ઘર આખું હેલે ચડ્યું હતું…..મહેમાનો આવી ગયાં છે…
આખું ઘર ભર્યુંભર્યું લાગે છે. સુંદર સજાવ્યું છે ઘરને..રોશનીનો ઝળહળાટ અને ઘરની આગળની જગામાં નાનો મંડપ બાંધ્યો છે…. આસોપાલવનાં તોરણ તથા પીળાં અને સફેદ ફૂલની સેરો ઠેરઠેર લગાવી છે.
ઘરમાં છેલ્લો પ્રસંગ છે …હવે નજીકના ભવિષ્યમાં કોઈ અવસર આવવાનો નથી..
સૌથી લાડકી, સૌની વહાલી અને સૌથી નાની શ્રેયાનું લગ્ન છે..
ખળખળ વહેતા ઝરણા જેવી ઊછળકૂદ કરતી. ચકલીની જેમ ફડફડાટ કરતી શ્રેયા બે-ત્રણ દિવસમાં આ માળો કાયમ માટે છોડી દેશે અને બીજી ડાળે જઈને બેસી જશે. આ ઘરમાંથી એના જવાની કલ્પનામાત્રથી આખું ઘર બેચેન બની ગયું છે. જ્યાં સુધી એ ઘરમાં હોય ત્યાં સુધી જ ઘરમાં ચહલપહલ હોય, ઘર ગુંજતું હોય-ગાજતું હોય પણ હવે એના જવા પછી ઘરમાં આવનારા સુનકારની કોઈ કલ્પના સુદ્ધાં નથી કરી શકતું. બહોળો પરિવાર છે. નાનાંનાનાં ટાબરિયાથી માંડીને પપ્પાજી સુધી બધાંમાં શ્રેયા વિશિષ્ટ પ્રકૃતિની છે. મમ્મીતો કાયમ કહે કે એના પગમાં ફુદરડી છે, એ જંપીને બેસે જ નહીંને… એક ક્ષણ માટેય જો શાંતિથી બેસે તો શ્રેયા એનું નામ
નહીં….!!!
શ્રેયા હવે બદલાઈ જશે. શ્રેયાનું સ્વરૂપ-નામ-સરનામું સઘળું બદલાઈ જશે. શ્રેયા દલાલ મટી જશે અને બની જશે શ્રેયા દિવાન. લગ્નના નામ માત્રથી ભડકતી આ છોકરી લગ્નના બંધનમાં જકડાઈ જશે.. છેલ્લા ઘણા વખતથી એણે સૂચક મૌન ધારણ કરી લીધું હતું. લગ્ન માટે આનાકાની કરવાનું કે લગ્નનો ઇન્કાર કરવાનું એણે છોડી દીધું. હવે તો પપ્પા-મમ્મીને જે વાતથી સુખ મળે એમ કરવાનો એણે નિર્ધાર કરી લીધો.
એનું લગ્ન કરવાનો નિર્ણય ઘરનાં સૌનો સામૂહિક હતો. આ લગ્નથી જોકે ઘરનાં બેજ સભ્યો નાખુશ હતા એક તો શ્રેયા અને બીજા એના પપ્પાજી.
બેય વચ્ચેનો સ્નેહ દુનિયાના તમામ સ્નેહસંબંધને ઝાંખા પાડી દે એવો છે.
પપ્પા લગભગ ૭૦ વટાવી ચૂક્યા છે. સાત સંતાનોના આ બાપનો કડપ આ ઉમરેય હજી એવોને એવો જ છે. એમની સામે આંખ મિલાવીને કે જરા જેટલો પણ ઉંચો અવાજ કરીને વાત કરવાની હિમ્મત ના તો ઘરમાં કોઈની છે કે નાતો ગામમાં અને એજ તો કારણ છે કે ૨૦-૨૨ જણાનો આ પરિવાર આજેય અખંડિત રહી શક્યો છે. આખા પંથકમાં એમની ધાક હતી.. પોલીસ અમલદાર તરીકે નિવૃત્ત થયા પછી પણ એમના મોભાની લોકો કદર કરતા અને એટલો જ આદર પણ કરતા અને એટલું જ નહી એમના રુઆબથી લોકો કાંપતા.
આખા પંથકમાં પી.ડી.ફોજદારનું નામ આવે એટલે અચ્છાઅચ્છા ધ્રુજવા માંડે. એમની સરકારી ખખડધજ જીપનો ધડધડાટ ગામની ભાગોળે થાય અને આખું ગામ આઘુંપાછું થઈ જાય..ફળિયામાં પગ મૂકે અને ફળિયામાં સન્નાટો વ્યાપી જાય.. અને ઘરમાં પ્રવેશ કરે અને આખું ઘર શાંત થઈ જાય. બધાં પોતપોતાના કામે વળગી જાય…જોકે ઘરમાં ક્યારેય એમણે કોઈની સાથે ઊંચા સાદે વાત નથી કરી કે નાતો કોઈના પર ગુસ્સો કર્યો છે…પણ તોયે ઘરમાં એમની આંખ ફરે ને બધું અને બધાં સાબદાં થઈ જાય પણ આખા ઘરમાં જો કોઈ માથાફરેલું હોય તો તે શ્રેયા… એને ક્યારેય પપ્પાજીનો ડર લાગ્યો નથી….ઊલટા પપ્પાજી એની પાસે એકદમ નરમ થઈ જતા…..શ્રેયા બહુ ડાહી છે. શ્રેયા, ઘરમાં બધાંની બહુ વહાલી અને લાડકી છે. ઘરમાં કોઈને પણ પપ્પાજીનું કશું કામ હોય તો એણે શ્રેયાને માધ્યમ બનાવવી પડે..અને એટલે જ તો શ્રેયા બધાંની ખૂબ લાડકી છે.
ક્યારેક કોઈ ગૂંચ હોય કે સમસ્યા, બધાનો હલ અને સમાધાન આ ઠાવકી છોકરી પાસેથી મળે. ક્યારેક તો પપ્પા-મમ્મી પણ એની સલાહને અનુસરે. ખૂબ તોફાની અને એટલીજ ચબરાક પણ.. ચોવીસ વર્ષની ઉમરેય ગજબનું ડહાપણ હતું. જેવી ધારદાર બુદ્ધિપ્રતિભા એવું જ ચમકદાર એનું વ્યક્તિત્વ. અત્યંત તેજસ્વી અને આકર્ષક ચહેરો, ધારદાર નાક-નકશી, સહેજ શ્યામલી અને ખળખળ વહેતા ઝરણા જેવી નિર્દોષ. પતંગિયાની જેમ આખો દિવસ ઉડાઉડ કરતી આ છોકરીની બધાં ચિંતા કરે… મમ્મીતો કાયમ એમ જ કહે કે “આ મુઈ ને કોણ સંઘરશે…..પારકા ઘેર જઈને શું કરશે આ?” ત્યારે પપ્પાજીનો એક જ જવાબ હોય…”તું હવે નકામી ચિંતા કરવાનું છોડ અને જોજે તો ખરી આ છોકરી તારું અને મારું નામ ઉજાળશે… ”
આમ તો મા દીકરી વચ્ચે હેતનો અને મિત્રતાનો સંબંધ હતો..વ્યવહારેય એકદમ નિકટની સખીઓ જેવો. કંઈપણ સમસ્યા-મૂંઝવણ કે વ્યવહારિક બાબત હોય તો એ બંને વચ્ચે નિખાલસ ચર્ચા થાય જ. શ્રેયાના જીવનની તમામ ગતિવિધીઓથી મમ્મી વાકેફ હોય પણ માનો જીવ છે તો ચિંતા તો રહેજ ને..?
****** ****** ******
શ્રેયા થોડી બદલાયેલી લાગે છે.. એનું વર્તન-વ્યવહાર બદલાયાં છે..થોડીક ગંભીર થઈ છે… બોલવાનું ઓછું થયું છે….બધાંની વચ્ચે ઓછી અને એકલી વધારે રહેવા લાગી છે… ઊંડા વિચારોમાં ખોવાયેલી રહે છે..ક્યારેક ક્યારેક એકલીએકલી હસે છે…શરમાય છે… તો ક્યારેક વળી ઉદાસ થઈ જાય છે. એનું આવું બદલાયેલું વર્તન મમ્મીના ધ્યાનમાં આવ્યું હતું પણ એ તરફ બહુ લક્ષ્ય નહિ આપેલું…. ચોવીસ વરસની આ છોકરી નાના બાળકની જેમ મમ્મી-પપ્પાના રૂમમાં એમની સાથે જ સૂઈ જતી…
તે દિવસે રાત્રે ગજબની ઘટના બની ગઈ.. પપ્પા બહારગામ હતા અને તે રાત્રે મમ્મી અને શ્રેયા એકલાં સુતા હતા..ઘરના બધાં પોતપોતાના માળામાં ભરાઈ ગયાં હતાં..શ્રેયા પણ ઘસઘસાટ ઊંઘતી હતી..પણ કોણ જાણે કેમ મમ્મીને ઊંઘ નહોતી આવતી. શ્રેયાના વિચારોમાં ક્યાંક અટવાઈ પડ્યાં હતાં.
શું હશે..? કોઈ ની સાથે કશું હશે તો નહીંને..? કોણ હશે..? પાછા પોતાની જાતે જ પોતાને આશ્વાસન પણ આપતા. ના… ના, કાંઈ હોય તો મારી દીકરી મને કહ્યા વગર રહે જ નહિ ને..આ ઘરમાં વળી ક્યાં કોઈએ કોઈ વાતે પડદો રાખ્યો છે ? વિચારોની ઘટમાળમાં ગૂંચવાઈ ગયા હતાં.
જુવાનજોધ છોકરી જ્યારે બોલવાનું ઓછું કરે ત્યારે એના મનમાં કશુંક હોય. આ સત્ય એ જાણતાં હતાં. સાત સંતાનો અને તેમાંય પાંચ છોકરીઓની માને તો છોકરું સહેજ પડખું ફરે તોય ફેરફારનો અણસાર આવી જાય. શ્રેયાના વર્તનમાં આવેલા ફેરફારો એમને કનડતા હતાં. બેચેન બની ગયા હતાં અને વળી પાછું તે દિવસ શ્રેયા પાછી પથારીમાં આડીઅવળી થયા કરતી હતી. કોણ જાણે કેમ ઊંઘમાંય બેચેની સતાવતી હશે..? આમતો ઘસઘસાટ ઊંઘતી હતી…મમ્મી ઊઠીને એની પાસે ગયાં. શ્રેયાની સામે જોઈ ને બેસી રહ્યા. માથે હાથ ફેરવ્યો..શ્વાસની ગતિ એકદમ તેજ હતી… એકદમ ચિંતામાં પડી ગયા.. પ્રાર્થના કરવા માંડ્યા “હે ભગવાન શું થયું મારી આ છોડીને…? “ઉભા થઈ ને લાઈટ કરી, અજવાળામાં શ્રેયાના ચહેરા પરની તંગ રેખાઓ અને કાંઈક ગણગણાટથી મમ્મી ગભરાયાં….શું થયું હશે આ છોકરીને…?
થોડીવાર શાંત થઈ ગઈ અને પછી પાછી કશુંક ગણગણવા માંડી.. ચોખ્ખું કશું સંભળાતું ન હતું પણ કોઈકનું નામ બોલતી હતી……અને પાછી અંગ્રેજીમાં બબડાટ કરવા માંડી…અને એ સાથે જ ચીસ પાડીને પથારીમાં બેઠી થઈ ગઈ..સાવ બહાવરી બની ગઈ, શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું…આંખો ફાડીને જોઈ રહી…પણ એને કંઈ જ ખબર પડતી નહતી કે શું બની ગયું…
મમ્મીએ પૂછ્યું ” શું થયું બેટા ?”
“કાંઈ નહિ.” એકાક્ષરી જવાબ આપીને પાછી સૂઈ ગઈ…
ક્યાંય સુધી મમ્મી એના માથે અને શરીર પર હાથ ફેરવતા રહ્યા…શરીર પરથી પરસેવો લૂછી કાઢ્યો…પાણી લઈ આવ્યા અને બેઠી કરીને પાણી પિવડાવ્યું. શ્રેયા તો શાંત થઈ ગઈ પણ એમની ઊંઘ ઊડી ગઈ. અશાંત મન હવે વિચારોના વમળમાં અટવાયું. “હવે તો વહેલામાં વહેલી તકે આ છોકરીનું….પણ એના બાપ ક્યાં માને છે? એમને તો હજુ નાની કીકલી જ લાગે છે…..જ્યારે કહીએ ત્યારે કહેશે કેમ તને આટલી બધી ઉતાવળ છે મારી આ દીકરીને…!!!!
વિચારોથી મન અને આંસુઓથી આંખો છલોછલ હતાં.
સવારેતો બધાં પોતપોતાના કામે વળગી ગયાં.દોડધામ હતી બધાંને… શ્રેયા હજુ સૂતી હતી..મમ્મીએ એને સુવા દીધી. રૂમને બહારથી સ્ટોપર મારી દીધી. .વિચારતા હતા કે “આખી રાતના અજંપા પછી બિચારી ઊંઘી છે તો છો ઊંઘતી.” મોડીમોડી શ્રેયા જાગી…અંદરથી બારણું ખખડાવ્યું….મમ્મીએ બારણું ખોલ્યું અને એને બાથમાં લઈ લીધી…માથે બરડે હાથ ફેરવતા રહ્યા. આંખો ભરાઈ આવી. એક બાજુ ગુસ્સો છે અને બીજી બાજુ મમતા છે…વહાલ છે.
મમ્મીના આવા વર્તાવથી એને અકળામણ થતી હતી પરંતુ મમ્મીના લાગણીશીલ અને અધિરીયા સ્વભાવની પણ તો એને ખબર જ હતી ને ! એમનું વર્તન કૈક આશ્ચર્ય જન્માવે તેવું હતું…એને મમ્મીના ચહેરા પર ભયની રેખાઓ દેખાઈ પણ એ તો અમસ્તું કંઈક થયું હશે એમ માનીને એ નિત્યક્રમમાં પલોટાઈ. થોડીવારે છાપું લઈને હિંચકે આવીને બેઠી….. મમ્મી પણ એની બાજુમાં બેસી ગયા.. શ્રેયા એ એ તરફ બહુ લક્ષ્ય ના આપ્યું … એમણે બોલાવી..” શ્રેયા…!!”
“હંઅઅ”
“રાતે શું થયું હતું તને..?” શ્રેયાએ છાપું એકબાજુ મૂકી દીધું”
“ક્યારે…?”
“તને ખબર છે રાતે તું ઝબકી ગઈ હતી..?”
“ના… તેં મને પાણી આપ્યું હતું એ ખબર છે.”
“હા મેં તને પાણી પિવડાવેલું….શું થયું હતું તને..સપનું આયેલું?”
“ખબર નથી..”
“સાચું કે’ છે ?”
“હા.. મમ્મી”
“કોનું નામ બોલતી’તી..?”
“નામ..?”
“હા નામ..”
“મને કાંઈ ખબર નથી…મને કશું યાદ નથી…”
“સાચું..?”
“હા… મા…?” ક્યારેક લાડમાં તે મમ્મીને મા કહેતી..
“એકદમ ચીસ પાડેલી અને કો’કનું નામ બોલી અને પાછી ઇંગ્લીશમાં કશુંક બોલતી’તી.”” મને કાંઈ યાદ નથી મા. “શ્રેયાએ વાત બદલવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને ઊભી થઈને જવા માંડી એટલે મમ્મી એ એને રોકી લીધી અને ગુસ્સે થઈને કહ્યું…” બેસ અહીં… ક્યાંય જવાનું નથી..”આજે પહેલી વાર શ્રેયા ડરી ગઈ અને બેસી ગઈ..થોડી વાર કોઈ કશું બોલ્યું નહિ.. શ્રેયાએ ગુસ્સામાં જોરથી હીંચકો ઝૂલાવવા માંડ્યો…અને મમ્મીએ ફરીથી ગુસ્સે થઈ ને કહ્યું…”રોક હીંચકો અને મને કહે કે એ કોણ છે.. ”
“……….”
“શ્રેયા મને કહે બેટા એ કોણ છે..”સહેજ નરમ થઈ ગયા.
અત્યાર સુધી શ્રેયાની કોઈ જ વાતથી તે અજાણ ન હતા અને આજે પહેલીવાર શ્રેયાએ કશુંક છુપાવવાનો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં બનેલી આવી જ ઘટનાઓ વિષે એણે સામેથી જ મમ્મીને કહેલું.. અનેક પ્રલોભનો એણે ઠુકરાવી દીધેલાં અને મમ્મી એ બધાથી વાકેફ હતા અને આજે…!!!
“હું આજે આખી રાત ઊંઘી નથી બેટા…બહુ ચિંતા થાય છે મને.” અવાજ સહેજ ગળગળો થઈ ગયો.” એવું કશું ના કરીશ બેટા કે અમારે નીચાજોણું થાય..”
“…………..”
” કોણ છે એ તો કહે…”
” મારા સાહેબ છે…”
” શું નામ છે …?
” યશસ્વી ….હું…હું એને બહુ પ્રેમ કરું છું..”
“………….” શું બોલવું એજ ના સમજાયું.. મૌન રહ્યા… બસ એ દિવસે આનાથી વધારે કશી જ વાત ના થઈ…પપ્પા પણ એ દિવસે સાંજે બહારગામથી આવી ગયા…. રાત્રે મોડા મમ્મીએ બધી વાત કરી.. પંદરેક દિવસ એમ જ સામાન્ય રીતે કોઈ પણ ઘટનાઓ ઘટ્યા વગર પસાર થઈ ગયા. આ દિવસોમાં બધાં જાણે શ્રેયાથી અળગાં થઈ ગયા…. એક દિવસ અચાનક પપ્પાએ રાત્રે શ્રેયાને બોલાવી અને પાસે બેસાડી..બાથમાં લઈને કપાળે ચૂમી લીધી…એના ચહેરાને તેમની હથેળીઓમાં લઈ તેની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કર્યો….પણ શ્રેયાએ આંખો ભીંસી દીધી…
“મારી સામે જો ”
શ્રેયાએ આંખ ના ખોલી…પણ અંદરથી ટપટપ કરતા આંસુ ધસી આવ્યા…
“બેટા …”
“હંમ”
“આવતી અગિયાર તારીખે તારું લગન છે..”
“………..”
મૌન થઈ ગઈ એ છોકરી …આજે પહેલીવાર એણે પપ્પાની સામે એક હરફ ના ઉચ્ચાર્યો…આજે પહેલીવાર એને પપ્પાની બીક લાગી. આંખો છલકાઈ ગઈ… ઘરના બધાં લગ્નની તૈયારીમાં પડી ગયાં..બધાંને ખૂબ ઉત્સાહ હતો….નિરુત્સાહ હતી ફક્ત શ્રેયા…. બધાં જેમ કહે તેમ કર્યા કરે.. જીવનનો ઉમંગ અદ્રશ્ય થઈ ગયો..
ફોજદાર સાહેબની શાખ પ્રમાણે ધામધૂમથી લગ્ન થયાં.. શ્રેયા વિદાય થઈ અને ઘરમાંથી કિલકિલાટ અદ્રશ્ય થઈ ગયો..ઓરડા સાવ સૂના થઈ ગયાં, બધાં દુઃખી હતાં…મમ્મીની આંખો સુકાવાનું નામ લેતી નથી..
જોકે સૌથી વધારે દુઃખી છે ફોજદાર સાહેબ.. વિદાયવેળાએ શ્રેયા પપ્પાને વળગીને ખૂબ રડેલી…અને ત્યારે પહેલીવાર આ પોલીસ અમલદારને ઢીલા પડેલા સૌએ જોયા..
આખી રાત આંટા માર્યા કર્યા..જ્યાં જ્યાં શ્રેયા સાથે મસ્તી કરતા એ જગ્યાએ જઈને ઉભા રહીને મનોમન જાણે શ્રેયાની હાજરીને અનુભવવાનો પ્રયત્ન કરતા હતા.
સવારે મમ્મી એમની પાસે આવ્યા …”ઊંઘ્યા નહીંને આખી રાત…?”
“ના ”
મમ્મીના હાથ તેમના હાથમાં લઈ લીધા અને આંખો છલકાઈ ગઈ..” આપણે આવું કેમ કર્યું…”?
“શું…”
“છોકરીને એની મરજી એ પૂછી નહિ..નિષ્ઠુર થઈ ગયા આપણે…??? છોકરીને પૂછ્યાગાછ્યા વગર જ વિદાય કરી દીધી આપણે આપણી જીદ પૂરી કરવા..??”
મમ્મીનો હાથ પકડીને જ્યાં શ્રેયાએ કંકુના થાપા માર્યા હતાં ત્યાં લઈ ગયા અને એના પર હાથ ફેરવવા માંડ્યા….હાથ ફરતો રહ્યો..આંખો છલકાઈ ગઈ…જીભ થોથવાઈ ગઈ…અને જોરથી એક ડૂસકું નીકળી ગયું…”જો.. જો…મારી આ ઢીંગલીના નાનાનાના હાથની નિશાની…જો મારા હાથમાં મારી દીકરીનાં હાથ છે..”
મમ્મીને બીક લાગી કે શું થઈ ગયું આમને…? આજે પહેલીવાર પપ્પાએ બધાંની હાજરીમાં મમ્મીના ખભે માથું મૂકી દીધું અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા અને એ સાથે વીસ-બાવીસ માણસોની આંખોનાં બંધ પણ તૂટી ગયા…
શ્રેયાના કંકુથાપા યાદ બનીને રહી ગયા….
********* *********
વિજય ઠક્કર
શબ્દો: 1803
લખ્યા તારીખ: April 18,2015 @ 11.35 PM