ઓટો સ્ટેશને આવીને થોભી.. ધીમેથી ઉતર્યા …એક હાથમાં કપડાંની સૂટકેસ અને બીજા હાથમાં મંદારને પકડેલો.. ઓટોનું ભાડું ચૂકવીને પાછળ છૂટી ગયેલા રસ્તા પર એક નજર કરી.. સ્ટેશનમાં પ્રવેશ ટીકીટ ખરીદીને પ્લેટફોર્મ પર આવી ગઈ..હજૂતો ટ્રેન આવવાની થોડીવાર હતી.. દૂર એક બાંકડો ખાલી હતો.. માના ત્યાં જઈને બેસી ગઈ..એકબાજૂ સૂટકેસ મૂકી અને બીજી બાજુ મંદારને બેસાડ્યો..ખબર નહીં આ નાનકડો છોકરો મંદાર પણ આજે એકદમ ચૂપ થઇ ગયો છે…!! કશું જ બોલતો નથી..ફક્ત મમ્મીની પાછળ દોરવાયો જાય છે.
સ્ટેશન પર મુસાફરોની ચહલપહલ, ફેરિયાનો ઘોંઘાટ, કુલીઓની આવન-જવન, રેનબસેરા જેવા આ પ્લેટફોર્મ પર સ્થાઈ નિવાસ કરતાં સમાજનાં તમામ અવલંબનને પાછળ મૂકીને આવેલાંમાંથી કેટલાંક લોકો અહીં-તહીં સૂતાં છે..અને આ બધી ભીડ વચ્ચે માના દૂરના છેડે આવેલા બાંકડે બેઠીબેઠી પોતાના મન સાથે તુમૂલ યુદ્ધ લડી રહી હતી.. ગંતવ્ય વિષે હજુ મનમાં દ્વિધા છે..પણ મનમાં એટલોતો ચોક્કસ નિર્ધાર કરી લીધો છે કે જે છોડ્યું છે ત્યાંથી તો મન હવે સદાને માટે વાળી લેવું.. છેલ્લા ત્રણ-ચાર વર્ષના સંઘર્ષ પછી માનાએ જાણે મેદાન છોડી દીધું….
સલીલ…હા ! સલીલ એનો પતિ… એની સાથેના સંઘર્ષનો અંત આવી ગયો.. એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.. પતિ-પત્ની નામનું લેબલ તોડી નાખ્યું..
ગઈ રાત્રે બંને વચ્ચે ખૂબ ઝગડો થયો.. વૈચારિક મતભેદો, નાનકડાં મન અને કશું જતું નહીં કરવાની વૃત્તિ..પુરુષનો અહમ અને પુરુષ મનમાં ધીમેધીમે ઉછરીને મોટા થયેલા સંશયના કીડાના સળવળાટે આ ગૃહસ્થીને ઊધઈની જેમ કોરી ખાધી…અને અંતે અવિશ્વાસના પાયા પર ઉભી રહેલી એ ઇમારત ધરાશાયી થઇ ગઈ..
બસ છૂટી ગયું બધું પાછળ…!
માનાના મનની ઉદાસી ચહેરા પર સ્થાઈ થઇ ગઈ છે… મંદાર નો કલબલાટ પણ સાવ શમી ગયો છે..કારણ આખી રાત એણે પપ્પા-મમ્મીને લડતાં જોયાં હતા.. સુનમુન થઇ ગયેલા બાળમન પર થયેલા આઘાતોએ ન જાણે શું શું અંકિત કરી દીધું હશે..! અત્યારેતો એની શી ખબર પડે..? એ બધું ક્યારે અને કેવા સ્વરૂપે બહાર આવશે એનીયે અત્યારે કેવી રીતે ખબર પડે..!!! આખી રાત સામસામા રાડારાડ અને ચીસાચીસ અને વાક્પ્રહારો ચાલતા રહેલા ત્યારે એ એના પપ્પાને આજીજી કરતો હતો અને એની કાલીકાલી ભાષામાં બોલતો હતો : “પપ્પા..મારી મમ્મા સાથે ઝગડો ના કરો ને..મારી મમ્મા રડે છે..” અને એ પણ રડતો..
ટ્રેન આવવાની તૈયારી થઇ. મુસાફરોની ચહલપહલ વધી ગઈ..પ્લેટફોર્મ પરનો શોરબકોર અને ભાગંભાગ છતાંય માના તો હજુયે એમજ બાંકડે બેસી રહી હતી..એનું મન-તન જાણે નિશ્ચેતન થઇ ગયાં હતાં.
ટ્રેન આવી થોભી અને જતી પણ રહી તોયે માનાતો એમજ બાંકડે સૂનમૂન બેસી રહેલી…ઘણી વારે મંદારે જ્યારે એને હલબલાવી નાંખી ત્યારે એનામાં સ્વસ્થતા આવી.. અને હાંફળીફાંફળી આજુબાજુ જોવા માંડી..પ્લેટફોર્મ પરનો શોરબકોર શમી ગયો હતો ખુબ ઓછા લોકોની અવરજવર હતી…એને ધ્રાસકો પડ્યો.. “ શું ટ્રેન જતી રહી..?? ઓહ માય ગોડ…શું કરું હવે..?? “
કડવા વિચારોની હારમાળા તૂટી ગઈ..આખરે ફરી પાછી મંદાર ને લઈને સ્ટેશનની બહાર આવી..ઉભી રહી ગઈ..એક દિશામાં હમણાં છોડીને આવી એ બધું, બીજી દિશામાં વર્ષો પહેલાં કાયમને માટે જેને અલવિદા કરેલી એ મા-બાપનું ઘર અને ત્રીજી દિશામાં એને મૂકીને જતી રહેલી ટ્રેનનું પ્લેટફોર્મ…. ત્રિભેટે આવીને ઉભી થઇ ગઈ…ક્યાં જવું …કેવી રીતે જવું…શું થશે..? અનેક ભાવો…અનેક પ્રશ્નાર્થ મનમાં ઉભા થયાં.
XX XX XX XX
“ ઈન્દ્રા ઊંઘ નથી આવતી તને..?”
“ ના કોણ જાણે આજે જીવ બહુ બળ્યા કરે છે..”
“ભગવાનનું નામ લે અને ઊંઘવાનો પ્રયત્ન કર એટલે ઊંઘ એની મેળે આવી જશે.. હજુતો રાતના
ત્રણ વાગ્યા છે..”
“કૌછુ..! મને તો જાણે કૈક ખોટું થવાનું હોય એવું લાગ્યા કરે છે..”
“ ઈન્દ્રા તું નકામી ચિંતા કરે છે… કશુંય અશુભ નથી થવાનું.. અને જે કાંઈ થાય કે બને ..બધું ઈશ્વરની ભેટ માનીને સ્વીકારી લેવાનું તો બહુ દુઃખ ના થાય સમજી…?”
“બધું સમજુ છું પણ મારું મન આજે કશુંક અમંગળ થવાનું હોય એમ બેચેન છે..”
“ જો ઈન્દ્રા વિધાતાએ દરેકની હથેળીમાં ચિતરામણ કર્યું હોય છે..આપણને એની નાતો સમજ પડે કે ના એમાં ખબર પડે..અને એ અજ્ઞાનમાં જ સુખ છે..સુઈ જા જે થશે તે બધું સારું થશે..”
થોડીવાર બેમાંથી કોઈ ના બોલ્યું..
“ કૌછુ..સાંભળો છો..? આ મીની તો મઝામાં હશે ને ? મને એ છોકરીની બહુ ચિંતા થાય છે..
“એની ચિંતા કરવા જેવી નથી ઈન્દ્રા….! હવે સુઈ જા અને બધું ભગવાનને સોંપી દે…આપણી મીની બહુ સમજદાર છોકરી છે..”
આ બંને ઘટનાઓ એજ રાત્રે સમાંતર બનેલી..એક બાજુ માનાનો એના પતિ સાથે સંબંધવિચ્છેદ અને બીજી બાજુ માનાના મમ્મીનો સંતાપ-વિલાપ અને ચિંતા….એમનું દુઃસ્વપ્ન ખરેખર એ દિવસે કડવું સત્ય બનીને સામે આવ્યું..
હજુતો સવાર જ પડી હતી, ઘરનાં બધાં સભ્યો નીત્યક્રીયાઓ પતાવીને પોતપોતાનાં કામે વળગવાની પળોજણમાં હતાં અને એજ વખતે માનાનો ઘરમાં પ્રવેશ થયો અને સૌથી પહેલી નજર એના પર મમ્મીની જ પડી..”
અરે મીની..! તું આમ અચાનક આટલી વહેલી સવારે..??“
“હા મમ્મી… હું થોડા દિવસ રહેવા આવી છું..”
“પણ આટલી વહેલી સવારે અને એય પાછી આટલી મોટી બેગ લઈને..?”
“હા મમ્મી આજે વહેલી સવારે નક્કી કર્યું અને નીકળી પડી…પણ કેમ મમ્મી હું અહીં રહેવા ના આવી શકું..?”
“આવવાની તો ક્યાં ના છે
બેટા…પણ આતો થોડું જુદું લાગ્યું એટલે કહ્યું…”
“અરે ઈન્દ્રા!તું આમ કેમ કહે છે..? શું થયું છે તને હેં..?”
“મને ક્યાં કશું થયું છે..?આ તો ગામમાંને ગામમાં છોકરી રહેતી હોય અને સવારના પહોરમાં આમ આવડી મોટી બેગ લઈને ઘેર આવે તો ચિંતા તો થાય જ ને..? પણ એ તમને નહીં સમજાય…એના માટે તો માં થવું પડે…”
હવે પપ્પાનો વારો હતો..
“બેટા બધું સારું તો છે ને..?”
“હા પપ્પા બધું ઠીક છે..અને એ તો ઠીક કે સારું ના પણ હોય તો ક્યાં કશું આપણા હાથમાં હોય છે..?”
“બેટા…!કેમ આવું બધું નિરાશાજનક બોલે છે ?”
“કશું જ નથી પપ્પા..આ તો બસ..”
“તું સાચું તો બોલે છે ને બેટા…?”
માનાએ હિમ્મતપૂર્વક રોકી રાખેલો પોતા પરનો સંયમ ખૂટી પડ્યો..ચોધાર આંસુએ રડી પડી..મમ્મીને ફાળ પડી…કશુંક અશુભ થવાના એંધાણ મળેલા એ સાચા પૂરવાર થયા…પપ્પાના ખોળામાં માથું મૂકીને ક્યાંય સુધી રડતી રહી..મમ્મી-પપ્પા બંને એને સાંત્વન આપતા રહ્યાં…બહુ વારે શાંત થઈ…સહેજ સ્વસ્થ થઇ..એ આખો દિવસ કોઈએ કશું પૂછ્યું નહીં..અને માનાએ પણ કશુંય કહ્યું નહીં…આખો દિવસ માના ગુમસૂમ બેસી રહી.રાત્રે પપ્પા-મમ્મી હિંચકે બેઠાં હતાં અને માના એ રૂમમાં પ્રવેશ કર્યો..એના હાથમાં એક કાગળ હતો અને એ કાગળ એણે પપ્પાના હાથમાં મૂક્યો..મમ્મીતો આ જોઇને બઘવાઈજ ગઈ અને લગભગ બુમ પાડી ઊઠ્યા
“શેનો છે એ કાગળ…મીની..?
“કશું નથી..ઈન્દ્રા તું શાંતિ રાખીશ..? મને પહેલા વાંચવા તો દે…”
“હે ભગવાન શું થવા બેઠું છે આ..?” વલોપાત કરવા માંડ્યા..
“કશું જ નથી થવા બેઠું..મને પહેલા કાગળ વાંચવા દઈશ..??” પપ્પા સહેજ ગુસ્સે થઈ ગયા.
પપ્પાએ કાગળ વાંચવા માંડ્યો..:
“આપણે દસ વર્ષ સાથે રહ્યા છતાં આપણું માનસિક સંયોજન ના થઇ શક્યું અને એટલે હવે આપણે છુટા પડીએ એજ શ્રેષ્ઠ વિકલ્પ છે,જે આપણા અને મંદારના હિતમાં છે અને એ વિકલ્પ આપણને બંનેને મંજુર છે કારણ કે આપણે બંને સમાયોજન સાધીને સાથે રહી શકીએ એ સામર્થ્ય ગુમાવી ચૂક્યા છીએ.આ લખાણ આપણે બંનેએ રાજીખુશીથી અને સમજણપૂર્વક પૂરા હોશોહવાસમાં લખ્યું છે અને જરૂર જણાય તો એનું આપણા બંનેમાંથી કોઈ પણ કોર્ટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે..”
કાગળમાં નીચે બંનેની સહીં હતી. કાગળની એક કોપી માના પાસે અને એક કોપી એની પાસે હતી..
પપ્પા કાગળ વાંચતા જ અવાક્ થઈ ગયા..કપાળ પર પરસેવો વળી ગયો..ચશ્મામાં ઝાંય વળવા માંડી..શ્વાસની ગતિ બેવડાઈ ગઈ.. આંખો ભીની થઈ આવી.. મમ્મી પણ રડવા લાગ્યાં… કોઈ કોઈને સાંત્વન આપી શકે એ પરિસ્થિતિમાં હતું જ નહીં.. માના પણ રડતી હતી..એકલો મંદાર સ્વસ્થ હતો એ પણ આ દ્ગશ્ય જોઇને બઘવાઈ ગયો.. માના પાસે જઈને એને વળગી પડ્યો.. અને એના આંસુ લૂછવા માંડ્યો..” મમ્મા તું રડીશ નહીં ને.. આપણે પપ્પાની કિટ્ટા કરી દઈશું…”
બધાં શાંત થઈ ગયાં…સુનમુન…કોઈ કશું બોલતું નથી.. બધાં પોતપોતાના મન સાથે સંવાદ કરતા હતા કે પોતપોતાની રીતે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા હતાં. ખાસ્સી વાર પછી પપ્પાએ પૂછ્યું :“ કેમ બેટા …કેમ આવું થયું ?”
“ય…શ…!”
“યશના કારણે…???”
“હા પપ્પા“
“તારો સંબંધ છે હજી…??”
“ના,ઘણાં વર્ષોથી સંપર્ક તૂટી ગયો છે એની સાથે…પણ મારી ભૂલ એ થઈ કે લગ્ન પછી મેં એને યશ સાથેના મારા સંબંધની રજેરજ વાત કરી….”
“એ તો તારી પ્રામાણિકતા હતી બેટા…”
“પ્રામાણિકતાનું હંમેશાં સારું જ પરિણામ મળે છે એવું નથી એ પૂરવાર થઈ ગયું ને પપ્પા..?”
“મને તો ખબર જ હતી કે એ નખ્ખોદિયો મારી છોકરીનો ભવ બગાડશે…” ઈન્દ્રાબહેન એકદમ તાડૂક્યા…
“મમ…મમ્મી…પ્લીઝ…!!“
માનાએ પહેલા રોષમાં અને પછી વિનંતીથી પ્રતિકાર કર્યો..
“ઈન્દ્રા..! યશ માટે એવું ના બોલ એ સારો માણસ છે..એણે તો મીનીને બહુ સાચવી છે..બહુ પ્રેમ કર્યો છે..એ તો વિધાતાની નિષ્ઠુરતા કે મીનીને એ પામી ના શક્યો…”
ઈન્દ્રાબહેન હવે સાવ ચૂપ થઇ ગયાં..
“આવું કેમ થયું બેટા?”
“પપ્પા અમારી વચ્ચે પ્રેમનું ઝરણું તો ક્યારનું સુકાઈ ગયું હતું….રહ્યો હતો માત્ર નફરતનો કીચડ…અમારા જીવનમાં એકદમ પલટો આવી ગયો..શરૂઆતના શાંત સુખી જીવનના કમાડની તિરાડમાંથી તોફાની વાયરો સુસવાટા મારતો ધસી આવ્યો..બધું વેરણ છેરણ થઈ ગયું…બધું લૂંટાઈ ગયું..” ખૂબ ગમગીન અવાજે માના બોલી.
“જવાબદાર કોણ બેટા…??
તું કે એ ..???”
“સમય…,પપ્પા, સમય અને બીજો સંશય “
“યશ જવાબદાર ખરો..?”
“ના પપ્પા ના..બિલકુલ નહીં, એણે તો કશું કર્યું નથી..એ તો આજે પણ દૂર ઊભોઊભો મને પ્રેમ કરતો હશે…પણ પપ્પા સત્ય તો એ છે કે એના પ્રત્યેના દ્વેશભાવે જ અમારું બધું લૂંટાઈ ગયું..”
“બસ એ દિવસ પછી ઘરમાં કોઈએ પણ એ વાતનો ઉલ્લેખ ના કર્યો.. પંદરેક દિવસ વીતી ગયાં”
એક દિવસ વહેલી સવારે માના જાગી ગઈ..પપ્પાને ધીરેથી ઉઠાડ્યા અને બહાર વરંડામાં લઈ આવી..બંને જણ હીંચકે બેઠાં..થોડીવાર બંને સૂનમૂન બેસી રહ્યાં..હીંચકાનાં હિલ્લોળની સાથે મન પણ ઝૂલતું હતું..
“પપ્પા…હું શું કરું..?”
“કશું નહીં બેટા.બસ તું તારે અહીં રહે શાંતિથી..અને ભગવાન પર ભરોસો રાખ..”
“પપ્પા મારાથી અહીં નહીં રહેવાય…”
“કેમ બેટા..? કેમ આવો રુક્ષ જવાબ..? તને કાંઈ અમારા ભાવમાં ખોટ વર્તાઈ..??”
“ના પપ્પા..પ્લીઝ એવું કશું નથી પણ હું બધા ઉપર બોજ બનીશ..”
“એવું કેમ વિચારે છે મીની….?”
“પપ્પા.., હું યશ પાસે ચાલી જાઉ છું…”
“એ તો કેવી રીતે શક્ય છે બેટા…??”
“પપ્પા મને યશ પર પૂરો ભરોસો છે…અને હવે હું યશ માટે છેક અંત સુધી લડી લઈશ, હવે હું જરાય નમતું પણ નહીં જોખું અને હાર પણ નહીં માનું..”
“બે…ટા…”
“મને ચોક્કસ ખબર છે કે યશ મારી રાહ જોતો હશે પપ્પા…. યશને બધાએ અન્યાય કર્યો છે..મેં પણ,હા, મેં પણ એને અન્યાય કર્યો છે.”
“તો તું શું કરવા માંગે છે..?”
“બસ હું યશ સાથે રહીશ કોઈ પણ રીતે. યશ મારો સ્વીકાર કરશે જ,મારો આત્મા કહે છે કે મીની, જા….જા તારું ખરું ઠેકાણું યશ પાસે જ છે..”
“મારું મન નથી માનતું…બેટા…”
“પપ્પા એને હું એકવાર મળું ..? તમે આવશો મારી સાથે..?”
“હા…હા,હું ચોક્કસ આવીશ.. બેટા તારી સાથે..”
બીજા દિવસ માના અને પપ્પા યશના શહેરમાં ગયા..યશને ત્યાં પહોંચ્યા ત્યારે સવારનો સમય હતો. દરવાજો નોક કર્યો….થોડીવારે દરવાજો ખૂલ્યો..સામે એક રૂપાળી-જાજરમાન સ્ત્રી ઊભી હતી, આ લોકોને જોઇને એકદમ આશ્ચર્યમાં પડી ગઈ..
“કોણ…તમે…??? માના..!!!”
“હા..! હું માના “
પપ્પા સહેજ પાછળ દૂર ઊભા હતા..માનાએ એમના તરફ ઇશારો કરીને કહ્યું “ મારા પપ્પા છે..”
“નમસ્તે..”
“નમસ્તે…”
“યશ છે..?” માનાએ પૂછ્યું…
“હા…હા, છે જ, અને તમારી રાહ જૂએ છે…”
“મારી રાહ જૂએ છે..???પ..પ..પણ એને તો ખબર જ નથી કે હું આવવાની છું..”
“હા પણ તોય એ તમારી રાહ જુએ છે…”
“પણ કેમ?”
“કાયમ મને કહે છે…નીલેશ્વરી મારી માના પાછી આવશે જ મારી પાસે…. તારે એને તારી પાસે રાખવી પડશે હોં કે!”
પપ્પાતો આ બધું સાંભળીને સાવ ઢીલા જ થઈ ગયા..આંખોમાં આંસુ ધસી આવ્યાં..પાછું નીલેશ્વરીએ બોલવાનું શરુ કર્યું..” જો માના, ઉપર અગાશીમાં એ ઊભો હશે અને અપલક રસ્તાને જોતો હશે.. રોજ એ આમજ ઊભો રહે છે અને હતાશ થઈ જાય છે અને પછી આવીને મને કહેશે…”નીલેશ્વરી આજે પણ માના ના આવી..” ચાલો આપણે ઉપર અગાશીમાં જઈએ…પણ હા…ખૂબ ધીમેથી એને સહેજ પણ ખલેલ ના પડે એ રીતે..” યશ અગાશીમાં એમજ ઊભો છે.નીલેશ્વરીએ જેવું વર્ણન કર્યું હતું એમજ.સફેદ કુર્તા પાયજામા ઉપર બ્રાઉન સ્વેટર પહેરેલું છે.. અસ્તવ્યસ્ત વાળ અને બે-ત્રણ દિવસની વધેલી દાઢી છે. અગાશીની પેરાપેટ પાસે ઊભો રહીને બરાબર એના ત્રિભેટે આવેલા ઘર સામેથી પસાર થતા અને દુરદુર સુધી જઈ ક્ષિતિજમાં ઓગળી જતા એક લાંબા રસ્તાને એકી નજરે તાકી રહ્યો છે. નીલેશ્વરી સૌથી આગળ દાદર ચડતી હતી અને માના અને પપ્પા થોડાં પગથિયાં પાછળ હતા. અગાશીના દરવાજે પહોચતાં સુધીમાં નીલેશ્વરીએ એને બૂમ પાડી.. “યશ..!”
એણે કોઈ પ્રત્યુત્તર ના વાળ્યો એટલે નીલેશ્વરીએ ફરી બુમ પાડી.. “ યશ..!!!!”
“શું છે ની..લ…. ??”અને એ ધીમેથી નિરાશ ચહેરે પાછળ ફર્યો અને એમજ રોજની જેમ એક નિસાસા સાથે બોલી પડ્યો…“ “ની..લ આજે પણ..મા..ના.. ના આવી.!”
નીલેશ્વરી અને યશ વચ્ચેના આ સંવાદ દરમ્યાન માના અને પપ્પા દાદરમાં જ થોભી ગયાં હતાં. બંનેના હૃદયમાં વ્યગ્રતા મનમાં ઉચાટ અને પગમાં થડકાટ હતો…વજન હતું. માનાને જોશથી ડૂસકું આવી ગયું.. પણ એણે દુપટ્ટામાં મોઢું છુપાવી દીધું….જોરથી રડી પડી પણ સહેજે અવાજ ના થાય એટલી તો એ સભાન હતી જ એટલે એનો અવાજ ઉપર સુધી ના પહોંચ્યો.
“યશ તું આંખો મીંચી દે તો…!! જો તો હું તારા માટે શું લાવી છું…!!!!!”
“મને કાંઈ નથી જોઈતું નીલ…“
“યશ સાચ્ચેજ નથી જોઈતું તને કાંઈ..પછી પસ્તાઈશ હોં કે યશ..!
“ની…લ…..પ્લીઝ યાર…! તને ખબર તો છે કે મને નથી ગમતું કશું” નિરાશ અવાજમાં યશ બોલતો હતો..
નીલેશ્વરી, એના મન અને હૃદયના ભાવ અને પીડા બહુ સભાનતાથી છુપાવતી હતી અને એટલે એ વધારે બોલકી બની ગઈ હતી. માના અને પપ્પા પણ થડકતા હૃદયે અને વજનદાર પગલે દાદરનું એકએક પગથિયું ચડતા હતા… અને…! નીલેશ્વરીનો યશ સાથેનો સંવાદ સાંભળીને બન્ને જણ ત્યાં દાદરમાં વચ્ચે જ ખોડાઈ ગયાં.
માના માટે આ ક્ષણ આનંદાશ્ચર્ય લઈને આવી છે તો પપ્પા માટે હળવાશ અને ભય બંને લઈને આવી છે…લાગે છે તો એવું કે તેમના જીવનમાં અનાયાસ ધસી આવેલાં અનિશ્ચિતતાનાં કાળાં ઘનઘોર વાદળા હવે હટી જશે અને ફરી પાછો વ્યાપશે ઉજાસ.. પણ….?? પપ્પાનું હૃદય નિયમિત કરતા ઘણી વધારે ઝડપથી ધબકારા લે છે..પગમાં પણ ધ્રુજારી થાય છે.જે બની રહ્યું છે એ ખરેખર વાસ્તવિકતા છે કે પછી આભાસ.!!આવું શું ખરેખર બની શકે?? કોઈ એક સ્ત્રી એટલી ઉદાર, એટલી પરગજુ હોઈ શકે કે પોતાના સંસારને પોતાના જ હાથે વિભાજિત કરે..?? આ બધા પ્રશ્નોની ભૂતાવળ પપ્પાના મનમાં ઉઠી છે પણ અત્યારે પરિસ્થિતિ એવી પણ નથી કે જે બની રહ્યું છે તે બાબત કોઈ સંશય ઊભો કરે. કોઈ સ્ત્રી શું એટલી ઉદાર હોઈ શકે કે પોતાની ગૃહસ્થીમાં અન્ય સ્ત્રીનો પ્રવેશ આટલી સહજતાથી સ્વીકારે…! માની ના શકાય એવી આ વાત પપ્પા માટે સંશયનું મોટું કારણ છે…વળીવળી ને એક વિચાર આવે છે કે શું આ છળ તો નહીં હોયને..??? જવ્વલ્લેજ બનતી આ ઘટના પોતાની દીકરીનાં જીવનમાં બનવા જઈ રહી હતી. જોકે અત્યારે તો એને વિધાતાની એક ઓર કમાલ કે પછી અવળચંડાઈ એમ જ માનવામાં શાણપણ હોવાનો અહેસાસ પણ એમના અનુભવી જહનને છે જ.
“યશ…સારું તારે આંખો બંધ ના કરવી હોય તો કાન ખુલ્લા કર અને ધ્યાનથી સાંભળ હું જે કહું તે… ઓ..કે…યશ…! હું ફરી નહીં બોલું હોં…” નીલ એની સાથે નાના બાળકની જેમ વ્યવહાર કરતી હતી.
“એક ખાનગી વાત કહું યશ…? તું કોઈને કહીશ તો નહીં ને..?”
“ના“ એકાક્ષરી જવાબ આપ્યો
“યશ…! આજે તો બોલ માના આવી છે..” એકદમ સહજતાથી કહી દીધું.
“તું કાયમ મારી પાસે જુઠ્ઠું બોલે છે નીલ“
“પણ આજે તો હું સાચું બોલું છું યશ..” એટલું બોલતા બોલતા એણે દાદર તરફ ફરી ને જોરથી તાળી પાડી… માના એનો ઇશારો સમજી ગઈ અને દાદરમાંથી અગાશીમાં જઈ પહોચી.. બંને ની નજર એક થઈ…યશ ને હજુ વિશ્વાસ નથી બેસતો કે માના એની સામે સદેહે ઉભી છે.. યશનું માથું ભમવા માંડ્યું…આ શું જોઈ રહ્યો છે એ..? માનાની આંખો ભરાઈ આવી દોડતી ગઈ અને યશને વળગી પડી..યશ પણ સમજી નહતો શકતો કે એણે શું પ્રતિક્રિયા આપવી પણ ધીમેથી એના હાથ પણ માનાને ફરતે વીંટળાઈ ગયા. માનાનાં આંસુ રોકાતા નથી અને યશની છાતીમાં મોઢું નાખીને રડે જાય છે.. નીલેશ્વરીની આંખો પણ ભરાઈ આવી અને એ આ દ્રશ્ય જોઈ ના શકી એટલે નીચે જવા માંડી અને સામે પપ્પા ઊભા હતા. એમને તો એજ સમજાતું નહતું કે આ બધું શું થઈ રહ્યું છે ..? એ મુંઝવણ અનુભવતા હતા પણ નીલેશ્વરીને નીચે જતી જોઇને એ પણ એની પાછળ ગયા. નીલેશ્વરીની આંખોના બંધ તૂટી ગયા હતા. પપ્પા એની પાસે ગયા અને એના માથે હાથ ફેરવવા લાગ્યા…અને પાસે જ પડેલી પાણીની બોટલ એની સામે ધરીને પાણી પીવા કહ્યું.
નીલેશ્વરી શાંત થઈ.. પપ્પા એની સામે બેસી ગયા અને એની સામે હાથ જોડવા લાગ્યા. એમની આંખો પણ ભરાઈ આવી હતી… છોકરીના એક વૃદ્ધ બાપની લાચારી સ્પષ્ટ દેખાતી હતી એમના ચહેરા પર…એમના વર્તનમાં. નીલેશ્વરીએ એમને હાથ જોડતા અટકાવ્યા અને એમને પણ પાણી આપી શાંત કર્યા.
યશ અને માના હજુ ઉપર જ હતા અગાશીમાં.. ખૂબ ધીમો અવાજ સંભળાતો હતો પણ કશું સ્પષ્ટ થતું ન હતું.
“બેટા..તું તો અમારા માટે ભગવાન થઈને આવી..? આ ઘરડા માં-બાપ પાછી ફરેલી પરણેતરને કેમના વેંઢારત..? હું તો માનીજ નથી શકતો કે એક સ્ત્રી આટલો મોટો ભોગ કેવી રીતે આપી શકે..? મને હજુ આ સપનું લાગે છે દીકરા…તારા તો કેટલા પાડ માનું હું…!!” આટલું બોલતામાંતો એકદમ ભાંગી પડ્યા. નીલેશ્વરીએ એમને શાંત કર્યા પણ એ વૃદ્ધ પુરુષ એની સામે લાચારીથી જોઈ જ રહ્યા હતા..
નીલેશ્વરી એ કહ્યું: ” આપ ચિંતા ના કરશો ભગવાન સૌ સારું જ કરશે..”
“પણ દીકરા હું તો હજુ માનીજ નથી શકતો જે બની રહ્યું છે.”
“જે બન્યું છે એ સત્ય છે પણ આજે જ્યારે મારા માથા પર હાથ મુકીને મને દીકરા કહીને તમે બોલાવી છે ત્યારે આજે જીંદગીમાં પહેલીવાર બાપનો હાથ કેવો હોય એનો મને એહસાસ થયો છે.” પપ્પા એની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહીં.બધું મૌનના ઓથાર હેઠળ દબાયેલું છે. નીલેશ્વરીએ એક નજર દાદર તરફ કરી અને એની સાથે પપ્પાની નજર પણ એ બાજુ ગઈ. થોડીવારે હિંમત કરીને બોલ્યા..” બેટા તું કેમ એવું બોલી કે પહેલી વાર બાપના હાથ નો અહેસાસ થયો..?”
એક નિસાસો નાખીને નીલેશ્વરીએ કહ્યું“ હું તો અનાથ આશ્રમમાં ઉછરેલી…માં-બાપનો ચહેરો તો શું
માં-બાપ કેવા હોય એનીયે મને તો ખબર નથી.”
સમય તો સડસડાટ વહ્યે જતો હતો સવારથી એક પછી એક બનેલી ઘટનાઓ એટલી ઝડપથી ચાલી કે કોઈને સમયનું ભાન જ નથી રહ્યું કે નથી કોઈએ કશું ખાધું.પપ્પાને હવે નીલેશ્વરી વિષે વધારે જાણવાનું કુતૂહલ થયું પણ એતો ફક્ત એના ચહેરાને તાકી રહ્યા હતા. નીલેશ્વરીએ બોલવાનું ચાલુ રાખ્યું: “મને તો એય ખબર નથી કે હું ક્યાં અને ક્યારે જન્મી હતી,કોની કુખે જન્મી હતી અને મારી જાત કઈ છે પણ જ્યારે સમજણી થઇ ત્યારે ખબર પડી કે મારું ઘર એટલે એને અનાથાશ્રમ કહેવાય અને જેને માં-બાપ ના હોય એ લોકો ત્યાં રહે… હું ત્યાં રહી ને ભણી…ખુબ ભણી. બધા એવું કહેતા કે હું બહુ હોશિયાર છું એટલે મને ભણાવવા માટે લોકો બહુ દાન આપતા. ગ્રેડ્યુએટ થઈ અને તરતજ બૅન્કમાં ઑફિસરની નોકરી મળી.
હવે પપ્પાની ઉત્સુકતા વધવા માંડી એટલે પૂછી બેઠા:“તો તમારું લગ્ન?“
“એક દિવસ હું બૅન્કમાંથી મારા રૂમ પર પાછી આવી ત્યારે મને અમારા રેકટરે બોલાવી અને યશસ્વી સાથે ઓળખાણ કરાવી. રેક્ટરના સંબંધમાં એ હતો અને એને બિલકુલ સાદી-સીધી સામાન્ય પણ ભણેલી છોકરી સાથે લગ્ન કરવા હતા એટલે ત્યાં આવેલો… અમારો પરિચય વિસ્તર્યો અને પ્રણય થયો અને પ્રણય પરિણમ્યો પરિણયમાં…હું તો આવી ગઈ દમામભેર ઢગલાબંધ સપનાઓ લઈને એના આ ઘરમાં, એના સંસારમાં એના જીવનમાં. સરસ મજાનો સંસાર ચાલતો હતો.
પપ્પાએ એને વચ્ચે અટકાવી અને પૂછ્યું “તો માના ???”
માના વિષે તો એણે મને અમારી ઓળખાણના પ્રારંભમાં જ કહ્યું હતું.. એતો કહેતો “ માના મારું સર્વસ્વ છે…મારા જીવનનો સૌથી સુખદ હિસ્સો છે..મારી…,અરે મારી જ કેમ, અમારી કમનસીબી હતી કે અમારા માટે સહજીવન શક્ય ના બન્યું પણ એ વખતે પણ એ કહેતો કે જીવનના કોઇપણ તબક્કે મારી માના મારી પાસે આવે તો હું તારી સાથે એને પણ રાખીશ… તું માનાને તારી સાથે રાખીશ ને ? મેં એ વખતે અનાયાસ જ હા કહી હતી પણ….મને ક્યાં ખબર હતી કે ?????”
ચુપ થઈ ગઈ નીલેશ્વરી. આંખ આંસુ થી ભરાઈ ગઈ…..થોડી ક્ષણની ચુપકીદી બાદ એણે ફરી બોલવાનું શરુ કર્યું…
“મને ક્યાં ખબર હતી કે એ અનાયાસ બોલાયેલા શબ્દો સાચા પડશે!!!! “
“બેટા તને સહેજ પણ ખચકાટ હોય તો હું માનાને પાછી લઈ જાઉ…? અને બેટા હું પણ સમજુ છું કે માનાનો કોઈ જ અધિકાર નથી તારી આ ઘરગૃહસ્થી પર. હું એને લઈને અહીં આવ્યો ત્યારે હું ફક્ત લાગણીમાં અંધ બનેલો બાપ હતો..પણ હવે હું જીવનની વાસ્તવિકતા જોઈ શકતો એક તટસ્થ માણસ છું”
“ના…ના…પ્લીઝ એવો તો હવે તમે વિચાર પણ ના કરતા..”
“કેમ?”
“મને મારો યશ સંપૂર્ણપણે ત્યારે જ પાછો મળશે જ્યારે એને એની માના પાછી મળશે….. અમારા લગ્ન પછી પણ માના ને ભૂલી શકતો નહતો. દિવસ રાત એના નામનું જ રટણ ચાલુ રહેતું..એ હું એની પત્ની કેવી રીતે સહન કરતી.? સંઘર્ષ થતો..પણ કોઈ અર્થ ન હતો, એતો બસ માનામય હતો..એકના એક રટણને લઈને એ કોઈક મનોરોગનો શિકાર બની ગયો નોકરી પણ છૂટી ગઈ.. અને બસ આખો દિવસ માના આવશે…મારી માના જરૂર પાછી આવશે એવી આશાએ પહેલાતો અહીં બારણા પાસે જ રાહ જોતો ઊભો રહે..પણ પછી હવે અગાશીમાં જઈને ઉભવા માંડ્યો..આ બધામાં હું તો મારાપણું જ ખોઈ બેઠી..ના હું ઘર પામી…ના વરને પામી કે ના તો સંતાન…હું કરતી તો શું કરતી..??? જતી તો ક્યાં જતી…???પાછી આશ્રમમાં ???”
થોડી વાર કશું ના બોલી… ઘડી ઘડીમાં એની નજર અગાશી તરફ જતી.અને પાછું બોલવાનું શરુ કર્યું. “ડોક્ટરે પણ એજ સલાહ આપી કે એને આ ભ્રમણામાંથી બહાર લાવવાનો એકજ ઉપાય છે અને એ કે એને નાના બાળકની જેમ સંભાળવો અને એને ગમતી વાત જ કરવી અને એની સાચીખોટી જીદને સમર્થન આપવું…”
એક જોરથી નિસાસો નાંખ્યો…
થોડી ક્ષણો શાંત રહી અને પાછી બોલવા માંડી….
“પણ મને ગાંડીને ક્યાં ખબર હતી કે માના નામની ભ્રમણા એક દિવસ સત્ય બનીને મારી સામે ઊભી થઈ જશે..?” બસ પછી એકપણ શબ્દ એ ના બોલી..પપ્પા પણ એની સામે જોતા બેસી રહ્યા…થોડીવારે દાદરમાંથી પગથિયાં ઉતરવાનો અવાજ સંભળાયો…બેયની નજર એ તરફ ગઈ. માના યશનો હાથ પકડીને એને ધીરે ધીરે નીચે લઈ આવી. યશ ખુશખુશ દેખાતો હતો..
“નીલ…તું ક્યાં જતી રહી હતી..? હું અને માના તો ઉપર બહુ વાતો કરતા હતા…નીલ કેટલું બધું મોડું થઈ ગયું છે નહીં ? માનાને પછી એના ઘેર જવાનું મોડું થશે..”
નીલેશ્વરી અને પપ્પાતો એકબીજાની સામે આશ્ચર્યથી તાકી રહ્યા..
“નીલ મને બહુ ઊંઘ આવે છે…હું સુઈ જાઉં ? મને ઓઢાડી દેને…નીલ.
માના આવજે…..!!!
XXXXXXXXX
વિજય ઠક્કર
શબ્દો: 3547
તારીખ:December24,2019 @1.55AM