Month: સપ્ટેમ્બર 2019

મત્સ્યવેધ…

ગરથી બહુ દૂર નહિ છતાંય નગરની બહાર એક વૃદ્ધાશ્રમ.

ખૂબ રમણીય જગા છે. લગભગ ત્રણેક એકર જગામાં એક આશ્રમ છે. ચારે બાજુ વનરાજીની વચ્ચે વૃદ્ધાશ્રમ છે. અહીં બધું   છે સિવાય કે પોતાનાં લોહીના જણ્યા. કેટલાંય અશક્ત, હારેલાં, થાકેલાં જીવનનો બોજ પણ વેંઢારી નહીં શકતા વૃદ્ધોનું આશ્રય સ્થાન છે. કેટલાંય લોકોના ચહેરા ઉપરની રેખાઓ તેમના સંતાપની ચાડી ખાય છે. ફરિયાદ દેખાય છે સંસાર માટે. જીવન ગણિતના સરવાળાબાદબાકી કરતાં જે શેષ વધ્યું એને અહીં બસર કરી રહ્યા છે. જિંદગીના તાપથી અહીં શાતા પામે છે. જીવનના આભાસોનું ધુમ્મસ ઓઢીને વર્ષો તો વિતાવી દીધાં પણ ધુમ્મસેય ઓગળી ગયું. પોતીકાથી છેહ દેવાયેલા વૃધ્ધોનાં શરીર જીંદગીના ઢસરડા કરીકરીને સુખદુઃખનાં ચાસથી ખરડાઈ ગયાં છે. અંતરમાં બેસુમાર આઘાત છે છતાંય પોતાના સ્વજનોના કલ્યાણની કામના કરતાંકરતાં બાપડા આયખાંના દાડા કાપી રહ્યાં છે. કોઈ સુખી નથી. કોઈક શરીરથી ત્રસ્ત છે તો કોઈક મનથી ભાંગી પડેલાં. કોઈક સ્વેચ્છાએ આવ્યાં છે તો કોઈક તરછોડાયેલા. બધાં બધું યથાવત્ પૂર્વજીવનમાં છોડીને અહીં આવી ગયાં છે.

બધામાં એક માણસ કંઈક જુદી પ્રકૃતિનો છે. અહીં બધા એકબીજાનાં સહારે પોતાની અવસ્થા પસાર કરી રહ્યાં છે ત્યારે માણસ એકાંત શોધે છે. પુરુષ સાવ નોખી માટીનો છેઅનોખી અદાનો છે. તદ્દન નિર્ભીક, સ્થિતપ્રજ્ઞ અને સંસારની અધુરપોને પચાવી બેઠેલો. સંસારથી સાવ પર, માત્ર જ્ઞાન અને ભક્તિના માર્ગે આયખાંને ઊજવી રહ્યો છે. સાવ એકાકી, શાંત અને સૌમ્ય એવા વૃધ્ધે વાણીને તદ્દન વિરામ આપી દીધો છે. મૌન ધારણ કરી લીધું છે. આશ્રમમાં સૌના આદરનું તેઓ એક પાત્ર છે. જીવનનો પોણો સૈકો પસાર કર્યા પછી અહીં એકલવાયી જિંદગી જીવવાનો જાણે આનંદ આવે છે. કોઈ ફરિયાદ નહિ કે કોઈની ટીકાટિપ્પણ નહિસર્વનો આદર. આશ્રમના નિયમોમાં રહીને પણ એમણે પોતાની આગવી સ્વતંત્રતા ટકાવી રાખી છે. આશ્રમે દરેક વૃદ્ધને આગવી એક નાની મઢૂલી આપી છે અને એમાં જરૂરી તમામ સુવિધાઓ છે. બહાર ખૂલ્લી જગા છે. બહાર એક નાનકડી ઓસરી છે જેમાં એક નાનકડો હીંચકો છે જેના પર હંમેશા વૃદ્ધ પુરુષ બેઠેલા દેખાય કે પછી બહાર એમણે નાનો સુંદર  બગીચો બનાવ્યો છે એમાં કશુંક ને કશુંક કરતા હોય. પોતાની મસ્તીમાં મસ્ત. ચહેરા પર ગજબની શાંતિ દેખાય છે.

નામ છે એમનું વિશ્વજિતભાઈ.

કોઈને અહીં કોઈ મળવા આવતું નથી. પૂર્વજીવનનાં તમામ સંબંધો જાણે કપાઈ ગયાં છે. આશ્રમના કાર્યકર્તાઓના આશરે જીવનનો બાકીનો હિસ્સો પૂરો કરવાનો.

થોડા દિવસ પહેલાં અચાનક એક બપોરે આશ્રમના દરવાજે એક ઓટોરીક્ષા આવી ઊભી. સાઠેક વર્ષનાં એક સન્નારી એમાંથી ઊતર્યાં. રીક્ષાવાળાને ભાડું ચૂકવી સિક્યુરિટી ગાર્ડ પાસે આવ્યાં

બોલો બહેન કોનું કામ છે..?”

ભાઈ મારે સંચાલક સાહેબને મળવું છે.

ગાર્ડ એમને અંદર લઈ આવ્યા અને સંચાલકની ઓફીસની બહાર બે લાકડાની ખુરશી પર બેસવા કહ્યું.

સંચાલક સાહેબ આશ્રમમાં રાઉન્ડમાં ગયા છે. થોડીવારમાં આવશે ત્યાં સુધી આપ અહીં બેસો.એમ કહી એણે ચાલવા માંડ્યુંપણ હજુ દસબાર ડગલા ચાલ્યા હશે અને પાછા આવ્યા.

બહેન તમે બહુ નસીબદાર છો…. જુઓ સામેથી સંચાલક સાહેબ આવે છે. સહેજ દૂર દેખાતા સંચાલક તરફ એણે આંગળીથી ઇશારો કર્યો.

હા ભાઈ, તો આજે મારા નસીબનાં પારખાં થઈ જશે.

સંચાલક ઓફીસ પાસે આવી પહોંચ્યા.

બોલો બહેન... કેમ આવવું થયું? આપને અહીં દાખલ થવું છે..? આવો ઑફિસમાં બેસીને વાત કરીએ.

ઑફિસમાં પહોંચીને એક ફોર્મ એમની સામે મૂક્યું અહીં દાખલ થવા માટેનું ફોર્મ છે….અને હા, કેટલા વર્ષ થયા હશે આપને..? અમે અહીં સાઈઠ વર્ષથી ઉપરના વૃધ્દ્ધોને દાખલ કરીએ છીએ.

મારે દાખલ નથી થવું સાહેબ પણ હું તો કોઈક ને શોધવા આવી છું.

સંચાલક એક ક્ષણ એમની સામે જોઈ રહ્યા….

કોને શોધવા આવ્યા છો..? શું નામ છે એમનું ? પુરુષ છે કે સ્ત્રી..??”  સંચાલકે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.

સાહેબ, વિશ્વજિત ઠાકર છે એમનું નામ

ઓહ, વિશ્વજિત ઠાકર..!!!!  એક વિશ્વજિતભાઈ છે તો ખરા અહીં.

શુંઉંઉંઉં?? છે અહીં વિશ્વજિતભા???”

હાછે પણ તમે શોધો છો એજ વિશ્વજિતભાઈ છે કે કેમ તે જોવું પડે..

જી સાહેબઆપ મને બતાવી શકો..?”

આગંતુક સ્ત્રી ની ઉત્તેજના વધી રહી હતીઅહીં હોવાની વાત સાંભળતા તો બાવરી બની ગઈ.

મને એવી ભાળ મળેલી કે કોઈક વૃધ્ધાશ્રમમાં છે એટલે ઠેરઠેર આશ્રમોમાં એમને શોધી વળી છું અને આજ સવારથી શહેરમાં આવી છું. હે ભગવાન મારી ઇચ્છા પૂરી કર….જો એજ હશે તો ખૂબ ઉપકાર માનીશ પ્રભુ તારો.

પણ, હું આપનો પરિચય પૂછવાનું તો ભૂલી ગયો

સાહેબ હું શુભા છું, શુભા રાવ.

આપનો વિશ્વજિતભાઈ સાથેનો સંબંધ..?”

સંબંધ ને..હા..હા.. મારા આઈ મીન હું એટલેકે સંબંધને..? એક માણસનો બીજા માણસ સાથે હોય સંબંધ બીજું શું કહું સાહેબ

સંચાલક એમની અવઢવ અને અસ્પષ્ટતા જોઇને સમજી તો ગયા એટલે વધારે સંકોચમાં ના મૂકતાં કહ્યું: એક કામ કરીએ વૃદ્ધ વ્યક્તિને અહીં બોલાવિયે એના કરતાં ચાલો આપણે એમની પાસે જઈએ. જો વિશ્વજિતભાઈ એજ હોય તો આપ એમને ત્યાંજ મળજો.

જી, સાહેબઆપનો ખૂબ આભાર.. મને ઝડપથી એમની પાસે લઈ જાવ સાહેબ આપનો મારા ઉપર એક મોટો ઉપકાર થશે. વર્ષોથી હું રઝળુ છું એમની શોધમાં હવે તો હતાશ થઈ ગઈ છું રઝળપાટ કરીને

હા..ચાલો..અને ચિંતા ના કરો સૌ સારાં વાંનાં થશે

બંને વિશ્વજિતભાઈની મઢૂલી તરફ જવા નીકળ્યાંએક સરસ મજાનો વોક વેબનાવેલો હતો. ચાલતાં ચાલતાં સંચાલકે આશ્રમની માહિતી આપી. ચારે બાજુ એકદમ હરિયાળી અને સુંદર મજાનું લેન્ડસ્કેપીંગ કરેલું છે.. યુનિફોર્મ પૅટર્નનાં નાનાં હટટાઈપ લગભગ ૨૦૦ જેટલાં યુનિટ છે  અને બધાં એકબીજાથી વીસપચીસ ફૂટના અંતરે…. તમામ સુવિધાઓથી સજ્જ અને એમાં તાત્કાલિક સારવારની તમામ સુવિધાઓ મોજૂદ છે. નૈસર્ગિક વાતાવરણવાળો અત્યંત આધુનિક વૃધ્ધાશ્રમ છે અને હાલમાં અહીં ૧૨૫ જેટલા વૃધ્ધો એમની પાછલી અવસ્થા નિરાંતે અને નિશ્ચિંતપણે વિતાવી રહ્યાં છે. બસ અમારો પરિવાર છે.

સાહેબ, હું તો ખૂબ પ્રભાવિત થઈ ગઈ આપનો આશ્રમ જોઈ ને.

વિશ્વજિતભાઈ ગજબ વ્યક્તિત્વ છે હોં. જો એજ વિશ્વજિતભાઈ હશે કે જેમને આપ શોધો છો તો મારે તમને અને કદાચ ના પણ હોય તો એમનું વ્યક્તિત્વ કોમ્પ્લીમેન્ટ્સ આપવા લાયક છે….

કેમ.. ??”

તદ્દન શાંત અને સૌમ્ય અને પોતાના આનંદમાં મસ્ત વાંચન, લેખન, ઈશ્વરસ્મરણ અને એમનો નાનકડો બગીચો બસ એમનો નિત્યક્રમ. કોઈની સાથે વાતચીત નહિ કે કોઈ માગણી નહિજે મળે તેમાં સંતોષદસેક વર્ષથી અહીં રહે છે પણ આટલા સમયમાં વધુમાં વધુ સો વાક્યો બોલ્યા હશે. જરૂરથી વધારે એક શબ્દ પણ બોલતા નથી.

પાંચસો એક ફૂટ દૂર પહોંચ્યા હશે અને સંચાલકની નજર એમની મઢૂલી તરફ પડી અને સમયે વિશ્વજિતભાઈ અંદરથી બહાર ઓશરીમાં આવ્યા.

અરે જુઓ સામે પેલા વૃદ્ધ પુરુષ લેંઘો અને સદરો પહેરેલા દેખાય છે ને વિશ્વજીતભાઈ છે.

શુભાએ સહેજ ધારીને જોયું અને તરત ચિત્કારી ઊઠી ..અરે સાહેબ તો છે વિશ્વજિત….ભા

એક ક્ષણ તો ત્યાં ખોડાઈ ગઈ. બંને થોભી ગયાંએકસાથે કેટકેટલાં વિચારો આવી ગયાંપુર ઊમટી આવ્યું આંખોમાં…. કંપ પ્રસરી ગયો આખા બદનમાં…..હલબલી ગઈ શુભા.

ચાલો આપણે એમની પાસે જઈએ થોડી ક્ષણો પછી સંચાલકે કહ્યું.

સાહેબ, જો આપને વાંધો ના હોય તો હું એકલી જાઉં એમને મળવા માટે મારે એમને સરપ્રાઇઝ આપવું છે.

એક ક્ષણ વિચાર કરીને સંચાલકે મંજૂરી આપીશુભા મઢૂલી તરફ આગળ વધી.

ઓફીસ તરફ જતા સંચાલક મનમાં ને મનમાં હસતા હતા અને વિચારતા હતા કે જુવાન છોકરા છોકરીઓને તો પ્રેમ કરતાં બહુ જોયા પણ તો  ડોસાડોસી…!!!

શુભા એકી નજરે એમના તરફ જોઈ રહી હતી અને થોડુંક થોભતી, પાછી ડગ માંડતી.. એનું મન અને હૃદય બમણા વેગથી ચાલતાં હતાં પણ પગ ત્યાં ખોડાઈ ગયાં છે…. વિચારોનું ઝુંડ ફરી વળ્યું મનમાં. વિશ્વજિત તમારી જિંદગીમાં ફરી એકવાર હું આશ્ચર્ય બનીને આવી છું…. હજુ આજે એવોને એવો આકર્ષક લાગે છે પુરુષઉમરને લીધે વાળ સફેદ થઈ ગયા છે.. ઉભા રહેવાની પણ સ્ટાઇલ, એકદમ ટટ્ટારપણ એણે સફેદ કપડાં કેમ પહેર્યા હશે…!! એતો હંમેશા ડાર્ક કલર્સ પહેરતો. એજ પહોળો સીનોઅને એના પહોળા સીનામાં સમાઈ જવા તો હું કેટલી બેતાબ હતી..? એની લાગણીના ઘોડાપૂરમાં હું તો એવી તણાઈ કે એને સંગ જીવવાનાં કંઈકેટલાં ઓરતા મનમાં ને મનમાં ઘડી કાઢ્યા હતાંપણ નિયતિને ક્યાં મંજૂર હતું ..? હું તો ફંટાઈ ગઈ ઘોડાપૂરમાંથી. શરીર ઊતરી ગયું છે એનુંકોણ જાણે એની જિંદગીમાં પણ મારી જેમ કેવાકેવા ઉતાર ચડાવ આવ્યા હશે? સમયનો ખારોપાટ તો ભલભલાની જિંદગી બંજર બનાવી દે છે. મારો વિશ્વજિત તો ટોળાનો માણસ અને આજે આમ સાવ એકાકી…!! આજે મને ઓળખશે….?? અરે…! મને, એની શુભને, એના જીવનના એક હિસ્સાને ના ઓળખે..?? પણ હું જે સંકલ્પ કરીને આવી છું પૂરો થશે..?? અરે ગાંડી કેમ તું મનમાં વિકલ્પ ઉભા કરે છે?” એમ પોતાના મન સાથે સંવાદ કરતી અને સંઘર્ષ કરતી છેક નજીક જઈ પહોંચી

ઓશરીમાં હીંચકા ઉપર બેઠેલા વિશ્વજિતની પૂંઠ પાછળ ઊભી રહી અને ટહુકો કર્યો..વિશ્વજિત…. વિશ્વજિત

અરે કોણ બોલાવે છે મને ? કેમ ભણકારા વાગે છે મને..?? અવાજ તો બહુ જાણીતો…!! તો મારી શુભાનો અવાજ…! શુભા..?”

સામે આવી ને ઊભી ગઈ એમની બરોબર સામે….હા વિશ્વજિત હું શુભા છુંતમારી શુભઓળખી ગયા મને..??”

અરે ગાંડી, મારા હ્રદયના ટુકડાને હું ના ઓળખું..?? પણ શુભ તું અહીં ક્યાંથી..? આમ અચાનક ? મારી શુભમારે તને જોવી છેઅરે ક્યાં ગયા મારા ચશ્મા..? શુભ, આવ અંદર આવ

હાથ પકડીને એને અંદર લઈ ગયાઅને ચશ્મા શોધ્યાસદરાની કોરથી ચશ્માના કાચ સાફ કર્યા….અને પહેરી લીધા.. એના ગાલ પર હાથ ફેરવતા એક ડૂસકું નીકળી ગયુંશુભ, તારો ચહેરો અને તારી આંખોશુભ, તું તો એવીને એવી   છોતું તો જતી રહી, પાછું વાળીને જોયું પણ નહિ….? હું તો તારી રાહ જોતો આવી ઊભી ગયો એકલતાના વિરાન ટાપુ પર તારી તરસ લઈનેચારેકોર નજર નાંખી પણ બધે મૃગજળ….

વિશ્વ, કેમ છો તમે..?

સારો છુંહવે શું સારું ને  શું ખરાબ ઉંમરે….તારા આગમનની રાહ જોવામાં વર્ષો કાઢી નાખ્યાંપણ મારી શ્રદ્ધા પૂર્ણ થઈ“ 

૩૫ વર્ષે હું તમારા જીવનમાં પાછી આવી છું વિશ્વ ! તમારી ગુનેગાર છું હું, મારે દોષમાંથી મુક્ત થવું છે એનું પ્રાયશ્ચિત કરવું છે….મારે તમને પામવા છે વિશ્વ….થાકી ગઈ છું એકાકીપણાના ભારથીજીવનનો ખાલીપો મારે ભરી દેવો છે વિશ્વજિત….હું મૃગજળ નથી વિશ્વજિતહું પણ ભટકી છુંવિશ્વજિત હું તો ખારા પાણીની પ્યાસી મીન. હું તમને લેવા આવી છું, ચાલો મારી સાથે. આપણે હવે બાકીનું જીવન સાથે પૂરું કરીએ

અરે પગલી, તું મને ક્યાં લઈ જશે હેં..? હું તારા માથે બોજ બનીશ ઉંમરે  હવે….અને તારા ઘરનાં બધાં??

તમારો બોજ ઊંચકવા જેટલા મારા ખભા સક્ષમ છે વિશ્વજિત. બધાં   છે અને બધું છે પણ હું હવે ત્યાં નથી….મને બાબત કશું ના પૂછશો પ્લીઝ, લાશ માત્ર સ્મશાન કે કબ્રસ્તાનમાં હોય એવું નથી. હું તો જીવતી લાશો સાથે જીવી છું

બહુ દુઃખી થઈ તું શુભ..?”

મેં તો તમને કહ્યું હતું કે હું તમારા સિવાય ક્યાંય સુખી નહિ રહી શકું પણ તમે તો જીદ લઈને બેઠાં હતાઅને મને પરણવા મજબૂર કરી સાચું કે તમે પણ બંધાયેલા હતા પણ…..આપણી નિયતિ બીજું શું..?”

થોડી નિઃશબ્દ ક્ષણો પછી શુભાએ કહ્યું: વિશ્વ, તમે તૈયારી કરો..હું સંચાલક પાસે જઈને બધી ફોર્માલીટી પતાવી આવું છું આપણે આજે અહીંથી નીકળી જઈએ.શુભા સંચાલક પાસે જવા નીકળી.

ખૂબ ખુશ થયા વિશ્વજિત અને સ્વગત બોલતા હતા: શુભ, મારી શુભ…!! હું તો જાણતો હતો કે તું આવીશતારે આવવું પડશે, પણ બહુ રાહ જોવડાવી તેં મારી વહાલી.થોડી ક્ષણો મૌન રહ્યા અને પલંગ પર બેસી ગયાવિચારવા લાગ્યા:

શું કરું હું? મને તો કશું સમજાતું નથી.. મારી શુભ મને ક્યાં લઈ જશે..? એની જીદ છે તો મારે જવું તો પડશે નહિ તો મારી શુભ દુઃખી થશે..પણ મને કેમ આમ બધું ફરતું દેખાય છે..? શુભાનું આગમન તો અવસર હોય ને પણ આજે મને કેમ બધું શુષ્ક લાગે છે ? ક્યાં ગયો રોમાંચનો સમુદ્ર..? સુકાઈને રણ થઈ ગયો..? શુભા તું તો મારો પ્રેમ છે..મારા અંતરના થીજેલા દરિયામાં માછલી બનીને સૂઈ ગઈ છુંઆજે મત્સ્યવેધની ક્ષણે શું દરિયો સુકાઈ ગયો..? હે ભગવાન મારી શુભાને શાંતિ આપ જે….પણ કેમ અચાનક મને આમ થાક લાગવા માંડ્યો?? પરસેવો કેમ વળે છે..? લાવ પાછી આવે ત્યાં સુધી આડો પડું.

ખાસો એકાદ કલાક વીતી ગયો. બધી ફોર્માલીટી પતાવી દીધી અને દોડતા પગે પાછી આવી ગઈદીવાલ તરફ પડખું ફરીને સૂતેલા વિશ્વજિતને જોઇને બોલી: કેમ સૂઈ ગયા વિશ્વજિત ? તમને આનંદ નથી થતો..? મને તો એમ કે તમે તૈયારી કરતા હશો.. થાક લાગ્યો છે? સારું આરામ કરી લો થોડીવાર ત્યાં સુધી હું મને સમજાય તે આટોપવા માડું આપણને સાંજ સુધીમાં અહીંથી છુટ્ટી મળી જશે.કામ કરતાં કરતાંય તો બોલ્યા કરતી હતી. એની ખુશીનો પાર હતો. સંચાલકે તો મને મૂંઝવી નાખી વિશ્વજિત..મને કહે શું થાય તમારા વિશ્વજિત..? મને તો થયું કે કહી દઉં કે મારું સર્વસ્વ છે મારા વિશ્વજિત પણ જીભ અટકાવી દીધી. મેં એમને બૉન્ડ લખી આપ્યું છે કે હવે પછીના વિશ્વજિતના જીવનની તમામ જવાબદારી મારી છે. એક કામ કરો તમે બાજુ ફરી જાવ અને ત્યાંથી સૂતાસૂતા મને બધું બતાવો અને હું બધું પેક કરવા માડું….. કેમ તમે કશું બોલ્યા નહીંવિશ્વજિતવિશ્વવિશ્વજિતએમ કરતાં એમને ઢંઢોળ્યા અને સાથે નિશ્ચેતન શરીર ઢળી પડ્યું….. માત્ર રહી ગયો એક હવાનો ગુબ્બાર…..ચિત્કાર નીકળી ગયો શુભાથીવિશ્વજિતવિશ્વ..જીત શું થયું તમને..? ના વિશ્વજિત ના

ચોધાર આંસુએ રોવા માંડી….અફાટ રુદન સાથે બોલતી રહી…. આજે પણ તમે મને એકલી મૂકી દીધી.. મને હાથતાળી આપીનેવિશ્વ કે.. કેમ વિશ્વજિત કેમ ???? કેમ મારી સાથે તમે આમ સંતાકૂકડીની રમત માંડી છે વિશ્વ..?? શું વાંક છે મારો વિશ્વજિત શું વાંક છે..? મારે તો પારિજાતનો સુગંધભર્યો દરિયો થઈને તમને વીંટળાવું હતુંમારે તો મેઘધનુષ્ય થઈને તમારા ઘરને સજાવવું હતુંમારે તો સતત ટહુકીને મધુર ધ્વનિથી તમારા જીવનને સતત ભરી દેવું હતું..ડૂસકાં રોકાવવાનું નામ નથી લેતાં. પાગલ જેવી થઈ ગયેલી શુભા બોલ્યે જતી હતી. કેમ મારી સાથેજ આવું કેમ..કેમ..?? વિશ્વજિત આપણો પ્રેમ થીજેલાં જળમાં મીન બનીને સૂઈ ગયો..? ના થયો મત્સ્યવેધ…..ના થયો..મત્સ્ય……વેધ… 

 

  

                                          *************

વિજય ઠક્કર

શબ્દો: 2150

લખ્યા તારીખ: September 15,2019 @ 05.20 PM