Day: એપ્રિલ 27, 2016

પાપા-અંકલ

વહેલી સવારે ઉઠીને ઝડપથી તૈયાર થઇ જવાનું અને સવારે આઠ વાગ્યાની સબર્બન ટ્રેન લઈને ઓફીસ જવાનું..મલાડથી ચર્ચગેટ.

આજ નિત્યક્રમ…

મલાડ સ્ટેશનથી પાંચ મીનીટના અંતરે જ ચાહવાલા મેન્શનના ત્રીજા મજલા પર કંપનીનો ફ્લેટ હતો…અને કંપનીએ મોહિતને ટ્રાન્સ્ફર ઑર્ડરની સાથેજ ફ્લેટની ચાવી પણ મોકલી આપેલી. સવારે નવ વાગેતો ઈરોઝ પર પહોચવાનું. ચર્ચગેટ સ્ટેશનની બરોબર સામે ઈરોઝ બીલ્ડીંગનાં પાંચમાં માળે એની મલ્ટીનેશનલ કંપનીની ઓફીસ હતી. બપોરે સાડા બાર વાગે લંચ પડે ત્યારે ઇચ્છા મુજબ કાંઈક ખાઈ લે. ક્યારેક ટેલિફોન ઑપરેટર રૂબી સાથે તો ક્યારેક એની ઓફીસ સેક્રેટરી શર્લી સાથે ટીફીનમાંથી લંચ ખાઈ લેતો..આમને આમ બે વર્ષ વીતી ગયાં પણ હજુ એની ટ્રાન્સ્ફર હોમટાઉનમાં થતી ન હતી અને એટલે ક્યારેક ખૂબ કંટાળો આવતો. દિવસતો કામમાં પસાર થઇ જતો પણ સાંજે હોમસીકનેસ લાગતી….બધા ખૂબ યાદ આવતાં. મમ્મી-પપ્પાએ ક્યારેય એને આંખ સામેથી દૂર ન હતો કર્યો અને આજે બે વર્ષથી એમનાથી દૂર હતો એટલે શરૂમાં ચિંતા હતી પણ હવે બધું ગોઠવાઈ ગયું. હજુતો બેચલર છે અને આમ પણ એને પરણવાની ઉતાવળ પણ નથી.. ક્યારેક ફલર્ટ કરી લેવું પણ લગ્નની જંજાળમાં હમણાં પડવું નથી.. અત્યારેતો બસ કરિયર બનાવવી છે… અને એજ તો એનો ગોલ હતો…

એની બાજુના ફ્લેટમાં એક નવું ફેમિલી રહેવા આવ્યું…પતિ-પત્ની અને બે નાની દીકરીઓ….હવેતો સાંજનો સમય પણ એ લોકોની સાથે આનંદથી પસાર થઇ જતો હતો..પણ તેમ છતાં ક્યારેક ઘર યાદ આવી જતું.. બાજુમાં રહેતો આ પરિવાર અત્યંત સંસ્કારી હતો…બે નાની છોકરીઓ ટ્વીન્સ હતી.. બંનેની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી…એક રૂબી હતી અને એક પર્લ હતી…બંને છોકરીઓને મોહિતની હવે ખૂબ માયા થઇ ગઈ હતી અને એ છોકરીઓની મમ્મી હતી નોબીકા…

નોબીકા અને જેમ્સના આંતરજાતીય લગ્ન હતાં..જેમ્સ એક મલ્ટીનેશનલ કમ્પનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો અને નોબીકા પણ એજ કમ્પનીમાં જુનિયર એક્ઝીક્યુટીવ હતી..બંને વચ્ચે પરિચય થયો…..પરિણય થયો અને પરણી ગયા..પણ નોબીકાના રૂઢીચુસ્ત પરિવારમાં એનો ખૂબ વિરોધ થયો..જેમ્સ ચેન્નાઈથી ટ્રાન્સ્ફર કરાવીને કોલકત્તા અને ત્યાંથી ટ્રાન્સ્ફર લઈને મુંબઈ આવી ગયો..બંને જણા એક શહેરથી બીજા શહેર ફરતા રહ્યા…લગ્નને પણ છ સાડા છ વર્ષ જેવો સમય વીતી ગયો..પણ એના પરિવારે હજુ આ લગ્નને સ્વીકૃતિ આપી નથી..નોબીકાની સાથેનો સંબંધ બિલકુલ કાપી નાંખ્યો છે.. અને નોબીકા પણ એટલીજ મક્કમ હતી..તેણે પણ પોતાના પરિવાર સાથેના સંબંધને તદ્દન વિસારી દીધો હતો…ક્યારેય કોઈને પણ યાદ કર્યા નથી.. જેમ્સ સાથેના લગ્નજીવનથી ખૂબજ સંતુષ્ટ હતી..

મોહિતને પણ પર્લ-રૂબી સાથે બહુ ગોઠી ગયેલું.. જેમ્સને મોટે ભાગે ટ્યોરીંગ રહેતું અને મોહિતનું પણ એમ હતું.. બંને માર્કેટિંગનાં ખેરખાં હતા. જેમ્સ એની કમ્પનીમાં વાઈસ પ્રૅસિડેન્ટ, સેલ્સ હતો.. તો મોહિત ડાયરેક્ટર, માર્કેટિંગ હતો. મોહિત, જેમ્સના પરિવાર સાથે એ રીતે હળી ગયેલો કે એમ લાગતું કે જાણે તે બધા એક પરિવારનો હિસ્સો હોય.. હવેતો મોટેભાગે મોહિતનું જમવાનું પણ આ લોકોની સાથે થતું..જોકે મોહિત એના જમવાના પૈસા દર મહીને આપી દેતો. શરૂઆતની આનાકાની પછી એ વાત હવે સ્વીકારાઈ ગઈ છે..જેમ્સ અને મોહિત વચ્ચે પાંચેક વર્ષનો ફર્ક હતો…મોહિત જેમ્સ કરતા મોટો હતો..મોહિત તો બેચલરજ હતો અને હવે તો ખાસ કાંઈ પરણવાની ઇચ્છા પણ ન હતી..

પર્લ-રૂબી સાથેનું તાદાત્મ્ય અને જેમ્સ સાથેનાં પારિવારિક સંબંધો પછી પર્લ-રૂબી તેને પાપા-અંકલ કહીનેજ બોલાવતાં..અને જેમ્સને તે લોકો ડેડી કહેતા…જેમ્સેજ એવું બોલતાં શિખવાડેલું..
જેમ્સને વર્કિંગ ટ્યોર પર જવાનું થાય કે મોહિતને બિઝનેસ ટયોર હોય બંને એ રીતે મેનેજ કરતા કે બંને દીકરીઓ સાથે બેમાંથી એક જણતો હોયજ…જેમ્સ અને મોહિત જાણે બે ભાઈઓ હતા. નોબીકા, જેમ્સ અને મોહિત ત્રણેય જુદી જુદી જાતિનાં હતાં…. નોબીકા મુસ્લિમ હતી તો જેમ્સ ગોવાનીઝ હતો અને મોહિત ગુજરાતી … ઘરમાં મોટેભાગે કમ્યુંનીકેશન અંગ્રેજીમાંજ થતું, પણ ક્યારેક હિન્દીમાં પણ વાતચીત કરતા.
શરૂશરૂ માં મોહિત નોબીકાને ભાભીજી કહીને બોલાવતો પણ જેમજેમ નિકટતા વધતી ગઈ તેમતેમ એ સંબોધન બંનેને સારું ન હતું લાગતું… અને એક દિવસ બન્નેએ એકબીજાને નોબીકા અને મોહિત કહીને બોલાવવાનું શરુ કર્યું..

આ વખતે મોહિત ઘણા લાંબા સમયે પોતાના ઘરે ગયો.. મમ્મી-પપ્પા સાથે સારો એવો સમય વિતાવ્યો..પર્લ-રૂબીની અને જેમ્સ નોબીકા વિષે ખુબ વાતો કરી.. આ વખતે પણ મમ્મીએતો એને પરણાવવાનું રટણ ચાલુ રાખ્યું…ત્યારે મોહિતે મમ્મીને કહ્યું..” હું પરણીશ તો નોબીકા જેવીજ કોઈક છોકરીને અને હા મમ્મી જો તારે મારા માટે કોઈ છોકરી શોધવી હોય તો તું પહેલા નોબીકાને જોઇલે…
” બેટા તું ત્રીસ વર્ષનો થયો ક્યાં સુધી તું કુંવારો રહીશ…?”
” સાચું કહું મમ્મી…મારી અત્યારે પરણવાની જરાપણ ઈચ્છા નથી, મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે…મારે ફક્ત પરણીને સંસારમાં બંધાઈ નથી જવું.”
જ્યારે પણ પરણવાની વાત નીકળે ત્યારે આમજ વાત ટાળી દેતો.
આવી ગયો પાછો મુંબઈ…
આ બધીજ વાતો એણે નોબીકાને અને જેમ્સને કરી અને એ દિવસે બહુ હસ્યા એ ત્રણેય જણા..
ત્રણેક વર્ષ તો આમને આમ વીતી ગયાં..કઈ ખબર ના પડી..બંને દીકરીઓ પણ મોટી થવા માંડી..!

**** ****

” પાપા- અંકલ ….પાપા- અંકલ ….હવે અમે જતા રહેવાનાં…!!!!
મોહિત ઘરમાં પ્રવેશ્યો અને છોકરીઓ દોડતી આવીને વળગી પડી….નોબીકા એમની પાછળ દરવાજા સુધી આવી પહોંચી …મોહિત એની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો…
” આવીજા…અંદર આવ..”,
.”બેટા પાપા- અંકલને ઘરમાંતો આવવા દો..”
મોહિત એ બધાની સાથે લીવીંગ રૂમમાં ગયો… જેમ્સ સોફા પર બેઠો હતો અને ડ્રીંક લઈ રહ્યો હતો..રૂમમાં પ્રવેશતાં એક મજાની કડક ખુશ્બુ આવીને એના શ્વસન તંત્રમાં પ્રવેશી ગઈ…મોહિતે ઉંડો શ્વાસ લઈને એ ખુશ્બુનો અંગીકાર કર્યો…જેમ્સની સામે પડેલો ખાલી ગ્લાસ મોહિતનીજ રાહ જોતો હતો.. એ ફ્રૅશ થઈને ચેઇન્જ કરીને આવી ગયો જેમ્સની બાજુમાં…ડ્રીંક બન્યું..અને બે ગ્લાસ અથડાઈને ટણીનનનન અવાજ આવ્યો…ચીયર્સ…થયું…
” મોહિત ડિયર..પ્લીઝ.. વિશ મી ગૂડ લક ફોર ગોઇંગ બેક ટુ માય હોમ ટાઉન …!”
મોહિત એની સામે જ જોઈ રહ્યો…” યસ ડિયર… આઈ ગોટ ટ્રાન્સ્ફર ટુ માય હોમ ટાઉન ”
બહુ ખુશ હતો જેમ્સ…પણ નાખુશ હતી નોબીકા…
આજે સાંજે જ જેમ્સને ઑર્ડર મળ્યો…જેમ્સને ખૂબજ આનંદ હતો…પણ નોબીકા અત્યંત નારાજ હતી એ શહેરમાં જવા માટે.. નોબીકાએ જેમ્સ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એના પરિવારે એ બન્ને સાથે કરેલા દુર્વ્યવહારથી પારાવાર દુઃખ થયેલું અને એ લોકો પ્રત્યે નફરત થઇ ગયેલી અને એમની સાથે ક્યારેય સંબંધ નહિ રાખવાના સોગંદ લીધેલા…
આ વાત મોહિત જાણતો હતો..

એકાદ અઠવાડિયામાં એ લોકો શિફ્ટ થઇ ગયા..મોહિત એકલો થઇ ગયો…એકલતામાં ફરી પાછો અટવાઈ ગયો…
એજ પાછો લંચ બ્રેક….અને બ્રેડ ઓમ્લેટ અને ક્યારેક જાતે બનાવેલી બળી ગયેલી વઘારેલી ખીચડી…અને એજ સૂનકાર …પર્લ-રૂબીનો અદ્રશ્ય થઇ ગયેલો કિલબીલાટ…બહુ યાદ આવતા હતા એ બધ્ધાં…બહુ યાદ આવતી હતી નોબીકા…કેટલા બધા ઉપકાર હતા નોબીકાના મોહિત પર…એક વખત જ્યારે મોહિતને એક્યુટ ન્યુમોનિયા થઇ ગયેલો અને પથારીવશ હતો ત્યારે નોબીકાએ માંની જેમ એની સેવા કરેલી..લગભગ પંદર દિવસ સુધી એણે એને સાચવેલો.. હવે ક્યારેક આ બધું યાદ આવે છે ત્યારે આંખો ભીની થઇ જાય છે. આવો સ્નેહાળ પરિવાર વેરવિખેર થઇ ગયો….

હવે તો ક્યારેક ફોનથી તો ક્યારેક પત્રથી તો વળી જેમ્સ ક્યારેક કમ્પનીના કામે મુંબઈ આવે ત્યારે મુલાકાત થતી..સમય વીતતો ગયો…એક વર્ષ..બે વર્ષ..ત્રણ વર્ષ અરે સાડા સાત વર્ષ થઇ ગયા એ પરિવારથી વિખૂટાં પડયાને.. એકાદ બે વખત મોહિત ચેન્નાઈ જઈ આવ્યો.. પર્લ અને રૂબી તો ખાસા મોટા થઇ ગયાં હતાં..પણ તોયે પાપા- અંકલને ભૂલ્યાં નથી..અમીટ છાપ કોરાઈ ગઈ હતી બદ્ધાના હ્રદયમાં…!!!
મોહિત પણ ટ્રાન્સ્ફર લઈને પોતાના હોમ ટાઉન અમદાવાદ આવી ગયો.. ઉંમર પણ ખાસ્સી વધી ગઈ છે પાંત્રીસનો થયો…પણ હજુ પરણ્યો નથી.. મમ્મી પપ્પાને ચિંતા થતી પણ એ તો સાવ બેફિકરો…એને એ પળોજણમાં પડવું નથી..

એક દિવસ મોહિત ફિલ્ડમાં વર્કિંગમાં હતો..અને એના ઘરે ચેન્નાઈથી ફોન આવ્યો.. ચેન્નાઈથી નોબીકાના નંબર પર થી ફોન હતો.. મમ્મીએ ફોન લીધો તો ફક્ત એટલાં સમાચાર આપ્યા કે જેમ્સને એકસીડન્ટ થયો છે અને મોહિતભાઈને તાત્કાલિક ચેન્નાઈ મોકલો… નોબીકા એની રાહ જૂએ છે.. મોહિતે નોબીકા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ નોબીકા બિલકુલ વાત કરવાની પરિસ્થિતિમાં ન હતી.. મોહિત સાંજની વહેલામાં વહેલી ફ્લાઇટ લઈને ચેન્નાઈ પહોચી ગયો..નોબીકા અને એના એક-બે પાડોશીઓ અને જેમ્સનો ઓફીસ સ્ટાફ એની રાહ જોતા હતા..જેમ્સનું કાર એક્સીડન્ટમાં મૃત્યુ થયું હતું.. મોહિત અવાક થઇ ગયો..ત્યાંની પરિસ્થિતિ જોઇને.. નોબીકા સાવ અસ્વસ્થ હતી અને પર્લ અને રૂબી ખૂબ રડતાં હતાં.. મોહિતને જોતાં ત્રણેય જણા એને વળગી પડયા…ખૂબ રડયા..નોબીકા એને છોડતીજ નહતી.. નોબીકાનું હવે જાણે બધું મોહિત જ હતો.. મોહિતે વારંવાર એનાં આંસુ લૂછ્યાં પણ એતો રોકાવાનું નામજ લેતાં નથી..મોહિત એના ગાલ પર, એના વાળમાં અને એના બરડે હાથ ફેરવતો રહ્યો અને સાંત્વના આપતો રહ્યો..મોહિતની આંખો પણ બેસુમાર વરસતી હતી.. થોડાક શાંત થયા પછી મોહિતે નોબીકાને જેમ્સ અને એના પરિવારને સમાચાર આપવા સમજાવી… દરમ્યાન મોર્ગમાંથી ડેડબોડી ઘરે લાવ્યા…અંતિમ ક્રિયામાં જેમ્સને ત્યાંથી કોઈ ના આવ્યું..અને નોબીકાએ એના પરિવારમાં જાણ કરવા ના દીધી..
નફરત એટલી હતી કે કોઈએ મોતનો મલાજો પણ ના જાળવ્યો..!!
અંતિમક્રિયા પતિ ગઈ.. નોબીકા આ વાસ્તવિકતા સ્વીકારી શકતી ન હતી. પર્લ અને રૂબી રડવાનું બંધ જ નથી કરતા..ત્રણેય જણા જાણે સાવ નિરાધાર બની ગયા..મોહિત એ લોકોની સાથે રોકાયો..નોબીકા હવે થોડી થોડી સ્વસ્થ થવા માંડી…પણ સામે નર્યો અંધકાર દેખાતો..જોકે એટલું સારું હતું કે આર્થિક સંકડામણ પડવાની ન હતી કારણકે જેમ્સની ખૂબ મોટી બચત હતી…ખૂબ મોટો ઇન્સ્યોરન્સ આવ્યો..અને કમ્પનીએ પણ એના બેનીફીટસનાં પૈસા આપ્યા તે રકમ પણ ખાસ્સી મોટી હતી..
મોહિત પંદરેક દિવસ રોકાયો.. બધું સેટલ કર્યું પછી નોબીકાને કહ્યું ” નોબીકા તું કહે તો હવે હું જાઉં ??”
“———–”
” તું જરાય ચિંતા ના કરીશ તારી કે દીકરીઓની…હવે તમે ત્રણેય મારી જવાબદારી છો..હું જીવીશ ત્યાં સુધી તમને કોઈ તકલીફ નહિ પડવા દઉં..નોબીકા તું આ યુદ્ધ લડવામાં એકલી નથી..એટલો વિશ્વાસ રાખજે..”
” મને ખબર છે મોહિત તું મારી સાથે છે અને હોઈશ પણ હું તારા માથે કોઈ રીતે બોજ બનવા નથી માંગતી.. મારું તો સર્વસ્વ લુટાઈ ગયું છે પણ….પણ… ના મોહિત હવે હું નહિ રડું કે નહિ ઢીલી પડું..બસ મારે આ છોકરીઓને ખૂબ ભણાવવાની છે..એમની કરિયર બનાવવાની છે…. મોહિત મારે તને એક વિનંતી કરવી છે.. તું હંમેશા મારી સાથે રહે. મારે તારા સાથની જરૂર છે. જા તું આપને સતત સમ્પર્કમાં રહીશું..”
મોહિત ગયો..લગભગ રોજ ફોનથી વાત કરતા અને નાનીમોટી તમામ બાબતોમાં મોહિત માર્ગદર્શન આપતો..
થોડા દિવસોમાં નોબીકાને જેમ્સનીજ કમ્પનીમાં ફરી પાછી નોકરી મળી ગઈ..
આ ઘટના પછી મોહિતે ક્યારેય લગ્ન નહિ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો અને એ નિર્ણય એણે એના ઘરમાં જણાવી પણ દીધો.
કાળનાં નિશાન નોબીકાના શરીર પર વર્તાવા માંડ્યા…પણ એના જુસ્સામાં કે એના દેખાવમાં કે પછી એની નજાકતમાં કોઈ અસર દેખાતી નથી..
કેટલાં બધા વર્ષો વિતી ગયાં.. છોકરીઓ એમના જીવનમાં સેટલ્ડ થઇ ગઈ ..
મોહિત પંચાવનનો થયો…નોબીકા પણ લગભગ એટલી છપ્પન-સત્તાવનની થઇ.. બંને અલગ અલગ રહેતા હતા.. મોહિત અમદાવાદમાં અને નોબીકા ચેન્નાઈમાં..પણ હવે એ બંનેએ એક સાથે એકજ જગ્યાએ રહેવાનું નક્કી કર્યું અને મોહિત ચેન્નાઈ શિફ્ટ થઇ ગયો.. નોબીકા અને મોહિત આજે પણ એક છત નીચે રહે છે, એક બીજા પ્રત્યે અપાર લાગણીનાં સહારે એકબીજાની હૂંફમાં બંને જણા રહે છે..

ઘણાંબધાં લોકોને પ્રશ્ન થાય છે..શું સંબંધ છે એમની વચ્ચે? શું એમણે લગ્ન કર્યા છે ..?? શું એમની વચ્ચે અનૈતિક સંબંધ છે..???

આ બધા પ્રશ્નોનો ઉત્તર સીધો સાદો એટલો છે
આ છે નામ વિનાનો સંબંધ…
આ છે માણસાઈનો સંબંધ…
આ છે દોસ્તીનો -વફાદારીનો સંબંધ…
આ છે પાપા-અંકલ અને દીકરીઓનો સંબંધ…

*****************