સવારની ઠંડકમાં પ્રબીરભાઈ કંપાઉંડમાં આવેલા લોન પ્લૉટમાં બેઠાબેઠા ચા પીતા હતા. સામે પડેલી ટીપોઈ પર પડેલી સર્વિસ ટ્રેમાંથી કપમાં ચા બનાવતા જાય અને આરામથી ધીમે ધીમે એકએક ચૂસકી લેતા જાય, સાથે ન્યૂઝપેપર વાંચતા હોય… બસ આજ એમનો નિત્યક્રમ…!
દરરોજ સવારે આજ જગાએ અચૂક તેઓ મળે… ગાર્ડન ખાસ્સો મોટો હતો… સવારનો મંદમંદ પવન વાતો હોય, એકબાજુ માળી ગાર્ડનીંગનું કામ કરતો હોય… નાનકડા ટાવર પર બનાવેલા બર્ડ ફીડર પર જાતજાતનાં બર્ડ્સ આવીને આ ભીનીભીની સવારમાં દાણા ચણતાં હોય…પક્ષીઓનો કલબલાટ, લોન પરની ઝાકળની ભીનાશ અને એમાંથી આવતી હલકી હલકી ભીની ખુશ્બુ…. આખા ગાર્ડનને ઓડિયો સિસ્ટમથી કનેક્ટ કરેલો છે તેથી એકદમ મંદધ્વનિમાં સુંદર ભજનો વાગતાં હોય.
બંગલાનાં ટેરેસ ગાર્ડનમાં એક રેઈઝ પ્લેટફોર્મ પર બેસીને રીયાઝ કરતી દીકરી નાંદીનાં ગાયન અને સિતારનો લય અને એ બેમાંથી નીપજતો મિશ્રિત ધ્વનિ આ બંગલાના વાતાવરણમાં અદ્ભુત દિવ્યતાનો અહેસાસ કરાવે છે !
રસ્તા પરથી પસાર થતા રાહદારીને પણ ત્યાં ઘડીક રોકાઈ જવાનું મન થઈ જાય એવો માહોલ રોજ સર્જાતો.. કૃતિનો પણ રોજ વહેલી પરોઢે ટેરેસ ગાર્ડનમાં સિતાર પર રીયાઝ કરવાનો નિત્યક્રમ….
તાજેતરમાં ગઝલ ગાયનના એક રિયાલિટી શો નો ગ્રાન્ડ ફીનાલે યોજાઈ ગયો. દેશભરમાંથી આવેલા અવ્વલ દરજ્જાના ગઝલ ગાયકો વચ્ચેની સ્પર્ધામાં નાંદીને પ્રથમ ઇનામ મળ્યું અને એનું નામ સંગીતની દુનિયામાં ગુંજતું થઈ ગયું.. શહેરના એક વિશાળ સ્ટૅડિયમમાં ભપકાદાર ઇનામ વિતરણ સમારંભમાં દેશના મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ખૂબ નામી લોકો ઉપસ્થિત હતા.. એમાંથી જ કોઈકે તો નાંદીને નવી ફિલ્મમાં પ્લે-બેક સિંગિંગ માટે ઑફર પણ આપી…કોઈ એકે વળી તેને વિદેશમાં થનાર ગઝલના શોઝ માં સાથે આવવાનું આમંત્રણ પણ આપ્યું….
હા…એ નાંદીની વર્ષોની મહેનતનું પરિણામ હતું…!
પ્રબીરભાઈએ એને તમામ સવલતો અને સતત પ્રોત્સાહન આપ્યું.., માં-બાપ બંનેનો પ્રેમ આપ્યો અને આ બધાનું પરિણામ એ આવ્યું કે નાંદીનું નામ એક અવ્વલ દરજ્જાની ગાયક તરીકે આખા દેશમાં પ્રચલિત થઈ ગયું…જીવનમાં અચાનક બધું બદલાઈ ગયું. સ્ટેટસ બદલાઈ ગયું…એ પેજ-થ્રી સેલીબ્રીટી બની ગઈ..
પ્રબીર ખૂબ ખુશ હતા…અને એટલે જ તો એમણે પોતાની એકની એક લાડકી દીકરીનો સોલો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું.. એક અગ્રણી ઇવેન્ટ મૅનેજમેન્ટ કમ્પનીને આ આખા ઇવેન્ટની જવાબદારી સોંપીને પ્રબીરભાઈ ફક્ત એક માર્ગદર્શક બની રહ્યા.. એમના સામાજિક સ્ટેટસને અનુરૂપ અને નાંદીના સેલીબ્રીટી સ્ટેટસને અનુરૂપ આ પ્રોગ્રામની ડીઝાઈન નક્કી થઈ..શહેરમાં નવો જ બંધાયેલો ભવ્ય હોલ બૂક થયો.. નિમંત્રણ કાર્ડથી લઈને નાંદીના પર્ફૉર્મન્સ માટેની નાની મોટી તમામ બાબતોનું પ્લાનિંગ અને એક્ઝીક્યુશન ઇવેન્ટ એક્ષ્પર્ટસ એકદમ મેટીક્યુલસલી કરી રહ્યા હતા. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં નાંદી અને પ્રબીરભાઈ સૂચન કરતા. પ્રબીરભાઈને ખૂબ ઉત્સાહ હતો અને નાંદી પણ અત્યંત ખુશ.. આ કાર્યક્રમ એ પ્રબીરભાઈનું સ્વપ્ન છે અને એ હવે પૂરું થવામાં છે…લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ…બંને જણા આ કાર્યક્રમની થઈ રહેલી તૈયારીઓ જોઇને અત્યંત રોમાંચિત થઈ ઊઠતા હતા..
પ્રબીરભાઈના બિઝનેસ સર્કલ અને નાનામોટાં સામાજિક સંગઠનની નાંદીને શુભેચ્છા વ્યક્ત કરતી જાહેરાતો ન્યૂઝપેપર્સમાં આવવાની શરૂઆત થઈ ગઈ.. પ્રબીરભાઈ રોજની જેમ ગાર્ડનમાં બેસીને ચા પીતાપીતા છાપામાં આવેલી આ બધી જાહેરાતો પર નજર નાખતા હતા અને તેમની નજર એક જાહેરાત પર પડી…” નારી શણગારના સર્વશ્રેષ્ઠ ‘પ્રીત્સ ફૅશન આઉટલેટ’નું પણ ઉદ્ઘાટન થવાનું હતું…આખા સમાચાર તે ખૂબ ધ્યાનથી વાંચી ગયા… આમ તો નાંદીને પ્રોગ્રામના દિવસે શું પહેરવું અને કોણ એનો કૉસ્ચ્યુમ તૈયાર કરશે એ બધી ઇવેન્ટ પ્લાનરની ચિંતા હતી પણ કોણ જાણે કેમ પ્રબીરભાઈને શું સૂજયું તો તે એકદમ બેઠા હતા ત્યાંથી ઉભા થઈ ગયા અને છાપું લઈને નાંદીના નામની બૂમો પાડતા પાડતા ટૅરેસ તરફ દોડી ગયા.
“નાંદી…ઓ નાંદી બેટા.”
નાંદી એના રિયાઝમાં મગ્ન હતી..અને પપ્પાની બૂમો સાંભળીને એકદમ ગુસ્સે થઈ ગઈ..
“શું છે પપ્પા…શું કામ બૂમો પાડો છો અને મને ડીસ્ટર્બ કરો છો ? કેટલી વખત કહ્યું છે કે રીયાઝ કરતી હોઉં ત્યારે મને નહીં બોલાવવાની..?”
“ઓ કે ડાર્લિંગ…સોરી…બસ…?? પણ તું…”
નો પાપા …પ્લીઝ…તમે નીચે જતા રહો.”
“સારું બેટા હું જાઉં છું પણ તું રીયાઝ પતાવીને ઝડપથી નીચે આવીજા મારે એક ખૂબ જ અગત્યનું કામ છે.”
એકાદ કલાક પછી નાંદી નીચે આવી…..પ્રબીર લીવીંગ રૂમમાં બેઠાબેઠા કાંઈક કામ કરતા હતા.. નાંદી એ પાછળથી આવીને એમના ગળામાં હાથ પરોવી દીધા અને લાડ કરવા માંડી….બાવીસ વર્ષની એ છોકરી નાનકડી આઠ વર્ષની ઢીંગલી હોય એમ લાડ કરવા માંડી…!
“આવી ગઈ બેટા ?”
યસ પાપા…પાપા આઈ’મ સોરી…”
“સોરી ?? સોરી ફોર વ્હોટ ?”
“પાપા મેં તમારી પર ગુસ્સો કર્યોને…?”
“ઓહ તેં ગુસ્સો કર્યો…? મારી ઉપર …? ક્યારે..?
“ઓહ પાપા…”
“ઓકે …ઓકે બેટા, ચાલ એવું બધું નહીં વિચારવાનું.. મનેતો કશું જ યાદ નથી..”
આવું ઘણીવાર બનતું બાપ-દીકરી વચ્ચે ક્યારેક વાદવિવાદ થાય, ક્યારેક એકબીજા પર ગુસ્સે થાય પણ થોડીવારમાં સમાધાન પણ થઈ જાય. કોઈક વખત નાંદીનો ગુસ્સો લાંબો ચાલે, એકાદ દિવસ અબોલા રહે પણ ત્યારે મનાવવાનું તો પ્રબીરભાઈને પક્ષેજ આવે. મો ફુલાવીને બેઠેલી નાંદી સામે જઈને એ કાન પકડે અને માફ કરવાનું કહે ત્યારે નાંદી એકદમ રડી પડતી અને પાપા ને વળગી પડતી.. પ્રબીરભાઈ એ એને કદીય માની ખોટ પડવા દીધી નથી.. બસ આમ એકદમ વહાલી દીકરીના કાર્યક્રમ માટે તેમને ખૂબ ઉત્સાહ હતો..
“શું હતું પાપા..? કેમ મને બોલાવતા હતા..?”
“જો બેટા આજના ન્યૂઝ પેપરમાં એક બહુ સરસ ન્યૂઝ છે… યુ નો પ્રીત…!! રાઇટ…?”
“ના પાપા… હુ ઈઝ પ્રીત..?”
“વેલનોન ફૅશન ડીઝાઈનર, બેટા… ડોન્ચ યુ નો હીમ..? “ઓહ…યા યા યા… પ્રીત… અ વેલનોન ફૅશન ડીઝાઈનર રાઇટ??
“યા પાપા, પણ એના આઉટલેટનું તો ઓપનિંગ હતું ને !!! ‘યસ…ધેટ્સ રાઇટ… આપણે પ્રોગ્રામ માટેનો તારો ડ્રેસ એની પાસે કરાવીએ…???”
“બટ પાપા….યુ નો વ્હોટ..? હીઝ પ્રોડક્ટ મસ્ટ બી વેરી એક્સ્પેન્સીવ…..અને મારો ડ્રેસ તો આ ઇવેન્ટ મૅનેજમેન્ટ કમ્પની જ કરશેને ?”
“નો નો નો.. બેટા.. એ લોકો તો કરશે પણ એ કોની પાસે કરાવશે એ તો ખબર નથી રાઈટ? પ્રીત ઈઝ ધ બેસ્ટ ડ્રેસ ડીઝાઈનર ઑફ કન્ટ્રી… આખા દેશમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એનું કેટલું મોટું નામ છે..!! એનો ડીઝાઈન કરેલો ડ્રેસ તું ફંકશનના દિવસે પહેરીશ તો ચાર ચાંદ લાગી જશે..” થોડી આનાકાની થોડી જીભાજોડી થોડી સમજાવટ અને છેવટે પ્રીત પાસે એનો ડ્રેસ ડીઝાઈન કરાવવાનું નક્કી થયું.. ઈવેન્ટ્ મૅનેજર સાથે વાત કરી લીધી અને તાત્કાલિક એણે પ્રીતની અપોઈન્ટમેન્ટ ફિક્સ કરી. ઇવેન્ટ ડિઝાઈનર અને નાંદી અને પ્રબીરભાઈ એના સ્ટુડિયો પર બપોરેતો પહોંચી ગયા.. નાંદીના શો વિષે તો ફોન પર જ વાત થયેલી એટલે પોઝીટીવલી એજ દિવસે અપોઇન્ટમેન્ટ મળી ગઈ.. અત્યંત ભવ્ય અને સ્ટુડિયોની અંદર પેસતાં જ કોઈક અલગ દુનિયામાં આવ્યા હોય તેવું લાગ્યું… જુદાજુદા કોર્નર્સમાં ફૅશન આર્ટીકલ્સ મૂકેલાં છે તો ક્યાંક ક્યાંક હાઈ-લો પ્લેટફોર્મ્સ બનાવીને ઉપર ડ્રેસ ફોર્મ્સ પર મૂકીને એને સ્પેસિમેન ગારમેન્ટ્સ પહેરાવેલા છે… ક્લે મોડેલ્સ અને એક્રીલીક્સ ફોર્મ્સનો પણ કપડાં રેપ કરવામાં ગજબ ઉપયોગ કર્યો છે..લાઈટીંગ અને દીવાલો પરની કલર સ્કીમથી અલગજ એમ્બીયન્સ સર્જાયો છે….. એકદમ ધીમા અવાજમાં રેલાતું વેસ્ટર્ન ક્લાસિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક આખા માહોલને ભવ્યતા બક્ષે છે…
સ્ટુડિયોમાં એન્ટર થતાં જ સામેથી સેલ્સ ગર્લ આવી અને એમને બેસવા કહ્યું.. અને કહ્યું: “પ્રીત વિલ બી વિથ યુ વેરી સૂન..” રાઇટ સાઇડમાં એક ગ્લાસ ચેમ્બર છે અને એમાં રાઉન્ડ કોફી ટેબલ અને ત્રણ ચાર ચેર્સ મૂકી છે.. એક ખૂણામાં નાનકડું વર્કિંગ ટેબલ છે જેના પર એક યુવાન કાંઈક સ્કેચ જેવું કરી રહ્યો છે. સેલ્સ ગર્લ ઇન્ટરકોમ પર કહે છે “ પ્રીત, સમબડી ઈઝ હિયર ફોર યુ“
“યસ યસ…” આટલું બોલીને એની નજર આ બધા પર પડી અને એણે હાથ હલાવીને અભિવાદન કર્યું અને ઇશારાથી કહ્યું આવું છું…ત્યાં સુધી આ બધાં તેનું કલેક્શન જોવામાં પરોવાઈ ગયાં.. બધાંના હાવભાવ જુદાજુદા હતા.. નાંદીથી બોલાઈ ગયું “ વાવ “!!
પ્રીત ગ્લાસ ડોર માંથી બહાર આવ્યો…એકદમ ફેર લુકિંગ, હૅન્ડસમ અને સ્ટાઉટ બોડી, ઉંચો પહોળો..લાંબા અને વિખેરાયેલા વાળ અને કૈક જુદીજ હેર સ્ટાઇલ… એણે સ્કીન ટાઈટ બ્લુ જિન્સ અને ટી શર્ટ પહેરેલા છે અને ડેન્સકો શૂઝ અને છટાદાર ચાલે ચાલતો એ આ તરફ આવ્યો..નાંદી તરફ હાથ લંબાવીને કહ્યું: “હેલ્લો નાંદી… કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર વિનીંગ ધ કોમ્પીટીશન… એન્ડ ઑફ કોર્સ વિશ યુ ગૂડ લક ફોર યોર અપકમિંગ ઇવેન્ટ નાંદી….” પ્રીતે એના હાથમાં વન સ્ટેમ રોઝ આપ્યું. એક હાથ એના ખભે મૂકીને કહ્યું.. “એન્ડ યસ ડાર્લિંગ વી આર વેરી એક્સાઈટેડ ટુ ડિઝાઇન એક્સટ્રીમલી એલીગન્ટ ડ્રેસ ફોર યુ…આઈ’મ સ્યોર યુ વિલ લૂક ગોર્જીયસ એન્ડ એમેઝિંગલી ગ્રેસફુલ સ્વીટી“ એનો હાથ પકડી રાખ્યો અને એ પ્રબીરભાઈ તરફ વળ્યો ” હેલો પ્રબીરભાઈ…ડોન્ટ વરી નાઉ… યુ આર એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ આઈ’મ સ્યોર યુ વિલ બી હેપી”…. પછી તે ત્રીજા શખ્સની બાજુ વળ્યો અને કહ્યું “એન્ડ હા..! આઈ હેડ અ વર્ડ વિથ મી.સુબ્રતો ધીસ મોર્નિંગ..એન્ડ યસ, યુ આર…રોનિત ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન..”
સુબ્રતોએ ઇવેન્ટ કંપનીનો ઓનર છે અને રોનિત એ આ ઇવેન્ટનો મૅનેજર છે..
બસ એ દિવસે ખાસ્સી ચર્ચા થઈ… મેઝરમેન્ટસ લેવાઈ ગયાં, થોડા ઇન્સ્ટન્ટ સ્કેચીઝ કરીને પ્રીતે બતાવ્યા અને વધારે ડિટેઇલ માટે બીજા દિવસે મળવાનું નક્કી થયું.. ટ્રાયલ અને ડીલીવરીની ડેટ્સ ફિક્સ થઈ ગઈ..
બીજા દિવસે એકલી નાંદી સ્ટુડિયો પર આવી. એક લાંબું સેશન ચાલ્યું. પ્રીતની ગ્લાસ ચેમ્બરમાં બેઠાં અને કોફી પીતાપીતા પ્રીતે એની પસંદ–નાપસંદ, એનો સ્વભાવ, એનું ફેમિલી બૅકગ્રાઉન્ડ એ બધાં વિષે પ્રીત એને પ્રશ્નો પૂછતો ગયો…. અને નાંદી જવાબ આપતી ગઈ..ખૂબ વાતો કરી એમાંની કેટલીક કામની હતી અને કેટલીક બસ કહેવાતી ગઈ અને સંભળાતી ગઈ… નાંદી ત્યાંથી વિદાય થઈ અને જતાં જતાં પ્રીતને ઇન્વિટેશન કાર્ડ આપ્યું અને કહ્યું “ તમારે ચોક્કસ આવવું પડશે પ્રોગ્રામમાં… એન્ડ યસ ધીસ ઇન્વિટેશન ઈઝ ફોર ટુ પીપલ “
“ ઓહ યા યા..સ્યોર એન્ડ યસ હું ચોક્કસ આવીશ…”
નાંદી ત્યાંથી નીકળી ગઈ.
આ બે–ત્રણ મુલાકાતમાં નિકટતા આવી ગઈ.. બન્ને જિનિયસ છે અને પોતપોતાના ક્ષેત્રમાં તેમણે મહારથ હાંસલ કરેલો છે, પોતાનું એક સ્થાન નિશ્ચિત કર્યું છે, એક મુકામ બનાવ્યો છે.
ટ્રાયલના દિવસે પ્રીતને એક મલ્ટીસ્ટારર ફિલ્મના કૉસ્ચ્યુમ ડીઝાઈન માટેની પ્રીલીમીનરી મીટિંગમાં અચાનક દિલ્હી જવાનું થયું.. પણ એના આસિસ્ટન્ટે ટ્રાયલ લીધી અને ફીનીશ્ડ ડ્રેસ પ્રોગ્રામના આગળના દિવસે આપવાનું નક્કી થયું…
ડ્રેસ ડીલીવર થઈ ગયો… અને એક-દોઢ કલાક માં જ નાંદીનો ફોન બુટીક પર આવ્યો.. અને એ તો ફોન પર બુમાબુમ કરવા માંડી..પ્રીત લાઈન પર આવ્યો તો એની સાથે પણ ખૂબજ બેહુદુ વર્તન કર્યું…” યુ ફૂલ…યુ ઈર્રીસ્પોન્સીબલ પર્સન.. યુ ડોન્ટ નો ધ ઈમ્પોર્ટન્સ ઑફ ધ ક્લાયન્ટ્સ…”
પ્રીત બે મિનિટ સાંભળતો રહ્યો અને પછી ફોન ડિસ્કનેકટ કરી નાખ્યો.. એણે ક્યારેય કોઈની પાસેથી આ ભાષા સાંભળી ન હતી એટલે એ કન્ફયુઝ થઈ ગયો કે શું થયું અને શું જવાબ આપવો.. ફરી રીંગ વાગી અને આ વખતે પ્રબીરભાઈ લાઈન પર હતા અને એ પણ અપસેટ હતા… એમણે કહ્યું કે “ ડ્રેસની પૅટર્ન આખી બદલાઈ ગઈ છે પ્રીત અને ફીટીંગ પણ બહુ વિચિત્ર છે .. નાંદી ખૂબ રડે છે, મને ખબર નથી પડતી કે હું શું કરું…”
“ડોન્ટ વરી સર…! એને શાંત કરો અને આઈ’મ રીચીંગ ટુ યોર પ્લેસ ઇન એન અવર…તમે નાંદીને કહો એ જરા પણ ફિકર નહીં કરે, એને હું એ જ ડ્રેસ પહેરાવીશ જે એણે પસંદ કર્યો છે.”
પ્રીત એના ઘરે પહોંચ્યો ત્યારે નાંદી મોં લટકાવીને બેઠી હતી અને રડવાને કારણે આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ …અને પ્રીતે ડ્રેસ જોયો અને કહ્યું…” યસ આ બરોબર નથી.. ઓકે તું આ ડ્રેસ અહીં જ રાખ…હું તારા માટે મારી જાતે ડ્રેસ તૈયાર કરું છું..”
નાંદી ખૂબજ ટેન્શનમાં હતી.. પણ પ્રોગ્રામના દિવસે બપોર થતાં સુધીમાં પ્રીત જાતે ડ્રેસ લઈને પહોંચી ગયો અને સાથે સરસ મજાનો ફ્લાવર બુકે અને કેન્ડી બાસ્કેટ લઈને ગયેલો.. નાંદી ખુશ થઈ ગઈ…પ્રીતે એ બધું એના હાથમાં મૂક્યું અને કહ્યું “ નાંદી.. ! તું મને આ ડ્રેસ પહેરીને બતાવીશ પ્લીઝ ?”
નાંદી થોડીવારમાં ડ્રેસ પહેરીને બહાર આવી અને દોડીને સીધી પ્રીતને ભેટી પડી…, ”થેંક યુ પ્રીત, આઈ’મ સો સોરી ફોર વ્હોટ આઈ સ્પોક ઓન ફોન યસ્ટર ડે..”
બહુ ખુશ થઈ ગઈ નાંદી…પ્રીતે કહ્યું “ ઓકે ધેન હું જાઉં છું… અને આપણે સાંજે મળીશું…” જતાંજતાં પ્રીતે નાંદીની નજીક આવીને કહ્યું.. ” યુ આર ચાર્મિંગ….” આટલું કહીને પ્રીતે વિદાય લીધી..
પાછળથી નાંદીએ બુમ પાડીને કહ્યું “સાંજે હું તારી રાહ જોઈશ પ્રીત…”
અવાજના પડઘા પ્રીતના કાન સુધી પહોંચી ગયા…
કાર્યક્રમ શરુ થવાની વાર હતી.. નાંદી પાછળ ગ્રીનરૂમમાં હતી..એનો મેકઅપ ચાલતો હતો.. આખું થિયેટર ખૂબ ભવ્ય રીતે શણગાર્યું છે. સ્ટેજની તો વાત જ ન્યારી છે. એક વિશિષ્ટ પ્રકારની ભીની ખુશ્બુ આવતી હતી.. એક બાજુ ઓડિયો બેલેન્સીન્ગ થઈ રહ્યું છે.. નાંદી વિષે, એની સંગીતની શિક્ષા, એના અચિવમેન્ટસ, એના ગુરુજીઓ.. એના દોસ્તો.. એનો પરિવાર અને એમાં બનેલી નાનીમોટી ઘટનાઓને સાંકળતી એક નાનકડી કલરફૂલ પિકટોરીયલ બુકલેટ “ જર્ની ટોવર્ડસ ટુડે “આ કાર્યક્રમ માટે ખાસ પ્રકાશિત કરવામાં આવી હતી અને થિયેટરના એન્ટ્રન્સ પર જ તેનું આમંત્રિત મહેમાનોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આખા દેશમાંથી પેજ થ્રી પર્સનાલિટીઝ આ કાર્યક્રમમાં આવવાની છે કારણ પ્રબીરભાઈનું પબ્લિક રિલેશન્સ બહુજ મજબુત છે, ખાસતો ગઝલનાં શોખીનો આવવાના છે. ધીમેધીમે ઓડીયન્સની આવવાની શરૂઆત થઈ ગઈ છે…. થિયેટરના ફોયરમાં લોકો એકબીજા સાથે મુલાકાત કરે છે… એન્ટ્રન્સ પર પ્રબીરભાઈ અને તેમના અંગત એક-બે સ્નેહીઓ મહેમાનોને આવકારતા હતા.. થોડીવારમાં પ્રીત અને તેનાં મમ્મી થિયેટર પર આવી પહોંચ્યા… ગેટ પર આવતાં પ્રબીરભાઈ એ તેને આવકારતા કહ્યું…”વેલકમ પ્રીત…”
“ થેન્ક્સ પ્રબીરભાઈ.. “આ…મારા” એટલું બોલીને પ્રીતે પાછળ જોયું તો કોઈ ન હતું..પ્રીત થોડો ખચકાયો.. થોડો મૂંઝાયો અને વિચારવા લાગ્યો … “મમ્મી ક્યાં ગઈ હશે…?”
“એક્સક્યુઝ મી” કહીને એ ત્યાંથી સરકી ગયો…શોધવા માંડ્યો મમ્મીને…..
“ પ્રીત….” પાછળથી અવાજ આવ્યો…
“ અરે મમ્મી, તું ક્યાં જતી રહી હતી.. હું તને નાંદીના પપ્પાની ઓળખાણ કરાવું એટલામાંતો તું ગાયબ થઈ ગઈ… ??”
“ નાંદીના પપ્પા છે એ ?”
“હા મમ્મી ..પ…પણ તું કેમ…????”
“અરે મારે રેસ્ટરૂમમાં જવું હતું એટલે હું ગઈ. તને કહું એ પહેલાં તો તું આગળ નીકળી ગયો…” બંને થિયેટરમાં એન્ટર થયાં. થિયેટરમાં થોડો કલબલાટ ચાલુ જ હતો…અને બેકસ્ટેજમાંથી ઉદ્ઘોષણા થઈ. તમામ આમંત્રિતોને સ્થાન ગ્રહણ કરવા માટે કહેવાયું. કાર્યક્રમનો પ્રારંભ થવાની ઘોષણા કરવામાં આવી.. થોડી ક્ષણમાંજ પડદો ખૂલ્યો. ખૂબજ ભવ્ય રીતે સ્ટેજને ડેકોરેટ કરવામાં આવ્યું હતું. પ્રબીરભાઈ સ્ટેજ પર આવ્યા અને કાર્યક્રમના પ્રારંભે બધાંનો શબ્દોથી આવકાર કર્યો..
“સ્વજનો,
“આજે મારું એક સ્વપ્ન સાકાર થાય છે.. નાંદીને મળેલું સન્માન અને એનું રેકગ્નીશન સમાજમાં થાય ખાસ કરીને એના ફિલ્ડમાં થાય અને એ ઘટના માત્ર અમારા પારિવારિક આનંદ અને ગર્વનો વિષય ના બની રહે એવું હું અને નાંદી બંને દ્રઢપણે માનીએ છીએ. એટલે જ આજે અમારા આનંદમાં સહભાગી થવા આપ સૌને અમે બોલાવ્યા અને આપ સૌ આવ્યાં. સર્વની ઉમળકાભેર ઉપસ્થિતિનો અમને વિશેષ આનંદ છે. સાચું કહું..આપનાં આગમનથી અમે ખૂબ હરખાયાં છીએ.”.
આટલું બોલતાં પ્રબીરભાઈનો અવાજ સહેજ ભીનો થઈ ગયો…આંખ જરા નમ થઈ ગઈ…..ગળામાં ડૂમો ભરાઈ ગયો.. પોડિયમ પરની વોટર બોટલમાંથી એક ઘૂંટો પાણી પીધું અને સહેજ સ્વસ્થ થયા…લાગણીસભર અવાજમાં બોલાયેલા શબ્દો હતાં એમના…..!
સ્વાગત પ્રવચનના અંતે એમણે કહ્યું.. એક વાત કહું.. ? આપણી ખુશીનાં પ્રસંગમાં આપણા સ્વજનની ગેરહાજરી જેટલી સતાવે ને એનાથી પણ વિશેષ જ્યારે એજ સ્વજન આનંદના અવસરે આપણી સમક્ષ હોય, ત્યારે થતી ખુશી કેમ કરીને વ્યક્ત કરવી..??? એ ખુશીનો સમય માણવાનો હોય છે એની અનુભૂતિ કરવાની હોય છે..આજે હું એનું વર્ણન નથી કરી શકતો..”
હોલમાં ઉપસ્થિત લોકો આ અસંબદ્ધ વિધાન સમજી ના શક્યા પણ તોય એટલુંતો સમજી જ શક્યા કે આ હોલમાં કોઈક એવું છે જેનાં વિષે પ્રબીરભાઈ આ બધું કહી રહ્યા છે.
“મિત્રો… મનમાં અતિશય ઉમળકો હોય અને જ્યારે ઘણું બધું કહેવું હોય ત્યારે સમયની સીમાનું ભાન નથી રહેતું..જો અત્યારે કાંઈક એવું થયું હોય તો આપ ક્ષમ્ય ગણશો..” તમામ લોકોએ તાળીઓથી વધાવી લીધા પ્રબીરભાઈને.
કર્ટન ઓપન હતો અને સ્ટેજ અદ્ભુત રીતે સજાવ્યું હતું, ગઝલના આ કાર્યક્રમને અનુરૂપ તેનું સુશોભન કરવામાં આવ્યું હતું. નાંદીની સ્ટેજ પર એન્ટ્રી થઇ.. હોલમાં ઉપસ્થિત સૌએ ઉભા થઈ એને ખૂબ તાળીઓથી વધાવી લીધી..બહુ સુંદર દેખાતી હતી નાંદી…લોકો આફરીન પોકારી ગયા…એનો ગેટઅપ, એનો ડ્રેસ, એના ઓર્નામેન્ટ્સ બધું એકદમ અલ્ટીમેટ હતું. લોકો એનો ડ્રેસ જોઇને તો વાહવાહ કરવા લાગ્યા..પ્રીતે કોઈ કસર છોડી ન હતી ડ્રેસ બનાવવામાં…!
કાર્યક્રમ શરુ થયો.. નાંદી દ્વારા એક પછી એક ગઝલો રજૂ થઈ..ગઝલના શબ્દો…અને એનું સંગીત નિયોજન બેમિસાલ હતાં…કોઈક અઘરા શબ્દો કે ક્યારેક ગઝલનો ભાવ વચ્ચે વચ્ચે નાંદી સમજાવતી હતી વળી એના એકદમ શુદ્ધ ઉર્દૂ ઉચ્ચારો સાંભળીને ત્યાં ઉપસ્થિત ઉર્દૂ સમજવાવાળા શ્રોતાઓતો ખૂબ રાજી થઈ ગયા.. કાર્યક્રમ ખાસ્સો લાંબો ચાલ્યો અને તેના અંતે પ્રબીરભાઈ ફરી એક વાર આભાર પ્રદર્શિત કરવા માટે સ્ટેજ પર આવ્યા:
“મિત્રો, હું આપ સૌનો બહુજ આભારી છું….પણ એક વિનંતી કરું? ચાલો આપણે એક ગઝલ વધારે સાંભળીયે… હું એક એવા અવાજને આપની સમક્ષ આવવા માટે આમંત્રણ આપું છું… કે જે અવાજ આજે જો પ્લે–બેક સંગીતની દુનિયામાં હોત તો કદાચ એ અવ્વલ નંબરે હોત… ટોચ પર હોત…પણ ક્યારેક કોઈક મૂરઝાઈ જાય છે…પણ દોસ્તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આજે પણ એ કંઠમાં એજ ભીનાશ હશે..”
હોલમાં શાંતિ છવાઈ ગઈ…
“હું ગઝાલાને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું..”
પ્રીતતો મમ્મીનું નામ સાંભળીને ચોંકી ગયો..!! ગઝાલા પણ મૂંઝાઈ ગઈ..
“પ્રીત દોસ્ત હું તને વિનંતી કરું છું કે ગઝાલાને સ્ટેજ પર લઈ આવ પ્લીઝ “
ગઝાલાએ હાથના ઇશારાથી ઇન્કાર કર્યો પરંતુ પ્રબીરભાઈએ ફરી એકવાર વિનંતી કરી.. બહુ વિનંતી પછી ગઝાલા ખૂબ સંકોચ સાથે સ્ટેજ પર આવી…એણે શરૂઆતમાં આનાકાની કરી પણ આટલા બધા લોકોની વચ્ચે વધારે જીદ કરવાનું મુનાસિબ ના લાગ્યું.. એક ગઝલ ગાવાની શરૂઆત કરી…
“યાદેં માઝી અજાબ હૈ યા રબ,
છીન લે મુઝસે હાફીઝા મેરા”
બસ હજુતો શરુઆત જ હતી ને લોકો સન્ન થઈ ગયા.. વાહ અને આહ ને ક્યા બાત હૈ જેવા ઉદગારો હોલમાંથી આવવા માંડ્યા..ગઝાલાએ આ એક ગઝલ ગાઈને પૂરું કર્યું અને ઊભા થઈને નમસ્કારની મુદ્રામાં ત્યાં જ ઊભી રહી..આખા હોલમાં લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.. પ્રીત સ્ટેજ પર આવીને એને લઈ ગયો.. હોલમાંથી બધા ધીમેધીમે વીખરાવા માંડ્યા…પ્રીત, નાંદીને મળવા ગ્રીનરુમમાં ગયો.. નાંદી ડ્રેસ ચેઇન્જ કરતી હતી એટલે એણે થોડીવાર ત્યાં થોભવું પડ્યું…લગભગ હોલ ખાલી થઈ ગયો, ગઝાલા પણ હોલમાંથી ફોયરમાં આવીને પ્રીતની રાહ જોતી એકલી ઊભી હતી.. પ્રબીરભાઈએ ગઝાલાને એકલી ઊભેલી જોઈ અને તે મહેમાનોને વિદાય કરીને તેની પાસે આવ્યા
“ગઝાલા આમ અનાયાસ ….!!!”
અવાજમાં ભીનાશ આવી ગઈ. આંખોમાં નમી આવી ગઈ
“……………..!!!!!!”
“વીતેલાં દિવસોની ગમગીની અસહ્ય હોય છે ગઝાલા…”
“પ્રબીર….પ્લીઝ..!!!”
નાંદી અને પ્રીત દૂરથી આ દ્ગશ્ય જોઈ રહ્યા…
*****************
વિજય ઠક્કર
શબ્દો: 2714
લખ્યા તારીખ: November 22, 2019 @ 12.57 AM