Month: નવેમ્બર 2020

વિભીષણ છે એનું નામ….

“આવ બેટા “

“ કેમ છો શાલુ માસી..?”

“ મઝામાં બેટા, તું કેમ છે, સત્યા કેવી છે..? આજે અચાનક ક્યાંથી શાલુ માસી યાદ આવી બેટા.?

બસ એમજ. ઘણા સમયથી તમને મળવા આવવું હતું પછી આજે તો નક્કી કરી જ લીધું તમને મળવાનું.”

“સારું થયું…મને બહુ ગમ્યું..”

“એમ કર તો આજે સાથે જ જમીશું”

શીલે કોઈ ઔપચારિકતા વગર હા કહી દીધી.”

“માસી આજે મારે તમારી સાથે બહુ જ વાતો કરવી છે”

સારો એવો સમય નીકળી ગયો પણ શીલને જે કહેવું હતું તે કહી નહોતી શકતી. મૂંઝવણમાં હતી.

“શીલ મને લાગે છે કે તને કશીક મૂંઝવણ છે… કાંઈ કામ છે કે પછી કશું કહેવું છે તારે..?”

“……………….”

“કોઈ પ્રૉબ્લેમ છે ? તું એકલી આવી છે તો સત્યા તો બરોબર છે ને..?”

“હા માસી, મમ્મા તો મજામાં છે., પણ……?”

“તો..!  તને કશી તકલીફ છે..??

“માસી મારે તમારી મદદની જરૂર છે.”

“ઓહ, શેની મદદ બેટા? તો બોલ ને એમાં આટલી બધી મૂંઝાય છે કેમ ?”

“હું મારા કલીગ ને પ્રેમ કરું છું અને એની સાથે હું.. આઈ મીન.. અમે લગ્ન કરવા માંગીએ છીએ.”

“તો..! તો પછી પ્રશ્ન ક્યાં છે..?”

“મમ્મા…!”

“કેમ સત્યાને શું છે..! હું નથી માનતી કે એ તને રોકે.”

“માસી, યુ નો, મમ્મા નફરત કરે છે પ્રેમ કરતા લોકો ને “

શાલુ ખોવાઈ ગઈ એવી એક ઘટનામાં જ્યાંથી સત્યાને પ્રેમ નામનો શબ્દ પણ અણગમતો થઈ પડેલો. શીલ પણ મૂંઝવણમાં હતી. વાતાવરણમાં અકળ મૌન છવાયેલું હતું. બંને જુદીજુદી  દિશાઓમાં વિચારતા હતા. થોડીવારે શાલુ બોલી:

“કેમ સત્યા એવું કરે છે..?”

“ખબર નથી પડતી માસી… મને તો મારા ભવિષ્યની ખૂબ ચિંતા થાય છે… માસી હું સંકલ્પ વગરના જીવનની કલ્પના જ નથી કરી શકતી…હું  નહિ જીવી શકું..”

“તું ચિંતા નહિ કર બેટા…હું સત્યાને સમજાવીશ..”

“માસી, તમે તો મમ્માને ખૂબ નજીકથી જાણો છોને..! કેમ આવું કરે છે મમ્મા ? આટલી મોડર્ન  ભણેલી ગણેલી સ્ત્રી કેમ પ્રેમ સંબંધને નહિ સમજતી હોય..?? પ્રેમ શબ્દથી જ એ નફરત કરે છે..માસી પ્લીઝ તમે એને સમજાવો ને !”

શાલુ ક્યાંય સુધી ચૂપ થઈ ગઈ અને વિચારોમાં ખોવાઈ ગઈ. કાંઈ જ બોલતી ન હતી.

શીલ પણ સંકલ્પના વિચારોમાં અટવાઈ. સઘળું શાંત હતું. બંને મૌન હતાં. થોડી વારે શીલ વિચારોમાંથી બહાર આવી.

“માસી શું વિચારો છો ?”

“કાંઈ નહિ બેટા એ તો અમસ્તુંજ”

“માસી તમે કશુંક તો બોલો…મને એવું સતત લાગી રહ્યું છે કે તમે કશુંક તો જાણો જ છો પણ બોલતાં નથી.”

એક ઊંડો નિશ્વાસ નાખ્યો શાલુ એ…એકાદ મિનિટ ફરી મૌન થઈ ગયાં.. ઊભા થયાં અને રસોડામાં જઈ ફ્રીજમાંથી પાણીની બોટલ અને ગ્લાસ લઈ આવ્યાં. ઠંડું પાણી પીધું. નેપકીનથી મ્હો લૂછી નાખ્યું અને હાથમાં રહેલા નેપકીન સામે જોઇને જ બોલવા માંડ્યાં.

“શીલ બેટા, જો સાંભળ. “તારી મા છે ને એ અત્યંત કોમળ હ્રદયની બહુ પ્રેમાળ સ્ત્રી છે પણ સંજોગોએ એને રૂક્ષ બનાવી દીધી છે. છેલ્લા પાંત્રીસ વર્ષથી હું ઓળખું છું. એના જેવી ઋજુ સ્ત્રી કોઈ હોઈ શકે જ નહીં પણ વિધિના કારસ્તાને એને બહુ સતાવી છે.”

શીલ ચૂપ રહી. વચ્ચે કશું પણ બોલીને શાલુને ડીસ્ટર્બ કરવા માંગતી ન હતી.

“તને એક વાત કહું બેટા ? પણ હા, તું તારી ‘મા’ માટે કોઈ ગેરસમજ ના કરીશ. આજે વર્ષો પછી…” એટલું બોલતાં ફરી એક નિશ્વાસ નખાઈ ગયો.

“શાલુ માસી..!!”

“હા બેટા, એ પણ ક્યારેક કોઈકના ગળાડૂબ પ્રેમમાં હતી.”

“ત..તત..તો પછી મમ્માનું આવું વર્તન .??”

“એ જ તો હું તને કહેવા માંગું છું… શીલ જૂના ઘા એને બહુ પીડા આપે છે.”

“…………..”

“વિભીષણ એક પાત્ર છે તારી ‘મા’ ના જીવનનું…એના જીવનનો એક હિસ્સો, એનો અતીત,એનું સર્વસ્વ. બહુ પ્રેમ કરતા હતા બંને એકબીજાને. કોઈને પણ ઈર્ષા આવે એટલાં મગ્ન હતાં એમના એ પ્રેમ સંબંધમાં. વિભીષણ ખૂબ જાણીતો પેઇન્ટર હતો એક આર્ટિસ્ટ હતો…વર્સેટાઈલ પર્સનાલિટી.”

“…………………”

“સૌથી સારી વાત તો એના વ્યક્તિત્વની એ હતી કે એ બહુ સરળ માણસ હતો ને બધાંનો એ હમદર્દ હતો. તારી ‘મા’ ને એ બેસૂમાર પ્રેમ કરતો હતો, પાગલ હતો એની પાછળ. સત્યા જ એના જીવનનું ધ્યેય હતી, એ જ એની પ્રેરણા, એની શક્તિ અને એની મૂડી હતી. સત્યા પણ બહુ જ પ્રેમ કરતી હતી એને, બહુ સાચવતી અને એનું બધુંજ પ્લાનિંગ એ કરતી. “

શીલ એકીનજરે શાલુ તરફ જોઈ રહી હતી અને સાંભળી રહી હતી.

“વિભીષણ બહુ ધૂની હતો અને એકદમ મૂડી માણસ હતો. એક દિવસ રાત્રે સાડાબાર વાગે ઊઠીને મારે ત્યાં આવ્યો. મને ઊઠાડી અને કહે ચાલને શાલી આપણે શાંતિથી બેસીએ. મારે તારી સાથે બહુ વાતો કરવી છે. મને મોટેભાગે એ ‘શાલી’ કહીને બોલાવતો. જો ને શાલી, મારી સત્યા મને સૂવા પણ નથી દેતી.”

“વિભી, તને ખબર છે કેટલા વાગ્યા છે અત્યારે..?”

“ના ! નથી ખબર મને. મને તો ઊંઘ ના આવી એટલે હું તારી પાસે આવી ગયો.”

“રાતના સાડાબાર વાગ્યા છે વિભી. અને એ તો સારું છે કે હું એકલી જ છું નહિ તો તું તો મને છૂટાછેડા અપાવી દે.”

“ઓહ માય ગોડ” શીલ બોલી..

“મારે બે કલાક એની સાથે બેસવું પડ્યું અને એ દરમ્યાન એ જ બોલ્યા કર્યો. એ તો સત્યામય હતો. સત્યા પણ ખૂબ પ્રેમ કરતી હતી એને. વિભીના જીવનમાં એક કમોસમી વરસાદની જેમ આવી… જોરદાર વરસી અને જેમ કડાકા કરતાં વાદળ ધીમે રહીને હટી જાય એમ સત્યા પણ વિભીના જીવનમાંથી અદ્રશ્ય થઈ ગઈ…પરણી ગઈ મોહ સાથે… કે એને સંજોગોને આધીન પરણવું પડ્યું.” શીલ એકચિત્તે સાંભળી રહી હતી અને શાલુ પણ એકધાર્યું બોલતી હતી.

“તે રાત્રે વિભીષણ જ્યારે મારા ઘરે આવ્યો ત્યારે અસ્વસ્થ હતો અને દુઃખી પણ હતો. એની એ અવસ્થા અને એની માનસિક અવદશા જોઇને હું તો ગભરાઈ ગઈ હતી. મેં એને ધરપત આપવાનો પ્રયત્ન કર્યો…. આડીઅવળી ઘણી વાતો કરવાનો પ્રયત્ન કર્યો પણ એનું કશામાં ચિત્ત હતું જ નહિ. અનાયાસ કોઈજ સંદર્ભ વગર એણે મને કહ્યું: શાલી, એક વાત કહું ? શાલી હું કુદરતી મોત નહિ પામું… મારું અપમૃત્યુ જ થશે.. હા, હું આત્મહત્યા નહિ કરું પણ કુદરતી મોત પણ નહિ જ પામું.”

“………………..”

“તારી મમ્માના લગ્ન પછી સાવ બાવરો બની ગયો હતો વિભી. શીલ, હું સાક્ષી છું વિભીષણ અને સત્યાના સંબંધની, એમના પ્રેમની, એમની છટપટાહટની, એમની તડપની. બિચારાં એ બદનસીબ પ્રેમીઓ એક ના થઈ શક્યા. કુદરતે જ જ્યાં મ્હો ફેરવી લીધું પછી શું થાય..!!!”

શીલની આંખોનાં ખૂણા ભીના થઈ ગયાં.

“બંને અધૂરાં રહ્યાં, સાથે જીવવાનાં સઘળા અરમાનો તૂટી ગયાં. વિભી સત્યા માટે ખૂબ પઝેસિવ હતો, પાગલ હતો. સત્યાએ એનાં લગ્નમાં વિભીષણને હાજર રહેવા ખૂબ આગ્રહ કર્યો એમ કહોને કે જીદ કરી. સત્યાનો એક શબ્દ પણ એણે ક્યારેય ઉથાપ્યો નહોતો. વિભી લગ્નમાં હાજર રહ્યો અને નાટક તો એવું કર્યું કે એના જેટલું ખુશ કોઈ હોઈ જ ના શકે. વિદાયવેળાએ લગ્નમંડપમાં જ સત્યા એને પગે લાગી અને પછી ચાલી નીકળી. સત્યા એનાથી દૂર નીકળી ગઈ.. એક ક્ષણ પણ સત્યા વગર ના રહી શકનાર વિભીષણ, સત્યાથી દૂર હડસેલાઈ ગયો. ઊછળતા દરિયામાંથી ફેંકાઈ જતા કચરાની જેમ એ પણ જાણે ફેંકાઈ ગયો. સત્યા હવે પરાઈ બની ગઈ હતી અને હવે એની ઇચ્છા હોવા છતાં મળી શકે એમ નહોતી. એનો રાહ બદલાઈ ગયો હતો. સમય તો પાણીની જેમ વહેતો હતો પણ વિભીષણ માટે તો સત્યાથી છૂટા પડ્યાની એ ક્ષણે જ જીવન સ્થિર થઈ ગયું હતું.”

“………………..”

“ઘણા બધા સમયે મને એક દિવસ મળ્યો. ચહેરો એનો બદલાઈ ગયો હતો, એની રોનક જતી રહી હતી.”

શાલુ પહોંચી ગઈ એ કાલખંડમાં અને જાણે એ સમયને શબ્દો આપી રહી હતી. બોલવામાંને બોલવામાં એ પણ ભૂલી ગઈ કે શીલનું એના તરફ કે એના દ્વારા કહેવાયેલા શબ્દો તરફ ધ્યાન પણ છે કે નહિ. વર્તમાનમાં આવી ગઈ અને શીલ તરફ જોયું. શીલ એકધાર્યું એના તરફ જોઈ રહી હતી.

“પછી શું થયું માસી..?”

“મને કહે:  “શાલી, મારી સત્યા ચાલી ગઈ મને આમ રેઢો મૂકીને… મારું સર્વસ્વ જતું રહ્યું…આઈ…આઈ ડોન્ટ નોવ હું કેવી રીતે જીવી શકીશ સત્યા વગર.”

“બે વર્ષ વીતી ગયાં એ વાતને. સત્યા મોહ સાથે એના સંસારમાં મગ્ન બની ગઈ. સરસ રીતે એનો સંસાર ચાલતો હતો. તારો જન્મ થયો. વિભી હવે જાહેરમાં દેખાતો બહુ ઓછો થયો. મને પણ એણે મળવાનું ટાળવા માંડ્યું. અચાનક એક દિવસ ન્યૂઝપેપરમાં એના પેઇન્ટિંગનાં ‘વન મેન શો’ની જાહેરાત આવી. સત્યાએ જાહેરાત જોઈ અને મને ફોન કર્યો. 

“શાલુ, તેં કશું જોયું..?

“શું..?

“આજના ન્યૂઝપેપરમાં વિભીના ‘વન મેન શો’ની જાહેરાત આવી છે. ચાલને આપણે જઈએ એનો ‘શો’ જોવા. તું આવીશ મારી સાથે, પ્લીઝ ! મારે વિભીને જોવો છે..એને મળવું છે.. હું બહુ મિસ કરું છું હું એને.”

“અમે બંને ગયાં એનો પેઇન્ટિંગનો ‘શો’ જોવા. વિભીષણના દરેક ચિત્રમાં ક્યાંકને ક્યાંક સત્યા છૂપાયેલી જ હતી. વિભી અમને મળ્યો.”

“હાય શાલુ..! અરે વાહ.. સત્યા આવી છે…!!!. કેમ છે સત્યા..?”

“સારી છું… તું કેમ છે વિભી..??”

“હું દંભ નહિ કરું સત્યા એમ કહીને કે હું સારો છું. સત્યા વગરનો વિભી સારો હોઈ જ ના શકે. તારા વગરનો વિભી અધૂરો છે…ક્યારેય એ પૂર્ણ ના થઈ શકે. જીવું છું પણ જીવનનો કુદરતી ધબકાર તો ચાલ્યો ગયો છે તારી સાથે દોસ્ત. જીવ્યા કરીશ એ અકુદરતી ધબકાર સાથે, જ્યાં સુધી ઈશ્વર ચાહશે.”

શાલુ અને સત્યા અસ્વસ્થ થઈ ગયાં. વિભીષણ પ્રસંગની નજાકત પામી ગયો એટલે વાતચીતને નૉર્મલ બનાવવા પૂછ્યું “કેવો છે મોહ..?”

“સારો છે,પ્રેમાળ છે…”

વિભીષણ એની સામે જ જોઈ રહ્યો…ચહેરાની રેખાઓ તંગ થઈ…

“મને બહુ પ્રેમ કરે છે એ વિભી..”

“ધેટ’સ ફાઈન… તને કોણ પ્રેમ ના કરે સત્યા..?

“સેટલ છું ..? ખુશ છું તારા નવા જીવન થી..?”

“હા, તને ખબર છે વિભી ? મારે એક દીકરી છે સવા વર્ષની ‘શીલ’ છે એનું નામ..

“ખબર તો છે જ સત્યા… બહુ ઝડપથી સેટલ થઈ ગઈ..?? નવી પરિસ્થિતિનો આટલો ઝડપથી સ્વીકાર !!! 

“સ્વીકારવી પડે છે વિભી.. પણ, તારા શબ્દોમાં કડવાશ છે વિભી..?”

“ના, જેને બેસુમાર પ્રેમ કર્યો હોય એના માટે કડવાશ હોઈ જ કેવી રીતે શકે..? સત્યા હકીકત એ છે કે તું તારી અત્યારની પરિસ્થિતિમાં ઓતપ્રોત થઈ ગઈ છું, સુખી થઈ છું, ખુશ પણ દેખાઉ છું…પણ હું તો હજી ત્યાં જ સ્થિર ઊભો છું જ્યાં તે મારો હાથ છોડી દીધો હતો, હા, હજી પણ સત્યા. જો અનુભૂતિ કરી શકતી હોય તો કર પ્રયત્ન, મારા રોમરોમમાં તારા હોવાનો તને અહેસાસ થશે, જો  સાંભળી શકતી હોય તો સાંભળ મારા એકએક ધબકારમાંથી સત્યાના નામનો પોકાર સંભળાશે.

સત્યા, હું નથી કહેતો કે નથી ઇચ્છતો કે તું મારી પાસે પાછી આવ… હું તારા જીવનમાં જરાય વિક્ષેપ પાડવા પણ નથી માંગતો….પણ હા, એટલું તો ઈચ્છું છું કે તારા અસ્તિત્વના એક ખૂણામાં તું મને ધબકવા દે. મારા એ ધબકારને ક્યારેય દબાવી ના દઈશ.“

“અમે ત્યાંથી નીકળ્યા…જે વાતો થઈ હતી એનો ભાર સત્યા સાથે લઈને આવી. બહુ દુઃખી હતી સત્યા. હું એને અહીં મારા ઘરે લઈ આવી.”

શીલની આંખો ક્યારેક ભીની થઈ જતી તો ક્યારેક આશ્ચર્યના ભાવ સાથે એકદમ પહોળી થઈ જતી તો ક્યારેક આંખો બંધ રાખીને એ સાંભળતી રહેતી હતી.

“ઘરે આવ્યા..સત્યા ખૂબ અપસેટ હતી. થોડીવાર તો કશું બોલ્યા વગર બેસી રહી. મેં પણ એને ડીસ્ટર્બ ના કરી. હું ચા બનાવીને એની પાસે આવી. ચાનો કપ હાથમાં લેતા જ એ ભાંગી પડી..

“શાલી, કોઈએ ક્યારેય પ્રેમ ના કરવો જોઈએ….કારણ કે એ હંમેશાં દુઃખ અને સંતાપો જ આપે છે. નથી પમાતું કે નથી છોડાતું. હા, શાલી, વિભી મારો ધબકાર છે અને હું પણ મૃતપ્રાય જીવન જ જીવું છું પણ મારી કમનસીબી એ છે કે એની જેમ હું તો મારી પીડા કે દુઃખ પણ વ્યક્ત નથી કરી શકતી….હું બંધનોમાં જકડાયેલી છું જ્યારે એ નિર્બંધ છે…”

થોડી ક્ષણો નીરવ શાંતિ પથરાઈ રહી એ ખંડમાં.

“ ક્યારેક મને એની પરિસ્થિતિનો વિચાર આવે છે…..મારી પાસે તો વિભીનો વિકલ્પ છે ‘મોહ,’ અને મોહ પણ મને બેસુમાર પ્રેમ કરે છે., પણ વિભી તો સાવ એકલો અટૂલો. એની પાસે તો મારી યાદો અને મારા વિરહ સિવાય શું છે..? પણ હું શું કરું શાલી..?”

શીલ આખરે ભાંગી પડી..શાલુની આંખો પણ ભીની થઈ ગઈ. ધીમે રહીને સામે ટીપોય પર પડેલી પાણીની બોટલમાંથી શીલને પાણી આપ્યું. શીલ શાંત થઈ.

“પછી શું થયું શાલુમાસી..?”

“પછી તો વિભીએ મને પણ મળવાનું બંધ કરી દીધું હતું. પણ અચાનક એક દિવસ એનો મારા પર પત્ર આવ્યો.

“શાલી,

કેમ છે તું..?

છેલ્લા કેટલાંય દિવસથી બેચેન છું. કારણ ખબર નથી. જાણે દુનિયા પરથી મોહ ઊતરતો જાય છે. સત્યાને યાદ કરજે. હવે લાગે છે બહુ દિવસો નહિ જીવાય. શાલી, એક ઇચ્છા અવારનવાર મારા મનમાં ઊભરી આવે છે. સત્યાને કહેજે કે મને એના પેટે જન્મ આપે. મારે સત્યાને કોઈ પણ સ્વરૂપમાં પામવી છે. શાલી, મારા પ્રેમમાં વાસના નહોતી. સત્યા મારી જ છે ..મારે એની સાથે કોઇપણ સ્વરૂપમાં રહેવું છે.”

“ઓહ માય ગોડ…ગજબ પ્રેમ… મમ્મી….સોરી ફોર યોર લોસ”

“હા બેટા, આવા પ્રેમ કરવાવાળા કોઈક જ હોય.”

શાલુમાસી અત્યારે ક્યાં છે એ .? મને એમને જોવાનું એમને મળવાનું બહુ મન થાય છે.”

“એ પત્ર આવ્યાના થોડા જ દિવસો પછી એક સવારે ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યાં:

“વેલનોન પેઈન્ટર વિભીષણ ડાઈડ ઇન કાર એક્સીડેન્ટ…”

                                                   *********