Month: જાન્યુઆરી 2017

ચહેરો…….

છેલ્લા એકાદ અઠવાડીયાથી કંઈક વિચિત્ર ઘટનાઓ ઘટતી રહી છે મારી સાથે. ઊંઘમાં વિચિત્ર વસ્તુઓ, આકારો, દ્ગશ્યો અને કેટલાંક સ્થળો મારી સામે આવે છે. કેટલુંક અત્યંત પરિચિત તો કેટલુંક સાવ અજાણ્યું લાગે….હું તો બસ મૂંઝાઉં…વિચાર્યા કરું….કેમ થતું હશે આવું મારી સાથે…??? ક્યારેક તો ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય…થોડીવાર પથારીમાં બેસી રહું …વોશરૂમ જવું હોય તો પણ બીક લાગે તેમ છતાં હિમ્મત એકઠી કરીને જાઉ…મોઢું ધોઈ ફ્રિજમાંથી ઠંડુ પાણી પી અને પાછી સૂઈ જાઉં.

હજુ બે દિવસ પહેલાં તો એકદમ જુદોજ અનુભવ થયો હું રાત્રે સૂતી હતી અને એકદમ એક ચહેરો…હા…ફક્ત ચહેરો હવામાં તરતો દેખાયો…હવામાં અધ્ધર લટકતો એનો ચહેરો જોઈને મારાથી તો છળી જવાયું…ધીમેધીમે હવામાંથી સરતો એ ચહેરો મારી પાસે આવ્યો અને મારા ઓશિકા પાસે ગોઠવાઈ ગયો. એમાંથી ઉના લાય શ્વાસ ધમણની જેમ ચાલતા હતા….અને મારા ગાલને અથડાતા હતા….અને મારા કાનમાં ધીમેથી ગણગણ્યો…

“બી…..એય ….બી…!”

હું તો એનો અવાજ સાંભળીને હબકી જ ગઈ….મારા ધબકારા પણ એકદમ વધી ગયા….અને સાવ કૃશ અવાજમાં ફરી બોલ્યો…” બી…એય મારી બહુ વહાલી બી…જો હું જાઉં છું….હવે મારો સમય થઇ ગયો…હું જઈશ…બસ જો હવે સદાને માટે જતો રહીશ…. અત્યાર સુધીતો હું સ્થૂળ દેહે અસ્તિત્વમાં હતો અને તને ક્યારેક પણ પામી શકીશ, આપણું સહઅસ્તિત્વ શક્ય બનશે જ એવી અપેક્ષાએ આખું જીવન વિતાવી દીધું… પણ તને મળવાની….તને પામવાની મારી આશા ઠગારી નીવડી…. ઘોર નિરાશા સાંપડી અને જો બી હવે તો મારો સમય પૂરો થવા આવ્યો… શું કરું…હેં…?  જવુંજ  પડશે …જવું પડશે મારે. બી…હું તો તારી રાહ જોઇશ જન્મોજન્મ સુધી જ્યાં સુધી આપણે એક નહિ થઈએ….” આખા રૂમમાં એનો અવાજ પડઘાયા કરતો હતો…અને હું ઝબકીને જાગી ગઈ.” આટલું બોલતાં તો શ્યેનની આંખો ભરાઈ આવી અને એના અવાજમાં પણ ભીનાશ આવી ગઈ.

“ પછી શું થયું…?” નંદિતાએ શ્યેનને પૂછ્યું.

“નંદિતા તમને હું શું સંબોધન કરું…? ચાલો હું તમને નંદિતાબહેન જ કહીશ….”

થોડીવાર એ કશું ના બોલી…અને એક ઊંડો શ્વાસ લઈને એણે ફરી બોલવાનું શરુ કર્યું. “ બે દિવસ પહેલાજ એણે તો મને અણસાર આપી દીધો હતો એના જવાનો. ગઈકાલે…હા…ના…પરમદિવસ રાત્રે અચાનક એક ઘુઘવાટ શરુ થયો….દરિયાના મોજાં…અને ભરતીનો એ દરિયો ઊછળતો ઊછળતો એ મારી સામે ધસ્યો….અને એજ પાછી હું તો  છળી ઊઠી…એકદમ પલંગમાં હબકીને બેઠી થઇ ગઈ અને બે હથેળીઓ વચ્ચે મારો ચહેરો પકડીને પલંગની ઇસ પર ક્યાંય સુધી બેસી રહી….પાછો એજ એનો અવાજ મારા કાનમાં સંભળાવા લાગ્યો…” બી… મારી તને પામવાની ઇચ્છા અધુરી રહી… મારી જીદ, આ કાળમુખાં સમય સામે ઝીંક નથી ઝીલી શકતી…. બસ હવે…હવે સમય થઇ ગયો..બી…! મારે જવું પડશે… પ…પણ બી હું તારી રાહ જોઇશ..જ્યાં સુધી હું તને સંપૂર્ણ રીતે નહિ પામું ત્યાં સુધી હું તારી રાહ જોઇશ..આપણે મળીશું….. આપણે મળવું જ પડશે બી….. આપણે મળવું પડશે ક્યારેક …..હા…ચોક્કસ મળીશું… હું રાહ જોયા કરીશ તારી બી…. તારે આવવું પડશે મારી પાસે…બી..” આટલું બોલતાં એને થાક લાગ્યો..થોડીવાર શાંત રહી અને એક ડૂસકું નીકળી ગયું એના મોમાંથી… નંદિતાએ એના ખભા પર હાથ મૂક્યો… શ્યેને પણ એની હથેળી નંદિતાના હાથ પર મૂકી.

“નંદિતાબહેન આટલા વર્ષો પછી પણ એના અવાજની એજ મીઠાશ હતી… મેં એને એક દિવસ કહેલું આપણે કદાચ સાથે નહિ પણ હોઈએ તો તારો અવાજ અને તારો ચહેરો મેં મારી છાતીમાં કેદ કરી લીધો છે…” નંદિતાની આંખોનાં આંસુ સુકાતા ન હતા…. બંને જણ રાત્રે છત પર ઉભાઉભા એને યાદ કરતા હતા અને એની સાથે વિતાવેલા સમયને જાણે બેય પોતપોતાના પાલવમાં જેટલો આવે એટલો સમેટી લેવા માંગતા હતાં.

“શ્યેન આજે એ મારો …અરે….હા… મારો કહીશ તો હું તને અને એને બેયને અન્યાય કરીશ…. હા મારી એકલીનો નહિ, આપણો…શ્યેન આપણા બેયનો એ ચહેરો …એ અવાજ ક્યાં જતો રહ્યો હેં…! શ્યેન ક્યાં ગયો.. એ આમ આપણને એકલાં મૂકીને…..શ્યેન કહેને મને ક્યાં ગયો એ… તને તો ખબર હશેને શ્યેન …તું તો એને બહુ વહાલી હતી…ને…!” બહુ અસ્વસ્થ થઇ ગઈ નંદિતા. ગળે ડૂમો ભરાઈ ગયો…ક્યારની શ્રોતા બનીને સાંભળતી નંદિતા આખરે બોલતાં બોલતાં ભાંગી પડી… દબાવી રાખેલા આંસુ ધોધ બનીને વહેવા માંડ્યા…શ્યેને એને શાંત પાડવા માંડી…

“નંદિતાતાબહેન …પ્લીઝ..!”

“ ……………..”

બહુ વાર પછી  નંદિતા શાંત થઇ. શ્યેને નંદીતાનો હાથ પકડ્યો અને એક હાથ એના બરડા પર મૂકીને એને ધીમેધીમે છત પર એક ખૂણામાં પડેલા હીંચકા તરફ દોરવા માંડી. નંદીતાને ધીમેથી હીંચકા પર બેસાડીને શ્યેન એની બાજુમાં બેસી ગઈ. બંનેની હથેળીઓ એકબીજા જોડે જકડાયેલી હતી. હીંચકો ગતીમાં આવ્યો અને ઝૂલવા માંડ્યો. બેયના મન પણ વિચારોના પ્રવાહમાં હિલ્લોળાવા માંડ્યા. કોઈ બોલતું ન હતું  …તદ્દન શાંત…થોડીવારે શ્યેને અધુરી વાતનું અનુસંધાન કરવા માંડ્યું. શ્યેન બોલી…” ઘૂઘવતો એ દરિયો ધીમેધીમે ઓસરવા માંડ્યો અને ત્યાંજ કિનારે આગની જ્વાળાઓ પ્રગટી…જાણે કોઈકની ચીતા નો અગ્નિદાહ..!!!

નંદિતા શાંત થઇ ગઈ હતી….સાંભળ્યા કરતી હતી શ્યેનને. “ એ દિવસે મને ઊંઘ ના આવી…સવાર સુધી  જાગતી જ પડી રહી… નિત્યક્રમ મુજબ વહેલી સવારે હું તો મારા ઘરના આંગણમાં બેસીને ચા પીતાપીતા છાપું વાંચતી હતી. નાના શહેરોમાં પણ હવે તો છાપાં જલદી પહોંચી જાય છે એટલું સારું છે નહીં તો…નહીં તો …” અને શ્યેનનો અવાજ સહેજ લડખડી ગયો.

“……………”

છેલ્લા પાને એના અવસાનના સમાચાર વાંચીને હું તો હબકી ગઈ… જાણે…..જાણે ….!!!

“…………….”

“નંદિતાબહેન, છેલ્લેછેલ્લે જાણે મને જાણ કરવા જ રોજ રાત્રે મારી સામે આવતો અને મને કહેતો…બી હું જાઉં છું…. આવું તો કઈ રીતે ધારી શકાય….હેં…!! મેં તો મારી મનની નિર્બળતા માનીને એ તરફ બહુ લક્ષ્ય નહોતું આપ્યું. મારી સાથે એ જ્યાં સુધી હતો, એણે મને એના એકેએક શ્વાસનો ય હિસાબ આપ્યો હતો અને અંત સમયે પણ એણે…” શ્યેનથી હવે રડી દેવાયું…. છુટ્ટા મોઢે રડી પડી શ્યેન.. નંદિતા અને શ્યેન બંને એકબીજાને સાંત્વન આપતા હતાં…જાણે એ બંને પર એકસાથે આવી પડેલી આ આફતમાં હવે એ બેજ એકબીજાનો સહારો હતા.

છાપામાં શ્યેને એના અવસાનના સમાચાર વાંચ્યા અને તરત એણે અહીં આવવાનું નક્કી કરી લીધું. શહેરનો એ આગેવાન નાગરિક હોવાથી એનો પાર્થિવ દેહ લોકોને માટે દર્શનાર્થે શહેરની મધ્યમાં સવારથી રાખ્યો હતો અને સાંજે એને અગ્નિદાહ દેવાનો હતો એટલે શ્યેન તરત ભાડાની ટૅક્સી કરીને આવી પહોંચી….દર્શન માટે ખૂબ ભીડ હતી અને શ્યેન પણ એ ભીડમાં એના પાર્થિવ દેહ સમક્ષ આવી. શ્વેત સલવાર-કમીઝ અને કાળો દુપટ્ટો એના શરીરને કંઈક ઓર જ આભા આપતા હતા. દુપટ્ટો એણે માથે ઓઢી લીધેલો. એ મંચ પાસે આવી અને એના હાથમાં જે પુષ્પો હતા તે એણે એના પગ પાસે મૂક્યા અને ધીમેધીમે એની પ્રદક્ષિણા ફરતાં એના શરીરને સ્પર્શ કરવાનું મન થયું પણ એની જાતને એણે રોકી રાખી. એના ચહેરા પાસે આવીને ઉભી રહી એના માથે હાથ મુકવાનું મન થયું. એક ક્ષણમાં તો કેટકેટલાં વિચારો આવી ગયા ?

એને થયું આ મને રેઢી મૂકીને કેમ આમ સૂઈ ગયો છે…? લાવ એને ઢંઢોળીને જગાડી દઉં..! આ તારી ઘાતકી આંખો ..હા આ તારી ઘાતકી આંખોએ મને તારામાં સમાવી દીધી હતી તારી પાછળ પાગલ કરી મૂકી હતી મને અને આજે હવે આમ એ આંખો બંધ કરી ને આરામથી લેટી ગયો છે.

આંખોથી જ તો શરૂઆત થઇ હતી એ બંનેના સંબંધની અને આજે એકની આંખો બંધ છે અને બીજાની આંખોનાં બધાં બંધ તૂટી ગયા છે….વહે છે ગાંડીતૂર થઇ ને. શ્યેન તો વિચારોમાં ખોવાઈ ગઈ અને એ ત્યાં જ ઉભી રહેત જો કોઈકે એને પાછળથી કહ્યું ના હોત કે બહેન આગળ ચાલો. શ્યેન સહેજ આગળ ગઈ અને કોઈકે એના ખભે હાથ મૂક્યો. એણે પાછળ વળીને જોયું તો સાવ કોઈક અજાણ્યો હાથ અને અજાણ્યો ચહેરો હતો.

“આપને નંદિતાબહેન બોલાવે છે.” સહેજ પકડાઈ જવાનાં ભાવથી એના ચહેરા પર ક્ષોભ વર્તાયો….છાતીએ ધડકવાની ગતી વધારી દીધી છતાં ધીમે પગલે પેલા અજાણ્યા શખ્સની પાછળ મનમાં એક છુપા ભય સાથે એ નંદિતા પાસે ગઈ.

“ બેસો..”

નંદિતાની બાજુમાં એ બેસી ગઈ….પુષ્કળ લોકો આવતા હતા દર્શનાર્થે. થોડીવાર પછી શ્યેને જવા માટે નંદિતાની સંમતી માંગી. નંદિતાએ શ્યેનનો હાથ પકડયો અને કહ્યું: “શ્યેન આજની રાત મારી સાથે રોકાઈ  ના શકો …?

“………………..”

કોઈજ આનાકાની વગર એ રોકાઈ ગઈ. અગ્નિદાહ પર્યન્તની તમામ વિધિ પતિ ગયા પછી મોડીરાત્રે નંદિતાએ શ્યેનને કહ્યું..” અહીં બહુ ભીડ છે…બધાં બેઠાં છે….શ્યેન, મારે તમારી સાથે બહુ વાતો કરવી છે.

ચાલો આપણે ટૅરેસ પર જઈએ. ઘરમાં બધાને કહીને એ બંને ટૅરેસ પર આવી ગયાં.પરિવારના બધાને શરૂઆતમાં શ્યેન આગંતુક લાગેલી. પણ થોડાજ વખતમાં બધાનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો….હવે બધા એને પ્રેમ અને આદરથી બોલાવવા લાગ્યા. નંદિતા-શ્યેન છેક સુધી સાથેજ રહ્યાં. રાત પડી ગઈ હતી….ઘણું મોડું થયેલું અને પરિવારના અન્ય લોકો પણ ખૂબ થાકેલા હતા….થાક કે ઊંઘ આ બંનેનાં શરીર અને મનમાંથી ગાયબ થઇ ગયા હતા. ટૅરેસ પર બંને એકબીજાનો સહારો બનવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આજે બંનેનું અસ્તિત્વ બહુ બોલકું બની ગયું હતું. નિરવ રાત્રીની નિઃસ્તબ્ધ ક્ષણો પસાર થતી રહી. કાળા ઘનઘોર આકાશ સામે જોઇને જાણે એ બેય વિચારતા હતાં “ બધું….બધું આ કાળા અંધકારમાં ડૂબી ગયું…. એ તો ઓગળી ગયો આ આકાશમાં. બંનેના મન પર ફરતી શારડી જાણે ભીતરનાં ખડકોને વીંધી છેક મન:તલમાં સંગ્રહાયેલી ઘટનાઓ સુધી પહોંચી જાય છે અને અંદર ઢબુરાયેલો એ અતીત ઊછળતા ધગધગતા લાવાની જેમ સપાટી પર આવી જાય છે. વર્તમાન આ ક્ષણે ભૂતકાળનો વર્તમાન બની ગયો….અને કેટલીયે વારે ચારે હોઠ એકસાથે જ ફફડ્યા…..!!!

“નંદિતા…બ…..”

“શ્યેન …..”

“…………………”

“………………….”

“શ્યેન એણે મને તમારા વિષે બધું કહ્યું હતું….બધુંજ…..અને…અ…અને એક વચન માંગ્યું હતું મારી પાસેથી”

“શું વચન….”

એક રાત્રે બહુ લાગણીવશ થઈને ક્યાંય સુધી એ મારી સામે જોઈ રહેલો જાણે ત્રાટક કરતો હોય….હુંય ધીમે ધીમે એની આંખોના તેજ સામે…સાચું કહું શ્યેન….??

“ શું…???”

“ એની આંખો બહુ ઘાતકી હતી….”

આ શબ્દો સાંભળતાં જ શ્યેન એકદમ વિહવળ બની ગઈ…..એક આંગળી એણે નંદિતાના હોઠ પર મૂકી દીધી અને જાણે નંદિતાને ચૂપ થઇ જવાનો ઇશારો કર્યો. નંદિતા પણ એક ક્ષણ તો વિચારમાં પડી ગઈ કે શું થયું…? થોડીવારના મૌન પછી નંદિતાએ વાતનો દોર સાંધી લીધો.

“એણે મને કહેલું…. કે નંદી…હા…! એ મને કાયમ નંદી કહેતો….. નંદી….મારી છાતીમાં તારી સાથે એક બીજું નામ પણ ધબકે છે…..આટલું બોલીને બિલકુલ ચૂપ થઇ ગયો…થોડીવાર સુધી કશુંય બોલ્યો નહિ જાણે એ તમને ખોળી રહ્યો હતો એના અસ્તિત્વમાં……અનુભૂતિ કરતો હતો એની છાતીના પોલાણમાં….એના ધબકારમાં તમારી… અને પછી બહુ વાર પછી બોલ્યો નંદી….શ્યેન છે એનું નામ….મારી બી….હા મારી બી….!

“જે દિવસે મારું હૃદય બી નામનો ધબકાર ચૂકી જશેને ત્યારે હું પણ……!! “નંદિતા આટલું બોલતાં રડી પડી….શ્યેને એને સાંત્વન આપ્યું….સહેજ સ્વસ્થ થઇ એટલે નંદિતાએ ફરી બોલવાનું શરુ કર્યું.  એણે કહ્યું: “શ્યેન મારી સાધના છે….શ્યેન મારો શ્વાસ છે…. એ તો મારો ધબકાર છે……”

“………………..”

ચારેય આંખોમાંથી આંસુના પુર ઊમટ્યાં….શ્યેન અને નંદિતા એકબીજાને આશ્વાસન આપવા નજીક આવ્યાં

અને ચારેય હથેળીઓ એકબીજામાં પરોવાઈ ગઈ. બંને જણ ઘણો લાંબો સમય ત્યાં ટૅરેસ પર બેસી રહ્યાં અને વાતો કરતા જ રહ્યાં….મનથી હળવા થતાં રહ્યાં….વળી પાછું નંદિતાએ પૂછ્યું:

“શ્યેન તમે એની સાથે લગ્ન કેમ ના કર્યું……?

“નંદિતાબહેન ….હું…!!”

“કેમ ચુપ થઇ ગયાં શ્યેન…???”

“ હું પછી ક્યારેક એ વાત કરીશ…” એણે વાત ટાળી દીધી…

“એ તો તમને ભૂલ્યો જ નહીં…હંમેશાં એ તમને યાદ કરતો રહેતો…ક્યારેક એ બેબી કહે તો ક્યારેક એ બી ને યાદ કરે…..એ શ્યેન નામ તો ભાગ્યેજ બોલ્યો હશે.

“હા…એ મને કાયમ બેબી કહેતો…અને બેબીમાંથી ક્યારેક બી કહેવા લાગ્યો….મને પણ બહુ ઓછું સાંભળે છે કે એણે મને શ્યેન કહીને બોલાવી હોય…નંદિતાબહેન  જૂઓ તો ખરા આજે એની આ બી….વિવશ અને લાચાર થઇ ગઈ….!! એને મેં તમારી સાથે પરણાવ્યો….પણ એ પછી મારી હિમ્મત તૂટી ગઈ….એટલે ચાલી નીકળી એક અજાણ્યા રસ્તે એક દ્રઢ નિશ્ચય સાથે કે હવે એને હું મારો ચહેરો ક્યારેય નહિ બતાવું…. હું તો ઓગળી ગઈ અંધકારમાં….પણ એ તો પાગલ હતો ને….! મારો ચહેરો જોવા એણે એનો ચહેરો જ મોકલી આપ્યો…

“……………”

નંદિતાએ શ્યેનને બોલવા દીધું…

“એની જીદ હતી મને એની સાથે રાખવાની પણ એ તો શક્ય જ ન હતું…હું મારો ઓછાયો પણ તમારા સંસાર પર પડવા દેવા નહોતી માંગતી….એને સમજાવતી રહી હું… પણ એ તો જીદ લઈને બેઠો હતો…એટલે મારી પાસે એનાથી દૂર થઇ જવા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહિ….

“હા…., એનો જીવ તમારામાં જ હતો…મારી પાસેથી એણે વચન લીધું હતું કે જીવનમાં કોઇપણ પરિસ્થિતિ આવે….તો પણ હું તમારું ધ્યાન રાખીશ….એ મને કહતો…નંદી તને તો ખબર જ છે ને કે જો બી એ ના ઇચ્છ્યું હોત તો કદાચ આપણે સાથે ના હોત.”

“પણ નંદિતાબહેન આજે સવારથી મને એક પ્રશ્ન સતાવ્યા કરે છે કે આપણે તો જીવનમાં ક્યારેય મળ્યા જ નથી તો આજે તમે મને કેવી રીતે ઓળખી ગયા…???

“તમે જે રીતે એને જોતાં હતાં અને એની પાસે થોડીક ક્ષણો થોભી ગયાં અને તમે જે રીતે પ્રયત્નપૂર્વક તમારો ચહેરો ઢાંકી રહ્યા હતા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી…કે આ શ્યેન છે…અને એણે તો મને કહ્યું જ હતું કે મને છેલ્લી વાર જોવા મારી બી જરૂર આવશે….”

“નંદિતાબહેન મારી સ્મૃતિની અરધી ઉઘડેલી બારીની આડશે સંતાયેલો ચહેરો આજે વર્ષો પછી હું જોઈ શકી જેની સાથે મારો એક સંબંધ હતો ….નામ વિનાનો સંબંધ….”

“……………….”

“ના તો એ ચહેરો હું પામી શકી કે નાતો હું પામી શકી એ મારા સંબંધનું મારું પોતીકું નામ…….”

 

XXXXXXXXX

વિજય ઠક્કર

લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૩, ૨૦૧૭