Month: જાન્યુઆરી 2018

ધબકાર……

મરીન ડ્રાઈવનાં દરિયા કિનારે આવેલા એક મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ પાસે આવીને ટૅક્સી થોભી. નકુલ ટૅક્સીમાંથી ઊતર્યો અને ભાડુંચૂકવીને એના પાઉચમાંથી વિઝીટીંગ કાર્ડ કાઢીને એડ્રેસ ચેક કરવા માંડ્યો.

અશ્મા દીવાનજી

સુપ્રેડ્સ, ૧૫મો માળ, સાંનિધ્ય, મરીન ડ્રાઈવ.

સાચી જગ્યાએ પહોંચ્યાની ખાતરી થતા નકુલ એલિવેટર તરફ ગયો. મન વિચારોમાં ધૂંધવાતું હતું. જેને મળવા જઈ રહ્યો છે એ કેવાં હશે ? કેવો પ્રતિભાવ મળશે..? કોઈ અપમાનજનક વ્યવહાર તો નહિ કરે ને? મનમાં દ્વિધા હતી… પગ પાછા પડતા હતા પણ તરત પપ્પાનો ચહેરો નજર સામે આવતો એટલે બમણા વેગથી પગ ચાલવા માંડતાં. હાઈસ્પીડ એલિવેટર હતું એટલે ૪૦ સેકન્ડ્સમાંતો એ પહોંચી ગયો ૧૫મા માળે. એલિવેટરનું ડોર ખૂલતાં સામેજ એક ભવ્ય ઓફીસ “સુપ્રેડ્સ” દેખાઈ. ગ્લાસડોર પુશ કરીને અંદર પ્રવેશ્યો. રિસેપ્શન કાઉન્ટર ડાબી બાજુએ હતું અને એના પર એક સુંદર રિસેપ્શનીસ્ટ હતી મર્સી જે કોઈકની સાથે ફોન પર વાત કરતી  હતી અને પેન્સિલથી કશુંક લખી રહી હતી. નકુલ એની ડેસ્ક પાસે જઈને ઊભો રહી ગયો… જોકે એના હાવભાવ અને એની બોડી મુવમેન્ટ પરથી એ ખૂબ ઉતાવળમાં હોય એમ લાગતું હતું. થોડી સેકન્ડ્સમાં ફોન પત્યો અને રીસેપ્શનીસ્ટે પૂછ્યું…” હાઉ મે આઈ હેલ્પ યુ સર..?”

“મારે અશ્મા દીવાનજીને મળવું છે અને એ પણ એકદમ અર્જન્ટ “

“સોરી સર, અત્યારે આપ એમને નહીં મળી શકો…મૅડમ અત્યારે એક ઈમ્પોર્ટન્ટ મીટિંગમાં છે…આપને વેઇટ કરવું પડશે થોડો સમય…”

“કેટલો સમય..?”

“આઈ કે’ન્ટ સે સર…”

“મે’મ ઇટ્સ એન ઇમર્જન્સી…”

“હું સમજુ છું સર બટ ઇટ્સ વેરી ઈમ્પોર્ટન્ટ બિઝનેસ મીટિંગ ગોઈંગ ઓન…આઈ રીયલી કાન્ટ હેલ્પ યુ સર…”

“અરે મૅડમ કોઈકની જિંદગીનો સવાલ છે….આ…આ.અ…આપ પ્લીઝ એમને કહેશો કે અમદાવાદથી નકુલ વૈષ્ણવ એમને મળવા આવ્યા છે…”

બહુ જ વિનંતી પછી રિસેપ્શનીસ્ટે ઇન્ટરકોમ પર અશ્મા સાથે વાત કરી.

“મૅડમ, નકુલ વૈષ્ણવ અમદાવાદથી આવ્યા છે અને એ તમને મળવા માંગે છે”

“————“

“મૅડમ એમને અર્જન્ટ કામ છે એવું કહે છે… એ કહે છે ઇટ્સ એન ઈમરજ્ન્સી”

“————“

“આપને થોડો સમય રાહ તો જોવી જ પડશે મી.નકુલ….”

“આપ બેસો વેઇટિંગ એરીયામાં એન્ડ વ્હોટ વુડ યુ લાઈક ટુ હેવ મિસ્ટર નકુલ ?  ટી-કોફી..?”

“કાંઈ પણ…”

હતાશ થઈ ગયો નકુલ, અને પહેલાં તો શું કરવું એ જ એને સમજાતું નહોતું. થાકીને સામે વેઈટીંગ એરીયામાં સોફા પર જઈને ફસડાયો. આંખો બંધ કરીને કશાક વિચારમાં ખોવાઈ ગયો…અને પાછી થોડીવારે વિચારતન્દ્રા તૂટી અને એની બેચેની એકદમ વધી ગઈ.

રિસેપ્શનીસ્ટ એક ટ્રે માં સર્વિસ ટી અને બિસ્કુટ લઈ આવી.

ઘડીઘડીમાં એ કૉન્ફરન્સ રૂમના ડોર તરફ એક દયામણી નજર નાખ્યા કરતો હતો. બહુ વિમાસણમાં હતો. વળતી ફ્લાઈટમાં અશ્માને લઈને અમદાવાદ પહોંચવાનું હતું. હજુતો એ અશ્માને મળી પણ શક્યો નથી અને મળ્યા પછી પણ એ અમદાવાદ આવવા સંમત થશે કે કેમ એ પણ ખબર નથી. અશ્મા પણ નકુલ વૈષ્ણવનું નામ સાંભળીને એકદમ બેચેન બની ગઈ હતી. શું થયું હશે અચાનક કેમ નકુલ આવ્યો હશે..? આ એક અત્યંત અગત્યની બિઝનેસ મીટિંગ પણ એનાથી તાત્કાલિક છોડી શકાય એમ નથી. અસમંજસમાં હતી. માંડમાંડ અરધો કલાકમાં મીટિંગ પૂરી કરીને અશ્મા કૉન્ફરન્સ રૂમમાંથી ઇન્ટરનલ ડોરમાંથી સીધી એની ચેમ્બરમાં ગઈ. ઇન્ટરકોમ પર નકુલને અંદર મોકલવા સૂચના આપી. રિસેપ્શનીસ્ટ એની પાસે આવી અને કહ્યું : “મી.નકુલ યુ મે પ્લીઝ ગો ઇન… મે’મ ઈઝ વેઈટીંગ ફોર યુ”

નકુલ એકદમ કુદકો મારીને ઊભો થઈ ગયો અને સડસડાટ ચેમ્બર પાસે પહોંચીને દરવાજો નોક કર્યો.      ”પ્લીઝ કમ ઇન” અંદરથી અવાજ આવ્યો.

અંદર જવા સુધીની એની છટપટાહટ એકદમ શાંત થઈ ગઈ… ચેમ્બરમાં જઈને નકુલ તદ્દન સુશીલ અને નમ્ર બની ગયો…સામે જે ઠસ્સાદાર સ્ત્રી, નામે અશ્મા દીવાનજી બેઠી હતી એની ઓરા જ કંઈક એવી હતી કે એની સામે આવનાર ગમે એવી નામના કે મોભાવાળી વ્યક્તિ કેમ ના હોય પણ એ આ સ્ત્રીના પ્રભાવમાં આવી જ જાય. નકુલ પણ બે ક્ષણ એ વ્યક્તિત્વને જોઈ જ રહ્યો. મધ્યમસર ની ઉંચાઈ, થોડુંક ભરાવદાર શરીર અને સહેજ શ્યામળો વાન.. લંબચોરસ ચહેરો અને અર્ધ ચન્દ્રના આકારની એની હડપચી, નાક પર ડાબી બાજુએ એક નાનકડો કાળો મસો એની સુંદરતામાં અનેકઘણો વધારો કરતો હતો. સામાન્ય કરતાં સહેજ મોટું કપાળ અને એમાં બે ભ્રમરો વચ્ચે એક નાની બિંદી. શોલ્ડર સુધીના ગોલ્ડન હાઈલાઈટ્સ કરેલા બોબ હેર અશ્માના આકર્ષક ચહેરાની સુંદરતામાં ખૂબ મહત્વનો હિસ્સો હતા અને એ સુંદરતામાં પાછો વધારો કરતા હતા એના ડિઝાઈનર ગ્લાસીસ. સ્લીવલેસ બ્લાઉઝ અને પારસી કિનાર લગાવેલી સફેદ ફૂલોની ડીઝાઈન વાળી ડ્રાય કરેલી પિંક શાહજાદી અવરગંડી સાડીમાં મૅડમ અશ્મા દીવાનજીનો ઠસ્સો જ કાંઈક અલગ હતો.

નકુલને એમણે બેસવા કહ્યું. નકુલ ચેરમાં ઉભડક બેઠો એટલે અશ્માએ ફરી એને શાંતિથી બેસવા કહ્યું. નકુલ સ્તબ્ધ હતો અને અશ્માને જોઈ રહ્યો હતો….

“હેલ્લો નકુલ…!” એને બોલાવીને વિચારોમાંથી એને બહાર લાવ્યા.

“યે…યે….યેસ્સ …હેલ્લો મે’મ…? થોથવાવા માંડ્યો.

અશ્માએ એને સામે પડેલા ગ્લાસમાંથી થોડું પાણી પીવા કહ્યું.. એક ઘૂંટો પાણી પીધા પછી એ થોડો સ્વસ્થ થયો.

“મે’મ આઈ’મ નકુલ વૈષ્ણવ, ફ્રોમ અમદાવાદ”

“હા, હું ઓળખી ગઈ તમને…તમે રાજના દીકરા છો રાઈટ…?? પણ કેમ અચાનક અહીં આવ્યા…? એવું તો શું થયું..? અને હા…મર્સીએ મને કહ્યું કે કશીક ઇમર્જન્સી છે… શું થયું.. ??? બધું ઓલરાઈટ તો છે ને..??”

“ના…નો…નો મે’મ નથી બધું ઓલરાઈટ”

અશ્મા પણ નકુલને જોઇને વિચારતી હતી…કેવો છે એકદમ ફૂટડો યુવાન…!! એક ક્ષણમાં તો એને બીજા પણ અનેક વિચારો આવી ગયાં…જોતી રહી નકુલને અને વિચારતી રહી…બિલકુલ રાજની જ પ્રતિકૃતિ.

નકુલે આશ્માની વિચારતન્દ્રાને તોડતાં કહ્યું “મે’મ …પપ્પા સિરિયસ છે..”

“શુંઊઊઊઊ….??? ઓહ માય ગોડ…શું થયું રાજને…?????” એકદમ અધીરતાથી એણે પૂછ્યું….

“સિવિયર હાર્ટઍટેક..!!!”

અશ્મા કશું બોલી ના શકી પણ આંખોમાં પાણીનું એક પડળ બાઝી ગયું…

“મે’મ મમ્મીએ મને ખાસ તમને લેવા મોકલ્યા છે.”

“હીરે….????? આર યુ સિરિયસ..???” અશ્માથી એકદમ આશ્ચર્ય વ્યક્ત થઈ ગયું.

“હા….મમ્મીએ મને મોકલ્યો છે”

“પણ એ કેવી રીતે શક્ય છે નકુલ..?”

“આંટી ગઈકાલે સવારે પપ્પાને ઍટેક આવ્યો. હોસ્પિટલમાં એડમીટ કર્યા…” નકુલે હવે એને આંટીથી સંબોધવા માંડી પણ એ ફેરફાર કોઈના ધ્યાને ના આવ્યો.

“શું કહે છે ડૉક્ટર..? એના અવાજમાં ચિંતા સ્પષ્ટ વર્તાતી હતી.

“પરિસ્થિતિ એકદમ નાજુક છે… પપ્પાજી ને બહુ તકલીફ થતી હતી પણ આખા દિવસની સારવાર પછી સાંજે એમને કંઈક ઠીક લાગ્યું. રાત્રે હું અને મમ્મા એમની પાસે આઈસીયુમાં બેઠા હતા..પપ્પા અર્ધ ભાનમાં હતા. મમ્મી ખૂબ ચિંતામાં હતી. મમ્મીનો હાથ એકદમ ભીંસીને પકડી રાખ્યો હતો પપ્પાએ…. આંખોમાંથી સતત આંસુ વહ્યે જતા હતા. મમ્મીએ એમને પૂછ્યું ”શું થાય છે રાજ..? કશું કહેવું છે..??”

“હા હીર ….મારી એક વાત માનીશ…??”

“હા બોલ રાજ શું કરવું છે તારે..?”

પપ્પાથી બોલી શકાતું પણ નહતું એકદમ ત્રૂટકત્રૂટક શબ્દો ધીરા અવાજે બોલતા હતા.

“હીર, એકવાર પ્લીઝ અશ્માને બોલાવી આપીશ ..??

મમ્મીને ખચકાટ થયો પણ પરિસ્થિતિ ખૂબ નાજુક હતી…મમ્મી કશું બોલી નહિ પણ એની આંખમાંથી આંસુ વહી આવ્યા….પપ્પા એની આંખના આંસુ લૂછવા હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કર્યો પણ એમ ના કરી શક્યા…શરીરમાં એટલી તાકાત હતી જ નહિ. મમ્મીએ એમના માથા પર હાથ ફેરવ્યો એમના ચહેરા પર હાથ ફેરવ્યો… એમના સતત વહી રહેલા આંસું લૂછ્યા…

“હીર…મને ખબર છે કે હવે હું જીવવાનો નથી… અશ્માને બોલાવ…. છેલ્લી વાર એને પણ જોઈ લઉં….”

“પપ્પા એટલું જ બોલ્યા અને બેહોશ થઈ ગયા. તરત જ ડૉક્ટરને બોલાવ્યા. ડોક્ટરોએ એમને સહેજ પણ શ્રમ ના પડે એમ કરવા કહ્યું. અમે બહુ ચિંતામાં હતા.”

અશ્મા એને સાંભળી રહી હતી… ગળગળી થઈ ગઈ…રાજે એની આ અત્યંત નાજુક પરિસ્થિતિમાં પણ એને યાદ કરી….અને એના ચિત્તમાં અથડાવા લાગ્યું રાજનું એ છેલ્લું વાક્ય “ અશ્મા પ્લીઝ તું આવું ના કર મારી સાથે… અશ્મા પ્લીઝ્…..પ્લીઝ…. તું તો મારા જીવનનો ધબકાર છું…હું નહિ જીવી શકું તારા વગર…નહિ જીવી શકું હું….તારા વગર…..” સતત પડઘાયા કરતું રહ્યું એ વાક્ય અને એને રાજ સાથે બનેલી એ ઘટના તરફ અને રાજના એના માટેના વલોપાત તરફ લઈ ગયું….એના સમગ્ર અસ્ત્તિવને હલબલાવી ગયું. વિચારશૂન્ય અવસ્થામાં આવી ગઈ.. નકુલ થોડીવારતો બોલતો રહ્યો પણ પછી એને ખ્યાલ આવતા એણે અશ્માને બોલાવ્યાં..” આંટી…આંટી …”

અશ્મા એકદમ સભાન થઈ ગઈ…” હા..હા બોલ નકુલ…સોરી હું…” અશ્મા ખુલાસો કરવા ગઈ પણ એમ ના થઈ શક્યું. ટેબલ પર પડેલા ગ્લાસમાંથી એણે થોડું પાણી પીધું અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી. નકુલ એમની મન:સ્થિતિ પામી ગયો એટલે થોડીવાર એમની સામે જોઈ રહ્યો પછી સહેજ સ્વસ્થ થયાં એટલે ધીમેથી એમને બોલાવ્યા.

“આંટી, મેં રાત્રે મોમ ને પૂછ્યું કે કોણ છે આ અશ્મા ? પણ મોમ કોઈ જવાબ ના આપી શકી કે પછી એણે જવાબ આપવાનું ટાળ્યું… એકાદ કલાક પછી મોડી રાત્રે એણે મને બોલાવ્યો અને કહ્યું કે સવારની ફ્લાઈટમાં મુંબઈ જા અને અશ્માને અહીં પપ્પા પાસે લઈ આવ…”

“પ…પ…પણ મારું એડ્રેસ કેવી રીતે મળ્યું…?”

“પપ્પાના વર્કટેબલના ડ્રોઅરમાં એમનું કાર્ડહોલ્ડર પડ્યું હોય છે એવી મને ખબર હતી. હું ઘરે ગયો અને બધું ચેક કરતાં તમારું બિઝનેસ કાર્ડ એમાંથી મળ્યું. રાત્રે મારી જરૂરિયાતની વસ્તુઓ લઈને હું હોસ્પિટલ ગયો ત્યારે પણ પપ્પાની તબિયત ખૂબ નાજુક હતી. આંટી નીકળતી વખતે મમ્મીએ મને કહ્યું કે અશ્માને કહેજે કે એકવાર રાજને આવીને અચૂક મળી જાય…અને હા એમ પણ કહેજે કે મારા મનમાં એમના માટે કોઈ કડવાશ નથી કે નથી કોઈ ફરિયાદ..”

અશ્માની આંખોમાં પાણીની પરત બાઝી ગઈ. નકુલ મૂંઝવણમાં હતો. પણ થોડી ક્ષણો પછી એણે પૂછ્યું..”આંટી… આપ આવશો ને પ્લીઝ…? જો અત્યારેજ મારી સાથે આવો તો બહુ સારું…કદાચ પપ્પાજી તમારી જ રાહ જોઈ રહ્યા છે…!!!“ આટલું બોલતાતો નકુલના ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખો ભરાઈ આવી.

અશ્મા અસમંજસમાં પડી ગઈ. શું કરવું ? મન વિચારોના આટાપાટામાં અટવાયું. રાજ સાથેનો એનો સંબંધ…ભૂતકાળનો હીરનો એની સાથેનો વર્તાવ…હજુ તો થોડા મહિના પહેલા રાજને રીતસર અપમાનિત કરીને પોતાના ઘરમાંથી પાછો મોકલ્યો હતો અને કાયમને માટે એણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

એકબાજુ હીરના એની તરફના વર્તન બદલ ગુસ્સો અને નફરત હતા તો બીજી તરફ એણે રાજ સાથે કરેલા વર્તન બદલ ક્ષોભ હતો… એકબાજુ એ રાજ કે જેને એણે અનહદ ચાહ્યો હતો તો રાજે પણ એને છાતી ફાડીને પ્રેમ કર્યો હતો….અને એ રાજ, આજે અંતિમ શ્વાસ ગણી રહ્યો છે અને એની અંતિમ ક્ષણોમાં એને એની પાસે બોલાવે છે…હીરે પણ સમયનો તકાજો સમજીને નકુલને એને બોલાવવા અમદાવાદથી છેક મુંબઈ સુધી મોકલ્યો છે… એની ખરેખર જો ઈચ્છા ના જ હોત કે હું રાજને મળું તો એ મને ફોનથી પણ જાણ કરી શકી હોત…!!! તો હું હવે કેવી રીતે પાછી પાની કરી શકું..??? મનમાં વિચારોનું બવંડર જામ્યું.

અને એણે નિર્ધાર કરી લીધો.

“નકુલ…”

“હા, આંટી…બોલો…”

“હું આવું છું… આપણે સાથે જ જઈએ છીએ.”

“નકુલ ખુશ થઈ ગયો અને એના તરફ આભારની એક એવી દ્ગષ્ટિ નાંખી કે એ જોતાં અશ્માને એક જોરદાર ધ્રૂસકું આવી ગયું… રીતસર રડી પડી… અવાજ સાંભળીને મર્સી અંદર દોડી આવી. પાણી આપ્યું. એ કાંઈ સમજી તો નહિ પણ પ્રસંગની ગંભીરતા સમજી ગઈ. અશ્મા સહેજ શાંત થઈ. મર્સીને વહેલામાં વહેલી ફ્લાઇટ બુક કરવાની સૂચના આપી. બધી મીટિંગ પંદરેક દિવસ માટે મુલ્તવી રખાવી.. મેનેજરને બોલાવી બધી સૂચનાઓ આપી દીધી. અશ્મા અને નકુલ ઘરે જવા નીકળ્યા. ડ્રાયવરને વારંવાર ગાડી તેજ ચલાવવાની સૂચના આપતી હતી.. અત્યંત ક્ષુબ્ધ થઈ ગઈ હતી. જેટલી રફતારથી ગાડી દોડતી હતી એનાથી પણ વધારે ગતિએ અશ્મા અતીત તરફ ભાગતી હતી.

અશ્મા અને રાજ એક જ કંપનીના બે એક્ઝીક્યુટીવ્સ હતાં..એકબીજાની એકદમ નિકટ. બંનેના વિચારો…બંનેનું વિઝન, બંનેની કાર્યપધ્ધતી, બંનેનો એટીટ્યુડ, બંનેના ટેમ્પરામેન્ટ, બંનેના શોખ બધું સરખું… એકદમ સામ્ય. મિત્રોમાંથી સ્વજન બન્યાં, પરિણય પ્રણયમાં પરિણમ્યો. એકબીજા માટે વ્યસન બની ગયાં.

હીરને આ સંબંધની જાણ થઈ. એણે વિરોધ કર્યો… હીર કેવી રીતે સ્વીકારે અશ્માને એના અધિકારક્ષેત્રમાં..!!!  જે ના થવું જોઈએ તેજ થયું…જીદ પર આવી ગયા રાજ અને હીર. હીરે એ સંબંધને માન્ય ના જ રાખ્યો અને અશ્માએ અમદાવાદ છોડવું પડ્યું. મુંબઈમાં જઈને સેટલ થઈ. પોતાની એડ એજન્સી શરુ કરી. અત્યંત નાના પાયે શરુ થયેલી કમ્પની સમયાંતરે પ્રાઇવેટ લીમીટેડ કમ્પની બની ગઈ. રાજના અશ્મા સાથેના સંબંધમાં પૂર્ણવિરામ ના જ આવ્યું. એ અવારનવાર મુંબઈ આવતો અને એની સાથે જ એના ઘરે જ રોકાતો. અશ્મા એને સમજાવતી પણ રાજને અશ્માથી જુદા થવાનું મંજૂર હતું જ નહિ. રાજ અશ્માને કહેતો “ અશ્મા તું તો મારા જીવનનો ધબકાર છે. આપણે જો જુદા થઈશું તો એ મારા જીવનનો અંત હશે. “

થયું પણ એમજ. થોડા દિવસ પહેલાં રાજ મુંબઈ આવ્યો હતો. અશ્માએ એને બહુ સમજાવ્યો પણ એ ના સમજ્યો… છેવટે અશ્માએ રાજનું અપમાન કરીને એને કહ્યું “ રાજ હવે પછી તું ક્યારેય મારી પાસે ના આવીશ અને હા મને તારી સાથેના આ સંબંધમાં જરાય રસ નથી.”

વિચારોમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ હતી કે નકુલે એને બોલાવવાનું પણ મુનાસિબ ના માન્યું. એક જોરદાર નિસાસો નીકળી ગયો..

“શું થયું આંટી ???”

“કશું નહિ ..બસ એતો એમજ “

નકુલ ફરી ચુપ થઈ ગયો. ગાડી સડસડાટ જઈ રહી હતી. ખાસ્સું એકાદ કલાકનું અંતર હતું. ફરી પાછી એજ વિચારોની ઘટમાળ… તે દિવસે રાજના ગયા પછી અશ્મા પણ ખૂબ દુઃખી થઈ હતી પણ એની પાસે બીજો કોઈ રસ્તો જ નહતો. એ ઘટના પછી થોડા દિવસે રાજનો ફોન પણ આવેલો પણ અશ્માએ એની સાથે વાત કરવાનો પણ ઇન્કાર કરી દીધો….પણ એને ક્યાં ખબર હતી રાજની મનોદશાની. ..!!!

ગાડી આવી ગઈ ઘર પાસે. અશ્મા પણ વિચારોમાંથી બહાર આવી.. નોકર પાસ ચ્હા-નાસ્તો તૈયાર કરાવ્યો. બંને જણે અનિચ્છાએ પણ થોડો નાસ્તો કર્યો. અશ્માએ એની બેગ તૈયાર કરી દીધી અને તરત એરપોર્ટ જવા રવાના થયા.

****                ****                  ****

 

અમદાવાદની એક અત્યંત આધુનિક કોર્પોરેટ હોસ્પિટલમાં અશ્મા અને નકુલ જેવા પ્રવેશ્યાં કે અશ્માને શરીરમાં એક કમ્પન આવી ગયું. પગ પાછા પડવા માંડ્યા તો મન રાજ તરફ દોડતું હતું. આઈસીયુમાં પ્રવેશતા પહેલાં એણે નકુલને પાણી લાવી આપવા વિનંતી કરી. પાણીના બે ઘૂંટા ભર્યા પછી હિમ્મત એકઠી કરીને આઈસીયુમાં પ્રવેશ્યા. સામેના એક કોટ પર રાજ સૂતો હતો. ઓક્સિજન અને ડ્રીપની નળીઓ અને મોનીટરના વાયરોના ગૂંચળા વચ્ચે રાજ એના અસ્તિત્વ માટે જંગ લડી રહ્યો છે. અશ્માને જોતાં જ હીર એની પાસે આવી.

“આવ અશ્મા“

“————-”

“તે દિવસ તારી પાસેથી આવ્યા પછી રાજ બહુ અસ્વસ્થ થઈ ગયો હતો. ગઈકાલે આમતો બહુ અશક્ત હતો બોલી પણ નહોતો શકતો પણ તોય રાત્રે એણે મને બધી જ વાત કરી.

“એણે મને કહ્યું કે હીર હું તને ખૂબ પ્રેમ કરું છું અને તું મારા જીવનનો અવિભાજ્ય હિસ્સો છે તો અશ્મા પણ મારા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. હું અશ્મા વગર નહિ જીવી શકું હીર…પ્લીઝ તું અશ્માને બોલાવ…”  એટલું બોલતાંતો હીરને એક ડૂસકું આવી ગયું. એણે પાછું બોલવાનું શરુ કર્યું.

“એટલેજ મેં નકુલને તારી પાસે મોકલ્યો…હીરના આંસુ રોકાતા નહોતા…અશ્મા જો કે હિમ્મત એકઠી કરીને   આંસુને ખાળવાનો પ્રયત્ન કરતી હતી. હીરને નકુલ રૂમની બહાર લઈ ગયો. અશ્મા તો રાજના બેડની સામે ફર્શ પર જાણે જડાઈ ગઈ. જોયા કરતી હતી બેશુદ્ધ અવસ્થામાં કોઈ જાતના હલનચલન વગર પડી રહેલા રાજને. ધીમી ગતિએ ચાલી રહેલા એના શ્વાસ અને એકદમ કૃશ શરીર…આંખો ભરાઈ આવી પણ એણે સ્વસ્થતા જાળવી રાખી. થોડીવારે હીર રૂમમાં પાછી આવી ત્યારે પણ અશ્માતો દૂર ઊભી રહીને રાજને જોયા જ કરતી હતી. અશ્માનો હાથ પકડીને હીર એને રાજ પાસે લઈ ગઈ.

“રાજ….!” હીરે રાજને ધીરેથી બોલાવ્યો… બેત્રણ વાર બોલાવ્યો ત્યારે સહેજ આંખ ખોલી…

“જો રાજ કોણ આવ્યું છે…?” એ હીરની સામેજ જોઈ રહ્યો એટલે હીરે એને ફરી કહ્યું

“રાજ જો અશ્મા આવી છે…તું એને બોલાવતો હતો ને..?”

આંખો ફરી ઢળી ગઈ. અશ્માએ રાજને બોલાવ્યો…

“રાજ..!!”

અવાજ જાણે ઓળખાયો અને એણે આંખ ખોલી….અશ્માની સામે જોયું… સહેજ ચેતન આવ્યું…. અશ્મા હોવાની એને ખાતરી થઈ ત્યારે સહેજ હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કર્યો.. અશ્માએ એની હથેળીમાં હથેળી મૂકી…સ્પર્શ પામી ગયો…અને આંખોમાંથી દડદડાટ આંસુ વહી આવ્યા.

ધીમેધીમે બોલવાનો પ્રયત્ન કરતો હતો..”અશ્મા મેં તને કહ્યું હતું ને?” ત્રૂટકત્રૂટક વાક્ય બોલ્યો..

“શું રાજ..?”

બહુ શ્રમ પડતો હતો પણ પ્રયત્નપૂર્વક બોલ્યો…”હું તારા વગર નહિ જીવી શકું..!!!!”

“હા રાજ…”

અશ્મા પરાણે સ્વસ્થ રહેતી હતી..

“મારી પાસે બેસ ને…” અશ્મા એની બાજુમાં બેસી ગઈ….રાજની નજર હીરને શોધવા માંડી…હીર પણ એની પાસે આવી…બંને એની પાસે બેઠાં અને એના માથા પર અને શરીર પર હાથ ફેરવતા હતાં.

રાજે આંખો બંધ કરી દીધી…થોડી વારે એક ડચકું આવ્યું… ચહેરો ઢળી પડ્યો…

રાજ, ના-રાજ  થઈ ગયો…!!!

******

 

વિજય ઠક્કર

લખ્યા તારીખ: January 26th 2018 @ 1.39 AM 

શબ્દો: 2460