Month: મે 2017

નાતરું

“શાએબ…. શાએબ….ઓ… શાએબ…..ઓ…ઓ… શાએબ….” બહાર જોરજોરથી કોઈ બુમો પડતું હતું….. પહેલા તો એ તરફ બહુ લક્ષ ના આપ્યું… રાતના દોઢ વાગ્યો હતો અને ઘરમાં બધાં ઘસઘસાટ ઊંઘતા હતા… મારી આંખો પણ હજુ  હમણાં જ મીંચાઈ હતી… મોડા સુધી વાંચવાની મારી ટેવને કારણે  હું હમણાંજ બ્રશ કરીને સૂવા આવ્યો અને આંખ મીંચાઈ ના મીંચાઈ ત્યાંતો આ બુમો સંભળાઈ… ઉઠવાની આળસમાં સાંભળ્યું ના સાંભળ્યું કર્યું …મને એમ કે હમણાં કોઈ જવાબ નહિ મળે તો જે હશે તે જતું રહેશે. પણ ફરી પાછી વધારે મોટા અવાજમાં  બુમો પાડવા માંડી……” ઓ… શાએબ…. શાએબ….” આમ તો પરિચિત અવાજ હતો…બાજુમાં સુતેલી સંજનાએ કહ્યું : “ આ કોણ બુમો પાડે છે આટલી રાતે …..?”

“ધની લાગે છે……”

“લાગે છે શું…? ધની જ તો છે..” એ ભર ઊંઘમાં હતી એટલે એણે એકદમ કંટાળા સાથે કહ્યું…

“સુઈ જા તુ… એ તો આવશે કાલે સવારે.. કોઈ ભાન જ નથી … અરધી રાતે આ દોડી આયા અને બસ બુમો પાડવા માંડી… નથી જવાનું …સુઈ જા તુ..”  સંજના બરાબર અકળાઈ હતી…

“જો ને યાર… અરધી રાત્રે આવી છે તે બિચારી કશીક મુશ્કેલીમાં હશે… “

“ અરે યાર….તું શું કામ આ બધી લપમાં પડે છે…?? “

ત્યાં તો ફરી બુમો સંભળાઈ એટલે મેં ફરી સંજનાને કહ્યું “જા ને યાર …જો ને બિચારી ને શું કામ છે..?”

“ના…  હું નથી જવાની અને તારે પણ બહાર નથી જવાનું… જે કામ હશે તે આવશે સવારે. ખોટા ખોટા લોકોને પેંધા પાડ્યા છે…ગમે ત્યારે આવી ને રડવા માંડે… સમય સંજોગનું ભાન જ નહિ….”

હું પણ બરાબર ઊંઘમાં હતો એટલે મને પણ ઊઠવાનો કંટાળો આવતો હતો…પણ એ નહીં જ ઊઠે એવું લાગ્યું એટલે હું જ ઊભો થયો…ડીમ લાઈટમાં ટી-શર્ટ શોધી અને  પહેરી લીધું અને પગમાં સ્લીપર પહેરીને બહાર ગયો…દરવાજો ખોલ્યો…. ઝાંપે પણ તાળું મારેલું હતું તે ખોલીને ધનીને અંદર કંપાઉંડમાં લઈ આવ્યો…હું હીંચકા પર બેઠો અને ધની સામે નીચે બેસી ગઈ. એક નાનકડી સાત આઠ વર્ષની છોકરીને લઈને આવી હતી અને એ પણ બિચારી ઊંઘમાં હતી….

“ શું થયું ધનીબહેન પાછું અરધી રાત્રે..?”

“શાએબ આ..આ છોડીનો બાપ મરવા પડ્યો છ….જુઓને શાએબ  બઉ દારૂ ઢેંચીન આયો છ અન એની ઓંખોય તારવે ચડી ગઈ છ.. શાએબ…મૂઓ મરતોય નથી અન મારું જીવવાનુંય  હરામ કરી નોખ્યું છ બોનફાડે…”

“ધનીબેન…શાંતિ રાખો અને આમ ગાળ ના બોલાય અહીં….” હું સહેજ ગરમ થઇ ગયો.. એટલે એ એકદમ છોભીલાં પડી ગયા.

“શાએબ ભૂલ થઇ જઈ મારી ભૈશાબ…પણ શું કરું શાએબ….”

“કશો વાંધો નહિ ધનીબેન…તો શું કરવું છે એનું ..?” પોલીસને સોંપી દો સાલાને…તમે આમ ક્યાં સુધી દોડાદોડ કરશો એ સુવ્વરની પાછળ….”   મને દયા આવી એ બિચારી બાઈની

“ શું કરું શાએબ ધણી મૂઓ છ…અન ચ્યમ નો મરવાય દઉ…મારુ તો લોઈ પી જ્યો છ શાએબ “

“તો બોલો શું કરવું છે એનું…..? શું કરું હું…?”

“શાએબ ઓસ્પીટલમોં ફોન કરો તો હારુ, નઈતર પોલીસ ઘાલી દે શે એને મુઆને મહી..”

“સારું… તમે એને હોસ્પિટલ લઇ જાવ હું ફોન કરું છું…”

હારુ શાએબ મું જઉ….” એમ કરીને ઉભી થઈ અને ઝાંપો ખોલીને બહાર નીકળી…. એને મોકલીને હું પણ ઘરમાં જવાની તૈયારી કરતો  જ હતો અને તરત એ પાછી આવી. “ શાએબ…”

“ શું થયું પાછું..?”

“ શાએ…”

“ઉભા રહો હું આવું છું…”  હું સમજી ગયો એટલે મેં વચમાંથી જ એને બોલતી અટકાવી અને હું ઘરમાં ગયો… પાંચસો રૂપિયા લાવીને એના હાથમાં મૂક્યા.

“શાએબ આ ઉપકાર મુ ક્યારે…?”

“એની ચિંતા ના કરો …અને હવે તમે જાવ જલદી…”

ધની ગઈ અને મેં ઘરમાં આવીને  હોસ્પિટલમાં નાઇટ ઇન્ચાર્જને ફોન કર્યો. બધું ગોઠવીને હું બેડરૂમમાં સૂવા આવ્યો.

“કેટલા પૈસા આપ્યા??” સંજનાએ તરત પૂછ્યું

“આપ્યા હવે તું સૂઈ જા ને…” મેં સહેજ કંટાળાના ભાવ સાથે કહ્યું

“ખોટી આદતો પાડે છે…દારુ પીવે…અને મરવા પડે એટલે આપડે પાછા છોડાવવાના…અને દવાય આપડે કરાવવાની  ??”

“સંજુ પ્લીઝ…!”

“પણ આવું બધું કરવાનો શો અર્થ છે…અરે યાર આપણે પણ ઘરબાર છે છોકરાં છે..આવા દારૂડિયા માટે દાન ધરમ નહિ કરવાના…”

“સંજુ ! બિચારી ગરીબ બાઈ છે…લાચાર છે. અરધી રાતે એ કોની પાસે હાથ લંબાવે… અને…અને આપડી ઉપર એને ભરોસો છે…કેટલી બધી આશા અને વિશ્વાસ સાથે આપણી પાસે આવી હોય …તું…તું એની માનસિક પરિસ્થિતિનો તો વિચાર કર …”

“ પણ હું મદદ કરવાની ક્યાં ના પાડું છું…એને જરૂર હોય તો ખાવાનું આપીએ ..કપડાં આપીએ, અરે પૈસા પણ આપીએ માંદા સાજા હોય તો પ..પણ એના દારૂડિયા ધણી માટે થોડા પૈસા અપાય..???”

“ તારી વાત સાચી છે પણ જો મેં તો ધનીની સામે જોઈ ને પૈસા આપ્યા છે..”

એ રાત્રે તો વાત ત્યાં પૂરી થઇ ગઈ…. ધની એના ઘરવાળાને દવાખાને લઈ ગઈ અને બે-ત્રણ દિવસમાં તો એનો ધણી સારો પણ થઇ ગયો અને ઘરે આવી ગયો.

ધની એટલે અમારે ત્યાં કચરો વાળવાનું કામ કરતી હરીજન બાઇ અને પાછી સુધરાઈમાં પણ એ સફાઈ કામદાર તરીકે નોકરી કરે. હું સુધરાઈમાં ઓફિસર એટલે મારા બંગલાની સફાઈમાં એ થોડી વધારે ચીવટ રાખે. ધની ફક્ત સફાઈ કામ કરવા વાળી બાઈ જ ના હતી પણ એક રીતે તો એ અમારા પરિવારની સદસ્ય હતી. ધનીનું વ્યક્તિત્વ જ કંઈક જુદા પ્રકારનું હતું. જો જરાક સારા કપડાં પહેરે અને જો થોડી ટાપટીપ કરે ને તો કોઈ એને સફાઈ કરવાવાળી બાઈ ના કહે… ઊલટું એ તો ઠસ્સાદાર ગૃહિણી જેવી લાગે. રંગ એનો ઘઉં વર્ણો પણ એના નાકનક્શી ભગવાને જાણે શાંત ચિત્તે અને નિરાંતે બનાવ્યા હશે. બેઠી દડીની આ બાઈ કપાળે કંકુનો મોટો ચાંદલો કરતી. સવારે સફાઈકામ વખતે એના કપડાં મેલાંઘેલાં હોય પણ દિવસ દરમ્યાન એકદમ સરસ કપડાં પહેરે. એકદમ સાફ દિલની આ બાઈ બોલવામાં થોડી જબરી અને એટલે જ બને ત્યાં સુધી કોઈ એને વતાવે નહી. ભલભલાં મરદો પણ એની સાથે જીભાજોડીમાં ના પડે કારણ ભૂલેચૂકેય જો એનો મિજાજ ગયો અને બોલવા માંડે ત્યારે એ મરદો પણ આઘાપાછા થવા માંડે…. જો કે આવું જવલ્લેજ બનતું. સામાન્ય રીતે એનો વ્યવહાર શાંત એને એના કામથી કામ પણ ધની એકદમ નેક, સાફ દિલની બાઈ…… એની સુઘડતા એની કામમાં ચોકસાઈ અને નિયમિતતા એની પ્રમાણિકતા એની સચ્ચાઈ આ બધું હોવા છતાં એ ઘરની બહુ દુઃખી…અને ત્યારે ક્યારેક એમ થતું કે એના લેખ લખતી વખતે વિધાતાને ઝોકું આવી ગયું હશે…. પણ આજ તો ધનીની નિયતિ હતી. ધનીને કોણ જાણે કેમ પણ મારા પરિવાર માટે બહુ ભાવ અને અમારી મર્યાદા પણ બહુ જાળવે. નાનીમોટી તકલીફ હોય તો તરત મારી પાસે દોડતી આવે. મને હમેશાં સાહેબ કહે પણ સંજનાને એ સંજના કે પછી સંજુ કહીને તુંકારે જ બોલાવે. અમારી અને એની ઉંમરમાં બહુ ફેર ન હતો.

ધની, એની ભરજુવાનીમાં હતી ત્યારથી અમારે ત્યાં કામ કરતી… એમ કહું કે છેલ્લા પાંત્રીસેક વર્ષથી એ અમારા બંગલાનું સફાઈકામ કરતી. આમતો એની ઉંમરનો અંદાજ લગાવવો અઘરો  પણ તોય એની કૌટુંબિક પરિસ્થિતિ અને એ બધાનો અંદાજ કાઢતાં એની ઉંમર પચાસ-બાવન હશે એમ ધારી શકાય. ધનીના જીવિત વસ્તારમાં બે છોકરાઓ અને ત્રણ છોકરીઓ. ત્રણ-ચાર છોકરાં તો જનમતા પહેલા કે જન્મીને પછી મરી ગયેલાં પણ જીવી ગયેલા પાંચ છોકરાઓમાં રણછોડ સૌથી મોટો છોકરો અને ગુણવંત સૌથી નાનો. રણછોડને  એ રણછોડીયો જ કહે અને ગુણવંત ને ગુણીયો. બે છોકરાઓ વચ્ચે ત્રણ છોકરીઓ અને એમાં સમુડી, કોકલી અને ત્રીજી દયાડી. નોકરીમાંથી લોનો લઈને અને ઊંચા વ્યાજે પૈસા લાવીને બધા છોકરા છોકરીઓને પરણાવી દીધેલા…ધણી તો દારુડીયો હતો એટલે એ બધી પળોજણ ધનીને જ કરવી પડતી. કુટુંબવત્સલ આ સ્ત્રીને જિંદગીમાં ક્યારેય પોરો ખાવાનો વારો ના જ આવ્યો. સંસાર માંડ્યો ત્યારથી ધણીના કઢાપામાં જ જિંદગી ગઈ. કામધંધાના ઠેકાણા નહિ અને રોજ રાત પડે દારુ પીને આવે પછી આખી રાત ગાળાગાળી ધમાલ અને પછી એના શરીરને ચૂંથે. આટઆટલી પીડા પછીયે આ ખાનદાન બાઈ કહે “જેવો છે એવો પણ મારો ધણી છે.” નિભાવતી હતી એ નપાવટને અને એના સંસારને.

દલસુખ અને દારૂ બેય એના દુશ્મન તો એમાં પાછી  હસતી હસતી મને કહે શાએબ એ તૈણેય ની રાશી તો એકજ છે ને…એમ કહે અને પછી ખિલખિલાટ કરતી હસે.  જિંદગીની વિષમતાઓ પર પણ હસી શકે તે ધની.

દલસુખના તોફાનો ખૂબ વધી ગયા હતા હવે તો ચોવીસેય કલાક નશામાં રહે. હોસ્પિટલમાં વોર્ડબોય ની નોકરી કરે અને એક દિવસ નોકરી પર પણ નશો કરીને ગયો અને પકડાઈ ગયો. નોકરીમાંથી સસ્પેન્ડ થયો. જોઈતું હતું અને વૈદે કીધું એવા હાલ થયા…નવરો થઇ ગયો અને એટલે વધારે શેતાન થઇ ગયો…અને છોકરાઓ પણ હવે બાપના સંગે દારૂ ની લતે ચડી ગયા.

દર બીજા ત્રીજા દિવસે હવે તો  ટાઇમ કટાઇમે ધની રડતી રડતી આવી ચડે મારી પાસે. હું એને શું મદદ કરી શકું ? પણ તોય આવે એટલે એને આશ્વાસન આપું….. એને રડી લેવા દઈએ….એનો હૈયાનો ભાર હળવો કરવા દઈએ. પાણી આપીએ ક્યારેક વળી સંજનાને સામેથી કહે “સંજના….! આજે તો બળ્યું ચા પીવડાય હેંડ.”  સંજના ચા બનાવે અને એ મારી સાથે વાતો કરે. મારી સાથે એને કુદરતી રીતે જ બહુ ફાવતું અને મને પણ કોણ જાણે એની બહુ દયા આવતી. એકલી એકલી એ બિચારી સ્ત્રી જિંદગીના આ ઝંઝાવાત સામે ઝીંક ઝીલે છે એનો તો હું સાક્ષી અને એ બધું જોઇને એના માટે ખૂબ સહાનુભૂતિ પણ થતી.

સંજના એને ખાવાનું કપડા અને એવું બધું ઘણું બધું આપતી.

ધનીનો મોટો છોકરો રણછોડ શીળો અને એને એના કામથી કામ. એ જુદું ઘર રાખીને રહ્યો હતો. નોકરી કરે ને એનું ગાડું ગબડાવે પણ નાનો ગુણીયો બહુ શેતાન.  બિલકુલ એના બાપ જેવો. કોઈ કામધંધો નહિ કરવાનો અને માં ઉપર તાગડધિન્ના. વચલી છોકરી કોકી પણ સાસરેથી પાછી આવી અને છૂટાછેડા થયાં. કરમની કાઠી આ સ્ત્રીનાં જીવનમાં પોરો ખાવાનો વખત જ નથી આવતો. દુઃખોની વણઝાર ચાલુ ને ચાલુ જ રહેતી તોય એ જરાય પાછી ના પડતી. ભગવાનને પણ જાણે પડકાર ફેંકતી હોય અને કહેતી હોય કે “નાખ ભગવાન નાખ જેટલા દુઃખો નાખવા હોય એટલાં નાખ અને કરી લે તારી તાકાત હોય એટલું જોર…. પણ યાદ રાખજે આ ધનીને તેં નવરાશે બનાઈ છે ને ? તો જો જે આ ધનીય પાછી પડવાની નથી…”

એક દિવસ વળી પાછી મારે ત્યાં આવી

“શાએબ ”

“શું છે ધનીબેન..! બહુ દિવસે દેખાયાં, હમણાં શાંતિ લાગે છે …કેમ..?”

“અરે શાએબ આ ધનીના આયખાંમાં ચાણેય શોન્તી નઈ આવે..એતો શાએબ મું લાકડા ભેગી થઈશ ને તાણ શોન્તી મળશે… તાણે કદીક કારજે ટાઢક થશે તો થશે…” અને પાછી ખડખડાટ હસે. બેઠી થોડી વાર અને  પછી ધીમેથી કહે “શાએબ આ ગુણીયો બૌ હેરોન કર છ..”

“ કેમ શું થયું પાછું એને ..?”

“રાતે બૌ દારુ પી ન આયો અન મન કે’કે મને જુદું ઘર લઈ આલ મારે જુદા રે’વું છે.  હવારેય ઊઠતાની  હાથે પાઈપ લઈન  મન મારવા આયો.. એનો બાપ ગમે એવો શેતાન છ પણ મને આંગળી નહી અડાડી આજ લગી,  અન આ નખ્ખોદિયો પાઈપ લઈન  મારવા આયો….. હું કરું શાએબ… મેં જ મુઈ એ પેટે રાક્ષસ જણ્યા તે આજ મનઅ ખાવા ધાયા છે…”

સામાન્ય રીતે જેની આંખમાંથી આંસુ ના પડે એ ધની એ દિવસે ચોધાર આંસુએ રડી… એને પાણી પિવડાવ્યું અને શાંત પાડી…. ગમે એવી પરિસ્થિતિમાં પણ વિચલિત ના થનારી ધનીના સ્વાભિમાનને એના છોકરાએ ચકનાચૂર કરી નાખ્યું અને એ ઘટનાજ એના માટે અસહ્ય બની ગઈ.

ઘણીવારે શાંત થઇ પણ કાળજામાં તો લાવા ધગધગતો હતો.

“શાએબ મારે પોલીસમાં ફરિયાદી કરવી છે મને અરજી લખી આલો ને શાએબ”   એના અવાજમાં આક્રોશ અને મક્કમતા અને વિનંતી ત્રણેય હતાં“

મેં એને અરજી લખી આપી. પોલીસ એના છોકરાને પકડી ને લઈ ગઈ અને કસ્ટડીમાં મૂકી દીધો. અને પાછા બે દિવસ થયા અને દોડતી દોડતી આવી…” ઓ શાએબ આ પોલીશ બચારા ગુણીયાને બૌ ઝૂડે છે મૂઓ મરી જશે શાએબ…એને છોડાઈ આલો ને શાએબ…” એ ધની ઉપર ફરી પાછી એક મા હાવી થઇ ગઈ…

બસ આમજ એની સમસ્યાઓ ચાલ્યા કરે.. એની એનાં છોકરાંઓ માટેની માયા એના ઘર માટેની એની મમતા એને કદાચ જિવાડતી હશે કે જીવવા માટે મજબૂર કરતી હશે. .

થોડા વખતથી મારો બંગલો વાળવાનું એણે બંધ કર્યું કારણ એક દિવસ, અમારા મમ્મી જોડે એને માથાઝીંક થઇ.. બંને એક સરખા લ્હાય જેવા..ભયંકર ગુસ્સાવાળા…અને મમ્મી એ કહી દીધું “ કાલથી ના આઈશ બંગલો વાળવા…બસ એય વટવાળી…અને એણે બંધ કરી દીધું બંગલો વાળવાનું… એ ઘટનાને ત્રણ-ચાર મહિના થયા હશે અને એ દરમ્યાન હું ગંભીર રીતે બીમાર પડ્યો.. કોઈ આશા ન હતી બચવાની…. મને હોસ્પિટલમાં લઈ જતા હતા એ એણે જોયું તો દોડતી આવી અને મને જોઇને ઘ્રુસકે ને ધ્રુસકે ખૂબ રડી હતી.. પંદરેક દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે લાવ્યા. સદનસીબે હું બચી ગયો. ધીમેધીમે મને સારું થઇ રહ્યું હતું  પણ હજુ આરામ પર જ હતો..

એક દિવસ બપોરે હું કમ્પાઉન્ડમાં હીંચકા પર બેઠો હતો. કશુંક વાંચતો હતો. સંજના જોબ પર ગયેલી અને મારું ધ્યાન રાખવા મારી જોડે બાબુસિંગ હતા. મને હીંચકા પર બેઠેલો જોયો એટલે મારી ખબર પૂછવા એ અંદર આવી.

“કેમ છો શાએબ…કેવી છ તબિયત..?”

“સારું છે ધનીબેન. ભગવાનની દયાથી સારું થઇ ગયું…અને હા ધનીબેન મને તો હમણાં ખબર પડી … સંજનાએ કહ્યું”

“શું શાએબ …શું ખબર પડી…? ? ”

“એ જ કે મને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તમે ઉપવાસ કર્યા હતા…?  બે દિવસ સુધી પાણીએ ન હતું પીધું..!!”

“કોણે કહ્યું તમન શાએબ..? અન એમો શું થઇ જ્યુ…શાએબ તમે મારા હાતર ચેટલુ કર્યું છ… રાતદા’ડો જોયા વગર મારી પડખે ઉભા રહ્યા છો શાએબ..અન તમ તો મારો આધાર છો શાએબ… અન મેં બે દા’ડા ના ખાધુ તો એમો શું થઇ જ્યુ હું કઈ દુબરી થઇ જઈ… મારા ભગવોને મારી અરજી હોંભરી….તમ બચી ગયા શાએબ…”  એટલું  બોલતા તો એની આંખો ભીની થઇ ગઈ. સાડલાના છેડાથી આંખો લુછી નાખી અને સ્વસ્થ થવાનો દેખાવ કરવા માંડી. બાબુસિંગ એટલામાં ચા લઈને આવ્યા. અમે બન્ને એ ચા પીધી. ખાસીવાર બેઠી. સામાન્ય રીતે એ કામ પતે એટલે તરત જતી રહે પણ એ દિવસે જાતજાતની વાતો કરે.

“બાબભઇ થોડુંક ઠંડુ પોણી પાવ ને ભઈ…”  બાબુસિંગ અંદર ગયા ધની પણ ઉભી થઇ….  જવા માટે…  અને મારી નજીક આવી અને મને નીચી નમીને પગે લાગી અને ઊંચું જોયું ત્યારે ફરી એની આંખો ભીની હતી. મારા હાથ પર એના હાથ ફેરવીને ધીમેથી બોલી  “શાએબ તમ મન બઉ વા’લા છો…”

બસ એટલું બોલીને એણે ચાલવા માંડ્યું અને મારી પણ હિમ્મત ના રહી કે હું એને કહું કે પાણી પી ને જાય… હચમચાવી ગઈ મને… હું વિચારતો રહ્યો કે પોતાનું ઘર સાચવવા સંઘર્ષ કરતી આ મજબૂર સ્ત્રી ને કોઈએ પ્રેમ ના આપ્યો.. ના ધણીએ કે ના છોકરાઓએ. બધા એને ચૂંથતા રહ્યાં…કોઈ એના શરીર ને તો કોઈ એના મનને… શું કરે બિચારી..???

એ ઘટના પછી ધની  બિલકુલ દેખાતી બંધ થઇ ગઈ…ખાસા બે એક મહિના થયા હશે અને એક દિવસ સવારના પહોરમાં એની નાની છોકરી દયા આવી અને રડવા માંડી એટલે મેં એને રડવાનું કારણ પૂછ્યું..

“શાએબ… મારી મા જતી રઈ….”

“શું.. શું….??? ક્યાં જતી રહી…??? મારો અવાજ મોટો થઇ ગયો..

“મારી મા….મારી મા એ નાતરુ કર્યું….”

 

**********

 

વિજય ઠક્કર

May 25, 2017 @ 5.45 PM