Month: સપ્ટેમ્બર 2017

કાકલૂદી

રોહી છેલ્લા થોડા સમયથી સાવ બદલાઈ ગઈ છે….અત્યંત બેચેન રહે છે….. સ્વભાવ જ સાવ બદલાઈ ગયો છે. કોને ખબર શું થયું છે એને…? બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું છે પણ જો એ ભૂલથી પણ બોલી તો એનું વરવું સ્વરૂપ દેખાય ..બધાની ઉપર ગુસ્સાય…તોછડાવેડા કરે…અને પછી એને ભાન ના રહે કે સામે કોણ છે. એ પછી સાસુ-સસરા હોય કે પછી એનો વર હોય. શરીર પણ સાવ ક્ષીણ થઈ ગયું છે….વજન ઘણું ઊતરી ગયું છે. ચહેરા પરથી નૂર ઊડી ગયું છે આંખો ઊંડી ઊતરી ગઈ છે અને આંખોની નીચે એકદમ કાળા કુંડાળા થઈ ગયા છે.

બે વર્ષ પહેલાની આરોહી અને આજની આરોહી માં આસમાન જમીનનો તફાવત આવી ગયો છે. એને જે લોકો પહેલેથી ઓળખે છે એ લોકો તો માનવા જ તૈયાર નથી કે આ આરોહી છે. પરણીને સાસરે અહીં અમેરિકા આવી ત્યારે શરૂઆતમાં તો એણે ગંભીરતા ઓઢી લીધી પણ પરાણે ઓઢેલી ગંભીરતા ઝાઝું ટકી નહિ. એ તો થઈ ગઈ પહેલા જેવી ઊછળતી કૂદતી અને ઉત્સાહથી છલકાતી મૃગલી જેવી.ઘરમાં તો બધાં એને ખૂબ પ્રેમ કરતા અને અત્યંત વહાલથી રાખતા કારણ એ એકના એક દીકરાની પત્ની છે.
જો કે છેલ્લા થોડા સમયથી એનામાં આવેલું પરિવર્તન બધાંને ખટકતું હતું…સૌના માટે એ ચિંતાનો વિષય હતો. આ એ પહેલાંની આરોહી છે જ નહી આ તો અવરોહી બની ગઈ જાણે….!!!!
આવું કેમ થયું હશે…!!! કોઈને કશી જ ખબર નથી. ઘરમાં તો બધું એકદમ સરસ અને તદ્દન નૉર્મલ વાતાવરણ છે. અત્યંત ધાર્મિક છતાં થોડો વધારે રૂઢિચુસ્ત અને સુખી સંપન્ન પરિવાર છે. શાશ્વત આઈ. ટી પ્રોફેશનલ છે અને ન્યૂયોર્કમાં જૉબ કરે છે. બહુ સારી જૉબ છે અને સારું કમાય છે. આરોહીના સસરા પણ અહીંની ઇન્ડિયન કમ્યુનીટીમાં આગળ પડતું નામ છે…ખૂબ મોટા બિઝનેસ ઓનર છે… મોટેલ્સ અને બીજા અનેક બિઝનેસમાં એ સંકળાયેલા છે. એના સાસુ પણ ખૂબ ભણેલા અને વર્કિંગ વુમન છે. ઇન્ડિયામાં કૉલેજમાં પ્રોફેસર હતાં અને અહીં આવ્યા પછી પરિવારના બિઝનેસમાં ઈક્વલ હિસ્સો લેતાં અને ઈક્વલ હિસ્સેદાર પણ હતાં. આમ આખો પરિવાર એડ્યુકેટેડ છે સંસ્કારી છે ધાર્મિક છે અને સુખી સંપન્ન છે. સાસુ સસરા બન્ને માયાળુ અને સાલસ સ્વભાવના છે. શાશ્વત પણ એટલો જ વિનમ્ર ખાનદાન અને અત્યંત મિતભાષી છે.

તો પછી શું થયું આરોહી ને ..? કેમ થયું આવું..એની સાથે…??? કયો બોજ વેંઢારી રહી છે આરોહી..? એવું તો શું છે એના મનમાં કે એના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું..?
આરોહી પણ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરીને ઇન્ડિયાથી આવી છે. શરુશરૂમાં પપ્પાની સાથે બિઝનેસમાં જોડાઈ તો ખરી પણ બહુ મજા ના આવી એટલે આગળ ભણવાનું શરુ કર્યું. થોડો સમય એ પણ ઠીક ચાલ્યું અને પછી તો ભણવામાંથી પણ રસ ઊડી ગયો. હવે તો બસ સાવ સુનમુન થઈ ગઈ છે. એવું પણ ન હતું કે એને ઘરમાં કોઈ તકલીફ હતી…. કે પછી શાશ્વત સાથે મનમેળ ન હતો.. પરિસ્થિતિ તો એ હતી કે શાશ્વત વગર તો એ સાવ પાગલ જેવી થઈ જાય અરે શાશ્વત ઑફિસમાં સહેજ મોડો થાય તોય એ એકદમ વિહ્વળ થઈ જાય અને હવે એ પરિસ્થિતિ પલટાઈ છે. છેલ્લા થોડા સમયથી એ શાશ્વત સાથે પણ ઉદ્ધત વર્તન કરવા લાગી હતી. શાશ્વત અત્યંત ધીર ગંભીર હતો એટલે એણે આરોહીને સાચવવાનો ભરપૂર પ્રયાસ કર્યો…. એની તકલીફ જાણવાનો પણ બહુ પ્રયત્ન કર્યો પણ સઘળું વ્યર્થ. એનું વર્તન વધુ ને વધુ બેહૂદું બનવા માંડ્યું. શાશ્વત હવે કંટાળી ગયો હતો અને હવે તો એ પણ ધીરજ ગુમાવી બેઠો હતો. એક દિવસ એણે કંટાળીને ઇન્ડિયા આરોહીના પાપા-મમ્મી સાથે વાત કરી. કૉન્ફરન્સ કોલ હતો જેમાં એક છેડે આરોહીના મમ્મી પપ્પા હતા બીજા છેડે શાશ્વત અને ત્રીજા છેડે હતી આરોહી.
“ શું થયું છે બેટા..? કેમ તું આમ કરે છે ..? તારી તબિયત તો સારી છે ને ? આજે પહેલીવાર શાશ્વતે તારી તબિયત વિષે વાત કરી…બેટા. અમને તો બહુ ચિંતા થાય છે તારી દીકરા. “
“મારી ચિંતા ના કરશો મમ્મા… અને પ્લીઝ તું પપ્પાનું ધ્યાન રાખજે.”
“ બેટા તું અમારી ચિંતા ના કર.. અમે તો સારા જ છીએ. શાશ્વતે બધું કહ્યા પછી અમને તો તારી બહુ ચિંતા થવા માંડી. !”
“……………….”
બંને છેડે નિઃશબ્દતા છવાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ વીતી અને પછી પપ્પાએ કહ્યું “ એવું હોય તો બેટા થોડો વખત તું અહીં આવી ને રહે બે- એક મહિના માટે”
“ના… પપ્પા મારા વગર શાશ્વત એકલો પડી જાય અને હું એને એકલો મૂકીને આવી જ ના શકું.
આરોહી અને શાશ્વત આમ તો અવારનવાર મમ્મી –પપ્પા સાથે ઇન્ડિયા વાત કરતાં પણ આજની વાત થી ત્રણેય છેડે ઉચાટ હતો. ત્રણેય છેડે અજંપો હતો તો ત્રણેય છેડે આશ્વાસન પણ હતું.. પપ્પા-મમ્મીને થયું ચાલો બીજું તો જે કંઈ પણ હશે તો તેની તો દવા થશે …એટલું સારું છે કે એ બે વચ્ચે મનમોટાવ નથી. શાશ્વતનાં મનમાં તો વળી કશીક ગંભીર ગડમથલ ચાલી રહી હતી કે કદાચ આરોહીનું મન એનાથી ભરાઈ ગયું હોય અને ક્યાંક બીજે……!!!! પણ આજે એનાં મનનું પણ સમાધાન થઇ ગયું. આરોહીને પણ થયું કે બધાં એની કેટલી કાળજી લે છે અને એ દુનિયામાં એકલી નથી માં-બાપ પતિ સૌ એના માટે ચિંતિત છે.

શાશ્વત અને અરોહીનું આંતરજ્ઞાતીય લગ્ન હતું અને આજે ત્રણ વર્ષ થયાં લગ્ન થયે.
શાશ્વતના મમ્મી પપ્પાએ એના લગ્ન માટે અમદાવાદના અખબારોમાં જાહેરખબર આપેલી અને એ રીતે એ બે પરિવારો ભેગા થયેલાં. શાશ્વત આરોહીને એકમેક પસંદ પડ્યા અને લગ્ન લેવાયા. એક નિકટવર્તી સંબંધ પ્રસ્થાપિત થયો આ બે પરિવારો વચ્ચે. મધ્યમવર્ગીય પરિવારની દીકરી આરોહી ખૂબ જ સુંદર હતી, ભણેલી હતી, સંસ્કારી હતી અને ચબરાક હતી. લગ્નવિધિ માટે શાશ્વતના ઘણાંબધાં સંબંધીઓ અમેરિકાથી અમદાવાદ ગયાં અને બંને પરિવારની પ્રતિષ્ઠાને છાજે એવી રીતે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યાં. લગ્ન કરીને શાશ્વત અમેરિકા આવી ગયો અને થોડા સમયમાં આરોહી પણ આવી ગઈ સાસરે….અમેરિકા.
ખૂબ ખુશ હતો શાશ્વત અને આરોહીનો આનંદ પણ સમાતો નહતો.
અત્યંત ઉત્તેજના સાથે હનીમૂન મનાવ્યું… બે મન અને બે તન એક થઈ ગયાં. એકમેકના આશ્લેષમાં રાત પણ દખલ નહોતી દેતી…જાણે ખૂબ લાંબી હતી એ રાત. વહેલી પરોઢે સહેજ આંખ મીંચાઈ. આરોહીને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
સવારે ઉઠતાંની સાથે શાશ્વતે આરોહીના હાથમાં એક બોક્સ મૂક્યું.
“ શું છે આ શાશ્વત..?”
“તું જ જોઈ લે…”
શાશ્વત એને પાછળથી વીંટાઈ ગયો હતો અને ઘડીઘડીમાં આરોહીને ‘કિસ’ કરતો હતો… એના શરીરની એના વાળની ઊંડા શ્વાસે ખુશ્બુ લેતો હતો….મનથી અને શરીરથી તરબતર થતો હતો.
આરોહીએ બૉક્સ ખોલ્યું… અંદરથી મખમલે મઢેલી એક ચાવી નીકળી…કારની એ ચાવી હતી… આરોહી તો આભી બનીને જોઈ જ રહી અને ચાવીને હાથમાં પંપાળતી રહી…આંખોમાં એક પાતળું પાણીનું પડળ આવી ગયું…ઝાંય વળવા માંડી…
”શું…શું. છે અ..અ..અ..આ..શેની ચાવી છે શાશ્વત…..?”
“ધીસ ઈઝ અ હનીમૂન ગિફ્ટ ફોર માય જાન….”
“ઓ…ઓ…માય…ગોઓઓ….ડ..!!!!!”
“ યેસ ડાર્લિંગ આ તારી નવીનક્કોર મર્સીડીસ બેન્ઝ ની ચાવી છે… અને તારી કાર નીચે આપણા ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી છે.” એકદમ ચુસ્ત રીતે ભેટી પડી શાશ્વતને…ભીંસી નાખ્યો એના બે હાથથી એને અને એના હોઠ..એનું કપાળ..એની આંખો…એનો આખો ચહેરો ભીનો ભીનો કરી નાંખ્યો…. એની બે હથેળીઓ વચ્ચે એનો ચહેરો પકડીને કહ્યું…” થેન્ક્સ શાસ…માય લવ…”
“ નો પ્રૉબ્લેમ બેબી….આઈ લવ યુ સો મચ..”
“ શાસ… હું તને જીંદગીનું તમામ સુખ આપવાનો પ્રયત્ન કરીશ …”
“ હું પણ બેબી….લવ યુ…લવ યુ…લવ યુ….”

                                               ***** ***** *****

આરોહીને ડૉક્ટરને બતાવ્યું…તમામ ટેસ્ટ્સ કરાવ્યા પણ પરિણામ શૂન્ય… ડોકટરે તો કહ્યું કે એ તદ્દન નોર્મલ છે. કોઈ વ્યાધી નથી શરીરમાં. એમણે એમના ચાર્ટમાં પણ નોંધ મૂકી અને ફક્ત વાઈટામીન્સ અને કૅલ્શિયમ ઓરલી લેવા માટે રેકમન્ડ કર્યું.
જો કે આરોહીના વર્તન કે વ્યવહારમાં કોઈ ફરક નથી આવ્યો. હવે એના બંને પરિવારોએ એમનાથી થઈ શકે તે બધું કરવા માંડ્યું. આયુર્વેદ અને જ્યોતિષ અને ભૂવા અને તાંત્રિકો નો સહારો લીધો…કેટકેટલી બાધા આખડી…અને નિયમ-ધરમ… બધું બધુંજ કરવા માંડ્યા. ડૂબતો માણસ તરણું પકડે એમ જે કાંઈ ઉપચાર કો’ક દેખાડે એ કરે…પણ બધું વ્યર્થ. જેમજેમ સમય પસાર થતો ગયો એમ એનામાં એકદમ ચિડીયાપણું વધવા માંડ્યું. શાશ્વત પણ હવે તો એનાથી કંટાળી ગયો હતો. એને બોલાવે તો આરોહી ફક્ત હમ…હા….ના….અહં…આવા એકાક્ષરી જવાબ આપે.
લગ્ન થયા ત્યારની અને અત્યારની એમના દામ્પત્યજીવનની તાસીર બદલાઈ ગઈ… અત્યંત નાજુક મોડ પર આવી ગઈ છે વાત. બિલકુલ સંવાદવિહીન પરિસ્થિતિ છે. સુખના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે. ક્યારેક વિચારતો મારે કેટલા બધા સુખી થવું હતું…બીજા બધાં કરતાં વધારે સુખી થવું હતું ને..!!! ક્યાં શક્ય બન્યું એ..??? હાય કિસ્મત… તો વળી ક્યારેક એને આરોહી સાથે થયેલા સંવાદ યાદ આવી જતાં અને આંખો ભીની થઈ જતી.
“ આરોહી…તું કેમ મને બહુ પ્રેમ કરે છે હે…? તું કેટલી બધી સુંદર છે… આ તારી આંખો.. એમાં ડૂબવાનું….તણાવાનું અને ભીંજાવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આઈ’મ સો લકી…બેબી..”
“શાસ… આઈ લવ યુ…. મારા બહુ વખાણ નહી કર…શાશ્વત આ જીંદગી એક એવો ખેલ છે ને કે જેમાં ક્યારેક જીતેલી બાજી હારી જવાય છે તો વળી ક્યારેક હારેલી બાજી પણ જીતી જવાય છે. જીવન વિષે કોઈ જ અટકળો કરવા જેવી નથી હોતી..શાસ..”
શાશ્વત ક્યારેક યાદોનાં ઘોડાપૂરમાં તણાતો અને જ્યારે તેમાંથી બહાર આવતો ત્યારે એજ નિરાશા અને એજ નિશ્વાસ. ત્રણ વર્ષમાં તો બધું વેરવિખેર થવા માંડ્યું. અંતે એને એની સંમતિથી થોડો વખત ઇન્ડિયા મમ્મી-પપ્પા પાસે મોકલવાનું નક્કી થયું. જતી વખતે આરોહી શાશ્વતને વળગીને બસ એટલું બોલી “ શાસ…તારું ધ્યાન રાખજે અને મને જલદી જલદી લેવા આવજે હોં…મને તારા વગર નહિ ગમે. મને માફ કરજે શાસ હું..હું તને બહુ દુઃખી કરી ને જાઉં છું.”

                            *****                           *****                               *****

“ આરોહી શું થયું છે તને..હેં..? કેમ સાવ આવી થઈ ગઈ છે..તું..??”

“ …………………”

“ આરોહી તું મને ઓળખે છે ? હું સર્જક છું તારો દોસ્ત..”

“………………….”

ઇન્ડિયા આવ્યા પછી પરિસ્થિતિમાં ઝાઝો ફેર ના પડ્યો.

                           *****                                *****                              *****

સર્જક આરોહીનો નાનપણનો દોસ્ત હતો. બંને સાથે ભણેલા સાથે ઊછરેલા…ખૂબ મસ્તી ખૂબ મજાક અને ખૂબ તોફાનો કરતા. બેઉ જણા જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી સાથે ને સાથે હોય. સ્કૂલ પૂરી થઈ અને કૉલેજમાં ગયા પછી થોડા દૂર થયા પણ એ તો શારીરિક અંતર જ વધ્યું હતું પણ માનસિક નિકટતા તો એટલી જ અને એવી જ…!!!! એમના માટે બધા એમ કહેતા કે “ આ તો બેઉ જોડિયાં છે.” તો વળી કોઈ એમ કહે કે “ બેઉ ને પરણાવી દો એટલે રહેશે આખી જીંદગી બેઉ એકબીજાની સાથે.”
બહુ સામ્ય હતું બંનેની આદતોમાં, સ્વભાવમાં અરે નવાઈની વાત તો એ હતી કે એ બંને નું બ્લડ ગ્રૂપ પણ એક હતું અને તે પણ બહુ જવલ્લેજ જોવા મળતું ‘એબી નેગેટિવ’
સર્જકને ભણવા માટે બહારગામ એડમીશન મળ્યું અને એ રોજ બસમાં અપ ડાઉન કરતો. કમનસીબે એક દિવસ કૉલેજ જતા એને એકસીડન્ટ થયો…બહુ સિવિયર ઍક્સિડન્ટ હતો અને સર્જકને બહુ સીરીયસ ઇન્જરી હતી અને એની હાલત પણ એકદમ સીરીયસ હતી. આખા બોડીમાં એને મલ્ટીપલ ઇન્જરીઝ હતી એટલે તાત્કાલિક અમદાવાદ ખસેડ્યો…ઇમર્જન્સીમાં ઓપરેશન કરવું પડ્યું. બ્લડ લોસ ખૂબ હતો એટલે એને બ્લડ ચડાવવાની જરૂર પડી. આરોહી એની પાછળ જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. તાત્કાલિક એ ડૉક્ટર પાસે ગઈ અને ડૉક્ટરને કહ્યું” ડૉક્ટર સાહેબ સર્જકને માટે જેટલું બ્લડ જોઈએ એટલું મારા શરીરમાંથી લઈ લો ..પણ મારા આ દોસ્ત સર્જકને કશું ના થવા દેશો પ્લીઝ ડૉક્ટર…! સાહેબ મારા શરીરમાંથી ટીપેટીપું લોહી લઈ લો પણ એને પ્લીઝ બચાવી લો… ડૉક્ટર સાહેબ.”
નસીબ સંજોગે સર્જક બચી ગયો.. ધીમે ધીમે તબિયત પણ સુધારવા માંડી. આરોહી રોજે સવાર સાંજ એની પાસે જતી અને એને કંપની આપતી. તે દિવસે આરોહી અને સર્જક બેઠા હતા અને એટલામાં ત્યાં સર્જકના મમ્મી ત્યાં આવી પહોંચ્યાં. થોડી ઘણી આડીતેડી વાતો થઈ અને સર્જકના મામ્મીએ કહ્યું “ સર્જક તને ખબર છે આ અરોહીનો તારા પર બહુ મોટો ઉપકાર છે….જો એ ના હોત તો શું થાત..? એ દિવસે તારા બ્લડ ગ્રૂપનું બ્લડ મળતું જ નહતું ત્યારે આરોહીએ ડૉક્ટરને કહ્યું કે “મારા શરીરમાંથી ટીપેટીપું લોહી લઈ લો પણ મારા દોસ્તને બચાવો..” સર્જકની આંખો ઊભરાઈ ગઈ. સર્જકે આરોહીનો હાથ પોતાના હાથમાં લઈ અને ચૂમી લીધો. ક્યાંય સુધી સુધી કોઈ કશું બોલી શકયું નહી. બહુવાર પછી આરોહીએ કહ્યું ..”હું જાઉં સર્જક…??”
સહેજ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો અને એને જવાની પરવાનગી આપતા સર્જકે કહ્યું..” આરોહી મારા જીવન પર તારો પણ અધિકાર છે… હું તારા ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ…???

                      *****                                  *****                                *****

આરોહી પાછી આવી ત્યારથી સર્જકનો નિત્યક્રમ થઇ ગયેલો કે સાંઝે ઘરે જતી વખતે એ અચૂક એને મળવા આવતો….એની અનિચ્છાએ પણ એની સાથે વાતો કરતો એને ખુશ રાખવાનો એને હસાવવાનો પ્રયત્ન કરતો. ક્યારેક એ એની પત્ની ક્રિષ્નાને પણ લઈ આવતો થોડો સમય વિતતા હવે ધીરેધીરે આરોહી એની સાથે ખૂલવા લાગી.
ક્રિશ્ના થોડા દિવસ માટે એને પિયર ગયી છે એટલે સર્જક હવે એકલોજ આવે છે. તે દિવસે આરોહી સુસ્ત થઈને બેડમાં પડી હતી અને સર્જક આવ્યો એને બેડમાંથી ઊભી કરી.
“ચાલ આરોહી આપણે ક્યાંક ફરવા જઈએ..બહાર ખુલ્લા વાતાવરણમાં થોડું ફરીએ.તું ઘરમાં કંટાળી હોઈશ…બહાર તને સારું લાગશે.”
“ સર્જક પ્લીઝ…”
“ શું થયું છે તને હેં આરોહી..? મને કહેને… શું તકલીફ છે તને..?? કેવી થઈ ગઈ છું તું ? અમેરિકા નથી ગમતું તને..?? શાશ્વત સાથે તો કોઈ પ્રૉબ્લેમ નથી ને..???”
“ ના એ તો મને બહુ પ્રેમ કરે છે. મમ્મી-પપ્પા પણ ખૂબ સારા છે અને મને બહુ સાચવે છે..”
“ તો…???? “
“એક વાત કહું સર્જક..??
“હા…બેઝીઝક કહે…એન્ડ પ્લીઝ રેસ્ટ એસ્યોર્ડ આરોહી….એ જે કાંઈ હશે તે આપણા બેની વચ્ચેજ રહેશે.”
સર્જક…મારો શાશ્વત મને બહુ વહાલો છે અને એ પણ મને બહુ જ પ્રેમ કરે છે. ખૂબ સજ્જન માણસ છે, હોશિયાર છે, અત્યંત સફળ પુરુષ છે.”
“ તો…????”
“ પણ મને જે જોઈએ છીએ તે શાશ્વત આપી શકે એમ નથી..”
“ એટલે..??” સર્જકને સહેજ અણસાર તો આવી ગયો પણ એણે આરોહીને જ બોલવા દીધું.
“શાશ્વતને એઝોસ્પર્મીયા છે….એનામાં બિલકુલ સ્પર્મ્સ નથી… આમ તો બિલકુલ નૉર્મલ છે પણ એ મને માં બનાવી શકવા સમર્થ નથી…”
“શાશ્વત આ વાત જાણે છે..??”
“ના…. હું અને મારા ડૉક્ટર બે જ આ વાત જાણીએ છીએ અને હવે તું ત્રીજો.”
એકદમ શાંતિ વ્યાપી ગઈ. બંને ચુપ હતા અને પોતપોતાના મન સાથે મથામણ કરતા હતાં.
“ મારા શાશ્વતને આ વાત ખબર પડશે ને તો એ તો સાવ તૂટી જશે…. નિયતિએ ચીપેલી બાજીમાં એક હોનહાર માણસ હારી જશે…એની આંખ સામે જ એ નીચો પડી જશે…એ દુનિયાનો તો સામનો કરતાં કરશે પણ એ મારો સામનો કેવી રીતે કરશે….હેં…!!! શાશ્વતમાં જરા જેટલોય હીનભાવ આવે એવું હું બિલકુલ નથી ઈચ્છતી સર્જક… મારો શાશ્વત કોઈ ગુનાઈત ભાવ લઈને જીવે એ મને મંજૂર નથી.”

“…………………..”

“ એ પુરુષ તરીકે તદ્દન નૉર્મલ છે પણ સત્વહીન..”
રસ્તા પર સુનમુન એ બે દોસ્ત પણ સાવ શાંત થઈ ગયા છે પણ તોય અનાયાસ એમના પગ ચાલતા જ રહ્યાં છે કેટલીયે વારે ઘરે આવ્યા…ઘરના ઝાંપા પાસે ઊભા રહી ગયાં.
“ સર્જક…!!!”
“ હમમમમ.. બોલ આરોહી…હું જાઉં !!!!“
“ના સર્જક થોભ થોડીવાર……સર્જક…સર્જ…..”
“ બોલને કેમ આમ થોથવાય છે…આરોહી..?
“સર્જક મને એક બાળક આપને….. સર્જક……..પ્લીઝ…મને માં બનવાનું સુખ આપને સર્જક…મને એક પૂર્ણ સ્ત્રી બનાવ સર્જક..પ્લીઝ..!!!
સર્જકના બંને હાથ પકડીને કાકલૂદી કરતી રહી આરોહી….

                       *****                         *****                                          *****

વિજય ઠક્કર
લખ્યા તારીખ : September 25th, 2017 @ 10.50 PM