ઉત્સુક નિરાશ વદને ઘરે આવ્યો.
અશક્તિ ખૂબ હતી અને થાક પણ ખૂબ હતો. છેલ્લા એકાદ મહિનાથી ઉત્સુક ઘરે હતો…જૉબ પર જઈ શકે એવી એની શારીરિક ક્ષમતા જ ન હતી. માનસિક રીતે પણ એ ખૂબ ભાંગી પડ્યો હતો.
એષા તો એની ઓફીસ નિયમિત જતી હતી અને એ દિવસે પણ એ ઓફિસ ગઈ હતી. આમ પણ ઘરમાં એ બે જણતો હતાં અને એ પણ પાછાં જુદાજુદા. બંને વચ્ચે કોઈ વ્યવહાર કે કોઈ સંબંધ હતો નહિ. બંને ના રૂમ અલગ. બે પંખી એક છત નીચે જુદાજુદા માળામાં રહેતા હોય એમ આ બંને જણાએ પણ પોતાની જાતને અલગ અલગ રૂમમાં કેદ કરી લીધી હતી.
ઉત્સુક હજુ હમણાં જ ડૉક્ટર નંદન ના કલીનીક પરથી ઘરે આવ્યો પણ નંદને કહેલા શબ્દ એને કોરી ખાતા હતા….એના પડઘા સતત એના કાનમાં ગુંજ્યા કરતા હતા. “ઓસ્ટીઓ સાર્કોમા“ એ શબ્દ જાણે કરોળિયાના મોઢામાંથી નીકળતી લાળની જેમ એના અસ્તિત્વની આસપાસ એક અભેદ્ય જાળું વણી રહ્યો હતો.
” ઉત્સુક યુ આર સફરિંગ ફ્રોમ ઓસ્ટીઓ સાર્કોમા…”
“એટલે..??? નંદન એ તું શું બોલ્યો.. ઓસ્ટીઓ…??? હું કશું સમજ્યો નહિ…
“હા, ઓસ્ટીઓ સાર્કોમા.. અને હા તારે એ અત્યારે સમજવાની જરૂર પણ નથી. જીવનમાં કેવા કેવા પડકારો સામે આવે છે એની માણસને કાંઈ ખબર નથી પડતી…પણ જો તારે સમજવું જ હોયને ઉત્સુક દોસ્ત તો હું જે વાત કહું તે તું ધ્યાનથી સાંભળ. જીવનનો જે બચ્યોખુચ્યો સમય આપણી પાસે હોય તો તેને શા માટે નફરત કે કડવાશમાં વેડફી નાંખવો.
“ એટલે..?”
ઘડીઘડીમાં ”યુ આર સફરિંગ ફ્રોમ ઓસ્ટીઓ સાર્કોમા…” એ શબ્દ ના પ્રહાર એના કાનમાં થતા હતા. નંદન અને ઉત્સુક બંને ખૂબ સારા દોસ્ત હતા અને બંનેને એકબીજાને કશું પણ કહેવાનો હક અને અધિકાર હતો.
“ નંદન મારે એષાની બાબતમાં કશું સાંભળવું નથી…અને એતો તું મને અનેક વખત કહી ચૂક્યો છે ને નંદન ..? એષા ની સાથેનો મારો સંબંધ કેટલાંય વર્ષ પહેલાં પૂરો થઇ ગયો છે. હા, અમે એક છત નીચે રહીએ છીએ પણ એ તો ધર્મશાળાના મુસાફરની જેમ.”
“ઉત્સુક કંઈક સમજવાની કોશિશ કર. …પ્લીઝ દોસ્ત..”
આટલી વાતચીત કરતાંતો ઉત્સુક થાકી ગયો.. એને હાંફ ચડી ગયો…અને હાંફતા હાંફતા બોલ્યો… “નંદન પણ મને કહે તો ખરો કે આ ઓસ્ટીઓ સાર્કોમાં છે શું ?”
સાંભળવું છે તારે.. ? તો સાંભળ. તને હાડકાંનું કૅન્સર છે….અને હવે ધીમેધીમે આખા શરીરમાં એ પ્રસરી રહ્યું છે. દોસ્ત એટલે તને કહું છું તું એષા સાથે સમાધાન કરી લે.”
નંદન ની વાત પર બહુ ધ્યાન આપ્યા વગર ઉત્સુક કલીનીક પરથી નીકળી ગયો. રીક્ષામાં ઘરે આવ્યો પણ ઓસ્ટીઓ સાર્કોમાં એનો પીછો છોડતું ન હતું. ઘરે આવ્યો પણ એના એજ વિચારો ઘુમરાયા કરતા હતા. પલંગમાં સૂતો …છત આખી ગોળગોળ ફરતી હતી. સમાધાન….કડવાશ…. ઓસ્ટીઓ સાર્કોમા….નફરત… આ બધા શબ્દ રૂમમાં પડઘાયા કરતા હતા… વિચારોમાં જ ઊંઘ ક્યારે આવી ગઈ એની એને ખબર જ ના રહી. આંખ ખૂલી ત્યારે પાંચ વાગ્યા હતા. ક્યાંય સુધી પથારીમાં પડ્યો રહ્યો….ઊઠવાના હોશ જ ન હતા. ફરી પાછો નંદને એના મગજનો કબજો લઈ લીધો અને જાણે હવે તો આદેશ કરવા લાગ્યો કે “ જા ઉત્સુક જા… એષાને બોલાવ…. એની સાથે સુલેહ કરી લે…. એમાં જ તારું અને એનું ભલું છે…દોસ્ત, પ્લીઝ મારી વાત માન… હવે તારી પાસે બહુ સમય નથી.”
એક બાજુ અહમ્ છે જે છૂટતો નથી અને બીજી બાજુ જીવન નો અંત છે… જે બહુ નજીક છે….
મન અફળાતું રહ્યું….મન જીવનની કિતાબનાં પાનાં ઉથલાવવા માંડ્યું.
એષાની સાથે લગ્ન થયાં…અત્યંત રોમાંચક હતો સમય. કેવાં ગળાડૂબ હતા બંને એકબીજાના પ્રેમમાં !! શરૂઆતનાં બે-ચાર વર્ષ તો કેવાં મજાનાં પસાર થયાં પણ પછી ધીરેધીરે ઉત્સુકનું મન એષા તરફથી ભરાવા માંડ્યું….એનું મન ક્યાંક બીજે પરોવાયું.
આ અંતર માટે.. આ વિખવાદ માટે કદાચ જવાબદાર બન્ને હતાં, પરંતુ ઉત્સુકે તરત જ એનું મન બીજે ઠેકાણે પરોવી દીધું. શરૂઆત થઇ ગઈ સંઘર્ષની…શરૂઆત થઇ ગઈ ક્લેશ-કંકાસની. અંતર વધવા માંડ્યું. સહઅસ્તિત્વ અશક્ય બની ગયું. એષાને એણે કહ્યું: “આપણે હવે સાથે રહી શકીએ એમ નથી…ચાલ આપણે છૂટા પડી જઈએ…પછી તારી જિંદગી તું જીવ અને મારી હું. આપણું સહજીવન હવે શક્ય નથી.
એષા ખૂબ જિદ્દી હતી એણે ઉત્સુકને કહ્યું…. “મારી જિંદગીની હવે તું ફિકર ના કરીશ ઉત્સુક…
અને રહી વાત ડિવોર્સની…? તો સાંભળી લે ઉત્સુક…. હું કાયદેસર તારી પત્ની છું અને હું જીવીશ ત્યાં સુધી તારી પત્નીનો અધિકાર હું છોડવાની નથી. તારે મારી સાથે જ રહેવું પડશે. હું તને ડિવોર્સ પણ નહિ આપું અને તને કોઈની સાથે પણ નહિ રહેવા દઉં… આ મારો અફર નિર્ણય છે.”
બસ ત્યારથી લઈને અબઘડી સુધી બંને આમ તો સાવ અડોઅડ પણ તોયે જોજનો દૂર. નથી સંબંધ નજર મિલાવવાનો કે નથી સંબંધ સંવાદનો. કેટલાં બધાં વર્ષ વીતી ગયાં…!!!
ઉત્સુકના જીવનમાં આવેલી સ્ત્રીઓ…ક્યાંકથી મળેલો બેસુમાર પ્રેમ તો ક્યાંકથી મળેલી પારાવાર નફરત… તો વળી ક્યાંકથી મળેલી જીવનની સમજણ….એ બધાજ ચહેરાઓએ આપેલો પ્રેમ,હૂંફ,અને ભરોસો તથા વિષાદ,વિખવાદ અને વિડમ્બના, એ બધું સ્મૃતિમાં આવતાં મન આળું થઇ ગયું. જો કે હવે ક્યાં કોઈ છે જ એના જીવનમાં. એષાનાં દૂર થવા પછી આવેલા લોકો અને આ બધાંજ વર્ષોમાં બનેલી ઘટનાઓ કોઈ પણ અનુક્રમ વગર જેમની તેમ ઉત્સુકની નજર સામે આવતી ગઈ… જાણે બાઈસ્કોપમાં ફિલ્મ જોતો હોય એવું લાગતું હતું. બહુ ઓછી ઘટના જોવાઈ કે જેનાથી આનંદાયું હોય…અને બહુ વધારે પ્રસંગ દુઃખકારી અને પીડાકારી જોવાયાં.
ફરી પાછા નંદનના શબ્દો પડઘાયા. “ જા ઉત્સુક જા… એષાને બોલાવ…. એની સાથે સુલેહ કરી લે…. એમાં જ તારું અને એનું ભલું છે…દોસ્ત, પ્લીઝ મારી વાત માન… હવે તારી પાસે બહુ સમય નથી.” ઉત્સુકનાં મનમાં ગુનાઈત ભાવ આવી ગયો..પણ તેમ છતાં એનો અહમ્ એને એષા પાસે જતા રોકતો હતો. હવે જીવનમાં અન્ય કોઈ ત્રીજું નથી… છે તો એષા અને એ પોતે. એ જ સત્ય અને એજ વાસ્તવિકતા. મન ને એ તરફ પાછા જવા એ તૈયાર કરતો હતો અને ક્યારે આંખ મળી ગઈ ખબર ના રહી. થોડીવારે જ્યારે આંખ ખુલી ત્યારે એષા ના રૂમમાં લાઇટ ચાલુ હતી. ક્યાંય સુધી એ તરફ નજર મંડાયેલી રહી. જાણે કોઈક અણસાર મળે એની પ્રતિક્ષા કરતો હતો.
વ્યર્થ…. બહુ વિચારને અંતે સહેજ ગભરાતા ગભરાતા એ ઉભો થયો અને એષા ના રૂમ તરફ ગયો.
જીવનની આ તે કેવી વિડમ્બના ..? હેં….!!! એક સમયે હાથમાંથી હાથ છૂટતો ન હતો, બેધડક એકબીજાના આશ્લેષમાં સમાઈ જતા હતાં અને એ સહિયારા શ્વાસોની એક સરગમ બની જતી હતી અને આજે…???? આજે એજ મન અને અસ્તિત્વ એકમેકથી જોજનો દૂર થઇ ગયાં છે….પડછાયો પણ દઝાડશે તો નહિ ને એવો સંશય થયા કરે છે.
બારણું અંદર થી બંધ હતું… બે-ત્રણ ટકોરા માર્યા.
“કોણ…!!” વિલંબિત લયમાં એષાનો અવાજ આવ્યો. ઘરમાં એ બે સિવાય અન્ય કોઈ હતું જ નહિ પણ તેમ છતાં પૂછવું પડ્યું. જોકે પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ એણે બારણું તો ખોલ્યું ..
“શું હતું..??”
“એષા, મારે તારી સાથે થોડી વાત કરવી છે.’
“અંદર આવો… તમારી તબિયત તો સારી છે ને .. ???”
ધીમેધીમે એ પલંગ પર જઈ ને બેઠો… સામે એષા ખુરશી પર બેઠી. ક્ષણો પસાર થતી રહી કોઈ કશું બોલતું ન હતું. ઉત્સુકને જાણે કોઈક અપરિચિત ને ત્યાં આવ્યો હોય એવી લાગણી થતી હતી. સામેના ટેબલ પર એક ફોટોફ્રેમમાં એનો ફોટો હજુ પણ મોજૂદ હતો અને એની નજર એ ફોટા પર સ્થિર થઇ ગઈ અને એ બોલ્યો..” એષા…” આજે નામ બોલતા પણ પોતાની જાતને પહેલાં તૈયાર કરવી પડે છે.
“ એષા… હું નંદન પાસે ગયો હતો…”
“કેમ શું થયું…?”
“છેલ્લા એકાદ મહિનાથી ઠીક નથી એટલે ઘણાં બધા ટેસ્ટ્સ અને ઈન્વેસ્ટીગેશન્સ કર્યા..”
“શું કહ્યું નંદને…?”
“કંઈ ખાસ નહીં ..”
એષાના મો પરના હાવભાવમાં કોઈ ખાસ ફરક ના આવ્યો. થોડીવાર ચૂપ રહી પછી ઉત્સુકે કહ્યું:
“ઓસ્ટીઓ સાર્કોમા છે…” એનો અવાજ સહેજ ભીનો થઇ ગયો.
“એટલે ..??”
“હાડકાંનું કૅન્સર…. શરીરમાં પ્રસરવા માંડ્યું છે.”
એષાના મો પર હવે સહેજ ચિંતા દેખાઈ….પણ નજરો મળતી ન હતી.
“તો હવે… દવા…??”
“ચાલુ જ છે …પ..પણ હવે કોઈ અર્થ નથી એષા….”
“એટલે..???”હવે અંત બહુ જ નજીક છે એષા…”
એષા થડકી ગઈ….. એના હાવભાવ બદલાઈ ગયા..
“એષા, હું દયા કે સહાનુભુતિ મેળવવા તારી પાસે નથી આવ્યો… “
એષાએ પહેલીવાર આજે એની સામે જોયું. અસમંજસમાં હતી…શું કરવું ..શું કહેવું …? કશુંજ નક્કી કરી શકતી ન હતી.
“ હું…હું ભૂતકાળની કડવાશ અને નફરતમાંથી મુક્તિ મેળવવા આવ્યો છું. એષા… મારી વાત સાંભળી લે અને પછી પણ તારી ઇચ્છા નહીં હોય તો આપણે અત્યારે જીવીએ છીએ એમ જીવીશું.”
આટલું બોલતા તો એને થાક લાગી ગયો…શ્વાસ ચડવા માંડ્યો.
“તું..ત..મે…..તું..ત…તું..” સંબોધન કરવાની ગડમથલ ચાલી… પાણી લઈ આવી અને એને પાણી આપ્યું. ગ્લાસ પકડતાં ઉત્સુકે પ્રયત્નપૂર્વક એષાના હાથ પર હાથ મૂક્યો. એષાએ ના તો કોઈ પ્રતિભાવ આપ્યો કે ના તો પ્રતિકાર કર્યો. હાથ ખસેડવાનો પ્રયત્ન સુધ્ધા ના કર્યો.
“એષા તારી પાસે બેસવાની લાયકાત તો મેં ક્યારનીયે ગુમાવી દીધી છે…. પણ…”
એક જબરદસ્ત નિ:સાસો નાખ્યો.
“એક વિનંતી કરું એષા…?? શક્ય હોય તો મારી પાસે બેસને પ્લીઝ…. “
એષા પણ જાણે આજ તક ની તો વર્ષોથી રાહ જોતી હતી….હાથમાં પાણીનો ગ્લાસ પકડીને ઉત્સુકની બાજુમાં પલંગ પર બેસી ગઈ. કોઈક અધૂરપ જાણે એને એમ કરવા પ્રેરતી હતી. ગ્લાસ એણે બાજુમાં ટીપોઈ પર મૂકયો. અને બેસી રહી… બેમાંથી કોઈ કશું બોલતું નથી… થોડીવારે ઉત્સુકે ઈશાનો હાથ એના હાથમાં લીધો…અને ક્યાંય સુધી એને પંપાળતો રહ્યો. એષા એ જરા સરખોય ઇનકાર ના કર્યો…
“એષા…આપણા સંબંધના સમીકરણને આજે હું ફરી ઉકેલવા માંગુ છું …જો ક્યાંક વળી સાચો જવાબ મળી જાય .“
ઉત્સુક ગળગળો થઇ ગયો…ગળામાં અને આંખમાં ભીનાશ આવી ગઈ…
“એષા ચાહે તો તું મને માફ કરજે અને નહીં તો પ્લીઝ મને નફરત તો ના જ કરીશ એષા… મારા અંત સમયે હું તારી માફી માંગુ છું…મારી ભ્રમરવૃત્તિએ મને હવે સાચેજ ભ્રમર જેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે…માટીના ઘરમાં હું કેદ અને એમાંથી બહાર આવવાના કોઈ જ દ્વાર રહ્યા નથી… બસ હવે તો અંત…”
આટલું બોલતા તો ઉત્સુક જોરથી રડી પડ્યો… એષાનો હાથ એની આંખો તરફ આગળ વધ્યો…આંસુ લૂછ્યાં પણ એષાની રુક્ષ થઇ ગયેલી આંખો એક પણ પાણીનું ટીપું બહાર આવવા દેતી ન હતી….કદાચ એની આંખમાં આંસુ બચ્યાં જ નથી.
“એષા…!!”
“હમમમ“એષાએ એની સામે જોયું…એના રુક્ષ ચહેરા પર હવે થોડી નરમાશ આવી….
“મારા શરૂઆતના સંબંધની તો તને ખબર હતી જ… ત્યાંથી મને ખૂબ પ્રેમ મળ્યો….પણ એક વળાંક પર આવી ને કેવી રીતે છૂટા પડી ગયાં એની ખબર ના પડી.”
એષા સાંભળતી જ રહી.
“ એક મધ્યાંતર આવ્યો અને ફરી પાછું મારું મન ક્યાંક બીજે જઈને બેઠું. થોડાજ વખતમાં ત્યાંથી મને જાકારો મળ્યો…ભરપૂર નફરત મળી….શું કરતો હું…?? ખૂબ એકલો પડી ગયો અને એ એકલતાએ મને અંદરથી કોરી ખાધો…કેટલીયે વાર થયું ફરી પાછો તારી પાસે આવું પણ ત્યારે મારો અહમ્ મારા અસ્તિત્વ પર હાવી થઇ જતો હતો….મને બહુ રોક્યો…પણ એક વાત કહું એષા..? મને મનમાં એક આશા તો જરૂર હતી અને સાચું કહું તો વિશ્વાસ પણ હતો કે તું મને તારા બે હાથની વચ્ચે મને તારા આશ્લેષમાં ફરી પાછો સમાવી લઈશ…”
એષાની આંખો સહેજ ભીની થઇ…
“ કદાચ તને લાગે કે અંત સમયની મારી જરૂરિયાતોથી પ્રેરાઈને હું તારી પાસે આવ્યો છું …પણ…”
“પણ…શું પણ. ?? ”’
“એષા તું સંપૂર્ણ મુક્ત છે અને મારે તો મારાજ કર્મ ની સજા ભોગવવાની છે. જિંદગીની ભુલભુલામણીમાં હું તો ભટકી ગયો હતો. અંત સમયે માંડમાંડ એમાંથી મને નંદન બહાર ખેંચી લાવ્યો.”
બિલકુલ શાંતિ પ્રસરી ગઈ…કોઈ એક હરફ પણ ઉચ્ચારતું ન હતું. થોડીવારે ઉત્સુક બોલ્યો:
“ એષા….બહુ થાક લાગ્યો છે મને …ત…ત..તારા ખોળામાં આરામ મળશે…એષ….??”
“……………………”
એષા એ ઉત્સુકનું માથું એનાં ખોળામાં લીધું અને એના વાળમાં આંગળીઓ પરોવી દીધી…એના આંસુથી એનો ખોળો અને ઉત્સુકનું માથું ભીંજાતા રહ્યા..
**************
વિજય ઠક્કર
July 20, 2017 @ 3.45 PM