Day: મે 24, 2019

મારે ફક્ત બે જ શબ્દો કહેવા છે……

ડસડાટ દોડતી ટ્રેનની ગતિમાં અચાનક વિક્ષેપ પડ્યો.

થોડીવાર મંદ ગતિ એ દોડ્યા પછી એક આંચકા સાથે ટ્રેન અધરસ્તે થોભી. મુસાફરો એ આંચકાથી હચમચી ગયાં. શ્રીવત્સ ઘસઘસાટ ઊંઘતો હતો પણ ટ્રેનના આંચકા સાથે એ ઊંઘમાંથી સફાળો જાગી ગયો. કેટલાંક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઊતરી ટ્રેનના અચાનક થોભવાનું કારણ શોધવા લાગ્યા. તપાસ કરતા સમાચાર આવ્યા કે આગળ થોડે દૂર બીજી એક ટ્રેનનો અકસ્માત થયો હતો. જ્યાં સુધી ડાયવર્ઝન ના મળે ત્યાં સુધી ટ્રેનનું ત્યાં થોભવું નિશ્ચિત હતું. થોડો સમય તો મુસાફરોનો કોલાહલ ચાલ્યો.

શ્રીવત્સ પણ છેવટે કંટાળ્યો એટલે ટ્રેનમાંથી નીચે ઊતર્યો. તપાસ કરતા જાણ્યું કે દસપંદર મીનીટમાં જ વલસાડ સ્ટેશન આવવાનું હતું. બીજા દિવસે મુંબઈમાં એના નાટકનો શો છે. આગલા દિવસે એટલા માટે નીકળ્યો કે રાત્રે આરામ કરીને બીજા દિવસે સવારે મુંબઈનાં થોડા કામ પતાવી દે અને પછી રાત્રે શો પતાવી બીજા દિવસની વહેલી સવારની શતાબ્દી લઈ અમદાવાદ પરત આવી શકે…. પણ હવે આ અકસ્માતથી નડવાથી નિર્ધારિત કાર્યક્રમ બધો ખોરવાઈ જશે. ટ્રેન ફરી ક્યારે ઊપડશે એ નક્કી નથી. શ્રીવત્સ ખૂબ હતાશ થઈ ગયો પણ શું થઈ શકે..!!!

મુસાફરો ધીમેધીમે શાંત થવા માંડ્યા છે કેટલાકે ઊંઘવા માંડ્યું. કેટલાક ટ્રેનની બહાર રેલ ટ્રૅક પાસે ઉભા છે કે બેઠાં છે. આગવા લહેજામાં અને લહેકામાં બુમો પાડતા ફેરિયાઓ ટપકી પડ્યા છે વસ્તુઓ વેચવા માટે.

શ્રીવત્સ કંટાળીને એની બર્થ પર આડો પડ્યો… ટ્રેન જે આંચકા સાથે થોભીને એની ઊંઘ ઉડાડી ગઈ હતી એજ આંચકાએ એની સ્મૃતિને ઢંઢોળી નાંખી. વાયરાના સુસવાટા સાથે એક આકાર ધસી આવ્યો એના સ્મરણપટ પર અને એના મનોસામ્રાજ્યનો કબજો લઈ લીધો…. કમ્પાર્ટમેન્ટમાં કોલાહલ શમવા માંડ્યો અને શ્રીવત્સ સ્મરણપટ પર ઊપસી આવેલા એ આકારને આધીન થઈ ગયો. ક્યાંથી આવી ચડી હશે આમ આ ઘોર અંધારી રાત્રે એના મન:પટ પર….!!! શ્રીવત્સની આંખો ખૂલ્લી હતી અને પલકારો મારવાનુંય ભૂલી ગઈ હતી બસ એ તો એકીટસે કમ્પાર્ટમેન્ટની છતને નીરખી રહ્યો હતો. કેટલો બધો લાંબો લગભગ ૩૦ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે અને છતાં આજે એ યાદ આવી ગઈ !! અને જાણે હજુ હમણાંજ છૂટા પડ્યાંનો ભાસ થાય છે. એના એકએક હાવભાવ, એનું અલ્લડપન, એની જાતજાતની હરકતો, એની બોલચાલનો આગવો અંદાજ, એનું ડહાપણ, અને એની ઠાવકાઈ બધું જ એક સામટું એના સ્મરણપટ પર ધસી આવ્યું. શ્રીવત્સ તો ખોવાઈ ગયો એની સાથે વિતાવેલા એ કાલખંડમાં.

*************

નાટકના રિહર્સલમાં એક નાનકડી છોકરીનો પ્રવેશ થયો. શુભ્રા એનું નામ હતું.  ડાયરેક્ટરે બધા કલાકારો સાથે એનો પરિચય કરાવ્યો અને શ્રીવત્સ પાસે આવ્યા ત્યારે ડાયરેકટરે કહ્યું શુભ્રા આ છે આપણા સૌથી સીનીયર અને લોકપ્રિય કલાકાર શ્રીવત્સ એમની પાસેથી ઘણું શીખવા મળશે. બધા એમને શ્રી કહે છે. એમની બાજુમાં પડેલી ખુરશીમાં શુભ્રા બેસી ગઈ. યુનિટના બધા કલાકારો શ્રી સાથે કશીક ચર્ચા કરતા હતા અને શુભ્રા તો બસ એમને અપલક નજરે જોઈ રહી હતી. શ્રીના અવાજથી, એમની છટાથી, એમના બોલવાના અંદાજથી, એમના વોઈસ મોડ્યુલેશન્સથી, એમના હાવભાવથી અરે એમના સમગ્ર વ્યક્તિત્વથી અભિભૂત થઈ ગઈ હતી શુભ્રા. કેટલીયે વારે શ્રીની નજર એ તરફ ગઈ…શુભ્રા તો બસ ખોવાઈ ગઈ હતી પણ શ્રીએ એના ચહેરા પાસે હાથની ચપટી વગાડી એને સભાન કરી.

“ હેલ્લો ડાર્લિંગ “

“હેલ્લો…”

“નાટકમાં કામ કરવા આવી છું..??”

“હા,મને નાટકમાં ઍક્ટિંગ કરવાનું બહુ ગમે છે.”

“પણ તારું ભણવાનું ..?”

“હાલ પૂરતું તો એ પૂરું થઈ ગયું…હું આ વર્ષે જ ગ્રૅજ્યુએટ થઈ. મને નાટકમાં બહુ રસ પડે છે”

“નાટક જોવામાં કે પછી નાટક કરવામાં ..??”

“બંનેમાં “

“વેરી ગુડ…ઓ કેએએએએ….. તો તેં કયાં નાટકો જોયાં છે..? મારું એક પણ નાટક જોયું છે..?”

“હા, તમારા તો બધાં જ  નાટકો જોયાં છે “

“વાવ…”

“શું નામ છે તારું ..?”

“શુભ્રા… “ અરે વાહ તારું નામ તો બહુ સરસ છે ..પણ હું તને શુભ્રા નહિ કહું ઓ કે….! હું તને બેબી ડોલ કહું ચાલશે….?”

“હા ચાલશે અને મને ગમશે…”

“શ્યોર ….??”

“યસ “

*************

શુભ્રા હવે યુનિટની કાયમી સદસ્ય બની ગઈ. શરૂઆતના નાના રોલ પછી પાંચ છ નાટકોમાં તો એણે અદ્ભુત અભિનય આપ્યો. ખૂબ વખણાયો એનો અભિનય. એના પરિવારમાં તો કોઈ ઍક્ટિંગનાં ક્ષેત્રમાં નહોતું છતાં એવા કોઈ જ પારિવારિક બૅકગ્રાઉન્ડ વગર પણ શુભ્રાને ઍક્ટિંગ તો જાણે કુદરતની બક્ષિશ હતી અને એમાંય વળી શ્રીવત્સની ટ્રેનિંગ મળી એટલે રહીસહી કસર પણ જતી રહી. અમદાવાદની નજીકના એક નાના ટાઉનમાં જન્મીને ઊછરેલી આ છોકરી ઍક્ટિંગના એના શોખને કારણે અનાયાસ શ્રીવત્સ જેવા થિયેટરના એક ખૂબ પ્રખ્યાત અભિનેતા અને શોમેન ના સંસર્ગમાં આવી. શ્રીવત્સના સહવાસમાં રહીને તો એનું વ્યક્તિત્વ જ સાવ બદલાઈ ગયું. એનું મેનરીઝમ, એનું વસ્ત્રપરિધાન, એના વોઈસ મોડ્યુલેશન્સ અને ઘણુબધું બદલાઈ ગયું. ત્રણેક વર્ષમાં તો સાવ જુદી જ શુભ્રા ઊભરી આવી. શુભ્રા ખૂબ હળી ગઈ હતી શ્રીવત્સ સાથે એટલે એ સતત એવો પ્રયાસ કરતી કે વધુમાં વધુ સમય એ શ્રી સાથે રહી શકે. શ્રી સાથે અભિનય કરવાનું એની સાથે બહુ બધી ભાતભાતની વાતો કરવાનું, ફરવાનું, મસ્તી કરવાનું, શ્રી ને ચીડવવાનું, એની પર ગુસ્સો કરવાનું, એનાથી રિસાવાનું એને બહુ ગમતું. શ્રી અને શુભ વચ્ચે ઉમરનો ૧૪-૧૫ વર્ષનો તફાવત હતો એટલે જ તો એ એને બેબી ડોલ કહેતો. જો કે એ સંબોધન પણ ધીમેધીમે ટૂંકું થઈ ગયું અને હવે તો એ ફક્ત “બેબી” જ કહેતો. શ્રીવત્સને શુભ્રા બહુ વહાલી લાગતી એટલે જ તો નાનકડી ઢીંગલીની જેમ એને જાળવતો… એની નાનીનાની વાતોનું પણ એ ધ્યાન રાખતો. ક્યારેક શુભ્રા એની સાથે લડીને રિસાઈ હોય તો શ્રી જ એને મનાવતો એને ફરવા લઈ જતો, કોઈક ગિફ્ટ આપતો, નવુંનવું શીખવતો, નવાં નાટકો જોવા લઈ જતો તો વળી નવાં નાટકો વંચાવતો. ક્યારેક ગુસ્સો પણ કરતો, એને લડતો, એની સાથે અબોલા લેતો.

શુભ્રા હવે તો ફૂલટાઇમ થિયેટર કરતી હતી અને એણે શ્રી સાથે ઘણાં નાટકો કર્યાં.

પહેલીવાર જ્યારે શુભ્રા આ ક્ષેત્રમાં આવી ત્યારે એકદમ ભોળી…સીધીસાદી પણ જબરદસ્ત ચબરાક છોકરી હતી. હા, આજે થિયેટરના ક્ષેત્રે આટલાં બધા વર્ષો વિતાવીને પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કર્યા પછી પણ એની સાદગી એનું ભોળપણ એનો નમ્ર સ્વભાવ અને એની શાલીનતા યથાવત્ જાળવી શકી હતી. હા, એનું ગૃમીંગ અદ્ભુત થયું હતું પણ એને બીજી કોઈ જ બદી સ્પર્શી નથી.

*************

નવું નાટક લૉન્ચ થવા જઈ રહ્યું હતું. બધાં કલાકાર નાટકની સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા હતાં દરમિયાન બધા કશીક ગહન ચર્ચામાં પડી ગયાં. શ્રીનું આખા યુનિટ પર વર્ચસ્વ હતું અને એક સિનિયર કલાકાર હોવાથી સૌ એનું સન્માન કરતાં અને એની સાથે કોઈ વાતે સંમત ના પણ હોય ત્યારે જાહેરમાં એ અસમ્મતી પ્રદર્શિત ના થાય એની સૌ કાળજી રાખતા. જો કે આ બધા શિષ્ટાચારમાંથી શુભ્રા બાકાત હતી. શુભ્રાને કાંઈ પણ કહેવા બોલવાની છૂટ હતી અને શ્રીને એનું કદી માઠું પણ ના લાગતું. હા, પણ ક્યારેક ભૂલથી જો શ્રીને એનું કશું વર્તન ના ગમે તો શ્રી એકાદ દિવસ બોલે નહિ. મૌન ધારણ કરી લે અને બીજા દિવસે પાછો એને મનાવી લે.

લોકોને એ દિવસે રીડિંગ કરતા ચર્ચામાં વધારે રસ પડતો હતો. આમ પણ એ પહેલો જ દિવસ હતો એટલે એકાદ રીડિંગ થયું. બધા કલાકાર થોડા લેઝર મુડમાં હતાં. વાતોના ગપાટા મારવા માંડ્યા. આવું બહુ ઓછું બનતું હોય પણ એ દિવસે બધા શ્રીની ખાસિયત અને નબળાઈની વાતો કરતા હતા અને શુભ્રા એકદમ બોલી: “ શ્રી, તમે બહુ ઘાતકી છો…”

ત્યાં હાજર બધા તો એકદમ સ્તબ્ધ થઈ ગયાં… શ્રી પણ સહેજ વાર તો સમસમી ગયો.

“હું ઘાતકી છું..?? હું કઈ રીતે તને ઘાતકી લાગ્યો એ તો કહે..”

શુભ્રા કશું બોલી નહિ… વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું… ધીમેધીમે બધા વિદાય થવા માંડ્યા પણ શ્રી અને શુભ્રા બેસી રહ્યા… શ્રી એને પૂછ્યા કરતો અને શુભ્રા જવાબ આપવાનું ટાળતી રહી… છેવટે શ્રીએ કહ્યું: જો બેબી હું તને ઘાતકી જ લાગતો હોઉં તો હવેથી આપણે સાથે કામ નહિ કરીએ.” શ્રીએ ઉભા થઈને ચાલવા માંડ્યું…. થોડી ક્ષણો શુભ્રા બેસી રહી પણ પછી દોડતી ગઈ અને એને પાછળથી વળગી પડી. આવું વર્તન પહેલી જ વાર થયું…શ્રી, સહેજ છોભીલો પડી ગયો. શુભ્રા ને અળગી કરી, એના હાથ છોડાવી કશુંજ બોલ્યા વગર એ ત્યાંથી નીકળી ગયો.

***************

શ્રી એ નાટકના રીડિંગ માટે આવવાનું ટાળ્યું…..

એક અઠવાડિયું થઈ ગયું એ ઘટના બને…..એમના સંપર્કમાં આવ્યા પછી આ પહેલો બનાવ હતો કે શ્રી અને શુભ્રા વચ્ચે આટલો સમય કોઈ વાતચીત ના થઈ હોય. શુભ્રા યુનિટમાં આવતી પણ રીડિંગ પતાવીને નીકળી જતી પણ તે દિવસે એને શું થયું કે રિક્ષા લઈને સીધી શ્રીના ઘરે પહોંચી ગઈ. શ્રી એકલો હતો એટલે ઘણીવાર પહેલા પણ એ અહીં આવતી અને શ્રી સાથે સમય વિતાવતી પણ આ સમયનું એનું આગમન શ્રી ને અસહજ લાગ્યું એમ છતાં એટલાં જ  ઉમળકાથી એને આવકારી…” બેબી…..!!!”

અંદર લઈ આવીને બેસાડી અને સામેની ચેર પર એ બેઠો…

કોઈ જ પૂર્વભૂમિકા વગર શુભ્રા બોલી

“શું થયું છે….?” પહેલાની જેમ જ અધિકારપૂર્વક અને ગુસ્સાથી બોલી…

“કેમ..?”

“કેમ નથી આવતા..?” અવાજમાં સહેજ ભીનાશ પ્રસરી

“કશું નહિ…બસ આમ જ….:”

શુભ્રા એની સીટ પરથી ઊભી થઈ અને શ્રીના પગ પાસે ઉભડક બેસી ગઈ …પર્સમાંથી એક એન્વલપ કાઢીને એના હાથમાં મૂકી દીધું….આંખો નમાવી શ્રીના બંને ઢીંચણ પર પોતાનું માથું મૂકી દીધું અને નીચે જોઈ ગઈ.

અનાયાસ બનતું આ બધું શ્રી ને થોડું અડવું લાગતું હતું…. એણે એન્વલપ ખોલ્યું અંદરથી એક કાર્ડ નીકળ્યું  કાર્ડ પરના ચિત્રમાં એક નાનકડી ઢીંગલીની આંખમાં આંસુ હતા અને ચિત્રની નીચે લખ્યું હતું “સોરી.” અંદરના ફોલ્ડમાં લખ્યું હતું….”શ્રી,મારે બે જ શબ્દો કહેવા છે..તમે મારી લાગણીઓને સમજી શકો છો ??”

શ્રીવત્સને કાર્ડ બહુ ગમ્યું એના ઢીચણ પર માથું મૂકીને ઉભડક બેઠેલી શુભને ઊભી કરી. હજુ એણે એનો  ચહેરો નીચો જ રાખ્યો હતો.. એની સાથે આંખ મિલાવતી ન હતી….શ્રીએ એનો ચહેરો ઉંચો કર્યો…એની આંખમાં આંસુ હતા અને એણે સહેજ હોઠ ફફડાવ્યા કહ્યું: “ સોરી “ શ્રીએ એને બાહુપાશમાં જકડી લીધી અને એના આંસુ લૂછી નાંખ્યા. બંને જણ ક્યાંય સુધી એમજ નિઃશબ્દ ઉભા રહ્યા…શ્રી એના માથે અને ચહેરા પર હાથ ફેરવતો રહ્યો. છેવટે શુભ્રાએ કહ્યું: “ મને માફ કરી ને તમે ..???”

“ હા…બેબી…”

**************

શુભ્રા વિદાય થઈ…. શ્રી સમજી ગયો હતો કે બેબીની લાગણીનું સ્વરૂપ બદલાયું છે.. એ એને પ્રેમ કરવા માંડી છે…. એક બાજુ ખુશી હતી તો એકબાજુ મનમાં ગુનાઈત ભાવ હતો… કશુંક ખોટું થઈ રહ્યું હોવાનો અવાજ અંદરથી સંભળાતો હતો…. હા એ સાચું હતું કે બેબી તરફ એને ક્યારેય એવો કોઈ ભાવ થયો જ નહોતો…પણ શુભ્રાના મનમાં આ પ્રકારનો ભાવ ઊઠ્યો અને એ એને પ્રેમ કરવા માંડી. એ બંને વચ્ચેનો ઉંમરનો ૧૪-૧૫ વર્ષનો તફાવત પણ એના માટે બાધારૂપ હતો… પણ શુભ્રા તો રોકેટની ગતિએ એની તરફ આવી ગઈ હતી… એણે તો એકરાર કરી દીધો..એણે તો એના મનની વાત જણાવી દીધી…. પણ હવે શું..? કેમ કરીને એને રોકવી ? એના દુષ્પરિણામની કલ્પના પણ નહોતો કરી શકતો… ખૂબ વ્યાકુળ હતો… મનમાં મહાભયાનક બવંડર ચાલી રહ્યું હતું. બહુ જ મનોમંથન પછી જે કહી શકાય એમ નહોતું એ શબ્દોને એણે કાગળ પર ઉતાર્યા.

વહાલી બેબી,

પાંચ સાત વર્ષના આપણા સહવાસમાં પહેલીવાર તારી આંખમાંથી મારા માટે આટલી બધી લાગણી ઠલવાતી જોઈ. નિકટ તો હતા જ ને આપણે પણ આ તો ચરમસીમા બેબી…મારા ભીતરને ભીંજવી ગઈ તું તો.

મારું સમગ્ર ચેતાતંત્ર ઝણઝણી ઊઠ્યું છે. તું ગઈ પછી મોડીરાત સુધી પથારીમાં પડખાં ઘસ્યા ઊંઘ ના આવી…ઘરમાં આંટાફેરા મારતો રહ્યો… મન પર બોજ હતો… અતિશય વિહ્વળ હતો અને જાતને જ કોસવા લાગ્યો. આ મેં શું કર્યું ..??? સારું થયું કે ખરાબ કે પછી સાચું થયું કે ખોટું..!! હૃદય આ બોજને લીધે બમણી ગતિએ ધબકતું હતું.

અંતે એક ચોક્કસ નિર્ણય કર્યો.

શુભ,તારી લાગણીનો સ્વીકાર તો કર્યો જ છે પણ એનો પ્રતિભાવ આપવો મારા માટે શક્ય નથી અથવા એમ કહું કે મારી ક્ષમતા નથી. થાય છે ..આપણે ક્યાંક પથ ભૂલ્યાં.. હું તો આ થિયેટરના ક્ષેત્રમાં એસ્ટાબ્લીશ થયેલો છું પણ તારું તો ક્ષેત્ર બદલાશે…તારું જીવનકર્મ બદલાશે. તારે તો હજુ ઘણું બધું કરવાનું છે….જીવનના આનંદ માણવાના છે. તેં કલ્પેલા અને ઇચ્છેલા સંબંધમાં આપણે આગળ વધી જઈએ….મારી આંખમાં જે લાગણીના પુષ્પ મહોરેલા દેખાય છે એ જ આંખમાં ક્યાંક વિકાર આવશે કે સંયમ તૂટશે તો અનર્થ સર્જાશે બેબી..

બેબી, તને તો મેં બહુ લાડ કર્યા છે, અઢળક વહાલ કર્યું છે તને….અને મારી આ બેબી ડોલ નંદવાય એ મને હરગીઝ મંજુર નથી…

અંતરની બારસાખે ઝૂલતો આસોપાલવ હિજરાશે એ ચાલશે પણ એને સુકારો લાગશે એ તો નહીં જ પાલવે.

શુભ, એક વિનંતી કરું…! હા, મને ખબર છે તને દુ:ખ થશે…તો હું પણ ક્યાં ઓછો દુ:ખી છું

પણ મને આપણા માટે એક જ માર્ગ  શ્રેયસ્કર લાગે છે. આપણે છૂટાં છતાંય પૂર્વવત્ સંકળાયેલા રહીએ….???

_ શ્રીવત્સ

બીજા દિવસે સવારે શુભના હાથમાં કાગળ મૂક્યો

*************

 

ટ્રેનની વ્હીસલ રણકી..

ફરી પાછો એક આંચકો …મંદ ગતિ અને ફરી પાછી ગતિની તીવ્રતા…

 

XXXXXXXXXXX

નોંધ: વાર્તા સત્યઘટના પર આધારિત છે. વાર્તાના પાત્રોના નામ બદલ્યા છે અને વાર્તાના પ્લોટમાં નજીવા ફેરફાર કર્યા છે

 

વિજય ઠક્કર

લખ્યા તારીખ: May 24, 2019 @12.00

શબ્દો: 1935