Month: નવેમ્બર 2016

ત્રીજા ખૂણેથી…….

વારના લગભગ અગિયાર વાગ્યા છે. વિલાસ ચોકસીની સફાયર પર્લ કલરની મર્સિડીઝ બેન્ઝ એલએક્સ એસયુવી કાર ગ્રીન સ્ટ્રીટ પરથી રાઇટ ટર્ન લઈને રૂટ વન સાઉથ તરફ મર્જ થઇ. ૫૦ માઈલ પર અવરની સ્પીડનો રોડ હોવાથી અને પ્રમાણમાં ટ્રાફિક પણ ઓછો હોવાથી વિલાસ ચોકસીની કાર સડસડાટ દોડી રહી હતી અને એ કોઈકની સાથે બ્લુ ટુથથી સ્પીકર ઓન રાખીને વાત કરતા હતા. પ્લેનફિલ્ડ એવન્યુ પરની ચોકસી એન્ડ ચોકસી એલએલસીની એમની ઓફિસે પહોંચતા પંદર મિનિટ લાગે એ દરમિયાન એક બે અગત્યના ફોન કરી લે. જૂનાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીન વિલાસ ચોકસીની કારમાં સિક્સ સીડી ચેન્જરમાંથી મેલોડીયસ ગીતો કાયમ વાગતા હોય અને અત્યારે પણ મુકેશ અને લતાના ડ્યુએટ્સ વાગે છે. ફિલ્મ બરસાતનું ગીત વાગવા માંડ્યું જોકે એમનું ધ્યાન કોઈકની સાથે ફોન પરની વાતમાં હતું અને લતાનાં અવાજમાં અંતરો ગવાયો “ છૂટ ગયા બાલમ હાય છૂટ ગયા બાલમ સાથ હમારા છૂટ ગયા… તૂટ ગયા બાલમ હાય, તૂટ ગયા બાલમ મેરા પ્યાર ભરા દિલ તૂટ ગયા” એમણે અચાનક ફોન ડિસ્કનેકટ કર્યો. રીવાઈન્ડ કરીને ગીતનો અંતરો ફરી સાંભળ્યો અને સ્મૃતિના તાર અતીત સાથે જોડાઈ ગયા… બહુ વર્ષો પછી એ ચહેરો અચાનક યાદ આવી ગયો. હૃદયમાં એક કસક ઉઠી…આંખોમાં એક આવરણ આવી ગયું અને ફરી ગીતનાં શબ્દોમાં  ખોવાઈ ગયા.

***                        ***                                   ***

 

“ હયાતી….એય… હયાતી..?”

“ શું…….છે..?”

“ અરે આમ ગુસ્સો કેમ કરે છે…..??”

“ મેં ક્યા ગુસ્સો કર્યો ???”

“ તું આટલી ઉદ્ધતાઇથી મારી સાથે વાત કરે છે અને….”  વાક્ય અધૂરું છોડી દીધું

“…………………”

“…………………”

ન્યૂ જર્સીના રૂટ વન પર મર્સિડીઝ બેન્ઝ એલએક્સ એસયુવી કાર પુરપાટ ગતિએ દોડતી હતી અને વિલાસ ચોકસીનું મન એનાથીય તીવ્ર ગતિએ દોડતું છેક અતિતમાં આણંદના રેલવે સ્ટેશને લોકલ ટ્રેનની વિન્ડો પાસે પહોંચી ગયું હતું હયાતી પાસે.

                                              ****                     ****                             ****

ઓફીસ પ્લાઝા આવી ગયું. પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરી. બધું યંત્રવત થતું હતું અને ફરી સેલ ફોન રણક્યો અને વિલાસ ચોકસી અતીતમાંથી સીધા વર્તમાનમાં આવી ગયા. કાર લોક કરીને ઑફિસમાં ગયા. આખો ફર્સ્ટ ફ્લોર ચોકસી એન્ડ ચોકસી એલએલસી ના પઝેશનમાં છે. એલિવેટરમાં  ફર્સ્ટ ફ્લોર પર જતાં જમણા હાથે આખી ગ્લાસ વોલ છે અને એના ગ્લાસ ડોર્સ ખોલતાં જ એક મોટો પૅસેજ અને એની બન્ને બાજુ ત્રણ ઓફીસ ચેમ્બર્સ છે. એક વિશ્વેશની એની બરોબર બાજુની ઓફીસ કાજલની છે અને એ બંનેની સામે રિસેપ્શન કાઉન્ટર છે, એની બાજુમાં ભાગ્યશ્રીની ઓફીસ છે. વિલાસ ચોકસીની ઓફીસ છેક અંદર એક એવા કોર્નર પર છે જેની વિન્ડો રોડ સાઈડ પર છે એટલે નીચે રોડ પર થતી વાહનોની અને સામેના પ્લાઝામાં થતી લોકોની અવરજવર જોઈ શકાતી હતી. ચોકસી એન્ડ ચોકસી એલએલસી ની રીયલ એસ્ટેટ અને મોર્ટગેજ કમ્પનીની આ ઓફીસ એકદમ ભવ્ય છે. વિલાસ ચોકસીએ  હવે ઓફીસના કામકાજમાંથી લગભગ નિવૃત્તિ લઈ લીધી છે, જોકે હજુ એ નિયમિત ઓફીસ આવે છે અને આખો દિવસ બેસે છે. થોડાઘણાં અંગત મિત્રો સિવાય એમને કોઈ જ ક્લાયન્ટ્સ મળવા આવતા નથી કારણ એ બધું બિઝનેસનું કામ હવે વિશ્વેશ ડીલ કરે છે.

ન્યુ જર્સીમાં રીયલ એસ્ટેટ અને મોર્ટગેજનાં બિઝનેસમાં ખૂબ મોટું નામ છે એમની કંપનીનું. લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં વિલાસ પત્ની ભાગ્યશ્રી અને બે સંતાનો સાથે અમેરિકા આવી ગયા અને ધીમેધીમે અહીની જિંદગીમાં ગોઠવાતા ગયા. કોઈ વિશેષ શૈક્ષણિક લાયકાત હતી નહિ પણ મનમાં એક દ્રઢ નિર્ધાર હતો કે નોકરીતો નથી જ કરવી. શરૂઆતમાં નાનામોટા વ્યવસાય સાથે સંકળાયા અને સફળ થતા ગયા. પત્ની ભાગ્યશ્રીનો ખૂબ સપોર્ટ અને એમ કરતા રીયલ એસ્ટેટના  બિઝનેસમાં આવી ગયા અને ખૂબ સફળ થયા. વર્ષો વિતતા ગયા. ખૂબ દામ અને નામ કમાયા. ન્યૂ જર્સીની ઇન્ડિયન કમ્યુનિટીમાં પણ અગ્રેસર થઇ ગયા વિલાસ ચોકસી. દીકરો વિશ્વેશ અહીં આવીને ભણ્યો અને એ પણ ડેડીની સાથે બિઝનેસમાં જોડાઈ ગયો. ધીમે ધીમે બિઝનેસનો બધો ભાર એણે જ ઉપાડી લીધો. સદનસીબે એને પત્ની કાજલ પણ ખૂબ હોશિયાર મળી અને એ પણ જોડાઈ ગઈ ચોકસી એન્ડ ચોકસી એલએલસીમાં ફાઇનાન્સ કન્ટ્રોલર તરીકે. વિશ્વેશ અને કાજલે ખૂબ વિકસાવ્યો બિઝનેસ.

ચોકસી એન્ડ ચોકસી એલએલસી ની આટલી પ્રચંડ સફળતા એ વિલાસ ચોકસી અને ભાગ્યશ્રીની બંનેની સહિયારી મહેનતનું જ પરિણામ છે અને એમાં પાછો જોડાયો દીકરો વિશ્વેશ અને પુત્રવધૂ કાજલ.

ધીમે ધીમે વિલાસે જવાબદારી ઓછી કરવા માંડી અને હવે તો બસ કૉમ્યુનિટી સર્વિસ અને વાંચન અને મનગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવતા. વિલાસ ભાગ્યશ્રીને હમેશાં ‘શ્રી’ કહીને જ બોલાવતા. ખૂબ પ્રેમાળ ભાગ્યશ્રીને વિલાસ કાયમ કહે:

“શ્રી…તારા પગલે અને તારી મહેનત ને લીધેજ આપણે આટલા સુખી છીએ”

“મેં તો તમને સપોર્ટ કર્યો છે અને એ તો મારી ફરજ હતીને ? તમેય મહેનત કરવામાં ક્યાં પાછું વાળીને જોયું છે..?”

બંને ખૂબ પ્રેમ કરતા એકબીજાને. લગ્ન થયે ૪૫ વર્ષ થયાં અને દર પાંચમાં વર્ષે એ એમની મૅરેજ એનીવર્સરી સેલીબ્રેટ કરતા… આ વર્ષે પણ એમની એનીવર્સરીનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવાનું નક્કી થયું હતું.  ૨૦મી ડિસેમ્બર એમની એનીવર્સરી છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી એનું સેલિબ્રેશન થઇ જાય પછી સુહાસભાઈ અને ભાગ્યશ્રી ઇન્ડિયા વેકેશન માટે જતા. આ વખતે પણ સેલીબ્રેશનની તૈયારીઓ શરુ થઇ ગઈ હતી.

****                          ****                              ****

ઑફિસમાં યંત્રવત આવી ગયા અને રીવોલ્વીંગ ચેરના હેડરેસ્ટ પર માથું ટેકવીને બેસી ગયા…વિચારવા લાગ્યા “ કેમ આટલા બધા વર્ષો પછી હયાતી અચાનક યાદ આવી..??” પાછો એક વિચાર એ પણ આવ્યો કે આમતો સાવ અચાનક યાદ આવી છે એવું પણ ક્યાં છે..?… ક્યારેક ક્યારેક તો હયાતી સ્મરણમાં આવીને એની હયાતી નો અહેસાસ કરાવી જ જાય છે ને..!! છેલ્લા થોડા વખતમાં તો એવું ઘણી વાર બન્યું છે. વિચારો કરતા કરતા રીવોલ્વીંગ ચેરમાં ઝૂલતા હતા. કશુંક યાદ આવતા એકદમ ઉભા થઇ ગયા અને ગ્લાસ પૅનલ પર લગાડેલી વેનીશ્યન બ્લાઇન્ડ રોલ અપ કરીને ક્યાંય સુધી બારી બહાર નિર્હેતુક જોતા રહ્યા. આજે કશુંજ કરવાનું મન નથી થતું. મનમાં ખૂબ વ્યગ્રતા છે અજંપો છે અને અત્યંત ઉચાટ છે.

અતીતનું એ સાયુજ્ય અત્યારે તો એક ગમતી યાદ બનીને હૃદયમાં સંગ્રહાયેલું છે. હૃદયના એક ખૂણે પોતાના અસ્તિત્વની ભીનીભીની છાપ ઉપસાવીને અનિચ્છાએ પણ અન્ય માર્ગે ચૂપચાપ ચાલી નીકળેલી હયાતી આજે બહુ યાદ આવી ગઈ. સહેજ આંખો પણ નમ થઇ આવી વિલાસભાઈની. આટલા વર્ષો પછી પણ એનો ચહેરો એવો ને એવોજ યાદ છે….. અનુસંધાન થઇ ગયું એ ઘટના સાથે જ્યારે આણંદના રેલવે સ્ટેશને એ હયાતીને મળવા ગયા હતા…નિયતિના ખેલથી સાવ અજાણ એવા વિલાસ અને હયાતીને ક્યાં ખબર હતી કે વિલાસના લગ્ન પહેલાની એ છેલ્લી મુલાકાત બની રહેશે…!!!

****                             ****                           ****

લોકલ ટ્રેન હતી એટલે આણંદ સ્ટેશને ખાસ્સી વાર રોકાવાની હતી. હયાતી ટ્રેનમાં વિન્ડો સિટ પાસે હાથનો ટેકો લઈને બેઠી હતી. વિલાસ પ્લેટફોર્મ પર હયાતીની વિન્ડો પાસે ઉભા હતા અને એમણે એના હાથને એની હથેળીથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો અને જાણે ચારસો ચાલીસ વોટનો કરંટ લાગ્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો અને એકદમ ગુસ્સે થઇ ગઈ હયાતી:

“મને અડીશ નહિ.”

“અરે…..!!! હયાતી તું ગુસ્સો કેમ કરે છે…??”

“ …………….”

“ હયાતી તું કાંઈક બોલ તો ખરી..”

“……………..”

“મારી વાત તો સાંભળ !”

“બોલને તારે જે બોલવું હોય તે મેં ક્યાં કાન બંધ રાખ્યા છે. ?”

“હું તારા ઘરે આવું ?“

“ કેમ….હવે શું કામ પડ્યું..?”

“ બસ ચા પીવા”

“……………..”

“મેં કશુંક પૂછ્યું તને હયાતી તું કાંઈક જવાબ તો આપ ..?”

“તારે ગરજ હોય તો આવજે… મારે કશું કામ નથી..” હયાતીના આવા ઉગ્ર જવાબથી વિલાસભાઈ ડઘાઈ ગયા…..હાથની મુઠ્ઠીઓ વળી ગઈ….. બિલકુલ સ્તબ્ધ થઇ ગયા કારણ હયાતીનું આ સ્વરૂપ તે પહેલી વાર જોઈ રહ્યા હતા….બિલકુલ નિઃશબ્દ ક્ષણો વીતી…હયાતીના ચહેરા પરના ભાવ પણ બદલાઈ ગયા હતા અને ચહેરાની દિશા પણ. પાંચ-દસ મિનિટ પછી ટ્રેન ઉપડી અને એના ગન્તવ્ય તરફ દોડવા માંડી… ક્ષિતિજમાં ટ્રેન ઓગળી ગઈ ત્યાં સુધી વિલાસ એને એકી નજરે તાકી રહ્યા હતા.. હાથની મુઠ્ઠીઓ ખુલી ગઈ સાવ ખાલી હથેળી અને એમાં વિધાતાએ કરેલા ચિતરામણને જોઈ રહ્યા અને એક નિસાસો નીકળી ગયો…

હયાતીનું વર્તન અને એનો વ્યવહાર અચાનક કેમ બદલાઈ ગયાં  એ પ્રશ્ન બહુ લાંબા સમય સુધી નિરુત્તર રહ્યો અને જ્યારે એમને જાણ થઇ ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હતું. જીવનના એ અફસોસથી  વિલાસનું મન આળું થઇ ગયું. કોઇપણ કાળે એ વાત માનવા તૈયાર ન હતા કે હયાતીને એમની સાથેના સંબંધથી કોઈ નારાજગી હોય કારણ એ બે વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ થયો જ નહતો. વિલાસના પરિવારના લોકોને એમનો આ સંબંધ માન્ય નથી એવી જાણ કોઈક રીતે હયાતીને થઇ ગઈ અને એટલે એણે જાતે જ વિલાસના જીવનમાંથી દૂર થઈ જવાનો નિર્ણય કરી લીધો. વિલાસે જ્યારે જાણ્યું કે એને સુખી કરવા માટે હયાતીએ પોતાના પ્રેમનું બલિદાન આપ્યું અને પોતે દુઃખી થઈને પણ એના જીવનમાંથી દૂર થઇ જવાનો કપરો નિર્ણય કર્યો હતો ત્યારે એ હયાતી માટે ખૂબ દુઃખી થયા અને એનો દરજ્જો એમના મનમાં ખૂબ ઉંચો થઇ ગયો.

****                          ****                          ****

ઑફિસમાં બેઠાબેઠા અત્યારે પણ એક જોરદાર નિસાસો નીકળી ગયો અને એમની હથેળીઓ અનાયાસ ઉંચી થઇ અને આંખ સામે આવી ગઈ અને વિલાસ જોઈ રહ્યા હથેળીઓને…… અને હમણાં જ વાંચેલી ન્યૂ જર્સીનાં જ કવયિત્રી નિકેતા વ્યાસની એક ખૂબ સરસ ગઝલનો એક અદ્ભુત શેર જે એમના જીવનની કથની બયાન કરે છે તે યાદ આવી ગયો:

“આપીને હથેળીમાં તું ઢોળી નાંખે છે; / હસ્તરેખાઓને તું કેમ ચોળી નાંખે છે…???”

****                            ****                       ****

“ બાપુજી.. મારે તમને એક વાત કરવી છે..“

“ શું હતું..?”

“તમે મને છેલ્લા કેટલાય વખતથી લગ્ન માટે કહેતા હતા અને હું ના પાડતો હતો …હા એના કારણો હતા પણ હવે મને કોઈ વાંધો નથી. તમે જેમ કહેશો એમ અને જેની સાથે નક્કી કરશો એની સાથે હું લગ્ન કરવા તૈયાર છું.”

ઘડિયા લગ્ન લેવાયા. ભાગ્યશ્રી સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયાં. વિલાસના સદનસીબે ભાગ્યશ્રી અત્યંત સુંદર, નમણી, સમજદાર અને ખૂબ પ્રેમાળ છોકરી મળી. બિલકુલ એકબીજાને અનુકૂળ એવું જોડું હતું પણ વિલાસ ભાગ્યશ્રીને લગ્ન પહેલા એકવાર મળવા માંગતા હતા અને થયું પણ એમજ, મળ્યા.

પહેલાજ દિવસે વિલાસે ભાગ્યશ્રીને કહ્યું: “તું મને બહુ ગમે છે અને હું આજથી તને શ્રી કહીનેજ બોલાવીશ… તને ગમશે ને ?”

ભાગ્યશ્રી શરમાઈ ગઈ….કશું બોલી નહિ…. ફક્ત નીચું જોઇને બેસી રહી…

“ શ્રી…! કેવું લાગ્યું..?

“તમને ગમ્યું ને…?” બહુજ ધીમા અવાજે શરમાતા શરમાતા બોલી.

“હા મને બહુજ ગમ્યું….”

“તો મને પણ બહુ ગમ્યું…”

“પણ શ્રી, મારે તને કશુંક કહેવું છે….”

“ શું…??”

“ જો તું જરાય ચિંતા ના કરીશ કે ગભરાઈશ પણ નહીં પણ હું જે વાત કહું એ શાંતિથી સાંભળજે અને એના વિષે બહુ વિચારીશ નહિ. આપણા સુખી જીવન માટે હિતકર એવી એક વાત મારે તને કરવી છે હું ઈચ્છું છું કે આપણો સંબંધ પ્રમાણિકતાના પાયા પર ઉભો રહે… સ્થિર રહે અને એટલે જ હું તને લગ્ન થાય એ પહેલાં જ કશુંક કહેવા માંગુ છું.”

વિલાસની સમજાવટ છતાં ભાગ્યશ્રીને સહેજ ચિંતા તો થઇ આવી કે આ માણસ શું કહેશે ? મોટા દહેજની માંગણી કરશે કે શું…? પણ ધીરજ અને સ્વસ્થતા રાખીને આ સાંભળતી રહી…

****                       ****                      ****

“ આપણા ઘરની બરોબર સામે આપણીજ જ્ઞાતિનો એક પરિવાર રહે છે અને એમની એક દીકરી છે…હયાતી. લગભગ મારી જ ઉંમરની…અમે નાનપણથી સાથે ઉછર્યા અને મોટા થયા. અમે બંને એકબીજાને ક્યારે ગમવા માંડ્યા એ ખબર ના પડી અને ખૂબ પ્રેમ કરવા માંડ્યા..બેહદ પ્રેમ… જીવનનાં રંગો બદલાઈ ગયા… જીવનના અર્થો બદલાઈ ગયા, જીવનના રસ્તા બદલાઈ ગયા, જીવનના ગણિત બદલાઈ ગયા…..અને જીવનના ધ્યેય બદલાઈ ગયા…

“……………….” ભાગ્યશ્રી નીચું જોઇને સાંભળતી હતી…એના શ્વાસ ઝડપથી ચાલવા માંડ્યા.

“ શ્રી…..તું બરાબર છું ને …?”

ભાગ્યશ્રીએ ઊંચું જોયું અને એકીનજરે વિલાસને જોઈ રહી…કોઈ જ ભાવ એ ચહેરા પર ન હતા. બાજુમાં પડેલા જગમાંથી વિલાસે એક ગ્લાસમાં પાણી લઈ ભાગ્યશ્રીને આપ્યું. ગ્લાસને બે હથેળી વચ્ચે ઘુમાવતી રહી.

“શ્રી…. હયાતી અને હું વારંવાર મળતા કાંતો એ આપણા ઘરે આવે અને કાંતો હું એના ઘરે જાઉ.. અમે કલાકો સુધી બેસતા, વાતો કરતા અને ખૂબ પ્રેમ કરતાં. બહુ ખુશ હતા અમે બંને. સાચું કહુંને તો અમે  એક્બીજાને પતિ-પત્ની માનતા હતા. એક વખત એ એના ભાઈને ત્યાં મુંબઈ જવા નીકળી પણ એ પહેલાં એ બરોડા એની બહેનને ત્યાં થોડા દિવસ રહેવા ગઈ. હું એને ટ્રેનમાં બરોડા મૂકવા ગયો એ પહેલો દિવસ હતો જયારે અમે બંને આવી રીતે ટ્રેન માં બહાર જઈ રહ્યા હતા.  એ દિવસે મને જે રોમાંચ થયો હતો કે જાણે હું મારી પત્નીને લઈને હનીમૂન માટે જતો હોઉં. બહુ ખુશ હતા અમે બંને…. બિલકુલ વિખુટા પડવા માંગતા ન હતા, પણ ક્યાં શક્ય હતું એ..? બરોડાતો આંખના પલકારામાં આવી ગયું… સ્ટેશન પર ઉતરી અને રિક્ષામાં છેક એની બહેનના ઘર સુધી હું મૂકી આવ્યો. છૂટા પડવાનો સમય થયો અમારી તડપ વધવા માંડી. એણે કહ્યું: “વિલાસ એક અઠવાડીયા પછી હું મુંબઈ જઈશ મારા ભાઈ ને ઘરે…. તું મને મળવા મુંબઈ આવીશ…? આટલાં બધા દિવસ હું તારાથી દૂર કેવી રીતે રહી શકીશ..? નહિ ગમે મને તારા વગર વિલાસ…પ્લીઝ તું આવ જે ને મુંબઈ.”

“ સારું…. તું મને મુંબઈ પહોંચીને તારા ભાઈનું એડ્રેસ મોકલી આપજે …હું ચોક્કસ આવીશ તને મળવા કારણ તારા વગર તો હું પણ અહીં એકલો થઇ જઈશ ને… અને તને દિવસમાં એકવાર જોઉં નહિ કે તારી સાથે વાત ના કરું એવું બન્યું છે ક્યારેય હયાતી..? તને તો ખબર છે ને કે દરરોજ તારું એક સ્મિત મેળવવા તો જ્યાં સુધી તું  દેખાય નહિ ત્યાં સુધી તારા ઘર પાસે કેટલા બધા આંટા મારમાર કર્યા છે, અને આમ તું મારાથી દૂર જતી રહીશ તો હું પણ કેવી રીતે રહી શકીશ?” છેવટે અમારે તે દિવસે અનિચ્છાએ પણ છૂટા પડવું પડ્યું.” હું ઘરે આવ્યો પણ બધું જાણે સુમસામ લાગતું હતું અને ચારે બાજુ મને એનો ભાસ થતો હતો સતત જાણે એ મને બોલાવ્યા કરતી હોય એવું થયા કરતુ. “

વિલાસતો એના અતીતમાં પુરેપુરા ખોવાઈ ગયા હતા અને બાઇસ્કોપમાં ફિલ્મ જોતાંજોતાં એની કોમેન્ટ્રી આપતા હોય એમ બોલ્યે જતા હતા . ભાગ્યશ્રીના હાથમાંથી જ્યારે પાણીનો ગ્લાસ અચાનક પડ્યો અને પાણી ઢોળાયું ત્યારે જ વિલાસ એકદમ બોલતા અટકી ગયા.

“શ્રી…! શું થયું ?” એમના અવાજમાં શ્રી માટે પણ ચિંતાનો સૂર ભળ્યો અને પહેલીવાર શ્રીના હાથ પર પોતાનો હાથ મૂકીને સધિયારો આપ્યો કે એણે ચિંતા કરવાની જરૂર નથી.

“ કશુંય નહિ તમે કહો ..” ભાગ્યશ્રીના અવાજમાં દર્દ અને ચિંતા જણાય એ તો સ્વાભાવિકજ હતું..

“ શ્રી, આ વાત હું તને આજે નહિ કહું તો જીવનમાં ફરી ક્યારેય નહિ કહી શકું અને જેનો મને અફસોસ રહેશે કે હું તારી સાથે છલ કરું છું…મારે તારી સાથે પ્રપંચ નથી કરવો તો એ સાથે મારે હયાતીને અને એના બલિદાનને અન્યાય પણ નથી કરવો. મારે કાચી દીવાલ પર આપણા સંબંધની ઇમારત નથી ઉભી કરવી અને એટલે એમાં મારે તારી મદદ જોઈએ છે શ્રી…, ખૂબ કપરું છે સંબંધની શરૂઆતમાં આ બધું સહન કરવાનું એ હું જાણું છું પણ શ્રી, અહીં જ તારી અને મારી કસોટી છે. તું ખૂબ સમજદાર છું…અને શ્રી, એક વિનંતી કરું..?”

ભાગ્યશ્રી, કશું પણ બોલ્યા વગર એક નજરે વિલાસની સામે જોઈ રહી હતી. આંખોમાં લાલાશ આવી ગઈ પણ મનની મજબૂત આ છોકરીએ એના આંસુને બહાર આવવાની ઇજાજત નથી આપી. મનમાં વિચારોનું ધમસાણ ચાલે છે અને ભાવી જીવનની ચિંતા પણ. એક હરફ અત્યાર સુધી ઉચ્ચાર્યો નથી પણ આંખોથી જાણે વિલાસને સંમતી આપી દીધી કે જે કહેવું હોય તે હવે કહીજ દો.

“શ્રી…, હયાતી હવે ક્યાંય નથી અને તું હવે જીવનનું સત્ય છે… હયાતીનું મારી સાથે હોવું, મારા અસ્તિત્વની ચોપાસ હોવું એ અત્યંત સુખદ અહેસાસ હતો અને હવે…!” એક નિસાસો નીકળી ગયો એમના હૃદયમાંથી. થોડી વારે ફરી બોલવાનું શરુ કર્યું. “અને હવે..શ્રી, આપણે સાથે રહીને એક સુખદ સંસાર રચવાનો છે. તારી પાસેથી મારી એકજ અપેક્ષા છે કે તું મને મદદ કરજે.. મારી સાથે રહેજે મારા જીવનના એ કરુણ હિસ્સાને વિસારે પાડવામાં…કરી શકીશ મારી મદદ…??”

ભાગ્યશ્રી કશુંજ બોલી નહિ પણ વિલાસના ચહેરા સામે જોઈ રહી…અને થોડી ક્ષણો પછી ફક્ત હકારમાં ડોકું હલાવ્યું એટલે વિલાસે વાત આગળ ચલાવી.

“શ્રી…, હયાતી એ મુંબઈ પહોંચી અને પહેલું કામ મને કાગળ લખીને એડ્રેસ મોકલવાનું કર્યું. મારી કૉલેજના એડ્રેસ પર એનો પત્ર આવ્યો. હું પણ પહોંચી ગયો એને આપેલી તારીખ અને સમયે મુંબઈ. હયાતી એકદમ સરસ લાલ રંગની સાડી પહેરીને મારી રાહ જોતી બહાર ગેલેરીમાં ઉભી હતી. દૂરથી મને આવતો જોઇને બહુ ખુશ થઇ ગઈ, દોડતી મને લેવા સામે આવી. હું એના ભાઈના ઘરે ગયો. એના ભાભી ઘરે હતા. ઔપચારિકતાઓ પતાવીને એમની મંજુરી મેળવીને અમે બંને નીકળ્યા. ટૅક્સીમાં ખૂબ ફર્યા. હું બે-એક દિવસ રોકાયો અને જીવનનો ઉત્તમ સમય વિતાવ્યો.

****                             ****                             ****

વિલાસભાઈ ની ઑફિસમાં ઇન્ટરકોમ વાગ્યો.. સામે છેડે ભાગ્યશ્રી હતી.

“ બોલ શ્રી…!”

“કશું નહિ, આતો સવારથી તમે આવ્યા છો ઑફિસમાં અને આજે મારી ખબર પણ ના પૂછી એટલે…! શું કરો છો. જો કોઈ અગત્યનું કામ ના હોય તો હું તમારી ચેમ્બરમાં આવું..? થોડું લંચ ખાઈએ અને એનીવર્સરી પ્રોગ્રામનું બધું ફાઇનલ કરવા માંડીએ !”

“હા…શ્રી, તું આવ જોકે મારે કશું ખાવું નથી પણ બીજું કામ કરી લઈએ.”

થોડીવારે ભાગ્યશ્રી એમની ચેમ્બરમાં આવી અને પૂછ્યું “ કેમ કશું નથી ખાવું..?? તબિયત તો સારી છે ને..?”

“હા… પણ આજે ઇચ્છા નથી ”

“ શું થયું..???”

“કશું ખાસ નહિ..”

ભાગ્યશ્રીએ બહુ ફોર્સ ના કર્યો..એણે એનું લંચ કરવા માંડ્યું અને પ્રોગ્રામ વિષે ચર્ચા કરવા માંડી. ઈન્વીટેશનનું લિસ્ટ તૈયાર કરવા માંડ્યા… લગ્નના ૪૫ વર્ષ થયાં છે એટલે ઇન્ડિયા પણ કેટલાંક ઇન્વિટેશન મોકલવાના હતા. બધી ચર્ચા પછી ભાગ્યશ્રી એની ચેમ્બરમાં જવા નીકળતી હતી ત્યારે વિલાસે કહ્યું:

“શ્રી …! આપણે હયાતીને ઇન્વિટેશન મોકલીએ..?? “

“જોઈએ…?” એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર ભાગ્યશ્રી એ જવાબ આપ્યો અને ત્યાંથી નીકળી ગઈ.

****                             ****                             ****

ભાગ્યશ્રી અટવાઈ ગઈ વિચારોમાં અને વિક્ષુબ્ધ થઇ ગઇ. આજે ૪૫ વર્ષે પણ આ માણસના મનમાંથી હયાતી દૂર નથી થતી….મગજ વિચારે ચડી ગયું. ભાગ્યશ્રીનું મન એ સંબંધના લેખાજોખાં કરવા માંડ્યું. વિલાસ, હયાતી અને એ પોતે…વિલાસની વફાદારી….એની પોતાની સમજણ અને ઉદારતા અને હયાતીનું બલિદાન અને સંયમ ત્રિકોણનાં એ ત્રણ પરીમાણો દ્વારા જળવાયેલું સંબંધનું સંતુલન જ કારણ હતું નીર્વીવાદિત જીવનનું. ભાગ્યશ્રીનાં મનમાં પ્રશ્નો ઊઠતાં અને એનું સમાધાન પણ એજ આપતી. વિલાસના મનમાં જે હોય તે પણ એણે મને તો જરાય અન્યાય નથી જ કર્યો ને…? અમારું જીવન તો સરસજ વીત્યું વળી…!! હશે એની પૂર્વ જન્મની લેણદેણ હયાતી સાથે પણ એમાં હું તો શું કરી શકું..? હું તો બધી જ રીતે અને બધાં સંજોગોમાં એની પડખે ઉભી છું જીવનપર્યંત. અમેરિકા આવવાનું થયું ત્યારે પણ વિલાસની ખૂબ ઇચ્છા હતી કે જતા પહેલા હયાતીને મળીયે કારણ કે હવે પછી ક્યારે મળાશે. હું એમની સાથે હયાતીને મળવા એના ઘરે ગઈ. હું તો એજ દિવસે એને પહેલીવાર મળી.. અને પાછા આવ્યા ત્યારે વિલાસ કેટલા ખુશ હતા..!!

વિલાસે પ્રામાણિકતાથી લગ્ન પહેલા જ મને  હયાતી વિષે બધું જણાવી દીધું અને ત્યારપર્યંત મને આપેલા વચન કે એ એકલા ક્યારેય હયાતીને મળશે નહિ અને ફોન પણ નહિ કરે એનું શબ્દશ: એમણે પાલન કર્યું છે, ક્યારેય મને છેહ નથી દીધો… હા લગ્ન પછીએ કેટલીએ વાર હયાતી યાદ આવતી અને દુઃખી પણ થતા અને હું પૂછું તો કશુંજ છુપાવ્યા વગર બધું એ પ્રગટ કરી દેતા.. આમ વિચારો કરતાં કરતાં વર્ષો પહેલાની એ કમનસીબ ઘટનામાં ભાગ્યશ્રી ક્યારે સરી ગઈ એ એનેય ખબર ના રહી.

“કેમ તમને ઊંઘ નથી આવતી..?”

“ના..”

“આજે કેમ આટલા બધા ઉદાસ લાગો છો….. આ તમારી આંખો પણ લાલચોળ છે ! તમે રડ્યા છો..?”

“ શ્રી…, એક વાત કહું…હા…! હું આજે બહુ દુઃખી છું. તું તો જાણે છે હયાતી કાયમથી બહુ દુઃખી છે અને એની સાથે વિધાતાએ પણ કેટલી ક્રૂરતા આચરી છે. એક તો લગ્ન પણ કેટલા મોડા થયાં ? લગ્ન પછી બાળક અવતર્યું તે પણ મૃત અને હવે ફરી એ જીવનમાં ક્યારેય એ માતૃત્વ પ્રાપ્ત નહિ કરી શકે. કેવો કુદરતનો ન્યાય.. ??”

****                           ****                       ****

વિલાસ અને ભાગ્યશ્રીની પિસ્તાલીસમી એનીવર્સરીનું સેલિબ્રેશન ખૂબ ધામધૂમથી ગ્રાન્ડ મેર્કીસમાં કર્યું.  ન્યૂ જર્સીના આ ભવ્ય બેન્કવેટ હોલમાં કમ્યુનીટીના પ્રતિષ્ઠિત લોકો અને દોસ્તો, ક્લાયન્ટ્સ અને સગાવહાલાઓની હાજરીમાં સેલિબ્રેશન થયું. ખુશ હતાં બધાં. શાનદાર સેલીબ્રેશનના હેંગઓવર સાથે એમના વર્ષોના નિયમ અનુસાર એકજ અઠવાડીયા પછી વિલાસ અને ભાગ્યશ્રી ચાર મહિનાના વેકેશન પર ઇન્ડિયા પહોંચી ગયા. દસ પંદર દિવસ વિતી ગયા.

“ આજે સાંજે આપણે બહાર જવાનું છે તમે કોઈ બીજો પ્રોગ્રામ ના કરતા.”

“ ક્યાં જવાનું છે?”

“ સરસ કપડા પહેરી લેજો …હમણાં એનીવર્સરીના દિવસે પહેર્યો હતોને એજ સુટ પહેરી લેજો.” વિલાસ બહુ દલીલો ના કરતા.

સાંજે બંને જણ તૈયાર થઈને પહોંચ્યા સિલ્વર કલાઉડના ટૅરેસ ગાર્ડનમાં જ્યાં પાર્ટી હતી. ભાગ્યશ્રીએ એમની જાણ બહાર એક સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી હતી એમનાં એનીવર્સરી સેલીબ્રેશનની. એલિવેટરમાં ટૅરેસ પર પહોંચ્યા ત્યારે સામે એમને રીસીવ કરવા પરિવારના લોકો ઉભા હતા એક લાઈન કરીને ઉભા હતા. બધાને મળતા મળતા સ્ટેજ તરફ જઈ રહ્યા હતા. પાછળથી કોઈકે વિલાસનો ખભો થપથપાવ્યો. એમણે પાછળ ફરીને જોયું…… એક સુંદર મજાની ફલોરલ ડેકોરેશનની બાસ્કેટ એમની સામે ધરીને એમણે કહ્યું:

“ વિલાસ હેપી એનીવર્સરી….!!”

“ અરે…!!! હયાતી……..તું…….થેન્ક્સ……”

*************

 

વિજય ઠક્કર

ઓક્ટોબર ૨૫,૨૦૧૬

૪.૨૦ સવારે