નાતરું

“શાએબ…. શાએબ….ઓ… શાએબ…..ઓ…ઓ… શાએબ….” બહાર જોરજોરથી કોઈ બુમો પડતું હતું….. પહેલા તો એ તરફ બહુ લક્ષ ના આપ્યું… રાતના દોઢ વાગ્યો હતો અને ઘરમાં બધાં ઘસઘસાટ ઊંઘતા હતા… મારી આંખો પણ હજુ  હમણાં જ મીંચાઈ હતી… મોડા સુધી વાંચવાની મારી ટેવને કારણે  હું હમણાંજ બ્રશ કરીને સૂવા આવ્યો અને આંખ મીંચાઈ ના મીંચાઈ ત્યાંતો આ બુમો સંભળાઈ… ઉઠવાની આળસમાં સાંભળ્યું ના સાંભળ્યું કર્યું …મને એમ કે હમણાં કોઈ જવાબ નહિ મળે તો જે હશે તે જતું રહેશે. પણ ફરી પાછી વધારે મોટા અવાજમાં  બુમો પાડવા માંડી……” ઓ… શાએબ…. શાએબ….” આમ તો પરિચિત અવાજ હતો…બાજુમાં સુતેલી સંજનાએ કહ્યું : “ આ કોણ બુમો પાડે છે આટલી રાતે …..?”

“ધની લાગે છે……”

“લાગે છે શું…? ધની જ તો છે..” એ ભર ઊંઘમાં હતી એટલે એણે એકદમ કંટાળા સાથે કહ્યું…

“સુઈ જા તુ… એ તો આવશે કાલે સવારે.. કોઈ ભાન જ નથી … અરધી રાતે આ દોડી આયા અને બસ બુમો પાડવા માંડી… નથી જવાનું …સુઈ જા તુ..”  સંજના બરાબર અકળાઈ હતી…

“જો ને યાર… અરધી રાત્રે આવી છે તે બિચારી કશીક મુશ્કેલીમાં હશે… “

“ અરે યાર….તું શું કામ આ બધી લપમાં પડે છે…?? “

ત્યાં તો ફરી બુમો સંભળાઈ એટલે મેં ફરી સંજનાને કહ્યું “જા ને યાર …જો ને બિચારી ને શું કામ છે..?”

“ના…  હું નથી જવાની અને તારે પણ બહાર નથી જવાનું… જે કામ હશે તે આવશે સવારે. ખોટા ખોટા લોકોને પેંધા પાડ્યા છે…ગમે ત્યારે આવી ને રડવા માંડે… સમય સંજોગનું ભાન જ નહિ….”

હું પણ બરાબર ઊંઘમાં હતો એટલે મને પણ ઊઠવાનો કંટાળો આવતો હતો…પણ એ નહીં જ ઊઠે એવું લાગ્યું એટલે હું જ ઊભો થયો…ડીમ લાઈટમાં ટી-શર્ટ શોધી અને  પહેરી લીધું અને પગમાં સ્લીપર પહેરીને બહાર ગયો…દરવાજો ખોલ્યો…. ઝાંપે પણ તાળું મારેલું હતું તે ખોલીને ધનીને અંદર કંપાઉંડમાં લઈ આવ્યો…હું હીંચકા પર બેઠો અને ધની સામે નીચે બેસી ગઈ. એક નાનકડી સાત આઠ વર્ષની છોકરીને લઈને આવી હતી અને એ પણ બિચારી ઊંઘમાં હતી….

“ શું થયું ધનીબહેન પાછું અરધી રાત્રે..?”

“શાએબ આ..આ છોડીનો બાપ મરવા પડ્યો છ….જુઓને શાએબ  બઉ દારૂ ઢેંચીન આયો છ અન એની ઓંખોય તારવે ચડી ગઈ છ.. શાએબ…મૂઓ મરતોય નથી અન મારું જીવવાનુંય  હરામ કરી નોખ્યું છ બોનફાડે…”

“ધનીબેન…શાંતિ રાખો અને આમ ગાળ ના બોલાય અહીં….” હું સહેજ ગરમ થઇ ગયો.. એટલે એ એકદમ છોભીલાં પડી ગયા.

“શાએબ ભૂલ થઇ જઈ મારી ભૈશાબ…પણ શું કરું શાએબ….”

“કશો વાંધો નહિ ધનીબેન…તો શું કરવું છે એનું ..?” પોલીસને સોંપી દો સાલાને…તમે આમ ક્યાં સુધી દોડાદોડ કરશો એ સુવ્વરની પાછળ….”   મને દયા આવી એ બિચારી બાઈની

“ શું કરું શાએબ ધણી મૂઓ છ…અન ચ્યમ નો મરવાય દઉ…મારુ તો લોઈ પી જ્યો છ શાએબ “

“તો બોલો શું કરવું છે એનું…..? શું કરું હું…?”

“શાએબ ઓસ્પીટલમોં ફોન કરો તો હારુ, નઈતર પોલીસ ઘાલી દે શે એને મુઆને મહી..”

“સારું… તમે એને હોસ્પિટલ લઇ જાવ હું ફોન કરું છું…”

હારુ શાએબ મું જઉ….” એમ કરીને ઉભી થઈ અને ઝાંપો ખોલીને બહાર નીકળી…. એને મોકલીને હું પણ ઘરમાં જવાની તૈયારી કરતો  જ હતો અને તરત એ પાછી આવી. “ શાએબ…”

“ શું થયું પાછું..?”

“ શાએ…”

“ઉભા રહો હું આવું છું…”  હું સમજી ગયો એટલે મેં વચમાંથી જ એને બોલતી અટકાવી અને હું ઘરમાં ગયો… પાંચસો રૂપિયા લાવીને એના હાથમાં મૂક્યા.

“શાએબ આ ઉપકાર મુ ક્યારે…?”

“એની ચિંતા ના કરો …અને હવે તમે જાવ જલદી…”

ધની ગઈ અને મેં ઘરમાં આવીને  હોસ્પિટલમાં નાઇટ ઇન્ચાર્જને ફોન કર્યો. બધું ગોઠવીને હું બેડરૂમમાં સૂવા આવ્યો.

“કેટલા પૈસા આપ્યા??” સંજનાએ તરત પૂછ્યું

“આપ્યા હવે તું સૂઈ જા ને…” મેં સહેજ કંટાળાના ભાવ સાથે કહ્યું

“ખોટી આદતો પાડે છે…દારુ પીવે…અને મરવા પડે એટલે આપડે પાછા છોડાવવાના…અને દવાય આપડે કરાવવાની  ??”

“સંજુ પ્લીઝ…!”

“પણ આવું બધું કરવાનો શો અર્થ છે…અરે યાર આપણે પણ ઘરબાર છે છોકરાં છે..આવા દારૂડિયા માટે દાન ધરમ નહિ કરવાના…”

“સંજુ ! બિચારી ગરીબ બાઈ છે…લાચાર છે. અરધી રાતે એ કોની પાસે હાથ લંબાવે… અને…અને આપડી ઉપર એને ભરોસો છે…કેટલી બધી આશા અને વિશ્વાસ સાથે આપણી પાસે આવી હોય …તું…તું એની માનસિક પરિસ્થિતિનો તો વિચાર કર …”

“ પણ હું મદદ કરવાની ક્યાં ના પાડું છું…એને જરૂર હોય તો ખાવાનું આપીએ ..કપડાં આપીએ, અરે પૈસા પણ આપીએ માંદા સાજા હોય તો પ..પણ એના દારૂડિયા ધણી માટે થોડા પૈસા અપાય..???”

“ તારી વાત સાચી છે પણ જો મેં તો ધનીની સામે જોઈ ને પૈસા આપ્યા છે..”

એ રાત્રે તો વાત ત્યાં પૂરી થઇ ગઈ…. ધની એના ઘરવાળાને દવાખાને લઈ ગઈ અને બે-ત્રણ દિવસમાં તો એનો ધણી સારો પણ થઇ ગયો અને ઘરે આવી ગયો.

ધની એટલે અમારે ત્યાં કચરો વાળવાનું કામ કરતી હરીજન બાઇ અને પાછી સુધરાઈમાં પણ એ સફાઈ કામદાર તરીકે નોકરી કરે. હું સુધરાઈમાં ઓફિસર એટલે મારા બંગલાની સફાઈમાં એ થોડી વધારે ચીવટ રાખે. ધની ફક્ત સફાઈ કામ કરવા વાળી બાઈ જ ના હતી પણ એક રીતે તો એ અમારા પરિવારની સદસ્ય હતી. ધનીનું વ્યક્તિત્વ જ કંઈક જુદા પ્રકારનું હતું. જો જરાક સારા કપડાં પહેરે અને જો થોડી ટાપટીપ કરે ને તો કોઈ એને સફાઈ કરવાવાળી બાઈ ના કહે… ઊલટું એ તો ઠસ્સાદાર ગૃહિણી જેવી લાગે. રંગ એનો ઘઉં વર્ણો પણ એના નાકનક્શી ભગવાને જાણે શાંત ચિત્તે અને નિરાંતે બનાવ્યા હશે. બેઠી દડીની આ બાઈ કપાળે કંકુનો મોટો ચાંદલો કરતી. સવારે સફાઈકામ વખતે એના કપડાં મેલાંઘેલાં હોય પણ દિવસ દરમ્યાન એકદમ સરસ કપડાં પહેરે. એકદમ સાફ દિલની આ બાઈ બોલવામાં થોડી જબરી અને એટલે જ બને ત્યાં સુધી કોઈ એને વતાવે નહી. ભલભલાં મરદો પણ એની સાથે જીભાજોડીમાં ના પડે કારણ ભૂલેચૂકેય જો એનો મિજાજ ગયો અને બોલવા માંડે ત્યારે એ મરદો પણ આઘાપાછા થવા માંડે…. જો કે આવું જવલ્લેજ બનતું. સામાન્ય રીતે એનો વ્યવહાર શાંત એને એના કામથી કામ પણ ધની એકદમ નેક, સાફ દિલની બાઈ…… એની સુઘડતા એની કામમાં ચોકસાઈ અને નિયમિતતા એની પ્રમાણિકતા એની સચ્ચાઈ આ બધું હોવા છતાં એ ઘરની બહુ દુઃખી…અને ત્યારે ક્યારેક એમ થતું કે એના લેખ લખતી વખતે વિધાતાને ઝોકું આવી ગયું હશે…. પણ આજ તો ધનીની નિયતિ હતી. ધનીને કોણ જાણે કેમ પણ મારા પરિવાર માટે બહુ ભાવ અને અમારી મર્યાદા પણ બહુ જાળવે. નાનીમોટી તકલીફ હોય તો તરત મારી પાસે દોડતી આવે. મને હમેશાં સાહેબ કહે પણ સંજનાને એ સંજના કે પછી સંજુ કહીને તુંકારે જ બોલાવે. અમારી અને એની ઉંમરમાં બહુ ફેર ન હતો.

ધની, એની ભરજુવાનીમાં હતી ત્યારથી અમારે ત્યાં કામ કરતી… એમ કહું કે છેલ્લા પાંત્રીસેક વર્ષથી એ અમારા બંગલાનું સફાઈકામ કરતી. આમતો એની ઉંમરનો અંદાજ લગાવવો અઘરો  પણ તોય એની કૌટુંબિક પરિસ્થિતિ અને એ બધાનો અંદાજ કાઢતાં એની ઉંમર પચાસ-બાવન હશે એમ ધારી શકાય. ધનીના જીવિત વસ્તારમાં બે છોકરાઓ અને ત્રણ છોકરીઓ. ત્રણ-ચાર છોકરાં તો જનમતા પહેલા કે જન્મીને પછી મરી ગયેલાં પણ જીવી ગયેલા પાંચ છોકરાઓમાં રણછોડ સૌથી મોટો છોકરો અને ગુણવંત સૌથી નાનો. રણછોડને  એ રણછોડીયો જ કહે અને ગુણવંત ને ગુણીયો. બે છોકરાઓ વચ્ચે ત્રણ છોકરીઓ અને એમાં સમુડી, કોકલી અને ત્રીજી દયાડી. નોકરીમાંથી લોનો લઈને અને ઊંચા વ્યાજે પૈસા લાવીને બધા છોકરા છોકરીઓને પરણાવી દીધેલા…ધણી તો દારુડીયો હતો એટલે એ બધી પળોજણ ધનીને જ કરવી પડતી. કુટુંબવત્સલ આ સ્ત્રીને જિંદગીમાં ક્યારેય પોરો ખાવાનો વારો ના જ આવ્યો. સંસાર માંડ્યો ત્યારથી ધણીના કઢાપામાં જ જિંદગી ગઈ. કામધંધાના ઠેકાણા નહિ અને રોજ રાત પડે દારુ પીને આવે પછી આખી રાત ગાળાગાળી ધમાલ અને પછી એના શરીરને ચૂંથે. આટઆટલી પીડા પછીયે આ ખાનદાન બાઈ કહે “જેવો છે એવો પણ મારો ધણી છે.” નિભાવતી હતી એ નપાવટને અને એના સંસારને.

દલસુખ અને દારૂ બેય એના દુશ્મન તો એમાં પાછી  હસતી હસતી મને કહે શાએબ એ તૈણેય ની રાશી તો એકજ છે ને…એમ કહે અને પછી ખિલખિલાટ કરતી હસે.  જિંદગીની વિષમતાઓ પર પણ હસી શકે તે ધની.

દલસુખના તોફાનો ખૂબ વધી ગયા હતા હવે તો ચોવીસેય કલાક નશામાં રહે. હોસ્પિટલમાં વોર્ડબોય ની નોકરી કરે અને એક દિવસ નોકરી પર પણ નશો કરીને ગયો અને પકડાઈ ગયો. નોકરીમાંથી સસ્પેન્ડ થયો. જોઈતું હતું અને વૈદે કીધું એવા હાલ થયા…નવરો થઇ ગયો અને એટલે વધારે શેતાન થઇ ગયો…અને છોકરાઓ પણ હવે બાપના સંગે દારૂ ની લતે ચડી ગયા.

દર બીજા ત્રીજા દિવસે હવે તો  ટાઇમ કટાઇમે ધની રડતી રડતી આવી ચડે મારી પાસે. હું એને શું મદદ કરી શકું ? પણ તોય આવે એટલે એને આશ્વાસન આપું….. એને રડી લેવા દઈએ….એનો હૈયાનો ભાર હળવો કરવા દઈએ. પાણી આપીએ ક્યારેક વળી સંજનાને સામેથી કહે “સંજના….! આજે તો બળ્યું ચા પીવડાય હેંડ.”  સંજના ચા બનાવે અને એ મારી સાથે વાતો કરે. મારી સાથે એને કુદરતી રીતે જ બહુ ફાવતું અને મને પણ કોણ જાણે એની બહુ દયા આવતી. એકલી એકલી એ બિચારી સ્ત્રી જિંદગીના આ ઝંઝાવાત સામે ઝીંક ઝીલે છે એનો તો હું સાક્ષી અને એ બધું જોઇને એના માટે ખૂબ સહાનુભૂતિ પણ થતી.

સંજના એને ખાવાનું કપડા અને એવું બધું ઘણું બધું આપતી.

ધનીનો મોટો છોકરો રણછોડ શીળો અને એને એના કામથી કામ. એ જુદું ઘર રાખીને રહ્યો હતો. નોકરી કરે ને એનું ગાડું ગબડાવે પણ નાનો ગુણીયો બહુ શેતાન.  બિલકુલ એના બાપ જેવો. કોઈ કામધંધો નહિ કરવાનો અને માં ઉપર તાગડધિન્ના. વચલી છોકરી કોકી પણ સાસરેથી પાછી આવી અને છૂટાછેડા થયાં. કરમની કાઠી આ સ્ત્રીનાં જીવનમાં પોરો ખાવાનો વખત જ નથી આવતો. દુઃખોની વણઝાર ચાલુ ને ચાલુ જ રહેતી તોય એ જરાય પાછી ના પડતી. ભગવાનને પણ જાણે પડકાર ફેંકતી હોય અને કહેતી હોય કે “નાખ ભગવાન નાખ જેટલા દુઃખો નાખવા હોય એટલાં નાખ અને કરી લે તારી તાકાત હોય એટલું જોર…. પણ યાદ રાખજે આ ધનીને તેં નવરાશે બનાઈ છે ને ? તો જો જે આ ધનીય પાછી પડવાની નથી…”

એક દિવસ વળી પાછી મારે ત્યાં આવી

“શાએબ ”

“શું છે ધનીબેન..! બહુ દિવસે દેખાયાં, હમણાં શાંતિ લાગે છે …કેમ..?”

“અરે શાએબ આ ધનીના આયખાંમાં ચાણેય શોન્તી નઈ આવે..એતો શાએબ મું લાકડા ભેગી થઈશ ને તાણ શોન્તી મળશે… તાણે કદીક કારજે ટાઢક થશે તો થશે…” અને પાછી ખડખડાટ હસે. બેઠી થોડી વાર અને  પછી ધીમેથી કહે “શાએબ આ ગુણીયો બૌ હેરોન કર છ..”

“ કેમ શું થયું પાછું એને ..?”

“રાતે બૌ દારુ પી ન આયો અન મન કે’કે મને જુદું ઘર લઈ આલ મારે જુદા રે’વું છે.  હવારેય ઊઠતાની  હાથે પાઈપ લઈન  મન મારવા આયો.. એનો બાપ ગમે એવો શેતાન છ પણ મને આંગળી નહી અડાડી આજ લગી,  અન આ નખ્ખોદિયો પાઈપ લઈન  મારવા આયો….. હું કરું શાએબ… મેં જ મુઈ એ પેટે રાક્ષસ જણ્યા તે આજ મનઅ ખાવા ધાયા છે…”

સામાન્ય રીતે જેની આંખમાંથી આંસુ ના પડે એ ધની એ દિવસે ચોધાર આંસુએ રડી… એને પાણી પિવડાવ્યું અને શાંત પાડી…. ગમે એવી પરિસ્થિતિમાં પણ વિચલિત ના થનારી ધનીના સ્વાભિમાનને એના છોકરાએ ચકનાચૂર કરી નાખ્યું અને એ ઘટનાજ એના માટે અસહ્ય બની ગઈ.

ઘણીવારે શાંત થઇ પણ કાળજામાં તો લાવા ધગધગતો હતો.

“શાએબ મારે પોલીસમાં ફરિયાદી કરવી છે મને અરજી લખી આલો ને શાએબ”   એના અવાજમાં આક્રોશ અને મક્કમતા અને વિનંતી ત્રણેય હતાં“

મેં એને અરજી લખી આપી. પોલીસ એના છોકરાને પકડી ને લઈ ગઈ અને કસ્ટડીમાં મૂકી દીધો. અને પાછા બે દિવસ થયા અને દોડતી દોડતી આવી…” ઓ શાએબ આ પોલીશ બચારા ગુણીયાને બૌ ઝૂડે છે મૂઓ મરી જશે શાએબ…એને છોડાઈ આલો ને શાએબ…” એ ધની ઉપર ફરી પાછી એક મા હાવી થઇ ગઈ…

બસ આમજ એની સમસ્યાઓ ચાલ્યા કરે.. એની એનાં છોકરાંઓ માટેની માયા એના ઘર માટેની એની મમતા એને કદાચ જિવાડતી હશે કે જીવવા માટે મજબૂર કરતી હશે. .

થોડા વખતથી મારો બંગલો વાળવાનું એણે બંધ કર્યું કારણ એક દિવસ, અમારા મમ્મી જોડે એને માથાઝીંક થઇ.. બંને એક સરખા લ્હાય જેવા..ભયંકર ગુસ્સાવાળા…અને મમ્મી એ કહી દીધું “ કાલથી ના આઈશ બંગલો વાળવા…બસ એય વટવાળી…અને એણે બંધ કરી દીધું બંગલો વાળવાનું… એ ઘટનાને ત્રણ-ચાર મહિના થયા હશે અને એ દરમ્યાન હું ગંભીર રીતે બીમાર પડ્યો.. કોઈ આશા ન હતી બચવાની…. મને હોસ્પિટલમાં લઈ જતા હતા એ એણે જોયું તો દોડતી આવી અને મને જોઇને ઘ્રુસકે ને ધ્રુસકે ખૂબ રડી હતી.. પંદરેક દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે લાવ્યા. સદનસીબે હું બચી ગયો. ધીમેધીમે મને સારું થઇ રહ્યું હતું  પણ હજુ આરામ પર જ હતો..

એક દિવસ બપોરે હું કમ્પાઉન્ડમાં હીંચકા પર બેઠો હતો. કશુંક વાંચતો હતો. સંજના જોબ પર ગયેલી અને મારું ધ્યાન રાખવા મારી જોડે બાબુસિંગ હતા. મને હીંચકા પર બેઠેલો જોયો એટલે મારી ખબર પૂછવા એ અંદર આવી.

“કેમ છો શાએબ…કેવી છ તબિયત..?”

“સારું છે ધનીબેન. ભગવાનની દયાથી સારું થઇ ગયું…અને હા ધનીબેન મને તો હમણાં ખબર પડી … સંજનાએ કહ્યું”

“શું શાએબ …શું ખબર પડી…? ? ”

“એ જ કે મને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તમે ઉપવાસ કર્યા હતા…?  બે દિવસ સુધી પાણીએ ન હતું પીધું..!!”

“કોણે કહ્યું તમન શાએબ..? અન એમો શું થઇ જ્યુ…શાએબ તમે મારા હાતર ચેટલુ કર્યું છ… રાતદા’ડો જોયા વગર મારી પડખે ઉભા રહ્યા છો શાએબ..અન તમ તો મારો આધાર છો શાએબ… અન મેં બે દા’ડા ના ખાધુ તો એમો શું થઇ જ્યુ હું કઈ દુબરી થઇ જઈ… મારા ભગવોને મારી અરજી હોંભરી….તમ બચી ગયા શાએબ…”  એટલું  બોલતા તો એની આંખો ભીની થઇ ગઈ. સાડલાના છેડાથી આંખો લુછી નાખી અને સ્વસ્થ થવાનો દેખાવ કરવા માંડી. બાબુસિંગ એટલામાં ચા લઈને આવ્યા. અમે બન્ને એ ચા પીધી. ખાસીવાર બેઠી. સામાન્ય રીતે એ કામ પતે એટલે તરત જતી રહે પણ એ દિવસે જાતજાતની વાતો કરે.

“બાબભઇ થોડુંક ઠંડુ પોણી પાવ ને ભઈ…”  બાબુસિંગ અંદર ગયા ધની પણ ઉભી થઇ….  જવા માટે…  અને મારી નજીક આવી અને મને નીચી નમીને પગે લાગી અને ઊંચું જોયું ત્યારે ફરી એની આંખો ભીની હતી. મારા હાથ પર એના હાથ ફેરવીને ધીમેથી બોલી  “શાએબ તમ મન બઉ વા’લા છો…”

બસ એટલું બોલીને એણે ચાલવા માંડ્યું અને મારી પણ હિમ્મત ના રહી કે હું એને કહું કે પાણી પી ને જાય… હચમચાવી ગઈ મને… હું વિચારતો રહ્યો કે પોતાનું ઘર સાચવવા સંઘર્ષ કરતી આ મજબૂર સ્ત્રી ને કોઈએ પ્રેમ ના આપ્યો.. ના ધણીએ કે ના છોકરાઓએ. બધા એને ચૂંથતા રહ્યાં…કોઈ એના શરીર ને તો કોઈ એના મનને… શું કરે બિચારી..???

એ ઘટના પછી ધની  બિલકુલ દેખાતી બંધ થઇ ગઈ…ખાસા બે એક મહિના થયા હશે અને એક દિવસ સવારના પહોરમાં એની નાની છોકરી દયા આવી અને રડવા માંડી એટલે મેં એને રડવાનું કારણ પૂછ્યું..

“શાએબ… મારી મા જતી રઈ….”

“શું.. શું….??? ક્યાં જતી રહી…??? મારો અવાજ મોટો થઇ ગયો..

“મારી મા….મારી મા એ નાતરુ કર્યું….”

 

**********

 

વિજય ઠક્કર

May 25, 2017 @ 5.45 PM

 

 

Advertisements

ચહેરો…….

છેલ્લા એકાદ અઠવાડીયાથી કંઈક વિચિત્ર ઘટનાઓ ઘટતી રહી છે મારી સાથે. ઊંઘમાં વિચિત્ર વસ્તુઓ, આકારો, દ્ગશ્યો અને કેટલાંક સ્થળો મારી સામે આવે છે. કેટલુંક અત્યંત પરિચિત તો કેટલુંક સાવ અજાણ્યું લાગે….હું તો બસ મૂંઝાઉં…વિચાર્યા કરું….કેમ થતું હશે આવું મારી સાથે…??? ક્યારેક તો ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય…થોડીવાર પથારીમાં બેસી રહું …વોશરૂમ જવું હોય તો પણ બીક લાગે તેમ છતાં હિમ્મત એકઠી કરીને જાઉ…મોઢું ધોઈ ફ્રિજમાંથી ઠંડુ પાણી પી અને પાછી સૂઈ જાઉં.

હજુ બે દિવસ પહેલાં તો એકદમ જુદોજ અનુભવ થયો હું રાત્રે સૂતી હતી અને એકદમ એક ચહેરો…હા…ફક્ત ચહેરો હવામાં તરતો દેખાયો…હવામાં અધ્ધર લટકતો એનો ચહેરો જોઈને મારાથી તો છળી જવાયું…ધીમેધીમે હવામાંથી સરતો એ ચહેરો મારી પાસે આવ્યો અને મારા ઓશિકા પાસે ગોઠવાઈ ગયો. એમાંથી ઉના લાય શ્વાસ ધમણની જેમ ચાલતા હતા….અને મારા ગાલને અથડાતા હતા….અને મારા કાનમાં ધીમેથી ગણગણ્યો…

“બી…..એય ….બી…!”

હું તો એનો અવાજ સાંભળીને હબકી જ ગઈ….મારા ધબકારા પણ એકદમ વધી ગયા….અને સાવ કૃશ અવાજમાં ફરી બોલ્યો…” બી…એય મારી બહુ વહાલી બી…જો હું જાઉં છું….હવે મારો સમય થઇ ગયો…હું જઈશ…બસ જો હવે સદાને માટે જતો રહીશ…. અત્યાર સુધીતો હું સ્થૂળ દેહે અસ્તિત્વમાં હતો અને તને ક્યારેક પણ પામી શકીશ, આપણું સહઅસ્તિત્વ શક્ય બનશે જ એવી અપેક્ષાએ આખું જીવન વિતાવી દીધું… પણ તને મળવાની….તને પામવાની મારી આશા ઠગારી નીવડી…. ઘોર નિરાશા સાંપડી અને જો બી હવે તો મારો સમય પૂરો થવા આવ્યો… શું કરું…હેં…?  જવુંજ  પડશે …જવું પડશે મારે. બી…હું તો તારી રાહ જોઇશ જન્મોજન્મ સુધી જ્યાં સુધી આપણે એક નહિ થઈએ….” આખા રૂમમાં એનો અવાજ પડઘાયા કરતો હતો…અને હું ઝબકીને જાગી ગઈ.” આટલું બોલતાં તો શ્યેનની આંખો ભરાઈ આવી અને એના અવાજમાં પણ ભીનાશ આવી ગઈ.

“ પછી શું થયું…?” નંદિતાએ શ્યેનને પૂછ્યું.

“નંદિતા તમને હું શું સંબોધન કરું…? ચાલો હું તમને નંદિતાબહેન જ કહીશ….”

થોડીવાર એ કશું ના બોલી…અને એક ઊંડો શ્વાસ લઈને એણે ફરી બોલવાનું શરુ કર્યું. “ બે દિવસ પહેલાજ એણે તો મને અણસાર આપી દીધો હતો એના જવાનો. ગઈકાલે…હા…ના…પરમદિવસ રાત્રે અચાનક એક ઘુઘવાટ શરુ થયો….દરિયાના મોજાં…અને ભરતીનો એ દરિયો ઊછળતો ઊછળતો એ મારી સામે ધસ્યો….અને એજ પાછી હું તો  છળી ઊઠી…એકદમ પલંગમાં હબકીને બેઠી થઇ ગઈ અને બે હથેળીઓ વચ્ચે મારો ચહેરો પકડીને પલંગની ઇસ પર ક્યાંય સુધી બેસી રહી….પાછો એજ એનો અવાજ મારા કાનમાં સંભળાવા લાગ્યો…” બી… મારી તને પામવાની ઇચ્છા અધુરી રહી… મારી જીદ, આ કાળમુખાં સમય સામે ઝીંક નથી ઝીલી શકતી…. બસ હવે…હવે સમય થઇ ગયો..બી…! મારે જવું પડશે… પ…પણ બી હું તારી રાહ જોઇશ..જ્યાં સુધી હું તને સંપૂર્ણ રીતે નહિ પામું ત્યાં સુધી હું તારી રાહ જોઇશ..આપણે મળીશું….. આપણે મળવું જ પડશે બી….. આપણે મળવું પડશે ક્યારેક …..હા…ચોક્કસ મળીશું… હું રાહ જોયા કરીશ તારી બી…. તારે આવવું પડશે મારી પાસે…બી..” આટલું બોલતાં એને થાક લાગ્યો..થોડીવાર શાંત રહી અને એક ડૂસકું નીકળી ગયું એના મોમાંથી… નંદિતાએ એના ખભા પર હાથ મૂક્યો… શ્યેને પણ એની હથેળી નંદિતાના હાથ પર મૂકી.

“નંદિતાબહેન આટલા વર્ષો પછી પણ એના અવાજની એજ મીઠાશ હતી… મેં એને એક દિવસ કહેલું આપણે કદાચ સાથે નહિ પણ હોઈએ તો તારો અવાજ અને તારો ચહેરો મેં મારી છાતીમાં કેદ કરી લીધો છે…” નંદિતાની આંખોનાં આંસુ સુકાતા ન હતા…. બંને જણ રાત્રે છત પર ઉભાઉભા એને યાદ કરતા હતા અને એની સાથે વિતાવેલા સમયને જાણે બેય પોતપોતાના પાલવમાં જેટલો આવે એટલો સમેટી લેવા માંગતા હતાં.

“શ્યેન આજે એ મારો …અરે….હા… મારો કહીશ તો હું તને અને એને બેયને અન્યાય કરીશ…. હા મારી એકલીનો નહિ, આપણો…શ્યેન આપણા બેયનો એ ચહેરો …એ અવાજ ક્યાં જતો રહ્યો હેં…! શ્યેન ક્યાં ગયો.. એ આમ આપણને એકલાં મૂકીને…..શ્યેન કહેને મને ક્યાં ગયો એ… તને તો ખબર હશેને શ્યેન …તું તો એને બહુ વહાલી હતી…ને…!” બહુ અસ્વસ્થ થઇ ગઈ નંદિતા. ગળે ડૂમો ભરાઈ ગયો…ક્યારની શ્રોતા બનીને સાંભળતી નંદિતા આખરે બોલતાં બોલતાં ભાંગી પડી… દબાવી રાખેલા આંસુ ધોધ બનીને વહેવા માંડ્યા…શ્યેને એને શાંત પાડવા માંડી…

“નંદિતાતાબહેન …પ્લીઝ..!”

“ ……………..”

બહુ વાર પછી  નંદિતા શાંત થઇ. શ્યેને નંદીતાનો હાથ પકડ્યો અને એક હાથ એના બરડા પર મૂકીને એને ધીમેધીમે છત પર એક ખૂણામાં પડેલા હીંચકા તરફ દોરવા માંડી. નંદીતાને ધીમેથી હીંચકા પર બેસાડીને શ્યેન એની બાજુમાં બેસી ગઈ. બંનેની હથેળીઓ એકબીજા જોડે જકડાયેલી હતી. હીંચકો ગતીમાં આવ્યો અને ઝૂલવા માંડ્યો. બેયના મન પણ વિચારોના પ્રવાહમાં હિલ્લોળાવા માંડ્યા. કોઈ બોલતું ન હતું  …તદ્દન શાંત…થોડીવારે શ્યેને અધુરી વાતનું અનુસંધાન કરવા માંડ્યું. શ્યેન બોલી…” ઘૂઘવતો એ દરિયો ધીમેધીમે ઓસરવા માંડ્યો અને ત્યાંજ કિનારે આગની જ્વાળાઓ પ્રગટી…જાણે કોઈકની ચીતા નો અગ્નિદાહ..!!!

નંદિતા શાંત થઇ ગઈ હતી….સાંભળ્યા કરતી હતી શ્યેનને. “ એ દિવસે મને ઊંઘ ના આવી…સવાર સુધી  જાગતી જ પડી રહી… નિત્યક્રમ મુજબ વહેલી સવારે હું તો મારા ઘરના આંગણમાં બેસીને ચા પીતાપીતા છાપું વાંચતી હતી. નાના શહેરોમાં પણ હવે તો છાપાં જલદી પહોંચી જાય છે એટલું સારું છે નહીં તો…નહીં તો …” અને શ્યેનનો અવાજ સહેજ લડખડી ગયો.

“……………”

છેલ્લા પાને એના અવસાનના સમાચાર વાંચીને હું તો હબકી ગઈ… જાણે…..જાણે ….!!!

“…………….”

“નંદિતાબહેન, છેલ્લેછેલ્લે જાણે મને જાણ કરવા જ રોજ રાત્રે મારી સામે આવતો અને મને કહેતો…બી હું જાઉં છું…. આવું તો કઈ રીતે ધારી શકાય….હેં…!! મેં તો મારી મનની નિર્બળતા માનીને એ તરફ બહુ લક્ષ્ય નહોતું આપ્યું. મારી સાથે એ જ્યાં સુધી હતો, એણે મને એના એકેએક શ્વાસનો ય હિસાબ આપ્યો હતો અને અંત સમયે પણ એણે…” શ્યેનથી હવે રડી દેવાયું…. છુટ્ટા મોઢે રડી પડી શ્યેન.. નંદિતા અને શ્યેન બંને એકબીજાને સાંત્વન આપતા હતાં…જાણે એ બંને પર એકસાથે આવી પડેલી આ આફતમાં હવે એ બેજ એકબીજાનો સહારો હતા.

છાપામાં શ્યેને એના અવસાનના સમાચાર વાંચ્યા અને તરત એણે અહીં આવવાનું નક્કી કરી લીધું. શહેરનો એ આગેવાન નાગરિક હોવાથી એનો પાર્થિવ દેહ લોકોને માટે દર્શનાર્થે શહેરની મધ્યમાં સવારથી રાખ્યો હતો અને સાંજે એને અગ્નિદાહ દેવાનો હતો એટલે શ્યેન તરત ભાડાની ટૅક્સી કરીને આવી પહોંચી….દર્શન માટે ખૂબ ભીડ હતી અને શ્યેન પણ એ ભીડમાં એના પાર્થિવ દેહ સમક્ષ આવી. શ્વેત સલવાર-કમીઝ અને કાળો દુપટ્ટો એના શરીરને કંઈક ઓર જ આભા આપતા હતા. દુપટ્ટો એણે માથે ઓઢી લીધેલો. એ મંચ પાસે આવી અને એના હાથમાં જે પુષ્પો હતા તે એણે એના પગ પાસે મૂક્યા અને ધીમેધીમે એની પ્રદક્ષિણા ફરતાં એના શરીરને સ્પર્શ કરવાનું મન થયું પણ એની જાતને એણે રોકી રાખી. એના ચહેરા પાસે આવીને ઉભી રહી એના માથે હાથ મુકવાનું મન થયું. એક ક્ષણમાં તો કેટકેટલાં વિચારો આવી ગયા ?

એને થયું આ મને રેઢી મૂકીને કેમ આમ સૂઈ ગયો છે…? લાવ એને ઢંઢોળીને જગાડી દઉં..! આ તારી ઘાતકી આંખો ..હા આ તારી ઘાતકી આંખોએ મને તારામાં સમાવી દીધી હતી તારી પાછળ પાગલ કરી મૂકી હતી મને અને આજે હવે આમ એ આંખો બંધ કરી ને આરામથી લેટી ગયો છે.

આંખોથી જ તો શરૂઆત થઇ હતી એ બંનેના સંબંધની અને આજે એકની આંખો બંધ છે અને બીજાની આંખોનાં બધાં બંધ તૂટી ગયા છે….વહે છે ગાંડીતૂર થઇ ને. શ્યેન તો વિચારોમાં ખોવાઈ ગઈ અને એ ત્યાં જ ઉભી રહેત જો કોઈકે એને પાછળથી કહ્યું ના હોત કે બહેન આગળ ચાલો. શ્યેન સહેજ આગળ ગઈ અને કોઈકે એના ખભે હાથ મૂક્યો. એણે પાછળ વળીને જોયું તો સાવ કોઈક અજાણ્યો હાથ અને અજાણ્યો ચહેરો હતો.

“આપને નંદિતાબહેન બોલાવે છે.” સહેજ પકડાઈ જવાનાં ભાવથી એના ચહેરા પર ક્ષોભ વર્તાયો….છાતીએ ધડકવાની ગતી વધારી દીધી છતાં ધીમે પગલે પેલા અજાણ્યા શખ્સની પાછળ મનમાં એક છુપા ભય સાથે એ નંદિતા પાસે ગઈ.

“ બેસો..”

નંદિતાની બાજુમાં એ બેસી ગઈ….પુષ્કળ લોકો આવતા હતા દર્શનાર્થે. થોડીવાર પછી શ્યેને જવા માટે નંદિતાની સંમતી માંગી. નંદિતાએ શ્યેનનો હાથ પકડયો અને કહ્યું: “શ્યેન આજની રાત મારી સાથે રોકાઈ  ના શકો …?

“………………..”

કોઈજ આનાકાની વગર એ રોકાઈ ગઈ. અગ્નિદાહ પર્યન્તની તમામ વિધિ પતિ ગયા પછી મોડીરાત્રે નંદિતાએ શ્યેનને કહ્યું..” અહીં બહુ ભીડ છે…બધાં બેઠાં છે….શ્યેન, મારે તમારી સાથે બહુ વાતો કરવી છે.

ચાલો આપણે ટૅરેસ પર જઈએ. ઘરમાં બધાને કહીને એ બંને ટૅરેસ પર આવી ગયાં.પરિવારના બધાને શરૂઆતમાં શ્યેન આગંતુક લાગેલી. પણ થોડાજ વખતમાં બધાનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો….હવે બધા એને પ્રેમ અને આદરથી બોલાવવા લાગ્યા. નંદિતા-શ્યેન છેક સુધી સાથેજ રહ્યાં. રાત પડી ગઈ હતી….ઘણું મોડું થયેલું અને પરિવારના અન્ય લોકો પણ ખૂબ થાકેલા હતા….થાક કે ઊંઘ આ બંનેનાં શરીર અને મનમાંથી ગાયબ થઇ ગયા હતા. ટૅરેસ પર બંને એકબીજાનો સહારો બનવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આજે બંનેનું અસ્તિત્વ બહુ બોલકું બની ગયું હતું. નિરવ રાત્રીની નિઃસ્તબ્ધ ક્ષણો પસાર થતી રહી. કાળા ઘનઘોર આકાશ સામે જોઇને જાણે એ બેય વિચારતા હતાં “ બધું….બધું આ કાળા અંધકારમાં ડૂબી ગયું…. એ તો ઓગળી ગયો આ આકાશમાં. બંનેના મન પર ફરતી શારડી જાણે ભીતરનાં ખડકોને વીંધી છેક મન:તલમાં સંગ્રહાયેલી ઘટનાઓ સુધી પહોંચી જાય છે અને અંદર ઢબુરાયેલો એ અતીત ઊછળતા ધગધગતા લાવાની જેમ સપાટી પર આવી જાય છે. વર્તમાન આ ક્ષણે ભૂતકાળનો વર્તમાન બની ગયો….અને કેટલીયે વારે ચારે હોઠ એકસાથે જ ફફડ્યા…..!!!

“નંદિતા…બ…..”

“શ્યેન …..”

“…………………”

“………………….”

“શ્યેન એણે મને તમારા વિષે બધું કહ્યું હતું….બધુંજ…..અને…અ…અને એક વચન માંગ્યું હતું મારી પાસેથી”

“શું વચન….”

એક રાત્રે બહુ લાગણીવશ થઈને ક્યાંય સુધી એ મારી સામે જોઈ રહેલો જાણે ત્રાટક કરતો હોય….હુંય ધીમે ધીમે એની આંખોના તેજ સામે…સાચું કહું શ્યેન….??

“ શું…???”

“ એની આંખો બહુ ઘાતકી હતી….”

આ શબ્દો સાંભળતાં જ શ્યેન એકદમ વિહવળ બની ગઈ…..એક આંગળી એણે નંદિતાના હોઠ પર મૂકી દીધી અને જાણે નંદિતાને ચૂપ થઇ જવાનો ઇશારો કર્યો. નંદિતા પણ એક ક્ષણ તો વિચારમાં પડી ગઈ કે શું થયું…? થોડીવારના મૌન પછી નંદિતાએ વાતનો દોર સાંધી લીધો.

“એણે મને કહેલું…. કે નંદી…હા…! એ મને કાયમ નંદી કહેતો….. નંદી….મારી છાતીમાં તારી સાથે એક બીજું નામ પણ ધબકે છે…..આટલું બોલીને બિલકુલ ચૂપ થઇ ગયો…થોડીવાર સુધી કશુંય બોલ્યો નહિ જાણે એ તમને ખોળી રહ્યો હતો એના અસ્તિત્વમાં……અનુભૂતિ કરતો હતો એની છાતીના પોલાણમાં….એના ધબકારમાં તમારી… અને પછી બહુ વાર પછી બોલ્યો નંદી….શ્યેન છે એનું નામ….મારી બી….હા મારી બી….!

“જે દિવસે મારું હૃદય બી નામનો ધબકાર ચૂકી જશેને ત્યારે હું પણ……!! “નંદિતા આટલું બોલતાં રડી પડી….શ્યેને એને સાંત્વન આપ્યું….સહેજ સ્વસ્થ થઇ એટલે નંદિતાએ ફરી બોલવાનું શરુ કર્યું.  એણે કહ્યું: “શ્યેન મારી સાધના છે….શ્યેન મારો શ્વાસ છે…. એ તો મારો ધબકાર છે……”

“………………..”

ચારેય આંખોમાંથી આંસુના પુર ઊમટ્યાં….શ્યેન અને નંદિતા એકબીજાને આશ્વાસન આપવા નજીક આવ્યાં

અને ચારેય હથેળીઓ એકબીજામાં પરોવાઈ ગઈ. બંને જણ ઘણો લાંબો સમય ત્યાં ટૅરેસ પર બેસી રહ્યાં અને વાતો કરતા જ રહ્યાં….મનથી હળવા થતાં રહ્યાં….વળી પાછું નંદિતાએ પૂછ્યું:

“શ્યેન તમે એની સાથે લગ્ન કેમ ના કર્યું……?

“નંદિતાબહેન ….હું…!!”

“કેમ ચુપ થઇ ગયાં શ્યેન…???”

“ હું પછી ક્યારેક એ વાત કરીશ…” એણે વાત ટાળી દીધી…

“એ તો તમને ભૂલ્યો જ નહીં…હંમેશાં એ તમને યાદ કરતો રહેતો…ક્યારેક એ બેબી કહે તો ક્યારેક એ બી ને યાદ કરે…..એ શ્યેન નામ તો ભાગ્યેજ બોલ્યો હશે.

“હા…એ મને કાયમ બેબી કહેતો…અને બેબીમાંથી ક્યારેક બી કહેવા લાગ્યો….મને પણ બહુ ઓછું સાંભળે છે કે એણે મને શ્યેન કહીને બોલાવી હોય…નંદિતાબહેન  જૂઓ તો ખરા આજે એની આ બી….વિવશ અને લાચાર થઇ ગઈ….!! એને મેં તમારી સાથે પરણાવ્યો….પણ એ પછી મારી હિમ્મત તૂટી ગઈ….એટલે ચાલી નીકળી એક અજાણ્યા રસ્તે એક દ્રઢ નિશ્ચય સાથે કે હવે એને હું મારો ચહેરો ક્યારેય નહિ બતાવું…. હું તો ઓગળી ગઈ અંધકારમાં….પણ એ તો પાગલ હતો ને….! મારો ચહેરો જોવા એણે એનો ચહેરો જ મોકલી આપ્યો…

“……………”

નંદિતાએ શ્યેનને બોલવા દીધું…

“એની જીદ હતી મને એની સાથે રાખવાની પણ એ તો શક્ય જ ન હતું…હું મારો ઓછાયો પણ તમારા સંસાર પર પડવા દેવા નહોતી માંગતી….એને સમજાવતી રહી હું… પણ એ તો જીદ લઈને બેઠો હતો…એટલે મારી પાસે એનાથી દૂર થઇ જવા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહિ….

“હા…., એનો જીવ તમારામાં જ હતો…મારી પાસેથી એણે વચન લીધું હતું કે જીવનમાં કોઇપણ પરિસ્થિતિ આવે….તો પણ હું તમારું ધ્યાન રાખીશ….એ મને કહતો…નંદી તને તો ખબર જ છે ને કે જો બી એ ના ઇચ્છ્યું હોત તો કદાચ આપણે સાથે ના હોત.”

“પણ નંદિતાબહેન આજે સવારથી મને એક પ્રશ્ન સતાવ્યા કરે છે કે આપણે તો જીવનમાં ક્યારેય મળ્યા જ નથી તો આજે તમે મને કેવી રીતે ઓળખી ગયા…???

“તમે જે રીતે એને જોતાં હતાં અને એની પાસે થોડીક ક્ષણો થોભી ગયાં અને તમે જે રીતે પ્રયત્નપૂર્વક તમારો ચહેરો ઢાંકી રહ્યા હતા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી…કે આ શ્યેન છે…અને એણે તો મને કહ્યું જ હતું કે મને છેલ્લી વાર જોવા મારી બી જરૂર આવશે….”

“નંદિતાબહેન મારી સ્મૃતિની અરધી ઉઘડેલી બારીની આડશે સંતાયેલો ચહેરો આજે વર્ષો પછી હું જોઈ શકી જેની સાથે મારો એક સંબંધ હતો ….નામ વિનાનો સંબંધ….”

“……………….”

“ના તો એ ચહેરો હું પામી શકી કે નાતો હું પામી શકી એ મારા સંબંધનું મારું પોતીકું નામ…….”

 

XXXXXXXXX

વિજય ઠક્કર

લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૩, ૨૦૧૭

 

મેરા બેટા આયા થા..

ન્ડિયા આવે એક અઠવાડિયું થયું તો પણ જેટ લેગ હજૂ જવાનું નામ લેતો નથી.ઊંઘ તો સાવ વેરણછેરણ થઇ ગઈ છે..!!  અક્ષરધામમાં હું એકલોજ છું. અરે હા અક્ષરધામ એટલે અમદાવાદનું મારું ઘર. રાત તો માંડ પૂરી કરી. સવારના ચાર થયા એટલે ઊઠ્યો બ્રશ કરતા કરતા જ ચા બનાવી. ચાનો મોટો મગ ભરીને બહાર કમ્પાઉન્ડમાં આવીને હીંચકા પર બેસી ગયો. મારી રાહ જોઇને બહાર દરવાજા પાસે બેસી રહેલા બાર્બી અને ડાયના મને જોતાંજ મારા પહેલા હીંચકા પર ચઢી ગયાં. હું હીંચકા ઉપર બેઠો એટલે પહેલાતો મારા ખોળામાં બેસવા બંને લડ્યા અને પછી મારી બાજુમાં બેસી ગયાં. બાર્બી અને ડાયના…બંને મારી બહુજ લાડકી ફીમેલ ડોગ છે. બંને એકાદ મહિનાની ઉંમરના હશે ત્યારે હું લાવેલો. બ્રાઉન કલરની “આયરીશ સેટર” ખૂબ રૂપાળી અને જૂલ્ફાળી હતી એટલે એનું નામ બાર્બી અને આઈવરી કલરની લેબ્રડોર ડાયેના પણ ખૂબ રૂપાળી…એટલે એને ડાયેના નામ અમે આપેલાં. બાર્બી અને ડાયેના બન્ને મને ખૂબ વહાલી હતી અને એમને હું. એવુંજ તો અમારા પોલીનું હતું ને..! પોલી…એ અમારો પેરટ-પોપટ હતો… એને મમ્મી – નયના બહુ વહાલી કારણ એ રોજ એને કિચનમાં જે કાંઈ બને એ નવુંનવું ખવડાવે. આશ્ચર્યની વાત તો એ હતી કે એને ભજિયા અને આઈસક્રીમ બહુ ભાવે. કિચનમાં કશું પણ બનતું હોય અને એને સુગંધ આવતાની સાથે મમ્મી…મમ્મીઈઈઇ….મમ્મા બસ એ રટણ ચાલુ કરી દે…અને જેમ નાનું બાળક જૂદાજૂદા લહેકા કરીને મમ્મીને લાડથી બોલાવે એમ અમારો પોલી પણ મમ્મીને બોલાવે. આ બધાં અમારા પરિવારનો એક એવો હિસ્સો હતાં કે અમેરિકા જતી વખતે એમને અમારાથી જૂદા કરવાનો સમય આવ્યો ત્યારે એ બેજુબાન પણ રડતા હતા અને અમે પણ…! જોકે એ બધાને અત્યંત સુરક્ષિત જગાએ અમે મૂક્યા હતા. બાર્બી-ડાયેનાને તો અમે જ્યારે પણ ઇન્ડિયા આવીએ એટલે અમારી સાથે લઈ આવીએ.

આજે સવારે મારા ગામ ભડકદ જવું છે. આણંદ જિલ્લાનું સાવ નાનકડું અંતરિયાળ ગામ અને ત્યાં અમારા ગ્રામદેવતા છાંયલા મહારાજની દેરીએ બાધા કરવા જવું છે. નાનપણથી બા-દાદાએ  અમારામાં છાંયલા મહારાજ તરફ શ્રધ્ધાનું જબરદસ્ત આરોપણ કરેલું એટલે વર્ષે એકાદવાર તો હું ભડકદ દર્શન કરવા જાઉં.

અર્જુનસિંગને ગાડી લઈને બહુ જલદી બોલાવ્યા છે. છાપું આવવાની હજુ વાર છે. ચા પીતાપીતા અક્ષરધામ સાથેની અને એની સાથે જોડાયેલા લોકોની સ્મૃતિનું ધણ ધસી આવ્યું મારા તરફ. હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં મન પણ સરવા માંડ્યું એ લોકોની સાથે. વિચારુ છું કે આપણા જીવન સાથે જોડાતાં લોકો શું કોઈ ઋણાનુબંધથી જ આવતા હશે..??? કર્મનો કાયદોતો કહે જ છે કે ગયા જન્મની લેણદેણનો હિસાબ આ જન્મે થાય છે. કેટલાક લોકો સંબંધે કાંઈ ના હોય પણ કેટલા નિકટ થઇ જતાં હોય છે તો કેટલાક રક્તથી જોડાયેલા પણ રક્તપિપાસુ બનતાં હોય છે અને ત્યારે થાય છે કે કુદરતના હિસાબોની ચુકવણી તો કરવીજ રહી.

બધાં જ લોકો, પશુપંખી અને માણસો બધાં યાદ આવી ગયા. ગોપાલસિંગ,આસુસિંગ,ઇન્દ્રવદન, હસવંત…શારદા, મણીબહેન….! આ બધાજ લોકો એમના મારા પ્રત્યેના ભાવ, આદર અને લાગણીથી મને તરબતર કરી ગયાં છે, ભીંજવી ગયાં છે. સાવ નીચલા વર્ગના અને સમાજની દ્રષ્ટીએ કહેવાતી નીચી જાતિના છે પણ મારા માટે એ મારા પરિવારના સદસ્ય છે. એ લોકો તદ્દન નિસ્વાર્થપણે કોઇપણ અપેક્ષા વગર સતત મારી પડખે ઉભા રહ્યા છે…મારી સેવા કરી છે. વર્ષ ૨૦૦૬મા હું જ્યારે મૃત્યુના દરવાજે દસ્તક દેતો ઉભો હતો ત્યારે એ લોકોએ એમની જેમાં શ્રદ્ધા હતી એ દેવ- દેવીને આજીજી કરી…પ્રાર્થના કરી…ઇબાદત કરી. ગોપાલસિંગે તો રાત-દિવસ જોયા વગર મારી ખૂબ સેવા કરી અને એમની સાથે  લેણદેણેય કેવી..! હું અમેરિકા કાયમ માટે ગયો અને એના છ-આઠ મહિનામાંજ ગોપાલસિંગ અવસાન પામ્યા.

આસુસિંગ અમારા માળી અને અક્ષરધામનો બગીચો સંભાળે. વર્ષો સુધી અમારી સાથે રહ્યા પછી એ દેશમાં-રાજસ્થાન જતા રહ્યા. બે-ત્રણ વર્ષ પછી એક દિવસ અચાનક વહેલી સવારે અક્ષરધામ આવ્યા અને મને જોઇને એમને હાશ થઇ. મારા માથે અને ચહેરાપર હાથ ફેરવ્યો અને ખાતરી કરી કે એ સપનું તો નથી જોતાને…! રસોડામાં જઈ બે-ત્રણ ગ્લાસ પાણી પી આવ્યા. આ એ સમય હતો જ્યારે મારી હાર્ટ સર્જરી પછી હું હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. આમ સાવ અચાનક આવવાનું મેં કારણ પૂછ્યું તો એમની આંખો ભરાઈ આવી અને કહે: “સાહેબ બે દિવસ પહેલા મને મારા “ભેરુ બાબા” સપનામાં આવ્યા અને કહ્યું તારા સાહેબ મુશ્કેલીમાં છે એટલે હું તો રાતની બસ પકડીને આવી ગયો. બસ હવે તમને જોયા એટલે મને શાંતિ થઇ. મારા ભેરુબાબાએ મને તમને મળવા મોકલ્યો સાહેબ.” ભેરુબાબા એટલે કાલ ભૈરવ અને આસુસિંગ ભૈરવના ચુસ્ત ઉપાસક હતા.

ઇન્દ્રવદન અને હસવંત એ  હરીજન પરિવારના બાપ-દીકરો આવતા જન્મે મારા દીકરા થઈને જન્મે તો નવાઈ નહિ. ઇન્દ્રવદન મારો પ્યૂન હતો અને મારી આંખ ફરે અને ઇન્દ્ર્વદનના પગ ફરે. એને ખબર હોય કે સાહેબને ક્યારે અને શું જોઇશે. મારી તમામ આદતોથી, વ્યસનોથી અને વ્યવહારોથી એ વાકેફ. મારું પ્રમોશન થયું અને ટ્રાન્સ્ફર થઇ અને થોડાં વર્ષો મારાથી દૂર થયો બસ એની જીવનની એ કરુણતા કે એ દારૂની લતે ચડી ગયો અને મરી ગયો પણ એનો દીકરો હસવંતતો નાનપણથી જ અમારી સાથે અક્ષરધામમાં જ ઉછેર્યો અને આજે પણ અમને પપ્પા-મમ્મીજ કહે છે. અક્ષરધામનું અંગત ખાનગી બધું એને ખબર હોય.

****                        ****                             ****

એક્ષપ્રેસ હાઈવે પર ગાડી ૧૨૦ કિમી ની ઝડપે દોડી રહી છે અને મન એનાથીયે વધારે ગતિથી ભાગી રહ્યું છે મારા ગામ ભણી. ભડક્દની હદમાં પ્રવેશતાં આવેલું તળાવ અને એના સામે પશ્ચિમ કાંઠે આવેલું મહાદેવનું બહુ જૂનું મંદિર. હું અને જમનાગીરી ત્યાં રોજ સાંજે આરતી કરવા જતા. જમનાગીરી મારો બાળપણનો દોસ્ત અને એના બાપુ પુજારી હતા એટલે ગામના બંને મહાદેવની પૂજા આરતી એ કરતા. તળાવના કાંઠે આવેલું પીલુડીનું ઝાડ અને એ ઝાડ પર ચડીને તળાવમાં ભૂસકા માર્યાનું યાદ આવ્યું. બા કપડાં ધોવા તળાવે જાય ત્યારે હું અને મારા ભાઈબંધ અચૂક એમની સાથે જતા અને મન ભરીને ધુબાકા મારતા ખૂબ મસ્તી કરતા… આજે એ વાત વિચારતાં પણ કંપારી છૂટે છે પણ મને યાદ છે એક બાજુ ગામના ઢોર નહાય અને એની બાજુમાં અમે પણ નહાતા. એક નોસ્ટેલજીક અનુભૂતિ થાય છે… એ ૫૦ વર્ષ પહેલાની મસ્તી અને તોફાન અને બધું યાદ આવતાં.

મારું ગામ સુવિધાઓ વગરનું સાવ અવિકસિત. ઓછું શિક્ષણ પણ પ્રેમાળ લોકોથી ભરેલું જ્યાં બે કૂવા, એક તળાવ, બે મહાદેવના મંદિર, એક રામજી મંદિર, એક સ્વામીનારાયણ મંદિર, વડના ઘટાદાર સાત આઠ ઝાડ છે અને એમાંય ગામની દખણાદી ભાગોળે આવેલો રામો ડુઓ વિશાળ વડનું ઝાડ, એક લાઇબ્રેરી છે અલ્પ પુસ્તકો સાથેની, એક પ્રાથમિક નિશાળ છે અને હવે તો હાઈસ્કૂલ પણ છે. એક સાર્વજનિક દવાખાનું છે.

ભાથીખતરીનું દેરું, છાંયલા મહારાજની દેરી, ગાંડા દેહઈની મેલડી માતાનો મઢ છે. ઓતરાદી ભાગોળે જતાં ચબૂતરો અને એની સામે પંચાયતનું મકાન છે, અહીં પોસ્ટ ઓફીસ છે, પુનમકાકા પોસ્ટ ઓફીસ સંભાળે છે. રમણ દેહઈનું બીડીનું કારખાનુંય અને ચતુરકાકાની દરજીની દુકાન પણ છે. આ ગામમાં ધારાળા અને પાટીદારોની વસતી વધારે, પાંચ-છ ઠક્કરોનાં ઘર બે-ચાર બ્રાહ્મણનાં ઘરો, દસ-બાર હરિજનના અને દસેક મુસલમાનોનાં ઘર.

અર્જુનસિંગે ગાડી ટોલનાકા પાસે ઉભી રાખી ત્યારે હું અચાનક ભડક્દથી અહીં ટોલનાકે આવી ગયો… ટોલટેકસ ચૂકવીને ગાડી દોડવા માંડી સડસડાટ અને મારું મન પણ ફરી પાછું ગામ સાથે જોડાયું. મારા દોસ્તો જમનાગીરી, અરવિંદો અને નટુ વાળંદ, મફો રબારી, લીલીફોઈનો કનુ, શકરાકાકા ની મધલી અને પુષ્પી, પુંડરીક બ્હામણ, દીનો(મારો કાકો થાય), હર્શદીયો, ડગડી અને લલી એ બેય મારાથી ઉંમરમાં બહુ નાની પણ મારી કુટુંબી ફોઈ થાય. આ ગામમાં કાશી ગટ્ટી અને નાકકટ્ટી ડોશી હતી.. એકાવાળા ઈસ્માઈલકાકા અને સુબાકાકા અને જેમણે મને લાગણીથી બહુ ભીંજવ્યો છે એ મારા જહાંગીરકાકા પણ છે.

ભાગોળમાં ગાડી પ્રવેશી અને સીધા છાંયલા મહારાજની દેરીએ ગયા… દર્શન અને બાધાનું કામ આટોપી ગામમાં એક ચક્કર મારીને ત્યાંથી અમદાવાદ જવા નીકળી જઈશ એમ વિચાર્યું. ગામમાં હવે અમારું ન તો ઘર હતું કે ના કોઈ સગુંવહાલું પણ કેટલાંક જૂના લોકો હતા જે પરિવારો સાથે હજુ સંબંધ જળવાઈ રહેલો. અર્જુનસિંગને ગાડી ગામમાં લેવા જણાવ્યું….ગામનાં એકેએક ઘર…રસ્તા…. ઝાડ-પાન, ખડકી-મહોલ્લા, મંદિર-મહાદેવ, આવનજાવન કરતા લોકો ઘણું બધું બદલાયેલું નજર આવ્યું પણ હું મારા એ ભડકદમાં મારું બચપણ શોધતો રહ્યો..મારા એ દોસ્તો ને શોધતો રહ્યો.. મારા કાનમાં અચાનક મહાદેવમાં થતી આરતીનો ઘંટારવ અને ભોળીભાળી જબાનમાં ગ્રામજનો દ્વારા કર્કશ અવાજમાં થતી આરતીનો નાદ સંભળાયો. ગાડી રોકાવી. બરોબર ગામના ચૌટામાં જ ઠક્કરની ખડકી અને ગામના મુખ્ય રસ્તા પરજ  દાદાજીની દુકાન અને અમારું ઘર દેખાયું…. અને એ સાથે સ્મૃતિનું આખેઆખું ધણ મારું શૈશવ લઈને આવી પહોંચ્યું.

દાદા અંબાલાલ શેઠનો ગામમાં વટ-આબરૂ જોરદાર. નગરશેઠ કહેવાય. આજુબાજુના દસ-બાર ગામોમાં દાદાનો વેપાર વિસ્તરેલો અને બધાજ ગામોમાં અંબાલાલ શેઠનો મોભોજ આગવો અને એમના મોભાને લઈને અમારોય ગામમાં ખૂબ વટ. મંદિર-મહાદેવ, સાર્વજનિક દવાખાનું, ચબૂતરો આ બધાનો વહીવટ એમના હસ્તક. ગામમાં કોઈ પણ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમનો અવાજ મુખ્ય હોય.

અમે અમદાવાદ રહીએ એટલે વેકેશનમાં જવાનું થાય અને પાછું વધારેતો હું જ જાઉં. એકાદ બે વર્ષે અમે બધા ભાઈઓને લઈને જયા (હવે અમે એને મમ્મી કે જીમી કહીએ છીએ) ભડકદ જાય ત્યારે દાદા અમને સ્ટેશનથી લેવા એકો મોકલે. નડિયાદથી ભાદરણવાળી નાની ગાડીમાં દેવાના પાટિયે ઉતરવાનું અને ત્યાંથી એકાદ ગાઉ દુર અમારું ભડકદ ગામ. ઈસ્માઈલકાકા એકો લઈને અમને લેવા આવે. મમ્મીને બધા જયાભાભી કહે અને આમન્યા પણ ખૂબ રાખે. બસ અમારું આગમન થયાની જાણ થતાંજ ગામલોકો વારાફરતી મળવા આવી જાય. જહાંગીરકાકાને તો અગાઉથી  જ ખબર પડી ગઈ હોય કારણ કે બા એ એમને પહેલેથીજ મમ્મીની મદદમાં રોકી લીધા હોય. પાણી ભરવા કુવે જવું પડે. આઘું ઓઢીને અને માથે બેડાં મુકીને ગામ વચ્ચેથી પાણી ભરીને આવવાનું. મમ્મીની ઉંમર નાની અને બેડાં માથે ઊંચકવાની પ્રેક્ટીસ નહિ એટલે એક વખત ગામ વચ્ચેજ બેડું પડી ગયેલું અને બસ ત્યારથી જહાંગીરકાકાએ પાણી ભરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધેલી.

“ શમુકાચીઈ….(શમુકાકી) ભૈશા’બ આ ભાભીને પોણી ભરવા શું કોમ મોકલો સો… ઉં છું નઅઅ…ઉં ભરી લાયે પોણી…પણ ભૈશાબ આ બચારી નોની બાર ભાભીને કુએ ના મોકલશો”  ત્યારથી અમે જઈએ ત્યારે પાણી ભરવાનું કામ જહાંગીરકાકાનું. અમારા દસ-પંદર દિવસના કે એકાદ મહિનાના રોકાણ દરમ્યાન જહાંગીરકાકા અમારી સેવામાં હોય. ક્યારેક શાકપાંદડું લઈ આવે અને બા ને કહે…” શમુકાચીઈઈઈ… લ્યો બર્યું ઉં આ તુવરની શેંગો અન પાપડી લાયો સુ તે આ શોકરાંઓન ભૈડકું કરી આલજો….” અમને બધાને જોઇને ખૂબ પ્રેમાળ જહાંગીરકાકાનો હરખ ના માય. સતત એમને એમજ થાય કે હું આ બધા માટે શું કરું? વળી પાછા બે-ચાર દિવસ થાય એટલે મોટી પવાલી ભરીને દૂધ લઈ આવે અને એમના વિલંબિત લય અને આગવા લહેકામાં બાને કહે “ શમુકાચીઈઈઈ આ શોકરાંઓન બચારોંનઅ અમદા’દમોં ચ્યો દૂદપાક ખાવાનો મલવાનો તે લ્યો બર્યું મું આ દૂદ લાયો શુ તે ઓમને દૂદપાક કરી આલજો..” આવે એટલે બાની જોડે બેસે ગામની બધી વાતો કરે અને બાની છીંકણીની ડબ્બીમાંથી મોટી ચપટી ભરીને બેય બાજુ વારાફરતી છીકણી ચઢાવી દે..

એમની વિશિષ્ટ વેશભૂષા અને એમનો દેખાવ, એમની ચાલ, એમનો અવાજ અને એમનો બોલવાનો લહેકો તદ્દન સ્ત્રૈણ… દાદાની દુકાને થી પટાવાળું ભૂરું કે કથ્થઈ રંગનું કાપડ ખરીદે અને એક કાપડમાંથી લેંઘો અને સેન્ડો બંડી ચતુરકાકા પાસે સિવડાવે. વાળ પાછળથી લાંબા રાખે. એમની આ મનોશારીરિક અવસ્થાને કારણે એ ગામમાં બહુ લોકો જોડે ભળે નહીં. બા-દાદા એમને બહુજ સાચવે એટલે  જહાંગીરકાકાને પણ એમના પર બહુ ભરોસો. બાને એ ક્યારેક શમુકાચી કહે તો ક્યારેક બા કહીને બોલાવે અને દાદાને તો એ હંમેશાં બાપુ જ કહે.

હું કુટુંબમાં સૌથી પહેલું સંતાન એટલે સૌનો લાડકો. બા એ મારા જન્મ પહેલા બાધા રાખેલી અને મને ભીખારી કરેલો એટલે ગામમાં મારું નામ ભીખો-ભીખલો કે ભીખા શેઠ. જેવી જેની મારી સાથેની આત્મીયતા-લગાવ કે અંતર અને એ પ્રમાણે મને સૌ સંબોધન કરે. નાનપણમાં આપડે બહુ તોફાની અને દાદા બહુ ગુસ્સાવાળા એટલે ક્યારેક દાદા ચીડાય એટલે નેતરની સોટી લઈને મારવા દોડે… મોટેભાગેતો હું એમના હાથમા ના આવું…. સીધો પહોંચી જાઉં જહાંગીરકાકાના શરણમાં. બસ પછી કોઈની તાકાત છે કે મને હાથ અડાડે…!! દાદાનો સામનો એ મક્કમતાથી કરે.. “ ઓવઅઅઅ… શેના મારવા દોડ્યા સો…..????? ના…ના આથ અડાડ્યો સ તો પશે તમારી વાત તમે જોણજો હા… ઓવ મોટા નેકળી પડ્યાશ શોકરાન બચારાન મારવા… મારા હમ છ જો અમાર ભીખાશેઠને આથેય અડાડ્યો સ તો..”

દાદાને ધરાહાર પાછા વળવુંજ પડે…

આવી નાનીનાની અનેક ઘટનાઓ મારા બાળમાનસ પર અંકિત થઇ ગયેલી જે અત્યારે મન:તલ પર ઉભરી આવી.

એક વખત દાદા વેકેશનમાં મને લઈ ગયેલા અને હું બહુ માંદો પડ્યો… તાવ ઉતારવાનું નામ જ ના લે.ગામમાં એકજ ડૉક્ટર અને એમની દવા ઉપરાંત ઘરના ઉપાયો અને શમુબાની બાધા-આખડી પણ તોયે કોઈ અસર ના થાય. જહાંગીરકાકાને ખબર પડી અને આવ્યા ઘરે… દિવસ-રાત મારી જોડે બેસી રહે…. અને પછી ધીમેધીમે તાવ ઉતરવા માંડ્યો. પછી એમણે કહ્યું કે આ મો’રમે ભીખાને તાબૂતના દીદાર કરએશ… ભડકદમા બહુ થોડા ઘર હોવા છતાં મોહરમે તાબૂત નીકાળતા અને યાદ આવે છે મને કે તાબૂતના દીદાર કરવા લઈ ગયેલા ત્યારે હું બહુ ડરી ગયેલો.

****                     ****                     ****

અર્જુનસિંગ સમજી ગયેલા કે હું મારા બાળપણની સ્મૃતિમાં ખોવાયો છું પણ ખાસો એવો સમય થઇ ગયો એટલે એમણે મને પાણી આપ્યું…. મારી તંદ્રા તૂટી, હું એ નોસ્ટેલ્જીયામાં થી બહાર આવ્યો. કોઈકે જમનાગીરીને સંદેશો આપ્યો એટલે એ મને મળવા દોડી આવ્યો. મને એના ઘરે લઈ જવાના એના આગ્રહને મેં ખાળ્યો અને મહાદેવના ઓટલે જઈને બેઠા. એકદમ ઠંડક હતી અને હું એ બધી સ્મૃતિની અનુભૂતિ કરવા માંગતો હતો. બહુ વાતો કરી. જહાંગીરકાકાનું નામ લેતાંજ એણે કહ્યું:

“હવે જ્હોંગીરો ગામમાં બહુ બહાર નથી નીકળતો.”

“કેમ ??”

“એની મનોશારીરિક પરિસ્થિતિને કારણે હવેના છોકરાઓ એને બહુ હેરાન કરે છે.”

ગામમાં એમને નાનામોટા બધા જ્હોંગીરો કહીનેજ બોલાવે છે. બહુ દુઃખ થયું એ સાંભળીને….હવે મારું મન અધીરિયું થઇ ગયું એમને મળવા. અમે બંને ચાલતાં ચાલતાં નીકળ્યા અને અર્જુનસિંગ  ગાડી લઈને જહાંગીરકાકાના મહોલ્લા તરફ આવ્યા. અમે એમના ઘેર પહોંચ્યા અને હું તો આભોજ બની ગયો. એકદમ વૃદ્ધ સફેદ લેંઘો એકદમ પહોળી મોરીનો અને ઉપર બદામી રંગનું શર્ટ પહેરેલું. ઢીચણ સુધી લેંઘો ઉપર ચડાવેલો અને ઉભડક બેઠેલા. ચૂલા પર રોટલા કરતા હતા અને બાજુમાં દીવેટોવાળા પ્રાયમસ પર શાક મુકેલું. ઓશરીમાં ચૂલો હતો અને બહાર મહોલ્લામાં એમની પીઠ દેખાતી હતી. મારા મનમાં જે જહાંગીરકાકાનું ચિત્ર હતું એતો સાવ ઊલટું થઇ ગયેલું….મારું બાળપણ જે જહાંગીરકાકા જોડે વીતેલું એ જહાંગીરકાકા તો ક્યાંય દેખાતા ન હતા. હું તો દુવિધામાં હતો અને એમને ઓળખીજ ના શક્યો. જમનાગીરીએ મને કહ્યું:  “સામે ચૂલા પાસે રોટલા બનાવે છે એ જ છે તારા જહાંગીરકાકા”. હું થોડો નજીક ગયો અને પાછળથી બુમ પાડી.

“ જહાંગીરકાકા ….!!!” એમણે કદાચ સાંભળ્યું નહીં અથવા આ સંબોધન સાંભળવાની ટેવ એમના કાન ને છૂટી ગઈ હતી. મેં ફરી જરા જોરથી બુમ પાડી. “ જહાંગીરકાકા…!!”

એ ઉભડક  બેઠાબેઠા જ પાછળ ફર્યા. “ કોન હૈ બેટાઆઆઆઅ” એજ એમનો પાતળો અવાજ અને વિલંબિત લય…. મને આગંતુકને જોઇને જહાંગીરકાકા એકદમ ઉભા થઇ ગયા… અને પાછું યાદ આવતાં વાંકા વળી ને રોટલો કલાડીમાં ઉલટાવ્યો અને શાકનો પ્રાયમસ ધીમો કર્યો અને તાવડીમાં શાક હલાવ્યું. બાજુમાં ડોલમાંથી સહેજ છાલક મારી હાથ ધોયા અને શર્ટની કોરથી હાથ લૂછ્યા….અને ફરી પૂછ્યું “ કોણ હૈ બેટાઆઆ..”

“જહાંગીરકાકા મને ના ઓળખ્યો…?”

“ ના બેટા હાચુ… નઈ પે’ચાણા… અન અવ આ ઓંસ્યોય ઓછુ ભાળ સ..”

‘ જહાંગીરકાકા હું ભીખો.. ..”

“ ભીખો ….???”

“ હા હું ભીખો….અંબાલાલકાકાનો …મધુભઈનો છોકરો અમદાવાદથી આયો… આ બધા સંદર્ભોથી એકદમ ઓળખી ગયા અને એ પછીની એમની પરિસ્થિતિ અને મારી પરિસ્થિતિનો અનુભવ એ મારા જીવનની સૌથી વધારે આનંદમીશ્રીત દુઃખની ઘડી હતી.

“ ભીખા…બેટાઆ… તું ચ્યોથી અત્તારઅઅ…!!!”

મેં મારું ભડકદ જવાનું કારણ કહ્યું.. જહાંગીરકાકા તો એવા રઘવાયા થઇ ગયા જાણે એમને થતું હતું કે શું કરું…? પાણી લેવા ગયા અને પાછા વળીને આવ્યા અને ખાટલો પાથર્યો. સુતરનું વા’ણ ભરેલો ખાટલો જેમાં ઠેર ઠેરથી દોરીઓ ખસી ગયેલી અને એના ઉપર એમણે ડામચિયા પરથી ગોદડી લાવીને પાથરવા માંડી. ગોદડીની હાલત ખાટલા જેવીજ હતી. ગાભામાંથી બનાવેલી કાણા પડેલી મેલીઘેલી ગોદડી પાથરતા એ સંકોચાતા હતા એટલે મેં એમને કહ્યું.. “ જહાંગીરકાકા રહેવા દો હું અહીં નીચે બેસું છું” પણ એમને ખરાબ લાગશે એમ લાગ્યું એટલે હું એ કહે એમ કરતો રહ્યો.  ઘરમાં ખાસ કશોજ સામાન દેખાતો નહતો. અમે ઓશરીમાં બેઠા હતા અને અંદર એક ઓરડો હતો. એમણે તો વાતો કરવા માંડી અને રડવા માંડ્યું કારણ એમના માટે એ ઘટનાજ એટલી આશ્ચર્યજનક હતી કે એમને કોઈ મળવા આવે કે એમની ખબર જોવા આવે. જીવનભરના લોકોના ઉપહાસ અને ઉપેક્ષાએ એમને અત્યંત સંકોચી કાઢ્યા હતા. મારી બરોબર અને અડોઅડ એ બેઠા હતા. મારા માથા પર અને મારા ચહેરા પર એ હાથ ફેરવતા જાય અને ચોધાર આંસુએ એ રડતા જાય. “ મેરા બેટા… મારો ભીખો.. મારા દીકરા તું મારી ખબર લેવા આયો બેટાઅ….” આ પ્રેમની અનુભૂતિ એ જીવનની સર્વોત્તમ ક્ષણ હતી… અને એમના આંસુ અને એમનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને ગમે એવા પથ્થર દિલ ઇન્સાનની આંખો પણ કોરી ના રહી શકે. પછી તો એમને બા-દાદા સાથેના એમના જીવનમાં બનેલા પ્રસંગો યાદ કરવા માંડ્યા અને કહેતા કહતા રડવા માંડ્યા.

“ મારી બા અન મારા બાપુ ન ઉ બઉ વા’લો અતો ભીખા..!” હવે એમણે દાદા અને બા ને મારી બા અને મારા બાપુ થી સંબોધવા માંડ્યા.

“ બેટા ઉ તો બઉ એકલો થઇ જ્યો. મારી બા અન મારા બાપુ મન અંઇ મેલી અન અમદા’દ જતા રયા… પસ તો કુણ મારું..?? મારી બા મારી બઉ કારજી કરતી ‘તી. એક દાડો મન બઉ તાવ ચડ્યો અન ઉભોય ના થઇ હકુ તે મારા હાતર ખીચડી અન દૂદ લઈ ન આઈ મારી બા… મન ખવરાયુ અન પસે દાક્તર પોહેથી મારા હાતર દવા લઈ આઈ. મન દવા પઈ અન ચોંય હુધી મારી પડખે બેહી રઇ અન મારા માથ પોણીનાં પોતા મેલ્યા. મારી બાન ઘેર જત મોડું થ્યુ તે મારા બાપુય પાસર હોધતા હોધતા આઈ ચડ્યા અન પસઅઅ એય મારી પોહે બેઠા…” એટલું બોલતા બોલતા તો નાના બાળકની જેમ રડી પડ્યા… હું એમની બાજુમાં જ બેઠેલો પણ એમના ખભે હાથ મૂકી એમને આશ્વાસન આપવા જેટલી ના તો મારી હિમ્મત હતી કે નાતો મારી પરિસ્થિતિ કારણ હું પણ મારા આંસુ ને ન હતો ખાળી શકતો. એમની પાસે હું એકાદ બે કલાક બેઠો હોઈશ પણ એમાંની એકાદ બે ઘડી જ એવી હશે કે જ્યારે એ રડ્યા ના હોય.

ફળિયામાં એ વારંવાર નજર દોડાવતા હતા અને એટલામાંજ એક નાનકડો છોકરો દેખાયો અને એમણે બુમ પાડી “ ઇમરાન ઓ બેટા ઇમરાન ઇધર આતો બેટા…જા તો મેરે બચ્ચે દેખ મેં’માન કે વાસ્તે શોડા લીયા….” મારામાં કંઇજ નથી પીવું એવું કહેવાની હિમ્મત ન હતી. અનિચ્છાએ પણ હું સોડા ગટગટાવી ગયો. ક્યાંય સુધી વાતો કરી – સાંભળી અને પછી મેં ઇજાજત માંગી…” જહાંગીરકાકા… હું જઉં…?”

“ જઈશ બેટા…. અવ ચાણે પાછો આયેશ….?? દેખ બેટા અવ તો મલાય કે નાય મલાય… મુંય અવ ઘૈડો થઇ જ્યો તે પશ અવ તો કોંય કેવાય નઈ બેટા…”

એમની ઇજાજત લઈને હું ત્યાંથી નીકળ્યો અને ત્યારે જોયેલા એમની આંખોનાં આંસુ … એમનો આવજો કહેવા ઉંચો થયેલો હાથ….એમનો નિરાશ ચહેરો….અને મોઢામાંથી નીકળેલો એ “ આવજે બેટા..”નો અવાજ હું ક્યારેય નહિ ભૂલી શકું…તો એનો પડઘો તો હું કેમ કરીને પાડી શકવાનો ????

મહોલ્લામાંથી હું ડાબી બાજુએ વળ્યો ને મારી પીઠ દેખાતી બંધ થઇ ત્યારે પણ ઊંચા અવાજે એમના મહોલ્લામાં લોકોને સંબોધીને બોલાયેલા શબ્દો હજુ મારા કાનમાં પડઘાયા કરે છે.

“ મેરા બેટા થા….મેરા ભીખા….. અંબાલાલ શેઠ કા…. મેરી બા કા લડકા થા…મેરેકુ દેખને વાસ્તે આયા થા… મેરા ભીખા આયા થા….”

***********

વિજય ઠક્કર

ડિસેમ્બર ૨૭, ૨૦૧૬

રાતના ૨.૪૫ વાગે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રુદ્રવીણાના સુરસંગાથી….. સરદા

             

ધ્ય ગુજરાતની ચરોતરની સોનવર્ણી ધરાએ ૧૮૭૫ની ૩૧મી ઓક્ટોબરે એક સપૂતને જન્મ આપ્યો …. જીલ્લાના નડીયાદની કસદાર ભૂમિએ એની ગોદમા એક વજ્ર જેવું મનોબળ ધરાવતું એક પુષ્પ ખીલવ્યું અને તેજ વલ્લભ..

પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈનાં પાંચ પુત્રોમાંનો ચોથો પુત્ર તે વલ્લભ

પ્રાથમિક શિક્ષણ કરમસદમાં, અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં મેળવ્યું .

૧૮મા વર્ષે ઝવેરબા સાથે લગ્ન થયું.

૨૨માં વર્ષે ૧૮૯૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી.. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા પાસ કરી વકીલાત કરાતી અને વલ્લભભાઈ પણ એજ રીતે થઇ ગયા પ્લીડર અને ઝુકાવ્યું મિજાજને અનુકૂળ તેવા સ્વતંત્ર વ્યવસાયમાં. પહેલા ગોધરા અને પછી બોરસદ કોર્ટમાં વકીલાતની કારકિર્દી શરૂ કરી અને અન્યાય સામે લડનાર એક કાબેલ પ્લીડર તરીકે ધીમેધીમે નામના પ્રાપ્ત કરી. વલ્લભભાઈ જ્યારે પણ બચાવપક્ષે હોય ત્યારે ભલભલા ન્યાયાધીશો પણ સાબદા થઇ જતા. પ્લીડર બન્યા પછી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ જવાની તીવ્ર મહેચ્છા હતી અને તે માટેની તૈયારીઓ પણ કરી દીધી હતીપરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈની બેરિસ્ટરનો અભ્યાસ કરવા જવાની  ઇચ્છાને શિરોમાન્ય ગણીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ( વી.ઝેડ પટેલ)ના એડમીશન લેટર પર વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ (વી.ઝેડ.પટેલ)ને  વિલાયત જવા દીધા..

૧૯૦૯ની ૧૧મી જાન્યુઆરીના  દિવસે ચાલુ કોર્ટે તાર દ્વારા પત્ની ઝવેરબાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે સેહજ પણ વિચલિત થયા વિના સ્વસ્થતાથી  કેસ લડવાનું ચાલુ રાખ્યુંવિઠ્ઠલભાઈના બેરિસ્ટર થઈને આવ્યા પછી ઝવેરબાનાં અવસાનને કારણે વલ્લભભાઇનું ઇન્ગ્લેંડ જવાનું એક વર્ષ ઠેલાયું.

૧૯૧૦ના ઓગસ્ટ માસમાં બંને બાળકોને વિઠ્ઠલભાઈ અને દીવાળીભાભી પાસે મુકીને વલ્લભભાઈ મિડલ ટેમ્પલ યુનિવર્સિટીમાં બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ દોઢજ વર્ષમાં પ્રથમ નંબરે ઇનામ જીતી પૂર્ણ કર્યો અને ૧૯૧૩નાં ફેબ્રુઆરી માસથી  બેરિસ્ટર વલ્લભભાઈએ અમદાવાદની કોર્ટમાં ફોજદારી વકીલ તરીકે કારકિર્દી શરુ કરી. માવલંકરનો પ્રસ્તાવ અને શેઠ કસ્તુરભાઈ અને રમણભાઈ નીલકંઠ જેવા વિચક્ષણ પુરુષોની નજરે  આ કોહીનુર પરખાઈ ગયો..અને વલ્લભભાઈને જાહેરજીવનમાં આવવા માટે સંમત કરી શક્યા. કોર્પોરેશનમાં જોડાઈને લોકોનું ભલું કરવાની તક તેમના જીવનમાં આવી પડી.

જોકે વલ્લભભાઈ ત્યારે ગાંધીજીના પ્રભાવમાં નહતા અને ક્યારેક ઠઠ્ઠો પણ કરતા. ગાંધી માટે તેઓ કટાક્ષમાં કહેતા આપણા દેશમાં મહાત્માઓનો પાર નથી. બ્રહ્નચર્ય અને સંડાસ સાફ કરવાની વાતોથી કે પોત્તડી પહેરી  લેવાથી આઝાદી મળી જતી હશે …?

હા, પ્રસિદ્ધી જરૂર મલી  જાય.”

વકિલમંડળમાં તેઓ નિડર અને કૂનેહબાજ તરીકે પંકાઈ ચૂક્યા હતા.એ સમયે વકીલો સૌથી વધુ રાજકીય પ્રવૃત્તિઓમાં પડેલા હતા અને એ નાતે પ્રણાલિકા મુજબ ૧૯૧૫માં ગુજરાત સભાના સભ્ય બન્યા.

.. ૧૯૧૭ના અરસામાં અમદાવાદમાં માથાભારે, ઘમંડી , જોહૂકમી અને ભ્રષ્ટાચારી મ્યુનિસિપલ કમિશનર જે ..શિલડીએ તંત્રમાં અસંતોષ અને ફફડાટ ફેલાવી મુકેલો. તેની સામે બાથ ભીડવવા નિડર,સ્વમાની અને અન્યાય સામે લડનાર કાનૂની કારીગરની જરૂર હતી. સૌએ એક અવાજે વલ્લભભાઈની પસંદગી કરી અને તેમને અમદાવાદના કોર્પોરેટર તરીકે ચૂંટી કાઢ્યા. બસ વલ્લભભાઈના જાહેર જીવનની અહીંથી શરૂઆત થઇ.

 

તેમણે કમિશ્નર શિલડીને અનેક રીતે પાઠ ભણાવ્યો, પછડાટ આપી અને છેવટે વહીવટી ગુનામાં ઝડપી ભારતમાં પહેલી જ વાર એક બ્રિટીશ આઈ.સી.એસ. અધિકારીને સરકારી પદેથી દૂર કરાવ્યો અને વલ્લભભાઈએ આમ તેમની વહીવટી કાબેલિયત પુરવાર કરી દીધી.

 

દરમ્યાન ૧૯૧૭માં ગુજરાત સભાની પ્રાંતિક સમિતિની બેઠક ગોધરામાં યોજાઈ અને તે સમયે ગાંધીજી ચંપારણના ગળીના ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા હતા. ગોધરાની બેઠકમાં વળી વેઠપ્રથા નાબૂદ કરવા માટેની ગાંધીજીની જાહેરાતથી વલ્લભભાઈ ગાંધીજી તરફ આકર્ષાયા કારણકે બ્રિટીશરોની ગુલામીરૂપ આ વેઠીયાપ્રથા વલ્લભભાઈને પણ ખૂંચતી હતી. વલ્લભભાઈએ પ્રાંતિક સમિતિનું મન્ત્રીપદ સ્વીકારી, કલેકટર પ્રેટને પત્ર લખી વેઠિયાપ્રથા બંધ કરાવી. સ્વરાજ્યપ્રાપ્તિની સેનામાં જોડાવા ગાંધીજીએ  અન્ય કાર્યકરોની જેમ વલ્લભભાઈને પણ ટહેલ નાંખીકે હવે વેળાવેળાનાં પંખીઓને બદલે પૂર્ણ સમયના કાર્યકરો જોઇશે..આપ પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાઈ જાવ.

 

વલ્લભભાઈ માટે આ કસોટીનો કાળ હતો…. જાણે ત્રિભેટે આવીને ઉભા હતાએક બાજુ વિઠ્ઠલભાઈ પુન: લગ્ન માટે દબાણ કરતા હતા અને બીજીબાજુ  માવલંકરનાં પ્રયત્નોથી તેઓ  ગાંધીજીના સમ્પર્કમાં આવ્યા અને સેવાપ્રવૃત્તિઓમાં જોતરાયા..ખુબજ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહ્યા હતા. ખુબ ગડમથલ ચાલતી હતી .. વલ્લભભાઈ વિચારતા ઈશ્વર પણ કેવી કસોટી કરે છે આપણી..? એકબાજુ દેશની સેવા કરવી છે તો બીજીબાજુ સાંસારિક જવાબદારી છેએકબાજુ લાખ્ખો ખેડૂતોમારા બાંધવોનું હિત છે અને બીજીબાજુ મારા નમાયાં સંતાનો છે.. ખેડા જીલ્લામાં  અન્યાયી જમીન મહેસૂલનો સામનો કરવાની લડત માટે ગાંધીજી જેવા મહાત્માએ મારામાં વિશ્વાસ મૂક્યો છેએકબાજુ મારી ફરજ છે તો બીજીબાજુ મારું કર્તવ્ય છેહવે તો આ પાર કે પેલે પાર  નિર્ણય કરવોજ પડશે ગાંધીજી દેશબન્ધુઓના હિતમાં છેક બિહારમાં ચંપારણ સુધી દોડી ગયા છે જ્યારે હું મારા સ્વાર્થ ખાતર મારી લાગણીઓ ખાતર ઘરના ખૂણામાં ભરાઈ જાઉં..? નાં હવે કોઈજ અવઢવ નહિ.. હું મહાત્મા ગાંધીના દેશસેવાના આ યજ્ઞમાં આહુતિ આપીશજોડાઇશજ

આ હતો વલ્લભભાઇના જીવનનો ટર્નીંગ પોઈન્ટનિર્ણાયક તબક્કો..

બસ આ ચરોતરનો પાટીદાર જોડાઈ ગયો ગાંધીની સેનામાં

ગાંધીજીની ખાદી સાથે મેળ બેસાડવા વલ્લભભાઈએ બેરીસ્ટરીનો વિલાયતી પોશાક ત્યજી દીધો બસ હવેતો ખાદીનો જભ્ભો અને ધોતીજ નિર્ણય થઇ ચુક્યો…..વલ્લભભાઈએ દ્રઢ સંકલ્પ કર્યો..” આ જીવ હવે મારા દેશબાંધવો કાજે મારા ખેડુતભાઈઓ માટેગરીબ લાચાર લોકો માટેજીવનની ક્ષણેક્ષણ રાષ્ટ્રહિતમાં ખર્ચાશેસ્વાર્પણબસ હવેતો દેશ કાજે સર્વસ્વ અર્પણ…” 

ખેડાની લડતના મુખ્ય સુત્રધાર ગાંધીજી હતા અને વલ્લભભાઈ તેમના પ્રથમ પંક્તિના સાથી હતા. બંને માટે લડત અગત્યની હતી અને આ સત્યાગ્રહની  લડત ગાંધીની ગુજરાતની પહેલી સફળ લડત હતી. વલ્લભભાઈ માટે ખેડા સત્યાગ્રહ એ સત્યાગ્રહની તાલીમશાળા હતો. આ લડત દરમ્યાન તેઓ ગાંધી પદ્ધતીની લડાઈનું સુક્ષ્મ નિરીક્ષણ કરતા રહ્યા.. ખેડાની લડતનું જો સૌથી અગત્યનું પાસું કોઈ હોય તો તે ગાંધીજીને થયેલી વલ્લભભાઈની પ્રાપ્તિ..

 

આ બંને વચ્ચે ગાઢ સંબંધનો પાયો ખેડાની લડતે નાંખ્યો.

 

અહીં એ વાત નોંધવી જોઇકે પ્રારમ્ભમાં સરદાર, ગાંધીના ટીકાકાર રહ્યા હતા.. ગાંધીજીને વલ્લભભાઈ ચક્રમ માનતા અને બીજાઓની સામે ગાંધીજીની મશ્કરી પણ કરતા. પરંતુ ધીમેધીમે બંને એ એકબીજાને ઓળખ્યા અને ત્યારપછીની બેય વચ્ચેની નિકટતા  સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતી, એટલુંજ નહિ ગાંધી સરદાર વચ્ચેની આત્મીયતા કોઇપણ માને તેનાથી કઇંક વિશિષ્ઠ હતી.. 

 સમયાંતરે વલ્લભભાઈ ગાંધીજીના પાકા ભક્ત બની ગયા.. જોકે તેઓ અંધ ભક્ત ન હતા કે પછી કંઠીબંધા ભક્ત પણ ન હતા. સરદાર, ગાંધીજીને ચાહતા અને તેમનો અપાર આદર કરતા પણ જ્યારે પણ તેઓ ગાંધીજીનાં વિચારો સાથે સંમત ના હોય તો તેમનો વિરોધ પણ કરતાખીલાફ્તની ચળવળ કે પછી ૪૪ પછીની કોઇપણ ગતિવિધિ હોય કે પછી ભારતના ભાગલાનાં નિર્ણયનો વલ્લભભાઈએ વિરોધ કર્યોજ હતો..

વલ્લભભાઈ ડાયલોગના માણસ ન હતા તેઓ તો એક્શનના માણસ હતા અને એટલેજતો એમનું વ્યક્તિત્વ લોકોને વધુ રાસ આવતું.. તે લોકોને સમજતાલોકોની નાડ પારખતા અને લોકોનીજ ભાષામાં વાત કરતા બારડોલી સત્યાગ્રહમાં તેમણે ખેડૂતોને કહ્યું કે   હું જેટલો ખેડૂતની વાત સમજી શકીશ એટલી બીજું કોણ સમજી શકશે..? ગાંધીજીની વાત અને તેમના વિચારો તમને નહિ સમજાય. હાગાંધી પણ આ હકીકતથી વાકેફ હતાજ અને એટલેજ ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઇનેજ અગ્રેસર કર્યા.

નાગપુર, બોરસદ અને બારડોલી આ ત્રણેય સત્યાગ્રહમાં વલ્લભભાઈએ સરકારને નમાવી અને એટલેજ બારડોલી સત્યાગ્રહ પછી પ્રજાએ તેમને સરદાર કહ્યાએક નવી ઓળખ આપીઅને પછીતો વલ્લભભાઈ સમગ્ર દેશ અને વિશ્વભરમાં વસતા ભારતીયો માટેજ નહીં સમસ્ત વિશ્વ માટે સરદાર બની ગયા.

વલ્લભભાઈએ હંમેશા ગાંધીજીના શબ્દને પુરતું સન્માન આપ્યું છે અને એટલેજતો એને ઉવેખવાનો તો  પ્રશ્નજ ઉપસ્થિત થતો ન હતો. ૧૯૨૯મા કોંગ્રેસપ્રમુખ થવાનું નક્કીજ હતું અને  ત્યારે મોતીલાલે જવાહર માટે ઇચ્છા વ્યક્ત કરીગાંધી પણ તેમાં સંમત હતાસરદારે ક્ષણ માત્રમાંજ પોતાનું નામ પાછું ખેંચી લીધું. બસ આજ સમયથી નહેરુનો પ્રભાવ ભવિષ્યની કોંગ્રેસ અને હિન્દુસ્તાનના ઈતિહાસ પર કાયમ થયો..જોકે  એની સારી માઠી અસરોનું પૃથક્કરણ સરદારના જીવનવૃતાંતમાં કરવું તે અસ્થાને અને અયોગ્ય ગણાશે.. પરંતુ લોકદ્રષ્ટીએ સરદારને અન્યાય થવાની આ શરૂઆત હતીજેનું વારંવાર પુનરાવર્તન થયું અને એવા પ્રસંગોમાથીજ તો થઇ  ભારતના ઇતિહાસની દિશા બદલાવાની શરૂઆત પણ…!!!

સરદાર જાણતા હતાસમજતા હતા કે ગાંધીજીને, સરદારકે સુભાષ કે અન્ય કોઈની પણ નહિ પરંતુ જવાહરની લાગણીની વધુ ચિંતા હતી તેમ છતાં આ વીલક્ષણ પુરુષનાં હૃદય કે મનમાં ગાંધી તરફ અંશમાત્ર પણ અભાવનો સુર ઉઠતો નથીજેમના માટે સરદારે ઘરપરીવાર છોડ્યોજીવનમાં બીજી કોઈ બાબત કરતા ગાંધીજીના અભિપ્રાયનેજ સૌથી વધુ મહત્વનો ગણ્યો હતોએટલે સુધીકે પોતાની જાત ઉપરવટ જઈને પણ તેને નખશીખ સ્વીકારી લીધો હતો તેમછતાં જ્યારે ૧૯૪૨મા મહાસમિતિના અધિવેશનમાં ગાંધીજીએ ભરસભામાં જવાહરને પોતાના વારસદાર ઘોષિત કરતા કહ્યુ કે મેં અનેક વખત કહ્યુ છે અને અહીં પણ એજ વાત દોહરાવું છું કે સરદાર કે રાજાજી નહિ પણ જવાહર મારા વારસદાર થશે અને મારા ગયા પછી જવાહર મારી ભાષા બોલશે…..”

 

જ્યારે જાહેરમાં આવી અવગણનાં થતી અનુભવ્યા પછી સરદારના મનમાં શું વીતી હશે તેનો આપણને કોઈજ અંદાજ આવી શકે છે ખરો? પણ આતો સરદાર હતા.. તેમણે એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો હોવાનું ઇતિહાસે ક્યાંય પણ નોંધ્યું નથી..

 

હિન્દ છોડો આંદોલનની વાત સાથે સરદાર સૌથી પહેલા સમ્મત થયાજવાહરનેતો ગાંધીના કહેવાથી સરદારે સમજાવ્યા અને તેમને સંમત કર્યા.. અને વિધિની વિડમ્બના કહોકે ગાંધીજીની દ્રોણદ્રષ્ટિ કહોફરી એકવાર જાહેરમાં ગાંધી જવાહરને વારસદાર ઘોષિત કરતા કહે છે કે જવાહર જેવું અને જેટલું જોશ અન્ય કોઈમાં નથી..”

 

ત્યારે પ્રશ્ન થાય કે આટલો ડાહ્યો અને મુત્સદી પુરુષ પણ એક નાની અને સાદીસીધી વાત કેમ નહિ સમજી શક્યો હોય કે કે રાજ્ય ચલાવવા માટે જોમ અને જુસ્સો નહિ પણ દુરન્દેશી અને મુત્સદીગીરીની વધારે જરૂર પડવાની હતી. ઈતિહાસ તરફ નજર કરીએ તો ચોક્કસ સમજાશે કે અંગ્રેજોના મોટાભાગના નિર્ણયો અને ચુકાદાઓ અંગે સરદારની આગાહી હંમેશા સાચી પડતી અને ગાંધી મોટાભાગે ખોટા પડતા.

 ગાંધીના મને સરદાર અને જવાહરની શ્રેષ્ઠતાની તુલનામાં એવું અનુમાન કરી શકાય કે અહીં ગાંધીએ વણિકચતુરાઈ પ્રયોજી છે. તેમને શતપ્રતિશત ખાત્રી હતી કે જવાહરની વરણી થવાથી ભારતે સરદારની સેવા નહીં ગુમાવવી પડે. તેઓ જાણતા હતા કે વલ્લભભાઈની નિષ્ઠાને અંગત સ્થાન સાથે કશોજ નાતો ન હતો, સરદારે પોતાનો પ્રભાવ કે સત્તાનો ઉપયોગ પોતાના લાભ માટે કે પોતાના સંતાનોના હિતાર્થે કર્યો નથીજતેમના માટેતો દેશહિત પહેલું અને બાકીનું બધુજ ..અરે પોતાની જાત પણ પછી

અને હાઆ બાબતમાં ગાંધી પૂરેપુરા સાચા હતા.

સરદારની દેશભક્તિ કોઇપણ સંદેહથી પર હતી..એમના રાષ્ટ્રવાદી હોવા બાબતે લેશમાત્ર શંકા થઇ શકે તેમ ન હતી પરંતુ  વાંકદેખી, અણઘડ, અજ્ઞાન અને  નગુણી પ્રજા કે જેને પોતાના ઈતિહાસ સાથે  સ્નાનસુતકનો સમ્બન્ધ નથી એણે શંકા કરી.

સરદાર કોમવાદી અને મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ મઢી કાઢ્યો.

સરદારતો એ વ્યક્તિ હતા જેમને ગાંધીના તમામ વિચારોમાં સંપૂર્ણ આસ્થા હતી, પછીતે ગ્રામવિકાસ માટેના હોય કે પછી હરીજન ઉધ્ધાર માટેના હોય કે બુનિયાદી કેળવણી, સત્યાગ્રહ કે હિન્દુમુસ્લિમ એકતા માટેના હોય.

 

સરદારની આ દેશને જો સૌથી મોટી અને અમૂલ્ય કોઈ ભેટ હોય તો તે અખંડ હિન્દુસ્તાનની છે. ૧૯૪૭મા ભારત સ્વતંત્ર થયું ત્યારે ૫૬૫ રજવાડા હતા. પ્રતિકુળ સંજોગોમાં સરદારે દેશી રાજ્યોનું ખાતું હાથમાં લીધુંસરદાર માટે સમય ખુબજ મહત્વનો હતો૧૫ ઓગસ્ટ પહેલા બધાજ રાજ્યો સંઘમાં સામેલ થઇ જાય એવી એમની ઇચ્છા હતી પરંતુ તેમની પાસે હતા ફક્ત ૪૦ દિવસએક ત્રિરંગાની આણ નીચે દેશના દરેક નાગરીકને લાવવાનું કામ રેતીમાં વહાણ ચલાવવા જેવું અઘરું હતુંપણ આજતો હતી સરદારની કુનેહ..આવડત દુરન્દેશી ….તેમની મુત્સદીગીરી તેમની વહીવટી કુશળતા..!!

એ જાજરમાન છતાં તુંડ મિજાજી, અણઘડ,ઘમંડી,અને ખુમારીવાળા બાદશાહો અને રજવાડાઓએ અખંડ ભારતના નિર્માણમાં એકતાનો સુર પુરાવ્યો

ભારતના પ્રહરી, એક અને અખંડ ભારતના નકશાનું  નકશીકામ કરનાર ઘડવૈયો..પ્રતાપી સેનાપતિ, અખિલ ભારતનો અધિષ્ઠાતા, કોન્ગ્રેસ પક્ષને એક સૂત્રમાં બાંધી રાખનાર મહારથી   કર્મઠ મહામાનવ અને યુગપુરુષનો જીવનદીપ ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ બુઝાઈ ગયો.. એ જ્વાળામુખી શાંત થઇ ગયો બરફમાં જ્વાળામુખી ઠરી ગયોઅને રુદ્રવીણાના સુરની સંગાથે સરદારનો આત્મા ચાલી નીકળ્યો અનંતની યાત્રાએ..

 

અંતમાં નરસિંહરાવ દિવેટીયાની  પંક્તિઓથી સરદારને આવો આપણે સૌ અંજલિ અર્પીએ:

 

 આપના વ્યક્તિત્વમાં સરદાર હે !

કેવાં વિરલ તત્વો તણુ અસ્તિત્વ સોહ્યું એક સાથે,

પુષ્પ શું કોમળ હૃદય, ‘ને વજ્રશી સંકલ્પશક્તિ,

એક સાથે ભક્તને યોધ્ધા તણી કેવી યુતિ..!

વાચાળ એવા ….લક્ષ્યવેધી તીર જેવા ..,

મૌન એવું ટાંકણું લેતાં પહેલાં,

કોક શિલ્પીની ભીતર આકાર લેતા મોહ્લ જેવું,

એક સાથે આપમાં જોવા મળ્યો,   આગને પાણી તણો અદભૂત ઈલમ,

આપના વ્યક્તિત્વમાં સરદાર હે ! આપના વ્યક્તિત્વમાં સરદાર હે…..!

************

વિજય ઠક્કર

ડીસેમ્બર ૧૫, ૨૦૧૬

રાત્રે ૧.૦૫ વાગે

 

Gujarati eBook| રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર | Biography | VIJAY THAKKAR

Gujarati eBook રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર by VIJAY THAKKAR in Biography genre, Matrubharti is biggest source of Indian eBooks available on web, android and iPhone

Source: Gujarati eBook| રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર | Biography | VIJAY THAKKAR

ત્રીજા ખૂણેથી…….

વારના લગભગ અગિયાર વાગ્યા છે. વિલાસ ચોકસીની સફાયર પર્લ કલરની મર્સિડીઝ બેન્ઝ એલએક્સ એસયુવી કાર ગ્રીન સ્ટ્રીટ પરથી રાઇટ ટર્ન લઈને રૂટ વન સાઉથ તરફ મર્જ થઇ. ૫૦ માઈલ પર અવરની સ્પીડનો રોડ હોવાથી અને પ્રમાણમાં ટ્રાફિક પણ ઓછો હોવાથી વિલાસ ચોકસીની કાર સડસડાટ દોડી રહી હતી અને એ કોઈકની સાથે બ્લુ ટુથથી સ્પીકર ઓન રાખીને વાત કરતા હતા. પ્લેનફિલ્ડ એવન્યુ પરની ચોકસી એન્ડ ચોકસી એલએલસીની એમની ઓફિસે પહોંચતા પંદર મિનિટ લાગે એ દરમિયાન એક બે અગત્યના ફોન કરી લે. જૂનાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીન વિલાસ ચોકસીની કારમાં સિક્સ સીડી ચેન્જરમાંથી મેલોડીયસ ગીતો કાયમ વાગતા હોય અને અત્યારે પણ મુકેશ અને લતાના ડ્યુએટ્સ વાગે છે. ફિલ્મ બરસાતનું ગીત વાગવા માંડ્યું જોકે એમનું ધ્યાન કોઈકની સાથે ફોન પરની વાતમાં હતું અને લતાનાં અવાજમાં અંતરો ગવાયો “ છૂટ ગયા બાલમ હાય છૂટ ગયા બાલમ સાથ હમારા છૂટ ગયા… તૂટ ગયા બાલમ હાય, તૂટ ગયા બાલમ મેરા પ્યાર ભરા દિલ તૂટ ગયા” એમણે અચાનક ફોન ડિસ્કનેકટ કર્યો. રીવાઈન્ડ કરીને ગીતનો અંતરો ફરી સાંભળ્યો અને સ્મૃતિના તાર અતીત સાથે જોડાઈ ગયા… બહુ વર્ષો પછી એ ચહેરો અચાનક યાદ આવી ગયો. હૃદયમાં એક કસક ઉઠી…આંખોમાં એક આવરણ આવી ગયું અને ફરી ગીતનાં શબ્દોમાં  ખોવાઈ ગયા.

***                        ***                                   ***

 

“ હયાતી….એય… હયાતી..?”

“ શું…….છે..?”

“ અરે આમ ગુસ્સો કેમ કરે છે…..??”

“ મેં ક્યા ગુસ્સો કર્યો ???”

“ તું આટલી ઉદ્ધતાઇથી મારી સાથે વાત કરે છે અને….”  વાક્ય અધૂરું છોડી દીધું

“…………………”

“…………………”

ન્યૂ જર્સીના રૂટ વન પર મર્સિડીઝ બેન્ઝ એલએક્સ એસયુવી કાર પુરપાટ ગતિએ દોડતી હતી અને વિલાસ ચોકસીનું મન એનાથીય તીવ્ર ગતિએ દોડતું છેક અતિતમાં આણંદના રેલવે સ્ટેશને લોકલ ટ્રેનની વિન્ડો પાસે પહોંચી ગયું હતું હયાતી પાસે.

                                              ****                     ****                             ****

ઓફીસ પ્લાઝા આવી ગયું. પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરી. બધું યંત્રવત થતું હતું અને ફરી સેલ ફોન રણક્યો અને વિલાસ ચોકસી અતીતમાંથી સીધા વર્તમાનમાં આવી ગયા. કાર લોક કરીને ઑફિસમાં ગયા. આખો ફર્સ્ટ ફ્લોર ચોકસી એન્ડ ચોકસી એલએલસી ના પઝેશનમાં છે. એલિવેટરમાં  ફર્સ્ટ ફ્લોર પર જતાં જમણા હાથે આખી ગ્લાસ વોલ છે અને એના ગ્લાસ ડોર્સ ખોલતાં જ એક મોટો પૅસેજ અને એની બન્ને બાજુ ત્રણ ઓફીસ ચેમ્બર્સ છે. એક વિશ્વેશની એની બરોબર બાજુની ઓફીસ કાજલની છે અને એ બંનેની સામે રિસેપ્શન કાઉન્ટર છે, એની બાજુમાં ભાગ્યશ્રીની ઓફીસ છે. વિલાસ ચોકસીની ઓફીસ છેક અંદર એક એવા કોર્નર પર છે જેની વિન્ડો રોડ સાઈડ પર છે એટલે નીચે રોડ પર થતી વાહનોની અને સામેના પ્લાઝામાં થતી લોકોની અવરજવર જોઈ શકાતી હતી. ચોકસી એન્ડ ચોકસી એલએલસી ની રીયલ એસ્ટેટ અને મોર્ટગેજ કમ્પનીની આ ઓફીસ એકદમ ભવ્ય છે. વિલાસ ચોકસીએ  હવે ઓફીસના કામકાજમાંથી લગભગ નિવૃત્તિ લઈ લીધી છે, જોકે હજુ એ નિયમિત ઓફીસ આવે છે અને આખો દિવસ બેસે છે. થોડાઘણાં અંગત મિત્રો સિવાય એમને કોઈ જ ક્લાયન્ટ્સ મળવા આવતા નથી કારણ એ બધું બિઝનેસનું કામ હવે વિશ્વેશ ડીલ કરે છે.

ન્યુ જર્સીમાં રીયલ એસ્ટેટ અને મોર્ટગેજનાં બિઝનેસમાં ખૂબ મોટું નામ છે એમની કંપનીનું. લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં વિલાસ પત્ની ભાગ્યશ્રી અને બે સંતાનો સાથે અમેરિકા આવી ગયા અને ધીમેધીમે અહીની જિંદગીમાં ગોઠવાતા ગયા. કોઈ વિશેષ શૈક્ષણિક લાયકાત હતી નહિ પણ મનમાં એક દ્રઢ નિર્ધાર હતો કે નોકરીતો નથી જ કરવી. શરૂઆતમાં નાનામોટા વ્યવસાય સાથે સંકળાયા અને સફળ થતા ગયા. પત્ની ભાગ્યશ્રીનો ખૂબ સપોર્ટ અને એમ કરતા રીયલ એસ્ટેટના  બિઝનેસમાં આવી ગયા અને ખૂબ સફળ થયા. વર્ષો વિતતા ગયા. ખૂબ દામ અને નામ કમાયા. ન્યૂ જર્સીની ઇન્ડિયન કમ્યુનિટીમાં પણ અગ્રેસર થઇ ગયા વિલાસ ચોકસી. દીકરો વિશ્વેશ અહીં આવીને ભણ્યો અને એ પણ ડેડીની સાથે બિઝનેસમાં જોડાઈ ગયો. ધીમે ધીમે બિઝનેસનો બધો ભાર એણે જ ઉપાડી લીધો. સદનસીબે એને પત્ની કાજલ પણ ખૂબ હોશિયાર મળી અને એ પણ જોડાઈ ગઈ ચોકસી એન્ડ ચોકસી એલએલસીમાં ફાઇનાન્સ કન્ટ્રોલર તરીકે. વિશ્વેશ અને કાજલે ખૂબ વિકસાવ્યો બિઝનેસ.

ચોકસી એન્ડ ચોકસી એલએલસી ની આટલી પ્રચંડ સફળતા એ વિલાસ ચોકસી અને ભાગ્યશ્રીની બંનેની સહિયારી મહેનતનું જ પરિણામ છે અને એમાં પાછો જોડાયો દીકરો વિશ્વેશ અને પુત્રવધૂ કાજલ.

ધીમે ધીમે વિલાસે જવાબદારી ઓછી કરવા માંડી અને હવે તો બસ કૉમ્યુનિટી સર્વિસ અને વાંચન અને મનગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવતા. વિલાસ ભાગ્યશ્રીને હમેશાં ‘શ્રી’ કહીને જ બોલાવતા. ખૂબ પ્રેમાળ ભાગ્યશ્રીને વિલાસ કાયમ કહે:

“શ્રી…તારા પગલે અને તારી મહેનત ને લીધેજ આપણે આટલા સુખી છીએ”

“મેં તો તમને સપોર્ટ કર્યો છે અને એ તો મારી ફરજ હતીને ? તમેય મહેનત કરવામાં ક્યાં પાછું વાળીને જોયું છે..?”

બંને ખૂબ પ્રેમ કરતા એકબીજાને. લગ્ન થયે ૪૫ વર્ષ થયાં અને દર પાંચમાં વર્ષે એ એમની મૅરેજ એનીવર્સરી સેલીબ્રેટ કરતા… આ વર્ષે પણ એમની એનીવર્સરીનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવાનું નક્કી થયું હતું.  ૨૦મી ડિસેમ્બર એમની એનીવર્સરી છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી એનું સેલિબ્રેશન થઇ જાય પછી સુહાસભાઈ અને ભાગ્યશ્રી ઇન્ડિયા વેકેશન માટે જતા. આ વખતે પણ સેલીબ્રેશનની તૈયારીઓ શરુ થઇ ગઈ હતી.

****                          ****                              ****

ઑફિસમાં યંત્રવત આવી ગયા અને રીવોલ્વીંગ ચેરના હેડરેસ્ટ પર માથું ટેકવીને બેસી ગયા…વિચારવા લાગ્યા “ કેમ આટલા બધા વર્ષો પછી હયાતી અચાનક યાદ આવી..??” પાછો એક વિચાર એ પણ આવ્યો કે આમતો સાવ અચાનક યાદ આવી છે એવું પણ ક્યાં છે..?… ક્યારેક ક્યારેક તો હયાતી સ્મરણમાં આવીને એની હયાતી નો અહેસાસ કરાવી જ જાય છે ને..!! છેલ્લા થોડા વખતમાં તો એવું ઘણી વાર બન્યું છે. વિચારો કરતા કરતા રીવોલ્વીંગ ચેરમાં ઝૂલતા હતા. કશુંક યાદ આવતા એકદમ ઉભા થઇ ગયા અને ગ્લાસ પૅનલ પર લગાડેલી વેનીશ્યન બ્લાઇન્ડ રોલ અપ કરીને ક્યાંય સુધી બારી બહાર નિર્હેતુક જોતા રહ્યા. આજે કશુંજ કરવાનું મન નથી થતું. મનમાં ખૂબ વ્યગ્રતા છે અજંપો છે અને અત્યંત ઉચાટ છે.

અતીતનું એ સાયુજ્ય અત્યારે તો એક ગમતી યાદ બનીને હૃદયમાં સંગ્રહાયેલું છે. હૃદયના એક ખૂણે પોતાના અસ્તિત્વની ભીનીભીની છાપ ઉપસાવીને અનિચ્છાએ પણ અન્ય માર્ગે ચૂપચાપ ચાલી નીકળેલી હયાતી આજે બહુ યાદ આવી ગઈ. સહેજ આંખો પણ નમ થઇ આવી વિલાસભાઈની. આટલા વર્ષો પછી પણ એનો ચહેરો એવો ને એવોજ યાદ છે….. અનુસંધાન થઇ ગયું એ ઘટના સાથે જ્યારે આણંદના રેલવે સ્ટેશને એ હયાતીને મળવા ગયા હતા…નિયતિના ખેલથી સાવ અજાણ એવા વિલાસ અને હયાતીને ક્યાં ખબર હતી કે વિલાસના લગ્ન પહેલાની એ છેલ્લી મુલાકાત બની રહેશે…!!!

****                             ****                           ****

લોકલ ટ્રેન હતી એટલે આણંદ સ્ટેશને ખાસ્સી વાર રોકાવાની હતી. હયાતી ટ્રેનમાં વિન્ડો સિટ પાસે હાથનો ટેકો લઈને બેઠી હતી. વિલાસ પ્લેટફોર્મ પર હયાતીની વિન્ડો પાસે ઉભા હતા અને એમણે એના હાથને એની હથેળીથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો અને જાણે ચારસો ચાલીસ વોટનો કરંટ લાગ્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો અને એકદમ ગુસ્સે થઇ ગઈ હયાતી:

“મને અડીશ નહિ.”

“અરે…..!!! હયાતી તું ગુસ્સો કેમ કરે છે…??”

“ …………….”

“ હયાતી તું કાંઈક બોલ તો ખરી..”

“……………..”

“મારી વાત તો સાંભળ !”

“બોલને તારે જે બોલવું હોય તે મેં ક્યાં કાન બંધ રાખ્યા છે. ?”

“હું તારા ઘરે આવું ?“

“ કેમ….હવે શું કામ પડ્યું..?”

“ બસ ચા પીવા”

“……………..”

“મેં કશુંક પૂછ્યું તને હયાતી તું કાંઈક જવાબ તો આપ ..?”

“તારે ગરજ હોય તો આવજે… મારે કશું કામ નથી..” હયાતીના આવા ઉગ્ર જવાબથી વિલાસભાઈ ડઘાઈ ગયા…..હાથની મુઠ્ઠીઓ વળી ગઈ….. બિલકુલ સ્તબ્ધ થઇ ગયા કારણ હયાતીનું આ સ્વરૂપ તે પહેલી વાર જોઈ રહ્યા હતા….બિલકુલ નિઃશબ્દ ક્ષણો વીતી…હયાતીના ચહેરા પરના ભાવ પણ બદલાઈ ગયા હતા અને ચહેરાની દિશા પણ. પાંચ-દસ મિનિટ પછી ટ્રેન ઉપડી અને એના ગન્તવ્ય તરફ દોડવા માંડી… ક્ષિતિજમાં ટ્રેન ઓગળી ગઈ ત્યાં સુધી વિલાસ એને એકી નજરે તાકી રહ્યા હતા.. હાથની મુઠ્ઠીઓ ખુલી ગઈ સાવ ખાલી હથેળી અને એમાં વિધાતાએ કરેલા ચિતરામણને જોઈ રહ્યા અને એક નિસાસો નીકળી ગયો…

હયાતીનું વર્તન અને એનો વ્યવહાર અચાનક કેમ બદલાઈ ગયાં  એ પ્રશ્ન બહુ લાંબા સમય સુધી નિરુત્તર રહ્યો અને જ્યારે એમને જાણ થઇ ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હતું. જીવનના એ અફસોસથી  વિલાસનું મન આળું થઇ ગયું. કોઇપણ કાળે એ વાત માનવા તૈયાર ન હતા કે હયાતીને એમની સાથેના સંબંધથી કોઈ નારાજગી હોય કારણ એ બે વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ થયો જ નહતો. વિલાસના પરિવારના લોકોને એમનો આ સંબંધ માન્ય નથી એવી જાણ કોઈક રીતે હયાતીને થઇ ગઈ અને એટલે એણે જાતે જ વિલાસના જીવનમાંથી દૂર થઈ જવાનો નિર્ણય કરી લીધો. વિલાસે જ્યારે જાણ્યું કે એને સુખી કરવા માટે હયાતીએ પોતાના પ્રેમનું બલિદાન આપ્યું અને પોતે દુઃખી થઈને પણ એના જીવનમાંથી દૂર થઇ જવાનો કપરો નિર્ણય કર્યો હતો ત્યારે એ હયાતી માટે ખૂબ દુઃખી થયા અને એનો દરજ્જો એમના મનમાં ખૂબ ઉંચો થઇ ગયો.

****                          ****                          ****

ઑફિસમાં બેઠાબેઠા અત્યારે પણ એક જોરદાર નિસાસો નીકળી ગયો અને એમની હથેળીઓ અનાયાસ ઉંચી થઇ અને આંખ સામે આવી ગઈ અને વિલાસ જોઈ રહ્યા હથેળીઓને…… અને હમણાં જ વાંચેલી ન્યૂ જર્સીનાં જ કવયિત્રી નિકેતા વ્યાસની એક ખૂબ સરસ ગઝલનો એક અદ્ભુત શેર જે એમના જીવનની કથની બયાન કરે છે તે યાદ આવી ગયો:

“આપીને હથેળીમાં તું ઢોળી નાંખે છે; / હસ્તરેખાઓને તું કેમ ચોળી નાંખે છે…???”

****                            ****                       ****

“ બાપુજી.. મારે તમને એક વાત કરવી છે..“

“ શું હતું..?”

“તમે મને છેલ્લા કેટલાય વખતથી લગ્ન માટે કહેતા હતા અને હું ના પાડતો હતો …હા એના કારણો હતા પણ હવે મને કોઈ વાંધો નથી. તમે જેમ કહેશો એમ અને જેની સાથે નક્કી કરશો એની સાથે હું લગ્ન કરવા તૈયાર છું.”

ઘડિયા લગ્ન લેવાયા. ભાગ્યશ્રી સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયાં. વિલાસના સદનસીબે ભાગ્યશ્રી અત્યંત સુંદર, નમણી, સમજદાર અને ખૂબ પ્રેમાળ છોકરી મળી. બિલકુલ એકબીજાને અનુકૂળ એવું જોડું હતું પણ વિલાસ ભાગ્યશ્રીને લગ્ન પહેલા એકવાર મળવા માંગતા હતા અને થયું પણ એમજ, મળ્યા.

પહેલાજ દિવસે વિલાસે ભાગ્યશ્રીને કહ્યું: “તું મને બહુ ગમે છે અને હું આજથી તને શ્રી કહીનેજ બોલાવીશ… તને ગમશે ને ?”

ભાગ્યશ્રી શરમાઈ ગઈ….કશું બોલી નહિ…. ફક્ત નીચું જોઇને બેસી રહી…

“ શ્રી…! કેવું લાગ્યું..?

“તમને ગમ્યું ને…?” બહુજ ધીમા અવાજે શરમાતા શરમાતા બોલી.

“હા મને બહુજ ગમ્યું….”

“તો મને પણ બહુ ગમ્યું…”

“પણ શ્રી, મારે તને કશુંક કહેવું છે….”

“ શું…??”

“ જો તું જરાય ચિંતા ના કરીશ કે ગભરાઈશ પણ નહીં પણ હું જે વાત કહું એ શાંતિથી સાંભળજે અને એના વિષે બહુ વિચારીશ નહિ. આપણા સુખી જીવન માટે હિતકર એવી એક વાત મારે તને કરવી છે હું ઈચ્છું છું કે આપણો સંબંધ પ્રમાણિકતાના પાયા પર ઉભો રહે… સ્થિર રહે અને એટલે જ હું તને લગ્ન થાય એ પહેલાં જ કશુંક કહેવા માંગુ છું.”

વિલાસની સમજાવટ છતાં ભાગ્યશ્રીને સહેજ ચિંતા તો થઇ આવી કે આ માણસ શું કહેશે ? મોટા દહેજની માંગણી કરશે કે શું…? પણ ધીરજ અને સ્વસ્થતા રાખીને આ સાંભળતી રહી…

****                       ****                      ****

“ આપણા ઘરની બરોબર સામે આપણીજ જ્ઞાતિનો એક પરિવાર રહે છે અને એમની એક દીકરી છે…હયાતી. લગભગ મારી જ ઉંમરની…અમે નાનપણથી સાથે ઉછર્યા અને મોટા થયા. અમે બંને એકબીજાને ક્યારે ગમવા માંડ્યા એ ખબર ના પડી અને ખૂબ પ્રેમ કરવા માંડ્યા..બેહદ પ્રેમ… જીવનનાં રંગો બદલાઈ ગયા… જીવનના અર્થો બદલાઈ ગયા, જીવનના રસ્તા બદલાઈ ગયા, જીવનના ગણિત બદલાઈ ગયા…..અને જીવનના ધ્યેય બદલાઈ ગયા…

“……………….” ભાગ્યશ્રી નીચું જોઇને સાંભળતી હતી…એના શ્વાસ ઝડપથી ચાલવા માંડ્યા.

“ શ્રી…..તું બરાબર છું ને …?”

ભાગ્યશ્રીએ ઊંચું જોયું અને એકીનજરે વિલાસને જોઈ રહી…કોઈ જ ભાવ એ ચહેરા પર ન હતા. બાજુમાં પડેલા જગમાંથી વિલાસે એક ગ્લાસમાં પાણી લઈ ભાગ્યશ્રીને આપ્યું. ગ્લાસને બે હથેળી વચ્ચે ઘુમાવતી રહી.

“શ્રી…. હયાતી અને હું વારંવાર મળતા કાંતો એ આપણા ઘરે આવે અને કાંતો હું એના ઘરે જાઉ.. અમે કલાકો સુધી બેસતા, વાતો કરતા અને ખૂબ પ્રેમ કરતાં. બહુ ખુશ હતા અમે બંને. સાચું કહુંને તો અમે  એક્બીજાને પતિ-પત્ની માનતા હતા. એક વખત એ એના ભાઈને ત્યાં મુંબઈ જવા નીકળી પણ એ પહેલાં એ બરોડા એની બહેનને ત્યાં થોડા દિવસ રહેવા ગઈ. હું એને ટ્રેનમાં બરોડા મૂકવા ગયો એ પહેલો દિવસ હતો જયારે અમે બંને આવી રીતે ટ્રેન માં બહાર જઈ રહ્યા હતા.  એ દિવસે મને જે રોમાંચ થયો હતો કે જાણે હું મારી પત્નીને લઈને હનીમૂન માટે જતો હોઉં. બહુ ખુશ હતા અમે બંને…. બિલકુલ વિખુટા પડવા માંગતા ન હતા, પણ ક્યાં શક્ય હતું એ..? બરોડાતો આંખના પલકારામાં આવી ગયું… સ્ટેશન પર ઉતરી અને રિક્ષામાં છેક એની બહેનના ઘર સુધી હું મૂકી આવ્યો. છૂટા પડવાનો સમય થયો અમારી તડપ વધવા માંડી. એણે કહ્યું: “વિલાસ એક અઠવાડીયા પછી હું મુંબઈ જઈશ મારા ભાઈ ને ઘરે…. તું મને મળવા મુંબઈ આવીશ…? આટલાં બધા દિવસ હું તારાથી દૂર કેવી રીતે રહી શકીશ..? નહિ ગમે મને તારા વગર વિલાસ…પ્લીઝ તું આવ જે ને મુંબઈ.”

“ સારું…. તું મને મુંબઈ પહોંચીને તારા ભાઈનું એડ્રેસ મોકલી આપજે …હું ચોક્કસ આવીશ તને મળવા કારણ તારા વગર તો હું પણ અહીં એકલો થઇ જઈશ ને… અને તને દિવસમાં એકવાર જોઉં નહિ કે તારી સાથે વાત ના કરું એવું બન્યું છે ક્યારેય હયાતી..? તને તો ખબર છે ને કે દરરોજ તારું એક સ્મિત મેળવવા તો જ્યાં સુધી તું  દેખાય નહિ ત્યાં સુધી તારા ઘર પાસે કેટલા બધા આંટા મારમાર કર્યા છે, અને આમ તું મારાથી દૂર જતી રહીશ તો હું પણ કેવી રીતે રહી શકીશ?” છેવટે અમારે તે દિવસે અનિચ્છાએ પણ છૂટા પડવું પડ્યું.” હું ઘરે આવ્યો પણ બધું જાણે સુમસામ લાગતું હતું અને ચારે બાજુ મને એનો ભાસ થતો હતો સતત જાણે એ મને બોલાવ્યા કરતી હોય એવું થયા કરતુ. “

વિલાસતો એના અતીતમાં પુરેપુરા ખોવાઈ ગયા હતા અને બાઇસ્કોપમાં ફિલ્મ જોતાંજોતાં એની કોમેન્ટ્રી આપતા હોય એમ બોલ્યે જતા હતા . ભાગ્યશ્રીના હાથમાંથી જ્યારે પાણીનો ગ્લાસ અચાનક પડ્યો અને પાણી ઢોળાયું ત્યારે જ વિલાસ એકદમ બોલતા અટકી ગયા.

“શ્રી…! શું થયું ?” એમના અવાજમાં શ્રી માટે પણ ચિંતાનો સૂર ભળ્યો અને પહેલીવાર શ્રીના હાથ પર પોતાનો હાથ મૂકીને સધિયારો આપ્યો કે એણે ચિંતા કરવાની જરૂર નથી.

“ કશુંય નહિ તમે કહો ..” ભાગ્યશ્રીના અવાજમાં દર્દ અને ચિંતા જણાય એ તો સ્વાભાવિકજ હતું..

“ શ્રી, આ વાત હું તને આજે નહિ કહું તો જીવનમાં ફરી ક્યારેય નહિ કહી શકું અને જેનો મને અફસોસ રહેશે કે હું તારી સાથે છલ કરું છું…મારે તારી સાથે પ્રપંચ નથી કરવો તો એ સાથે મારે હયાતીને અને એના બલિદાનને અન્યાય પણ નથી કરવો. મારે કાચી દીવાલ પર આપણા સંબંધની ઇમારત નથી ઉભી કરવી અને એટલે એમાં મારે તારી મદદ જોઈએ છે શ્રી…, ખૂબ કપરું છે સંબંધની શરૂઆતમાં આ બધું સહન કરવાનું એ હું જાણું છું પણ શ્રી, અહીં જ તારી અને મારી કસોટી છે. તું ખૂબ સમજદાર છું…અને શ્રી, એક વિનંતી કરું..?”

ભાગ્યશ્રી, કશું પણ બોલ્યા વગર એક નજરે વિલાસની સામે જોઈ રહી હતી. આંખોમાં લાલાશ આવી ગઈ પણ મનની મજબૂત આ છોકરીએ એના આંસુને બહાર આવવાની ઇજાજત નથી આપી. મનમાં વિચારોનું ધમસાણ ચાલે છે અને ભાવી જીવનની ચિંતા પણ. એક હરફ અત્યાર સુધી ઉચ્ચાર્યો નથી પણ આંખોથી જાણે વિલાસને સંમતી આપી દીધી કે જે કહેવું હોય તે હવે કહીજ દો.

“શ્રી…, હયાતી હવે ક્યાંય નથી અને તું હવે જીવનનું સત્ય છે… હયાતીનું મારી સાથે હોવું, મારા અસ્તિત્વની ચોપાસ હોવું એ અત્યંત સુખદ અહેસાસ હતો અને હવે…!” એક નિસાસો નીકળી ગયો એમના હૃદયમાંથી. થોડી વારે ફરી બોલવાનું શરુ કર્યું. “અને હવે..શ્રી, આપણે સાથે રહીને એક સુખદ સંસાર રચવાનો છે. તારી પાસેથી મારી એકજ અપેક્ષા છે કે તું મને મદદ કરજે.. મારી સાથે રહેજે મારા જીવનના એ કરુણ હિસ્સાને વિસારે પાડવામાં…કરી શકીશ મારી મદદ…??”

ભાગ્યશ્રી કશુંજ બોલી નહિ પણ વિલાસના ચહેરા સામે જોઈ રહી…અને થોડી ક્ષણો પછી ફક્ત હકારમાં ડોકું હલાવ્યું એટલે વિલાસે વાત આગળ ચલાવી.

“શ્રી…, હયાતી એ મુંબઈ પહોંચી અને પહેલું કામ મને કાગળ લખીને એડ્રેસ મોકલવાનું કર્યું. મારી કૉલેજના એડ્રેસ પર એનો પત્ર આવ્યો. હું પણ પહોંચી ગયો એને આપેલી તારીખ અને સમયે મુંબઈ. હયાતી એકદમ સરસ લાલ રંગની સાડી પહેરીને મારી રાહ જોતી બહાર ગેલેરીમાં ઉભી હતી. દૂરથી મને આવતો જોઇને બહુ ખુશ થઇ ગઈ, દોડતી મને લેવા સામે આવી. હું એના ભાઈના ઘરે ગયો. એના ભાભી ઘરે હતા. ઔપચારિકતાઓ પતાવીને એમની મંજુરી મેળવીને અમે બંને નીકળ્યા. ટૅક્સીમાં ખૂબ ફર્યા. હું બે-એક દિવસ રોકાયો અને જીવનનો ઉત્તમ સમય વિતાવ્યો.

****                             ****                             ****

વિલાસભાઈ ની ઑફિસમાં ઇન્ટરકોમ વાગ્યો.. સામે છેડે ભાગ્યશ્રી હતી.

“ બોલ શ્રી…!”

“કશું નહિ, આતો સવારથી તમે આવ્યા છો ઑફિસમાં અને આજે મારી ખબર પણ ના પૂછી એટલે…! શું કરો છો. જો કોઈ અગત્યનું કામ ના હોય તો હું તમારી ચેમ્બરમાં આવું..? થોડું લંચ ખાઈએ અને એનીવર્સરી પ્રોગ્રામનું બધું ફાઇનલ કરવા માંડીએ !”

“હા…શ્રી, તું આવ જોકે મારે કશું ખાવું નથી પણ બીજું કામ કરી લઈએ.”

થોડીવારે ભાગ્યશ્રી એમની ચેમ્બરમાં આવી અને પૂછ્યું “ કેમ કશું નથી ખાવું..?? તબિયત તો સારી છે ને..?”

“હા… પણ આજે ઇચ્છા નથી ”

“ શું થયું..???”

“કશું ખાસ નહિ..”

ભાગ્યશ્રીએ બહુ ફોર્સ ના કર્યો..એણે એનું લંચ કરવા માંડ્યું અને પ્રોગ્રામ વિષે ચર્ચા કરવા માંડી. ઈન્વીટેશનનું લિસ્ટ તૈયાર કરવા માંડ્યા… લગ્નના ૪૫ વર્ષ થયાં છે એટલે ઇન્ડિયા પણ કેટલાંક ઇન્વિટેશન મોકલવાના હતા. બધી ચર્ચા પછી ભાગ્યશ્રી એની ચેમ્બરમાં જવા નીકળતી હતી ત્યારે વિલાસે કહ્યું:

“શ્રી …! આપણે હયાતીને ઇન્વિટેશન મોકલીએ..?? “

“જોઈએ…?” એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર ભાગ્યશ્રી એ જવાબ આપ્યો અને ત્યાંથી નીકળી ગઈ.

****                             ****                             ****

ભાગ્યશ્રી અટવાઈ ગઈ વિચારોમાં અને વિક્ષુબ્ધ થઇ ગઇ. આજે ૪૫ વર્ષે પણ આ માણસના મનમાંથી હયાતી દૂર નથી થતી….મગજ વિચારે ચડી ગયું. ભાગ્યશ્રીનું મન એ સંબંધના લેખાજોખાં કરવા માંડ્યું. વિલાસ, હયાતી અને એ પોતે…વિલાસની વફાદારી….એની પોતાની સમજણ અને ઉદારતા અને હયાતીનું બલિદાન અને સંયમ ત્રિકોણનાં એ ત્રણ પરીમાણો દ્વારા જળવાયેલું સંબંધનું સંતુલન જ કારણ હતું નીર્વીવાદિત જીવનનું. ભાગ્યશ્રીનાં મનમાં પ્રશ્નો ઊઠતાં અને એનું સમાધાન પણ એજ આપતી. વિલાસના મનમાં જે હોય તે પણ એણે મને તો જરાય અન્યાય નથી જ કર્યો ને…? અમારું જીવન તો સરસજ વીત્યું વળી…!! હશે એની પૂર્વ જન્મની લેણદેણ હયાતી સાથે પણ એમાં હું તો શું કરી શકું..? હું તો બધી જ રીતે અને બધાં સંજોગોમાં એની પડખે ઉભી છું જીવનપર્યંત. અમેરિકા આવવાનું થયું ત્યારે પણ વિલાસની ખૂબ ઇચ્છા હતી કે જતા પહેલા હયાતીને મળીયે કારણ કે હવે પછી ક્યારે મળાશે. હું એમની સાથે હયાતીને મળવા એના ઘરે ગઈ. હું તો એજ દિવસે એને પહેલીવાર મળી.. અને પાછા આવ્યા ત્યારે વિલાસ કેટલા ખુશ હતા..!!

વિલાસે પ્રામાણિકતાથી લગ્ન પહેલા જ મને  હયાતી વિષે બધું જણાવી દીધું અને ત્યારપર્યંત મને આપેલા વચન કે એ એકલા ક્યારેય હયાતીને મળશે નહિ અને ફોન પણ નહિ કરે એનું શબ્દશ: એમણે પાલન કર્યું છે, ક્યારેય મને છેહ નથી દીધો… હા લગ્ન પછીએ કેટલીએ વાર હયાતી યાદ આવતી અને દુઃખી પણ થતા અને હું પૂછું તો કશુંજ છુપાવ્યા વગર બધું એ પ્રગટ કરી દેતા.. આમ વિચારો કરતાં કરતાં વર્ષો પહેલાની એ કમનસીબ ઘટનામાં ભાગ્યશ્રી ક્યારે સરી ગઈ એ એનેય ખબર ના રહી.

“કેમ તમને ઊંઘ નથી આવતી..?”

“ના..”

“આજે કેમ આટલા બધા ઉદાસ લાગો છો….. આ તમારી આંખો પણ લાલચોળ છે ! તમે રડ્યા છો..?”

“ શ્રી…, એક વાત કહું…હા…! હું આજે બહુ દુઃખી છું. તું તો જાણે છે હયાતી કાયમથી બહુ દુઃખી છે અને એની સાથે વિધાતાએ પણ કેટલી ક્રૂરતા આચરી છે. એક તો લગ્ન પણ કેટલા મોડા થયાં ? લગ્ન પછી બાળક અવતર્યું તે પણ મૃત અને હવે ફરી એ જીવનમાં ક્યારેય એ માતૃત્વ પ્રાપ્ત નહિ કરી શકે. કેવો કુદરતનો ન્યાય.. ??”

****                           ****                       ****

વિલાસ અને ભાગ્યશ્રીની પિસ્તાલીસમી એનીવર્સરીનું સેલિબ્રેશન ખૂબ ધામધૂમથી ગ્રાન્ડ મેર્કીસમાં કર્યું.  ન્યૂ જર્સીના આ ભવ્ય બેન્કવેટ હોલમાં કમ્યુનીટીના પ્રતિષ્ઠિત લોકો અને દોસ્તો, ક્લાયન્ટ્સ અને સગાવહાલાઓની હાજરીમાં સેલિબ્રેશન થયું. ખુશ હતાં બધાં. શાનદાર સેલીબ્રેશનના હેંગઓવર સાથે એમના વર્ષોના નિયમ અનુસાર એકજ અઠવાડીયા પછી વિલાસ અને ભાગ્યશ્રી ચાર મહિનાના વેકેશન પર ઇન્ડિયા પહોંચી ગયા. દસ પંદર દિવસ વિતી ગયા.

“ આજે સાંજે આપણે બહાર જવાનું છે તમે કોઈ બીજો પ્રોગ્રામ ના કરતા.”

“ ક્યાં જવાનું છે?”

“ સરસ કપડા પહેરી લેજો …હમણાં એનીવર્સરીના દિવસે પહેર્યો હતોને એજ સુટ પહેરી લેજો.” વિલાસ બહુ દલીલો ના કરતા.

સાંજે બંને જણ તૈયાર થઈને પહોંચ્યા સિલ્વર કલાઉડના ટૅરેસ ગાર્ડનમાં જ્યાં પાર્ટી હતી. ભાગ્યશ્રીએ એમની જાણ બહાર એક સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી હતી એમનાં એનીવર્સરી સેલીબ્રેશનની. એલિવેટરમાં ટૅરેસ પર પહોંચ્યા ત્યારે સામે એમને રીસીવ કરવા પરિવારના લોકો ઉભા હતા એક લાઈન કરીને ઉભા હતા. બધાને મળતા મળતા સ્ટેજ તરફ જઈ રહ્યા હતા. પાછળથી કોઈકે વિલાસનો ખભો થપથપાવ્યો. એમણે પાછળ ફરીને જોયું…… એક સુંદર મજાની ફલોરલ ડેકોરેશનની બાસ્કેટ એમની સામે ધરીને એમણે કહ્યું:

“ વિલાસ હેપી એનીવર્સરી….!!”

“ અરે…!!! હયાતી……..તું…….થેન્ક્સ……”

*************

 

વિજય ઠક્કર

ઓક્ટોબર ૨૫,૨૦૧૬

૪.૨૦ સવારે

શ્વેત ઓળો

દિવાળીનાં  દિવસો..ઊછળતા આનંદનાં દિવસો….

ઘેરેઘેર કિલ્લોલ…. હૈયાં આનંદે…..

પણ….!!

તડપતા હતા તપસ્વીભાઈ… વલોપાત કરતા હતાં વિભાબહેન….

ચિંતા કોરી ખાતી હતી કે ક્યાં ગઈ હશે એ છોકરી….? દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પાળીપોષી ને ઊછેરી એની બધીજ ઇચ્છાઓનું ધ્યાન રાખ્યું …એની લાગણીઓનું જતન કર્યું, અપાર સ્નેહ વરસાવ્યો એના તરફ અને એ આમ ઓગળી ગઈ અંધકારનો ઓળો બનીને..!!!!

દસ વર્ષ થયાં એ વાતને. નથી કોઈ સગડ. માત્ર દર દિવાળીએ એક નામ વગરનું કાર્ડ શુભેચ્છા વ્યક્ત કરતું  અને આશીર્વાદ માંગતું મોકલ્યા કરે છે. આવી બેનામ શુભેચ્છા પણ શા કામની અને આશીર્વાદ આપવા તો કોને આપવા …?  શો અર્થ એનો..?? કાર્ડ પર નથી હોતું મોકલનારનું નામ કે નથી હોતું સરનામું. કેટલી બધી તપાસ કરી પણ વ્યર્થ.તપસ્વીભાઈની તડપ લાડકી દીકરીને જોવાની અને વિભાબહેનના વલખાં એ વહાલી દીકરીના લાડકોડ માટે. બંને ઝૂરતા હતાં વૃદ્ધાવસ્થામાં… સંતાપ કરતા હતાં એ સંતાન માટે જેની સાથે લાગણી જોડાયેલી છે… જેની સાથે સપનાઓની હારમાળા જોડાયેલી છે…. જેની સાથે વૃદ્ધાવસ્થાનું અવલમ્બન જોડાયેલું છે.

વિભાબહેનનો જો કે વિશ્વાસ ઉઠી ગયો છે લાગણીના આ સંબંધ પરથી પણ તપસ્વીભાઈનો વિશ્વાસ અડગ છે. એ કાયમ કહે છે : “ આવશે જ… એણે આવવું જ પડશે….મારી દીકરી જરૂર થી આવશે…”

પણ ક્યારે….??

ઉપરવાળો જાણે એતો પણ એમનો આત્મા પોકારી પોકારીને કહેતો હતો કે…”એણે આવવું પડશે…એણે વચન આપ્યું છે…એ ચોક્કસ આવશે… આવવું જ પડશે.”

*****                                       *****                                         *****

લગ્ન થયાંને દસબાર વર્ષ વીતી ગયાં…..

હજી  ખોળો સુનો છે વિભાબહેનનો…..

મનના ખૂણે થી માતૃત્વની હોંશ એના અરમાન એની આશા અને હવે તો અપેક્ષા પણ ઓસરી ગઈ….

માતૃત્વનાં અંકુર સુકાવા માંડયાં અને માતૃત્વનો આનંદ વિલાવા માંડ્યો હતો.

મનમાં રચાયેલા માતૃત્વના સ્વપ્નમહેલની ઇંટો એક પછી એક ખરવા માંડી છે.

છાતી સૂકીભઠ્ઠ જ રહી ગઈ વિભાબહેનની…

લગ્ન પછી બે-એક વર્ષે આશા બંધાઈ હતી પરંતુ નસીબ ક્યાં પાધરું હતું…? આશા નિરાશામાં પલટાઈ ગઈ. હવે કોઈ જ શક્યતા રહી ન હતી. ડોક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા….અને એક વખત ડોકટરે સીધેસીધું કહી જ દીધું “તપસ્વીભાઈ…વિભાબહેન જૂઓ હું તમને ખોટા દિલાસા આપવા નથી માંગતો પણ સત્ય એ છે કે હવે તમારે સંતાનની આશા રાખવી વ્યર્થ છે….આપ બંને ક્યારેય માતાપિતાનું સુખ નહિ પામો.”

આકાશ તૂટી પડ્યું હતું બંને પર …સુન્ન થઇ ગયું હતું મન….. સુમસામ થઇ ગઈ હતી જિંદગી  બંનેની. શરૂઆતના પાંચેક વર્ષતો હતાશા, દુઃખ અને જીવન પ્રત્યેની અને પોતાની જાત માટેની કડવાશમાં વીતી ગયાં.,પણ બન્નેમાં સમજણ હતી અને મન ધીમેધીમે એ રીતે ઘડાવા માંડ્યું, પરિસ્થિતિનો સ્વીકાર થઇ ગયો.

એક દિવસ અનાયાસ કોઈક શુભ ક્ષણે, કોઈક સુખદ ઘડીએ તપસ્વીભાઈને કોઈક શુભ વિચાર સ્ફુર્યો….અને ખુશ થતા થતા એમણે વિભાબહેનને  કહી દીધું

“ વિભુ…! ચાલ આપણે બાળક દત્તક લઈએ….!!!”

“ના….મારા નસીબમાં જ એ સુખ નથી એનું શું કરવું…?“

“ગાંડી છું તું તો વિભુ..! સુખ દુઃખ તો મનનાં કારણો છે અને સાચું કહું,  આપણે જ પરિસ્થિતિમાંથી સુખ-દુઃખ તારવિયે છીએ….નિર્માણ કરીએ છીએ, ખરેખરતો આપણે તટસ્થભાવ નથી કેળવી શકતા. આપણે બાળક દત્તક લઈશું…. ઉછેરીને મોટું કરીશું….એને ખૂબ પ્રેમ કરીશું એને વહાલ કરીશું અને માં-બાપનું સુખ આપણે પણ પામીશું અને એની અને આપણી ખાલી જિંદગીને આપણા સૌના અરમાનથી ભરી દઈશું.”

“એવા ઉછીના સુખને શું કરવાનું…? મને એ મંજુર નથી…” વિભાબહેન બહુ મક્કમ હતા.

બહુ સમજાવટ પછી વિભાબહેન બાળક દત્તક લેવા તૈયાર થયાં. હવે પાછો એમાં એ બંને વચ્ચે વિવાદ થયો કે છોકરો લેવો કે છોકરી..?

“ જૂઓ મારે તો છોકરો જ જોઈએ….” વિભાબહેને દ્ગઢતાથી કહ્યું.

“વિભુ…સાંભળ મારી વાત…છોકરો-છોકરી બધું સરખું જ છે….એતો બધાં મનના કારણો છે. આપણા ઉછેર અને માવજત પર જ એના ભાવીનો આધાર હોય છે.”

“હું કશું ના જાણું કે કંઈ ના સમજુ…જૂઓ બાળક દત્તક લેવું હોય તો મારે છોકરો જ જોઈએ બસ…!”

તપસ્વીભાઈ દ્રઢ હતા એમના વિચારોમાં….. વિભાબહેન મક્કમ હતાં એમની માન્યતામાં….સમય વીતતો હતો આ દુવિધામાં, આ અસમંજસમા. અને અંતે તપસ્વીભાઈ કહ્યું: “ જો વિભુ…કુદરતે આપણને કશું નહિ આપીને બધું આપી દીધું છે…વિભુ તને ખબર છે આપણને બાળકની બાબતમાં પસંદગી કરી શકીએ એટલી સ્વતંત્રતા આપી છે….નહીં તો સંતાનની બાબતમાં પસંદગી કરવાની સ્વતંત્રતા ક્યાં છે કોઈને..? કુદરત તમારા ખોળામાં જે નાંખે એજ સ્વીકારવાનું….વિભા આપણને જ્યારે પસંદગીનો અવકાશ છે જ તો શા માટે એનો સદ્દઉપયોગ ના કરીએ…? “

બહુ સમજાવટ પછી અને ક્યારેક જીદ તો ક્યારેક ગુસ્સો કર્યા પછી વિભાબહેન સંમત થયા.

નિરાંત થઇ તપસ્વીભાઈને….અને વિભાબહેનને. આનંદ તો હતો જ પણ વિભાબહેનના મનમાં એક છૂપો ભય પણ હતો…” શું હું એ કોઈકનાં બાળકને ઉછેરી શકીશ..? હું એને એની સગી જનેતા જેવો અને જેટલો પ્રેમ આપી શકીશ…? અજંપો હતો એમના મનમાં…હૃદય અને મન વચ્ચે તુમૂલ વૈચારિક દ્વંદ્વ ચાલતું હતું…થડકાટ હતો…પણ એમ છતાં એક દિવસ અનાથઆશ્રમમાંથી તાજી જન્મેલી અને ત્યજાયેલી દસેક દિવસની બાળકીને ઘરે લઈ આવ્યા. ઔપચારિકતાઓ પતિ ગઈ….અને નામ આપ્યું એ વ્હાલસોયી દીકરીને ગૌરી…

નામ આપતી વખતે પણ પતિ-પત્ની વચ્ચે નોકઝોક તો ચાલી…..મતભેદો પણ થયા પણ છેવટે તપસ્વીભાઈએ નમતું જોખ્યું અને વિભાબહેનની ઇચ્છા મુજબ એનું નામ ગૌરી આપ્યું.  જોકે એના નામ અને એના વાનમાં તો બહુ અંતર હતું. નામ ભલે હતું ગૌરી પણ વાને તો હતી એ શ્યામલી. શ્યામલીના નાક નકશી એકદમ ધારદાર હતાં.

બસ લાડેકોડે  ઉછેરવા માંડ્યા…..

ભુલાઈ ગયું કે આ પારકું જણ્યું છે……

હેતની હેલીમાં પારકું પોતાનું થઇ ગયું….

ધનતેરશ એ દીકરીનો જન્મદિવસ…સાક્ષાત્ લક્ષ્મીજીનો અવતાર. દીકરી એકદમ શુકનવંતી….શુભ પગલાંની….મંગલકારી….બધું બદલાઈ ગયું…ઘરનો માહોલ…ઘરની પરિસ્થિતિ. તપસ્વીભાઈ અને વિભાબહેનતો ખુશખુશાલ..દીકરીનાં પાવનકારી પગલાંનાં પ્રતાપે સફળતા એમના પગમાં પડવા લાગી. નામ…વૈભવ..કીર્તિ…સઘળું આવી ગયું આ છોકરીના પગલે પગલે.

વિભાબહેને કોઈક જ્યોતિષ પાસે દીકરીના જન્માક્ષર બનાવડાવ્યા….બતાવ્યા. જ્યોતિષીએ આગાહી કરી: “અદ્ભુત વ્યક્તિત્વ છે આ દીકરીનું. નામ પ્રમાણે જ ગુણ હશે. ગૌરી ગૌરવાન્વિત થશે અને કરશે એના પરિવારને. આ દીકરીએ તર્પણ માટે જ જન્મ લીધો છે. મોક્ષદાયિની છે આ છોકરી…. એના સમ્પર્કમાં આવનારનું પણ કલ્યાણ થશે.”

તપસ્વીભાઈ ખૂબ હસેલા એ દિવસે આ બધી વાતો પર…”જુઠ્ઠાં છે આ બધા જ્યોતિષીઓ…પૈસા પડાવવા આ બધા ખેલ કરે છે.”

****                           ****                          ****

 

તપસ્વીભાઈ અને વિભાબહેને જ્યારે દીકરી દત્તક લેવાનું નક્કી કર્યું ત્યારે સગાઓ અને આસપાસનાં લોકોએ તો ખૂબ ટીકા કરેલી. ચારેયકોર વાતો થયેલી કે “કેવા અક્કલ વગરના માણસો છે.. દત્તક લઈ લઈ ને છોકરી લીધી અને તેય પાછી કાળી કુબડી..!”

ગૌરી જુવાન થતી ગઈ…..આખું સ્વરૂપ બદલાઈ ગયું આ ગૌરીનું તો..! વાન ઉઘડ્યો…જુવાની એના શરીર પર ફરી વળી…..એક નાનકડા ઝરણાએ સમયનો પટ વટાવી અને હિલોળા લેતી નિર્બંધ સરિતાનું રૂપ ધારણ કર્યું. રૂપ વિસ્તરવા માંડ્યું…જોબન છલકાવા માંડ્યું. સૌ આશ્ચર્યચકિત હતા કે આટલો બધો નિખાર કેમ કરીને આવ્યો હશે..!!!!

જેવું રૂપ નીખર્યું એવીજ ગુણવાન બની ગૌરી. તપસ્વીભાઈ અને વિભાબહેને કોઈ કસર છોડી ન હતી એને સંસ્કાર આપવામાં….ભણાવવામાં એના ઘડતરમાં. એકદમ સાલસ સ્વભાવની, નમ્રતા ભારોભાર છલકે એના વર્તનમાં એની વાણીમાં અને એના વ્યવહારમાં….તદ્દન શાંત અને ભણવામાં અવ્વલ નંબર. એકદમ ધારદાર બુદ્ધિપ્રતિભા. માત્ર ભણવામાં જ હોશિયાર હતી એવું નહીં એણે તો સર્વ ક્ષેત્રો સર કર્યા. જબરદસ્ત વાક્ છટા. એને બોલતી સાંભળવી એ પણ એક લહાવો. એનું વાંચન એટલું ગહન એનું મનન અને એનું ચિંતન અને એને કારણે એની વૈચારિક ઊંચાઈ એટલી હતી કે એ કોઈ પણ વિષય પર વિના અવરોધ કલાકો સુધી વક્તવ્ય આપી શકતી. એનું એક આગવું વર્તુળ હતું . ખૂબ ભણી ડૉક્ટર બની પણ એણે ક્યારેય એનો વ્યવસાય તરીકે ઉપયોગ કર્યો જ નહીં સેવાકીય કામોમાંજ જોતરાયેલી રહી.

તપસ્વીભાઈ અને વિભાબહેન ખૂબ ખુશ હતા ગૌરવભેર ગુણગાન ગાતાં દીકરીના અને તપસ્વીભાઈતો કહેતા પણ ખરાકે: “ જો હું કહેતો હતો ને વિભુ કે સુખ-દુઃખતો આપણે જ નિર્માણ કરીએ છીએ…?”

“ હા..સાચી વાત તમે સાચું કહેતા હતા. “

“જો આપણી દીકરીએ તો આપણું નામ રોશન કર્યું.”

સમાજ માં એમનો મોભો વધી ગયો આ છોકરીના પ્રતાપે.

પણ એક ઘટના એવી બની કે બધો આનંદ ઓસરી ગયો… દુઃખનો પહાડ તૂટી પડ્યો એમના માથે… જિંદગી જીવવાનું અકારું બની ગયું. ભૂખ તરસ બધું ભુલાઈ ગયું…ઘર ભેંકાર બની ગયું…જિંદગીનો ઉજાસ ઓસરી ગયો.. જ્યારે એક દિવસ સવારે વિભાબહેન ઊઠ્યા અને ઘરનું બારણું ખુલ્લું જોયું.. અને ડાઈનીંગ ટેબલ પર સુંદર અક્ષરોમાં લખાયેલો એક ફૂલસ્કેપ કાગળ કશાકની નીચે દબાવેલો મળ્યો. વિભાબહેનતો હાંફળાફાંફળા દોડ્યા અને તપસ્વીભાઈને જગાડી આવ્યા. તપસ્વીભાઈ પણ એકદમ ગભરાઈ ગયા દોડાદોડ બહાર આવ્યા અને આખો કાગળ એક શ્વાસે વાંચી ગયા…એકદમ છુટા મોંએ રડી પડ્યા…વિભાબહેન પણ એમને જોઇને રડવા માંડ્યા ત્યાં સુધી તો એમને ખબર ન હતી કે શું થયું છે…!

“વિભુ… આપણી ગૌરી જતી રહી…” એટલું બોલતા તો ચોધાર આંસુએ  રડી પડ્યા…અને વિભાબહેન ને પણ ફાળ પડી… અને કાગળ વાંચવા માંડ્યાં.

“વહાલા મમ્મી-પપ્પા…,

હું જાણું છું કે આપના માટે મારું આમ ચાલી નીકળવું અત્યંત આઘાતજન્ય બનશે પણ ઈશ્વર તમને શક્તિ આપશે. વહાલા પપ્પા અને મારી ખૂબ વહાલી મા, તમને કહ્યા વગર અને તમારી સંમતી વગર મારું આમ ઘર છોડવું તમારા માટે ખુબ કપરું હશે પણ જો હું એમ ના કરત તો તમારા બંનેનું વહાલ મારા પગમાં બેડી બની જાત.

હું જાણું છું કે આપ તો મારા પાલક હતાં અને આપ બંને તો મારે જીવવા માટેનું કારણ હતાં. તમે આપેલી સમઝણથી હું એટલું તો સમજી શકી છું કે જીવનને માત્ર એક વર્તુળમાં બાંધી રાખવું નિરર્થક છે. મારા જેવાં કેટલાય નિઃસહાય લોકો સહારો શોધે છે…એતો હું હતી સદનસીબ કે મને તમારો સહારો મળ્યો તમારું હેત તમારું વાત્સલ્ય અને તમારા લાડકોડ મળ્યા અને જો મારા જીવનમાં તમે ના આવ્યા હોત તો…??????

કેટલા પ્રશ્નાર્થ હોત મારા જીવનમાં પણ ! કેટલાંય મારા જેવા અનાથાવસ્થામાં તરછોડાયેલા કેવી દયાજનક કેવી હિણપતભરી અને કેવી બદતર જિંદગી બસર કરતાં હશે એની કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઇ જાય છે.

પપ્પા અને મા, તમારા ઉછેરથી મારામાં એક સમઝણ તો પ્રગટી છે અને એના સદુપયોગ માટે જ હું જાઉ છું…. મારી ચિંતા કરશો નહી અને મને શોધશો નહીં. જ્યાં પણ જાઉં છું ત્યાં પરમ શ્રેયસ્કર માર્ગે જ છું.

મારા ખૂબ વહાલા પપ્પા અને મારી બહુ વહાલી માં, હું તમારા ખોળાને નહિ લજવું એની ખાતરી રાખજો.

આપ બંનેની વૃદ્ધાવસ્થામાં આપનું ટેકણ બનવાને બદલે હું ચાલી નીકળું છું એટલે મને સ્વાર્થી કે ભાગેડુ નહીં જ સમજો એટલો મને તમારા પર વિશ્વાસ છે. આ સમસ્ત વિશ્વમાં કેટલાય અસહાયો છે એમના અર્થે મારા જીવનનો ઉપયોગ થશે તો એ આપણા સૌ માટે કલ્યાણકારી નહીં હોય….??

તમારા સંસ્કાર મને એવાજ તો મળ્યા છે ને..??

એટલે પ્લીઝ…!  શોક ના કરશો તમારું માથું હંમેશને માટે ગર્વથી ઉંચુંજ રહેશે એટલો વિશ્વાસ તમારી આ દીકરી ઉપર રાખજો.. અને હા… હવે પછીના જીવનમાં ફક્ત એકવાર તમને મળવા આવીશ…હા ફક્ત એક વાર…!

બસ આશીર્વાદ આપજો કલ્યાણના….”

અંધકારના ઓળા પાછા ઉતરી આવ્યા તપસ્વીભાઈ અને વિભાબહેનના જીવનમાં.

ક્યાં હશે એ લાડલી દીકરી ..?

બહુ તપાસ કરી…થાક્યા. આશા મૂકી દીધી….પણ દર દિવાળી એ એક નામ વગરનું કાર્ડ અચૂક આવતું….શુભેચ્છા વ્યક્ત થતી… ધનતેરશ ઉજવાતી…કોઈ પણ જાતના ઉત્સાહ વગર …કોઇપણ જાતના આનંદ વગર.

****                                ****                                ****

બેસતા વર્ષનો દિવસ…

વર્ષોથી વિભાબહેનનો ઉંબરો કોરો રહ્યો હતો …..કોઈ આનંદ ન હતો જીવનમાં. ગૌરી ના જવા સાથે બધું વિસરાઈ ગયું. હવે તો બસ દિવાળીએ સરખી અને હોળીએ સરખી..

નવું વર્ષ એટલે લોકો વહેલી સવારે ઉઠી ગયા હતાં…ક્યાંક ક્યાંક ધૂમધડાકાનાં અવાજો.. દૂધવાળા, ફૂલવાળા, છાપાવાળાઓની અવરજવર સાથેસાથે  ઢોલ-શરણાઈનાં અવાજો અને ઘડીઘડીમાં નાનાંનાનાં ટાબરિયા સબરસ લઈને આવતા.આખું શહેર દિવાળી મનાવવાના ઉત્સાહમાં છે પરંતુ નથી ઉત્સાહ તપસ્વીભાઈને કે નથી વિભાબહેનને. આ ઘેર કોઈ આવતું નથી …કોઈ દરવાજો ખખડાવતું નથી.

પણ કોણજાણે કેમ છેલ્લા બે દિવસથી વિભાબહેનનું મન રાજીરાજી રહેતું હતું જાણે કશુંક સારું બનવાનું હોય..અને થયું પણ એમજ..આજે વર્ષો પછી સપરમા દિવસે વહેલી પરોઢે બારણે ટકોરા પડ્યા.

વિભાબહેને ઊંઘમાં જ અવાજ સાંભળ્યો…અને પૂછ્યું …” કો…..ણ……? કોણ છે…..આટલી વહેલી પરોઢે….?”

સામેથી કોઈ જ પ્રત્યુત્તર ના આવ્યો પણ ફરી બારણે ટકોરા પડ્યા. વિભાબહેન ધીમેથી પથારીમાં બેઠા થયા વૃદ્ધાવસ્થાને લીધે  અને ધીરેધીરે દરવાજા તરફ આવતાં આવતાં બોલતા હતા… “ ભાઈ કોણ છો …?શું કરવા બારણું ખખડાવો છો..? અમે દિવાળી નથી કરતા બાપા જાવ જે હોય તે…!” અને એટલામાં ફરી બારણે ટકોરા પડ્યા. વિભાબહેનને પગે તકલીફ હોવાથી ખૂબ ધીમેધીમે દરવાજા તરફ આવતા હતા એટલે વિલંબિત સ્વરમાં સહેજ ઊંચા અવાજે બુમ પાડી: ”કો…….ણ……કોણ…છે…?”

સામેથી અવાજ ના આવ્યો અને ફરી…”ટક….ટક…ટક…”  આ બધી ખટાખટમાં તપસ્વીભાઈ જાગી ગયા એટલે એમણે મોટા અવાજે પથારીમાં પડ્યા પડ્યા બુમ પાડી.. “અલ્યા ભાઈ કોણ છે..?”

“હું  છું…” કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો.’

બારણું ખૂલ્યું….સામે શ્વેત વસ્ત્રોમાં એક સ્ત્રી ઉભી હતી……વિભાબહેને આંખો ચોળતાં ચોળતાં પૂછ્યું…” કોણ છો બહેન ?” વિભાબહેન ઓળખી ના શક્યાં કારણકે એનો પહેરવેશ…એની હેરસ્ટાઈલ પહેલીવાર ગુજરાતી ઢબે પહેરાયેલી  બિલકુલ સફેદ સાડીમાં એને જોઈને એમને જરા સરખોય અણસાર ના આવ્યો..એમને તો એમ થયું કે દિવાળી છે એટલે કો’ક બોણી લેવા આવ્યું હશે..

સ્ત્રીએ ચરણ સ્પર્શ કર્યા એટલે વિભાબહેને આશીર્વાદ આપ્યા…

“મા….મમ્મા…!!!”

“ગૌરી…..!!!!! ગૌ…..રી……… બે…….ટા…!!!!!!! એટલું બોલતા તો જોરથી રડી પડ્યા… તપસ્વીભાઈ પણ ત્યાં સુધીમાં આવી પહોંચ્યા અને દીકરી એમને વળગી પડી.. એમના આશીર્વાદ લીધા…..બધી આંખો વહેવા માંડી અનરાધાર… તપસ્વીભાઈ તો મૂઢ જેવા થઇ ગયા…એમને કશી ખબર જ નથી પડતી કે શું થઇ રહ્યું છે અને શું કરું….? ગૌરી એ પપ્પાના આંસુ લુચ્છ્યા અને ધીમે ધીમે હાથ પકડીને અંદર તરફ દોરી ગઈ….તપસ્વીભાઈએ એમની બંને હથેળીમાં એનો ચહેરો પકડી રાખ્યો અને એક ધાર્યું એની સામે જોઈ રહ્યા અને આંખોતો અનરાધાર વરસતી રહી.. ….વિભાબહેન તો એક ખૂણામાં બેસી ગયા હતા અને રડતાં હતાં પણ કોને ખબર એમનામાં અચાનક હિમ્મત આવી ગઈ ઉભા થયા અને તપસ્વીભાઈ માટે અને ગૌરી માટે પાણી લઈ આવ્યા અને પાણી પિવડાવ્યું…વાતાવરણ ધીમેધીમે શાંત થયું..

વિભાબહેનનો અણસાર સાચો પડ્યો….

આનંદનો દિવસ આવ્યો…..બહુ વર્ષે દિવાળી શુભ થઇ….નવું વર્ષ જાણે નવો પ્રકાશ લઈને આવ્યું.

લાપસીનાં આધણ મૂકાયા…

વિભાબહેન અને તપસ્વીભાઈનાં મનમાં તો આનંદ સમાતો નથી….પણ…પણ એમને ક્યાં ખબર હતી કે આ આનંદ તો ક્ષણિક હતો…..બપોર થયાં…જમ્યા…અને પછી ગૌરીએ કહ્યું: “ પપ્પા-માં…, જૂઓ મેં મારું વચન પૂરું કર્યું…જીવનમાં ફરી માત્ર એકવાર હું મળવા આવીશ એવું મેં વચન આપ્યું હતું. એટલે હું આવી છું….તમારા આશીર્વાદ લેવા માટે….. હવે હું દીક્ષા લેવાની છું બાકીનું જીવન કોઈક એવા ખૂણામાં જઈને વીતાવીશ કે જ્યાં માણસની સાચા અર્થમાં સેવા થઇ શકે.”

“એ….એએ….એ શું બોલી બેટા..?” વિભાબહેન બોલ્યાં.

“દીકરી તું….તું… તો બેટા…..તું….આમ…પાછી…!!!!!”

“પપ્પા, આમ ઢીલા ના થાવ પપ્પા…તમે જ તો મને જીવનનો સાચો અર્થ સમજાવ્યો છે.”

“પ…પ…પણ દીકરી…??”

વિભાબહેન તો  મૂઢ જેવા થઇ ગયા હતાં….એક હરફ ઉચ્ચારી શકતા નથી. “ અને પપ્પા હું દીક્ષા લેવાની છું એનો અર્થ એવો નથી કે હું સાધ્વી થઈશ. માયાનાં આવરણો તોડવા માટે જ  હું અચાનક ચાલી નીકળી હતી….અને આટલાં વર્ષો હું તમારાથી દૂર રહી…. હવે મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ આવ્યો છે કે હવે મને કોઈ બંધનો બાંધી નહિ શકે અને એ તટસ્થતા નો ભાવ કેળવી શકી પછી જ હું તમારી પાસે મારું વચન પૂર્ણ કરવા આવી છું. પપ્પા ..મારી વહાલી મા મને આશીર્વાદ આપો કે બાકીનું જીવન હું કલ્યાણના માર્ગે જીવી શકું…અને એક વાત કહું પપ્પા-માં આ તમારી દીકરી તમારું ગૌરવ વધારવા જઈ રહી છે એટલે પ્લીઝ તમે આંસુ સારતા નહીં પણ હસતા મો એ  મને વિદાય આપો…”

 

શ્રેયના માર્ગે ચાલી નીકળ્યો એ શ્વેત ઓળો….એ દિવ્ય ચહેરો અને દિવ્યાત્મા…ક્ષિતિજમાં ઓગળી ગયો….

 

*********

 

 

વિજય ઠક્કર

ઓક્ટોબર ૧૧, ૨૦૧૬

 

 

 

.