં તો સંતાનની બાબતમાં પસંદગી કરવાની સ્વતંત્રતા ક્યાં છે કોઈને..? કુદરત તમારા ખોળામાં જે નાંખે એજ સ્વીકારવાનું….વિભા આપણને જ્યારે પસંદગીનો અવકાશ છે જ તો શા માટે એનો સદ્દઉપયોગ ના કરીએ…? “

બહુ સમજાવટ પછી અને ક્યારેક જીદ તો ક્યારેક ગુસ્સો કર્યા પછી વિભાબહેન સંમત થયા.

નિરાંત થઇ તપસ્વીભાઈને….અને વિભાબહેનને. આનંદ તો હતો જ પણ વિભાબહેનના મનમાં એક છૂપો ભય પણ હતો…” શું હું એ કોઈકનાં બાળકને ઉછેરી શકીશ..? હું એને એની સગી જનેતા જેવો અને જેટલો પ્રેમ આપી શકીશ…? અજંપો હતો એમના મનમાં…હૃદય અને મન વચ્ચે તુમૂલ વૈચારિક દ્વંદ્વ ચાલતું હતું…થડકાટ હતો…પણ એમ છતાં એક દિવસ અનાથઆશ્રમમાંથી તાજી જન્મેલી અને ત્યજાયેલી દસેક દિવસની બાળકીને ઘરે લઈ આવ્યા. ઔપચારિકતાઓ પતિ ગઈ….અને નામ આપ્યું એ વ્હાલસોયી દીકરીને ગૌરી…

નામ આપતી વખતે પણ પતિ-પત્ની વચ્ચે નોકઝોક તો ચાલી…..મતભેદો પણ થયા પણ છેવટે તપસ્વીભાઈએ નમતું જોખ્યું અને વિભાબહેનની ઇચ્છા મુજબ એનું નામ ગૌરી આપ્યું.  જોકે એના નામ અને એના વાનમાં તો બહુ અંતર હતું. નામ ભલે હતું ગૌરી પણ વાને તો હતી એ શ્યામલી. શ્યામલીના નાક નકશી એકદમ ધારદાર હતાં.

બસ લાડેકોડે  ઉછેરવા માંડ્યા…..

ભુલાઈ ગયું કે આ પારકું જણ્યું છે……

હેતની હેલીમાં પારકું પોતાનું થઇ ગયું….

ધનતેરશ એ દીકરીનો જન્મદિવસ…સાક્ષાત્ લક્ષ્મીજીનો અવતાર. દીકરી એકદમ શુકનવંતી….શુભ પગલાંની….મંગલકારી….બધું બદલાઈ ગયું…ઘરનો માહોલ…ઘરની પરિસ્થિતિ. તપસ્વીભાઈ અને વિભાબહેનતો ખુશખુશાલ..દીકરીનાં પાવનકારી પગલાંનાં પ્રતાપે સફળતા એમના પગમાં પડવા લાગી. નામ…વૈભવ..કીર્તિ…સઘળું આવી ગયું આ છોકરીના પગલે પગલે.

વિભાબહેને કોઈક જ્યોતિષ પાસે દીકરીના જન્માક્ષર બનાવડાવ્યા….બતાવ્યા. જ્યોતિષીએ આગાહી કરી: “અદ્ભુત વ્યક્તિત્વ છે આ દીકરીનું. નામ પ્રમાણે જ ગુણ હશે. ગૌરી ગૌરવાન્વિત થશે અને કરશે એના પરિવારને. આ દીકરીએ તર્પણ માટે જ જન્મ લીધો છે. મોક્ષદાયિની છે આ છોકરી…. એના સમ્પર્કમાં આવનારનું પણ કલ્યાણ થશે.”

તપસ્વીભાઈ ખૂબ હસેલા એ દિવસે આ બધી વાતો પર…”જુઠ્ઠાં છે આ બધા જ્યોતિષીઓ…પૈસા પડાવવા આ બધા ખેલ કરે છે.”

****                           ****                          ****

 

તપસ્વીભાઈ અને વિભાબહેને જ્યારે દીકરી દત્તક લેવાનું નક્કી કર્યું ત્યારે સગાઓ અને આસપાસનાં લોકોએ તો ખૂબ ટીકા કરેલી. ચારેયકોર વાતો થયેલી કે “કેવા અક્કલ વગરના માણસો છે.. દત્તક લઈ લઈ ને છોકરી લીધી અને તેય પાછી કાળી કુબડી..!”

ગૌરી જુવાન થતી ગઈ…..આખું સ્વરૂપ બદલાઈ ગયું આ ગૌરીનું તો..! વાન ઉઘડ્યો…જુવાની એના શરીર પર ફરી વળી…..એક નાનકડા ઝરણાએ સમયનો પટ વટાવી અને હિલોળા લેતી નિર્બંધ સરિતાનું રૂપ ધારણ કર્યું. રૂપ વિસ્તરવા માંડ્યું…જોબન છલકાવા માંડ્યું. સૌ આશ્ચર્યચકિત હતા કે આટલો બધો નિખાર કેમ કરીને આવ્યો હશે..!!!!

જેવું રૂપ નીખર્યું એવીજ ગુણવાન બની ગૌરી. તપસ્વીભાઈ અને વિભાબહેને કોઈ કસર છોડી ન હતી એને સંસ્કાર આપવામાં….ભણાવવામાં એના ઘડતરમાં. એકદમ સાલસ સ્વભાવની, નમ્રતા ભારોભાર છલકે એના વર્તનમાં એની વાણીમાં અને એના વ્યવહારમાં….તદ્દન શાંત અને ભણવામાં અવ્વલ નંબર. એકદમ ધારદાર બુદ્ધિપ્રતિભા. માત્ર ભણવામાં જ હોશિયાર હતી એવું નહીં એણે તો સર્વ ક્ષેત્રો સર કર્યા. જબરદસ્ત વાક્ છટા. એને બોલતી સાંભળવી એ પણ એક લહાવો. એનું વાંચન એટલું ગહન એનું મનન અને એનું ચિંતન અને એને કારણે એની વૈચારિક ઊંચાઈ એટલી હતી કે એ કોઈ પણ વિષય પર વિના અવરોધ કલાકો સુધી વક્તવ્ય આપી શકતી. એનું એક આગવું વર્તુળ હતું . ખૂબ ભણી ડૉક્ટર બની પણ એણે ક્યારેય એનો વ્યવસાય તરીકે ઉપયોગ કર્યો જ નહીં સેવાકીય કામોમાંજ જોતરાયેલી રહી.

તપસ્વીભાઈ અને વિભાબહેન ખૂબ ખુશ હતા ગૌરવભેર ગુણગાન ગાતાં દીકરીના અને તપસ્વીભાઈતો કહેતા પણ ખરાકે: “ જો હું કહેતો હતો ને વિભુ કે સુખ-દુઃખતો આપણે જ નિર્માણ કરીએ છીએ…?”

“ હા..સાચી વાત તમે સાચું કહેતા હતા. “

“જો આપણી દીકરીએ તો આપણું નામ રોશન કર્યું.”

સમાજ માં એમનો મોભો વધી ગયો આ છોકરીના પ્રતાપે.

પણ એક ઘટના એવી બની કે બધો આનંદ ઓસરી ગયો… દુઃખનો પહાડ તૂટી પડ્યો એમના માથે… જિંદગી જીવવાનું અકારું બની ગયું. ભૂખ તરસ બધું ભુલાઈ ગયું…ઘર ભેંકાર બની ગયું…જિંદગીનો ઉજાસ ઓસરી ગયો.. જ્યારે એક દિવસ સવારે વિભાબહેન ઊઠ્યા અને ઘરનું બારણું ખુલ્લું જોયું.. અને ડાઈનીંગ ટેબલ પર સુંદર અક્ષરોમાં લખાયેલો એક ફૂલસ્કેપ કાગળ કશાકની નીચે દબાવેલો મળ્યો. વિભાબહેનતો હાંફળાફાંફળા દોડ્યા અને તપસ્વીભાઈને જગાડી આવ્યા. તપસ્વીભાઈ પણ એકદમ ગભરાઈ ગયા દોડાદોડ બહાર આવ્યા અને આખો કાગળ એક શ્વાસે વાંચી ગયા…એકદમ છુટા મોંએ રડી પડ્યા…વિભાબહેન પણ એમને જોઇને રડવા માંડ્યા ત્યાં સુધી તો એમને ખબર ન હતી કે શું થયું છે…!

“વિભુ… આપણી ગૌરી જતી રહી…” એટલું બોલતા તો ચોધાર આંસુએ  રડી પડ્યા…અને વિભાબહેન ને પણ ફાળ પડી… અને કાગળ વાંચવા માંડ્યાં.

“વહાલા મમ્મી-પપ્પા…,

હું જાણું છું કે આપના માટે મારું આમ ચાલી નીકળવું અત્યંત આઘાતજન્ય બનશે પણ ઈશ્વર તમને શક્તિ આપશે. વહાલા પપ્પા અને મારી ખૂબ વહાલી મા, તમને કહ્યા વગર અને તમારી સંમતી વગર મારું આમ ઘર છોડવું તમારા માટે ખુબ કપરું હશે પણ જો હું એમ ના કરત તો તમારા બંનેનું વહાલ મારા પગમાં બેડી બની જાત.

હું જાણું છું કે આપ તો મારા પાલક હતાં અને આપ બંને તો મારે જીવવા માટેનું કારણ હતાં. તમે આપેલી સમઝણથી હું એટલું તો સમજી શકી છું કે જીવનને માત્ર એક વર્તુળમાં બાંધી રાખવું નિરર્થક છે. મારા જેવાં કેટલાય નિઃસહાય લોકો સહારો શોધે છે…એતો હું હતી સદનસીબ કે મને તમારો સહારો મળ્યો તમારું હેત તમારું વાત્સલ્ય અને તમારા લાડકોડ મળ્યા અને જો મારા જીવનમાં તમે ના આવ્યા હોત તો…??????

કેટલા પ્રશ્નાર્થ હોત મારા જીવનમાં પણ ! કેટલાંય મારા જેવા અનાથાવસ્થામાં તરછોડાયેલા કેવી દયાજનક કેવી હિણપતભરી અને કેવી બદતર જિંદગી બસર કરતાં હશે એની કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઇ જાય છે.

પપ્પા અને મા, તમારા ઉછેરથી મારામાં એક સમઝણ તો પ્રગટી છે અને એના સદુપયોગ માટે જ હું જાઉ છું…. મારી ચિંતા કરશો નહી અને મને શોધશો નહીં. જ્યાં પણ જાઉં છું ત્યાં પરમ શ્રેયસ્કર માર્ગે જ છું.

મારા ખૂબ વહાલા પપ્પા અને મારી બહુ વહાલી માં, હું તમારા ખોળાને નહિ લજવું એની ખાતરી રાખજો.

આપ બંનેની વૃદ્ધાવસ્થામાં આપનું ટેકણ બનવાને બદલે હું ચાલી નીકળું છું એટલે મને સ્વાર્થી કે ભાગેડુ નહીં જ સમજો એટલો મને તમારા પર વિશ્વાસ છે. આ સમસ્ત વિશ્વમાં કેટલાય અસહાયો છે એમના અર્થે મારા જીવનનો ઉપયોગ થશે તો એ આપણા સૌ માટે કલ્યાણકારી નહીં હોય….??

તમારા સંસ્કાર મને એવાજ તો મળ્યા છે ને..??

એટલે પ્લીઝ…!  શોક ના કરશો તમારું માથું હંમેશને માટે ગર્વથી ઉંચુંજ રહેશે એટલો વિશ્વાસ તમારી આ દીકરી ઉપર રાખજો.. અને હા… હવે પછીના જીવનમાં ફક્ત એકવાર તમને મળવા આવીશ…હા ફક્ત એક વાર…!

બસ આશીર્વાદ આપજો કલ્યાણના….”

અંધકારના ઓળા પાછા ઉતરી આવ્યા તપસ્વીભાઈ અને વિભાબહેનના જીવનમાં.

ક્યાં હશે એ લાડલી દીકરી ..?

બહુ તપાસ કરી…થાક્યા. આશા મૂકી દીધી….પણ દર દિવાળી એ એક નામ વગરનું કાર્ડ અચૂક આવતું….શુભેચ્છા વ્યક્ત થતી… ધનતેરશ ઉજવાતી…કોઈ પણ જાતના ઉત્સાહ વગર …કોઇપણ જાતના આનંદ વગર.

****                                ****                                ****

બેસતા વર્ષનો દિવસ…

વર્ષોથી વિભાબહેનનો ઉંબરો કોરો રહ્યો હતો …..કોઈ આનંદ ન હતો જીવનમાં. ગૌરી ના જવા સાથે બધું વિસરાઈ ગયું. હવે તો બસ દિવાળીએ સરખી અને હોળીએ સરખી..

નવું વર્ષ એટલે લોકો વહેલી સવારે ઉઠી ગયા હતાં…ક્યાંક ક્યાંક ધૂમધડાકાનાં અવાજો.. દૂધવાળા, ફૂલવાળા, છાપાવાળાઓની અવરજવર સાથેસાથે  ઢોલ-શરણાઈનાં અવાજો અને ઘડીઘડીમાં નાનાંનાનાં ટાબરિયા સબરસ લઈને આવતા.આખું શહેર દિવાળી મનાવવાના ઉત્સાહમાં છે પરંતુ નથી ઉત્સાહ તપસ્વીભાઈને કે નથી વિભાબહેનને. આ ઘેર કોઈ આવતું નથી …કોઈ દરવાજો ખખડાવતું નથી.

પણ કોણજાણે કેમ છેલ્લા બે દિવસથી વિભાબહેનનું મન રાજીરાજી રહેતું હતું જાણે કશુંક સારું બનવાનું હોય..અને થયું પણ એમજ..આજે વર્ષો પછી સપરમા દિવસે વહેલી પરોઢે બારણે ટકોરા પડ્યા.

વિભાબહેને ઊંઘમાં જ અવાજ સાંભળ્યો…અને પૂછ્યું …” કો…..ણ……? કોણ છે…..આટલી વહેલી પરોઢે….?”

સામેથી કોઈ જ પ્રત્યુત્તર ના આવ્યો પણ ફરી બારણે ટકોરા પડ્યા. વિભાબહેન ધીમેથી પથારીમાં બેઠા થયા વૃદ્ધાવસ્થાને લીધે  અને ધીરેધીરે દરવાજા તરફ આવતાં આવતાં બોલતા હતા… “ ભાઈ કોણ છો …?શું કરવા બારણું ખખડાવો છો..? અમે દિવાળી નથી કરતા બાપા જાવ જે હોય તે…!” અને એટલામાં ફરી બારણે ટકોરા પડ્યા. વિભાબહેનને પગે તકલીફ હોવાથી ખૂબ ધીમેધીમે દરવાજા તરફ આવતા હતા એટલે વિલંબિત સ્વરમાં સહેજ ઊંચા અવાજે બુમ પાડી: ”કો…….ણ……કોણ…છે…?”

સામેથી અવાજ ના આવ્યો અને ફરી…”ટક….ટક…ટક…”  આ બધી ખટાખટમાં તપસ્વીભાઈ જાગી ગયા એટલે એમણે મોટા અવાજે પથારીમાં પડ્યા પડ્યા બુમ પાડી.. “અલ્યા ભાઈ કોણ છે..?”

“હું  છું…” કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો.’

બારણું ખૂલ્યું….સામે શ્વેત વસ્ત્રોમાં એક સ્ત્રી ઉભી હતી……વિભાબહેને આંખો ચોળતાં ચોળતાં પૂછ્યું…” કોણ છો બહેન ?” વિભાબહેન ઓળખી ના શક્યાં કારણકે એનો પહેરવેશ…એની હેરસ્ટાઈલ પહેલીવાર ગુજરાતી ઢબે પહેરાયેલી  બિલકુલ સફેદ સાડીમાં એને જોઈને એમને જરા સરખોય અણસાર ના આવ્યો..એમને તો એમ થયું કે દિવાળી છે એટલે કો’ક બોણી લેવા આવ્યું હશે..

સ્ત્રીએ ચરણ સ્પર્શ કર્યા એટલે વિભાબહેને આશીર્વાદ આપ્યા…

“મા….મમ્મા…!!!”

“ગૌરી…..!!!!! ગૌ…..રી……… બે…….ટા…!!!!!!! એટલું બોલતા તો જોરથી રડી પડ્યા… તપસ્વીભાઈ પણ ત્યાં સુધીમાં આવી પહોંચ્યા અને દીકરી એમને વળગી પડી.. એમના આશીર્વાદ લીધા…..બધી આંખો વહેવા માંડી અનરાધાર… તપસ્વીભાઈ તો મૂઢ જેવા થઇ ગયા…એમને કશી ખબર જ નથી પડતી કે શું થઇ રહ્યું છે અને શું કરું….? ગૌરી એ પપ્પાના આંસુ લુચ્છ્યા અને ધીમે ધીમે હાથ પકડીને અંદર તરફ દોરી ગઈ….તપસ્વીભાઈએ એમની બંને હથેળીમાં એનો ચહેરો પકડી રાખ્યો અને એક ધાર્યું એની સામે જોઈ રહ્યા અને આંખોતો અનરાધાર વરસતી રહી.. ….વિભાબહેન તો એક ખૂણામાં બેસી ગયા હતા અને રડતાં હતાં પણ કોને ખબર એમનામાં અચાનક હિમ્મત આવી ગઈ ઉભા થયા અને તપસ્વીભાઈ માટે અને ગૌરી માટે પાણી લઈ આવ્યા અને પાણી પિવડાવ્યું…વાતાવરણ ધીમેધીમે શાંત થયું..

વિભાબહેનનો અણસાર સાચો પડ્યો….

આનંદનો દિવસ આવ્યો…..બહુ વર્ષે દિવાળી શુભ થઇ….નવું વર્ષ જાણે નવો પ્રકાશ લઈને આવ્યું.

લાપસીનાં આધણ મૂકાયા…

વિભાબહેન અને તપસ્વીભાઈનાં મનમાં તો આનંદ સમાતો નથી….પણ…પણ એમને ક્યાં ખબર હતી કે આ આનંદ તો ક્ષણિક હતો…..બપોર થયાં…જમ્યા…અને પછી ગૌરીએ કહ્યું: “ પપ્પા-માં…, જૂઓ મેં મારું વચન પૂરું કર્યું…જીવનમાં ફરી માત્ર એકવાર હું મળવા આવીશ એવું મેં વચન આપ્યું હતું. એટલે હું આવી છું….તમારા આશીર્વાદ લેવા માટે….. હવે હું દીક્ષા લેવાની છું બાકીનું જીવન કોઈક એવા ખૂણામાં જઈને વીતાવીશ કે જ્યાં માણસની સાચા અર્થમાં સેવા થઇ શકે.”

“એ….એએ….એ શું બોલી બેટા..?” વિભાબહેન બોલ્યાં.

“દીકરી તું….તું… તો બેટા…..તું….આમ…પાછી…!!!!!”

“પપ્પા, આમ ઢીલા ના થાવ પપ્પા…તમે જ તો મને જીવનનો સાચો અર્થ સમજાવ્યો છે.”

“પ…પ…પણ દીકરી…??”

વિભાબહેન તો  મૂઢ જેવા થઇ ગયા હતાં….એક હરફ ઉચ્ચારી શકતા નથી. “ અને પપ્પા હું દીક્ષા લેવાની છું એનો અર્થ એવો નથી કે હું સાધ્વી થઈશ. માયાનાં આવરણો તોડવા માટે જ  હું અચાનક ચાલી નીકળી હતી….અને આટલાં વર્ષો હું તમારાથી દૂર રહી…. હવે મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ આવ્યો છે કે હવે મને કોઈ બંધનો બાંધી નહિ શકે અને એ તટસ્થતા નો ભાવ કેળવી શકી પછી જ હું તમારી પાસે મારું વચન પૂર્ણ કરવા આવી છું. પપ્પા ..મારી વહાલી મા મને આશીર્વાદ આપો કે બાકીનું જીવન હું કલ્યાણના માર્ગે જીવી શકું…અને એક વાત કહું પપ્પા-માં આ તમારી દીકરી તમારું ગૌરવ વધારવા જઈ રહી છે એટલે પ્લીઝ તમે આંસુ સારતા નહીં પણ હસતા મો એ  મને વિદાય આપો…”

 

શ્રેયના માર્ગે ચાલી નીકળ્યો એ શ્વેત ઓળો….એ દિવ્ય ચહેરો અને દિવ્યાત્મા…ક્ષિતિજમાં ઓગળી ગયો….

 

*********

 

 

વિજય ઠક્કર

ઓક્ટોબર ૧૧, ૨૦૧૬

 

 

 

.

 

 

 

 

 

થેન્ક્સ બેબી…

નિકોલસ  હોલ  ચિક્કાર ભરાયેલો હતો..અમેરિકન એકેડેમી ઑફ ગુજરાતી લિટરેચર એન્ડ કલ્ચર(એ એ જી એલ સી)નું સિલ્વર જ્યુબિલી ફંક્શન હતું. સમગ્ર અમેરિકામાંથી આવેલા સાહિત્યરસિક પ્રેક્ષકથી આખો સભા-ખંડ ઉભરાઈ રહ્યો હતો અને એનું કારણ એ હતું કે આજે આ સભાને સંબોધન કરવા એક એવી વ્યક્તિ આવવાની છે કે જે મૂળેતો સાહિત્યકાર છે અને એવો વિક્રમસર્જક સાહિત્યકાર છે જેણે ગુજરાતી સાહિત્ય સર્જનના ક્ષેત્રનાં તમામ રેકોર્ડ્સ પોતાના નામે કરી નાખ્યા છે…ભારત સરકારે એમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. તેઓ જેટલા સારા સર્જક છે તેનાથી પણ સારા વક્તા છે….અનેક ભાષાઓ પર તેનું  જબરદસ્ત પ્રભુત્વ છે…એમને સાંભળવા તે એક લહાવો છે….અમેરિકાના ગુજરાતીઓને સંબોધવા આજે પહેલી વખત તે આવી રહ્યા છે…લોકોમાં એમને સાંભળવાનો સખ્ત ક્રેઝ છે….બધાં લોકો આગન્તુકની વાટ જોતા હતાં…. થોડીવારમાં એક લીમોઝીન નિકોલસ હોલના દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ…શોફરે દરવાજો ખોલ્યો અને એક પુરુષ બહાર આવ્યો…. હોલની બહાર એમને આવકારવા ઉભેલા એકેડેમીના પ્રબંધક અને પ્રેક્ષકનો, એ આગંતુક જ આજના અતિથી વક્તા હોવાનો વિશ્વાસ દ્રઢ થઇ ગયો. લગભગ પંચાવનની આસપાસ ઉંમર…સ્ટાઉટ એથ્લેટિક બોડી.. કેને કૉલના ગ્રેઇશ બ્લુ કલરના સુટમાં રાલ્ફ લોરેનનું વ્હાઈટ શર્ટ અને તેના પર ડાર્ક બ્લુ બેઈઝ અને યેલો સ્ટ્રાઈપ્સવાળી ટાઈ, પ્રાડાના રીમલેસ ગ્લાસીસ, સોલ્ટ એન્ડ પીપરી-મેટીક્યુલસલી ટ્રીમ કરેલી બીયર્ડ… સુંદર હેરસ્ટાઈલ અને કાન પરના સફેદ વાળ…એક હાથમાં પાઈપ અને બીજા હાથમાં બે-ત્રણ પુસ્તકો અને યુવાનને પણ શરમાવે તેવી એકદમ સ્ફૂર્તીલી ચાલ… કોઈ પણ સ્ત્રીને મોહી લેવા માટેનો પૂરતો કેરીઝમા તેનામાં હતો.

શ્રીમતી સંયુક્તા બ્રહ્મર્ષિએ આયોજકો વતી તેમને આવકાર્યા… ચાર આંખો ભેગી થતાંજ મગજમાં એક ચમકારો થયો.. ગુજરાતી ઢબની સાડીમાં બ્યુટીફૂલ લેડી અશર્સ બન્ને જણને ડાયસ તરફ લઈ ગયાં…હોલમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓએ ઉભા થઈને ખૂબ ક્લેપ્સથી તેમને આવકાર આપ્યો…તેમણે હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું..અને તેમની સીટ પાસે આવીને નમસ્કારની મુદ્રામાં ઉભા રહી ગયા…થોડી વાર સુધી ક્લેપીંગ ચાલુ રહ્યું…

સમારંભની શરૂઆતમાં એ.એ.જી.એલ.સીના ન્યૂ જર્સી ચેપ્ટરના અધ્યક્ષા શ્રીમતી સંયુક્તા બ્રહ્મર્ષીએ બુકે અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું… સ્ટેજ પર ફક્ત તેઓ બેજ હતાં જ્યારે બાકીના તમામ મહાનુભાવો સામે ફર્સ્ટ રોમાં બેઠા હતાં.. ઔપચારિકતાઓ પતી અને અતિથી વક્તાનો પરિચય આપવા માટે અધ્યક્ષ મહોદયા પોડિયમ પાસે આવ્યા….અને બોલવાનું શરુ કર્યું..

“મિત્રો અને ગુજરાતીના સાહિત્યરસિક શ્રોતાઓ….એ.એ.જી.એલ.સીનું ગૌરવ અને સદભાગ્ય છે કે તેના રજત મહોત્સવમાં ગુજરાત અને ગુજરાતીના એક સવાયા પુરુષ ..બહુચર્ચિત અને બહુપ્રચલિત લેખક…અરે તેથીએ વધારે, અત્યંત પ્રભાવક વક્તા પધાર્યા છે…એમનો પરિચય એમની કલમ દ્વારા આપણને સૌને છે જ અને શ્રેષ્ઠ વક્તા તરીકેનો તેમનો પરિચય થોડી વારમાં આપણને મળશે.. પણ મારે જે કહેવું છે તે તેમના વ્યક્તિત્વ વિષે ……મારું સદભાગ્ય કહું કે  દુર્ભાગ્ય ??? મને એમની સાથે થોડો વખત કામ કરવાનો મોકો મળ્યો છે. ખુબ લાંબો સમય વિતી ગયો છે એ વાતને જોકે પણ મેં એમને એ સમયે જેવા જોયા હતા-અનુભવ્યા હતા એવાજ એ અત્યારે પણ હશે એ વિષે મને લેશમાત્ર સંશય નથી. મેં તેમને કેવા જોયા -અનુભવ્યા હતા એ આપને કહું..?” ઓડીટોરીયમમાંથી એકસાથે ઘણા બધાનો હકાર સંભળાયો.. એટલે સંયુક્તાએ ફરી બોલવાનું શરુ કર્યું:  “પારદર્શક છતાંય ભ્રામક વ્યક્તિત્વ …અત્યંત પ્રામાણિક…..એમને નફરત કરવાવાળા પણ એમની સાથેના સંગાથે એમનાં પ્રેમમાં અચૂક પડી જાય… એમની લાગણી પણ માણવા જેવી….પછી એ કોઈ વિદ્યાર્થી પ્રત્યે હોય, સહકાર્યકર સાથેની હોય કે પછી કોઈ દોસ્ત સાથેની હોય.. આપણું આતિથ્ય સ્વીકારીને તેમણે, એ.એ.જી.એલ.સી ની અને સમગ્ર અમેરિકામાં નિવાસ કરતા ગુજરાતી સાહિત્ય પ્રેમીઓની શોભા વધારી છે એમ કહેવામાં હું જરા પણ અતિશયોક્તિ નથી કરતી.. ન્યૂ જર્સી ચેપ્ટર આ વખતે હોસ્ટ હોવાને નાતે અને એ.એ.જી.એલ.સીના અધ્યક્ષ હોવાને નાતે મેં તેમને પત્ર લખ્યો હતો અને આમંત્રણ આપ્યું હતું  ત્યારે પ્રત્યુત્તરમાં એમણે જે લખી મોકલ્યું તે અક્ષરશ: આ પ્રમાણે હતું. હું સમજું છું કે તે વખતે તેમને મારો પરિચય નહીં થયો હોય…!! ફક્ત ત્રણ વાક્યનો સ્વીકૃતિપત્ર આપ સૌ શ્રોતાઓને વાંચી સંભળાવું છું.”

સંયુક્તાએ  રીડીંગ ગ્લાસીસ પહેર્યા અને પત્ર વાંચવા માંડ્યો.

“અધ્યક્ષ મહોદયા, અમેરિકન એકેડેમી ઓફ ગુજરાતી લીટરેચર એન્ડ કલ્ચર, ન્યૂ જર્સી.,

આપના આમંત્રણનો અસ્વીકાર કરવાની દુષ્ટતા હું નથી કરી શકતો….કારણ આપના દેશ સાથેતો હું લાગણીથી જોડાયેલો છું….સત્ય એ છે કે મારા અસ્તિત્વનો એક ટૂકડો આપના દેશમાં જ ક્યાંક છે….મારા જીવનની મધુરી ક્ષણ ને લઈને કોઈક ત્યાં ગોપાઈ ગયું છે….જેને હું શોધું છું… ચાલો, આપના નિમિત્તે હું તેમ કરી શકીશ… આપના આયોજન દ્વારા મને એક નિમિત્ત મળી ગયું.. હું સ્વીકાર કરું છું આપનું આમંત્રણ…!! સંયુક્તાએ એક નજર એમના તરફ કરી અને કહ્યું : “સર…., લ્યો આપનો બહુ  મોટો ચાહકવર્ગ અહીં મોજુદ છે…આપના ખુબ વખાણ સૌએ સાંભળ્યા છે અને આપની કલમમાંથી વહી આવતા શબ્દો દ્વારા મદહોશી અનુભવતો આ તમારો બહોળો વાચકવર્ગ આપને સાંભળવા ઉત્સુક છે… હું આપની અને આપના શ્રોતા વચ્ચેથી ખસી જાઉં છું…! મેં આઈ નાવ રીક્વેસ્ટ આર ગેસ્ટ સ્પીકર મિસ્ટર સાર્થક માનસેતા ટુ એડ્રેસ ધીસ લવલી ક્રાઉડ….. અને હા,ધેર ઇઝ નો ટાઈમ લીમીટ…”

અનાઉન્સમેન્ટ થતાં જ હોલમાં સળવળાટ ચાલુ થઇ ગયો… અને સાર્થક તેમની ચેર પર થી ઉભા થયા અને એ સાથે તમામ ઉપસ્થિત લોકો પણ હોલમાં એક સાથે ઉભા થઇ ગયા અને ખૂબ તાળીઓથી તેમને વધાવી લીધા…સાર્થક એમની ચેરથી પોડિયમ સુધી પહોચ્યા પછી પણ તાળીઓ ચાલુ જ રહી…છેવટે અધ્યક્ષાએ ઉભા થઇ તમામને બે હાથથી સ્થાન ગ્રહણ કરવા ઈશારો કર્યો…બસ થોડી ક્ષણોમાં હોલમાં સન્નાટો વ્યાપી ગયો.સાર્થક લેક્ટમ પાસે આવ્યો..સહેજ ગળું સાફ કર્યું, એકાદ ક્ષણનો વિચાર કર્યો….અધ્યક્ષાની ચેર તરફ જોયું ….બન્ને નજર એક થઇ…સમ્બોધનની શરૂઆત માટેની સંમતી જાણે આંખો દ્વારા મેળવી લીધી…! “આપના આ અધ્યક્ષ મહોદયા મારા એક વખતનાં સાથી છે અને એથીયે વિશેષ એ મારા દોસ્ત છે….આમંત્રણ મળ્યું ત્યારે એમનાં નામથી ભ્રમિત થયો..પણ અક્ષર તો અત્યંત પરિચિત હતાં…..ઓળખી ગયો હતો…. અને હા દોસ્તો આપ સર્વની ક્ષમાયાચના સાથે બીજી એક મારી અંગત વાત… આપનાં આ મેડમને મને માનવાચક સમ્બોધન કરીને બોલાવવાનું નહિ ફાવે…!”

ફરી એનાં તરફ જોયું…સંયુકતાએ હસતા હસતા હાથના ઇશારે પરમીશન જાણે આપી દીધી.

“સંયુક્તા અને મારાં સ્વજનો …”

એકદમ ટૂંકું છતાં મોહક સંબોધન….! ઘેરા અવાજમાં થયેલા એ સંબોધનથી લોકોમાં ઉન્માદ વ્યાપી ગયો..અવાજની ગહેરાઈથી કેટલીયે સ્ત્રીઓની સીસક નીકળી ગઈ…હોલમાં એક સાથે “ઓ વાવ” અવાજ આવ્યો..અને ફરી પછી તાળીઓ….

“સંયુક્તાએ કહ્યું…આ દેશ સાથે મારે લાગણીનો સંબંધ છે…,સત્ય છે…,હાજી, સત્ય છે એ….અને એટલે જે સંબંધમાં હૃદયનો હસ્તક્ષેપ હોય એની આસપાસનું તમામ જીવંત કે નિર્જીવ પણ સ્વજનજ હોયને…???? મને ત્રણેક વિષયો સૂચવાયા હતાં….મારી પસંદગી પ્રતીક્ષા પર ઢળી…કારણ આ…આ  આપનો દેશ મને બોલાવે એની મને વર્ષોથી પ્રતીક્ષા હતી…ઝંખના હતી….દોસ્તો, સાર્થકની એજ સાર્થકતા છે કે એની એ ઇચ્છા આજે સાર્થક થઇ……?? ”

થોડી ક્ષણનું મૌન આખા ઓડીટોરીયમમાં લોકોનાં શ્વાસના અને ઉપર સીલિંગમાં ફરતા પંખાઓનો જ અવાજ સંભળાતો હતો…પોડિયમ પર પડેલા ગ્લાસમાંથી એક ઘૂંટો પાણી પીધું એક નજર એમણે સભાગૃહમાં નાખી લીધી અને ફરી પાછા બોલવાનું શરુ કર્યું.

“મિત્રો પ્રતીક્ષા વિષય પર જ આવી જાઉં….જીવન એટલે પ્રતીક્ષાની વણઝાર….માના ગર્ભથી લઈને ગંગાજળનું એક ટીપું મુખમાં પડે તે બે ઘટનાઓ વચ્ચે ઘટતી ઘટનાઓની ઘટમાળ એ પ્રતીક્ષા….માંના ગર્ભમાં ઉછરતા ભ્રુણને જીવનપ્રવેશની પ્રતીક્ષા તો મરણપથારીએ કણસતા જીવને જીવનમુક્તિની પ્રતિક્ષા…શિશુને જન્મ લેવાની  તો માને જન્મ આપવાની પ્રતીક્ષા..

પ્રતીક્ષા એ તો નશો છે અને નશામાં મદહોશ રહેવામાં જે મજા છે એ પ્રાપ્તિમાં ક્યાં છે ?

પ્રાપ્તિ એ તો હેંગઓવર ઓવર છે.પ્રતીક્ષામાં પીડા છે..વિરહ છે..મૂંઝવણ છે…તાલાવેલી છે..છટપટાહટ છે.

જીવનમાં જયારે કશાની કે કોઈની પ્રતીક્ષા ના રહે ત્યારે એવી વ્યક્તિ જીવિત છતાં મૃતઅવસ્થામાં છે એમ અચૂક માનવું.

આપણા શાસ્ત્રોમાં-પૂરાણકથાઓમાં વર્ણવાયેલાં કેટલાંક પાત્રોની પ્રતીક્ષા યાદ કરવા જેવી છે…

ઉર્મિલાએ કરેલી લક્ષ્મણની પ્રતીક્ષા.. શકુંતલાએ કરેલી દુષ્યંતની પ્રતીક્ષા…શબરીની રામદર્શનની પ્રતીક્ષા.

અહલ્યાની રામસ્પર્શની પ્રતીક્ષા…સીતાની રામમિલનની પ્રતીક્ષા…

આમાંથી કોની પ્રતીક્ષા મહાન…??? પ્રતીક્ષામાં વળી મહાનતા કેવી..??? એમાંતો દુઃખ છે, વેદના છે, વિરહ છે, તડપ છે.

જેના અંગેઅંગ યૌવનની ભરપૂર વસંત ખીલી છે એવી નવયૌવનાને વસંતના વધામણાં થાય એની પ્રતીક્ષા તો લગ્નની ચોરીમાં ફેરા ફરતાંય જેની આંખો વિહવળતાથી લગ્નમંડપમાં પોતાના પ્રિયજનને શોધતી હોય અને એનાં આગમનની આતુરતાથી પ્રતીક્ષા કરતી હોય….!!

પ્રવચન તો ખૂબ લાંબુ ચાલ્યું… સભાગૃહમાં સન્નાટો હતો… ફક્ત લોકોનાં શ્વાસોછ્વાસનાં તો ક્યારેક કોઈકનો ખાંસવાનો અવાજ આવતો હતો.. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.. “આપની રજા લઉં” એટલું બોલીને સાર્થક જ્યારે એમની વાત પૂરી કરીને એમની ચેર તરફ ગયા…ત્યારે શ્રોતા ટ્રાન્સમાંથી બહાર આવ્યા… જાણે સંમોહન થયું હોય એવી અનુભૂતિ સૌને થતી હતી… સાર્થક, ચેર તરફ આવતા જ સયુંક્તા પોતાના સ્થાને ઉભી થઇ ગઈ અને એ સાથે જ હોલમાં ઉપસ્થિત તમામ શ્રોતા પણ એમને અનુસરતાં ઉભા થઈ ગયાં અને  ખૂબ તાળીઓ વગાડી એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું…કાર્યક્રમ પૂરો થયો…ઘણાંબધાં પ્રેક્ષક ડાયસ પર એમને મળવા ધસી આવ્યા…સાર્થક થોડી બેચેની અનુભવતો હતો…. ભીડથી ઘેરાઈ જવાના પ્રસંગતો તમામ કાર્યક્રમોમાં બનતા,પરંતુ આજે તો એને એકાંતનો ખપ હતો ને….! આજે કશું નહિ ફક્ત સંયુક્તા સાથે વધારેમાં વધારે સમય વિતાવવો હતો…આજે અનાયાસ, મનગમતું અત્યંત સુખદ આશ્ચર્ય સયુક્તાનાં સ્વરૂપે તેની સામે આવ્યું હતું…અને હવે તે ઝડપથી તેની અનુભૂતિ કરવા માંગતો હતો.. સયુંક્તાએ સાર્થકના મ્હો પર ભીડના કારણે અણગમાના ભાવ જોયા અને તે એમની મદદે આવી… બહુ ઓછા લોકો રહ્યા..બધા પ્રબંધક સાથે ઔપચારિકતા પતાવી. સંયુક્તાએ સાર્થકને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું….સ્વીકાર્યું….!

લીમોઝીનમાં પડેલો તેનો લગેજ સંયુક્તાની મર્સીડીસ કારમાં ટ્રાન્સફર થઇ ગયો.

સંયુક્તા બધા આયોજકોનો આભાર માનવા માટે ગઈ ત્યાં સુધીમાં સાર્થકે ઓપન સ્પેઇસમાં જઈ પાઈપ સળગાવી. સાર્થક માટે પાઈપ પીવી એ અનિવાર્ય બની ગયું છે. સંયુક્તા ત્યાં આવી અને તેના મ્હો પર પાઈપના કારણે અણગમાનો ભાવ આવી ગયો પણ એ કશું બોલી નહિ અને ગાડી તરફ ચાલવા માંડી..સાર્થક આ અણગમો પામી ગયો પણ કશું બન્યું નથી એમ રાખીને સાર્થક તેને ફોલો કરવા માંડ્યો. સંયુકતાની મર્સીડીસ કાર ઘર તરફ સડસડાટ દોડવા માંડી…. ગાડી પૂરપાટ જતી હતી અને એટલાજ ઝડપથી વિચારો પણ !!! …બંનેમાંથી કોઈ કશું બોલતું ન હતું. સયુંક્તાનું ઘર ખાસ્સું દૂર ન્યૂયોર્ક અપસ્ટેટમાં હતું… બંને જણ પોતપોતાના મનાકાશમાં વિહરી રહ્યાં હતાં…..લગભગ એક કલાકના ડ્રાઈવ પછી ગાડી એક મોટા વિલાના પોર્ચમાં  આવીને ઉભી રહી…ખૂબજ સુંદર લોકેશન અને એકસ્ટ્રીમ કોર્નર પરનું આ હાઉસ હતું…ડાબી બાજુએ વિશાળ પોન્ડ હતું અને એમાં પક્ષીઓ તરતાં હતાં…એની ફરતે સ્ટ્રીટ લાઈટ્સનો મદ્ધિમ ઉજાસ અને વિલાની ચારે બાજુથી સ્પોટ લાઈટ્સ દ્વારા ફેંકાતા પીળા અજવાળામાં વિલા કોઈ મોન્યુમેન્ટની જેમ શોભતું હતું. ઘરની અંદરની સજાવટ પણ બેનમૂન હતી.. એથનિક અને કન્ટેમ્પરરીનાં સમન્વયવાળું ફર્નીચર-પેઈન્ટીંગ્સ- કર્ટેન્સ- ક્રોકરી અને ઘરની એકેએક ચીજ મેટીક્યુલસલી ગોઠવેલી હતી….મેઈન હોલની બાજુમાં એક રૂમ હતો જે ગ્લાસડોરથી બંધ હતો…

“આવો આ મારા આશિયાનામાં આપનું સ્વાગત છે,મિસ્ટર સાર્થક માનસેતા..” ખડખડાટ હસી પડી.

“થેન્કસ સાયુ…!”એજ સંબોધન થઈ ગયું જે વર્ષો પહેલાં તે સંયુક્તા માટે કરતો…જોકે વર્ષો પહેલાજ કેમ અત્યારે પણ અસંખ્યવાર મનમાંને મનમાં તો એ સંબોધન કરે જ છે અને એટલે જ મનની વાત પ્રગટ થઇ ગઈ..

” બહુજ સારું લાગ્યું સાર્થ..” સયુંક્તાએ પણ એજ સંબોધન કર્યું જે તે પહેલા કરતી હતી…..

“તારે ફ્રેશ થવું છે..?? ચેઈન્જ કરીલે…હું પણ ચેઈન્જ કરીને આવું…”

થોડીવારે જયારે સંયુકતા ચેંજ કરીને આવી ત્યારે સાર્થક લાયબ્રેરી રૂમમાં પુસ્તકો જોતો હતો…ખુબજ સુંદર  રીતે ગોઠવાયેલી હતી લાયબ્રેરી…દુનિયાનાં તમામ પ્રચલિત લેખકોનાં પુસ્તકો હતાં..એમાં એના પુસ્તકો પણ હતાં. ભારતીય લેખકોના વિભાગમાંથી સાર્થે એક પુસ્તક લીધું અને સામે રીક્લાઈનરમાં બેસીને પાના ઉથલાવવા માંડ્યો.

સંયુક્તા કિચનમાં કશુંક કામ કરતી હતી અને જોતી પણ હતી સાર્થને…ધીમેધીમે એની પાછળ આવીને ઉભી રહી ગઈ…સાર્થ પહેલું પાનું ખોલીને એકીટસે જોયા કરતો હતો એના લખાણ પર…લખ્યું હતું.

અર્પણ: વરસી ના વરસીને અલોપ થઇ ગયેલી એક વાદળીને…….- સાર્થક

“તારુજ પુસ્તક છે અને લખાણ પણ તારુંતો છે…,તો પછી…કેમ આટલા કુતુહલથી જુએ છે સાર્થ?”

“આપણને ક્યારેક આપણા વિષે પણ કુતુહલ થતું હોય છે ને સાયુ ….”

” સાયુ… તારા હસબંડ ક્યાં છે…? એન્ડ વ્હોટ અબોઉટ યોર ચિલ્ડ્રન ?”

“કેમ એ બધું તમને એકદમ યાદ આવ્યું..?”

“બસ એમજ…કોઈ ઘરમાં દેખાતું નથી એટલે…!!!”

” અહીં કોઈ જ નથી…” થોડીવાર મૌન રહી અને પછી બોલી…

“અમારા  ડિવોર્સ થઈ ગયા  છે…એ મારા એક્સ હસબન્ડ, ન્યૂયોર્કમાં ક્યાંક રહે છે…કોઈ ફિલીપીનો લેડી સાથે એમણે લગ્ન કરી લીધા છે, દીકરો ડોક્ટર છે…કેલીફોર્નીયામાં એની પત્ની સાથે રહે છે ખુશ છે…બોલો આનાથી વધારે કાંઈ પૂછવું છે ?”

“ના..”

“…………….”

“એક વાત કહું સાર્થ …એ બધી વાત આપણે પછી ક્યારેક કરીએ તો….?  આજે હું બહુ ખુશ છું અને તમારી સાથે નો સમય હું વેડફી નાખવા નથી માંગતી…એ મારા જીવનનો અંધારો ઓરડો છે અને એના કમાડ મેં બહુ સખ્ત રીતે ભીડી દીધાં છે….”

“……………….” સાર્થક મૌન થઇ ગયો શું બોલવું તે સમજણ પડતી ન હતી …

” ચાલ હું ચાય બનાવું….પછી કશુંક ખાઈએ..?” સંયુક્તા કિચનમાં ગઈ..

“સાર્થક તું પણ અહીં જ આવી ને બેસ …હું કામ કરતી જઈશ અને તારી સાથે વાતો પણ કરતી જઈશ”….સાર્થક  પણ તેની પાછળ કિચનમાં ગયો..કિચન જોઇને સાર્થકથી “વાહ” બોલાઈ ગયું.. વિશાળ કિચન અને અતિ આધુનિક અપ્લાયન્સીસ અને ગ્લાસ શોકેસમાં ગોઠવેલી કીમતી સ્કોટ ઝવિસેલની ક્રિસ્ટલ ક્રોકરી, લાઈટ પિંક ગ્રેનાઈટ મઢેલું વોલ ટુ વોલ કિચન પ્લેટફોર્મ અને તેની સામે સર્વિસ પ્લેટફોર્મ….અને ત્યાં બેસવા માટેની લેધર સીટવાળી સ્ટીલ ફ્રેમની પબ ચેર્સ હતી..સામે ડાઇનીંગ એરિયામાં ૧૨ લોકો એક સાથે બેસીને ખાઈ શકે એવું મોટું ગ્લાસનું ડાઈનીંગ ટેબલ, ભવ્ય કિચન હતું. સર્વિસ ટેબલ પર પબ ચેર પર સાર્થ બેસી ગયો… ચાય પીતા-પીતા આડીઅવળી ઘણી વાતો કરી…

“સાયુ…મને તારા જીવનની કરુણતા વિષે જરા પણ અણસાર નહતો..તું અહીં ઝઝૂમી-ઝૂરી અને હું ત્યાં ઝૂર્યો, હું તો બસ તારી રાહ જોતો રહ્યો..હતું કે તું આવીશ…તું તો ના આવી પણ મને તારી પાસે બોલાવી લીધો..!”

“સાર્થ, સાચું કહું તો હું તો ઇચ્છતીજ હતી કે તું અહીં આવે….”

“સાયુ ….અહીં તારા ઘરમાં બીજું કોઈ નથી અને હું તારી સાથે છું…!એક પરપુરુષ સાથે એકલા રહેવાનું….!!!

“તું મારા માટે પરપુરુષ…!  હેં સાર્થ ! મારા જીવનનો મારે કોઈને હિસાબ નથી આપવાનો … મને લાગે છે સાર્થ તું કન્ફયુઝ છે….., ખુલી જા સાર્થ, ખુલી જા…”

“એટલું બધું કહેવું છે કે ક્યાંથી શરૂઆત કરવી એજ ખબર નથી પડતી..”

“આપણા બંનેની કદાચ એકસરખી પરિસ્થિતિ છે ..”

“સાયુ, આપણે મળ્યા એ સંજોગ હતો પણ વિખૂટા પડવું એ દુર્ઘટના હતી…પંગુતા આવી ગઈ….અપંગ બની ગયો હોઉં એવી લાગણી સતત થયા કરતી….”

“તારાથી દૂર થઈને હું સુખી હતી એવું ના માનીશ સાર્થ…તારા તરફ લાગણી વહેવી ક્યારે,કેવી રીતે શરુ થઇ એની મને તો ખબર પણ ન હતી રહી….બસ હુંતો ઢસડાઈ આવી હતી તારા તરફ..પણ વિધાતાનું વિધાન તો કંઈક જૂદું જ હતું ને…..?

“ખૂબ નામ મળ્યું…શોહરત મળી, પુષ્કળ પૈસાતો મળ્યાજ… અરે સત્તા પણ મળી… પણ એ બધું   કોના માટે હેં…? બે ઘડી કશું બોલી નહીં અને એક નિસાસો નાખ્યો અને ફરી બોલવાનું શરુ કર્યું…”જેના માટે હતું એની નિયતિમાં ન હતું…ઘણાં ઘર્ષણ અને સંઘર્ષને અંતે અમે છૂટા પડ્યા… દીકરીનું પઝેશન મેં સ્વેચ્છાએ સ્વીકાર્યું અને એને ખૂબ સરસ રીતે ઉછેરી, ડોક્ટર બનાવી. દીકરી એની પસંદના એના કલીગ બંગાળી ડોક્ટરને પરણી અને કોલકત્તામાં સેટલ થઇ ગઈ…”

“સાર્થ અરે….! વાતોમા ને વાતોમાં હું તો જમવાનું બનાવવાનું જ ભૂલી ગઈ….બોલ શું ખાઈશ ?”

“કાંઈ પણ…લાઈટ…”

“સાયુ…! સદભાગ્ય એ છે કે મારી વર્ષોની પ્રતીક્ષા પૂર્ણ થઇ…તને મળ્યા પછીનો હવે કુદરતનો કોઈપણ ફેંસલો મંજુર છે…”

થોડીવાર આડીઅવળી વાતો થતી રહી એટલામાં  સંયુક્તાએ કીનવા-સેલડ, સ્ક્રેમ્બ્લ્ડ એગ્સ  અને સેન્ડવીચીઝ તૈયાર કરી દીધાં અને સાથે ફ્રેશ મિક્સ ફ્રુટપંચના મોટા બે ગ્લાસ ભરીને મૂકી દીધા. બંને જણ થોડું જમ્યા…

“સાર્થ….! આવ આપણે ગાર્ડનમાં બેસીયે”…ખુબ સુંદર લેન્ડસ્કેપીંગ કરેલું હતું……અને સ્પ્રીન્ગને લીધે ટેમ્પરેચર પણ મઝાનું હતું…એમ કહીએ કે માદક હતું…ગાર્ડનમાં ચેર્સ અને સેન્ટર ટેબલ મુકેલાં હતા..સાર્થ આવીને ત્યાં ચેર પર ગોઠવાઈ ગયો….સંયુક્તા ફ્રેશ થવા ગઈ…અને જ્યારે  આવી ત્યારે વ્હાઈટ ટ્રાન્સપરન્ટ નાઈટ ડ્રેસ પેહરીને આવી…હાથમાં ટ્રે હતી અને તેમાં બે વાઈન ગ્લાસ હતાં સાથે એક વાઈન બોટલ હતી…સેન્ટર ટેબલ સજાવી દીધું…” સાર્થ મને ખબર છે તને ડ્રીંક કરવાનું ખુબ ગમે છે અને એટલે જ જેવું તારું અહીં આવવાનું કન્ફર્મેશન આવ્યું પછી મેં  ઓસ્ટ્રેલીયન વાઈન સ્પેશ્યલ ઓર્ડરથી મંગાવ્યો…બહુ સરસ વાઈન છે  “કોલોનિયલ એસ્ટેટ એમીગર ” યુ વિલ એન્જોય સાર્થ…!”

” થેન્ક્સ બેબી ” સાર્થક પણ ધીમે ધીમે રોમેન્ટિક મૂડમાં આવતો હતો…પાઈપ સળગાવી સંયુક્તાના ચહેરા પર અણગમાનો ભાવ આવ્યો પણ તરત તેણે હાવભાવ બદલી નાખ્યા કારણ એ આજની રાતના જીવનનાં આ શ્રેષ્ઠ સમયમાં મૂડ ખરાબ કરવા નહોતી માંગતી…. બંને જણ ખુબ ખુશ હતાં ….વાઈન ની અસર હવે ધીમે ધીમે વર્તાવા માંડી…સતહ બદલાવા માંડી…ખૂબ વાતો કરી અને સંયુક્તા ઉભી થઈ અને સાર્થની ચેરની પાછળ આવીને એકદમ અડોઅડ ઉભી રહી ગઈ…એના વાળમાં આંગળીઓ ભરાવી દીધી અને ક્યાંય સુધી કશું પણ બોલ્યા વગર એમ કરતી રહી…સાર્થક ચેર પરથી ઉભો થયો અને સંયુક્તા તરફ ફર્યો અને હાથ ફેલાવી દીધા…સયુંક્તા એના બે ફેલાયેલા હાથ વચ્ચે સમાઈ ગઈ, એકબીજાના આશ્લેષમાં ક્યાંય સુધી ઉભા રહ્યા…શરીરમાં ગરમાહટ આવી ગઈ….ઉત્કટતા અને ઉન્માદ વ્યાપી ગયાં …મન અને શરીર ની એકાત્મકતા સધાઈ ગઈ અને સંબંધ એક નવા જ પથ પર વિસ્તરી ગયો.

*******

 

 

 

 

 

કંકુથાપા

 

ર આખું હેલે ચડ્યું હતું…..મહેમાનો આવી ગયાં છે…

આખું ઘર ભર્યુંભર્યું લાગે છે. સુંદર સજાવ્યું છે ઘરને..રોશનીનો ઝળહળાટ અને ઘરની આગળની જગામાં નાનો મંડપ બાંધ્યો છે…. આસોપાલવના તોરણ અને પીળા અને સફેદ ફૂલની સેરો ઠેર ઠેર લગાવી છે.

ઘરમાં આ છેલ્લો પ્રસંગ છે …હવે નજીકના ભવિષ્યમાં ઘરમાં કોઈ અવસર આવવાનો નથી.

ઘરની સૌથી લાડકી, સૌની વહાલી અને સૌથી નાની શ્રેયાનું લગ્ન છે.

ખળખળ વહેતા ઝરણા જેવી અને ઊછળકૂદ કરતી ચકલીની જેમ ફડફડાટ કરતી શ્રેયા બે-ત્રણ દિવસમાં આ માળો છોડી દેશે અને બીજે ઠેકાણે જઈને વસી જશે…આ ઘરમાંથી એના જવા માત્રની કલ્પનાથી આખું ઘર બેચેન બની ગયું છે..જ્યાં સુધી એ ઘરમાં હોય ત્યારે ઘરમાં ચહલપહલ  હોય…ઘર આખું ગુંજતું હોય-ગાજતું હોય…પણ હવે એના જવા પછી આવનારી નીરવ શાંતિની ઘરનું કોઈ જ કલ્પના સુદ્ધાં નથી કરી શકતું…ઘણાબધા સભ્યો છે ઘરમાં, બહોળો પરિવાર છે. નાનાંનાનાં ટાબરિયાથી માંડીને પપ્પાજી સુધી બધામાં શ્રેયા વિશિષ્ટ પ્રકૃતિની છે. મમ્મી તો  કાયમ કહે કે એના પગમાં ફુદરડી છે..એ જંપીને બેસે જ નહિ… એક ઘડી માટે પણ  જો આ છોકરી શાંતિથી બેસે તો એનું નામ શ્રેયા નહીં….!!!

બસ, શ્રેયા હવે બદલાઈ જશે..શ્રેયાનું સ્વરૂપ-નામ-સ્વભાવ બધું જ બદલાઈ જશે…શ્રેયા દલાલ મટીને હવે શ્રેયા દિવાન બની જશે . લગ્નના નામ માત્રથી ભડકતી આ છોકરી હવે લગ્નના બંધનમાં જકડાઈ જશે.. છેલ્લા ઘણા વખતથી એણે સૂચક મૌન ધારણ કરી લીધું હતું. લગ્ન માટે આનાકાની કરવાનું કે લગ્નનો ઇન્કાર કરવાનું છોડી દીધું …બસ હવે તો  પપ્પા-મમ્મીને જે વાતથી સુખ મળે એમ કરવાનો નિર્ધાર જાણે કરી લીધો છે.

એનું લગ્ન કરવાનો નિર્ણય સામૂહિક હતો…..જોકે આ લગ્નથી ઘરનાં બેજ સભ્યો નાખુશ હતા ……એક તો શ્રેયા પોતે અને બીજા એના પપ્પાજી.

બે વચ્ચેનો વચ્ચેનો સ્નેહ દુનિયાના તમામ સ્નેહસંબંધને ઝંખા પાડી દે એવો છે.

પપ્પા લગભગ ૭૦ વટાવી ચૂક્યા છે. છ સંતાનોના આ બાપનો કડપ આ ઉંમરે પણ હજી એવોને એવોજ છે. એમની સામે આંખ મિલાવીને કે સહેજે ઉંચો અવાજ કરીને વાત કરવાની હિમ્મત ના તો ઘરમાં કોઈની છે કે નાતો ગામમાં….અને એજ તો કારણ છે ને કે ૨૦-૨૨ જણાનો આ પરિવાર આજે પણ અખંડિત રહી શક્યો છે. આખા પંથકમાં એમની ધાક હતી.. પોલીસ અમલદાર તરીકે નિવૃત્ત થયા પછી પણ એમના મોભાની લોકો કદર કરતા…આદર કરતા. એટલું જ નહિ એમના રુઆબથી લોકો કાંપતા.

આખા પંથકમાં પી.ડી.ફોજદારનું નામ પડે એટલે અચ્છાઅચ્છા ધ્રુજવા માંડે. એમની સરકારી ખખડધજ જીપનો ધડધડાટ ગામની ભાગોળે થાય અને આખું ગામ આઘુંપાછું થઇ જાય..ફળિયામાં પગ મૂકે અને ફળિયામાં સન્નાટો વ્યાપી જાય..અને જેવા ઘરમાં પ્રવેશ કરે અને આખું ઘર શાંત થઇ જાય. બધા પોતપોતાના કામે વળગી જાય…જોકે ઘરમાં ક્યારેય એમણે કોઈ પણની સાથે  ઊંચા અવાજે વાત નથી કરી કે નાતો કોઈને પણ શિક્ષા કરી છે…પણ તોયે એમની આંખ ફરે ને બધું જ અને બધાં જ  સાબદાં થઇ જાય….પણ આખા ઘરમાં જો કોઈ માથાફરેલું હોય તો તે શ્રેયા છે…એને ક્યારેય પપ્પાજી નો ડર લાગ્યો નથી….ઉલટા પપ્પાજી

એની પાસે એકદમ નરમ થઇ જતા…શ્રેયા બહુ જ  ડાહી છે…બહુ વહાલી છે બહુ લાડકી છે ઘરના બધાંની અને ખાસ કરીને પપ્પાજીની.પપ્પાજી નું કોઈને કાંઇ પણ કામ હોય તો તેણે શ્રેયાને માધ્યમ બનાવવી પડે..અને એટલે તો  શ્રેયા બધાંની ખુબ લાડકી બની ગઈ છે.

ક્યારેક કોઈ ગુંચ હોય કે સમસ્યા …દરેક નો હલ ..દરેક વસ્તુનું સમાધાન આ ઠાવકી છોકરી પાસેથી મળે. ક્યારેક તો  પપ્પા-મમ્મી પણ એની સલાહને અનુસરે. ખુબ તોફાની અને એટલી ચબરાક પણ.. ચોવીસ વર્ષની ઉંમરે પણ ગજબનું ડહાપણ હતું. જેવી ધારદાર બુદ્ધિપ્રતિભા એવું ચમકદાર એનું વ્યક્તિત્વ છે. અત્યંત તેજસ્વી અને આકર્ષક ચહેરો, ધારદાર નાક-નકશી સહેજ શ્યામલી અને ખળખળ વહેતા ઝરણા જેવી નિર્દોષ …..આખો દિવસ બસ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી આ છોકરીની બધાં ચિંતા કરે… મમ્મી તો કાયમ  એમ જ કહે કે ” આ મુઈને કોણ સંઘરશે…..પારકા ઘેર જઈને શું કરશે આ ?” ત્યારે પપ્પાજીનો એક જ જવાબ હોય…”તું હવે અમથી ચિંતા કરવાનું છોડ અને જોજે તો ખરી આ છોકરી તારું અને મારું નામ ઉજાળશે… ”

આમતો મા-દીકરી વચ્ચે હેતનો અને મિત્રતાનો સંબંધ હતો..વ્યવહારેય  એકદમ નિકટની સખીઓ જેવો…કંઈપણ સમસ્યા-મૂંઝવણ કે વ્યવહારિક બાબત હોય તો એ બંને વચ્ચે નિખાલસ ચર્ચા થાય..શ્રેયાના જીવનની તમામ ગતિવિધીઓથી મમ્મી વાકેફ હોય..પણ તોય ચિંતા તો   રહેજને..? માનો જીવ છે, કાયમ એમનો જીવ ઉંચો જ રહે શ્રેયાની બાબતમાં..

******                          ******                            ******

શ્રેયા કંઈક બદલાયેલી લાગે છે  .. એનું વર્તન-વ્યવહાર બદલાયા છે.. હવે થોડીક ગંભીર થઇ છે …બોલવાનું ઓછું થયું છે…. બધાંની વચ્ચે ઓછી અને એકલી વધારે રહેવા લાગી છે… ઊંડા વિચારોમાં ખોવાયેલી રહે છે..ક્યારેક ક્યારેક એકલી એકલી હસે  છે …શરમાય છે… અને ક્યારેક વળી ઉદાસ થઇ જાય છે. એનું આવું બદલાયેલું વર્તન મમ્મીના ધ્યાનમાં આવ્યું હતું પણ એ તરફ  એમણે બહુ લક્ષ્ય નહિ આપેલું…. ચોવીસ વરસની આ છોકરી નાના બાળકની જેમ આજે પણ મમ્મી-પપ્પાના રૂમમાં એમની વચ્ચે જ કાયમ સૂઈ જતી…

તે દિવસ રાત્રે ગજબની ઘટના બની ગઈ.. પપ્પા બહારગામ હતા અને તે રાત્રે મમ્મી અને શ્રેયા એકલા સુતા હતા..ઘરના બધાં પોતપોતાના માળામાં ભરાઈ ગયા હતાં..શ્રેયા પણ ઘસઘસાટ ઊંઘતી હતી..પણ કોણ જાણે કેમ મમ્મીને ઊંઘ નહોતી આવતી. શ્રેયાના વિચારોમાં ક્યાંક અટવાઈ પડ્યાં હતાં.

શું હશે..? કોકની સાથે કૈક હશેતો નહીને..?કઇંક કુંડાળામાંતો પગ નહીં પડ્યો હોય ને આ મુઈનો ?  કોણ હશે..? પાછા પોતાની જાતેને જાતે પોતાને આશ્વાસન પણ આપતા કે જો એવું કશુયે હોય તો મારી દીકરી મને કહ્યા વગર રહે જ નહિ. મારાથી વળી કયે દા’ડે આ છોડીએ કશુય છાનું રાખ્યું છે અને આમેય આ ઘરમાંય કોઈએય ક્યાં કોઈ વાતે પડદો રાખ્યો છે ? આમ જ વિચારોની ઘટમાળમાં ગૂંચવાઈ ગયા હતા. જુવાનજોધ છોકરી જ્યારે બોલવાનું ઓછું કરે ત્યારે એના મનમાં કશુંક હોય.  આ સત્ય એ જાણતાં હતાં. છ સંતાનો અને તેમાય ચાર છોકરીઓની માં, એને તો છોકરું સહેજ પડખું ફરે તોય અણસાર આવી જાય. શ્રેયાના વર્તનમાં આવેલા ફેરફારો એમને કનડતા હતા, બેચેન બની ગયા હતા અને વળી તે દિવસે બન્યું પણ એવુંજ ને …!!  શ્રેયા આખી રાત પથારીમાં આડીઅવળી થયા કરતી હતી. કોણજાણે કેમ ઊંઘમાં પણ એને  જાણે બેચેની સતાવતી હતી. આમતો એ ઘસઘસાટ ઊંઘતી હતી…મમ્મી ઉઠીને એની પાસે ગયાં. શ્રેયાની સામે જોઇને બેસી રહ્યા. માથે હાથ ફેરવ્યો..શ્વાસની ગતિ એકદમ તેજ હતી…  એકદમ ચિંતાતુર થઇ ગયા.. પ્રાર્થના કરવા માંડ્યા ” હે ભગવાન શું થયું મારી આ છોડીને…? ” ઉભા થઈને લાઈટ કરી, અજવાળામાં શ્રેયાના ચહેરા પરની તંગ રેખાઓ અને કશાક   ગણગણાટથી મમ્મી ગભરાયા ….શું થયું હશે આ છોકરીને…?

થોડીવાર શાંત થઇ ગઈ અને પછી પાછી કશુંક ગણગણવા માંડી.. ચોખ્ખું કશું સંભળાતું ન હતું પણ હા…કોઈકનું નામ બોલતી હતી……અને પાછી અંગ્રેજીમાં બબડાટ કરવા માંડી…અને…એક ચીસ પાડતાંની સાથેજ પથારીમાં બેઠી થઇ ગઈ.. સાવ બા’વરી બની ગઈ,આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું…આંખો ફાડીને જોઈ રહી…પણ એને કાંઈ ખબર પડતી ન હતી કે શું બની ગયું…

મમ્મીએ પૂછ્યું: ” શું થયું બેટા ?”

“કશું નહિ” એકાક્ષરી જવાબ આપીને પાછી સુઈ ગઈ…

ક્યાંય સુધી મમ્મી એના માથે અને શરીર પર હાથ ફેરવતા રહ્યા…શરીર પરથી પરસેવો લુછી કાઢ્યો…ઉભા થઈને પાણી લઈ આવ્યા અને એને બેઠી કરીને પાણી પિવડાવ્યું., બસ શ્રેયા શાંત થઇ ગઈ..પણ એમની ઊંઘ ઉડી ગઈ..અશાંત મન હવે વિચારોના વમળમાં અટવાયું. ” હવે તો વહેલામાં વહેલી તકે આ છોકરીનું …..પણ એનો બાપ ક્યાં માને છે..એમને તો હજુ નાની કીકલીજ  લાગે છે…..જ્યારે કહીએ ત્યારે કહેશે કેમ તને આટલી બધી ઉતાવળ આવી છે મારી આ દીકરીને પૈણાવવાની…!!!!

વિચારોથી મન અને આંસુથી આંખો છલોછલ હતાં… ઉભરાતા હતાં.

સવારેતો સૌ પોતપોતાના કામે વળગી ગયાં. આખું ઘર દોડધામમાં હતું… શ્રેયા હજુ સુતી હતી..મમ્મીએ પણ એને જોકે સુવા દીધી અને રૂમને બહારથી આંકડી મારી દીધી. વિચારતા હતા કે “આખી રાતના અજંપા પછી બચારી ઊંઘી છે તો છો ને ઊંઘતી.” મોડી મોડી શ્રેયા જાગી…અંદરથી બારણું ખખડાવ્યું….મમ્મીએ બારણું ખોલ્યું અને એને બાથમાં લઈ લીધી…માથે બરડે હાથ ફેરવતા રહ્યા. આંખો ભરાઈ આવી. એક બાજુ ગુસ્સો છે અને બીજી બાજુ મમતા છે…વહાલ છે.

મમ્મીના આવા વર્તાવથી એને અકળામણ થતી હતી પરંતુ મમ્મીના લાગણીશીલ અને અધિરીયા સ્વભાવની પણ તો એને ખબર છે જ ને ! આજનું તેમનું વર્તન કૈક આશ્ચર્ય જન્માવે તેવું હતું…એને મમ્મીના ચહેરા પર ભયની રેખાઓ દેખાઈ  પણ એતો અમસ્તું કંઈક થયું હશે એમ માની એ નિત્યકર્મમાં પલોટાઈ. થોડીવાર પછી  છાપું લઈને હિંચકે આવીને બેઠી….. મમ્મી પણ એની બાજુમાં બેસી ગયા..શ્રેયાએ એ તરફ બહુ લક્ષ્ય ના આપ્યું … એમણે બોલાવી..” શ્રેયા…!!”

“હંઅઅ”

” રાતે શું થયું હતું તને ..?” શ્રેયાએ છાપું એકબાજુ મૂકી દીધું”

” ક્યારે…?”

” તને ખબર છે રાતે તું ઝબકી ગઈ હતી..?”

” ના… તેં મને પાણી આપ્યું હતું એટલી ખબર છે.”

” હા..મેં તને પાણી પિવડાવેલું….શું થયું હતું તને..સપનું આયેલું?”

” ખબર નથી..”

” સાચુ કે’છે ?”

” હા.. મમ્મી”

“કોનું નામ બોલતી’તી..?”

” નામ..?”

” હા, નામ..”

” મને કશી ખબર નથી…મને કશું યાદ નથી…”

” સાચું..?”

” હા…મા…?” ક્યારેક લાડમાં તે મમ્મીને મા કહેતી..

” એકદમ તેં ચીસ પાડેલી અને કો’કનું નામ બોલી અને પાછી ઇંગ્લીશમાં કશું બોલતી’તી.”      “મને કશું યાદ નથી મા” શ્રેયાએ વાત બદલવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને ઉભી થઈને જવા માંડી એટલે મમ્મી એ એને રોકી લીધી અને ગુસ્સે થઈને કહ્યું : ” બેસ અહીં…ક્યાંય જવાનું નથી..” આજે પહેલી વાર શ્રેયા ડરી ગઈ અને બેસી ગઈ. થોડીવાર કોઈ કશું બોલ્યું નહિ.. શ્રેયાએ ગુસ્સામાં જોરથી હીંચકો ઝૂલાવવા માંડ્યો…અને મમ્મીએ ફરીથી ગુસ્સે થઇ ને કહ્યું.: “રોક હીંચકો, બોલ કહે મને કે કોણ છે એ…??”

“……….”

થોડીવાર બિલકુલ શાંતિ રહી પણ બંનેના મગજમાં ધમાસાણ ચાલતું હતું.. શ્રેયા કોઇપણ રીતે એ વાત પર પડદો પડેલો રહે એમ ઈચ્છતી હતી અને મમ્મી કોઇપણ રીતે એ વાતનો ઘટસ્ફોટ થાય એમ ઈચ્છતા હતાં.

“શ્રેયા મને કહે બેટા એ કોણ છે..”સહેજ નરમ થઇ ગયા.

અત્યાર સુધી શ્રેયાની કોઈ પણ વાતથી તે અજાણ ન હતા અને આજે પહેલીવાર શ્રેયાએ કશુંક છુપાવવાનો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં બનેલી આવી જ ઘટનાઓ વિષે એણે સામેથી મમ્મીને કહેલું.. એના જીવનમાં આવેલા અનેક પ્રલોભનો એણે ઠુકરાવી દીધેલા અને મમ્મી એ બધાથી વાકેફ હતા અને આજે આ છોકરીએ કશુંક છુપાવ્યું એ વાત જ આમતો એમના માટે વજ્રાઘાત સમાન હતી…!!!  કોઇ પણ રીતે એ વાત તેઓ જાણવા માંગતા હતા.

” હું આજે આખી રાત ઊંઘી નથી શકી બેટા …બહુ ચિંતા થાય છે મને.” અવાજ સહેજ ગળગળો થઇ ગયો. ” એવું કશું ના કરીશ બેટા કે  અમારે નીચાજોણું થાય..”

“…………..”

” કોણ છે એ તો  કહે…”

” મારા સાહેબ છે…”

” શું નામ છે …?

” યશસ્વી ….હું…હું એને બહુ પ્રેમ કરું છું..”

“………….” શું બોલવું એજ ના સમજાયું.. મૌન રહ્યા …બસ એ દિવસ તો  આનાથી વધારે કશી  વાત ના થઇ…પપ્પા પણ એ દિવસે સાંજેજ બહારગામથી આવ્યા…. રાત્રે મોડા મમ્મીએ બધી વાત એમને કરી.

પંદરેક દિવસ એમ જ સામાન્ય રીતે કોઈ પણ ઘટનાઓ ઘટ્યા વગર પસાર થઇ ગયા. આ દિવસોમાં બધાજ  જાણે શ્રેયાથી અળગા થઇ ગયા…. એક દિવસ અચાનક પપ્પાએ રાત્રે શ્રેયાને બોલાવી અને પાસે બેસાડી..બાથમાં લઈને કપાળે ચૂમી લીધી…એના ચહેરાને તેમની હથેળીઓમાં લઈ તેની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કર્યો….પણ શ્રેયાએ આંખો ભીંસી દીધી…

” મારી સામે જો ”

શ્રેયાએ આંખ ના ખોલી…પણ અંદરથી ટપ ટપ કરતા આંસુ ધસી આવ્યા…

” બેટા …”

” હંમ”

” આવતી અગિયાર તારીખે તારું લગન છે..”

“………..”

મૌન થઇ ગઈ એ છોકરી …આજે પહેલીવાર એણે પપ્પાની સામે એક હરફ ના ઉચ્ચાર્યો…આજે પહેલીવાર એને પપ્પાની બીક લાગી. આંખો છલકાઈ ગઈ… ઘરના બધાં લગ્નની તૈયારીમાં પડી ગયાં..બધા ને ખુબ ઉત્સાહ હતો….નિરુત્સાહ હતી ફક્ત શ્રેયા…. બધા જેમ કહે તેમ કર્યા કરે.. જીવનનો ઉમંગ અદ્રશ્ય થઇ ગયો..

ફોજદાર સાહેબની શાખ પ્રમાણે ધામધૂમથી લગ્ન થયાં…શ્રેયાએ છોકરા તરફ નજર સુદ્ધાં કરી નહિ.. શ્રેયા વિદાય થઇ ગઈ..અને ઘરમાંથી કિલકિલાટ અદ્રશ્ય થઇ ગયો..ઓરડા સાવ સૂના થઇ ગયાં, બધા જ દુઃખી હતાં…મમ્મીની આંખો સુકાવાનું નામ જ  લેતી નથી.

જોકે સૌથી વધારે દુઃખી છે ફોજદાર સાહેબ..વિદાયવેળાએ શ્રેયા પપ્પાને વળગીને ખૂબ રડેલી…અને ત્યારે પહેલીવાર આ પોલીસ અમલદારને ઢીલા પડેલા લોકોએ જોયેલા.

આખી રાત આંટા માર્યા કર્યા..જ્યાં જ્યાં શ્રેયા સાથે મસ્તી કરતા એ જગ્યાએ જઈ જઈને ઉભા રહે અને મનોમન જાણે શ્રેયાની હાજરીને અનુભવવાનો પ્રયત્ન કરતા હતા.

સવારે મમ્મી એમની પાસે આવ્યા …”ઊંઘ્યા નહિ આખી રાત…?”

” ના ”

મમ્મીના હાથ તેમના હાથમાં લઈ લીધા અને આંખો છલકાઈ ગઈ..” આપણે આવું કેમ કર્યું…”?

” શું…??”

” છોકરીને એની મરજી એ પૂછી નહિ.. સાવ નિષ્ઠુર થઇ ગયા હતા આપણે…એને વિદાય કરી દીધી ફક્ત આપણી જીદ પૂરી કરવા..???”

મમ્મીનો હાથ પકડીને જ્યાં શ્રેયાએ કંકુના થાપા માર્યા હતા ત્યાં લઈ ગયા અને એના પર હાથ ફેરવવા માંડ્યા….હાથ ફેરવતાજ રહ્યા..અને આંખો છલકાઈ ગઈ…જીભ થોથવાઈ ગઈ…અને એક મોટું ડૂસકું નીકળી ગયું…” જો.. જો…મારી આ ઢીંગલીના નાના-નાના હાથની નિશાનીઓ…જો મારા હાથમાં મારી ઢીંગલીના હાથ છે ..”

મમ્મીને બીક લાગી શું થઇ ગયું આમને…? આજે પહેલીવાર પપ્પાએ બધાની  હાજરીમાં મમ્મીના ખભે માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને એ સાથે જ  વીસ બાવીસ માણસોની આંખોનાં બંધ પણ તૂટી ગયા…

ઢીંગલીના કંકુથાપા જ યાદ બનીને રહી ગયા….

 

*********                                       *********

આઈ’મ હીઝ ફાધર…!

મીસીસ બાવીસી દાદર પરથી નીચે આવ્યાં. બે-ત્રણ પ્રોફેસર પણ તેમની પાછળ ઉતર્યા અને પટાવાળો મનસુખ મૅડમની બ્રીફકેસ લઈને આગળ ગાડી પાસે પહોંચી ગયો હતો. ગાડી પોર્ચ પાસે આવીને ઉભી હતી.. ડ્રાયવર ગાડી પાસે જ મૅડમની રાહ જોઇને ઉભો હતો..
ડૉક્ટર મિસીસ શશિકલા બાવીસી હજુ છ મહિના પહેલાં આ કૉલેજમાં ટ્રાન્સ્ફર થઈને આવ્યાં છે.અંગ્રેજી લિટરેચરમાં તેમણે પી.એચ.ડી કર્યું છે.. ધારદાર બુદ્ધિપ્રતિભા, સ્પષ્ટવક્તા અને શિસ્તનાં આગ્રહી, કામ કરવાનો જબ્બર જુસ્સો અને સબોરડીનેટ્સ પાસેથી કામ કરાવવાની તેમની આવડત અને ત્રેવડ બંને ગજબ.. પ્રભાવ એવો કે કૉલેજનાં રાઉન્ડમાં નીકળે એટલે આખું કૅમ્પસ ખાલી થઇ જાય.. અધ્યાપક કે વિદ્યાર્થીઓ કોઈ આડુંઅવળું ફરતું ના દેખાય.. આ હતું એમના વ્યક્તિત્વનું એક પાસું. એમનાં વ્યક્તિત્વનું બીજું પાસું પણ એવું જ મજબૂત… બિલકુલ ઓછું બોલવું, ધીમા અવાજે બોલવું, અવાજની ટોનલ ક્વોલીટી સહેજ હસ્કી પણ બેમિસાલ અને અત્યંત પ્રભાવક, ખુબ શાંત, સૌમ્ય, જાજરમાન અને કેરેષ્મેટિક વ્યક્તિત્વ, મધ્યમસરનો બાંધો..પ્રમાણસરની હાઈટ, ઊજળો વાન અને કોઈની પણ દ્રષ્ટી એમના ચહેરા પરથી હટવાનું નામ ના લે એવા ફીચર્સ. મિસીસ શશિકલાની ડ્રેસસેન્સ પણ કાબીલેદાદ છે.. હમેશા તેઓ ડ્રાય કરેલી સિલ્કની સાડી અથવા કલકત્તી કોટન કે પછી અવરગંડી પ્રકારની સાડી પહેરતાં, ભાગ્યેજ તેઓ સિન્થેટિક કપડાં પહેરતાં અને સાડી-બ્લાઉઝનું પરફેક્ટ કે કૉન્ટ્રાસ્ટ મૅચિંગ હોય..ખુબ ઓછી જૂલરી પહેરતાં. પરફેક્ટલી ટ્રીમ કરેલા બોબ્ડસ્ટાઈલનાં સ્ટેપ્સમાં કપાયેલા અને લાઈટ કર્લ કરેલા વાળ…કપાળમાં એક નાની બિંદી અને સહેજ પિન્કીશ ટોનનાં રીમલેસ ગ્લાસીસ પહેરતાં… હા તેઓ ચોક્કસ તેમના દેખાવ અને વ્યક્તિત્વ બાબતમાં ખુબ સભાન છે.
શહેરનાં પશ્ચિમ કિનારે આવેલી આ કૉલેજ, અંગ્રેજ શાસન વેળા કોઈક અંગ્રેજ અમલદારે શરુ કરાવેલી અને આખા રાજ્યમાં તેની ખુબ પ્રતિષ્ઠા હતી.. શહેરમાં એ વેળા જે બે-ત્રણ કૉલેજો હતી એમાંની આ શ્રેષ્ઠ કૉલેજ હતી.. ખુબ વિશાળ કેમ્પસમાં પથરાયેલી હતી અને તેની બાંધણી પણ અંગ્રેજી કોઠી પ્રકારની હતી..
મિસીસ બાવીસીનું જાજરમાન અને ઠસ્સાદાર વ્યક્તિત્વ અને ભવ્ય એવી આ પ્રાચીન ઢબની બાંધણીવાળી ઇમારત જોઇને કોઈ એવું ચોક્કસ અનુમાન કરેજ કે તેઓ પણ કોઈ રાજઘરાણાની સ્ત્રી હશે….
કૉલેજમાં આજે અગત્યની મીટિંગ હતી એટલે તેઓ મોડા સુધી રોકાયેલા.. મીટિંગ પૂરી થઇ.. ઘણાબધાં નીકળી ગયાં અને થોડાં લોકો રોકાયેલા, જેઓ હવે મૅડમ સાથે નીકળ્યા.. આમાનાં કેટલાક પ્રોફેસરને તેમના માટે આદર હતો તો કેટલાક તેમની અદબ જાળવવા રોકાયેલા તો કેટલાક વળી મૅડમની કૃપાદ્રષ્ટિ પામવાની ખેવનાવાળા પણ હતા. મૅડમ આગળ ચાલતાં હતાં અને બાકીના બધા એમની પાછળ ચાલતા હતા.
છેલ્લા એકાદ બે વર્ષમાં કૉલેજનું વાતાવરણ ઘણું બગડી ગયું હતું.. કૉલેજને તેની આગવી પ્રતિષ્ઠાને અનુરૂપ ચલાવવામાં અગાઉના આચાર્ય નિષ્ફળ ગયા અને તેથીજ મિસીસ બાવીસીને તાત્કાલિક અસરથી રાતોરાત બદલીને અહીં લાવવામાં આવેલાં.. ગવર્ન્મેન્ટ કૉલેજ હોવાથી એમાં ટ્રાન્સ્ફર થાય એ તો સ્વાભાવિક ગણાય અને એ જ રાહે એમની ટ્રાન્સ્ફર થઇ અને તેઓ અહીં આવી ગયાં.. હા… કૉલેજને એનાં મૂળ રેપ્યુટેશનમાં લાવતા એમને છ એક મહિના જેટલો સમય લાગ્યો પરંતુ બધાંજ દૂષણ અને તમામ અસામાજિકોનો સફાયો થઇ ગયો.. હવે આજે કૉલેજની એજ પૂર્વપ્રતિષ્ઠા પાછી આવી ગઈ..
રોજ સાંજે મોડે સુધી તેઓ કૉલેજમાં રોકાતાં અને વળી આમ પણ એમનો પરિવાર અહીં નથી. કૉલેજ તરફથી એમને સુંદર ક્વાર્ટર રહેવા માટે આપવામાં આવ્યું છે.. એમણે એમનાં આગવા અંદાજમાં અને એમનાં ટેસ્ટ અને જરૂરિયાત પ્રમાણે ક્વાર્ટરને સજાવ્યું છે.. રોજ રાત્રે વોકિંગ માટે નીકળે અને બે-ત્રણ માઈલ જેટલું ચાલીને પાછા આવે..મોડીરાત સુધી વાંચતાં હોય અને એમ કરતાં ક્યારે ઉંઘ આવી જાય એની ખબર જ ના રહે..
લગભગ સાંજ પડવા આવી છે…દિવસ આથમી ચૂક્યો છે, મેડમ  ઑફિસમાંથી નીકળીને તેમની સરકારી ગાડી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.. હમેશા છૂટવાના સમયે ડ્રાયવર ગાડીને પાર્કિંગ લોટમાંથી પોર્ચમાં લાવીને ઉભી કરી દે..અને પછી મૅડમ ઑફિસમાંથી આવીને સીધા ગાડીમાં બેસી જાય. આજે પણ એમ બન્યું.. દૂરથી ડ્રાયવરે મૅડમને આવતાં જોયા એટલે તે દરવાજો ખોલીને ઉભો રહી ગયો..મૅડમ કારમાં બેઠાં અને દરવાજો બંધ કરતાં કરતાં કહ્યું : “ ઓ.કે. જેન્ટલમેન, ગુડનાઇટ એન્ડ ટેક કેર.. વી શેલ મીટ ટુ મોરો ધેન….!!”
“યસ મે’મ..ગુડ નાઇટ” એક સાથે ત્રણ-ચાર જણાનો અવાજ આવ્યો…
કારનો દરવાજો બંધ થયો..અને કાર ધીરે ધીરે ચાલવા માંડી..અને એ સાથે એમણે ડ્રાયવરને કાર રોકવાની સૂચના આપી.. કાર અચાનક રોકાતા તરત એમને મૂકવા આવેલા બે-ત્રણ અધ્યાપક દોડતા કાર પાસે આવી પહોંચ્યા..
મેડમની નજર એમના બિલ્ડીંગથી દૂર પ્લે-ગ્રાઉન્ડ પાસે એક ઝાડ નીચે બેઠેલા યંગ કપલ, તરફ ગઈ અને એટલેજ એમણે ગાડી રોકાવી.
“અરે આટલી મોડી સાંજે આ લોકો કૉલેજ કેમ્પસમાં શું કરે છે..?” ક્યાં છે સિક્યુરિટી ગાર્ડ..? જલદી લઈ આવો એ બંને જણને અહીં..” એટલું બોલતાં બોલતાં તેઓ કારમાંથી બહાર આવી ગયા..એકદમ ધૂઆંપૂઆં થઇ ગયા..અધ્યાપકો પણ વિચારવા લાગ્યા કે મૅડમ આવું કેમ કરે છે..? કૉલેજ કેમ્પસમાં તો આ બધું બનતું જ હોય.. સિક્યુરિટી નો જવાન એ બન્નેને ત્યાં લઈ આવ્યો.. આમતો એ લોકો ખાસ્સા દૂર બેઠા હતા એટલે આવતા થોડી વાર પણ લાગી ..પણ તેમ છતાં ત્યાં સુધી મૅડમ બિલકુલ મૌન ઉભા રહ્યાં હતા અને જાણે કોઈક વિચારોમાં ખોવાઈ ગયાં..
“ મૅડમ આ લોકો આવી ગયા..”
“હં..હા…હા..શું કરો છો અહીં આટલા મોડા ..આટલી સાંજે..?” ગુસ્સામાં એકદમ લાલચોળ થઇ ગયેલાં.
“કઈંજ નહિ અમે તો બેઠા હતા મૅડમ !“
એક પ્રોફેસરને એમણે કશીક સૂચના આપી અને પાછા કારમાં બેસીને રવાના થયાં.. ડ્રાયવરને ઘડીએ ઘડીએ ઝડપથી ચલાવવાની સુચના આપ્યા કરતાં હતાં. અચાનક એમનું વર્તન સાવજ બદલાઈ ગયું. રેસ્ટલેસ થઇ ગયાં એકદમ.. ડ્રાયવર પણ એટલું તો સમજી જ શક્યો કે પેલા બે જણાને જોયાં પછી મૅડમનું વર્તન બદલાઈ ગયું હતું.. અપસેટ થઇ ગયા હતાં એકદમ અને કશાક ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા હતાં અને એટલે તો એમને ઘર આવ્યું તો પણ ખબર જ ના રહી..એમના મનનો કબજો કોઈક અતીતની ઘટનાએ જાણે લઈ લીધો હતો…!!
મિસીસ બાવીસી શાંત પ્રકૃતિનાં પ્રૌઢા અને પ્રગલ્ભ વ્યક્તિત્વ… કોણ જાણે કેમ આટલાં બધાં વિવશ થઇ ગયાં..!!
ઘરે જઈને ક્યાંય સુધી બહાર વરંડામાં આરામ ખુરશીમાં બેસી રહ્યાં..અને એમજ ક્યારે આંખ મળી ગઈ એની ખબર ના રહી..અને બસ જાગૃત અવસ્થામાં ચાલતા વિચારો અત્યારે અજાગૃતીમાં પણ એક ગમતીલો અહેસાસ બનીને જાણે ઉમટી આવ્યો.. આંખનાં ખૂણા ક્યારેક ભીનાશ અનુભવતાં, એક અવાજ પોકારતો હતો…બે હાથ પહોળા થઈને જાણે એમનાં તરફ આવી રહ્યાં હતાં..એક ખૂબ અનુભવેલા અહેસાસનું પુનરાવર્તન થતું લાગ્યું.. એજ અનુભૂતિ… હૃદયનાં એજ આવેગ.. રૂવાંડાનું ઉભા થઇ જવું…. એક ખોળામાં એમનું માથું અને કપાળ પરના વાળમાં પરોવાયેલી આંગળીઓનો હલકો સ્પર્શ અને ધીમે ધીમે બે હથેળીઓ વચ્ચે પકડાયેલો ચહેરો અને એનાં પર ચુંબનનો વરસાદ…અને એનાથી થતી ગૂંગળામણથી ચહેરો છોડાવવા થતી મથામણ અને છટપટાહટ અને એ સાથે મોમાંથી નીકળી આવેલી ચીસ…
“ છો..છો..છોડ વિદિશ મને પ્લીઝ…! શું કરે છે આ ? જો..જો..આ મારો આખો ચહેરો..કેવો..? આરામખુરશીમાં છટપટાવા માંડ્યાં મિસીસ શશિકલા બાવીસી..!!!
એ સાથે ઝબકીને જાગી ગયાં..અને એક ક્ષણ એમને ખ્યાલ જ ના આવ્યો કે એ ક્યાં છે..?? ચારેબાજુ નજર ફેરવી લીધી કે કોઈ જોતું તો નથીને…! પણ એટલું સારું હતું કે ત્યાં કોઈ હતું નહીં.
પચાસ-બાવન વર્ષની આ સ્ત્રીમાં જાણે કોઈક નવયૌવનાનો પ્રવેશ થઈ ગયો હતો.. અત્યારેજ જાણે આ ઘટના બની હોય એવું ફિલ કરવાં લાગ્યાં.. તોડીવાર એમજ બેસી રહ્યા અને પછી ધીરેથી ઉભા થયાં, વોશબેઝીન પાસે જઈ અને સામેના મિરરમાં ચહેરો જોયો.. ચાંલ્લો કપાળમાં એની મૂળ જગ્યાએથી સહેજ ખસી ગયો હતો.. એ તો જોકે એમની જ હથેળીમાં એમણે એમનો ચહેરો પકડ્યો ત્યારે એમ થયેલું..!
અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ ૩૦-૩૨ વર્ષની મુગ્ધ યુવાન શશિકલાનો ચહેરો મિરરમાં દેખાયો અને એના શરીરને વીંટળાયેલા બે હાથ..
“રહેવા દેને વિદિશ તું મને બહુ પજવે છે..પ્લીઝ છોડ મને “
“ શશી.. તારી પાસેથી દૂર જવાનું મન જ નથી થતું….તારા બદનની મહેક મને દૂર જવા જ નથી દેતી..”
અચાનક શશિકલા તંદ્રાવસ્થામાંથી જાગૃતિમાં આવ્યા..!!
“ ઓહ માય ગોડ..! આ શું થાય છે મને હેં..? હું તો કાંઈ નાની કીકલી છું..? કેમ આવું થયું અચાનક..? આટલાં બધાં વર્ષો પછી એ કેમ આમ સામે આવ્યો..? એક નિસાસો નીકળી ગયો અને ઉંડો શ્વાસ લીધો અને સ્વગત બોલવા માંડ્યા…”હા..! એ મારા જીવનનો એક બહુ ગમતો હિસ્સો છે, હતો… હા..હા…હતો..કેમ.??? હા..છે જ વળી!
આજે જે રીતે એ ભૂતકાળનો ભોરિંગ, સમયનો રાફડો ફાડીને બહાર ધસી આવ્યો એનો અર્થ જ એ ને કે, એ હજુ પણ મનમાં એનું અસ્તિત્વ જાળવીને બેઠો છે.. કોઈ પણ કારણ વગર આંતરમનના એ ખંડનાં ચુસ્ત ભીંસાયેલા કમાડનું ઓચિંતું ખૂલી જવું, એની પાછળ કોઈ કારણ હશે..?? એની સાથે થયેલા મેળાપની ઘટના અને એનાથી વિખૂટાં પડી જવાની દુર્ઘટના એ અમારી નીયતીજ ને વળી..? નહીં તો ક્યાં કશુંય અયોગ્ય હતું એ સંબંધમાં.?? જાતજાતનાં વિચારો અને કેટકેટલાં પ્રશ્નો એકસામટા ઉમટી આવ્યા…!!
પણ એ સમજાતું ન હતું કે આટલાં બધાં વર્ષો પછી એવું તે શું થયું કે ભુતકાળે વર્તમાનનો કબજો લઈ લીધો..??? તેઓ કેટલાં બધાં વર્ષોથી કૉલેજમાં અધ્યાપન અને પ્રિન્સિપાલની જવાબદારી નિભાવી રહ્યા છે.. કૉલેજ કેમ્પસમાં છોકરા-છોકરીઓને આમ એકાંતમાં સાથે બેઠેલા અને પોતાની મસ્તીમાં મસ્ત હોય એવાં તો અનેક પ્રસંગો એમણે જોયાં છે અને આજે સાંજે કૉલેજ કેમ્પસમાં બે જણને સાથે બેઠેલાં જોવા મળ્યાં એમાં ક્યાં કશું નવું કે અજુગતું હતું….? તો પછી આજે કેમ એ ઘટના મિસીસ શશિકલાનાં મનોમસ્તિષ્ક પર સવાર થઇ ગઈ..!!
આ બધા પ્રશ્નોમાંથી માંડ માંડ છૂટકારો મળ્યો… બાથરૂમમાં જઈને હોટ વોટરમાં કોલન એડ કરીને શાવર લીધો.. આખો રૂમ કોલનની ખુશ્બુથી ભરાઈ ગયો..અને એમને પણ શરીરમાં સ્ફૂર્તિ આવી..તાજગી મહેસુસ થવા લાગી.જમ્યા અને નિત્યક્રમ મુજબ વાંચવા બેસતા હતા ને જ ફોન ની રીંગ વાગી..
“હેલ્લો..!”
“હેલો શશી..કેમ છે તું ?
“મજામાં..તમે કેમ છો માનવ..?”
“આર યુ શ્યોર… તું મજામાં છે..?કેમ અવાજ ઢીલો છે ? કાંઈ થયું છે ..? તબિયત તો ઠીક છે ને ? કૉલેજમાં કાંઈ પ્રૉબ્લેમ તો નથીને ?”
“ના માનવ એવું કશું નથી.. તમે સવાલો બહુ જ પૂછો છો..તમે ચિંતા નહિ કરો…..માનવ, પ્લીઝ ..ડોન્ટ વરી..”
“ઓ.કે… ધેટ્સ વેરી ગૂડ..શશી સાંભળ…! જો હું કાલે સાંજે ત્યાં આવુ છું, મારે થોડું કામ છે એટલે એકાદ દિવસ રોકાઈને પાછો આવી જઈશ ….”
“છોકરાઓ…?”
“એ લોકો અહિં રહેશે…જો સિદ્ધાંતને આવવું હશે તો લઈ આવીશ.. હું પૂછી જોઇશ”
‘સારું થયું તમે આવો છો, આમ પણ આઈ નીડ યુ હિયર ધીસ ટાઈમ…” બોલતા તો આમ બોલાઈ ગયું પણ એ શબ્દોનો ખટકો તો જરૂર લાગ્યો..
અહીં ટ્રાન્સ્ફર થઇ એટલે એમને એકલાં રહેવું પડતું હતું…એમનો પરિવાર અમદાવાદમાં સેટલ્ડ છે…એમના હસબન્ડ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે.. નાનો દીકરો સિધ્ધાંત તેમની સાથે બિઝનેસમાં છે.. મોટી દીકરી સ્વર્ણિમ મેડીસીનમાં પોસ્ટ ગ્રેડ્યુએશન કરે છે અને હોસ્ટેલમાં રહે છે..આમ આખો પરિવાર વેરણછેરણ હતો..
ક્યાંય સુધી ફોન પાસે બેસી રહ્યાં, આજે કશું સુજતું નથી…સૂનમૂન બેઠાં હતાં અને બસ વિચારોની ઘટમાળ ચાલ્યા કરી..બહુવારે એમાંથી બહાર આવ્યાં અને રૂમમાં આંટો મારીને પાછા આવીને બેડ પર બેસી ગયાં..અને વિચારવા લાગ્યા કે આજે શું થઇ ગયું છે મને…? વિદીશ સાથેનો સંબંધ અનાયાસ કેમ માનસપટ પર તરી આવ્યો અને આટલા વર્ષે તાજો થયો….?? આજે જે ઘટનાઓ મનમાં ઉપસી આવી એ બધીજ ઘટનાઓ જાણે હમણાં બની હોય એમ લાગતું હતું.. વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર ના રહી. મોડી રાત્રે જ્યારે ઝબકીને જાગ્યાં ત્યારે રૂમની લાઈટ ચાલુ હતી.. ઊઠ્યા,બાથરૂમ જઈ આવ્યાં અને પાણી પીને પાછા આડા પડ્યા…જોકે ઊંઘ ઉડી ગઈ..જાગતાં પડી રહ્યાં ક્યાંય સુધી. વિદિશ, આજે નજર સામેથી હટતો જ નથી.. અનાયાસ એમનાં મોંએથી જોરથી વિદિશના નામની ચીસ પડી ગઈ અને સ્વગત બોલવા માંડ્યાં
“વિદિશ મેં તને અન્યાય કર્યો છે.. હું કબુલ કરું છું કે મેં તારા કોઈ પણ દોષ વગર તને દુઃખી કર્યો છે.. તું તો ..તું..તો મને બહુ પ્રેમ કરતો હતો..પણ શું કરતી હું વિદિશ ? હું બેવડું જીવતી હતી..ના તો હું તને છોડી શકતી હતી કે ના તો હું માનવને પામી શકતી હતી.. એ સાચું હતું કે તું મારા જીવનમાં પહેલો આવ્યો હતો અને આપણે બેસુમાર પ્રેમ કરતા હતાં એકબીજાને અને આપણી વચ્ચેનો સંબંધ….” આટલું બોલતાં તો એમનાં ગળે ડૂમો આવી ગયો..ક્યાંય સુધી બોલી ના શક્યાં.. પાછો એક ઊંડો શ્વાસ લઈને ધીમેધીમે બોલવા માંડ્યાં..” હા…વિ..! ” ક્યારેક શશિકલા એને ફક્ત વિ કહીને જ બોલાવતાં..આજે અનાયાસ એ સંબોધન પણ થઇ આવ્યું.. “ વિ, આપણા સંબંધને કોઈ સામાજિક માન્યતા ન હતી..પણ આપણેતો ક્યાં એવી કોઈ માન્યતાની જરૂર પણ હતી..હેં..??”
આટલી રાત્રે એકલાંએકલાં બોલવું અને આમથી તેમ રૂમમાં આંટા મારવા… સાવ બાલીશ વર્તન લાગતું હતું….આ એક મેચ્યોર્ડ અને ભણેલી ગણેલી પ્રૌઢ સ્ત્રીનું.. પણ અત્યારે ક્યાં કશું એમનાં નિયંત્રણમાં હતું..? બધું અનાયાસ થતું હતું.. આંતરમનમાં જબરદસ્તી દબાવી રાખેલી એ લાગણી આજે બહાર આવી રહી છે.. પણ આમતો એ સારું હતું એમનાં માટે કારણકે એમ કરતાં એ મનનો ઉભરો બહાર ઠાલવી રહ્યાં હતાં.. એ તો બોલ્યેજ જતા હતાં.. એમની સામે એ વિદિશને બેઠેલો જોઈ રહ્યાં હતાં અને બસ એને સંબોધીને જે મનમાં આવતું તે બોલતાં હતાં..
“ વિદિશ, હા..! માનવ તારા પછી મારા જીવનમાં આવ્યો..પણ એ કાયદેસર મારા પતી તરીકે આવ્યો.. મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે…” અને એકદમ આવેશમાં આવીને ચિત્કારી ઊઠ્યા.. “ હા…! વિદિશ, માનવ મારો પતિ છે, કાયદેસર પતિ છે…અને મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે.. સમાજમાન્ય સંબંધ છે મારો..બોલ વિ..! તારું મારા જીવનમાં શું સ્થાન હતું..હેં..બોલ..! તું નહિ બોલે… હું જ તને કહું છું કે તારું મારા જીવનમાં કોઈ સ્થાન ન હતું.. મારે માનવને પામવો હોય તો મારે તારાથી છૂટકારો મેળવવો પડે..?? પણ કેવી રીતે એ શક્ય હતું..? તું તો મારા શ્વાસનાં એકએક ધબકારમાં વ્યાપેલો હતો..વિદિશ મારી છાતીનાં ધબકારમાંથી પહેલો અવાજ જ વિદિશ આવતો.. પછી શું કરતી હું..? બોલ વિદિશ બોલ શું કરતી હું…તું મારો પીછો જ છોડતો ન હતો વિદિશ….હું કેવી રીતે મુક્ત થતી તારાથી ???”
એક ડૂસકું નીકળી ગયું અને ચોધાર આંસુથી રડી દેવાયું..
બહુવાર સુધી કાંઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા.. જેટલા એ વિચારોથી દૂર થવાનો પ્રયત્ન કરતા હતા એટલી પ્રબળતાથી એ સામે આવતા હતા. કશુંજ એમના નિયંત્રણમાં ન હતું.
“વિદિશ ..હા, એટલે જ… એટલે જ…વિદિશ, હું તારાથી દૂર ચાલી ગઈ અને દૂર પણ એવી કે…!!!” આમ બોલતાં બોલતાં તો એમની આંખો મીંચાઈ ગઈ…ઘસઘસાટ ઊંઘી ગયાં… સવારે ખૂબ મોડા ઊઠ્યા.. નિત્યક્રમ પતાવી એકદમ ઝડપથી તૈયાર થઇ કૉલેજ પહોંચી ગયાં અને કામમાં લાગી ગયાં.. વચ્ચે એમનો એક ક્લાસ હતો તે પતાવીને હમણાંજ આવીને ઓફીસમાં બેઠાં..પટાવાળા મનસુખને કડક કોફી બનાવવા કહ્યું.. માથું સહેજ ભારે લાગતું હતું.. ઓફીસના કામમાં વ્યસ્ત હતાં…કોઈ ફાઈલ જોઈ રહ્યા હતાં. બીજા પટાવાળાએ એમના ડેસ્ક પાસે આવીને એક ચિઠ્ઠી ટેબલ પર મૂકી.
“ કોણ છે ભાઈ..? મોકલ જે હોય તેને..” ચિઠ્ઠી વાંચ્યા વગર કહ્યું..અને પાછાં એ તો નીચું જોઇને ફાઈલ વાંચવા માંડ્યા .
ચેમ્બરનું ડોર ખૂલ્યું અને એક અવાજ આવ્યો..” મે આઈ કમ ઇન મૅડમ ..??”
“યેસ પ્લીઝ..” અને એમણે ઉંચું જોયું..ચારે આંખો મળી…
“વી..વિદિ..વિદિશ… તું..તું, ક્યાંથી આમ..? અહીં..? અચાનક..??
વિદિશના ચહેરા પર કોઈ વિશિષ્ઠ ભાવ જોવા ના મળ્યા…કોઈ પણ ઔપચારિકતા વગર એણે કહ્યું: “એક છોકરાને કોઈ છોકરી સાથે ગઈકાલે કેમ્પસમાં બેઠેલો તમે જોયેલો અને એના વાલીને બોલાવવાની તમે સુચના આપ હતી ને ? એ છોકરાનો વાલી હું છું.. આઈ’મ હીઝ ફાધર…! શશી.. મિસીસ શશિકલા ..!!”
*********

સંશય

મોક્ષ એકદમ ઝડપથી ઘરે આવતો હતો.
દરરોજ કરતાં આજે સ્કૂટર વધારે ગતિથી હંકારતો હતો, કોઈ જ કારણ વિના. આજે કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કોઈ આનંદપ્રદ ઘટના બનવાની હોય. ક્યારેક અશુભના ઍધાણ મળતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જાય છે.
ઘરે આવી પહોંચ્યો.
રોજના ક્રમ પ્રમાણે દરવાજે લગાડેલું લેટરબૉક્સ ખોલ્યું. ત્રણચાર ટપાલો નીકળી અંદરથી.
એકતો એકદમ પરિચિત અક્ષરોવાળું કવર હતું જે જોઇને ચોંકી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે પાછું શું તોફાન આવ્યું ? કવર પરનાં અક્ષરો બહુ વર્ષો પછી જોવા મળ્યા,પણ છેલ્લાં વરસોમાં તો જ્યારે પણ આ અક્ષર સાથે એન્વલપ આવેલું ત્યારે ઉપાધી…માનસિક તાણો અને પારાવાર આક્ષેપ સાથે આવેલું.,
બીજી ત્રણ-ચાર સામાન્ય ટપાલો હતી જેનું ખાસ મહત્ત્વ ન હતું ગાર્બેજ હતી સાવ. ખિસ્સામાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું. અંદર આવી બ્રિફકેસ સાઈડ પર ક્લોઝેટમાં મુકી દિવાન પર બેસી ગયો. આ બધી જ ક્રિયાઓ એકદમ ઝડપથી યંત્રવત પતાવી. કવર ખોલ્યું. વિગતવાર પત્ર વાંચતા પહેલા પત્રના અંતે લખેલા નામ પર નજર નાંખી. ચીંતા મિશ્રિત આનંદ થયો. પત્રમાં શું હશે એ જાણવા એણે સડસડાટ પત્ર વાંચવા માંડ્યો.
જો કે એક બે વાક્ય વાંચ્યા પછી એટલી તો ખાતરી થઇ કે કાંઈ તોફાન નથી આવ્યું એટલે સહેજ નિરાંત થઇ અને આરામથી પત્ર વાંચવા માંડ્યો. લગભગ પંદર વર્ષ પછી સંસ્કૃતિનો પત્ર આવ્યો. એકવાર ખુબ ઝડપથી વાંચી ગયો પણ પછી નિરાંત થતાં એણે ફરીથી શાંતિથી પત્ર વાંચવા માંડ્યો.
“ મોક્ષ,
કુશળ હશો, છું.
કુશળતા ઇચ્છવાનો મારો અધિકાર હજુ મેં જતો નથી કર્યો અને આમતો તમે જ એ અધિકાર માન્ય રાખ્યો હતો ને ? કદાચ આશ્ચર્ય થશે તમને પણ સાચુ કહું, તમને એક સુખદ આંચકો આપવાનો વર્ષો પછી અભરખો થઈ આવ્યો. ખબર નથી પણ કેમ ઘણાં સમય સુધી મનને સંયમમાં રાખવાનો પ્રયત્ન કર્યો પણ ના થઇ શક્યું એમ…અસફળ રહી.. અને એમાં પાછું નિમિત્ત મળી ગયું. સંહિતા પ્રેમ કરવાની ઉંમરે પહોંચી ગઈ અને પ્રેમ કરી બેઠી છે. સાચું કહું મોક્ષ, આમ પણ એ પૂરેપુરી બાપ પર ગઈ છે … બધી રીતે.. રૂપે-રંગે, સ્વભાવ અને બુદ્ધિમાં પણ…. એને માત્ર એટલો જ અફસોસ  છે કે બાપનો સહવાસ એને ના મળ્યો. જોકે તમને દોષ દેવાનો મારો કોઈ ઇરાદો નથી પણ નિયતિએ કરેલી એ ક્રૂર મજાકનો અફસોસ તો થાય જ ને વળી? ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને અંતે આપણે એકબીજાં થી જોજનો દૂર. આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ ખેલાયો ? અફસોસ થાય છે પણ સ્વેચ્છાએ આપણે પસંદ કરેલા માર્ગ પર હું અને તમે ઘણાં બધા આગળ નીકળી ગયા છીએ ને ????  પાછા વળવાનું દુષ્કર છે..???
સંહિતાએ એની જ સાથેના એના મિત્રને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. મારી સંમતિ માંગી છે, મૂંઝાઈ છું. એને વાળવી નથી પણ એની બાબતનો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમને પૂછવાનું, તમારી સલાહ લેવાનું મન થયું  અને એમ કરવાનું મને મુનાસિબ પણ લાગ્યું. મેં ખોટું કર્યું ??  આમ પણ એની બાબતમાં હું એકલી કઈ રીતે નિર્ણય લઈ શકું ? સંહિતા તો આપણી સંયુક્ત જવાબદારી છે ને ?? ભલે કોર્ટે એની કસ્ટડી મને સોંપી પણ ત્યારે પણ દીકરી પરના તમારા અધિકારનો મેં ક્યારેય ઇન્કાર ન હતો કર્યો. હા… ભલે તમે તમારી મરજી થી એ અધિકારનો ઉપયોગ ના કર્યો.
મોક્ષ, કેમ છો તમે ? એકલા જ છો કે પછી ????
સ્વભાવ તમારો તમને એકલા રાખી જ કેવી રીતે શકે…હેં..! તમારા આકર્ષણમાં કાંઈ કેટલાં લોકો ભરમાઈ શકે મારી જેમજ તો.. નહીં..? ખેર, તમને થશે કે આટલાં વર્ષો પછી પણ હજુ મારા મનમાં કડવાશ રહેલી છે…. અને એ મારી કલમમાંથી આજે પણ વ્યક્ત થઈ ગઈ. બહુ સંયમ રાખવા છતાં પણ. શું કરું ? મોક્ષ, તમારા ચારિત્ર બાબત હું પહેલેથી જ આશંકિત હતી પણ મને ગુમાન હતું કે મારા તમારા જીવનમાં પ્રવેશ પછી અન્ય તમામ દ્વાર બંધ થઇ જશે અને એક જ દ્વાર રહેશે અને તે ફક્ત અને ફક્ત હું.
મારો એ અહમ ઠગારો નિવડ્યો હતો ને ? જો કે એ મારી શંકા હતી કે વિશ્વાસ….એ બાબતમાં તો હું ત્યારે પણ દુવિધામાં હતી અને આજે પણ છું, છતાં જવાનીના મદમાં અને મારા ઘમંડમાં તમને છોડી દીધા. તમે ક્યારેય તમા કરી નથી પાછું વળીને જોવાની પણ અને  હું પણ એટલી જ અડગ હતી અને છું જ.. ભગ્ન હૃદય બીજે ક્યાંય જોડ્યું નથી. મારા શરીર પરનો તમારો એકાધિકાર આજે પણ યથાવત રહેવા દીધો છે.
ક્યારેક વિચારું છું કે તમે કાંઈ ઓછા જિદ્દી તો નથીજ ને? પાંચ વર્ષની સંહિતા મને સોંપી ને પછી ચાલી નીકળ્યા તો ના તો એની તરફ કે ના તો મારી તરફ જોવા સુધ્ધાનો પ્રયત્ન કર્યો. જોયું મોક્ષ, મનના ભાવો નથી રોકી શકાતા. વ્યકત થઇ જ જાય છે કોઈ પણ સ્વરૂપે. આ પત્ર મારા પ્રાયશ્ચિતનો કે મારી ગુનાઈત મનોભાવના વ્યક્ત કરવા માટે હરગીઝ નથી જ પણ છતાંય આજે તમારી સમક્ષ વ્યક્ત થઈ જવાયું.
સંહિતાનો પણ એવો આગ્રહ હતો કે એના પતિને તમે જૂઓ પછી જ એ લગ્ન કરશે અને એટલે જ આજે તમને આ પત્ર લખ્યો. સંહિતાની ૨૯ સપ્ટેમ્બરની ટીકીટ બુક કરાવી છે ત્યાં તમારી પાસે આવવાની…હા એ એકલી જ આવશે. એક દીકરી બહુ વર્ષો પછી પોતાના બાપ ને મળવા આવી રહી છે એટલે હું તાગ મેળવી શકું છું તમારા આનંદનો. આમ પણ મારી સગર્ભાવસ્થામાં આપણે કરેલા અનુમાનમાં તમે જ તો સાચા પૂરવાર થયા હતા ને મોક્ષ ? તમારે દીકરી જોઇતી હતી તો કુદરતે તમને આપી પણ મોક્ષ નિયતિએ જોકે તમને અન્યાય કર્યો. દીકરી આપીને ઝૂંટવી લીધી પણ મોક્ષ સલામ કરવાનું મન થાય છે તમારી જીદને. કુદરતે જે માંગ્યું તે આપ્યું પણ એ પાછું પણ લઈ લીધું છતાં તમારા જીગરના ટૂકડા સામે પાછું વળીને જોયું પણ નહીં? ભૂલી ગયા રાતે આવેલા દુઃસ્વપ્નની જેમ ??? જવાદો એ વાત, મૂળ વાત પર આવું સંહિતાએ માનવને પસંદ કર્યો છે પણ લગ્ન પહેલાં એ તમને મળવા માંગતી હતી અને કદાચ છાના ખૂણે હું પણ એવું જ ઇચ્છતી હતી. એક વિનંતી કરૂં લગ્નમાં આવજો. ભલે કાયદેસર રીતે એ શક્ય ન હોય પણ કન્યાદાન આપણે કરીએ ?કશુંક અણગમતું લખાઈ ગયું હોય તો માફ કરજો એમ નથી કહેતી પણ હું તો આવીજ છું એમ માની ને સ્વીકારી લેજો . સંહિતાના અહીંથી નીકળતા પહેલાં ફોન કરીશ.”
– સંસ્કૃતિ

ત્રણ ચાર વાર મોક્ષ પત્ર વાંચી ગયો. એના મનોભાવ કંઈક વિચિત્ર થઈ ગયા. વિચારતો હતો. “આ એ જ સ્ત્રી છે જેણે એક વખત ભરપેટ નફરત કરી હતી. કાગળ લખ્યા હતા જેમાં બેસૂમાર આક્ષેપ કર્યા હતા, વકીલો મારફત નોટિસ અપાવી હતી. કોર્ટમાં ઢસડી જઈ મારા ચારિત્ર્ય પર જેટલા થઈ શકે તેટલા છાંટા ઉડાડયા.’’ હસી દેવાયું મોક્ષથી. વિચારવા લાગ્યો. “કુદરત પણ ગજબ ખેલ કરે છે, માણસને રમાડે છે… ઉછાળે છે….. પછાડે છે…..ઊંચકે છે.” કાગળ બાજુમાં કૉર્નર ટીપોઈ પર મૂકી એ ફ્રૅશ થવા ગયો અને ત્યાં ખોવાઈ ગયો સંહિતાના વિચારોમાં.
“ કેવડી મોટી થઈ ગઈ હશે ? ઓળખી શકીશ ? નાનું નાનું પીંક ફ્રોક પહેરતી હતી અને કાલુંકાલું બોલતી હતી. પીંક કલર એને બહુ ગમતો એટલે એના માટે તો બધી જ વસ્તુ પીંક લાવવી પડતી. આખા રૂમને પણ પીંક કલર કરાવેલો.” રેસ્ટરૂમમાંથી બહાર આવીને મોક્ષે પાણી પીધું. ચાહ બનાવવા લાગ્યો. ટિફિન તો છેક સાડા આઠ વાગે આવશે. ફરી એકવાર કાગળ વાંચી ગયો. એકદમ કોઈક વિચારના ઝબકારે ઊભો થયો. અને વોર્ડરોબમાં મૂકેલા સંસ્કૃતિના બધા જ કાગળો લઈ આવ્યો. પ્રેમ કર્યો હતો ત્યારના, સાથે જીવ્યા હતા ત્યારના, નફરત કરી હતી ત્યારના અને છૂટા પડ્યા હતા ત્યારના બધા જ કાગળો પર નજર નાંખી ગયો. શોધી કાઢ્યો એ બધામાંથી સંસ્કૃતિએ સૌથી પહેલો જે કાગળ લખેલો એ.
“ મોક્ષ,
જબરજસ્ત ચુંબકીય વ્યક્તિત્વ છે તારું. લાખ પ્રયત્ન કર્યા છતાં ના રોકી શકી મારી જાતને… ખેંચાઈ આવી છું તારા તરફ… આઈ લવ યુ મોક્ષ, મેં કદાચ કલ્પના પણ નહતી કરી કે આપણે મળી શકીશું. તારી ફરતે છોકરીઓનાં ઝૂંડ અને તારો રોમેન્ટીક સ્વભાવ… સાચું કહું બહુ નફરત હતી મને એ બધા માટે અને તારા માટે પણ… પણ કેવી રીતે હું ખેંચાઈ આવી તારા તરફ એની મને ખબરે પણ ન પડી.
– સંસ્કૃતિ.”

મોક્ષ ફરી એકવાર કાગળ વાંચી ગયો. આંખોમાં ફરી એકવાર રોમાન્સ પ્રગટ્યો. બીજા કાગળ ઉથલાવ્યા. લગ્ન પછી એકાદ વર્ષે સંસ્કૃતિએ કન્સીવ કર્યું અને છેલ્લા દિવસોમાં એનાં મમ્મીને ત્યાં ગઈ પછી લખેલો પત્ર.
“ મોક્ષ ,
કેટલી બધી નસીબદાર છું હું કે તારા જેવો પતિ મળ્યો, અને હવે તારા જેવોજ બદમાશ છોકરો  પણ  મળશે !!! હા, હું છોકરો લઈને જ આવવાની છું મોક્ષ. મને છોકરી નહીં જ જોઈએ કારણ ખબર છે? છોકરી બિચારી તારા જેવા લંપટના હાથે ચડી જાય તો? હું તો ફસાઈ ગઈને? એય મોક્ષ, ખરાબ લાગ્યું, નહીં ને? હસતો, પ્લીઝ હસને મોક્ષ !!
– સંસ્કૃતી “

પત્ર વાંચીને ખડખડાટ હસી પડ્યો મોક્ષ, હસતા હસતા આંખો ભરાઈ આવી.
ક્યાંય સુધી બેસી રહ્યો એ કાગળ છાતી પર મૂકીને, ખોવાઈ ગયો ભૂતકાળમાં. ડૉક્ટરે ૨૭મી સપ્ટેમ્બર ડેટ આપી હતી. મોક્ષ પચ્ચીસમી તારીખથી જ સંસ્કૃતિ પાસે પહોંચી ગયો હતો. બહુ કેર લેતો હતો, છોકરો -છોકરીના ઝઘડા તો ચાલુ જ હતા, અંતે એ દિવસ આવી ગયો. ૨૯મી સપ્ટેમ્બરે, છોકરી આવી… જીતી ગયો મોક્ષ. ખુશ થયાં બન્ને.
એટલામાંજ ડોરબેલ વાગ્યો.
ટીફીન આવ્યું. જમી લીધું પણ આજે માત્ર જમવા ખાતર. સંહિતા કાયમ પપ્પાના ખોળામાં બેસીને જમવાની જીદ કરતી. સંહિતા બહુ લાડકી હતી પપ્પાની. રોજ એને પીંક આઇસ્કીમ જોઈએ પછી જ જમવાનું. જમીને માંડ ઊભો થયો. હજુ ભૂતકાળ એનો પીછો છોડતો ન હતો. પંદર-સત્તર વર્ષ પહેલાંની બધી જ ઘટનાઓ હજુ ગઈકાલની જ હોય એમ આંખ સામે તાદશ્ય થતી હતી. સિગરેટ સળગાવી હિંચકે બેસી ગયો. ક્યાંય સુધી શૂન્યમનસ્ક બેસી જ રહ્યો. અચાનક એક ઝબકારો થયો. સંસ્કૃતિનો છેલ્લો પત્ર લઈ આવ્યો.
“મોક્ષ ,
તારા સ્વભાવમાં તું કોઈ જ પરિવર્તન લાવી શકે એમ લાગતું નથી. હું તારા આ સ્વભાવથી કંટાળી ગઈ છું. રોજ કોઈ સ્ત્રી મિત્ર તારી સાથે હોય. રોજ કોઈને કોઈના ફોન આવે.. આ બધું મારાથી સહન નહીં થાય. મારો અહમ્ તૂટી ગયો છે, તારા જીવનમાં મારા પ્રવેશ પછી મને એમ હતું કે તું સુધરીશ. પણ ના, એ શક્ય નથી લાગતું. મારા ગયા પછી તને મનફાવે તેવા સંબંધો વિસ્તારવાની છૂટ છે, અને એ સ્વતંત્રતા હું પણ હવે મેળવી લઉં છું. તને આ પત્ર લખીને સંહિતા સાથે આ ઘરને છેલ્લીવાર સજાવીને જાઉં છું. જેવું મેં લગ્ન પછી આવીને સજાવ્યું હતું. હા એ લોભ હું જતો નથી કરતી કારણ કે આ મારૂં ઘર હતું, મેં એની સાથે મારી બધી જ સ્મૃતિ જોડેલી છે. આ કાગળ લખું છું ત્યારે થોડુંક મંથન હતું પણ જરાય દ્વિધા ન હતી. આ ઘરનો એકેએક ખૂણો-દિવાલ આપણો બેડરૂમ, એ પલંગ જ્યા આપણે… એ કર્ટન્સ જે આપણા રોમાન્સનો મૂક સાક્ષી છે. પલંગની બાજુમાં પડેલું ફલાવર વાઝ જેમાં હું રાતરાણીના ફૂલ રોજ રાત્રે સજાવતી હતી અને મારી અને એની ખુશબૂમાં તને મદહોશ કરતી હતી, મોક્ષ, તારો સ્પર્શ જેણે શરૂઆતમાં મને અત્યંત રોમાંચિત કરી હતી અને પાછળથી અંગારાની આગ આપી હતી. પલંગની સામે પડેલું ડ્રેસિંગ ટેબલ જેના મિરરમાં  તું  મારૂં યૌવન જોવા માટે  તડપતો હતો એ બધું જ…. એમનું એમ મૂકીને હું જાઉં છું.  મને ચોક્કસ વિશ્વાસ છે કે એ બધું જ આ ઘરમાં કોઈક બીજું આવશે અને એ મારી બધી જ સ્મૃતિ ભૂંસી નાખશે. રોજ કોઈક બદલાતું રહેશે. તને જરા પણ ખેદ નહીં હોય પણ મને છે….. પણ મારી પાસે હવે ઘર છોડવા સિવાય બીજો વિકલ્પ નથી. જાઉં છું. અને હા ! નીચે નામ નથી લખતી કારણ કે હવે તો આપણે અજનબી બની જઈશું ને એકબીજા માટે??”
મોક્ષની આંખો ભરાઈ આવી. સ્વગત જ બોલવા લાગ્યો. “ સંસ્કૃતિ… ઓ સંસ્કૃતિ, તને શું ખબર તારા ગયા પછી એ બેડરૂમ જ્યાં તેં સપનાં સજાવ્યા હતા એ તદ્દન બંધ થઈ ગયો છે. ત્યાં વર્ષોની ધૂળ જામી ગઈ છે, જેમ તારી યાદો પર.”
મોક્ષ ફસડાઈ પડ્યો. ક્યાંય સુધી બેસી જ રહ્યો. રાત વીતવા માંડી હતી. ક્યારે ઝોકું આવી ગયું એય ખબર ન રહી… રાત્રે જ્યારે જાગ્યો ત્યારે બે વાગ્યા હતા. ઊઠયો, પાણી પીધું. સિગરેટ સળગાવી. ફરી પાછો આજે આવેલો કાગળ વાંચવા માંડ્યો. પસ્તાવાની આગમાં શેકાતી સંસ્કૃતિ તરફ કોઈક લાગણી થઈ આવી. વિચારવા લાગ્યો. સંસ્કૃતિના શબ્દો પર: “નિયતિએ કરેલી ક્રૂર મજાક જ ને વળી? ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને આપણે એકબીજાથી જોજનો દૂર. આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ ખેલાયો? અફસોસ થાય છે પણ સ્વેચ્છાએ આપણે પસંદ કરેલા માર્ગો પર હું અને તમે ઘણાં બધાં આગળ નીકળી ગયા છીએને ?? પાછા વળવાનું દુષ્કર છે ???”
“ના સંસ્કૃતિ ના જરા પણ દુષ્કર નથી.” સ્વગત બોલ્યો. “તને શું ખબર તારા એ પઝેસિવ અને શંકાશીલ સ્વભાવે કેટલું બધું નુકસાન કર્યું છે આપણું…… કેટલા દુ:ખી કર્યા છે. આપણને બન્નેને ? તારા ગયા પછી કોઈ જ આવ્યું નથી ન તો કોઈ આવશે. આવીશ તો તું જ.”
બીજા દિવસે સવારે ઓફિસ જતા પહેલા એક જ લીટીનો કાગળ લખ્યો.
“ સંસ્કૃતિ, સંહિતાની સાથે તું આવીશ તો મને ગમશે. જોઇતો જા તારા ઘરને…. હજુ તારી યાદમાં બધું જ તડપે છે.”

– મોક્ષ

************
વિજય ઠક્કર

છીન લે મુઝસે હાફીઝા મેરા

વારની  ઠંડકમાં  શોભિતભાઈ કંપાઉંડમાં આવેલા લોન પ્લૉટમાં બેઠાબેઠા ચા પીતા હતા. સામે પડેલી ટીપોઈ પર પડેલી સર્વિસ ટ્રેમાં થી કપમાં ચા બનાવતા જાય અને આરામથી ધીમે ધીમે એક એક સીપ પિતા જાય અને સાથે ન્યૂઝપેપર વાંચતા હોય… બસ આજ એમનો નિત્યક્રમ…!

દરરોજ સવારે તેઓ અચૂક અહીંયાં આજ જગાએ મળે… ગાર્ડન ખાસ્સો મોટો હતો… એકબાજુ માળી ગાર્ડનીંગનું કામ કરતો હોય… સવારનો મંદમંદ પવન વાતો હોય અને ગાર્ડનમાં  બનાવેલા  નાનકડા  ટાવર પરનાં બર્ડ ફીડર પર જાતજાતનાં બર્ડ્સ આવીને આ  ભીની ભીની સવારમાં દાણા ચણતાં હોય અને એમનો કલબલાટ અને લોન પરની ઝાકળની ભીનાશ….તેમાંથી આવતી હલકી હલકી ખુશ્બુ…વળી આખા ગાર્ડનને ઓડિયો સિસ્ટમથી કનેક્ટ કરેલો છે તેથી સવાર-સવારમાં એકદમ મંદધ્વનિમાં સુંદર ભજનો વાગતાં હોય. ગાર્ડનમાં આવેલા બંગલાનાં ટેરેસગાર્ડનમાં  એક રેઈઝ પ્લેટફોર્મ પર બેસીને રીયાઝ કરતી દીકરી કૃતિનાં ગાયન અને સિતારના લય અને એ બેયમાંથી નીપજતો મિશ્રિત ધ્વની અદ્ભુત દિવ્યતાનો અહેસાસ કરાવે છે !

રસ્તા પરથી પસાર થતા રાહદારીને પણ  ત્યાં ઘડીક રોકાઈ જવાનું મન થઇ જાય એવો માહોલ રોજ સર્જાતો.. ત્યાનું આખું વાતાવરણ દિવ્ય બની જતું…..

કૃતિનો પણ આજ નિત્યક્રમ…રોજ  વહેલી પરોઢે ટેરેસગાર્ડનમાં  સિતાર સાથે રીયાઝ કરવાનો…

હમણાં શહેરમાં યોજાઈ ગયેલી રાષ્ટ્રીય ગઝલ ગાયન સ્પર્ધામાં એને પ્રથમ ઇનામ મળ્યું અને કૃતિનું નામ સંગીતની દુનિયામાં ગુંજતું થઇ ગયું.. ભવ્ય ઇનામવિતરણ સમારંભમાં દેશના ખૂબ નામી સંગીતકાર ઉપસ્થિત હતા..અને એમાંથી કોઈકે તો એને નવી ફિલ્મમાં પ્લે-બેક સિંગિંગ માટે ઑફર પણ આપી…કોઈ એકે વળી તેને વિદેશમાં થનાર ગઝલના શોઝમાં સાથે આવવાનું આમંત્રણ પણ આપ્યું….હા…એ કૃતિની વર્ષોની મહેનતનું પરિણામ હતું…!

શોભિતભાઈએ એને તમામ સવલતો અને સતત પ્રોત્સાહન આપ્યું.., માં-બાપ બંનેનો પ્રેમ આપ્યો અને આ  બધાનું પરિણામ એ આવ્યું કે કૃતિનું નામ એક અવ્વલ દરજ્જાની ગાયક તરીકે આખા દેશમાં પ્રચલિત થઇ ગયું…એનું અચાનક સ્ટેટસ બદલાઈ ગયું…એ હવે પેજ-થ્રી સેલીબ્રીટી બની ગઈ..

શોભિતભાઈ ખૂબ ખુશ હતા…અને એટલે એમણે પોતાની એકની એક દીકરીનો સોલો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું..એક અગ્રણી ઇવેન્ટ મૅનેજમેન્ટ કમ્પનીને આ આખા ઇવેન્ટની જવાબદારી સોંપીને શોભિતભાઈ ફક્ત એક માર્ગદર્શક બની રહ્યા.. એમના સામાજિક સ્ટેટસને અનુરૂપ અને કૃતિના સેલીબ્રીટી સ્ટેટસને અનુરૂપ આ પ્રોગ્રામની ડીઝાઈન નક્કી થઇ..શહેરનો નવોજ અને ભવ્ય હોલ બૂક થયો.. નિમંત્રણ કાર્ડથી લઈને કૃતિના પર્ફૉર્મન્સ માટેની નાની મોટી તમામ બાબતોનું પ્લાનિંગ અને એક્ઝીક્યુશન એકદમ મેટીક્યુલસલી ઇવેન્ટ એક્ષ્પર્ટસ કરી રહ્યા છે …જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં કૃતિ અને શોભિતભાઈ સૂચન  કરતા. નિમંત્રણ અપાવા માંડ્યા છે અને શોભિતભાઈને ખૂબ ઉત્સાહ છે અને કૃતિ પણ અત્યંત ખુશ છે..આ કાર્યક્રમ એ શોભિતભાઈનું સ્વપ્ન છે અને એ હવે પૂરું થવામાં છે…લગભગ તમામ તૈયારીઓ થઇ ગઈ છે…બંને જણા આ કાર્યક્રમની થઇ રહેલી તૈયારીઓ જોઇને અત્યંત રોમાંચિત થઇ ઉઠતા હતા..

શોભિતભાઈના બિઝનેસ સર્કલ અને નાનામોટાં સામાજિક સંગઠનની શુભેચ્છા વ્યક્ત કરતી જાહેરાત  ન્યૂઝપેપર્સમાં આવવાની શરૂઆત થઇ ગઈ છે.. શોભિતભાઈ રોજની જેમ ગાર્ડનમાં બેસીને ચા પીતાપીતા   છાપામાં આવેલી આ બધી જાહેરાત પર નજર નાખતા હતા અને તેમની નજર એક જાહેરાત પર પડી…” નારી શણગારના સર્વશ્રેષ્ઠ ‘પ્રીત્સ બુટીક’નું પણ ઉદ્ઘાટન થવાનું હતું…આખા સમાચાર તે ખૂબ ધ્યાનથી વાંચી ગયા… આમતો કૃતિને પ્રોગ્રામના દિવસે શું પહેરવું અને કોણ એનો કૉસ્ચ્યુમ તૈયાર કરશે એ બધી ઇવેન્ટ પ્લાનરની ચિંતા હતી પણ કોણ જાણે કેમ શોભિતભાઈને  શું સૂજયું તો તે એકદમ બેઠા હતા ત્યાંથી ઉભા થઇ ગયા અને છાપું લઈને કૃતિના નામની બુમો પાડતા પાડતા ટૅરેસ તરફ ગયા.

“કૃતિ…ઓ કૃતિ બેટા.”

કૃતિ એના રિયાઝમાં મગ્ન હતી..અને પપ્પાની બુમો સાંભળીને એકદમ ગુસ્સે થઇ ગઈ.

“શું છે પપ્પા…શું કામ બુમો પાડો છો અને મને ડીસ્ટર્બ કરો છો  ?  કેટલીવાર કહ્યું છે કે રીયાઝ કરતી હોઉં ત્યારે મને નહીં બોલાવવાની..?”

“   ઓ કે ડાર્લિંગ…સોરી…બસ…?? પણ તું…”

નો પાપા …પ્લીઝ…તમે નીચે જતા રહો.”

“સારું બેટા હું જાઉં છું પણ તું રીયાઝ પતાવીને ઝડપથી નીચે આવીજા મારે એક ખૂબ જ  અગત્યનું કામ છે.”

એકાદ કલાક પછી કૃતિ નીચે આવી…..શોભિતભાઈ લીવીંગ રૂમમાં બેઠાબેઠા કાંઈક કામ કરતા હતા..કૃતિએ પાછળથી આવીને એમના ગળામાં હાથ પરોવી દીધા અને લાડ કરવા માંડી….બાવીસ વર્ષની એ છોકરી નાનકડી આઠ વર્ષની ઢીંગલી હોય એમ લાડ કરવા માંડી…!

“આવી ગઈ બેટા?”

યસ પાપા…પાપા આઈ’મ સોરી…”

“સોરી?? સોરી ફોર વ્હોટ ?”

“  પાપા મેં તમારી પર ગુસ્સો કર્યોને…?”

“ ઓહ તેં ગુસ્સો કર્યો…? મારી ઉપર …? ક્યારે..?

“ઓહ પાપા…”

“ઓકે  …ઓકે બેટા, ચાલ એવું બધું નહીં વિચારવાનું.. મનેતો કશું જ યાદ નથી..”

આવું ઘણીવાર બનતું બાપ-દીકરી વચ્ચે ક્યારેક વાદવિવાદ થાય, ક્યારેક એકબીજા પર ગુસ્સે થાય પણ થોડીવારમાં સમાધાન પણ થઇ જાય. કોઈક વખત કૃતિનો ગુસ્સો લાંબો ચાલે, એકાદ દિવસ અબોલા રહે પણ ત્યારે મનાવવાનું તો શોભિતભાઈને પક્ષેજ આવે. મો ફુલાવીને બેઠેલી કૃતિ સામે જઈને એ કાન પકડે અને માફ કરવાનું કહે ત્યારે કૃતિ એકદમ રડી પડતી અને પાપા ને વળગી પડતી.. શોભિતભાઈએ એને કદીય માની ખોટ પડવા દીધી નથી.. બસ આમ એકદમ લાડકી દીકરીના કાર્યક્રમ માટે તેમને ખુબ ઉત્સાહ હતો.. “શું હતું પાપા..? કેમ મને બોલાવતા હતા..?”

“જો બેટા આજના ન્યૂઝ પેપરમાં એક બહુ સરસ ન્યૂઝ છે… યુ નો પ્રીત… રાઇટ…?”

“ના પાપા… હુ ઈઝ પ્રીત..?”

“વેલનોન ફેશન ડીઝાઈનર, બેટા… ડોન્ચ યુ નો હીમ..? “ઓહ…યા યા યા…  પ્રીત…  ફેશન ડીઝાઈનર રાઇટ??     યા પાપા, પણ એના બુટીકનું તો ઓપનિંગ હતું ને?                       “યસ… ધેટ્સ રાઇટ… પ્રોગ્રામ માટેનો તારો ડ્રેસ આપણે  એની પાસે તૈયાર કરાવીએ…???”

“ બટ પાપા….યુ નો વ્હોટ..? હીઝ પ્રોડક્ટ મસ્ટ બી વેરી એક્સ્પેન્સીવ ..અને  મારો ડ્રેસ તો આ લોકો ઇવેન્ટ મૅનેજમેન્ટ કમ્પની જ કરશેને ?”

“નો નો નો .. બેટા.. એ લોકો તો કરશે પણ એ કોની પાસે કરાવશે એ તો ખબર નથી પણ પ્રીત ઈઝ ધ બેસ્ટ ડ્રેસ ડીઝાઈનર… આખા દેશમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એનું કેટલું મોટું નામ છે..!!  એનો ડીઝાઈન કરેલો ડ્રેસ તું ફંકશનના દિવસે પહેરીશ તો ચાર ચાંદ લાગી જશે..” થોડી આનાકાની થોડી જીભાજોડી થોડી સમજાવટ અને છેવટે પ્રીત પાસે  એનો ડ્રેસ ડીઝાઈન કરાવવાનું નક્કી થયું.. ઈવેન્ટ્સ  મૅનેજર સાથે વાત કરી લીધી અને એણે જ તાત્કાલિક પ્રીતની અપોઈન્ટમેન્ટ ફિક્સ કરી અને બપોરેતો  એના સ્ટુડિયો પર પહોંચી ગયા..એના શો વિષે ફોન પર વાત થયેલી એટલે પોઝીટીવલી એજ દિવસે અપોઇન્ટમેન્ટ મળી ગઈ.. અત્યંત ભવ્ય અને  સ્ટુડિયોની અંદર પેસતાં કોઈક અલગ દુનિયામાં આવ્યા હોય તેવું લાગ્યું… જુદાજુદા કોર્નર્સ ફેશન આર્ટીકલ્સ મૂકેલાં છે તો  ક્યાંક ક્યાંક  હાઈ-લો પ્લેટફોર્મ્સ બનાવીને ઉપર ડ્રેસ ફોર્મ્સ પર મુકીને એને સ્પેસિમેન ગારમેન્ટ્સ પહેરાવેલા છે… ક્લે મોડેલ્સ અને એક્રીલીક્સ ફોર્મ્સનો પણ કપડાં રેપ કરવામાં ગજબ ઉપયોગ કર્યો છે..લાઈટીંગ અને દીવાલો પરની કલર સ્કીમથી અલગ જ એમ્બીયન્સ સર્જાયો છે…..  એકદમ ધીમા અવાજમાં રેલાતું વેસ્ટર્ન ક્લાસિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ  મ્યુઝિક આખા માહોલને ભવ્યતા બક્ષે છે…

સ્ટુડિયોમાં એન્ટર થતાં જ સામેથી સેલ્સ ગર્લ આવી અને એમને બેસવા કહ્યું.. અને કહ્યું: “પ્રીત વિલ બી વિથ યુ વેરી સૂન..” રાઇટ સાઈડમાં એક ગ્લાસ ચેમ્બર છે અને એમાં રાઉન્ડ કોફી ટેબલ અને ત્રણ ચાર ચેર્સ મૂકી છે.. એક ખૂણામાં નાનકડું વર્કિંગ ટેબલ છે જેના પર એક યુવાન કાંઈક સ્કેચ જેવું કરી રહ્યો છે. સેલ્સ ગર્લ ઇન્ટરકોમ પર કહે છે “ પ્રીત, સમબડી ઈઝ હિયર ફોર યુ “

“યસ યસ…” આટલું બોલીને એની નજર આ બધા પર પડી અને એણે હાથ હલાવીને અભિવાદન કર્યું અને ઇશારાથી કહ્યું આવું છું…ત્યાં સુધી આ બધાં તેનું કલેક્શન જોવામાં પરોવાઈ ગયાં.. બધાના હાવભાવ જુદાજુદા હતા.. કૃતિથી બોલાઈ ગયું “ વાવ “!!

પ્રીત ગ્લાસ ડોર માંથી બહાર આવ્યો…એકદમ ફેર લુકિંગ, હૅન્ડસમ અને સ્ટાઉટ બોડી,  ઉંચો પહોળો..લાંબા અને વિખરાયેલા વાળ અને કૈક જુદીજ હેર સ્ટાઇલ… એણે સ્કીન ટાઈટ બ્લુ જિન્સ અને ટી શર્ટ પહેરેલા છે  અને ડેન્સકો શૂઝ અને છટાદાર ચાલે ચાલતો એ આ તરફ આવ્યો.. કૃતિ તરફ હાથ લંબાવીને કહ્યું: “હેલ્લો કૃતિ… કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર વિનીંગ ધ કોમ્પીટીશન… એન્ડ ઓફ કોર્સ વિશ યુ ગૂડ લક ફોર યોર અપકમિંગ ઇવેન્ટ કૃતિ….” પ્રીતે એના હાથમાં વન સ્ટેમ રોઝ આપ્યું. એક હાથ એના ખભે મુકીને કહ્યું.. “એન્ડ યસ ડાર્લિંગ વી આર વેરી એક્સાઈટેડ ટુ ડિઝાઇન એક્સટ્રીમલી એલીગન્ટ ડ્રેસ ફોર યુ…આઈ’મ સ્યોર યુ વિલ લૂક ગોર્જીયસ એન્ડ એમેઝિંગલી ગ્રેસફૂલ સ્વીટી“ અને એનો હાથ પકડી રાખ્યો અને એ શોભિતભાઈ તરફ વળ્યો ” હેલો શોભિતભાઈ…ડોન્ટ વરી નાઉ… યુ આર એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ આઈ’મ સ્યોર યુ વિલ બી હેપી” અને પછી તે ત્રીજા શખ્સ ની બાજુ વળ્યો અને કહ્યું “એન્ડ  હા..! આઈ હેડ અ વર્ડ વિથ મી.સુબ્રતો ધીસ મોર્નિંગ..એન્ડ યસ, યુ આર …રોનિત ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન..”

સુબ્રતો એ ઇવેન્ટ કંપનીનો ઓનર છે અને રોનિત એ આ ઇવેન્ટનો મૅનેજર છે.

બસ એ દિવસે ખાસ્સી ચર્ચા થઇ… મેઝરમેન્ટસ લેવાઈ ગયાં, થોડા ઈન્સ્ટન્ટ સ્કેચીઝ કરીને પ્રીતે બતાવ્યા અને વધારે ડિટેઇલ માટે બીજા દિવસે મળવાનું નક્કી થયું.. ટ્રાયલ અને ડીલીવરીની ડેટ્સ ફિક્સ થઇ ગઈ.

બીજા દિવસે એકલી કૃતિ આવી બંનેનું એક લાંબું સેશન ચાલ્યું પ્રીતની ગ્લાસ ચેમ્બરમાં બેઠા અને કોફી પીતા પિતા  એની પસંદ-નાપસંદ, એનો સ્વભાવ, એનું ફેમિલી  બૅકગ્રાઉન્ડ વિષે પ્રીત એને પ્રશ્નો પૂછતો ગયો..અને કૃતી જવાબ આપતી ગઈ..ખૂબ વાતો કરી એમાંની કેટલીક કામની હતી અને કેટલીક બસ કહેવાતી ગઈ અને સંભળાતી ગઈ… કૃતિ ત્યાંથી વિદાય થઇ  અને જતાં જતાં પ્રીતને ઇન્વિટેશન કાર્ડ આપ્યું અને કહ્યું “ તમારે ચોક્કસ આવવું પડશે પ્રોગ્રામમાં… એન્ડ યસ  ઇન્વીટેશન ઈઝ ફોર ટુ પીપલ “

“ ઓહ યા યા..સ્યોર એન્ડ યસ  હું ચોક્કસ આવીશ…”

કૃતિ ત્યાંથી નીકળી ગઈ.

આ બે-ત્રણ મુલાકાતમાં નિકટતા આવી ગઈ..બન્ને જિનિયસ હતા. પોતપોતાના ક્ષેત્રમાં તેમણે મહારથ હાંસલ કરેલો છે અને પોતાનું એક સ્થાન નિશ્ચિત કર્યું છે, એક મુકામ બનાવ્યો છે..ટ્રાયલના દિવસે પ્રીતને એક મલ્ટીસ્ટારર ફિલ્મના કૉસ્ચ્યુમ ડીઝાઈન માટેની પ્રીલીમીનરી મીટિંગમાં અચાનક દિલ્હી  જવાનું થયું.. પણ એના આસિસ્ટન્ટે ટ્રાયલ લીધી અને ફીનીશ્ડ ડ્રેસ પ્રોગ્રામના આગળના દિવસે આપવાનું નક્કી થયું…

ડ્રેસ ડીલીવર થઇ ગયો… અને એક-દોઢ કલાક્માજ  કૃતિનો  ફોન બુટીક પર આવ્યો..અને ફોન પર બુમાબુમ કરવા માંડી..પ્રીત લાઈન પર આવ્યો તો એની સાથે પણ ખૂબજ બેહુદુ વર્તન કર્યું…” યુ ફૂલ…યુ ઈર્રીસ્પોન્સીબલ પર્સન.. યુ ડોન્ટ નો ધ ઈમ્પોર્ટન્સ ઑફ ધ ક્લાયન્ટ્સ…”

પ્રીત બે મિનિટ સાંભળતો રહ્યો અને પછી ફોન ડિસ્કનેકટ કરી નાખ્યો.. એણે ક્યારેય કોઈની પણ પાસેથી આ ભાષા સાંભળી નથી એટલે એ પણ કન્ફયુઝ થઇ ગયો કે શું થયું.. એટલામાં ફરી રીંગ વાગી..આ વખતે શોભિતભાઈ લાઈન પર હતા અને એ પણ અપસેટ હતા… એમણે કહ્યું કે “ ડ્રેસની પૅટર્ન આખી બદલાઈ ગઈ છે પ્રીત અને ફીટીંગ પણ બહુ વિચિત્ર છે ..કૃતિ ખૂબ રડે   છે, મને ખબર નથી પડતી કે હું શું કરું…”

“ ડોન્ટ વરી સર…!  એને શાંત કરો અને આઈ’મ રીચીંગ ટુ યોર પ્લેસ ઇન એન અવર…તમે કૃતિને કહો એ જરા પણ ફિકર નહીં કરે, એને હું એ જ ડ્રેસ પહેરાવીશ જે એણે પસંદ કર્યો છે.”

પ્રીત એના ઘરે પહોંચ્યો ત્યારે કૃતિ મોં લટકાવીને બેઠી હતી અને રડવાને કારણે આંખો લાલઘૂમ થઇ ગઈ હતી. બંને વચ્ચે થોડી બોલાચાલી થઇ …અને પ્રીતે ડ્રેસ જોયો અને કહ્યું…” યસ આ બરોબર નથી.. ઓકે તું આ ડ્રેસ અહી જ રાખ…હું તારા માટે મારી જાતે ડ્રેસ તૈયાર કરું છું..”

કૃતિ ખૂબજ ટેન્શનમાં હતી.. પણ પ્રોગ્રામના દિવસે બપોર થતાં સુધીમાં પ્રીત જાતે ડ્રેસ લઈને પહોંચી ગયો અને સાથે સરસ મજાનો ફ્લાવર બુકે અને કેન્ડી બાસ્કેટ લઈને ગયેલો.. કૃતિ ખુશ થઈ ગઈ…પ્રીતે એ બધું એના હાથમાં મૂક્યું અને કહ્યું “  કૃતિ.. ! તું મને આ ડ્રેસ પહેરીને બતાવીશ પ્લીઝ ?”

કૃતિ થોડીવારમાં  દ્રેસ્સ પહેરીને બહાર આવી અને દોડીને સીધી પ્રીતને ભેટી પડી…, ”થેંક યુ પ્રીત, આઈ’મ સો સોરી ફોર વ્હોટ આઈ સ્પોક ઓન ફોન યસ્ટર ડે..”

બહુ ખુશ થઇ ગઈ કૃતિ…પ્રીતે કહ્યું “ ઓકે  ધેન હું જાઉ છું… અને આપણે  સાંજે મળીશું…” જતા જતા પ્રીતે કૃતિની નજીક આવીને કહ્યું.. ” યુ આર ચાર્મિંગ….” આટલું કહીને પ્રીતે વિદાય લીધી.. પાછળથી કૃતિએ બુમ પાડીને કહ્યું “ સાંજે હું તારી રાહ જોઇશ પ્રીત…”

અવાજના પડઘા પ્રીતના કાન સુધી પહોચી ગયા…

કાર્યક્રમ શરુ થવાની વાર હતી..કૃતિ પાછળ ગ્રીનરૂમમાં હતી ..એનો મેકઅપ ચાલતો હતો.. આખું થીએટર ખૂબ ભવ્ય હતું અને એને ખૂબ સરસ રીતે શણગાર્યું છે. સ્ટેજની તો વાત જ ન્યારી છે. આખા થિયેટરમાંથી એક વિશિષ્ટ પ્રકારની ભીની ખુશ્બુ આવતી હતી.. એક બાજુ ઓડિયો બેલેન્સીન્ગ થઇ રહ્યું છે.. આ કાર્યક્રમ માટે જ ખાસ કૃતિ વિષે, એની સંગીતની શિક્ષા, એના અચિવમેન્ટસ, એના ગુરુજીઓ.. એના દોસ્તો.. એનો પરિવાર અને એમાં બનેલી નાનીમોટી ઘટનાઓને સાંકળતી એક નાનકડી કલરફૂલ પિકટોરીયલ બુકલેટ “ જર્ની ટોવર્ડસ  ટુડે “ ખાસ પ્રકાશિત કરવામાં આવી છે અને  થિયેટરના એન્ટ્રન્સ પર જ તેનું આમંત્રિત મહેમાનોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આખા દેશમાંથી પેજ થ્રી પર્સનાલિટીઝ આ કાર્યક્રમમાં આવવાની છે કારણ શોભિતભાઈનું  પબ્લિક રિલેશન્સ બહુજ મજબુત છે,  ખાસતો ગઝલનાં શોખીનો આવવાના છે.. ધીમે ધીમે ઓડીયન્સની આવવાની શરૂઆત થઇ ગઈ છે…. થિયેટરના ફોયરમાં લોકો એકબીજા સાથે મુલાકાત કરે છે… એન્ટ્રન્સ પર શોભિતભાઈ અને તેમના અંગત એક-બે  સ્નેહીઓ મહેમાનોને આવકારતા હતા.. થોડીવારમાં પ્રીત અને તેનાં મમ્મી થિયેટર પર આવી પહોંચ્યા… ગેટ પર આવતાં શોભિતભાઈ એ તેને આવકારતા કહ્યું…” વેલકમ પ્રીત…”

“ થેન્ક્સ શોભિતભાઈ.. “આ…મારા” એટલું બોલીને પ્રીતે પાછળ જોયું  તો કોઈ ન હતું..પ્રીત થોડો ખચકાયો.. થોડો મૂંઝાયો અને વિચારવા લાગ્યો … “મમ્મી ક્યાં ગઈ હશે…?”          “એક્સક્યુઝ મી”  કહીને એ ત્યાંથી સરકી ગયો…શોધવા માંડ્યો મમ્મીને…..

“ પ્રીત….” પાછળથી અવાજ આવ્યો…

“ અરે મમ્મી, તું ક્યાં જતી રહી હતી.. હજુ તો હું તને કૃતિના પપ્પાની ઓળખાણ કરાવું એટલામાંતો તું ગાયબ જ થઇ ગઈ… ??”

“ કૃતિના પપ્પા છે એ ?”

“હા મમ્મી ..પ…પણ તું કેમ…????”

“ બસ એમજ હું વળી આગળ નીકળી ગઈ…”

પ્રીતને મમ્મીનું આવું વર્તન જરાક બેહૂદુ લાગ્યું પણ  એ વખતે એ ખાસ કાંઈ બોલ્યો નહીં… થિયેટરમાં  થોડો કલબલાટ ચાલુ જ છે…અને બેકસ્ટેજમાંથી ઉદ્ઘોષણા થઇ અને તમામ આમંત્રિતોને સ્થાન ગ્રહણ કરવા માટે અને  કાર્યક્રમનો પ્રારંભ થવાની ઘોષણા કરવામાં આવી.. થોડી ક્ષણમાંજ પડદો ખૂલ્યો. ખૂબજ ભવ્ય રીતે સ્ટેજને ડેકોરેટ કરવામાં આવ્યું છે. શોભીતભાઈ સ્ટેજ પર આવ્યા  અને કાર્યક્રમના  પ્રારંભે બધાનો શબ્દોથી આવકાર કર્યો.

“ સ્વજનો,

“આજે મારું એક સ્વપ્ન સાકાર થાય છે ..કૃતિને મળેલું સન્માન અને એનું રેકગ્નીશન સમાજમાં થાય  ખાસ કરીને એના ફિલ્ડમાં થાય અને એ ઘટના માત્ર પારિવારિક આનંદ અને ગર્વનો વિષય ના બની રહે એવું હું અને કૃતિ બંને દ્રઢપણે માનીએ છીએ અને એટલે જ આજે અમારા આનંદમાં સહભાગી થવા આપ સૌને અમે બોલાવ્યા અને આપ સર્વની  ઉમળકાભેર ઉપસ્થિતિનો અમને વિશેષ આનંદ છે. સાચું કહું..આપ સર્વનાં આગમનથી અમે ખૂબ  હરખાયા છીએ.” આટલું બોલતાં શોભીતભાઈનો અવાજ સહેજ ભીનો થઇ ગયો…આંખ જરા નમ થઇ ગઈ…..ગળામાં ડૂમો ભરાઈ ગયો.. પોડિયમ પરની વોટર બોટલમાંથી એક ઘૂંટો પાણી પીધું અને  સહેજ સ્વસ્થ થયા…લાગણીસભર અવાજ અને લાગણીવશ થઈને બોલાયેલા શબ્દો હતાં એમના…..!                                                                                                          સ્વાગત પ્રવચનના અંતે એમણે કહ્યું.. એક વાત કહું.. ? હા..કહું જ છું…દોસ્તો.., આપણી ખુશીનાં પ્રસંગમાં જ્યારે આપણા કોઈક સ્વજનની ગેરહાજરી જેટલી સતાવે પણ એનાથી વિશેષ જ્યારે એજ સ્વજન આપણા આનંદના અવસરે આપણી સમક્ષ હોય, ત્યારે થતી ખુશી કેમ કરીને વ્યક્ત કરવી..??? એ ખુશીનો સમય માણવાનો હોય છે એની અનુભૂતિ કરવાની હોય છે..આજે હું એનું વર્ણન નથી કરી શકતો..”

હોલમાં ઉપસ્થિત લોકો આ અસંબદ્ધ વિધાન સમજી ના શક્યા પણ તોય એટલુંતો સમજી જ શક્યા કે આ હોલમાં કોઈક એવું છે જેનાં વિષે શોભિતભાઈ આ બધું કહી રહ્યા છે.

“મિત્રો… મનમાં અતિશય ઉમળકો હોય અને જ્યારે ઘણું બધું કહેવું હોય  ત્યારે સમયની સીમાનું ભાન નથી રહેતું..જો અત્યારે કાંઈક એવું થયું હોય તો આપ ક્ષમ્ય ગણશો..”   તમામ લોકોએ તાલીઓથી વધાવી લીધા શોભિતભાઈને..તેમના લાગણીભર્યા શબ્દોથી લોકો ખુશ તો  થયા જ પણ તેમના પ્રવચનની કેટલીક અસમ્બદ્ધ અને સંદર્ભ વગરની વાતોનો કોઈને તાળો મળતો ન હતો…ગ્રીનરૂમમાં કૃતિ પણ તેમનું પ્રવચન સાંભળતી હતી અને તે પણ આ બધી વાતોથી મૂંઝાઈ અને વિચારવા લાગી કે કોના માટેની આ વાત કરતા હશે  પપ્પા ..?

કર્ટન ઓપન હતો અને સ્ટેજ અદ્ભુત રીતે સજાવ્યું હતું, ગઝલના આ કાર્યક્રમને અનુરૂપ તેનું સુશોભન કરવામાં આવ્યું હતું. કૃતિની સ્ટેજ પર એન્ટ્રી થઇ..અને સૌએ ઉભા થઇ એને ખૂબ તાળીઓથી વધાવી લીધી..બહુ સુંદર દેખાતી હતી કૃતિ…લોકો આફરીન પોકારી ગયા…એનો  ગેટઅપ એનો ડ્રેસ એના ઓર્નામેન્ટ્સ બધું એકદમ અલ્ટીમેટ હતું. લોકો એનો ડ્રેસ જોઇને તો વાહ વાહ કરવા લાગ્યા..પ્રીતે કોઈ કસર છોડી ન હતી ડ્રેસ બનાવવામાં…!

કાર્યક્રમ શરુ થયો.. કૃતિ દ્વારા એક પછી એક ગઝલો રજૂ થઇ..ગઝલનાં શબ્દો…અને એનું સંગીત નિયોજન બેમિસાલ હતાં…કોઈક અઘરા શબ્દો કે ક્યારેક ગઝલનો ભાવ વચ્ચે વચ્ચે કૃતિ સમજાવતી હતી વળી એના એકદમ શુદ્ધ ઉર્દૂ ઉચ્ચારો સાંભળીને ત્યાં ઉપસ્થિત  ઉર્દૂ સમજવાવાળા શ્રોતાઓતો ખૂબ રાજી થઇ ગયા..  કાર્યક્રમ ખાસ્સો  લાંબો ચાલ્યો અને તેના અંતે શોભિતભાઈ ફરી એક વાર આભાર પ્રદર્શિત કરવા માટે સ્ટેજ પર આવ્યા:

“મિત્રો, હું આપ સૌનો બહુજ આભારી છું….પણ એક વિનંતી કરું? ચાલો આપણે એક ગઝલ વધારે સાંભળીયે… હું એક એવા અવાજને આપની  સમક્ષ આવવા માટે આમંત્રણ આપું છું … કે જે અવાજ  જો પ્લે-બેક સંગીતની દુનિયામાં હોત તો કદાચ એ અવ્વલ નંબરે હોત… ટોચ પર હોત… પણ ક્યારેક કોઈક મૂરઝાઈ જાય છે…પણ દોસ્તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આજે પણ એના કંઠમાં એજ ભીનાશ હશે..”

હોલમાં શાંતિ છવાઈ ગઈ…

“હું ગઝાલાને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું..”

પ્રીતતો મમ્મીનું નામ સાંભળીને ચોંકી ગયો..!! ગઝાલા પણ મૂંઝાઈ ગઈ..

“ પ્રીત દોસ્ત હું તને વિનંતી કરું છું કે ગઝાલાને સ્ટેજ પર  લઇ આવ પ્લીઝ “

ગઝાલાએ હાથના ઇશારા થી  ઇન્કાર કર્યો પરંતુ શોભિતભાઈએ ફરી એકવાર વિનંતી કરી..બહુ વિનંતી પછી ગઝાલા  ખૂબ સંકોચ સાથે સ્ટેજ પર આવી…એણે શરૂઆતમાં આનાકાની કરી પણ આટલા બધા લોકોની વચ્ચે વધારે જીદ કરવાનું  મુનાસિબ ના લાગ્યું.. એક ગઝલ ગાવાની શરૂઆત કરી…

“ યાદેં માઝી અજાબ હૈ યા રબ,

છીન  લે  મુઝસે  હાફીઝા  મેરા”

બસ હજુતો શરુઆત જ હતી ને લોકો સન્ન થઇ ગયા.. વાહ અને આહ ને ક્યા બાત હૈ જેવા ઉદગારો હોલમાંથી આવવા માંડ્યા..ગઝાલાએ આ એક ગઝલ ગાઈને પૂરું કર્યું અને  ઉભા થઇને  નમસ્કારની મુદ્રામાં ત્યાં જ ઉભી રહી..આખા હોલમાં લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.. પ્રીત સ્ટેજ પર આવીને એને લઈ ગયો.. હોલમાંથી બધા ધીમે ધીમે વીખરાવા માંડ્યા…પ્રીત, કૃતિને મળવા ગ્રીનરુમમાં ગયો.. કૃતિ ડ્રેસ ચેઇન્જ કરતી હતી એટલે એણે થોડીવાર ત્યાં થોભવું પડ્યું…લગભગ હોલ ખાલી થઇ ગયો, ગઝાલા પણ હોલમાંથી ફોયરમાં આવીને પ્રીતની રાહ જોતી એકલી ઉભી હતી.. શોભિતભાઈએ ગઝાલાને એકલી ઉભેલી જોઈ અને તે  મહેમાનોને વિદાય કરીને તેની પાસે આવ્યા

“ ગઝાલા આમ અનાયાસ ….!!!”

અવાજમાં ભીનાશ આવી ગઈ. આંખોમાં નમી આવી ગઈ

“_________”

“ વીતેલાં દિવસોની ગમગીની અસહ્ય હોય છે ગઝાલા…”

“ શોભિત….પ્લીઝ..!!!”

કૃતિ અને પ્રીત દુરથી આ દ્ગશ્ય જોઈ રહ્યા…

****************

 

થીજેલાં જળમાં મીન પિયાસી

“થીજેલાં જળમાં મીન પિયાસી” એ ગુજરાતી નાટક લગભગ પંદરેક વર્ષ પહેલાં લખાયેલું. આ નાટક ને આકાશવાણી  અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર માટે  નિર્માણ કરેલું  શ્રી જયકૃષ્ણ રાઠોડે.. આ રેડિયો નાટકમાં  સંજોગે વિખૂટાં પાડેલાં અને સહજીવનની અધુરપ લઈને આયખું વિતાવતાં  બે પાત્રોની વાત છે … બેય પક્ષે પુન:મિલનની તીવ્ર તરસ છે..  કાળે છૂટાં પાડેલાં આ બે પાત્રો  પુન: મળે છે…..???? આયાખાનાં આખરી પડાવે પણ  પુન: મિલનની અપેક્ષાની તીવ્રતા બરકરાર રહે છે..??? આ તમામ પ્રશ્નોનો જવાબ છે  હા….! વિખૂટાં પાડનાર વિધાતા રીઝે છે અને  મળેતો છે જ…. પણ કયા સંજોગોમાં મળે છે..કયા સ્થળે મળે છે અને  છેક ક્યારે મળે છે ..?   જીવનના એક દીર્ઘ કાલખંડમાં બનતી સંબંધની સાપસીડીની વાત…અને તેમાં  બનતી સાવ અણકલ્પી  ઘટનાઓને ફક્ત  બે જ  પાત્રો દ્વારા ચોટદાર સંવાદો અદભૂત  નિર્માણ કૌશલ્ય તથા સંગીત નિયોજન દ્વારા પ્રસ્તુત કરાયેલું  આ નાટક ખૂબ સંભળાયેલું અને શ્રોતાઓ દ્વારા વખણાયેલું  જે આજે  મારા વાચકો માટે અહીં પોસ્ટ કર્યું છે …

નાટક સાંભળવા માટે નીચેની લીન્ક પર ક્લિક કરો..

 

છેલ્લું લખાણ

શ્યામાબહેનનાં અવસાનને પંદર દિવસ થયાં…

મૃત્યુપર્યંતની તમામ ક્રિયાઓ પતી ગઈ… શ્યામાબહેનનાં અવસાનનાં સમાચાર મળતાંજ અનિકેત, અનાર અને અનુરાગને લઈને સુરતથી અમદાવાદ આવી પહોંચ્યો. શ્યામાબહેનનું એકમાત્ર સંતાન હતી અનાર..! કુટુંબમાંય વળી બીજું કોણ હતું ? અને એટલે જ્યારે શ્યામાબહેનનાં દેહને અગ્નિદાહ દેવાનો પ્રશ્ન આવ્યો ત્યારે કોઈ દૂરના પીતરાઈ પાસે એ વિધિ કરાવવાને બદલે અનિકેત અગ્નિદાહ આપે એવું નક્કી થયું.. શ્યામાબહેનને પણ અનાર કરતા વધારે અનિકેત સાથે ફાવતું હતું.

અનિકેત જોકે ઝાઝૂ રોકાયો નહી.. એતો અગ્નિસંસ્કારના દિવસે અને એ પછી બેસણાના દિવસે એમ બે દિવસ રોકાયો હતો.. અને પછી એ સુરત ચાલ્યો ગયો. અનાર અને દીકરો અનુરાગ ત્યાં રોકાયા. અનારનું બીજી વિધીઓ પતાવવા માટે અહીં રહેવું આવશ્યક હતું..

પંદરેક દિવસમાં ક્રિયાકર્મ પતિ જાય પછી ઘરનું બધું વ્યવસ્થિત ગોઠવી ઘરને  લોક કરી સુરત જવું એવું અનાર અને અનિકેતે  નક્કી કરેલું..,, અને એટલે એ પ્લાનિંગ પ્રમાણે અનાર ઘરની સાફસૂફીમાં વ્યસ્ત હતી..ઘરના તમામ રાચરચીલા સાથે, ઘરની એક એક દીવાલો સાથે,  ની નાનીમોટી તમામ વસ્તુઓ સાથે અનારની નાનપણની ઘણીબધી સ્મૃતિઓ જોડાયેલી હતી..

શ્યામાબહેનનાં અવસાનથી અનાર બહુ દુ:ખી થઇ હતી…રડી રડીને આંખો સૂઝી ગયેલી..  જો કે હવેતો આંસુઓએ પણ પોરો ખાધો છે, માત્ર હૈયું રડે છે. ક્યારેક મમ્મી સાથે બનેલી કોઈક ઘટના યાદ આવતાં આંખોના પહેરામાંથી આંસુ બહાર સરકી આવે છે….ત્યારે, હવે ઘરમાં એના આંસુ લૂછવાવાળું પણ કોઈ નથી… ધીમે ધીમે મન વિસારે પડવા માંડ્યું છે..અનારે પ્રયત્નપૂર્વક મનને વાળી લીધું છે અને બીજા કામમાં જોતરી દીધું છે..

ઘરની સાફસૂફીની શરૂઆત કરી…વારાફરતી બધાં  રૂમ સાફ કરવા માંડ્યા અને વધારાનો સામાન પેક કરવા માંડ્યો. ઘરની સાથે અને વસ્તુઓની સાથે જોડાયેલી સ્મૃતિ કોથળામાં અને બૉક્સમાં સીલ થવા માંડી.. હવે માત્ર મમ્મીના રૂમની સફાઈ કરવાની હતી…અનારે એકેએક  વસ્તુ પર ઝીણવટભરી નજર નાખી. મમ્મીના રૂમમાં બહુ વ્યવસ્થિત રીતે બધું ગોઠવાયેલું પડ્યું હતું…વર્ષોથી બંધ રહેતું કબાટ, એક ખૂણે પડેલું ટેબલ અને તેના પર પડેલાં પુસ્તકો… ટેબલ પર એક કાચનો કલાત્મક ગ્લાસ હતો તેનો તેઓ પેન-સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરતા.. અને તેમાં ત્રણ-ચાર પેન-પેન્સિલ પડી છે…એક ખૂણામાં પડેલું ટેબલ લેમ્પ…બધું ટેબલ પર એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું પડ્યું હતું.. આ રૂમની ખાસ જરૂર પડતી નહીં એટલે એ રૂમ તરફ કોઈનું ખાસ ધ્યાન પણ પડેલું નહિ.

મમ્મીની એક ડાયરી ટેબલના ડ્રોઅરમાંથી અનારને મળી આવી..એને યાદ આવ્યું કે મમ્મી નિયમિત રીતે ડાયરી લખતી. જીવનની સારી-ખોટી સ્મૃતિ એમાં નોંધતી. જો કે અનારે મમ્મીની એ ડાયરી અગાઉ ક્યારેય જોવાનો પ્રયત્ન સુધ્ધાં નહોતો કર્યો..એજ તો હતી શ્યામાબહેનની તાલીમ..! અનાર ૩૩ વર્ષની થઇ પણ શ્યામાબહેનનાં જીવનના અંત સુધી ક્યારેય એણે એમના જીવન વિષે કશું પૂછ્યું ન હતું. હા, ક્યારેક શ્યામાબહેન કોઈ વાત કરે તો એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતી, એમાં રસ લેતી અને ચર્ચા પણ કરતી..પરંતુ સામે ચાલીને એ કશું પૂછતી નહીં.. એવું પણ ન હતું કે એને એ બાબતમાં રસ ન હતો પરંતુ અનાર એવું દ્રઢપણે માનતી હતી કે મમ્મીની પણ પોતાની એક પર્સનલ લાઇફ હોય અને એના વિષે કાંઈ પણ જાણવાની ઇન્તેજારી એણે રાખવી જોઈએ નહીં.

અનારને એટલીતો ખબર હતીજ કે એના પપ્પા ભાસ્કરભાઈ આજથી ૩૩ વર્ષ પહેલાં જ્યારે એનું આ પૃથ્વી પર અવતરણ થવાને બેજ મહિના બાકી હતા ત્યારે ક્યાંક ચાલી નીકળ્યા ….અંધકારમાં પડછાયાની જેમ જાણે તેઓ ઓગળી ગયા અને જતી વખતે તે મમ્મીને સંબોધીને એક ચિઠ્ઠી લખતા ગયા હતા. અનાર જ્યારે સમજણી થઇ અને એના પપ્પા વિષે બહુ પૂછપરછ કરવા માંડી ત્યારે એક વખત શ્યામાબહેને એ ચિઠ્ઠી એને બતાવેલી. આજે પણ એ ચિઠ્ઠી અહિં ક્યાંક હશે એમ માનીને અનારે શોધવા માંડી. શ્યામાબહેને એ ખૂબ સાચવીને કબાટમાં એક પાઉચમાં બહુ વ્યવસ્થિત રીતે એક કવરમાં મૂકેલી. કાગળ પીળો પડી ગયેલો પણ આજે પણ એની સ્યાહી એવીને એવીજ હતી. અક્ષરો ના તો ઝાંખા પડ્યા હતા ના તો કાગળ પર જરાય સળ પડ્યા હતા.

આ કાગળ જ તો શ્યામાબહેનની મૂડી હતી ને..!!  અનારે ખૂબ સાચવીને ચિઠ્ઠી લઈને વાંચવા માંડી…

“શ્યામા,

આપણા લગ્નની પ્રથમ રાત્રેજ મેં તને મારા વિચારો જણાવેલા. સાંસારિક જીવન પ્રત્યેનો મારો અભિગમ અને તે વિશેની મારી ઉદાસીનતા બાબત આપણે દીર્ઘ સંવાદ થયાનું પણ મને યાદ છે.. તને પણ એ યાદ હશેજ…. ગૃહસ્થજીવન પ્રત્યે મને કોઈ અનુરાગ નથી એ તું જાણે છે.. માં-બાપની ઇચ્છા-અપેક્ષા અને જીદ ની સામે ઝૂકીને મારે તારી સાથે  જોડાવું પડ્યું.., પણ આ માર્ગ મારો નથી.. સંસારની માયામાં જકડાઈ જાઉં કે પછી વાસનાના ભરડામાં હું આવી જાઉં એ પહેલા મેં તારી સમક્ષ મુક્તિ માટે વિનંતી કરેલી.. પરંતુ તેં સંબંધ વિચ્છેદનો સ્પષ્ટ ઇન્કાર કરેલો…અને એક ઇચ્છા પણ પ્રગટ કરેલી…હા, અને તું જ્યારે આટલું મોટું બલિદાન આપવા માટે તૈયાર થતી હોય તો મારે મારા આત્માની મરજી વિરુદ્ધ પણ તારી એ માંગણી પૂરી કરવી જ જોઈએ એમ માનીને મેં તને એક બાળક આપ્યું… પણ ફરી પાછો એ મોહપાશ મારી સામે આવવાની ભીતિ થઇ  આવી, બાળક જન્મે અને એનાં નાનાં નાનાં હાથોની મમતાભરી કેદમાં મને જકડી લે એ પહેલાં હું દૂર ચાલ્યો જાઉં…જ્ઞાનના માર્ગે.. અને એજ મને શ્રેયસ્કર લાગ્યું…

આપણે લોકનિંદા કે ટીકા-ટિપ્પણની પરવા ના કરીએ એવી સમજદારી અને હિમ્મત તો આપણે કેળવી લીધી છે ને….!

“શ્યામા ! મહાભિનિષ્ક્રમણ પહેલાની સિદ્ધાર્થની મન:સ્થિતિ જેવીજ અત્યારે મારી પણ મન:સ્થિતિ છે.. પારાવાર મનોવેદના, મનોમંથન અને માનસિક સંઘર્ષ પછી પણ અંતે તો મને મેં જે માર્ગે જવાનું પસંદ કર્યું છે એજ માર્ગ  સાચો લાગ્યો છે.

હું એ જ રસ્તે જાઉં છું., શોક ના કરીશ શ્યામા… સંતાપને શમાવવાની સમજણ તો  આપણે દસ-બાર માસના સહજીવનમાં કેળવી શક્યાજ છીએ એમ હું માનું છું.. અને હા..બાળક મોટું થઈને પૂછશે એના પિતા વિષે, પણ ભવિષ્યના સવાલોના ઉત્તર અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જેટલી તો તું સક્ષમ છે જ …”.- ભાસ્કર

અનાર આખી ચિઠ્ઠી વાંચી ગઈ. આંખોમાંથી આંસુના ત્રણ-ચાર બુંદ ગાલ પર આવીને અટકી ગયાં. ક્યાંય સુધી એ કાગળ હાથમાં પકડીને અનાર બેસી રહી..  મમ્મીનો ચહેરો આંખ સામે આવીને અટકી ગયો..તેની સાથે વિતાવેલો સમય ચિત્રપટની જેમ આંખ સામેથી પસાર થવા માંડ્યો અને મનોમન વંદન કરવા લાગી મમ્મીને…

અનારે પ્રત્યક્ષ દેહે તો  ક્યારેય પપ્પાને જોયા નહતા , જોયા હતા અનુભવ્યા હતા તો દીવાલ પર ટીંગાતી તસવીરમાં… એક બાજુ ચિઠ્ઠી અને બીજી બાજુ તસવીર…વારાફરતી જોઈ રહી… એ દિવસે અનાર કશું કામ ના કરી શકી. મન સતત મમ્મીના સમગ્ર જીવન વિષે વિચારતું રહ્યું.. મમ્મીએ પારાવાર સંઘર્ષ કરીને એને મોટી કરી …ભણાવી…પરણાવી…એના જીવનમાં એને સ્થીર થવામાં બનતી બધી મદદ કરી …અને આમ તો શ્યામાબહેન માટે અનાર સિવાય બીજું હતું પણ કોણ …?

મમ્મી વિદાય થઇ ગઈ સદાને માટે.. અનાર ગમગીન થઇ ગઈ…બેસી રહી એમજ ક્યાંય  સુધી… ઘડીક મમ્મી તો ઘડીક ચીઠ્ઠીમાનાં પેલા અક્ષરો અને એમાં લખાયેલો એકેએક શબ્દ….. પડઘાતો હતો… એક અવાજ, સાવ અજાણ્યો તોય જાણે એ હતો પોતાનો એક અંશ.. .હડદોલા ખાતી રહી બંને બાજુ અને સાવ નિશ્ચેતન થઈને છતની સામે નજરને સ્થીર કરીને ચત્તાપાટ પડી રહી પલંગમાં…

ખાસ્સો સમય વીતી ગયો… ઉભી થઇ પલંગમાંથી…બાથરૂમમાં જઈ ફ્રૅશ થઇ આવી અને મનમાં પાછો એક ઝબકારો થયો..મમ્મીની ડાયરી લખવાની આદતથી તે વાકેફ હતી અને એને ચોક્કસ ખાતરી હતીકે મમ્મીની ડાયરીઓ એકદમ સરસ રીતે ગોઠવાયેલી મળશે.. કબાટ ખોલ્યું..તો  આખું કબાટ ભરીને તારીખ અને નંબર સાથેની ડાયરીઓ મળી આવી..સામે પડેલી છેલ્લી ડાયરી લઈ અને છેલ્લું પાનું ખોલ્યું..  અવસાનના પંદર દિવસ પહેલાનો એ દિવસ હતો જ્યારે છેલ્લી વખત શ્યામાબહેને ડાયરી લખેલી… ડાયરી લઈને અનાર મમ્મીના વર્કટેબલ પાસે આવી.. અને લાકડાની ખુરશી પર બેસી ગઈ અને છેલ્લા દિવસથી એણે વાંચવાનું શરુ કર્યું..

” જીવનની આ નમતી સંધ્યાએ એક વિચાર આવે છે કે શું માત્ર તર્પણ કરવા માટેજ આ જીવન હતું..!!

શું મેળવ્યું …કેટલું મેળવ્યું..? શું..કોને..કેટલું આપ્યું..?

જીવનનું ગણિત માંડીને સરવૈયું માંડું છું તો એટલું દેખાય છે કે મારી પાસે હતું પણ શું આપવા માટે..? જો હું કાંઈ પણ આપી શકી છું તો તે તો છે માત્ર પ્રેમ..લાગણી. મારી અંદર વહેતા લાગણીના ઝરણામાંથી સૌને ભીંજવી શકી છું..બસ.! અને…એજ તો મારું સદ્ભાગ્ય છે ને … !!  નહિ તો હું તો સાવ એકલી અટૂલી દૂર છેવાડાના રેલવેનાં ફ્લેગ સ્ટેશન જેવી જ હતી ને…? બધું  ગતિ કરતું હોય અને સ્થીર હોય માત્ર એ ફ્લેગ સ્ટેશન ! થોડીથોડી વારે જામતો કોલાહલ ઘડીકમાં શમી જાય અને પછી એના નસીબમાંતો હોય એજ વેરાન નિર્જનતા.. એકલતા…!!!

અરે…હુંય ગાંડી જ છું ને ..!!!

ગામને પાદરે ઉભેલા વડલાને તે વળી વટેમાર્ગુ સાથે પ્રીત કેવી..? વટેમાર્ગુ તો આવે અને જાય..

મારે તો બસ મારી આગળ પાછળથી આવીને પસાર થઇ જતાં લોકોને જોયાં કરવાનાં..?

પતિ જ્ઞાનમાર્ગે નીકળી પડ્યા.. દીકરી એના જીવનમાં ..એના સંસારમાં પરોવાઈ ગઈ.. સ્નેહીઓ મિત્રો…સગા-વહાલાં સૌ આવ્યાં અને ગયાં, રહી ગઈ હું સાવ એકલીઅટૂલી…!! જે જે કોઈ આવ્યા તે કંઈક મેળવવા કે પામવા…

હું તો હતી દરિયાની રેત અને મને તો હતી પ્યાસ…પણ હાય નસીબ…..મારાં ભાગ્યમાંતો બસ હતાં માત્ર ફેનિલ મોજાં….આવ્યાં નાં આવ્યાં અને પાછાં જતાં રહ્યાં..અને રહી ગઈ નરી ખારાશ…..!!

પણ હવે વળી ફરિયાદ શીદને … હેં ? જીવનને આ પંચાંવનમે વર્ષે..? ના રે ના…! આ વળી ફરિયાદ ક્યાં છે..કે ક્યાં છે આક્રોશ ?  આ તો સહેજ અમથું..હૈયું ભરાઈ આવ્યું..! હવે તો રાહ જોઉં છું ચીર નિદ્રાની..

ભાસ્કર…! તમને આપેલા વચન પ્રમાણે હું તો જીવન જીવી ગઈ…જીવી ગઈ શું..? આ જીવન પૂરું થવા આવ્યું. તમે આરોપેલા બીજમાંથી આવી અનાર અને જૂઓ તો ખરા કેવડી મોટી થઇ ગઈ, અને આજે  એના ગુલશનને સજાવી સંવારી રહી છે.. મેં તો એને ખૂબ જાળવી છે..બહુ દેખભાળ રાખી છે…અને હા મેં તો પ્રયત્ન કર્યો છે કે એને તમારી ખોટ પડવા ના દઉં…ભાસ્કર,

ભાસ્કર આ તો બધું એ જ સત્ય છે જે તમારી હાજરીમાં પણ આમ જ હોત..તમે જ્યાં પણ હો ભાસ્કર, આજે મારે એક વાતનો પણ એકરાર કરવો છે…અને તો જ હું નિરાંત અનુભવી શકીશ, તો જ મને ધરપત થશે.. ભાસ્કર..!

આજે હા…ભાસ્કર તમારી સાથે એક બીજો ચહેરો પણ યાદ આવે છે..આ ઢળતી સાંઝે એ પણ કેમ અચાનક યાદ આવી ગયો…? હા ભાસ્કર, મને પણ  ક્યાંક થી સહારો મળ્યો હતો..તમારા ગયા પછી મને એક ટેકણ મળેલું…જ્યાં માથું મુકીને હું નિરાંત અનુભવતી..એક ખભો મળેલો જેને ટેકે હું વેદનાનો ભાર હળવો કરી શકતી હતી..પણ ભાસ્કર એ સુખેય હતું તો ઉછીનુંજ ને ? અને વળી ઉછીનું મેળવેલું સુખ તે કાંઈ શાશ્વત થોડું હોય  ???

આજે રહી રહી ને મને એક પ્રશ્ન થાય છે કે શું હું સંસાર પ્રત્યેની વફાદારી કે જવાબદારી ચૂકી છું..?

ભાસ્કર..! તમે તો સીદ્ધાર્થને અનુસર્યા..પણ શું હું યશોધરા બની શકી..????

આજે મારા મનનો બોજ હળવો થયો…ખૂબ વજન લાગતું હતું..

તમને જીવનમાં ફરી ના મળી શકાયું એનો રંજ છે જ  પણ જો વિધાતા મારી હથેળીમાં ગૃહસ્થ જીવનની રેખા ચીતરવાનુંજ ભૂલી ગઈ હોય તો વળી દોષ કોને દેવો..???

આપણે તો માણસ ..???

ડાયરીમાં આ મારું છેલ્લું લખાણ છે ભાસ્કર..!  બસ હવે જીવન રહે કે ના રહે..પણ ડાયરીમાં લખવા જેવું કઈ રહેશે નહિ..

ॐ શાંતિ શાંતિ શાંતિ:”

ડાયરી બંધ કરી અને ખોળામાં મૂકી, એની આંખોમાં આંસુ હતા… ઉભા થવાની શક્તિ જાણે  એ ગુમાવી ચુકી હતી.. નીચું જોઇને ટાઈલ્સ પર પગનો અંગૂઠો ઘસતી રહી…..મમ્મીને એ મનોમન વંદન કરતી રહી… અને અનાયાસ એનાથી બોલાયું ” પપ્પા…તમે સ્વાર્થી હતા… મારી મમ્માને ખૂબ અન્યાય કર્યો છે તમે…  આઈ વિલ નેવર લવ યુ…!!”

 

***