દિવાળીનાં દિવસો..ઊછળતા આનંદનાં દિવસો….
ઘેરેઘેર કિલ્લોલ…. હૈયાં આનંદે…..
પણ….!!
તડપતા હતા તપસ્વીભાઈ… વલોપાત કરતા હતાં વિભાબહેન….
ચિંતા કોરી ખાતી હતી કે ક્યાં ગઈ હશે એ છોકરી….? દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પાળીપોષી ને ઊછેરી એની બધીજ ઇચ્છાઓનું ધ્યાન રાખ્યું …એની લાગણીઓનું જતન કર્યું, અપાર સ્નેહ વરસાવ્યો એના તરફ અને એ આમ ઓગળી ગઈ અંધકારનો ઓળો બનીને..!!!!
દસ વર્ષ થયાં એ વાતને. નથી કોઈ સગડ. માત્ર દર દિવાળીએ એક નામ વગરનું કાર્ડ શુભેચ્છા વ્યક્ત કરતું અને આશીર્વાદ માંગતું મોકલ્યા કરે છે. આવી બેનામ શુભેચ્છા પણ શા કામની અને આશીર્વાદ આપવા તો કોને આપવા …? શો અર્થ એનો..?? કાર્ડ પર નથી હોતું મોકલનારનું નામ કે નથી હોતું સરનામું. કેટલી બધી તપાસ કરી પણ વ્યર્થ.તપસ્વીભાઈની તડપ લાડકી દીકરીને જોવાની અને વિભાબહેનના વલખાં એ વહાલી દીકરીના લાડકોડ માટે. બંને ઝૂરતા હતાં વૃદ્ધાવસ્થામાં… સંતાપ કરતા હતાં એ સંતાન માટે જેની સાથે લાગણી જોડાયેલી છે… જેની સાથે સપનાઓની હારમાળા જોડાયેલી છે…. જેની સાથે વૃદ્ધાવસ્થાનું અવલમ્બન જોડાયેલું છે.
વિભાબહેનનો જો કે વિશ્વાસ ઉઠી ગયો છે લાગણીના આ સંબંધ પરથી પણ તપસ્વીભાઈનો વિશ્વાસ અડગ છે. એ કાયમ કહે છે : “ આવશે જ… એણે આવવું જ પડશે….મારી દીકરી જરૂર થી આવશે…”
પણ ક્યારે….??
ઉપરવાળો જાણે એતો પણ એમનો આત્મા પોકારી પોકારીને કહેતો હતો કે…”એણે આવવું પડશે…એણે વચન આપ્યું છે…એ ચોક્કસ આવશે… આવવું જ પડશે.”
***** ***** *****
લગ્ન થયાંને દસબાર વર્ષ વીતી ગયાં…..
હજી ખોળો સુનો છે વિભાબહેનનો…..
મનના ખૂણે થી માતૃત્વની હોંશ એના અરમાન એની આશા અને હવે તો અપેક્ષા પણ ઓસરી ગઈ….
માતૃત્વનાં અંકુર સુકાવા માંડયાં અને માતૃત્વનો આનંદ વિલાવા માંડ્યો હતો.
મનમાં રચાયેલા માતૃત્વના સ્વપ્નમહેલની ઇંટો એક પછી એક ખરવા માંડી છે.
છાતી સૂકીભઠ્ઠ જ રહી ગઈ વિભાબહેનની…
લગ્ન પછી બે-એક વર્ષે આશા બંધાઈ હતી પરંતુ નસીબ ક્યાં પાધરું હતું…? આશા નિરાશામાં પલટાઈ ગઈ. હવે કોઈ જ શક્યતા રહી ન હતી. ડોક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા….અને એક વખત ડોકટરે સીધેસીધું કહી જ દીધું “તપસ્વીભાઈ…વિભાબહેન જૂઓ હું તમને ખોટા દિલાસા આપવા નથી માંગતો પણ સત્ય એ છે કે હવે તમારે સંતાનની આશા રાખવી વ્યર્થ છે….આપ બંને ક્યારેય માતાપિતાનું સુખ નહિ પામો.”
આકાશ તૂટી પડ્યું હતું બંને પર …સુન્ન થઇ ગયું હતું મન….. સુમસામ થઇ ગઈ હતી જિંદગી બંનેની. શરૂઆતના પાંચેક વર્ષતો હતાશા, દુઃખ અને જીવન પ્રત્યેની અને પોતાની જાત માટેની કડવાશમાં વીતી ગયાં.,પણ બન્નેમાં સમજણ હતી અને મન ધીમેધીમે એ રીતે ઘડાવા માંડ્યું, પરિસ્થિતિનો સ્વીકાર થઇ ગયો.
એક દિવસ અનાયાસ કોઈક શુભ ક્ષણે, કોઈક સુખદ ઘડીએ તપસ્વીભાઈને કોઈક શુભ વિચાર સ્ફુર્યો….અને ખુશ થતા થતા એમણે વિભાબહેનને કહી દીધું
“ વિભુ…! ચાલ આપણે બાળક દત્તક લઈએ….!!!”
“ના….મારા નસીબમાં જ એ સુખ નથી એનું શું કરવું…?“
“ગાંડી છું તું તો વિભુ..! સુખ દુઃખ તો મનનાં કારણો છે અને સાચું કહું, આપણે જ પરિસ્થિતિમાંથી સુખ-દુઃખ તારવિયે છીએ….નિર્માણ કરીએ છીએ, ખરેખરતો આપણે તટસ્થભાવ નથી કેળવી શકતા. આપણે બાળક દત્તક લઈશું…. ઉછેરીને મોટું કરીશું….એને ખૂબ પ્રેમ કરીશું એને વહાલ કરીશું અને માં-બાપનું સુખ આપણે પણ પામીશું અને એની અને આપણી ખાલી જિંદગીને આપણા સૌના અરમાનથી ભરી દઈશું.”
“એવા ઉછીના સુખને શું કરવાનું…? મને એ મંજુર નથી…” વિભાબહેન બહુ મક્કમ હતા.
બહુ સમજાવટ પછી વિભાબહેન બાળક દત્તક લેવા તૈયાર થયાં. હવે પાછો એમાં એ બંને વચ્ચે વિવાદ થયો કે છોકરો લેવો કે છોકરી..?
“ જૂઓ મારે તો છોકરો જ જોઈએ….” વિભાબહેને દ્ગઢતાથી કહ્યું.
“વિભુ…સાંભળ મારી વાત…છોકરો-છોકરી બધું સરખું જ છે….એતો બધાં મનના કારણો છે. આપણા ઉછેર અને માવજત પર જ એના ભાવીનો આધાર હોય છે.”
“હું કશું ના જાણું કે કંઈ ના સમજુ…જૂઓ બાળક દત્તક લેવું હોય તો મારે છોકરો જ જોઈએ બસ…!”
તપસ્વીભાઈ દ્રઢ હતા એમના વિચારોમાં….. વિભાબહેન મક્કમ હતાં એમની માન્યતામાં….સમય વીતતો હતો આ દુવિધામાં, આ અસમંજસમા. અને અંતે તપસ્વીભાઈ કહ્યું: “ જો વિભુ…કુદરતે આપણને કશું નહિ આપીને બધું આપી દીધું છે…વિભુ તને ખબર છે આપણને બાળકની બાબતમાં પસંદગી કરી શકીએ એટલી સ્વતંત્રતા આપી છે….નહીં તો સંતાનની બાબતમાં પસંદગી કરવાની સ્વતંત્રતા ક્યાં છે કોઈને..? કુદરત તમારા ખોળામાં જે નાંખે એજ સ્વીકારવાનું….વિભા આપણને જ્યારે પસંદગીનો અવકાશ છે જ તો શા માટે એનો સદ્દઉપયોગ ના કરીએ…? “
બહુ સમજાવટ પછી અને ક્યારેક જીદ તો ક્યારેક ગુસ્સો કર્યા પછી વિભાબહેન સંમત થયા.
નિરાંત થઇ તપસ્વીભાઈને….અને વિભાબહેનને. આનંદ તો હતો જ પણ વિભાબહેનના મનમાં એક છૂપો ભય પણ હતો…” શું હું એ કોઈકનાં બાળકને ઉછેરી શકીશ..? હું એને એની સગી જનેતા જેવો અને જેટલો પ્રેમ આપી શકીશ…? અજંપો હતો એમના મનમાં…હૃદય અને મન વચ્ચે તુમૂલ વૈચારિક દ્વંદ્વ ચાલતું હતું…થડકાટ હતો…પણ એમ છતાં એક દિવસ અનાથઆશ્રમમાંથી તાજી જન્મેલી અને ત્યજાયેલી દસેક દિવસની બાળકીને ઘરે લઈ આવ્યા. ઔપચારિકતાઓ પતિ ગઈ….અને નામ આપ્યું એ વ્હાલસોયી દીકરીને ગૌરી…
નામ આપતી વખતે પણ પતિ-પત્ની વચ્ચે નોકઝોક તો ચાલી…..મતભેદો પણ થયા પણ છેવટે તપસ્વીભાઈએ નમતું જોખ્યું અને વિભાબહેનની ઇચ્છા મુજબ એનું નામ ગૌરી આપ્યું. જોકે એના નામ અને એના વાનમાં તો બહુ અંતર હતું. નામ ભલે હતું ગૌરી પણ વાને તો હતી એ શ્યામલી. શ્યામલીના નાક નકશી એકદમ ધારદાર હતાં.
બસ લાડેકોડે ઉછેરવા માંડ્યા…..
ભુલાઈ ગયું કે આ પારકું જણ્યું છે……
હેતની હેલીમાં પારકું પોતાનું થઇ ગયું….
ધનતેરશ એ દીકરીનો જન્મદિવસ…સાક્ષાત્ લક્ષ્મીજીનો અવતાર. દીકરી એકદમ શુકનવંતી….શુભ પગલાંની….મંગલકારી….બધું બદલાઈ ગયું…ઘરનો માહોલ…ઘરની પરિસ્થિતિ. તપસ્વીભાઈ અને વિભાબહેનતો ખુશખુશાલ..દીકરીનાં પાવનકારી પગલાંનાં પ્રતાપે સફળતા એમના પગમાં પડવા લાગી. નામ…વૈભવ..કીર્તિ…સઘળું આવી ગયું આ છોકરીના પગલે પગલે.
વિભાબહેને કોઈક જ્યોતિષ પાસે દીકરીના જન્માક્ષર બનાવડાવ્યા….બતાવ્યા. જ્યોતિષીએ આગાહી કરી: “અદ્ભુત વ્યક્તિત્વ છે આ દીકરીનું. નામ પ્રમાણે જ ગુણ હશે. ગૌરી ગૌરવાન્વિત થશે અને કરશે એના પરિવારને. આ દીકરીએ તર્પણ માટે જ જન્મ લીધો છે. મોક્ષદાયિની છે આ છોકરી…. એના સમ્પર્કમાં આવનારનું પણ કલ્યાણ થશે.”
તપસ્વીભાઈ ખૂબ હસેલા એ દિવસે આ બધી વાતો પર…”જુઠ્ઠાં છે આ બધા જ્યોતિષીઓ…પૈસા પડાવવા આ બધા ખેલ કરે છે.”
**** **** ****
તપસ્વીભાઈ અને વિભાબહેને જ્યારે દીકરી દત્તક લેવાનું નક્કી કર્યું ત્યારે સગાઓ અને આસપાસનાં લોકોએ તો ખૂબ ટીકા કરેલી. ચારેયકોર વાતો થયેલી કે “કેવા અક્કલ વગરના માણસો છે.. દત્તક લઈ લઈ ને છોકરી લીધી અને તેય પાછી કાળી કુબડી..!”
ગૌરી જુવાન થતી ગઈ…..આખું સ્વરૂપ બદલાઈ ગયું આ ગૌરીનું તો..! વાન ઉઘડ્યો…જુવાની એના શરીર પર ફરી વળી…..એક નાનકડા ઝરણાએ સમયનો પટ વટાવી અને હિલોળા લેતી નિર્બંધ સરિતાનું રૂપ ધારણ કર્યું. રૂપ વિસ્તરવા માંડ્યું…જોબન છલકાવા માંડ્યું. સૌ આશ્ચર્યચકિત હતા કે આટલો બધો નિખાર કેમ કરીને આવ્યો હશે..!!!!
જેવું રૂપ નીખર્યું એવીજ ગુણવાન બની ગૌરી. તપસ્વીભાઈ અને વિભાબહેને કોઈ કસર છોડી ન હતી એને સંસ્કાર આપવામાં….ભણાવવામાં એના ઘડતરમાં. એકદમ સાલસ સ્વભાવની, નમ્રતા ભારોભાર છલકે એના વર્તનમાં એની વાણીમાં અને એના વ્યવહારમાં….તદ્દન શાંત અને ભણવામાં અવ્વલ નંબર. એકદમ ધારદાર બુદ્ધિપ્રતિભા. માત્ર ભણવામાં જ હોશિયાર હતી એવું નહીં એણે તો સર્વ ક્ષેત્રો સર કર્યા. જબરદસ્ત વાક્ છટા. એને બોલતી સાંભળવી એ પણ એક લહાવો. એનું વાંચન એટલું ગહન એનું મનન અને એનું ચિંતન અને એને કારણે એની વૈચારિક ઊંચાઈ એટલી હતી કે એ કોઈ પણ વિષય પર વિના અવરોધ કલાકો સુધી વક્તવ્ય આપી શકતી. એનું એક આગવું વર્તુળ હતું . ખૂબ ભણી ડૉક્ટર બની પણ એણે ક્યારેય એનો વ્યવસાય તરીકે ઉપયોગ કર્યો જ નહીં સેવાકીય કામોમાંજ જોતરાયેલી રહી.
તપસ્વીભાઈ અને વિભાબહેન ખૂબ ખુશ હતા ગૌરવભેર ગુણગાન ગાતાં દીકરીના અને તપસ્વીભાઈતો કહેતા પણ ખરાકે: “ જો હું કહેતો હતો ને વિભુ કે સુખ-દુઃખતો આપણે જ નિર્માણ કરીએ છીએ…?”
“ હા..સાચી વાત તમે સાચું કહેતા હતા. “
“જો આપણી દીકરીએ તો આપણું નામ રોશન કર્યું.”
સમાજ માં એમનો મોભો વધી ગયો આ છોકરીના પ્રતાપે.
પણ એક ઘટના એવી બની કે બધો આનંદ ઓસરી ગયો… દુઃખનો પહાડ તૂટી પડ્યો એમના માથે… જિંદગી જીવવાનું અકારું બની ગયું. ભૂખ તરસ બધું ભુલાઈ ગયું…ઘર ભેંકાર બની ગયું…જિંદગીનો ઉજાસ ઓસરી ગયો.. જ્યારે એક દિવસ સવારે વિભાબહેન ઊઠ્યા અને ઘરનું બારણું ખુલ્લું જોયું.. અને ડાઈનીંગ ટેબલ પર સુંદર અક્ષરોમાં લખાયેલો એક ફૂલસ્કેપ કાગળ કશાકની નીચે દબાવેલો મળ્યો. વિભાબહેનતો હાંફળાફાંફળા દોડ્યા અને તપસ્વીભાઈને જગાડી આવ્યા. તપસ્વીભાઈ પણ એકદમ ગભરાઈ ગયા દોડાદોડ બહાર આવ્યા અને આખો કાગળ એક શ્વાસે વાંચી ગયા…એકદમ છુટા મોંએ રડી પડ્યા…વિભાબહેન પણ એમને જોઇને રડવા માંડ્યા ત્યાં સુધી તો એમને ખબર ન હતી કે શું થયું છે…!
“વિભુ… આપણી ગૌરી જતી રહી…” એટલું બોલતા તો ચોધાર આંસુએ રડી પડ્યા…અને વિભાબહેન ને પણ ફાળ પડી… અને કાગળ વાંચવા માંડ્યાં.
“વહાલા મમ્મી-પપ્પા…,
હું જાણું છું કે આપના માટે મારું આમ ચાલી નીકળવું અત્યંત આઘાતજન્ય બનશે પણ ઈશ્વર તમને શક્તિ આપશે. વહાલા પપ્પા અને મારી ખૂબ વહાલી મા, તમને કહ્યા વગર અને તમારી સંમતી વગર મારું આમ ઘર છોડવું તમારા માટે ખુબ કપરું હશે પણ જો હું એમ ના કરત તો તમારા બંનેનું વહાલ મારા પગમાં બેડી બની જાત.
હું જાણું છું કે આપ તો મારા પાલક હતાં અને આપ બંને તો મારે જીવવા માટેનું કારણ હતાં. તમે આપેલી સમઝણથી હું એટલું તો સમજી શકી છું કે જીવનને માત્ર એક વર્તુળમાં બાંધી રાખવું નિરર્થક છે. મારા જેવાં કેટલાય નિઃસહાય લોકો સહારો શોધે છે…એતો હું હતી સદનસીબ કે મને તમારો સહારો મળ્યો તમારું હેત તમારું વાત્સલ્ય અને તમારા લાડકોડ મળ્યા અને જો મારા જીવનમાં તમે ના આવ્યા હોત તો…??????
કેટલા પ્રશ્નાર્થ હોત મારા જીવનમાં પણ ! કેટલાંય મારા જેવા અનાથાવસ્થામાં તરછોડાયેલા કેવી દયાજનક કેવી હિણપતભરી અને કેવી બદતર જિંદગી બસર કરતાં હશે એની કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઇ જાય છે.
પપ્પા અને મા, તમારા ઉછેરથી મારામાં એક સમઝણ તો પ્રગટી છે અને એના સદુપયોગ માટે જ હું જાઉ છું…. મારી ચિંતા કરશો નહી અને મને શોધશો નહીં. જ્યાં પણ જાઉં છું ત્યાં પરમ શ્રેયસ્કર માર્ગે જ છું.
મારા ખૂબ વહાલા પપ્પા અને મારી બહુ વહાલી માં, હું તમારા ખોળાને નહિ લજવું એની ખાતરી રાખજો.
આપ બંનેની વૃદ્ધાવસ્થામાં આપનું ટેકણ બનવાને બદલે હું ચાલી નીકળું છું એટલે મને સ્વાર્થી કે ભાગેડુ નહીં જ સમજો એટલો મને તમારા પર વિશ્વાસ છે. આ સમસ્ત વિશ્વમાં કેટલાય અસહાયો છે એમના અર્થે મારા જીવનનો ઉપયોગ થશે તો એ આપણા સૌ માટે કલ્યાણકારી નહીં હોય….??
તમારા સંસ્કાર મને એવાજ તો મળ્યા છે ને..??
એટલે પ્લીઝ…! શોક ના કરશો તમારું માથું હંમેશને માટે ગર્વથી ઉંચુંજ રહેશે એટલો વિશ્વાસ તમારી આ દીકરી ઉપર રાખજો.. અને હા… હવે પછીના જીવનમાં ફક્ત એકવાર તમને મળવા આવીશ…હા ફક્ત એક વાર…!
બસ આશીર્વાદ આપજો કલ્યાણના….”
અંધકારના ઓળા પાછા ઉતરી આવ્યા તપસ્વીભાઈ અને વિભાબહેનના જીવનમાં.
ક્યાં હશે એ લાડલી દીકરી ..?
બહુ તપાસ કરી…થાક્યા. આશા મૂકી દીધી….પણ દર દિવાળી એ એક નામ વગરનું કાર્ડ અચૂક આવતું….શુભેચ્છા વ્યક્ત થતી… ધનતેરશ ઉજવાતી…કોઈ પણ જાતના ઉત્સાહ વગર …કોઇપણ જાતના આનંદ વગર.
**** **** ****
બેસતા વર્ષનો દિવસ…
વર્ષોથી વિભાબહેનનો ઉંબરો કોરો રહ્યો હતો …..કોઈ આનંદ ન હતો જીવનમાં. ગૌરી ના જવા સાથે બધું વિસરાઈ ગયું. હવે તો બસ દિવાળીએ સરખી અને હોળીએ સરખી..
નવું વર્ષ એટલે લોકો વહેલી સવારે ઉઠી ગયા હતાં…ક્યાંક ક્યાંક ધૂમધડાકાનાં અવાજો.. દૂધવાળા, ફૂલવાળા, છાપાવાળાઓની અવરજવર સાથેસાથે ઢોલ-શરણાઈનાં અવાજો અને ઘડીઘડીમાં નાનાંનાનાં ટાબરિયા સબરસ લઈને આવતા.આખું શહેર દિવાળી મનાવવાના ઉત્સાહમાં છે પરંતુ નથી ઉત્સાહ તપસ્વીભાઈને કે નથી વિભાબહેનને. આ ઘેર કોઈ આવતું નથી …કોઈ દરવાજો ખખડાવતું નથી.
પણ કોણજાણે કેમ છેલ્લા બે દિવસથી વિભાબહેનનું મન રાજીરાજી રહેતું હતું જાણે કશુંક સારું બનવાનું હોય..અને થયું પણ એમજ..આજે વર્ષો પછી સપરમા દિવસે વહેલી પરોઢે બારણે ટકોરા પડ્યા.
વિભાબહેને ઊંઘમાં જ અવાજ સાંભળ્યો…અને પૂછ્યું …” કો…..ણ……? કોણ છે…..આટલી વહેલી પરોઢે….?”
સામેથી કોઈ જ પ્રત્યુત્તર ના આવ્યો પણ ફરી બારણે ટકોરા પડ્યા. વિભાબહેન ધીમેથી પથારીમાં બેઠા થયા વૃદ્ધાવસ્થાને લીધે અને ધીરેધીરે દરવાજા તરફ આવતાં આવતાં બોલતા હતા… “ ભાઈ કોણ છો …?શું કરવા બારણું ખખડાવો છો..? અમે દિવાળી નથી કરતા બાપા જાવ જે હોય તે…!” અને એટલામાં ફરી બારણે ટકોરા પડ્યા. વિભાબહેનને પગે તકલીફ હોવાથી ખૂબ ધીમેધીમે દરવાજા તરફ આવતા હતા એટલે વિલંબિત સ્વરમાં સહેજ ઊંચા અવાજે બુમ પાડી: ”કો…….ણ……કોણ…છે…?”
સામેથી અવાજ ના આવ્યો અને ફરી…”ટક….ટક…ટક…” આ બધી ખટાખટમાં તપસ્વીભાઈ જાગી ગયા એટલે એમણે મોટા અવાજે પથારીમાં પડ્યા પડ્યા બુમ પાડી.. “અલ્યા ભાઈ કોણ છે..?”
“હું છું…” કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો.’
બારણું ખૂલ્યું….સામે શ્વેત વસ્ત્રોમાં એક સ્ત્રી ઉભી હતી……વિભાબહેને આંખો ચોળતાં ચોળતાં પૂછ્યું…” કોણ છો બહેન ?” વિભાબહેન ઓળખી ના શક્યાં કારણકે એનો પહેરવેશ…એની હેરસ્ટાઈલ પહેલીવાર ગુજરાતી ઢબે પહેરાયેલી બિલકુલ સફેદ સાડીમાં એને જોઈને એમને જરા સરખોય અણસાર ના આવ્યો..એમને તો એમ થયું કે દિવાળી છે એટલે કો’ક બોણી લેવા આવ્યું હશે..
સ્ત્રીએ ચરણ સ્પર્શ કર્યા એટલે વિભાબહેને આશીર્વાદ આપ્યા…
“મા….મમ્મા…!!!”
“ગૌરી…..!!!!! ગૌ…..રી……… બે…….ટા…!!!!!!! એટલું બોલતા તો જોરથી રડી પડ્યા… તપસ્વીભાઈ પણ ત્યાં સુધીમાં આવી પહોંચ્યા અને દીકરી એમને વળગી પડી.. એમના આશીર્વાદ લીધા…..બધી આંખો વહેવા માંડી અનરાધાર… તપસ્વીભાઈ તો મૂઢ જેવા થઇ ગયા…એમને કશી ખબર જ નથી પડતી કે શું થઇ રહ્યું છે અને શું કરું….? ગૌરી એ પપ્પાના આંસુ લુચ્છ્યા અને ધીમે ધીમે હાથ પકડીને અંદર તરફ દોરી ગઈ….તપસ્વીભાઈએ એમની બંને હથેળીમાં એનો ચહેરો પકડી રાખ્યો અને એક ધાર્યું એની સામે જોઈ રહ્યા અને આંખોતો અનરાધાર વરસતી રહી.. ….વિભાબહેન તો એક ખૂણામાં બેસી ગયા હતા અને રડતાં હતાં પણ કોને ખબર એમનામાં અચાનક હિમ્મત આવી ગઈ ઉભા થયા અને તપસ્વીભાઈ માટે અને ગૌરી માટે પાણી લઈ આવ્યા અને પાણી પિવડાવ્યું…વાતાવરણ ધીમેધીમે શાંત થયું..
વિભાબહેનનો અણસાર સાચો પડ્યો….
આનંદનો દિવસ આવ્યો…..બહુ વર્ષે દિવાળી શુભ થઇ….નવું વર્ષ જાણે નવો પ્રકાશ લઈને આવ્યું.
લાપસીનાં આધણ મૂકાયા…
વિભાબહેન અને તપસ્વીભાઈનાં મનમાં તો આનંદ સમાતો નથી….પણ…પણ એમને ક્યાં ખબર હતી કે આ આનંદ તો ક્ષણિક હતો…..બપોર થયાં…જમ્યા…અને પછી ગૌરીએ કહ્યું: “ પપ્પા-માં…, જૂઓ મેં મારું વચન પૂરું કર્યું…જીવનમાં ફરી માત્ર એકવાર હું મળવા આવીશ એવું મેં વચન આપ્યું હતું. એટલે હું આવી છું….તમારા આશીર્વાદ લેવા માટે….. હવે હું દીક્ષા લેવાની છું બાકીનું જીવન કોઈક એવા ખૂણામાં જઈને વીતાવીશ કે જ્યાં માણસની સાચા અર્થમાં સેવા થઇ શકે.”
“એ….એએ….એ શું બોલી બેટા..?” વિભાબહેન બોલ્યાં.
“દીકરી તું….તું… તો બેટા…..તું….આમ…પાછી…!!!!!”
“પપ્પા, આમ ઢીલા ના થાવ પપ્પા…તમે જ તો મને જીવનનો સાચો અર્થ સમજાવ્યો છે.”
“પ…પ…પણ દીકરી…??”
વિભાબહેન તો મૂઢ જેવા થઇ ગયા હતાં….એક હરફ ઉચ્ચારી શકતા નથી. “ અને પપ્પા હું દીક્ષા લેવાની છું એનો અર્થ એવો નથી કે હું સાધ્વી થઈશ. માયાનાં આવરણો તોડવા માટે જ હું અચાનક ચાલી નીકળી હતી….અને આટલાં વર્ષો હું તમારાથી દૂર રહી…. હવે મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ આવ્યો છે કે હવે મને કોઈ બંધનો બાંધી નહિ શકે અને એ તટસ્થતા નો ભાવ કેળવી શકી પછી જ હું તમારી પાસે મારું વચન પૂર્ણ કરવા આવી છું. પપ્પા ..મારી વહાલી મા મને આશીર્વાદ આપો કે બાકીનું જીવન હું કલ્યાણના માર્ગે જીવી શકું…અને એક વાત કહું પપ્પા-માં આ તમારી દીકરી તમારું ગૌરવ વધારવા જઈ રહી છે એટલે પ્લીઝ તમે આંસુ સારતા નહીં પણ હસતા મો એ મને વિદાય આપો…”
શ્રેયના માર્ગે ચાલી નીકળ્યો એ શ્વેત ઓળો….એ દિવ્ય ચહેરો અને દિવ્યાત્મા…ક્ષિતિજમાં ઓગળી ગયો….
*********
વિજય ઠક્કર
ઓક્ટોબર ૧૧, ૨૦૧૬
.