Month: જૂન 2017

તારે આવવાનું છે….

તરૂપા ઘસઘસાટ ઊંઘતી હતી. એરકન્ડીશનની ઠંડકમાં રાત ક્યાં પસાર થઇ જતી હતી એની ખબરજ નથી પડતી. આખા દિવસના કામના થાક પછી પણ જો મન ક્યાંક વિચારોમાં અટવાયું ને તો ખલાસ પછી તો આખી રાત પડખાં ઘસતાંજ કાઢવી પડતી.

આજે પણ કંઈક એવું જ થયુંને શતરુપાની સાથે..!  મોડી રાત સુધી ઊંઘ ના આવી… લીવીંગ રૂમમાં આવીને એણે ટીવી ઓન કર્યું…પણ ટીવી માં પણ મન લાગ્યું નહિ…ક્યાંય સુધી ચેનલ બદલ્યા કરી. મન કશામાં લાગતું જ નહોતું…કંટાળી અને કોણ જાણે એને શું થયું કે હાથમાંથી રીમોટનો છુટ્ટુો ઘા કર્યો… સામે દીવાલ પર  રીમોટ અથડાયો અને એના બધાંજ પુર્જા છૂટા પડી ગયા… અને એ રીમોટનાં વેરવિખેર અવશેષને જોતી બેસી રહી…બસ એમને એમજ… ખબર જ નહોતી પડતી કે એને શું થઇ રહ્યું છે..!! કોઈક અદ્દશ્ય પીડાને કારણે એનો જીવ બળ્યા કરતો હતો…જો કે હમણાં તાજેતરમાં તો એવું કશું જ બન્યું પણ નથી…કે નથી થયો કંકાસ… બધુંજ સમુસુતરું ચાલ્યા કરે છે તો પછી આ થાય છે શું…??? કાઈંજ ખબર નથી પડતી…કેમ આમ મનમાં કશોક રઘવાટ, કશીક છુપી ચિંતા થયા કરે છે. ક્યાંય સુધી સુનમુન બેસી રહી. આવડા મોટા ઘરમાં એકલું એકલું લાગતું હતું…

પ્રક્ષાલ અમેરિકા એક કૉન્ફરન્સ એટેન્ડ કરવા ગયો છે ત્રણ દિવસની કૉન્ફરન્સ પતાવીને અમેરિકામાં થોડું ફરીને આવશે. એક નાનકડું વૅકેશન પ્લાન કરીને ગયો છે. એક અઠવાડિયું તો થઇ ગયું અને હજુ બીજાં દસેક દિવસ લાગશે એને પાછા આવવામાં. પ્રક્ષાલ એકનો એક દીકરો છે શતરુપાનો.

શતરૂપા અને પ્રક્ષાલે જબરદસ્ત નામ ઊભું કર્યું છે બેવરેજીસના બિઝનેસમાં. શતરુપાએ બિલકુલ નાના પાયે શરુ કરેલો બિઝનેસ પ્રક્ષાલે ખૂબ વિકસાવ્યો. પાંચ વર્ષમાં તો ખૂબ વિકસ્યો બિઝનેસ અને વળી પાછું એમાં શુભાંગી જોડાઈ. એકાદ વર્ષ પહેલાં આસીસ્ટન્ટ મૅનેજર તરીકે શુભાંગી જોડાઈ અને એ પણ ખૂબ લગનથી કામ કરતી હતી. એની નિષ્ઠા અને મહેનત દાદ માંગી લે તેવાં હતાં. શુભાંગીએ પોતાની આવડત લગન અને પ્રામાણીકતાથી  શતરૂપા અને પ્રક્ષાલનાં દિલ જીતી લીધાં એટલુંજ નહિ એ હદે વિશ્વાસ સંપાદન કરી લીધો કે અમેરિકામાં મળેલી ગ્લોબલ સૉફ્ટ ડ્રીન્કસ મેન્યુફેકચરર્સની કોન્ફરન્સમાં શતરૂપાએ એને ખૂબ આગ્રહ કરીને પ્રક્ષાલને આસિસ્ટ કરવા મોકલી.

અત્યારે રાતના ત્રણ વાગ્યા છે. મન પણ વિક્ષુબ્ધ હતું એટલે આંખ મીચાતી ન હતી અને મોડીરાત સુધી પડખાં ઘસતી રહી….પણ એને ઊંઘ આવી નહીં. કશુંક વાંચવાનો પ્રયત્ન પણ કરી જોયો પણ વ્યર્થ. છેવટે કંટાળી ને બેડમાંથી ઉભી થઇ અને વોર્ડરોબમાં છેક ખૂણામાં એનાં કપડાંની પાછળ સંતાડીને મૂકી રાખેલી ગ્લેનફીડીચ સિંગલ માલ્ટ વ્હીસ્કીનો જાર કાઢીને લઈ આવી. કિચનમાં જઈ ક્રૉકરી શેલ્ફ માંથી એક અત્યંત સુંદર વ્હીસ્કી ગ્લાસ અને ફ્રીઝ ના આઇસ ડિસ્પેન્સરમાંથી આઇસ લીધો. લાર્જ પેગ ઓન ધ રોક્સ બનાવીને બેડરુમમાં મુકેલી રોકિંગ ચેરમાં ગોઠવાઈ ગઈ શતરૂપા. ઝૂલવા લાગી… બેડરુમમાં મદ્ધિમ બ્લૂ કલરનું અજવાળું હતું. ડ્રીંક લેવાની શરૂઆત કરતાં પહેલાં સ્ટીરીયો પર એની ખૂબ ગમતી બેગમ અખ્તરની ગાયેલી ગઝલ મૂકી..’ “અય મહોબ્બત તેરે અંજામ પે રોના આયા” રોકિંગ ચેર પર બેસીને ઝૂલતાં ઝૂલતાં સીપ લેવા માંડી..ગઝલ પૂરી થાય એટલે ફરી ફરી એજ ગઝલ વગાડતી હતી…શરાબ પેટમાં ઉતરવા સાથે ધીમેધીમે મનની સતહ બદલાવા માંડી…. આંખોનાં પોપચાં શીથીલ થવા માંડ્યાં..એક આખું ડ્રીંક પૂરું થયું અને શતરૂપાએ ઉભા થઇ ફરી એવું જ એક બીજું લાર્જ ડ્રીંક બનાવ્યુ અને એજ વખતે ગવાયું:

“યું તો હર શામ ઉમ્મીદ્દો મેં ગુજર જાતી થી..આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા.”

ખૂબ ઇમોશનલ થઈ ગઈ શતરૂપા. ઘરમાં બીજું કોઈ હતું નહિ કે જે એના આંસુ લુછી શકે. એમ કરતાં ક્યારે આંખ મીંચાઈ ગઈ.

પ્રક્ષાલનો ફોન આવશે એ અપેક્ષામાં જાગતી રહી અને અનાયાસ મનમાં કોઈક એવા ભાવ ઉભરી આવ્યા કે એની ઊંઘ પણ જતી રહી અને મનનું ચેન પણ અને એટલે આજે ઘણાં સમય પછી એણે ડ્રીંક કર્યું છેવટે વહેલી સવારે ફોન આવ્યો. ખૂબ રીંગો વાગી પણ શતરૂપાએ બે લાર્જ ડ્રીંક લીધેલાં એટલે એને ફોનની રિંગ સંભળાઈ નહિ પણ સામે છેડેથી વારંવારના પ્રયત્નથી છેવટે શતરૂપાએ ફોન રીસીવ કર્યો.

“હેલ્લો..”

“હેલ્લો…”ખૂબ ઘેરી ઊંઘમાંજ ફોન રીસીવ કર્યો.

“મમ્મા….”

“હાં…બોલ બેટા…” અવાજ થોડો તરડાયેલો અને લડખડાતો આવ્યો..

“હાં બોલ બેટા… હાઉ આર યુ મય સન..?”

“મજામાં છું મમ્મા …પણ તું કેમ છું…?

“ઠીક છું…બસ જો બેટા તારા વગર નથી ગમતું”

“ઓહ મમ્મા જો હું બહુ જલદી પાછો આવું છું….ઓ કે.. હા પણ મમ્મા તે ડ્રીંક કર્યું હતું !!”

“હા બેટા…. સાચું કહું તો તારા ફોનની બહુ રાહ જોઈ અને પછી….ઓ કે બેટા…. ડોન્ટ વરી એબાઉટ ધેટ… મને એ કહે કે કૉન્ફરન્સ કેવી રહી…?”

“મમ્મા કૉન્ફરન્સ તો શું કહું તને… ઇટ વોઝ સુપર્બ…. અરે મોમ સોપો પાડી દીધો છે આ વખતે કોન્ફરન્સમાં”

“અરે વાહ….પણ એ તો મને ખબર હતી જ બેટા કે તારું પ્રેઝન્ટેશન બહુ સરસ જ હશે….”

“પણ મોમ…”

“શું થયું બેટા..?” એને એકદમ ચિંતા થઇ આવી..

“અરે માય ડિયર મમ્મા તું આટલી ગભરાઈ કેમ જાય છે.. ? મોમ તારા માટે એક ગુડ ન્યૂઝ છે….”

“ગુડ ન્યૂઝ..!!!! એ વળી શું છે પાછું બેટા…? “

“મમ્મા તારો રાજયોગ શરુ થઇ ગયો છે એમ સમજ..”

“ પ્રક્ષાલ કશુંક સમજાય એવું બોલ બેટા..”

“ જો સાંભળ માં… સોફ્ટડ્રીન્કસના બિઝનેસમાં તું ટોપ પર આવી જઈશ … મીસીસ શતરૂપા વિલ બી અ ચેરપર્સન ઑફ ધ જાયન્ટ મલ્ટીનેશનલ કમ્પની.”

શતરૂપા અત્યાર સુધી બેડમાં સુતાસુતા વાત કરતી હતી પણ આ વાક્ય સાંભળીને એકદમ એક ઝાટકા સાથે બેઠી થઇ ગઈ. બે પાંચ સેકન્ડમાં તો એનું હૃદય એકદમ તેજ ગતિએ ધબકવા માંડ્યું. એકબાજુ એકદમ ખુશી છે તો બીજી બાજુ ચિંતા કે ક્યાંક આ છોકરાએ મહત્વાકાંક્ષામાં ક્યાંક મોટું જોખમ ના ઉઠાવી લીધું હોય.

“ પ્રક્ષાલ…. મને સમજાય એવું કંઈક બોલ …. “

“જો માં હું તને સમજાવું. આપણે એક અમેરિકન કમ્પની સાથે કોલાબરેશન કર્યું છે. હજુ હમણાંજ  ડોક્યુમેન્ટ્સ  સાઈન કર્યા અને તરત તને ફોન કર્યો.”

“પણ આ બધું થયું કેવી રીતે બેટા…??”

“એ બધી વાત વિગતવાર હું ત્યાં આવી ને કરીશ મમ્મા, પણ એ બધી કમાલ શુભાંગીની છે.”

“અરે વાહ બેટા…કોન્ગ્રેચ્યુલેશન્સ તને અને શુભાંગીને..અરે હા ક્યાં છે શુભાંગી..?? તું શુભાંગીને ફોન આપ” .”હેલો મેં’મ  ..!!”

“બોલ શુભાંગી…કેમ છે તું..? એન્ડ યેસ કોન્ગ્રેચ્યુલેશન્સ  એન્ડ થેન્ક્સ ફોર વ્હોટ યુ હેવ ડન ફોર ધ કમ્પની “

“થેન્ક્સ મેડમ ….ઇટ્સ માય પ્લેઝર મેં’મ…”

“અને હા શુભાંગી, પ્રક્ષાલ બહુ ડ્રીંક તો નથી કરતોને ?”

“ના મેં’મ તમે ચિંતા નહિ કરતા …હી ઈઝ જસ્ટ ફાઇન”

“ઓ કે….તું પ્રક્ષાલ ને ફોન આપ તો..”

“યેસ મેં’મ “

“હાં બોલ માં…”

“બેટા કોઈ રિસ્ક તો નથી ને..?”

“ના મમ્મા કોઈ રિસ્ક નથી… આપણો મેજર સ્ટેક છે અને શુભાંગીએ બહુ કેરફુલી ડીલ કર્યું છે અને આપણા લૉયર ને પણ અમે અહીં થી કન્સલ્ટ કરી લીધા હતા….સો ડોન્ચ યુ વરી મા..”

“હા પણ તો વાંધો નહીં…કારણ તને ખબર છે ને બેટા આપણે કેવી રીતે આ જગ્યાએ પહોંચ્યા છીએ.”

“હા મમ્મા તું બિલકુલ ચિંતા ના કરીશ… બધું સારું જ થશે…. એન્ડ હા મમ્મા… બી રેડી ફોર વન મોર સરપ્રાઈઝ”

“અરે બેટા …! હવે પાછું શું છે … તું તો મને ગભરાવી મૂકે છે બેટા…”

“હા પણ એ સરપ્રાઇઝ તો હું તને ત્યાં આવીને રુબરુમાંજ બતાવીશ..”

“પાછું સસ્પેન્સ!!!”

“હા…, જસ્ટ વેઇટ ફોર ફયુ મોર ડે’ઝ…ઓ કે માય ગુડગુડ મમ્મા..!! ”

 

ફોન ડિસ્કનેકટ થયો. શતરૂપા તો ચિંતામાં પડી ગઈ…હજુ તો રાતનું હેંગઓવર છે. એકબાજુ ચિંતા થાય છે તો બીજી બાજુ આનંદ થાય છે પણ એક નિસાસો નાંખે છે કે કોઈ જ નથી એની પાસે કે એની જિંદગીમાં કે જેની સાથે એ પોતાની ખુશી કે દુઃખ શેર કરી શકે. પ્રક્ષાલ અને શુભાંગી કોન્ફરન્સમાં ગયા ત્યારે ક્યાં ખબર હતી કે આવું કશુંક સરસ થવાનું છે. વિચારોમાં ગરકાવ થઇ ગઈ.

 

“શુભાંગી, કેવી સરસ છોકરી છે. એક વર્ષમાં તો એણે બધો કારોબાર સંભાળી લીધો. આપણું કિસ્મત કોણ બદલે છે, કોણ નિમિત્ત બને છે કંઈજ ખબર નથી પડતી. ક્યાંથી આવી હશે આ છોકરી..? એનું કોઈ બેક્ગ્રાઉન્ડ પણ કમ્પની પાસે નથી. અહીં લેડીઝ હોસ્ટેલમાં રહીને કમ્પનીમાં કામ કરે છે. વિચારો ચાલતા રહ્યા… દિવસો પણ પસાર થતા રહ્યા. પ્રક્ષાલ અને શુભાંગીને આવવાંની હજુ બેત્રણ દિવસની વાર હતી. શતરૂપા સામાન્ય રીતે એકલી હોય ત્યારે ડ્રીંક કરતી નથી પણ છેલ્લા બેત્રણ દિવસથી આ વખતે એ રોજ ડ્રીંક કરવા માંડી. ગઈ રાત્રે પણ ડ્રીંક લઈને સૂઈ ગઈ હતી અને સવારના આઠ વાગ્યા તોય હજુ એ જાગી નથી.. કોઈક ડોરબેલ વગાડી રહ્યું હતું પણ શતરૂપા ઘેરી ઊંઘમાં હતી… બહુવાર પછી એની ઊંઘ ખુલી…અને એકદમ સફાળી ઉભી થઇ…સહેજ કપડાં ઠીક કર્યાં અને દોડતાં જઈને બારણું ખોલ્યું…

“હેપી બર્થ ડે મમ્મા…”

હાથમાં એક મોટો ફ્લાવર બુકે લઈને પ્રક્ષાલ અને શુભાંગી ઊભા હતા. શતરૂપા તો હેબતાય ગઈ એ બંને ને જોઈ ને. પ્રક્ષાલ અને શુભાંગી એરપોર્ટથી સીધા ટૅક્સી કરીને આવી ગયાં. શુભાંગી પણ લેડીઝ હોસ્ટેલ જવાને બદલે પ્રક્ષાલ સાથે અહીં આવી ગઈ.

“અરે…બેટા તમે લોકો તો સોળમીએ આવવાના હતા ને…??? આજે ક્યાંથી આવી ગયાં ?”

“એજ તો કમાલ છે ને મોમ… તારો બર્થ ડે હોય અને તારા માટે ખૂબ ખુશીના બે બે સરપ્રાઇઝ હોય તો હું તારાથી કેવી રીતે દૂર રહી શકું….?? એન્ડ મોમ તારા બધા જ બર્થ ડે આપણે સાથે જ તો સેલીબ્રેટ કર્યા છે ને..?”

“આઈ નો બેટા… એન્ડ થેન્કસ ફોર બ્યુટીફૂલ ફ્લાવર્સ…”

માં બેટો બંને ભેટી પડ્યા. શતરૂપાની અને પ્રક્ષાલની આંખો હર્ષથી ઉભરાતી રહી. શુભાંગી ખુશ હતી અને  પાછળ ઉભી ઉભી એ જોયા કરતી હતી અને સાંભળતી હતી માં બેટાનો સંવાદ…

“મમ્મી….ખાલી ફ્લાવર્સ માટે મને થેન્કસ ના કહે… આઈ હેવ વન મોર બ્યુટીફૂલ સરપ્રાઇઝ ફોર યુ..”

“અરે…એ પાછું શું છે બેટા ????”

“જો મમ્મા..એમ કરીને એણે શુભાંગી તરફ હાથ ધર્યો..શુભાંગીએ આગળ આવીને એના હાથમાં હાથ મૂક્યો અને બંને જણા શતરૂપાને પગે લાગ્યા. બે પગલાં પાછળ હટી ગઈ શતરૂપા પણ પછી સંભાળી લીધી એની જાતને અને શુભાંગીને ભેટી પડી.

“મોમ હિયર ઈઝ યોર ડોટર ઇન લો…. શુભાંગી પ્રક્ષાલ…”

શતરૂપાએ શુભાંગીને દૂર કરી …હેબતાય ગઈ એ…. પણ એ કશુંજ બોલી નહિ…. એક બિઝનેસ વુમનની મુત્સદીગીરીથી એણે એ વાત ઉપર તાત્કાલિક પડદો પાડી દીધો. દસ પંદર દિવસ સુધી શતરૂપાનું વર્તન ના સમજાય એવું સાવ બદલાઈ ગયું. શુભાંગી સાથે એક પ્રકારે અંતર ઊભું કર્યું. જો કે શુભાંગી એનો કોઈ પ્રતિભાવ આપતી ન હતી. પ્રક્ષાલ એને લેડીઝ હોસ્ટેલ છોડાવી દીધી અને હવે આ ઘરમાં એને રહેવા લઈ આવ્યો. પ્રક્ષાલે શતરૂપાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “ શું ખોટ છે મમ્મા શુભાંગીમાં….? એણે આ ઘર માટે અને આપણા બિઝનેસ માટે શું કર્યું છે એ તું નથી જાણતી ?”

“એણે મીસયુઝ કર્યો છે મેં આપેલી છૂટનો… દ્રોહ કર્યો છે એણે મારા વિશ્વાસ નો..” ખૂબ ગુસ્સામાં હતી શતરૂપા.

“મમ્મી પ્લીઝ… તું એને ખોટી ના સમઝ..એણે તો કશું નથી કર્યું…. ઓન ધ કોન્ટરરી મેં જ  તો એને પ્રપોઝ કર્યું હતું.”

“હાઉ ડેર યુ પ્રક્ષાલ…????”

“ મમ્મા પ્લીઝ……!” પ્રક્ષાલ માટે આ વાત જ આશ્ચર્યજનક હતી કે એની મોમ એના કોઈ નિર્ણયનો વિરોધ કરે. પ્રક્ષાલની આટલી જિંદગીમાં એ કોઈ વસ્તુની ઇચ્છા કરે અને શતરૂપાની શક્તિ હોય કે ના હોય પણ એ કોઇપણ રીતે એ વસ્તુ પ્રક્ષાલ માટે હાજર કરી દેતી…. અને આજે…. આજે એ જ શતરૂપા પ્રક્ષાલની સૌથી વહાલી વ્યક્તિનો વિરોધ કરે છે એટલુંજ નહિ પણ એની સાથે બેહૂદું વર્તન કરે છે.

એક દિવસ શતરૂપા એ પ્રક્ષાલની ગેરહાજરીમાં શુભાંગીને કહ્યું: “ ક્યાંથી આવી છે તું છોકરી ? કોણ છે તું..? ક્યાં છે તારા માબાપ ? હું કશું જાણતી નથી તારા વિષે અને તેં કહ્યું છે આ બધું તારા માબાપને..???”

“ હા…મેં મારા પપ્પાને જણાવી દીધું છે અને મારા જીવનના નિર્ણયો મેં સાચાજ લીધા હશે એમ સમજી એમણે કોઈજ વિરોધ નથી કર્યો..”

“ક્યાં છે તારા પપ્પા …?”નફરત વર્તાતી હતી શતરૂપાના એ અવાજમાં.

“ આ શહેરમાં નથી..”

“ ક્યાં છે…? અવાજ સહેજ ઉંચો થઇ ગયો અને કડવાશ ઉતરી આવી એના શબ્દોમાં

‘ હું લઈ જઈશ તમને એમની પાસે… અને હા… હું પણ ઇચ્છું જ છું કે તમે મારા પપ્પાજીને મળો.”

બેચાર દિવસ પછી પ્રક્ષાલ, શતરૂપા અને શુભાંગી કાર લઈને શુભાંગીના ગામ ગયાં. ચારેક કલાક ડ્રાઈવ કર્યું ત્યારે શુભાંગીના ગામ પહોંચ્યા. ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. શુભાંગી અંદર જઈને જોઈ આવી. પપ્પાજી ઘરે નહતા એટલે એ બહાર આવી અને એ બન્નેને બેસાડ્યાં. પાણી આપ્યું. સાવ સામાન્ય ઘર હતું. ચારે બાજુ પુસ્તકોનાં ઢગલા પડ્યા હતા. સામે ગોઠવેલા દીવાન પર લખવાની એક નાની ડેસ્ક હતી. ત્રણચાર રૂમના એ ઘરમાં બધું અસ્તવ્યસ્ત હતું. સ્ત્રી વગરનું એ ઘર હશે એવું પહેલીજ નજરે દેખાઈ આવે.

શતરૂપા ઉભી થઇ અને દીવાન પાસે ગઈ અને દીવાન પર વેરવિખેર પડેલાં કાગળીયાં ઉથલાવ્યાં. એ એટલી ગુસ્સામાં હતી કે એણે ખાલી જોવા ખાતર એ બધું ઉથલાવ્યા કર્યું .

“ પપ્પાજી આટલામાં જ ક્યાંક ગયા હશે… એ આવે  ત્યાં સુધીમાં હું ચા બનાવું..”

પ્રક્ષાલ પણ અસમંજસમાં હતો કે શુભાંગી આટલી ભણેલી ગણેલી  ઍડ્વાન્સ છોકરી… આટલી બધી ઈંટલીજન્ટ છોકરીનું ઘર આવું કેમ..? શુભાંગીના મમ્મી ક્યાં હશે ? એ કેમ નથી દેખાતાં..? મનમાં ગૂંચવાતો હતો પણ મૌન રહ્યો. શતરૂપા કાગળ ફેંદતી હતી એમાંથી એક કાગળ લઈને વાંચવા માંડી

“ પ્રત્યેક માણસને કોઈક ને કોઈક પ્રેમની કક્ષાનું પાગલપન હોય છે કે પછી પાગલપનની કક્ષાનો પ્રેમ હોય છે. જેમને એ નથી મળતું એમની પાસે જીવનના કોઈ અર્થ નથી હોતા અને હોય તો એ બહુ ધૂંધળા અર્થ હોય છે શું એને કહેવાય જીવન…??? હા જીવન તો એને કહેવાય પણ કેવું જીવન…???  શ્વાસ વગરનું જીવન…..મૃત અવસ્થાનું જીવન”

શુભાંગીએ એ બેય ને ચા આપી.ચા પીવાઈ ગઈ પછી શુભાંગીએ કહ્યું કે પપ્પા કદાચ દરિયા પર ગયા હશે ચાલો તમે આવો છો મારી સાથે આપણે ત્યાં જઈને જ એમને બોલાવી લાવીએ. ત્રણેય જણ ચાલતાં ચાલતાં ત્યાં ગયાં. દૂર દરિયા પાસે એક માણસ દરિયાની સામે જોઈને બેસી રહ્યો હતો. માત્ર એની પીઠ દેખાતી હતી. શુભાંગીએ દૂર થી  બૂમ તો પાડી પણ અવાજ ત્યાં સુધી પહોંચ્યો નહિ એટલે શુભાંગી દોડતી ગઈ અને પાછળથી એમને વળગી પડી….પણ એ સાથેજ એ શરીર ઢળી પડ્યું. શુભાંગીથી ચીસ પડાઈ ગઈ. પ્રક્ષાલ અને શતરૂપા પણ ત્યાં દોડીને પહોંચી ગયાં. એ નિશ્ચેતન શરીર ઊંધું પડ્યું હતું…. શુભાંગીને કશું સુજ્યું નહીં અને એતો ત્યાં બાજુમાં બેસીને રડવા માંડી. પ્રક્ષાલે ઊંધા પડેલા શરીર ને છત્તું કર્યું…. અને એ ચહેરો જોતાની સાથે જ શતરૂપા એકદમ ચમકી ગઈ… બે પગલાં પાછી પડી… અને જોરથી એક ચીસ એના મોંમાંથી નીકળી ગઈ…” પરિતોષ…!!!!!!”

શુભાંગી રડતી રહી… રોકકળ સાંભળીને ગામ લોકો ત્યાં દોડી આવ્યાં. પ્રક્ષાલને આ બધું બહુ જ વિચિત્ર લાગતું હતું. ક્ષણેક્ષણ એની સામે આશ્ચર્યો આવતાં હતાં. શુભાંગીની પાસે જઈ ને એણે એને સંભાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એક જબરદસ્ત મોટો પ્રશ્ન એની સામે આવીને ઉભો કે મમ્મી ક્યાંથી ઓળખે એમને…?? જો કે એ સમયે તો બધાજ સંશય એણે મનમાંજ દબાવી દીધાં.

શુભાંગીએ શતરૂપા ની સામે જોયું અને બોલી કે “ મારા પપ્પા પરિતોષ નહિ પણ એક અસંતોષ સાથે જીવ્યા. એકલા અટુલા….” ખૂબ રડતી હતી.

અંતિમક્રિયા પતિ ગઈ. શતરૂપાના મુખ પર ગ્લાની હતી… ભય હતો અને શરીરમાં કમ્પ હતો. અરે ભયાનક મૌન ધારણ કર્યું હતું એણે. મૂક સાક્ષી બનીને બધીજ વિધિ એણે જોયા કરી. અનેક સવાલોનું ઝુંડ એની સામે મ્હો ફાડીને ઊભું હતું.

ધીમેધીમે સગાવહાલા અને બીજા બધાં વિખરાઈ ગયાં. ઘરમાં રહ્યાં માત્ર એ ત્રણ જણ. શુભાંગી અંદરના રૂમમાં ગઈ અને ત્યાંથી એક કવર લઈ આવી અને એ કવર શતરૂપાનાં હાથમાં મૂક્યું….અને એક નફરતભરી નજરે શુભાંગીએ શતરૂપાની સામે જોયું. હતપ્રભ બની ગયેલી શતરૂપાએ ધીમેથી કવર ખોલ્યું. કવરમાંથી બેત્રણ પીળા પડી ગયેલાં કાગળ સાચવીને કાઢ્યા…. કાગળ ખોલતાંની સાથે ચમકી ગઈ એનાંજ અક્ષરો જોઈને… વર્ષો પહેલાં એણે જ લખેલો એ કાગળ હતો…એક શ્વાસે એ વાંચી ગઈ અને આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. ફરી એકવાર એ કાગળ વાંચ્યો અને પછી ગડી કરીને હાથમાં એ કાગળ પકડી રાખ્યો. કવરમાંથી બીજો એક કાગળ કાઢ્યો જે પરિતોષનો અધૂરો લખેલો વણમોકલાયેલો કાગળ હતો. શુભાંગી પાસે એણે પાણી માંગ્યું… એક ઘૂંટો પાણી પીધું અને આંખમાં બાઝેલાં પાણીના પડળ રૂમાલથી સાફ કર્યાં. કાગળ વાંચવા માંડ્યો:

રૂપ,

તું તો ગઈ…… હા મારી પાસેથી જવાનું તારા માટે શક્ય છે….હતું.

પણ તારાથી દૂર થવાનું મારા માટે તો ક્યાં શક્ય હતું..?? મારા જીવનમાં તું આવી દરિયાની ભરતીની જેમ અને મારા સમગ્ર અસ્તિત્વ પર તું વ્યાપી ગઈ….મારા હૃદયનાં પિંજરામાં માળો બાંધીને તું તો ગોઠવાઈ ગઈ અને સતત તારા મધુરા ગુંજનથી મારું અસ્તિત્વ હર્યું ભર્યું બનાવી દીધું… અને અચાનક તારું મન ભરાઈ ગયું..!!

આવી હતી દરિયાની ભરતીની માફક અને એજ દરિયાની ઓટની જેમ ઓસરવા માંડી…!!!

સંકોચી લીધું તે તારું એ આવરણ અને મારા હાથમાંથી હાથ છોડાવીને ચાલવા માંડી… હું જોતો રહ્યો તારી પીઠને….હા… જોતો જ રહ્યો લાચાર ખુલ્લી આંખોએ…..

પણ રૂપ…. હું તો હાથ પ્રસારીને એમનો એમજ ઉભો રહયો….. પ્રતીક્ષા કરતો રહ્યો…. મારા હૃદયમાંથી એકજ ચિત્કાર નીકળે છે તારે આવવાનું છે…. તું આવીશ રૂપ…. તારે આવવાનું છે….

તું……..”

કાગળ અધૂરો હતો…શતરૂપાએ એને વાળીને પાછો કવરમાં મૂકી દીધો. અને નીચું જોઇને બેસી રહી…

શુભાંગી ઉભી થઇ એ કાગળ એના હાથમાંથી લઈ લીધો અને પછી બોલી:

તમને ખબર છે મીસીસ શતરૂપા…. આ મારો બાપ પાગલ હતો તમારી પાછળ…. અને તમારી પ્રતીક્ષામાં પાગલની જેમ આ દરિયે બેસી રહ્યો…. કેટલાંય વર્ષોથી…. અને છેવટે આ દરિયામાં સમાઈ ગયો… પણ મેં  મારા બાપને વચન આપ્યું હતું કે હું લઈ આવીશ તમારી એ શતરૂપાને તમારી પાસે. મેં મારા બાપને આપેલું વચન તો પૂરું કર્યું …પણ …???????

રડતી રહી શુભાંગી…..

શતરૂપાએ એને બાથમાં લઈ લીધી….

********

વિજય ઠક્કર

June 26, 2017 @ 3.15 am