રૂમ નંબર ૨૬૯

 

સુશાન્તે ટૅક્સી ડ્રાઈવરને કૅમ્પસ કૉર્નર લેવા કહ્યું

ટૅક્સી ફ્લેગ ડાઉન થઈ અને સડસડાટ દોડવા માંડી…..

ભાયખલ્લા જાઓગે ભૈયા ?”

બિલકુલ જાયેંગે સર…”

ભાયખલ્લામેં કહાં સા..

હોટેલ  હેરિટેજકૅમ્પસ કૉર્નર..

હોટેલ  હેરિટે…..……?”

સ્ટેશનસે આગે……ચૌરાહે પે ના સા….. એલેક્સિયન હોસ્પિટલકે બગલમેં…!!!!

અરે હાં હાંપર સા ઉસકા તો નામ બદલ ગયા….”

અચ્છા…. !! કયું..તો અબ ક્યા નામ હૈ ઉસકા ..?”

હોટેલ સંપદા

યે કબ હૂઆ ..?”

અભીઅભી, બસ યે કુછ આઠદસ મહીને હૂએ સા…..”

આપકો ઠીક પતાતો હૈ ના ભૈયા ?

હમ વહીં તો જા રહે હૈ ના સરઆપ હી દેખ લેના…. ઉસકા મૅનેજમેન્ટ બદલ ગયા સા.

તો અબ કૌન હૈ ઓનર….?”

કોઈ લેડી હૈ….સર, મીસીસ સંપદા

સંપદા..!!!!

નામતો કેટલું બધું પરિચિત છે……”સુશાંત મનમાં ગણગણ્યોઅને વિચારોમાં ખોવાઈ ગયો……અને સ્વગત બોલ્યો…. “ નામ તો મારી છાતી પર કોતરાયેલું છે…..”

“……………….”

“………………..”

 સુશાંત, સંપદા નામ સાંભળતાં ખુશ થઈ ગયો…..ઘરે થી જ્યારે મુંબઈ આવવા નીકળ્યો ત્યારથી એને મનમાં ખૂશી વર્તાતી હતી…. જાણે કાંઈક ઇચ્છિત થવાનું હોય…..અને ટૅક્સીવાળાએ વાત કહી ત્યારે તો જાણે એની અપેક્ષાની પૂર્તિ થવાની હોય એવું લાગ્યું. સુશાંત વિચારોમાં હતો અને ટૅક્સી, હોટેલના પોર્ચમાં, ગ્લાસડોર પાસે આવીને ઊભી રહી ગઈસુશાંત વિચારોમાંથી બહાર આવ્યો..નીચે ઊતરીને ટૅક્સીવાળાને પૈસા ચૂકવીને રિસેપ્શન કાઉન્ટર પર આવ્યોગેટ પર ઊભેલા ગ્રીટરે બેલબોયને બોલાવી બેગેજ રિસેપ્શન લાઉન્જમાં મોકલાવી દીધો..

ગૂડ મોર્નિંગ સર…! વેલકમ ટૂ હોટલ સંપદા..”

ગૂડ મોર્નિંગ….મિસ

હાઉ મે આઈ હેલ્પ યુ સર..!!

આઈ વોન્ટ રૂમ નંબર ૨૬૯….”

ડુ યુ હવે બુકિંગ સર??”

નો..નો નોટુડે આઈ જસ્ટ વોક ઈન કસ્ટમર બટ ફ્રિકવન્ટ કસ્ટમર

.કે…. લેટ મી ચેક સર ..”

પ્લીઝ્ઝથેન્ક્સ

રીસેપ્શનીસ્ટ..કમ્પ્યુટરનાં સ્ક્રીનમાં ખોવાઈ ગઈ, અને રૂમ ૨૬૯ નું સ્ટેટસ ચેક કરવા માંડી….થોડી વારે રીસેપ્શનીસ્ટે ઉંચુ જોઇને કહ્યુંસોરી સર, આઈ કેન્ટ ગીવ યુ ધેટ રૂમ ટુ ડે…”

વાહ્ય ..?? વોટ્સ રોંગ..?? ઈઝ સમબડી ઇન..?”

નો..નો સર…  ધેટ્સ નોટ કેસ સર..

......આઈ નીડ ધેટ રૂમ ઇન એની કેસમેં..”

સોરી સર ..આઈ કેંટ ડુ ધેટઆઈ સોરી….”

સી મેં..ઇટ્સ વેરી ઈમ્પોર્ટન્ટ ફોર મી…”

સુશાંતે ખૂબ વિનંતી કરીઅરે એણે તો ડબલ ભાડું  ચૂકવવાની પણ તૈયારી દર્શાવી..અને બહુ રકઝકને અંતે રીસેપ્શનીસ્ટે એને વેઇટિંગ લાઉન્જમાં બેસવા કહ્યું..અને કહ્યુંલેટ મી ટ્રાય વન મોર ટાઈમ …”

 “થેન્ક્સ મિસહાઈલી ઓબ્લાઇજડ…”

વેઇટિંગ લાઉન્જમાં આવીને સુશાંતે સિગરેટ સળગાવી..અને ચારે બાજુ જોવા માંડ્યોહોટેલનું ઇન્ટીરિયર અને કલર સ્કીમ બદલાઈ ગયાં છે..કેટલોક સ્ટાફ પણ બદલાઈ ગયો છેકેટલા બધાં વર્ષોથી હોટેલ સાથે એનો સંબંધ હતો..દર વર્ષે સમયગાળામાં તે અહીં આવતોએકાદ અઠવાડિયું તે અહીં આજ રૂમ નંબર ૨૬૯ માં રોકાતો…… રૂમ સાથે તો એના જીવનની કેટલી બધી સ્મૃતિઓ જોડાયેલી હતી….અહીં આવતાં   જાણે જીવનમાંથી કાંઈક કપાઈ ગયેલું ફરીથી એની સાથે જોડાતું…..અનુસંધાન થતુંઅને આત્મસંતોષ થતોબસ અહીંના રોકાણ દરમ્યાન જાણે અહીં એની સાથે રહેતી હોય એવી અનુભૂતિ થતીએકાદ અઠવાડિયું અહીં રોકાતો અને જ્યારે પાછો જતો ત્યારે એની સાથે પણ જતી રહેતી…!! આત્મછલના કરતો હતો પોતાની સાથે બીજું શું?? જાણતો હતો કે બધું વ્યર્થ છે, પણ તેમ છતાં દર વર્ષે આમ કરતોઅને આખું વર્ષ દિવસોની સ્મૃતિમાં કાઢી નાંખતોઘણાં બધાં વર્ષોનો એનો ઉપક્રમ રહ્યો છે….. એની રૂમ સાથેજ માત્ર સ્મૃતિઓજ નહીં લાગણી પણ જોડાયેલી હતી.

ક્યાંય સુધી ત્યાં બેઠો રહ્યો અને એના વિચારોમાં રમમાણ રહ્યો..ઘડીકમાં જાણે દોડતી દોડતી એની પાસે આવી જતીસહેજ બેસતી અને પાછી દોડવા માંડતી.. અતિશય ચંચળ છોકરી જાણે એની સાથે સંતાકૂકડીની રમત રમતી.

સુશાંત વિચારોમાં લીન હતોસળગાવેલી સિગરેટ બે આંગળીઓ વચ્ચે દબાયેલી હતી અને એશ છેક બટ સુધી આવી ગઈ હતી..

સર…! ” રીસેપ્શનીસ્ટે બૂમ પાડી

“__________”

એકસક્યુઝ મી સર….” ફરી બૂમ પાડી

યેસ પ્લીઝ...આઈ સોરી….” જાણે ઝબકારો થયો

રીસેપ્શનીસ્ટ કોઈની સાથે ફોન પર વાત કરતી હતી અને એણે પૂછ્યુંસર મે આઈ નો યોર નેમ પ્લીઝ?.

યેસયેસઆઈ એમ સુશાંત સેજપાલ..”

” ___________ “

કોઈ કંઈ બોલતું નથી..સુશાંતને બધું વિચિત્ર લાગતું હતુંપણ તરફ બહુ લક્ષ્ય આપ્યું નહિ..

યપ..હીસ નેમ ઈઝ સુશાંત સેજપાલ…” ફોન પર કહ્યું. ત્યારબાદ રીસેપ્સનીસ્ટ બેત્રણ મિનિટ સુધી વાત કરતી રહી.. સુશાંત કાઉન્ટર પર સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ઉભો રહ્યોએના કાને સંવાદનો અરધો હિસ્સો અથડાતો હતો..

“………………….”

યેસ યેસ..”

“…………………..”

ઓકે….ઓકેઆઈ વિલ ડુ ધેટ ..”

“……………………”

સ્યોર મેમ…”

ફોન ડીસ્ક્નેકટ થયોઅને રીસેપ્સનીસ્ટે કહ્યું…” વાવયુ ગાટ ઈટ સર..યુ આર લકી ગાય મી. સુશાંત…”

એના ચહેરા પર પણ રોનક આવી ગઈચાવી મળી ગઈ….બેલબોય આવી ગયોએનો લગેજ અને રૂમ ૨૬૯માં આવી ગયાડોર ક્લોઝ કરીને આખા રૂમમાં ફરી વળ્યો….અને એનાથી બોલાઈ ગયું…”અમેઝીંગ…..સુપ્પર્બ…”

રૂમની તો રોનક બદલાઈ ગઈ છે.. રીવોલ્વીંગ ચેર પર બેસીને સિગરેટ સળગાવીએક ઊંડો કશ ખેંચ્યોઅને ધુમાડાનો ગોટો હવામાં ઉપર તરફ બહાર ફેંક્યો અને જાણે એક અવાજ આવ્યો..

આવી ગયો સુશાંત? હું તારી રાહ જોતી હતી..”

સુશાંતે ચારે બાજુ નજર ફેરવીક્યાં હતું કોઈ??? ફક્ત ભ્રમણા…..અને સુશાંતથી એક નિશ્વાસ નખાઈ ગયો..

તેં તો મને પાગલ કરી મૂક્યો છેબેબી..!!!!!”

સામે કશું હતું ફક્ત અવકાશ સિવાય..છતાંય જાણે એની ચોપાસ ઘૂમ્યા કરે છેઆટલાં બધાં વર્ષો વીતી ગયાં છે છતાંય ખાલીપામાંથીય વળીવળીને એક આકાર બનીને એની સમક્ષ થઈ જાય છે….. અત્યારે પણ એમ થયું….સુશાંતે એની બંને હથેળીઓમાં માથું મૂકી દીધું અને ધીમેધીમે ગાલ પરથી હાથ માથામાં લઈ ગયો અને ક્યાંય સુધી એમ   બેસી રહ્યોઅને બોલી ઊઠ્યો……”તું ક્યાં છું બેબી હેં….. ?? જોજો હું આવી ગયોતું મારી રાહ જોતી હતી ને..? જો બેબીજો હું આવી ગયો ફરી.

રીતસર બૂમ પાડી ઊઠ્યો પણ દીવાલો સાથે અથડાઈને એરકંડીશનરની ઠંડકમાં એનો ચિત્કાર ઠરી ગયો…..આંખો ભીની થઈ ગઈ અને ધીમે ધીમે અશ્રુધારા વહેવા માંડી અને એમાંથી વર્ષો પહેલાં બનેલી ઘટના એજ સ્વરૂપે એની સામે આકાર લેવા માંડી..

                                 **** *****                   ***** ****                    **** *****

ફોનની રીંગ વાગી..સુશાંતે ફોન રીસીવ કર્યો

હેલ્લો સુશાંત

હાબેબી..બોલ….શું થયું..?”

સુશાંત….તું કાલે મુંબઈ આવી જાકાલે બપોરે બાર વાગે મારી સર્જરી છે….. .હું બાર વાગે હોસ્પિટલ જઈશ. અને જો મેં ઘરે કોઈને કહ્યું નથી ફક્ત  જીજાજી મારી સાથે આવશે. ….બકાબહેનને પણ ખબર નથીખાલીખાલી બધાં ચિંતા કર્યા કરશે…”

….પણ…”

પણ પણ શું કરે છે…..તું આવીજા બસઆઈ વોન્ટ યુ ટુ બી વિથ મી બેબ..પ્લીઝ

મોર્નિંગ ફ્લાઈટમાં તે મુંબઈ આવી ગયો અને સીધો હોસ્પિટલ પહોંચી ગયો..

તું આવી ગયો બેબ એટલે બસહવે મને કોઈની જરૂર નથી

એક માઇનોર સર્જરી હતી એની, વોકલ કોડ અને લેરીન્ક્સ પર ટીસ્યુઝ થઈ ગયા હતાઅને સુશાંત સતત એની સાથે રહ્યો…. ઘરે કોઈને જાણ હતી અને જાણ કરવાની પણ નહતી  એટલે એને હોસ્પિટલથી સીધા હોટેલ હેરીટેજનાં રૂમ નંબર ૨૬૯ પર લઈ આવ્યા….  એના જીજાજી પણ થોડીવાર પછી ગયા..સુશાંત એની પડખે બેઠો..એનાથી બોલાતું હતું..સુશાંત તરફ પડખું ફરીને એની કમરને હાથ વિંટાળી દીધો..અને સુશાંત એના બરડે અને માથા પર હાથ ફેરવતો રહ્યોસુશાંતના સહવાસથી એને બહુ સારું લાગતું હતું..દર્દનો એહસાસ થોડો ઓછો

                          ***** *****                      ***** *****                             

સુશાંત ચેર પરથી ઊભો થયો..સિગરેટ સળગાવી.. વોશરૂમમાં ગયો.. ફ્રૅશ થઈને આવ્યો અને બેડ પર એજ જગાએ બેસી ગયો જ્યાં બેસીને બેબીના બરડે અને માથે હાથ ફેરવતો હતો..અત્યારે પણ એના જહેનમાં એજ દ્ગશ્ય તાદ્રશ્ય થયું અને બેડ પર હાથ ફેરવીને એને અનુભવવાનો પ્રયાસ કરતો હતો.. આંખો નમ થઈ ગઈ એને યાદ કરતાંકરતાં.

વર્ષો સુધી એને સંવેદી હતીબેય જણા એકબીજામાં જાણે ઓગળી ગયા હતા..સુશાંતના જીવનના કેન્દ્રમાં હતી..

                       ***** *****                        ****** *****                             

સુશાંતે ઉંઘમાંજ ફોન રીસીવ કર્યો

હેલ્લોકોણ..?

સુશાંત હું છુંશું ઉંઘઉંઘ કરે છેઊઠ જલદી, મારે તને એક ન્યૂઝ આપવા છે ..”

શું છે……??? કહે ને યારમને બહુ ઊંઘ આવે છે..”

અચ્છાતો મારે તારી ઊંઘ ઉડાડવી પડશે..જો સાંભળહેલ્લોસાંભળેછે ને ?”

હા, બોલને પ્લીઝ બેબી…..કહેને યાર તારે જે કહેવું હોય તે…”

સહેજ અવાજ ઢીલો પડી ગયો..સુશાંત મને મુંબઈમાં એક મલ્ટીનેશનલ કમ્પનીમાં જોબ મળી ગઈ..”

એકદમ બેડમાં બેઠો થઈ ગયો..”.શું..શુંશું? ફરી બોલફરી બોલ તો

                           ****** ******                       ****** *****

બન્ને માટે એકબીજાથી દૂર થવું કઠિન હતું..સુશાંત તો સાવ હેબતાઈ ગયો..સાવ સુનમુન થઈ ગયોએના અસ્તિત્વનો એક ટુકડો જાણે એનાથી છૂટો પડી ગયો.. બેચેન હતો.. લાચાર હતો….કાઈંજ ના કરી શક્યો.. ચાલી ગઈ મુંબઈ….વિખૂટી પડી ગઈ.. સપનું ભાંગી તૂટીને ભુક્કો થઈ ગયુંઅરમાન અધૂરાં રહી ગયા સાથે જીવવાના કારણ સમજતો હતો કે એકબીજા વચ્ચે શારીરિક અંતર વધવું એટલે શું..? સમજતો હતો એનો અહીંથી દૂર થવાનો મતલબ..

                           ****** *****                       ***** ******                                  

સુશાંત ત્યાં બેડ પર એમજ બેઠો હતો અને ઓશીકા પર હાથ ફેરવતો હતો, જેમ ઓપરેશન પછી બેસીને એના બરડે હાથ ફેરવતો હતો..આજે પણ એની અનુભૂતિની તીવ્રતા એટલી હતી.. કેટલાં બધાં વર્ષો વીતી ગયાં છે. સમયના આવરણોથી કપાઈ ગયો છે સુશાંત..!!! સહેજ ઉભો થઈને વિન્ડો પાસે આવ્યો.. સિગરેટ સળગાવી..અને એનો રૂમ નોક થયો..સુશાન્તની પીઠ દરવાજા તરફ હતી..એને બૂમ પાડી….”કમ ઇન પ્લીઝ ..!!”

દરવાજો ખૂલ્યો..સુશાંતે તરફ ધ્યાન ના આપ્યુંસર્વિસબોય હશે એમ માનીને એમજ ઊભો રહ્યો…”અરે ભૈયા થોડા ઠંડા પાની લે આના ..”

જી સરમંગવાતી હું સર .!!.”

સુશાંત ચોંકી ગયો સ્ત્રીનો અવાજ સાંભળીને અને એક ઝાટકા સાથે પાછળ ફર્યોઆશ્ચર્ય બેવડાઈ ગયું….હાથમાંથી સિગરેટ નીચે પડી ગઈ.. ક્ષણ માટે તો  સ્વપ્ન હોય એમ હેબતાઈ ગયોઆભો બની ગયો.. માંડ પાંચ સાત ફૂટનું અંતર કાપવા પગ ઊપડતા ના હતા.. નીચેથી સિગરેટ ઉપાડીને હથેળીમાં ચાંપી જોઈ..અને એક સિસકારો નીકળી ગયોત્યારેજ એને વાસ્તવિકતા જણાઈસામે ઊભીઊભી તોફાની હસતી હતી

સંસમ ..સંપદા…!!

“……………….”

સંપદા.. શું છે…..સ્વપ્ન….??”

સુશાંત વાસ્તવિકતા છે હું તારી સામે છુંઆવ મારી પાસે આવ સ્વપ્ન નથી ..”

સુશાંત એની પાસે ગયો હજુ એની આંખો સત્ય સ્વીકારવા તૈયાર નથી..એનો હાથ પકડીને સોફા પાસે લઈ આવી…..  

બેસ સુશાંત..”સંપદા ત્યાં બેસી ગઈ અને એને પણ બિલકુલ અડોઅડ બેસાડ્યો..

આમજ બેસ સુશાંત, મને આમ બેસવું છે આજે તારી સાથે..” સુશાંતની હથેળી એના હાથમાં જકડી રાખી

ક્યાં જતી રહી હતી તું…..મારી પાસેથી..સંપ???”

શું કરું..”

તું અહીં ક્યાંથીતને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું ?”

બહુ સવાલો છે ને સુશાંત તારા મનમાં?? તારી આંખોમાં ??”

“…………………”

સુશાંત….. હોટેલ મારી છે……હું એની માલિક છું..”

ડોન્ટ…..ડોન્ટ ટેલ મી…!!! ઓહ માય ગોડ.. બધું શું થઈ રહ્યું છે..?.”

આશ્ચર્યો ટોળા બનીને સુશાંત તરફ ધસી રહ્યાં છે

હા સાચું છે સુશાંત

પણ એવું કઈ રીતે બની શકે ..? ઇટ્સ અનબિલીવેબલ..”

સાંભળ સુશાંત..”

સુશાંત હવે સોફા પરથી નીચે બેસી ગયો અને સંપદાનાં ઢીંચણ પર એની કોણીઓ મૂકીને એની સામે એકીટશે જોઈ રહ્યો.. સંપદાએ એની બે હથેળીમાં એનો ચહેરો જકડી લીધો…..અને સંપદા બોલતી રહી

મારું લગ્ન અહીં મુંબઈમાં એક ખૂબ મોટા ઉદ્યોગપતિ સાથે થયું.. બેસુમાર સંપતી છે..મારે જૉબ છોડી દેવી પડી..મને બહુ ગમતું નહિ….ત્રણ ચાર વર્ષતો એમ પસાર થઈ ગયાં..પણ પછી બહુ કંટાળો આવવા માંડ્યો..મને મારા હસબંડના બિઝનેસમાં બહુ ઇન્ટરેસ્ટ હતો પડતો.. હું વિકલ્પ વિચારતી હતી.. શું કરી શકાય..?? થોડા વખત પછી મને અગેઇન એજ થ્રોટ કોમ્પ્લીકેશન થયું..હું ફરી એમને ડૉક્ટર માનસેતાને મળી..જો કે દવાઓથી સારું થઈ ગયું પણ પછી તારી સાથેનો સમય મારી સામે આવી ગયો.. …”

પણ તુંતા..”

સુશાંત તને એક રીક્વેસ્ટ કરું.. પ્લીઝ તું મને મારા જીવન બાબત કોઈ પ્રશ્નો ના પૂછીશ..કારણ કે ક્યાં તો હું જવાબ નહીં આપું અથવા ખોટા જવાબ આપીશઅને બાબત મને કનડશે અને કાંતો તને દુઃખ થશે..”

બંને જણા થોડો સમય મૌન થઈ ગયાસુશાંતથી એક નિશ્વાસ નખાઈ ગયો.. સંપદાએ એની આંગળીઓ સુશાંતના વાળમાં પરોવી દીધી.

સુશાંતઆઈ સોરી…. બટ…”

ઇટ્સ કેમને હવે ઘણી બધી બાબતોની આદત પડી ગઈ છે..”

ઘણીવાર આપણને સમય સાથ આપી જાય છે..મારી સાથે પણ એમ થયું.. એક દિવસ મને મન થયું હોટેલ અને રૂમ જોવાનું અને અહીં એક દિવસ રહેવાનું….. હું તો આવી ગઈ અહીં અને આજ રૂમમાં એક દિવસ રોકાઈ અને ભરપૂર સાંત્વના સાથે પાછી ઘરે ગઈ..મારા મનમાં એક સ્પાર્ક થયો અને મેં આના વિષે તપાસ કરી..તો જાણ્યું કે હોટેલ વેચવાની છે..”

સુશાંતનાં ચહેરાના ભાવો બદલી ગયાએક મોજું આવ્યું લાગણીનું અને સુશાંતે, સંપદાના ઢીંચણ પર માથું ટેકવી દીધું…..સંપદાએ પાણી આપ્યું

મેં મારા હસબન્ડને વાત કરી….વાત શું જિદ્દ કરી..પૈસાનો તો પ્રશ્ન હતો નહીં ..આખરે ડીલ સેટલ થઈ અને હોટેલ મારા નામે ખરીદાઈ. હું એની માલકિન બની ગઈ. મેં એનું નામ પણ બદલી ને મારું નામ આપ્યું લાલચે કે તારા ધ્યાનમાં આવે અને તું મને અહીં મળે..થોડો સમય થયો છે મારે હોટેલની માલિક બને..

“…………………”

પણ સુશાંત તું અહીં અચાનક કેવી રીતે આવ્યો.. ??”

સંપદા તેં હમણાં તો કહ્યુંને કે કેટલીકવાર સમય આપણને સાથ આપી જાય છે. આજે કયો દિવસ છે તને ખબર છે? આજે એજ દિવસ છે જ્યારે વર્ષો પહેલા તારું ઓપરેશન થયેલું અને હોટેલમાં અને આજ રૂમમાં આપણે રોકાયાં હતાં..યાદ છે તને..???”

હા

દર વર્ષે દિવસે હું અહીં આવું છું અને સાચું કહું હજુ આજે પણ હું તને એજ સ્વરૂપે અહીં પામી શકું છું….. ભલે મારી ભ્રાંતિ હોય કે પછી મારી આત્મછલના હોય. બે ચાર દિવસ રોકાઈને એક જુઠ્ઠા સંતોષ સાથે પાછો ચાલ્યો જાઉં છું. ખરેખર તો હું મારી જાત સાથે છલ કરતો હતો પણ તેમ છતાંય કોણ જાણે મને ઊંડેઊંડે અટલ વિશ્વાસ હતો કે તું મને ક્યારેક તો મળીશ જરૂર મળીશ

સુશાંત…” અવાજમાં ભીનાશ આવી ગઈ..

” …………………”

સુશાંત તને ખબર છે આજના દિવસ માટે રૂમ કોઈને પણ નહીં આપવાની મારી સુચના હતી..”

કેમ

આજે હું આજ રૂમમાં આખો દિવસ રોકાવાની હતી….અહીં આરામ કરવાનું મેં નક્કી કર્યું હતું……કદાચ હું પણ તારી જેમ સમયને છળરૂપે જીવવા માંગતી હતી..”

તો….!!!!”

સવારે રીસેપ્શનીસ્ટે મને ફોન પર કહ્યું કે કોઈ જેન્ટલમેન આજ રૂમ માટે આગ્રહ કરે છે ત્યારે અનાયાસ મારાથી નામ પૂછાઈ ગયું. જ્યારે મેં નામ સાંભળ્યું ત્યારે તો હું પણ છળી ગઈ…..અને મેં તરતજ રૂમ આપવાની હા પાડી દીધી..”

સંપદા….સાચું કહું..! તું મારી પાસેથી ગઈ અને આજે મળી વચ્ચેનો સમય.. મારી એકલતાના સમયે મને સતત અસંખ્ય સર્પદંશની વેદના આપી છે. તારો અભાવતારા વિનાનો ખાલીપો, સતત મારા મન પર તરતો રહ્યો છે અને હું જાણે મારા જીવનનો બોજ ઊંચકીને ફરી રહ્યો છું, ઢસડાઈ રહ્યો છું.. “

સુશાંત, પ્લીઝ એવું નહીં બોલ મારાથી સહન નથી થતું.. “

સંપદા ..”

સુશાંત ..”

રૂમ નંબર ૨૬૯ ભીના શ્વાસોથી ભરાઈ ગયો.. 

                                                                         XXXXXXX 

વિજય ઠક્કર

vijaythakkar55@gmail.com

લખ્યા તારીખ: February 7, 2018 @ 10.00 PM (EST)

shabdo : 2131 

Advertisements

ધબકાર……

મરીન ડ્રાઈવનાં દરિયા કિનારે આવેલા એક મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ પાસે આવીને ટૅક્સી થોભી. નકુલ ટૅક્સીમાંથી ઊતર્યો અને ભાડુંચૂકવીને એના પાઉચમાંથી વિઝીટીંગ કાર્ડ કાઢીને એડ્રેસ ચેક કરવા માંડ્યો.

અશ્મા દીવાનજી

સુપ્રેડ્સ, ૧૫મો માળ, સાંનિધ્ય, મરીન ડ્રાઈવ.

સાચી જગ્યાએ પહોંચ્યાની ખાતરી થતા નકુલ એલિવેટર તરફ ગયો. મન વિચારોમાં ધૂંધવાતું હતું. જેને મળવા જઈ રહ્યો છે એ કેવાં હશે ? કેવો પ્રતિભાવ મળશે..? કોઈ અપમાનજનક વ્યવહાર તો નહિ કરે ને? મનમાં દ્વિધા હતી… પગ પાછા પડતા હતા પણ તરત પપ્પાનો ચહેરો નજર સામે આવતો એટલે બમણા વેગથી પગ ચાલવા માંડતાં. હાઈસ્પીડ એલિવેટર હતું એટલે ૪૦ સેકન્ડ્સમાંતો એ પહોંચી ગયો ૧૫મા માળે. એલિવેટરનું ડોર ખૂલતાં સામેજ એક ભવ્ય ઓફીસ “સુપ્રેડ્સ” દેખાઈ. ગ્લાસડોર પુશ કરીને અંદર પ્રવેશ્યો. રિસેપ્શન કાઉન્ટર ડાબી બાજુએ હતું અને એના પર એક સુંદર રિસેપ્શનીસ્ટ હતી મર્સી જે કોઈકની સાથે ફોન પર વાત કરતી  હતી અને પેન્સિલથી કશુંક લખી રહી હતી. નકુલ એની ડેસ્ક પાસે જઈને ઊભો રહી ગયો… જોકે એના હાવભાવ અને એની બોડી મુવમેન્ટ પરથી એ ખૂબ ઉતાવળમાં હોય એમ લાગતું હતું. થોડી સેકન્ડ્સમાં ફોન પત્યો અને રીસેપ્શનીસ્ટે પૂછ્યું…” હાઉ મે આઈ હેલ્પ યુ સર..?”

“મારે અશ્મા દીવાનજીને મળવું છે અને એ પણ એકદમ અર્જન્ટ “

“સોરી સર, અત્યારે આપ એમને નહીં મળી શકો…મૅડમ અત્યારે એક ઈમ્પોર્ટન્ટ મીટિંગમાં છે…આપને વેઇટ કરવું પડશે થોડો સમય…”

“કેટલો સમય..?”

“આઈ કે’ન્ટ સે સર…”

“મે’મ ઇટ્સ એન ઇમર્જન્સી…”

“હું સમજુ છું સર બટ ઇટ્સ વેરી ઈમ્પોર્ટન્ટ બિઝનેસ મીટિંગ ગોઈંગ ઓન…આઈ રીયલી કાન્ટ હેલ્પ યુ સર…”

“અરે મૅડમ કોઈકની જિંદગીનો સવાલ છે….આ…આ.અ…આપ પ્લીઝ એમને કહેશો કે અમદાવાદથી નકુલ વૈષ્ણવ એમને મળવા આવ્યા છે…”

બહુ જ વિનંતી પછી રિસેપ્શનીસ્ટે ઇન્ટરકોમ પર અશ્મા સાથે વાત કરી.

“મૅડમ, નકુલ વૈષ્ણવ અમદાવાદથી આવ્યા છે અને એ તમને મળવા માંગે છે”

“————“

“મૅડમ એમને અર્જન્ટ કામ છે એવું કહે છે… એ કહે છે ઇટ્સ એન ઈમરજ્ન્સી”

“————“

“આપને થોડો સમય રાહ તો જોવી જ પડશે મી.નકુલ….”

“આપ બેસો વેઇટિંગ એરીયામાં એન્ડ વ્હોટ વુડ યુ લાઈક ટુ હેવ મિસ્ટર નકુલ ?  ટી-કોફી..?”

“કાંઈ પણ…”

હતાશ થઈ ગયો નકુલ, અને પહેલાં તો શું કરવું એ જ એને સમજાતું નહોતું. થાકીને સામે વેઈટીંગ એરીયામાં સોફા પર જઈને ફસડાયો. આંખો બંધ કરીને કશાક વિચારમાં ખોવાઈ ગયો…અને પાછી થોડીવારે વિચારતન્દ્રા તૂટી અને એની બેચેની એકદમ વધી ગઈ.

રિસેપ્શનીસ્ટ એક ટ્રે માં સર્વિસ ટી અને બિસ્કુટ લઈ આવી.

ઘડીઘડીમાં એ કૉન્ફરન્સ રૂમના ડોર તરફ એક દયામણી નજર નાખ્યા કરતો હતો. બહુ વિમાસણમાં હતો. વળતી ફ્લાઈટમાં અશ્માને લઈને અમદાવાદ પહોંચવાનું હતું. હજુતો એ અશ્માને મળી પણ શક્યો નથી અને મળ્યા પછી પણ એ અમદાવાદ આવવા સંમત થશે કે કેમ એ પણ ખબર નથી. અશ્મા પણ નકુલ વૈષ્ણવનું નામ સાંભળીને એકદમ બેચેન બની ગઈ હતી. શું થયું હશે અચાનક કેમ નકુલ આવ્યો હશે..? આ એક અત્યંત અગત્યની બિઝનેસ મીટિંગ પણ એનાથી તાત્કાલિક છોડી શકાય એમ નથી. અસમંજસમાં હતી. માંડમાંડ અરધો કલાકમાં મીટિંગ પૂરી કરીને અશ્મા કૉન્ફરન્સ રૂમમાંથી ઇન્ટરનલ ડોરમાંથી સીધી એની ચેમ્બરમાં ગઈ. ઇન્ટરકોમ પર નકુલને અંદર મોકલવા સૂચના આપી. રિસેપ્શનીસ્ટ એની પાસે આવી અને કહ્યું : “મી.નકુલ યુ મે પ્લીઝ ગો ઇન… મે’મ ઈઝ વેઈટીંગ ફોર યુ”

નકુલ એકદમ કુદકો મારીને ઊભો થઈ ગયો અને સડસડાટ ચેમ્બર પાસે પહોંચીને દરવાજો નોક કર્યો.      ”પ્લીઝ કમ ઇન” અંદરથી અવાજ આવ્યો.

અંદર જવા સુધીની એની છટપટાહટ એકદમ શાંત થઈ ગઈ… ચેમ્બરમાં જઈને નકુલ તદ્દન સુશીલ અને નમ્ર બની ગયો…સામે જે ઠસ્સાદાર સ્ત્રી, નામે અશ્મા દીવાનજી બેઠી હતી એની ઓરા જ કંઈક એવી હતી કે એની સામે આવનાર ગમે એવી નામના કે મોભાવાળી વ્યક્તિ કેમ ના હોય પણ એ આ સ્ત્રીના પ્રભાવમાં આવી જ જાય. નકુલ પણ બે ક્ષણ એ વ્યક્તિત્વને જોઈ જ રહ્યો. મધ્યમસર ની ઉંચાઈ, થોડુંક ભરાવદાર શરીર અને સહેજ શ્યામળો વાન.. લંબચોરસ ચહેરો અને અર્ધ ચન્દ્રના આકારની એની હડપચી, નાક પર ડાબી બાજુએ એક નાનકડો કાળો મસો એની સુંદરતામાં અનેકઘણો વધારો કરતો હતો. સામાન્ય કરતાં સહેજ મોટું કપાળ અને એમાં બે ભ્રમરો વચ્ચે એક નાની બિંદી. શોલ્ડર સુધીના ગોલ્ડન હાઈલાઈટ્સ કરેલા બોબ હેર અશ્માના આકર્ષક ચહેરાની સુંદરતામાં ખૂબ મહત્વનો હિસ્સો હતા અને એ સુંદરતામાં પાછો વધારો કરતા હતા એના ડિઝાઈનર ગ્લાસીસ. સ્લીવલેસ બ્લાઉઝ અને પારસી કિનાર લગાવેલી સફેદ ફૂલોની ડીઝાઈન વાળી ડ્રાય કરેલી પિંક શાહજાદી અવરગંડી સાડીમાં મૅડમ અશ્મા દીવાનજીનો ઠસ્સો જ કાંઈક અલગ હતો.

નકુલને એમણે બેસવા કહ્યું. નકુલ ચેરમાં ઉભડક બેઠો એટલે અશ્માએ ફરી એને શાંતિથી બેસવા કહ્યું. નકુલ સ્તબ્ધ હતો અને અશ્માને જોઈ રહ્યો હતો….

“હેલ્લો નકુલ…!” એને બોલાવીને વિચારોમાંથી એને બહાર લાવ્યા.

“યે…યે….યેસ્સ …હેલ્લો મે’મ…? થોથવાવા માંડ્યો.

અશ્માએ એને સામે પડેલા ગ્લાસમાંથી થોડું પાણી પીવા કહ્યું.. એક ઘૂંટો પાણી પીધા પછી એ થોડો સ્વસ્થ થયો.

“મે’મ આઈ’મ નકુલ વૈષ્ણવ, ફ્રોમ અમદાવાદ”

“હા, હું ઓળખી ગઈ તમને…તમે રાજના દીકરા છો રાઈટ…?? પણ કેમ અચાનક અહીં આવ્યા…? એવું તો શું થયું..? અને હા…મર્સીએ મને કહ્યું કે કશીક ઇમર્જન્સી છે… શું થયું.. ??? બધું ઓલરાઈટ તો છે ને..??”

“ના…નો…નો મે’મ નથી બધું ઓલરાઈટ”

અશ્મા પણ નકુલને જોઇને વિચારતી હતી…કેવો છે એકદમ ફૂટડો યુવાન…!! એક ક્ષણમાં તો એને બીજા પણ અનેક વિચારો આવી ગયાં…જોતી રહી નકુલને અને વિચારતી રહી…બિલકુલ રાજની જ પ્રતિકૃતિ.

નકુલે આશ્માની વિચારતન્દ્રાને તોડતાં કહ્યું “મે’મ …પપ્પા સિરિયસ છે..”

“શુંઊઊઊઊ….??? ઓહ માય ગોડ…શું થયું રાજને…?????” એકદમ અધીરતાથી એણે પૂછ્યું….

“સિવિયર હાર્ટઍટેક..!!!”

અશ્મા કશું બોલી ના શકી પણ આંખોમાં પાણીનું એક પડળ બાઝી ગયું…

“મે’મ મમ્મીએ મને ખાસ તમને લેવા મોકલ્યા છે.”

“હીરે….????? આર યુ સિરિયસ..???” અશ્માથી એકદમ આશ્ચર્ય વ્યક્ત થઈ ગયું.

“હા….મમ્મીએ મને મોકલ્યો છે”

“પણ એ કેવી રીતે શક્ય છે નકુલ..?”

“આંટી ગઈકાલે સવારે પપ્પાને ઍટેક આવ્યો. હોસ્પિટલમાં એડમીટ કર્યા…” નકુલે હવે એને આંટીથી સંબોધવા માંડી પણ એ ફેરફાર કોઈના ધ્યાને ના આવ્યો.

“શું કહે છે ડૉક્ટર..? એના અવાજમાં ચિંતા સ્પષ્ટ વર્તાતી હતી.

“પરિસ્થિતિ એકદમ નાજુક છે… પપ્પાજી ને બહુ તકલીફ થતી હતી પણ આખા દિવસની સારવાર પછી સાંજે એમને કંઈક ઠીક લાગ્યું. રાત્રે હું અને મમ્મા એમની પાસે આઈસીયુમાં બેઠા હતા..પપ્પા અર્ધ ભાનમાં હતા. મમ્મી ખૂબ ચિંતામાં હતી. મમ્મીનો હાથ એકદમ ભીંસીને પકડી રાખ્યો હતો પપ્પાએ…. આંખોમાંથી સતત આંસુ વહ્યે જતા હતા. મમ્મીએ એમને પૂછ્યું ”શું થાય છે રાજ..? કશું કહેવું છે..??”

“હા હીર ….મારી એક વાત માનીશ…??”

“હા બોલ રાજ શું કરવું છે તારે..?”

પપ્પાથી બોલી શકાતું પણ નહતું એકદમ ત્રૂટકત્રૂટક શબ્દો ધીરા અવાજે બોલતા હતા.

“હીર, એકવાર પ્લીઝ અશ્માને બોલાવી આપીશ ..??

મમ્મીને ખચકાટ થયો પણ પરિસ્થિતિ ખૂબ નાજુક હતી…મમ્મી કશું બોલી નહિ પણ એની આંખમાંથી આંસુ વહી આવ્યા….પપ્પા એની આંખના આંસુ લૂછવા હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કર્યો પણ એમ ના કરી શક્યા…શરીરમાં એટલી તાકાત હતી જ નહિ. મમ્મીએ એમના માથા પર હાથ ફેરવ્યો એમના ચહેરા પર હાથ ફેરવ્યો… એમના સતત વહી રહેલા આંસું લૂછ્યા…

“હીર…મને ખબર છે કે હવે હું જીવવાનો નથી… અશ્માને બોલાવ…. છેલ્લી વાર એને પણ જોઈ લઉં….”

“પપ્પા એટલું જ બોલ્યા અને બેહોશ થઈ ગયા. તરત જ ડૉક્ટરને બોલાવ્યા. ડોક્ટરોએ એમને સહેજ પણ શ્રમ ના પડે એમ કરવા કહ્યું. અમે બહુ ચિંતામાં હતા.”

અશ્મા એને સાંભળી રહી હતી… ગળગળી થઈ ગઈ…રાજે એની આ અત્યંત નાજુક પરિસ્થિતિમાં પણ એને યાદ કરી….અને એના ચિત્તમાં અથડાવા લાગ્યું રાજનું એ છેલ્લું વાક્ય “ અશ્મા પ્લીઝ તું આવું ના કર મારી સાથે… અશ્મા પ્લીઝ્…..પ્લીઝ…. તું તો મારા જીવનનો ધબકાર છું…હું નહિ જીવી શકું તારા વગર…નહિ જીવી શકું હું….તારા વગર…..” સતત પડઘાયા કરતું રહ્યું એ વાક્ય અને એને રાજ સાથે બનેલી એ ઘટના તરફ અને રાજના એના માટેના વલોપાત તરફ લઈ ગયું….એના સમગ્ર અસ્ત્તિવને હલબલાવી ગયું. વિચારશૂન્ય અવસ્થામાં આવી ગઈ.. નકુલ થોડીવારતો બોલતો રહ્યો પણ પછી એને ખ્યાલ આવતા એણે અશ્માને બોલાવ્યાં..” આંટી…આંટી …”

અશ્મા એકદમ સભાન થઈ ગઈ…” હા..હા બોલ નકુલ…સોરી હું…” અશ્મા ખુલાસો કરવા ગઈ પણ એમ ના થઈ શક્યું. ટેબલ પર પડેલા ગ્લાસમાંથી એણે થોડું પાણી પીધું અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી. નકુલ એમની મન:સ્થિતિ પામી ગયો એટલે થોડીવાર એમની સામે જોઈ રહ્યો પછી સહેજ સ્વસ્થ થયાં એટલે ધીમેથી એમને બોલાવ્યા.

“આંટી, મેં રાત્રે મોમ ને પૂછ્યું કે કોણ છે આ અશ્મા ? પણ મોમ કોઈ જવાબ ના આપી શકી કે પછી એણે જવાબ આપવાનું ટાળ્યું… એકાદ કલાક પછી મોડી રાત્રે એણે મને બોલાવ્યો અને કહ્યું કે સવારની ફ્લાઈટમાં મુંબઈ જા અને અશ્માને અહીં પપ્પા પાસે લઈ આવ…”

“પ…પ…પણ મારું એડ્રેસ કેવી રીતે મળ્યું…?”

“પપ્પાના વર્કટેબલના ડ્રોઅરમાં એમનું કાર્ડહોલ્ડર પડ્યું હોય છે એવી મને ખબર હતી. હું ઘરે ગયો અને બધું ચેક કરતાં તમારું બિઝનેસ કાર્ડ એમાંથી મળ્યું. રાત્રે મારી જરૂરિયાતની વસ્તુઓ લઈને હું હોસ્પિટલ ગયો ત્યારે પણ પપ્પાની તબિયત ખૂબ નાજુક હતી. આંટી નીકળતી વખતે મમ્મીએ મને કહ્યું કે અશ્માને કહેજે કે એકવાર રાજને આવીને અચૂક મળી જાય…અને હા એમ પણ કહેજે કે મારા મનમાં એમના માટે કોઈ કડવાશ નથી કે નથી કોઈ ફરિયાદ..”

અશ્માની આંખોમાં પાણીની પરત બાઝી ગઈ. નકુલ મૂંઝવણમાં હતો. પણ થોડી ક્ષણો પછી એણે પૂછ્યું..”આંટી… આપ આવશો ને પ્લીઝ…? જો અત્યારેજ મારી સાથે આવો તો બહુ સારું…કદાચ પપ્પાજી તમારી જ રાહ જોઈ રહ્યા છે…!!!“ આટલું બોલતાતો નકુલના ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખો ભરાઈ આવી.

અશ્મા અસમંજસમાં પડી ગઈ. શું કરવું ? મન વિચારોના આટાપાટામાં અટવાયું. રાજ સાથેનો એનો સંબંધ…ભૂતકાળનો હીરનો એની સાથેનો વર્તાવ…હજુ તો થોડા મહિના પહેલા રાજને રીતસર અપમાનિત કરીને પોતાના ઘરમાંથી પાછો મોકલ્યો હતો અને કાયમને માટે એણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

એકબાજુ હીરના એની તરફના વર્તન બદલ ગુસ્સો અને નફરત હતા તો બીજી તરફ એણે રાજ સાથે કરેલા વર્તન બદલ ક્ષોભ હતો… એકબાજુ એ રાજ કે જેને એણે અનહદ ચાહ્યો હતો તો રાજે પણ એને છાતી ફાડીને પ્રેમ કર્યો હતો….અને એ રાજ, આજે અંતિમ શ્વાસ ગણી રહ્યો છે અને એની અંતિમ ક્ષણોમાં એને એની પાસે બોલાવે છે…હીરે પણ સમયનો તકાજો સમજીને નકુલને એને બોલાવવા અમદાવાદથી છેક મુંબઈ સુધી મોકલ્યો છે… એની ખરેખર જો ઈચ્છા ના જ હોત કે હું રાજને મળું તો એ મને ફોનથી પણ જાણ કરી શકી હોત…!!! તો હું હવે કેવી રીતે પાછી પાની કરી શકું..??? મનમાં વિચારોનું બવંડર જામ્યું.

અને એણે નિર્ધાર કરી લીધો.

“નકુલ…”

“હા, આંટી…બોલો…”

“હું આવું છું… આપણે સાથે જ જઈએ છીએ.”

“નકુલ ખુશ થઈ ગયો અને એના તરફ આભારની એક એવી દ્ગષ્ટિ નાંખી કે એ જોતાં અશ્માને એક જોરદાર ધ્રૂસકું આવી ગયું… રીતસર રડી પડી… અવાજ સાંભળીને મર્સી અંદર દોડી આવી. પાણી આપ્યું. એ કાંઈ સમજી તો નહિ પણ પ્રસંગની ગંભીરતા સમજી ગઈ. અશ્મા સહેજ શાંત થઈ. મર્સીને વહેલામાં વહેલી ફ્લાઇટ બુક કરવાની સૂચના આપી. બધી મીટિંગ પંદરેક દિવસ માટે મુલ્તવી રખાવી.. મેનેજરને બોલાવી બધી સૂચનાઓ આપી દીધી. અશ્મા અને નકુલ ઘરે જવા નીકળ્યા. ડ્રાયવરને વારંવાર ગાડી તેજ ચલાવવાની સૂચના આપતી હતી.. અત્યંત ક્ષુબ્ધ થઈ ગઈ હતી. જેટલી રફતારથી ગાડી દોડતી હતી એનાથી પણ વધારે ગતિએ અશ્મા અતીત તરફ ભાગતી હતી.

અશ્મા અને રાજ એક જ કંપનીના બે એક્ઝીક્યુટીવ્સ હતાં..એકબીજાની એકદમ નિકટ. બંનેના વિચારો…બંનેનું વિઝન, બંનેની કાર્યપધ્ધતી, બંનેનો એટીટ્યુડ, બંનેના ટેમ્પરામેન્ટ, બંનેના શોખ બધું સરખું… એકદમ સામ્ય. મિત્રોમાંથી સ્વજન બન્યાં, પરિણય પ્રણયમાં પરિણમ્યો. એકબીજા માટે વ્યસન બની ગયાં.

હીરને આ સંબંધની જાણ થઈ. એણે વિરોધ કર્યો… હીર કેવી રીતે સ્વીકારે અશ્માને એના અધિકારક્ષેત્રમાં..!!!  જે ના થવું જોઈએ તેજ થયું…જીદ પર આવી ગયા રાજ અને હીર. હીરે એ સંબંધને માન્ય ના જ રાખ્યો અને અશ્માએ અમદાવાદ છોડવું પડ્યું. મુંબઈમાં જઈને સેટલ થઈ. પોતાની એડ એજન્સી શરુ કરી. અત્યંત નાના પાયે શરુ થયેલી કમ્પની સમયાંતરે પ્રાઇવેટ લીમીટેડ કમ્પની બની ગઈ. રાજના અશ્મા સાથેના સંબંધમાં પૂર્ણવિરામ ના જ આવ્યું. એ અવારનવાર મુંબઈ આવતો અને એની સાથે જ એના ઘરે જ રોકાતો. અશ્મા એને સમજાવતી પણ રાજને અશ્માથી જુદા થવાનું મંજૂર હતું જ નહિ. રાજ અશ્માને કહેતો “ અશ્મા તું તો મારા જીવનનો ધબકાર છે. આપણે જો જુદા થઈશું તો એ મારા જીવનનો અંત હશે. “

થયું પણ એમજ. થોડા દિવસ પહેલાં રાજ મુંબઈ આવ્યો હતો. અશ્માએ એને બહુ સમજાવ્યો પણ એ ના સમજ્યો… છેવટે અશ્માએ રાજનું અપમાન કરીને એને કહ્યું “ રાજ હવે પછી તું ક્યારેય મારી પાસે ના આવીશ અને હા મને તારી સાથેના આ સંબંધમાં જરાય રસ નથી.”

વિચારોમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ હતી કે નકુલે એને બોલાવવાનું પણ મુનાસિબ ના માન્યું. એક જોરદાર નિસાસો નીકળી ગયો..

“શું થયું આંટી ???”

“કશું નહિ ..બસ એતો એમજ “

નકુલ ફરી ચુપ થઈ ગયો. ગાડી સડસડાટ જઈ રહી હતી. ખાસ્સું એકાદ કલાકનું અંતર હતું. ફરી પાછી એજ વિચારોની ઘટમાળ… તે દિવસે રાજના ગયા પછી અશ્મા પણ ખૂબ દુઃખી થઈ હતી પણ એની પાસે બીજો કોઈ રસ્તો જ નહતો. એ ઘટના પછી થોડા દિવસે રાજનો ફોન પણ આવેલો પણ અશ્માએ એની સાથે વાત કરવાનો પણ ઇન્કાર કરી દીધો….પણ એને ક્યાં ખબર હતી રાજની મનોદશાની. ..!!!

ગાડી આવી ગઈ ઘર પાસે. અશ્મા પણ વિચારોમાંથી બહાર આવી.. નોકર પાસ ચ્હા-નાસ્તો તૈયાર કરાવ્યો. બંને જણે અનિચ્છાએ પણ થોડો નાસ્તો કર્યો. અશ્માએ એની બેગ તૈયાર કરી દીધી અને તરત એરપોર્ટ જવા રવાના થયા.

****                ****                  ****

 

અમદાવાદની એક અત્યંત આધુનિક કોર્પોરેટ હોસ્પિટલમાં અશ્મા અને નકુલ જેવા પ્રવેશ્યાં કે અશ્માને શરીરમાં એક કમ્પન આવી ગયું. પગ પાછા પડવા માંડ્યા તો મન રાજ તરફ દોડતું હતું. આઈસીયુમાં પ્રવેશતા પહેલાં એણે નકુલને પાણી લાવી આપવા વિનંતી કરી. પાણીના બે ઘૂંટા ભર્યા પછી હિમ્મત એકઠી કરીને આઈસીયુમાં પ્રવેશ્યા. સામેના એક કોટ પર રાજ સૂતો હતો. ઓક્સિજન અને ડ્રીપની નળીઓ અને મોનીટરના વાયરોના ગૂંચળા વચ્ચે રાજ એના અસ્તિત્વ માટે જંગ લડી રહ્યો છે. અશ્માને જોતાં જ હીર એની પાસે આવી.

“આવ અશ્મા“

“————-”

“તે દિવસ તારી પાસેથી આવ્યા પછી રાજ બહુ અસ્વસ્થ થઈ ગયો હતો. ગઈકાલે આમતો બહુ અશક્ત હતો બોલી પણ નહોતો શકતો પણ તોય રાત્રે એણે મને બધી જ વાત કરી.

“એણે મને કહ્યું કે હીર હું તને ખૂબ પ્રેમ કરું છું અને તું મારા જીવનનો અવિભાજ્ય હિસ્સો છે તો અશ્મા પણ મારા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. હું અશ્મા વગર નહિ જીવી શકું હીર…પ્લીઝ તું અશ્માને બોલાવ…”  એટલું બોલતાંતો હીરને એક ડૂસકું આવી ગયું. એણે પાછું બોલવાનું શરુ કર્યું.

“એટલેજ મેં નકુલને તારી પાસે મોકલ્યો…હીરના આંસુ રોકાતા નહોતા…અશ્મા જો કે હિમ્મત એકઠી કરીને   આંસુને ખાળવાનો પ્રયત્ન કરતી હતી. હીરને નકુલ રૂમની બહાર લઈ ગયો. અશ્મા તો રાજના બેડની સામે ફર્શ પર જાણે જડાઈ ગઈ. જોયા કરતી હતી બેશુદ્ધ અવસ્થામાં કોઈ જાતના હલનચલન વગર પડી રહેલા રાજને. ધીમી ગતિએ ચાલી રહેલા એના શ્વાસ અને એકદમ કૃશ શરીર…આંખો ભરાઈ આવી પણ એણે સ્વસ્થતા જાળવી રાખી. થોડીવારે હીર રૂમમાં પાછી આવી ત્યારે પણ અશ્માતો દૂર ઊભી રહીને રાજને જોયા જ કરતી હતી. અશ્માનો હાથ પકડીને હીર એને રાજ પાસે લઈ ગઈ.

“રાજ….!” હીરે રાજને ધીરેથી બોલાવ્યો… બેત્રણ વાર બોલાવ્યો ત્યારે સહેજ આંખ ખોલી…

“જો રાજ કોણ આવ્યું છે…?” એ હીરની સામેજ જોઈ રહ્યો એટલે હીરે એને ફરી કહ્યું

“રાજ જો અશ્મા આવી છે…તું એને બોલાવતો હતો ને..?”

આંખો ફરી ઢળી ગઈ. અશ્માએ રાજને બોલાવ્યો…

“રાજ..!!”

અવાજ જાણે ઓળખાયો અને એણે આંખ ખોલી….અશ્માની સામે જોયું… સહેજ ચેતન આવ્યું…. અશ્મા હોવાની એને ખાતરી થઈ ત્યારે સહેજ હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કર્યો.. અશ્માએ એની હથેળીમાં હથેળી મૂકી…સ્પર્શ પામી ગયો…અને આંખોમાંથી દડદડાટ આંસુ વહી આવ્યા.

ધીમેધીમે બોલવાનો પ્રયત્ન કરતો હતો..”અશ્મા મેં તને કહ્યું હતું ને?” ત્રૂટકત્રૂટક વાક્ય બોલ્યો..

“શું રાજ..?”

બહુ શ્રમ પડતો હતો પણ પ્રયત્નપૂર્વક બોલ્યો…”હું તારા વગર નહિ જીવી શકું..!!!!”

“હા રાજ…”

અશ્મા પરાણે સ્વસ્થ રહેતી હતી..

“મારી પાસે બેસ ને…” અશ્મા એની બાજુમાં બેસી ગઈ….રાજની નજર હીરને શોધવા માંડી…હીર પણ એની પાસે આવી…બંને એની પાસે બેઠાં અને એના માથા પર અને શરીર પર હાથ ફેરવતા હતાં.

રાજે આંખો બંધ કરી દીધી…થોડી વારે એક ડચકું આવ્યું… ચહેરો ઢળી પડ્યો…

રાજ, ના-રાજ  થઈ ગયો…!!!

******

 

વિજય ઠક્કર

લખ્યા તારીખ: January 26th 2018 @ 1.39 AM 

શબ્દો: 2460   

 

 

1134 – મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’

વિનોદ વિહાર

૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’
એની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ

ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે “સાહિત્ય સંસદ” ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.

જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં…

View original post 127 more words

કાકલૂદી

રોહી છેલ્લા થોડા સમયથી સાવ બદલાઈ ગઈ છે….અત્યંત બેચેન રહે છે….. સ્વભાવ જ સાવ બદલાઈ ગયો છે. કોને ખબર શું થયું છે એને…? બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું છે પણ જો એ ભૂલથી પણ બોલી તો એનું વરવું સ્વરૂપ દેખાય ..બધાની ઉપર ગુસ્સાય…તોછડાવેડા કરે…અને પછી એને ભાન ના રહે કે સામે કોણ છે. એ પછી સાસુ-સસરા હોય કે પછી એનો વર હોય. શરીર પણ સાવ ક્ષીણ થઈ ગયું છે….વજન ઘણું ઊતરી ગયું છે. ચહેરા પરથી નૂર ઊડી ગયું છે આંખો ઊંડી ઊતરી ગઈ છે અને આંખોની નીચે એકદમ કાળા કુંડાળા થઈ ગયા છે.

બે વર્ષ પહેલાની આરોહી અને આજની આરોહી માં આસમાન જમીનનો તફાવત આવી ગયો છે. એને જે લોકો પહેલેથી ઓળખે છે એ લોકો તો માનવા જ તૈયાર નથી કે આ આરોહી છે. પરણીને સાસરે અહીં અમેરિકા આવી ત્યારે શરૂઆતમાં તો એણે ગંભીરતા ઓઢી લીધી પણ પરાણે ઓઢેલી ગંભીરતા ઝાઝું ટકી નહિ. એ તો થઈ ગઈ પહેલા જેવી ઊછળતી કૂદતી અને ઉત્સાહથી છલકાતી મૃગલી જેવી.ઘરમાં તો બધાં એને ખૂબ પ્રેમ કરતા અને અત્યંત વહાલથી રાખતા કારણ એ એકના એક દીકરાની પત્ની છે.
જો કે છેલ્લા થોડા સમયથી એનામાં આવેલું પરિવર્તન બધાંને ખટકતું હતું…સૌના માટે એ ચિંતાનો વિષય હતો. આ એ પહેલાંની આરોહી છે જ નહી આ તો અવરોહી બની ગઈ જાણે….!!!!
આવું કેમ થયું હશે…!!! કોઈને કશી જ ખબર નથી. ઘરમાં તો બધું એકદમ સરસ અને તદ્દન નૉર્મલ વાતાવરણ છે. અત્યંત ધાર્મિક છતાં થોડો વધારે રૂઢિચુસ્ત અને સુખી સંપન્ન પરિવાર છે. શાશ્વત આઈ. ટી પ્રોફેશનલ છે અને ન્યૂયોર્કમાં જૉબ કરે છે. બહુ સારી જૉબ છે અને સારું કમાય છે. આરોહીના સસરા પણ અહીંની ઇન્ડિયન કમ્યુનીટીમાં આગળ પડતું નામ છે…ખૂબ મોટા બિઝનેસ ઓનર છે… મોટેલ્સ અને બીજા અનેક બિઝનેસમાં એ સંકળાયેલા છે. એના સાસુ પણ ખૂબ ભણેલા અને વર્કિંગ વુમન છે. ઇન્ડિયામાં કૉલેજમાં પ્રોફેસર હતાં અને અહીં આવ્યા પછી પરિવારના બિઝનેસમાં ઈક્વલ હિસ્સો લેતાં અને ઈક્વલ હિસ્સેદાર પણ હતાં. આમ આખો પરિવાર એડ્યુકેટેડ છે સંસ્કારી છે ધાર્મિક છે અને સુખી સંપન્ન છે. સાસુ સસરા બન્ને માયાળુ અને સાલસ સ્વભાવના છે. શાશ્વત પણ એટલો જ વિનમ્ર ખાનદાન અને અત્યંત મિતભાષી છે.

તો પછી શું થયું આરોહી ને ..? કેમ થયું આવું..એની સાથે…??? કયો બોજ વેંઢારી રહી છે આરોહી..? એવું તો શું છે એના મનમાં કે એના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું..?
આરોહી પણ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરીને ઇન્ડિયાથી આવી છે. શરુશરૂમાં પપ્પાની સાથે બિઝનેસમાં જોડાઈ તો ખરી પણ બહુ મજા ના આવી એટલે આગળ ભણવાનું શરુ કર્યું. થોડો સમય એ પણ ઠીક ચાલ્યું અને પછી તો ભણવામાંથી પણ રસ ઊડી ગયો. હવે તો બસ સાવ સુનમુન થઈ ગઈ છે. એવું પણ ન હતું કે એને ઘરમાં કોઈ તકલીફ હતી…. કે પછી શાશ્વત સાથે મનમેળ ન હતો.. પરિસ્થિતિ તો એ હતી કે શાશ્વત વગર તો એ સાવ પાગલ જેવી થઈ જાય અરે શાશ્વત ઑફિસમાં સહેજ મોડો થાય તોય એ એકદમ વિહ્વળ થઈ જાય અને હવે એ પરિસ્થિતિ પલટાઈ છે. છેલ્લા થોડા સમયથી એ શાશ્વત સાથે પણ ઉદ્ધત વર્તન કરવા લાગી હતી. શાશ્વત અત્યંત ધીર ગંભીર હતો એટલે એણે આરોહીને સાચવવાનો ભરપૂર પ્રયાસ કર્યો…. એની તકલીફ જાણવાનો પણ બહુ પ્રયત્ન કર્યો પણ સઘળું વ્યર્થ. એનું વર્તન વધુ ને વધુ બેહૂદું બનવા માંડ્યું. શાશ્વત હવે કંટાળી ગયો હતો અને હવે તો એ પણ ધીરજ ગુમાવી બેઠો હતો. એક દિવસ એણે કંટાળીને ઇન્ડિયા આરોહીના પાપા-મમ્મી સાથે વાત કરી. કૉન્ફરન્સ કોલ હતો જેમાં એક છેડે આરોહીના મમ્મી પપ્પા હતા બીજા છેડે શાશ્વત અને ત્રીજા છેડે હતી આરોહી.
“ શું થયું છે બેટા..? કેમ તું આમ કરે છે ..? તારી તબિયત તો સારી છે ને ? આજે પહેલીવાર શાશ્વતે તારી તબિયત વિષે વાત કરી…બેટા. અમને તો બહુ ચિંતા થાય છે તારી દીકરા. “
“મારી ચિંતા ના કરશો મમ્મા… અને પ્લીઝ તું પપ્પાનું ધ્યાન રાખજે.”
“ બેટા તું અમારી ચિંતા ના કર.. અમે તો સારા જ છીએ. શાશ્વતે બધું કહ્યા પછી અમને તો તારી બહુ ચિંતા થવા માંડી. !”
“……………….”
બંને છેડે નિઃશબ્દતા છવાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ વીતી અને પછી પપ્પાએ કહ્યું “ એવું હોય તો બેટા થોડો વખત તું અહીં આવી ને રહે બે- એક મહિના માટે”
“ના… પપ્પા મારા વગર શાશ્વત એકલો પડી જાય અને હું એને એકલો મૂકીને આવી જ ના શકું.
આરોહી અને શાશ્વત આમ તો અવારનવાર મમ્મી –પપ્પા સાથે ઇન્ડિયા વાત કરતાં પણ આજની વાત થી ત્રણેય છેડે ઉચાટ હતો. ત્રણેય છેડે અજંપો હતો તો ત્રણેય છેડે આશ્વાસન પણ હતું.. પપ્પા-મમ્મીને થયું ચાલો બીજું તો જે કંઈ પણ હશે તો તેની તો દવા થશે …એટલું સારું છે કે એ બે વચ્ચે મનમોટાવ નથી. શાશ્વતનાં મનમાં તો વળી કશીક ગંભીર ગડમથલ ચાલી રહી હતી કે કદાચ આરોહીનું મન એનાથી ભરાઈ ગયું હોય અને ક્યાંક બીજે……!!!! પણ આજે એનાં મનનું પણ સમાધાન થઇ ગયું. આરોહીને પણ થયું કે બધાં એની કેટલી કાળજી લે છે અને એ દુનિયામાં એકલી નથી માં-બાપ પતિ સૌ એના માટે ચિંતિત છે.

શાશ્વત અને અરોહીનું આંતરજ્ઞાતીય લગ્ન હતું અને આજે ત્રણ વર્ષ થયાં લગ્ન થયે.
શાશ્વતના મમ્મી પપ્પાએ એના લગ્ન માટે અમદાવાદના અખબારોમાં જાહેરખબર આપેલી અને એ રીતે એ બે પરિવારો ભેગા થયેલાં. શાશ્વત આરોહીને એકમેક પસંદ પડ્યા અને લગ્ન લેવાયા. એક નિકટવર્તી સંબંધ પ્રસ્થાપિત થયો આ બે પરિવારો વચ્ચે. મધ્યમવર્ગીય પરિવારની દીકરી આરોહી ખૂબ જ સુંદર હતી, ભણેલી હતી, સંસ્કારી હતી અને ચબરાક હતી. લગ્નવિધિ માટે શાશ્વતના ઘણાંબધાં સંબંધીઓ અમેરિકાથી અમદાવાદ ગયાં અને બંને પરિવારની પ્રતિષ્ઠાને છાજે એવી રીતે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યાં. લગ્ન કરીને શાશ્વત અમેરિકા આવી ગયો અને થોડા સમયમાં આરોહી પણ આવી ગઈ સાસરે….અમેરિકા.
ખૂબ ખુશ હતો શાશ્વત અને આરોહીનો આનંદ પણ સમાતો નહતો.
અત્યંત ઉત્તેજના સાથે હનીમૂન મનાવ્યું… બે મન અને બે તન એક થઈ ગયાં. એકમેકના આશ્લેષમાં રાત પણ દખલ નહોતી દેતી…જાણે ખૂબ લાંબી હતી એ રાત. વહેલી પરોઢે સહેજ આંખ મીંચાઈ. આરોહીને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
સવારે ઉઠતાંની સાથે શાશ્વતે આરોહીના હાથમાં એક બોક્સ મૂક્યું.
“ શું છે આ શાશ્વત..?”
“તું જ જોઈ લે…”
શાશ્વત એને પાછળથી વીંટાઈ ગયો હતો અને ઘડીઘડીમાં આરોહીને ‘કિસ’ કરતો હતો… એના શરીરની એના વાળની ઊંડા શ્વાસે ખુશ્બુ લેતો હતો….મનથી અને શરીરથી તરબતર થતો હતો.
આરોહીએ બૉક્સ ખોલ્યું… અંદરથી મખમલે મઢેલી એક ચાવી નીકળી…કારની એ ચાવી હતી… આરોહી તો આભી બનીને જોઈ જ રહી અને ચાવીને હાથમાં પંપાળતી રહી…આંખોમાં એક પાતળું પાણીનું પડળ આવી ગયું…ઝાંય વળવા માંડી…
”શું…શું. છે અ..અ..અ..આ..શેની ચાવી છે શાશ્વત…..?”
“ધીસ ઈઝ અ હનીમૂન ગિફ્ટ ફોર માય જાન….”
“ઓ…ઓ…માય…ગોઓઓ….ડ..!!!!!”
“ યેસ ડાર્લિંગ આ તારી નવીનક્કોર મર્સીડીસ બેન્ઝ ની ચાવી છે… અને તારી કાર નીચે આપણા ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી છે.” એકદમ ચુસ્ત રીતે ભેટી પડી શાશ્વતને…ભીંસી નાખ્યો એના બે હાથથી એને અને એના હોઠ..એનું કપાળ..એની આંખો…એનો આખો ચહેરો ભીનો ભીનો કરી નાંખ્યો…. એની બે હથેળીઓ વચ્ચે એનો ચહેરો પકડીને કહ્યું…” થેન્ક્સ શાસ…માય લવ…”
“ નો પ્રૉબ્લેમ બેબી….આઈ લવ યુ સો મચ..”
“ શાસ… હું તને જીંદગીનું તમામ સુખ આપવાનો પ્રયત્ન કરીશ …”
“ હું પણ બેબી….લવ યુ…લવ યુ…લવ યુ….”

                                               ***** ***** *****

આરોહીને ડૉક્ટરને બતાવ્યું…તમામ ટેસ્ટ્સ કરાવ્યા પણ પરિણામ શૂન્ય… ડોકટરે તો કહ્યું કે એ તદ્દન નોર્મલ છે. કોઈ વ્યાધી નથી શરીરમાં. એમણે એમના ચાર્ટમાં પણ નોંધ મૂકી અને ફક્ત વાઈટામીન્સ અને કૅલ્શિયમ ઓરલી લેવા માટે રેકમન્ડ કર્યું.
જો કે આરોહીના વર્તન કે વ્યવહારમાં કોઈ ફરક નથી આવ્યો. હવે એના બંને પરિવારોએ એમનાથી થઈ શકે તે બધું કરવા માંડ્યું. આયુર્વેદ અને જ્યોતિષ અને ભૂવા અને તાંત્રિકો નો સહારો લીધો…કેટકેટલી બાધા આખડી…અને નિયમ-ધરમ… બધું બધુંજ કરવા માંડ્યા. ડૂબતો માણસ તરણું પકડે એમ જે કાંઈ ઉપચાર કો’ક દેખાડે એ કરે…પણ બધું વ્યર્થ. જેમજેમ સમય પસાર થતો ગયો એમ એનામાં એકદમ ચિડીયાપણું વધવા માંડ્યું. શાશ્વત પણ હવે તો એનાથી કંટાળી ગયો હતો. એને બોલાવે તો આરોહી ફક્ત હમ…હા….ના….અહં…આવા એકાક્ષરી જવાબ આપે.
લગ્ન થયા ત્યારની અને અત્યારની એમના દામ્પત્યજીવનની તાસીર બદલાઈ ગઈ… અત્યંત નાજુક મોડ પર આવી ગઈ છે વાત. બિલકુલ સંવાદવિહીન પરિસ્થિતિ છે. સુખના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે. ક્યારેક વિચારતો મારે કેટલા બધા સુખી થવું હતું…બીજા બધાં કરતાં વધારે સુખી થવું હતું ને..!!! ક્યાં શક્ય બન્યું એ..??? હાય કિસ્મત… તો વળી ક્યારેક એને આરોહી સાથે થયેલા સંવાદ યાદ આવી જતાં અને આંખો ભીની થઈ જતી.
“ આરોહી…તું કેમ મને બહુ પ્રેમ કરે છે હે…? તું કેટલી બધી સુંદર છે… આ તારી આંખો.. એમાં ડૂબવાનું….તણાવાનું અને ભીંજાવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આઈ’મ સો લકી…બેબી..”
“શાસ… આઈ લવ યુ…. મારા બહુ વખાણ નહી કર…શાશ્વત આ જીંદગી એક એવો ખેલ છે ને કે જેમાં ક્યારેક જીતેલી બાજી હારી જવાય છે તો વળી ક્યારેક હારેલી બાજી પણ જીતી જવાય છે. જીવન વિષે કોઈ જ અટકળો કરવા જેવી નથી હોતી..શાસ..”
શાશ્વત ક્યારેક યાદોનાં ઘોડાપૂરમાં તણાતો અને જ્યારે તેમાંથી બહાર આવતો ત્યારે એજ નિરાશા અને એજ નિશ્વાસ. ત્રણ વર્ષમાં તો બધું વેરવિખેર થવા માંડ્યું. અંતે એને એની સંમતિથી થોડો વખત ઇન્ડિયા મમ્મી-પપ્પા પાસે મોકલવાનું નક્કી થયું. જતી વખતે આરોહી શાશ્વતને વળગીને બસ એટલું બોલી “ શાસ…તારું ધ્યાન રાખજે અને મને જલદી જલદી લેવા આવજે હોં…મને તારા વગર નહિ ગમે. મને માફ કરજે શાસ હું..હું તને બહુ દુઃખી કરી ને જાઉં છું.”

                            *****                           *****                               *****

“ આરોહી શું થયું છે તને..હેં..? કેમ સાવ આવી થઈ ગઈ છે..તું..??”

“ …………………”

“ આરોહી તું મને ઓળખે છે ? હું સર્જક છું તારો દોસ્ત..”

“………………….”

ઇન્ડિયા આવ્યા પછી પરિસ્થિતિમાં ઝાઝો ફેર ના પડ્યો.

                           *****                                *****                              *****

સર્જક આરોહીનો નાનપણનો દોસ્ત હતો. બંને સાથે ભણેલા સાથે ઊછરેલા…ખૂબ મસ્તી ખૂબ મજાક અને ખૂબ તોફાનો કરતા. બેઉ જણા જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી સાથે ને સાથે હોય. સ્કૂલ પૂરી થઈ અને કૉલેજમાં ગયા પછી થોડા દૂર થયા પણ એ તો શારીરિક અંતર જ વધ્યું હતું પણ માનસિક નિકટતા તો એટલી જ અને એવી જ…!!!! એમના માટે બધા એમ કહેતા કે “ આ તો બેઉ જોડિયાં છે.” તો વળી કોઈ એમ કહે કે “ બેઉ ને પરણાવી દો એટલે રહેશે આખી જીંદગી બેઉ એકબીજાની સાથે.”
બહુ સામ્ય હતું બંનેની આદતોમાં, સ્વભાવમાં અરે નવાઈની વાત તો એ હતી કે એ બંને નું બ્લડ ગ્રૂપ પણ એક હતું અને તે પણ બહુ જવલ્લેજ જોવા મળતું ‘એબી નેગેટિવ’
સર્જકને ભણવા માટે બહારગામ એડમીશન મળ્યું અને એ રોજ બસમાં અપ ડાઉન કરતો. કમનસીબે એક દિવસ કૉલેજ જતા એને એકસીડન્ટ થયો…બહુ સિવિયર ઍક્સિડન્ટ હતો અને સર્જકને બહુ સીરીયસ ઇન્જરી હતી અને એની હાલત પણ એકદમ સીરીયસ હતી. આખા બોડીમાં એને મલ્ટીપલ ઇન્જરીઝ હતી એટલે તાત્કાલિક અમદાવાદ ખસેડ્યો…ઇમર્જન્સીમાં ઓપરેશન કરવું પડ્યું. બ્લડ લોસ ખૂબ હતો એટલે એને બ્લડ ચડાવવાની જરૂર પડી. આરોહી એની પાછળ જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. તાત્કાલિક એ ડૉક્ટર પાસે ગઈ અને ડૉક્ટરને કહ્યું” ડૉક્ટર સાહેબ સર્જકને માટે જેટલું બ્લડ જોઈએ એટલું મારા શરીરમાંથી લઈ લો ..પણ મારા આ દોસ્ત સર્જકને કશું ના થવા દેશો પ્લીઝ ડૉક્ટર…! સાહેબ મારા શરીરમાંથી ટીપેટીપું લોહી લઈ લો પણ એને પ્લીઝ બચાવી લો… ડૉક્ટર સાહેબ.”
નસીબ સંજોગે સર્જક બચી ગયો.. ધીમે ધીમે તબિયત પણ સુધારવા માંડી. આરોહી રોજે સવાર સાંજ એની પાસે જતી અને એને કંપની આપતી. તે દિવસે આરોહી અને સર્જક બેઠા હતા અને એટલામાં ત્યાં સર્જકના મમ્મી ત્યાં આવી પહોંચ્યાં. થોડી ઘણી આડીતેડી વાતો થઈ અને સર્જકના મામ્મીએ કહ્યું “ સર્જક તને ખબર છે આ અરોહીનો તારા પર બહુ મોટો ઉપકાર છે….જો એ ના હોત તો શું થાત..? એ દિવસે તારા બ્લડ ગ્રૂપનું બ્લડ મળતું જ નહતું ત્યારે આરોહીએ ડૉક્ટરને કહ્યું કે “મારા શરીરમાંથી ટીપેટીપું લોહી લઈ લો પણ મારા દોસ્તને બચાવો..” સર્જકની આંખો ઊભરાઈ ગઈ. સર્જકે આરોહીનો હાથ પોતાના હાથમાં લઈ અને ચૂમી લીધો. ક્યાંય સુધી સુધી કોઈ કશું બોલી શકયું નહી. બહુવાર પછી આરોહીએ કહ્યું ..”હું જાઉં સર્જક…??”
સહેજ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો અને એને જવાની પરવાનગી આપતા સર્જકે કહ્યું..” આરોહી મારા જીવન પર તારો પણ અધિકાર છે… હું તારા ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ…???

                      *****                                  *****                                *****

આરોહી પાછી આવી ત્યારથી સર્જકનો નિત્યક્રમ થઇ ગયેલો કે સાંઝે ઘરે જતી વખતે એ અચૂક એને મળવા આવતો….એની અનિચ્છાએ પણ એની સાથે વાતો કરતો એને ખુશ રાખવાનો એને હસાવવાનો પ્રયત્ન કરતો. ક્યારેક એ એની પત્ની ક્રિષ્નાને પણ લઈ આવતો થોડો સમય વિતતા હવે ધીરેધીરે આરોહી એની સાથે ખૂલવા લાગી.
ક્રિશ્ના થોડા દિવસ માટે એને પિયર ગયી છે એટલે સર્જક હવે એકલોજ આવે છે. તે દિવસે આરોહી સુસ્ત થઈને બેડમાં પડી હતી અને સર્જક આવ્યો એને બેડમાંથી ઊભી કરી.
“ચાલ આરોહી આપણે ક્યાંક ફરવા જઈએ..બહાર ખુલ્લા વાતાવરણમાં થોડું ફરીએ.તું ઘરમાં કંટાળી હોઈશ…બહાર તને સારું લાગશે.”
“ સર્જક પ્લીઝ…”
“ શું થયું છે તને હેં આરોહી..? મને કહેને… શું તકલીફ છે તને..?? કેવી થઈ ગઈ છું તું ? અમેરિકા નથી ગમતું તને..?? શાશ્વત સાથે તો કોઈ પ્રૉબ્લેમ નથી ને..???”
“ ના એ તો મને બહુ પ્રેમ કરે છે. મમ્મી-પપ્પા પણ ખૂબ સારા છે અને મને બહુ સાચવે છે..”
“ તો…???? “
“એક વાત કહું સર્જક..??
“હા…બેઝીઝક કહે…એન્ડ પ્લીઝ રેસ્ટ એસ્યોર્ડ આરોહી….એ જે કાંઈ હશે તે આપણા બેની વચ્ચેજ રહેશે.”
સર્જક…મારો શાશ્વત મને બહુ વહાલો છે અને એ પણ મને બહુ જ પ્રેમ કરે છે. ખૂબ સજ્જન માણસ છે, હોશિયાર છે, અત્યંત સફળ પુરુષ છે.”
“ તો…????”
“ પણ મને જે જોઈએ છીએ તે શાશ્વત આપી શકે એમ નથી..”
“ એટલે..??” સર્જકને સહેજ અણસાર તો આવી ગયો પણ એણે આરોહીને જ બોલવા દીધું.
“શાશ્વતને એઝોસ્પર્મીયા છે….એનામાં બિલકુલ સ્પર્મ્સ નથી… આમ તો બિલકુલ નૉર્મલ છે પણ એ મને માં બનાવી શકવા સમર્થ નથી…”
“શાશ્વત આ વાત જાણે છે..??”
“ના…. હું અને મારા ડૉક્ટર બે જ આ વાત જાણીએ છીએ અને હવે તું ત્રીજો.”
એકદમ શાંતિ વ્યાપી ગઈ. બંને ચુપ હતા અને પોતપોતાના મન સાથે મથામણ કરતા હતાં.
“ મારા શાશ્વતને આ વાત ખબર પડશે ને તો એ તો સાવ તૂટી જશે…. નિયતિએ ચીપેલી બાજીમાં એક હોનહાર માણસ હારી જશે…એની આંખ સામે જ એ નીચો પડી જશે…એ દુનિયાનો તો સામનો કરતાં કરશે પણ એ મારો સામનો કેવી રીતે કરશે….હેં…!!! શાશ્વતમાં જરા જેટલોય હીનભાવ આવે એવું હું બિલકુલ નથી ઈચ્છતી સર્જક… મારો શાશ્વત કોઈ ગુનાઈત ભાવ લઈને જીવે એ મને મંજૂર નથી.”

“…………………..”

“ એ પુરુષ તરીકે તદ્દન નૉર્મલ છે પણ સત્વહીન..”
રસ્તા પર સુનમુન એ બે દોસ્ત પણ સાવ શાંત થઈ ગયા છે પણ તોય અનાયાસ એમના પગ ચાલતા જ રહ્યાં છે કેટલીયે વારે ઘરે આવ્યા…ઘરના ઝાંપા પાસે ઊભા રહી ગયાં.
“ સર્જક…!!!”
“ હમમમમ.. બોલ આરોહી…હું જાઉં !!!!“
“ના સર્જક થોભ થોડીવાર……સર્જક…સર્જ…..”
“ બોલને કેમ આમ થોથવાય છે…આરોહી..?
“સર્જક મને એક બાળક આપને….. સર્જક……..પ્લીઝ…મને માં બનવાનું સુખ આપને સર્જક…મને એક પૂર્ણ સ્ત્રી બનાવ સર્જક..પ્લીઝ..!!!
સર્જકના બંને હાથ પકડીને કાકલૂદી કરતી રહી આરોહી….

                       *****                         *****                                          *****

વિજય ઠક્કર
લખ્યા તારીખ : September 25th, 2017 @ 10.50 PM

 

 

માટીનું ઘર

ત્સુક નિરાશ વદને ઘરે આવ્યો.

અશક્તિ ખૂબ હતી અને થાક પણ ખૂબ હતો. છેલ્લા એકાદ મહિનાથી ઉત્સુક ઘરે હતો…જૉબ પર જઈ શકે એવી એની શારીરિક ક્ષમતા જ  ન હતી. માનસિક રીતે પણ એ ખૂબ ભાંગી પડ્યો હતો.

એષા તો એની ઓફીસ નિયમિત જતી હતી અને એ દિવસે પણ એ ઓફિસ ગઈ હતી. આમ પણ ઘરમાં એ બે જણતો હતાં અને એ પણ પાછાં જુદાજુદા. બંને વચ્ચે કોઈ વ્યવહાર કે કોઈ સંબંધ હતો નહિ. બંને ના રૂમ અલગ. બે પંખી એક છત નીચે જુદાજુદા માળામાં રહેતા હોય એમ આ બંને જણાએ પણ પોતાની જાતને અલગ અલગ રૂમમાં કેદ કરી લીધી હતી.

ઉત્સુક હજુ હમણાં જ  ડૉક્ટર નંદન ના કલીનીક પરથી ઘરે આવ્યો પણ નંદને કહેલા શબ્દ એને કોરી ખાતા હતા….એના પડઘા સતત એના કાનમાં ગુંજ્યા કરતા હતા. “ઓસ્ટીઓ સાર્કોમા“  એ શબ્દ જાણે કરોળિયાના મોઢામાંથી નીકળતી લાળની જેમ એના અસ્તિત્વની આસપાસ એક અભેદ્ય જાળું વણી રહ્યો હતો.

” ઉત્સુક યુ આર સફરિંગ ફ્રોમ ઓસ્ટીઓ સાર્કોમા…”

“એટલે..??? નંદન એ તું શું બોલ્યો.. ઓસ્ટીઓ…??? હું કશું સમજ્યો નહિ…

“હા, ઓસ્ટીઓ સાર્કોમા.. અને હા તારે એ અત્યારે સમજવાની જરૂર પણ નથી. જીવનમાં કેવા કેવા પડકારો સામે આવે છે એની માણસને કાંઈ ખબર નથી પડતી…પણ જો તારે સમજવું જ  હોયને ઉત્સુક દોસ્ત તો હું જે વાત કહું તે તું ધ્યાનથી સાંભળ. જીવનનો જે બચ્યોખુચ્યો સમય આપણી પાસે હોય તો તેને શા માટે નફરત કે કડવાશમાં વેડફી નાંખવો.

“ એટલે..?”

ઘડીઘડીમાં ”યુ આર સફરિંગ ફ્રોમ ઓસ્ટીઓ સાર્કોમા…” એ શબ્દ ના પ્રહાર એના કાનમાં થતા હતા. નંદન અને ઉત્સુક બંને ખૂબ સારા દોસ્ત હતા અને બંનેને એકબીજાને કશું પણ કહેવાનો હક અને અધિકાર હતો.

“ નંદન મારે એષાની બાબતમાં કશું સાંભળવું નથી…અને એતો તું મને અનેક વખત કહી ચૂક્યો છે ને નંદન ..? એષા ની સાથેનો મારો સંબંધ કેટલાંય વર્ષ પહેલાં પૂરો થઇ ગયો છે.  હા, અમે એક છત નીચે રહીએ છીએ પણ એ તો ધર્મશાળાના મુસાફરની જેમ.”

“ઉત્સુક કંઈક સમજવાની કોશિશ કર. …પ્લીઝ દોસ્ત..”

આટલી વાતચીત કરતાંતો ઉત્સુક થાકી ગયો.. એને હાંફ ચડી ગયો…અને હાંફતા હાંફતા બોલ્યો… “નંદન પણ મને કહે તો ખરો કે આ ઓસ્ટીઓ સાર્કોમાં છે શું ?”

સાંભળવું છે તારે.. ? તો સાંભળ. તને હાડકાંનું કૅન્સર છે….અને હવે ધીમેધીમે આખા શરીરમાં એ  પ્રસરી રહ્યું છે. દોસ્ત એટલે તને કહું છું તું એષા સાથે સમાધાન કરી લે.”

નંદન ની વાત પર બહુ ધ્યાન આપ્યા વગર ઉત્સુક કલીનીક પરથી નીકળી ગયો. રીક્ષામાં ઘરે આવ્યો પણ ઓસ્ટીઓ સાર્કોમાં એનો પીછો છોડતું ન હતું. ઘરે આવ્યો પણ એના એજ વિચારો ઘુમરાયા કરતા હતા. પલંગમાં સૂતો …છત આખી ગોળગોળ ફરતી હતી. સમાધાન….કડવાશ…. ઓસ્ટીઓ સાર્કોમા….નફરત… આ બધા શબ્દ રૂમમાં પડઘાયા કરતા હતા… વિચારોમાં જ ઊંઘ ક્યારે આવી ગઈ એની એને ખબર જ  ના રહી. આંખ ખૂલી ત્યારે પાંચ વાગ્યા હતા. ક્યાંય સુધી પથારીમાં પડ્યો રહ્યો….ઊઠવાના હોશ જ ન હતા. ફરી પાછો નંદને એના મગજનો કબજો લઈ લીધો અને જાણે હવે તો આદેશ કરવા લાગ્યો કે “ જા ઉત્સુક જા… એષાને બોલાવ…. એની સાથે સુલેહ કરી લે…. એમાં જ તારું અને એનું ભલું છે…દોસ્ત, પ્લીઝ મારી વાત માન… હવે તારી પાસે બહુ સમય નથી.”

એક બાજુ અહમ્ છે જે છૂટતો નથી અને બીજી બાજુ જીવન નો અંત છે… જે બહુ નજીક છે….

મન અફળાતું રહ્યું….મન જીવનની કિતાબનાં પાનાં ઉથલાવવા માંડ્યું.

એષાની સાથે લગ્ન થયાં…અત્યંત રોમાંચક હતો સમય. કેવાં ગળાડૂબ હતા બંને એકબીજાના પ્રેમમાં !! શરૂઆતનાં બે-ચાર વર્ષ તો કેવાં મજાનાં પસાર થયાં પણ પછી ધીરેધીરે ઉત્સુકનું મન એષા તરફથી ભરાવા માંડ્યું….એનું મન ક્યાંક બીજે પરોવાયું.

આ અંતર માટે.. આ વિખવાદ માટે કદાચ જવાબદાર બન્ને હતાં, પરંતુ ઉત્સુકે તરત જ એનું મન બીજે ઠેકાણે પરોવી દીધું. શરૂઆત થઇ ગઈ સંઘર્ષની…શરૂઆત થઇ ગઈ ક્લેશ-કંકાસની. અંતર વધવા માંડ્યું. સહઅસ્તિત્વ અશક્ય બની ગયું. એષાને એણે કહ્યું: “આપણે હવે સાથે રહી શકીએ એમ નથી…ચાલ આપણે છૂટા પડી જઈએ…પછી તારી જિંદગી તું જીવ અને મારી હું. આપણું સહજીવન હવે શક્ય નથી.

એષા ખૂબ જિદ્દી હતી એણે ઉત્સુકને કહ્યું…. “મારી જિંદગીની હવે તું ફિકર ના કરીશ ઉત્સુક…

અને રહી વાત ડિવોર્સની…? તો સાંભળી લે ઉત્સુક…. હું કાયદેસર તારી પત્ની છું અને હું જીવીશ ત્યાં સુધી તારી પત્નીનો અધિકાર હું છોડવાની નથી. તારે મારી સાથે જ રહેવું પડશે. હું તને ડિવોર્સ પણ નહિ આપું અને તને કોઈની સાથે પણ નહિ રહેવા દઉં… આ મારો અફર નિર્ણય છે.”

બસ ત્યારથી લઈને અબઘડી સુધી બંને આમ તો સાવ અડોઅડ પણ તોયે જોજનો દૂર. નથી સંબંધ નજર મિલાવવાનો કે નથી સંબંધ સંવાદનો. કેટલાં બધાં વર્ષ વીતી ગયાં…!!!

ઉત્સુકના જીવનમાં આવેલી સ્ત્રીઓ…ક્યાંકથી મળેલો બેસુમાર પ્રેમ તો ક્યાંકથી મળેલી પારાવાર નફરત… તો વળી ક્યાંકથી મળેલી જીવનની સમજણ….એ બધાજ ચહેરાઓએ આપેલો પ્રેમ,હૂંફ,અને ભરોસો તથા વિષાદ,વિખવાદ અને વિડમ્બના, એ બધું સ્મૃતિમાં આવતાં મન આળું થઇ ગયું. જો કે હવે ક્યાં કોઈ છે જ એના જીવનમાં. એષાનાં દૂર થવા પછી આવેલા લોકો અને આ બધાંજ વર્ષોમાં બનેલી ઘટનાઓ કોઈ પણ અનુક્રમ વગર જેમની તેમ ઉત્સુકની નજર સામે આવતી ગઈ… જાણે બાઈસ્કોપમાં ફિલ્મ જોતો હોય એવું લાગતું હતું. બહુ ઓછી ઘટના જોવાઈ કે જેનાથી આનંદાયું હોય…અને બહુ વધારે પ્રસંગ દુઃખકારી  અને પીડાકારી જોવાયાં.

ફરી પાછા નંદનના શબ્દો પડઘાયા. “ જા ઉત્સુક જા… એષાને બોલાવ…. એની સાથે સુલેહ કરી લે…. એમાં જ તારું અને એનું ભલું છે…દોસ્ત, પ્લીઝ મારી વાત માન… હવે તારી પાસે બહુ સમય નથી.” ઉત્સુકનાં મનમાં ગુનાઈત ભાવ આવી ગયો..પણ તેમ છતાં એનો અહમ્ એને એષા પાસે જતા રોકતો હતો. હવે જીવનમાં અન્ય કોઈ ત્રીજું નથી… છે તો એષા અને એ પોતે. એ જ સત્ય અને એજ વાસ્તવિકતા. મન ને  એ તરફ પાછા જવા એ તૈયાર કરતો હતો અને ક્યારે આંખ મળી ગઈ ખબર ના રહી. થોડીવારે જ્યારે આંખ ખુલી ત્યારે એષા ના રૂમમાં લાઇટ ચાલુ હતી. ક્યાંય સુધી એ તરફ નજર મંડાયેલી રહી. જાણે કોઈક અણસાર મળે એની પ્રતિક્ષા કરતો હતો.

વ્યર્થ…. બહુ વિચારને અંતે સહેજ ગભરાતા ગભરાતા એ ઉભો થયો અને એષા ના રૂમ તરફ ગયો.

જીવનની આ તે કેવી વિડમ્બના ..? હેં….!!!  એક સમયે હાથમાંથી હાથ છૂટતો ન હતો, બેધડક એકબીજાના આશ્લેષમાં સમાઈ જતા હતાં અને એ સહિયારા શ્વાસોની એક સરગમ બની જતી હતી અને આજે…???? આજે એજ મન અને અસ્તિત્વ એકમેકથી જોજનો દૂર થઇ ગયાં છે….પડછાયો પણ દઝાડશે તો નહિ ને એવો સંશય થયા કરે છે.

બારણું અંદર થી બંધ હતું… બે-ત્રણ ટકોરા માર્યા.

“કોણ…!!” વિલંબિત લયમાં એષાનો અવાજ આવ્યો. ઘરમાં એ બે સિવાય અન્ય કોઈ હતું જ નહિ પણ તેમ છતાં પૂછવું પડ્યું. જોકે પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ એણે બારણું તો ખોલ્યું ..

“શું હતું..??”

“એષા, મારે તારી સાથે થોડી વાત કરવી છે.’

“અંદર આવો… તમારી તબિયત તો સારી છે ને .. ???”

ધીમેધીમે એ પલંગ પર જઈ ને બેઠો… સામે એષા ખુરશી પર બેઠી. ક્ષણો પસાર થતી રહી કોઈ કશું બોલતું ન હતું. ઉત્સુકને જાણે કોઈક અપરિચિત ને ત્યાં આવ્યો હોય એવી લાગણી થતી હતી. સામેના ટેબલ પર એક ફોટોફ્રેમમાં એનો ફોટો હજુ પણ મોજૂદ હતો અને એની નજર એ ફોટા પર સ્થિર થઇ ગઈ અને એ બોલ્યો..” એષા…” આજે નામ બોલતા પણ પોતાની જાતને પહેલાં તૈયાર કરવી પડે છે.

“ એષા… હું નંદન પાસે ગયો હતો…”

“કેમ શું થયું…?”

“છેલ્લા એકાદ મહિનાથી ઠીક નથી એટલે ઘણાં બધા ટેસ્ટ્સ અને ઈન્વેસ્ટીગેશન્સ કર્યા..”

“શું કહ્યું નંદને…?”

“કંઈ ખાસ નહીં ..”

એષાના મો પરના હાવભાવમાં કોઈ ખાસ ફરક ના આવ્યો. થોડીવાર ચૂપ રહી પછી ઉત્સુકે કહ્યું:

“ઓસ્ટીઓ સાર્કોમા છે…”  એનો અવાજ  સહેજ ભીનો થઇ ગયો.

“એટલે ..??”

“હાડકાંનું કૅન્સર…. શરીરમાં પ્રસરવા માંડ્યું  છે.”

એષાના મો પર હવે સહેજ ચિંતા દેખાઈ….પણ નજરો મળતી ન હતી.

“તો હવે… દવા…??”

“ચાલુ જ છે …પ..પણ હવે કોઈ અર્થ નથી એષા….”

“એટલે..???”હવે અંત બહુ જ નજીક છે એષા…”

એષા થડકી ગઈ….. એના હાવભાવ બદલાઈ ગયા..

“એષા, હું દયા કે સહાનુભુતિ મેળવવા તારી પાસે નથી આવ્યો… “

એષાએ પહેલીવાર આજે એની સામે જોયું. અસમંજસમાં હતી…શું કરવું ..શું કહેવું …? કશુંજ નક્કી કરી શકતી ન હતી.

“ હું…હું ભૂતકાળની કડવાશ અને નફરતમાંથી મુક્તિ મેળવવા આવ્યો છું. એષા… મારી વાત સાંભળી લે અને પછી પણ તારી ઇચ્છા નહીં હોય તો આપણે અત્યારે જીવીએ છીએ એમ જીવીશું.”

આટલું બોલતા તો એને થાક લાગી ગયો…શ્વાસ ચડવા માંડ્યો.

“તું..ત..મે…..તું..ત…તું..” સંબોધન કરવાની ગડમથલ ચાલી… પાણી લઈ આવી અને એને પાણી આપ્યું. ગ્લાસ પકડતાં ઉત્સુકે પ્રયત્નપૂર્વક એષાના  હાથ પર હાથ મૂક્યો. એષાએ ના તો કોઈ પ્રતિભાવ આપ્યો કે ના તો પ્રતિકાર કર્યો. હાથ ખસેડવાનો પ્રયત્ન સુધ્ધા ના કર્યો.

“એષા તારી પાસે બેસવાની લાયકાત તો મેં ક્યારનીયે ગુમાવી દીધી છે…. પણ…”

એક જબરદસ્ત નિ:સાસો નાખ્યો.

“એક વિનંતી કરું એષા…?? શક્ય હોય તો મારી પાસે બેસને પ્લીઝ…. “

એષા પણ જાણે આજ તક ની તો વર્ષોથી રાહ જોતી હતી….હાથમાં પાણીનો ગ્લાસ પકડીને ઉત્સુકની બાજુમાં પલંગ પર બેસી ગઈ. કોઈક અધૂરપ જાણે એને એમ કરવા પ્રેરતી હતી. ગ્લાસ એણે બાજુમાં ટીપોઈ પર મૂકયો. અને બેસી રહી… બેમાંથી કોઈ કશું બોલતું નથી… થોડીવારે ઉત્સુકે ઈશાનો હાથ એના હાથમાં લીધો…અને ક્યાંય સુધી એને પંપાળતો રહ્યો. એષા એ જરા સરખોય ઇનકાર ના કર્યો…

“એષા…આપણા સંબંધના સમીકરણને આજે હું ફરી ઉકેલવા માંગુ છું …જો ક્યાંક વળી સાચો જવાબ મળી જાય .“

ઉત્સુક ગળગળો થઇ ગયો…ગળામાં અને આંખમાં ભીનાશ આવી ગઈ…

“એષા ચાહે તો તું મને માફ કરજે અને નહીં તો પ્લીઝ મને નફરત તો ના જ કરીશ એષા… મારા અંત સમયે હું તારી માફી માંગુ છું…મારી ભ્રમરવૃત્તિએ મને હવે સાચેજ ભ્રમર જેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે…માટીના ઘરમાં હું કેદ અને એમાંથી બહાર આવવાના કોઈ જ દ્વાર રહ્યા નથી… બસ હવે તો અંત…”

આટલું બોલતા તો ઉત્સુક જોરથી રડી પડ્યો… એષાનો હાથ એની આંખો તરફ આગળ વધ્યો…આંસુ લૂછ્યાં પણ એષાની રુક્ષ થઇ ગયેલી આંખો એક પણ પાણીનું ટીપું બહાર આવવા દેતી ન હતી….કદાચ એની આંખમાં આંસુ બચ્યાં જ નથી.

“એષા…!!”

“હમમમ“એષાએ એની સામે જોયું…એના રુક્ષ ચહેરા પર હવે થોડી નરમાશ આવી….

“મારા શરૂઆતના સંબંધની તો તને ખબર હતી જ… ત્યાંથી મને ખૂબ પ્રેમ મળ્યો….પણ એક વળાંક પર આવી ને કેવી રીતે છૂટા પડી ગયાં એની ખબર ના પડી.”

એષા સાંભળતી જ રહી.

“ એક મધ્યાંતર આવ્યો અને ફરી પાછું મારું મન ક્યાંક બીજે જઈને બેઠું. થોડાજ વખતમાં ત્યાંથી મને જાકારો મળ્યો…ભરપૂર નફરત મળી….શું કરતો હું…??  ખૂબ એકલો પડી ગયો અને એ એકલતાએ મને અંદરથી કોરી ખાધો…કેટલીયે વાર થયું ફરી પાછો તારી પાસે આવું પણ ત્યારે મારો અહમ્ મારા અસ્તિત્વ પર હાવી થઇ જતો હતો….મને બહુ રોક્યો…પણ એક વાત કહું એષા..?  મને મનમાં એક આશા તો જરૂર હતી અને સાચું કહું તો વિશ્વાસ પણ હતો કે તું મને તારા બે હાથની વચ્ચે મને તારા આશ્લેષમાં ફરી પાછો સમાવી લઈશ…”

એષાની આંખો સહેજ ભીની થઇ…

“ કદાચ તને લાગે કે અંત સમયની મારી જરૂરિયાતોથી પ્રેરાઈને હું તારી પાસે આવ્યો છું …પણ…”

“પણ…શું પણ.  ?? ”’

“એષા તું સંપૂર્ણ મુક્ત છે અને મારે તો મારાજ કર્મ ની સજા ભોગવવાની છે. જિંદગીની ભુલભુલામણીમાં હું તો ભટકી ગયો હતો. અંત સમયે માંડમાંડ એમાંથી મને નંદન બહાર ખેંચી લાવ્યો.”

બિલકુલ શાંતિ પ્રસરી ગઈ…કોઈ એક હરફ પણ ઉચ્ચારતું ન હતું. થોડીવારે ઉત્સુક બોલ્યો:

“ એષા….બહુ થાક લાગ્યો છે મને …ત…ત..તારા ખોળામાં આરામ મળશે…એષ….??”

“……………………”

એષા એ ઉત્સુકનું માથું એનાં ખોળામાં લીધું અને એના વાળમાં આંગળીઓ પરોવી દીધી…એના આંસુથી એનો ખોળો અને ઉત્સુકનું માથું ભીંજાતા રહ્યા..

**************

વિજય ઠક્કર

July 20, 2017 @ 3.45 PM 

 

 

તારે આવવાનું છે….

તરૂપા ઘસઘસાટ ઊંઘતી હતી. એરકન્ડીશનની ઠંડકમાં રાત ક્યાં પસાર થઇ જતી હતી એની ખબરજ નથી પડતી. આખા દિવસના કામના થાક પછી પણ જો મન ક્યાંક વિચારોમાં અટવાયું ને તો ખલાસ પછી તો આખી રાત પડખાં ઘસતાંજ કાઢવી પડતી.

આજે પણ કંઈક એવું જ થયુંને શતરુપાની સાથે..!  મોડી રાત સુધી ઊંઘ ના આવી… લીવીંગ રૂમમાં આવીને એણે ટીવી ઓન કર્યું…પણ ટીવી માં પણ મન લાગ્યું નહિ…ક્યાંય સુધી ચેનલ બદલ્યા કરી. મન કશામાં લાગતું જ નહોતું…કંટાળી અને કોણ જાણે એને શું થયું કે હાથમાંથી રીમોટનો છુટ્ટુો ઘા કર્યો… સામે દીવાલ પર  રીમોટ અથડાયો અને એના બધાંજ પુર્જા છૂટા પડી ગયા… અને એ રીમોટનાં વેરવિખેર અવશેષને જોતી બેસી રહી…બસ એમને એમજ… ખબર જ નહોતી પડતી કે એને શું થઇ રહ્યું છે..!! કોઈક અદ્દશ્ય પીડાને કારણે એનો જીવ બળ્યા કરતો હતો…જો કે હમણાં તાજેતરમાં તો એવું કશું જ બન્યું પણ નથી…કે નથી થયો કંકાસ… બધુંજ સમુસુતરું ચાલ્યા કરે છે તો પછી આ થાય છે શું…??? કાઈંજ ખબર નથી પડતી…કેમ આમ મનમાં કશોક રઘવાટ, કશીક છુપી ચિંતા થયા કરે છે. ક્યાંય સુધી સુનમુન બેસી રહી. આવડા મોટા ઘરમાં એકલું એકલું લાગતું હતું…

પ્રક્ષાલ અમેરિકા એક કૉન્ફરન્સ એટેન્ડ કરવા ગયો છે ત્રણ દિવસની કૉન્ફરન્સ પતાવીને અમેરિકામાં થોડું ફરીને આવશે. એક નાનકડું વૅકેશન પ્લાન કરીને ગયો છે. એક અઠવાડિયું તો થઇ ગયું અને હજુ બીજાં દસેક દિવસ લાગશે એને પાછા આવવામાં. પ્રક્ષાલ એકનો એક દીકરો છે શતરુપાનો.

શતરૂપા અને પ્રક્ષાલે જબરદસ્ત નામ ઊભું કર્યું છે બેવરેજીસના બિઝનેસમાં. શતરુપાએ બિલકુલ નાના પાયે શરુ કરેલો બિઝનેસ પ્રક્ષાલે ખૂબ વિકસાવ્યો. પાંચ વર્ષમાં તો ખૂબ વિકસ્યો બિઝનેસ અને વળી પાછું એમાં શુભાંગી જોડાઈ. એકાદ વર્ષ પહેલાં આસીસ્ટન્ટ મૅનેજર તરીકે શુભાંગી જોડાઈ અને એ પણ ખૂબ લગનથી કામ કરતી હતી. એની નિષ્ઠા અને મહેનત દાદ માંગી લે તેવાં હતાં. શુભાંગીએ પોતાની આવડત લગન અને પ્રામાણીકતાથી  શતરૂપા અને પ્રક્ષાલનાં દિલ જીતી લીધાં એટલુંજ નહિ એ હદે વિશ્વાસ સંપાદન કરી લીધો કે અમેરિકામાં મળેલી ગ્લોબલ સૉફ્ટ ડ્રીન્કસ મેન્યુફેકચરર્સની કોન્ફરન્સમાં શતરૂપાએ એને ખૂબ આગ્રહ કરીને પ્રક્ષાલને આસિસ્ટ કરવા મોકલી.

અત્યારે રાતના ત્રણ વાગ્યા છે. મન પણ વિક્ષુબ્ધ હતું એટલે આંખ મીચાતી ન હતી અને મોડીરાત સુધી પડખાં ઘસતી રહી….પણ એને ઊંઘ આવી નહીં. કશુંક વાંચવાનો પ્રયત્ન પણ કરી જોયો પણ વ્યર્થ. છેવટે કંટાળી ને બેડમાંથી ઉભી થઇ અને વોર્ડરોબમાં છેક ખૂણામાં એનાં કપડાંની પાછળ સંતાડીને મૂકી રાખેલી ગ્લેનફીડીચ સિંગલ માલ્ટ વ્હીસ્કીનો જાર કાઢીને લઈ આવી. કિચનમાં જઈ ક્રૉકરી શેલ્ફ માંથી એક અત્યંત સુંદર વ્હીસ્કી ગ્લાસ અને ફ્રીઝ ના આઇસ ડિસ્પેન્સરમાંથી આઇસ લીધો. લાર્જ પેગ ઓન ધ રોક્સ બનાવીને બેડરુમમાં મુકેલી રોકિંગ ચેરમાં ગોઠવાઈ ગઈ શતરૂપા. ઝૂલવા લાગી… બેડરુમમાં મદ્ધિમ બ્લૂ કલરનું અજવાળું હતું. ડ્રીંક લેવાની શરૂઆત કરતાં પહેલાં સ્ટીરીયો પર એની ખૂબ ગમતી બેગમ અખ્તરની ગાયેલી ગઝલ મૂકી..’ “અય મહોબ્બત તેરે અંજામ પે રોના આયા” રોકિંગ ચેર પર બેસીને ઝૂલતાં ઝૂલતાં સીપ લેવા માંડી..ગઝલ પૂરી થાય એટલે ફરી ફરી એજ ગઝલ વગાડતી હતી…શરાબ પેટમાં ઉતરવા સાથે ધીમેધીમે મનની સતહ બદલાવા માંડી…. આંખોનાં પોપચાં શીથીલ થવા માંડ્યાં..એક આખું ડ્રીંક પૂરું થયું અને શતરૂપાએ ઉભા થઇ ફરી એવું જ એક બીજું લાર્જ ડ્રીંક બનાવ્યુ અને એજ વખતે ગવાયું:

“યું તો હર શામ ઉમ્મીદ્દો મેં ગુજર જાતી થી..આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા.”

ખૂબ ઇમોશનલ થઈ ગઈ શતરૂપા. ઘરમાં બીજું કોઈ હતું નહિ કે જે એના આંસુ લુછી શકે. એમ કરતાં ક્યારે આંખ મીંચાઈ ગઈ.

પ્રક્ષાલનો ફોન આવશે એ અપેક્ષામાં જાગતી રહી અને અનાયાસ મનમાં કોઈક એવા ભાવ ઉભરી આવ્યા કે એની ઊંઘ પણ જતી રહી અને મનનું ચેન પણ અને એટલે આજે ઘણાં સમય પછી એણે ડ્રીંક કર્યું છેવટે વહેલી સવારે ફોન આવ્યો. ખૂબ રીંગો વાગી પણ શતરૂપાએ બે લાર્જ ડ્રીંક લીધેલાં એટલે એને ફોનની રિંગ સંભળાઈ નહિ પણ સામે છેડેથી વારંવારના પ્રયત્નથી છેવટે શતરૂપાએ ફોન રીસીવ કર્યો.

“હેલ્લો..”

“હેલ્લો…”ખૂબ ઘેરી ઊંઘમાંજ ફોન રીસીવ કર્યો.

“મમ્મા….”

“હાં…બોલ બેટા…” અવાજ થોડો તરડાયેલો અને લડખડાતો આવ્યો..

“હાં બોલ બેટા… હાઉ આર યુ મય સન..?”

“મજામાં છું મમ્મા …પણ તું કેમ છું…?

“ઠીક છું…બસ જો બેટા તારા વગર નથી ગમતું”

“ઓહ મમ્મા જો હું બહુ જલદી પાછો આવું છું….ઓ કે.. હા પણ મમ્મા તે ડ્રીંક કર્યું હતું !!”

“હા બેટા…. સાચું કહું તો તારા ફોનની બહુ રાહ જોઈ અને પછી….ઓ કે બેટા…. ડોન્ટ વરી એબાઉટ ધેટ… મને એ કહે કે કૉન્ફરન્સ કેવી રહી…?”

“મમ્મા કૉન્ફરન્સ તો શું કહું તને… ઇટ વોઝ સુપર્બ…. અરે મોમ સોપો પાડી દીધો છે આ વખતે કોન્ફરન્સમાં”

“અરે વાહ….પણ એ તો મને ખબર હતી જ બેટા કે તારું પ્રેઝન્ટેશન બહુ સરસ જ હશે….”

“પણ મોમ…”

“શું થયું બેટા..?” એને એકદમ ચિંતા થઇ આવી..

“અરે માય ડિયર મમ્મા તું આટલી ગભરાઈ કેમ જાય છે.. ? મોમ તારા માટે એક ગુડ ન્યૂઝ છે….”

“ગુડ ન્યૂઝ..!!!! એ વળી શું છે પાછું બેટા…? “

“મમ્મા તારો રાજયોગ શરુ થઇ ગયો છે એમ સમજ..”

“ પ્રક્ષાલ કશુંક સમજાય એવું બોલ બેટા..”

“ જો સાંભળ માં… સોફ્ટડ્રીન્કસના બિઝનેસમાં તું ટોપ પર આવી જઈશ … મીસીસ શતરૂપા વિલ બી અ ચેરપર્સન ઑફ ધ જાયન્ટ મલ્ટીનેશનલ કમ્પની.”

શતરૂપા અત્યાર સુધી બેડમાં સુતાસુતા વાત કરતી હતી પણ આ વાક્ય સાંભળીને એકદમ એક ઝાટકા સાથે બેઠી થઇ ગઈ. બે પાંચ સેકન્ડમાં તો એનું હૃદય એકદમ તેજ ગતિએ ધબકવા માંડ્યું. એકબાજુ એકદમ ખુશી છે તો બીજી બાજુ ચિંતા કે ક્યાંક આ છોકરાએ મહત્વાકાંક્ષામાં ક્યાંક મોટું જોખમ ના ઉઠાવી લીધું હોય.

“ પ્રક્ષાલ…. મને સમજાય એવું કંઈક બોલ …. “

“જો માં હું તને સમજાવું. આપણે એક અમેરિકન કમ્પની સાથે કોલાબરેશન કર્યું છે. હજુ હમણાંજ  ડોક્યુમેન્ટ્સ  સાઈન કર્યા અને તરત તને ફોન કર્યો.”

“પણ આ બધું થયું કેવી રીતે બેટા…??”

“એ બધી વાત વિગતવાર હું ત્યાં આવી ને કરીશ મમ્મા, પણ એ બધી કમાલ શુભાંગીની છે.”

“અરે વાહ બેટા…કોન્ગ્રેચ્યુલેશન્સ તને અને શુભાંગીને..અરે હા ક્યાં છે શુભાંગી..?? તું શુભાંગીને ફોન આપ” .”હેલો મેં’મ  ..!!”

“બોલ શુભાંગી…કેમ છે તું..? એન્ડ યેસ કોન્ગ્રેચ્યુલેશન્સ  એન્ડ થેન્ક્સ ફોર વ્હોટ યુ હેવ ડન ફોર ધ કમ્પની “

“થેન્ક્સ મેડમ ….ઇટ્સ માય પ્લેઝર મેં’મ…”

“અને હા શુભાંગી, પ્રક્ષાલ બહુ ડ્રીંક તો નથી કરતોને ?”

“ના મેં’મ તમે ચિંતા નહિ કરતા …હી ઈઝ જસ્ટ ફાઇન”

“ઓ કે….તું પ્રક્ષાલ ને ફોન આપ તો..”

“યેસ મેં’મ “

“હાં બોલ માં…”

“બેટા કોઈ રિસ્ક તો નથી ને..?”

“ના મમ્મા કોઈ રિસ્ક નથી… આપણો મેજર સ્ટેક છે અને શુભાંગીએ બહુ કેરફુલી ડીલ કર્યું છે અને આપણા લૉયર ને પણ અમે અહીં થી કન્સલ્ટ કરી લીધા હતા….સો ડોન્ચ યુ વરી મા..”

“હા પણ તો વાંધો નહીં…કારણ તને ખબર છે ને બેટા આપણે કેવી રીતે આ જગ્યાએ પહોંચ્યા છીએ.”

“હા મમ્મા તું બિલકુલ ચિંતા ના કરીશ… બધું સારું જ થશે…. એન્ડ હા મમ્મા… બી રેડી ફોર વન મોર સરપ્રાઈઝ”

“અરે બેટા …! હવે પાછું શું છે … તું તો મને ગભરાવી મૂકે છે બેટા…”

“હા પણ એ સરપ્રાઇઝ તો હું તને ત્યાં આવીને રુબરુમાંજ બતાવીશ..”

“પાછું સસ્પેન્સ!!!”

“હા…, જસ્ટ વેઇટ ફોર ફયુ મોર ડે’ઝ…ઓ કે માય ગુડગુડ મમ્મા..!! ”

 

ફોન ડિસ્કનેકટ થયો. શતરૂપા તો ચિંતામાં પડી ગઈ…હજુ તો રાતનું હેંગઓવર છે. એકબાજુ ચિંતા થાય છે તો બીજી બાજુ આનંદ થાય છે પણ એક નિસાસો નાંખે છે કે કોઈ જ નથી એની પાસે કે એની જિંદગીમાં કે જેની સાથે એ પોતાની ખુશી કે દુઃખ શેર કરી શકે. પ્રક્ષાલ અને શુભાંગી કોન્ફરન્સમાં ગયા ત્યારે ક્યાં ખબર હતી કે આવું કશુંક સરસ થવાનું છે. વિચારોમાં ગરકાવ થઇ ગઈ.

 

“શુભાંગી, કેવી સરસ છોકરી છે. એક વર્ષમાં તો એણે બધો કારોબાર સંભાળી લીધો. આપણું કિસ્મત કોણ બદલે છે, કોણ નિમિત્ત બને છે કંઈજ ખબર નથી પડતી. ક્યાંથી આવી હશે આ છોકરી..? એનું કોઈ બેક્ગ્રાઉન્ડ પણ કમ્પની પાસે નથી. અહીં લેડીઝ હોસ્ટેલમાં રહીને કમ્પનીમાં કામ કરે છે. વિચારો ચાલતા રહ્યા… દિવસો પણ પસાર થતા રહ્યા. પ્રક્ષાલ અને શુભાંગીને આવવાંની હજુ બેત્રણ દિવસની વાર હતી. શતરૂપા સામાન્ય રીતે એકલી હોય ત્યારે ડ્રીંક કરતી નથી પણ છેલ્લા બેત્રણ દિવસથી આ વખતે એ રોજ ડ્રીંક કરવા માંડી. ગઈ રાત્રે પણ ડ્રીંક લઈને સૂઈ ગઈ હતી અને સવારના આઠ વાગ્યા તોય હજુ એ જાગી નથી.. કોઈક ડોરબેલ વગાડી રહ્યું હતું પણ શતરૂપા ઘેરી ઊંઘમાં હતી… બહુવાર પછી એની ઊંઘ ખુલી…અને એકદમ સફાળી ઉભી થઇ…સહેજ કપડાં ઠીક કર્યાં અને દોડતાં જઈને બારણું ખોલ્યું…

“હેપી બર્થ ડે મમ્મા…”

હાથમાં એક મોટો ફ્લાવર બુકે લઈને પ્રક્ષાલ અને શુભાંગી ઊભા હતા. શતરૂપા તો હેબતાય ગઈ એ બંને ને જોઈ ને. પ્રક્ષાલ અને શુભાંગી એરપોર્ટથી સીધા ટૅક્સી કરીને આવી ગયાં. શુભાંગી પણ લેડીઝ હોસ્ટેલ જવાને બદલે પ્રક્ષાલ સાથે અહીં આવી ગઈ.

“અરે…બેટા તમે લોકો તો સોળમીએ આવવાના હતા ને…??? આજે ક્યાંથી આવી ગયાં ?”

“એજ તો કમાલ છે ને મોમ… તારો બર્થ ડે હોય અને તારા માટે ખૂબ ખુશીના બે બે સરપ્રાઇઝ હોય તો હું તારાથી કેવી રીતે દૂર રહી શકું….?? એન્ડ મોમ તારા બધા જ બર્થ ડે આપણે સાથે જ તો સેલીબ્રેટ કર્યા છે ને..?”

“આઈ નો બેટા… એન્ડ થેન્કસ ફોર બ્યુટીફૂલ ફ્લાવર્સ…”

માં બેટો બંને ભેટી પડ્યા. શતરૂપાની અને પ્રક્ષાલની આંખો હર્ષથી ઉભરાતી રહી. શુભાંગી ખુશ હતી અને  પાછળ ઉભી ઉભી એ જોયા કરતી હતી અને સાંભળતી હતી માં બેટાનો સંવાદ…

“મમ્મી….ખાલી ફ્લાવર્સ માટે મને થેન્કસ ના કહે… આઈ હેવ વન મોર બ્યુટીફૂલ સરપ્રાઇઝ ફોર યુ..”

“અરે…એ પાછું શું છે બેટા ????”

“જો મમ્મા..એમ કરીને એણે શુભાંગી તરફ હાથ ધર્યો..શુભાંગીએ આગળ આવીને એના હાથમાં હાથ મૂક્યો અને બંને જણા શતરૂપાને પગે લાગ્યા. બે પગલાં પાછળ હટી ગઈ શતરૂપા પણ પછી સંભાળી લીધી એની જાતને અને શુભાંગીને ભેટી પડી.

“મોમ હિયર ઈઝ યોર ડોટર ઇન લો…. શુભાંગી પ્રક્ષાલ…”

શતરૂપાએ શુભાંગીને દૂર કરી …હેબતાય ગઈ એ…. પણ એ કશુંજ બોલી નહિ…. એક બિઝનેસ વુમનની મુત્સદીગીરીથી એણે એ વાત ઉપર તાત્કાલિક પડદો પાડી દીધો. દસ પંદર દિવસ સુધી શતરૂપાનું વર્તન ના સમજાય એવું સાવ બદલાઈ ગયું. શુભાંગી સાથે એક પ્રકારે અંતર ઊભું કર્યું. જો કે શુભાંગી એનો કોઈ પ્રતિભાવ આપતી ન હતી. પ્રક્ષાલ એને લેડીઝ હોસ્ટેલ છોડાવી દીધી અને હવે આ ઘરમાં એને રહેવા લઈ આવ્યો. પ્રક્ષાલે શતરૂપાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “ શું ખોટ છે મમ્મા શુભાંગીમાં….? એણે આ ઘર માટે અને આપણા બિઝનેસ માટે શું કર્યું છે એ તું નથી જાણતી ?”

“એણે મીસયુઝ કર્યો છે મેં આપેલી છૂટનો… દ્રોહ કર્યો છે એણે મારા વિશ્વાસ નો..” ખૂબ ગુસ્સામાં હતી શતરૂપા.

“મમ્મી પ્લીઝ… તું એને ખોટી ના સમઝ..એણે તો કશું નથી કર્યું…. ઓન ધ કોન્ટરરી મેં જ  તો એને પ્રપોઝ કર્યું હતું.”

“હાઉ ડેર યુ પ્રક્ષાલ…????”

“ મમ્મા પ્લીઝ……!” પ્રક્ષાલ માટે આ વાત જ આશ્ચર્યજનક હતી કે એની મોમ એના કોઈ નિર્ણયનો વિરોધ કરે. પ્રક્ષાલની આટલી જિંદગીમાં એ કોઈ વસ્તુની ઇચ્છા કરે અને શતરૂપાની શક્તિ હોય કે ના હોય પણ એ કોઇપણ રીતે એ વસ્તુ પ્રક્ષાલ માટે હાજર કરી દેતી…. અને આજે…. આજે એ જ શતરૂપા પ્રક્ષાલની સૌથી વહાલી વ્યક્તિનો વિરોધ કરે છે એટલુંજ નહિ પણ એની સાથે બેહૂદું વર્તન કરે છે.

એક દિવસ શતરૂપા એ પ્રક્ષાલની ગેરહાજરીમાં શુભાંગીને કહ્યું: “ ક્યાંથી આવી છે તું છોકરી ? કોણ છે તું..? ક્યાં છે તારા માબાપ ? હું કશું જાણતી નથી તારા વિષે અને તેં કહ્યું છે આ બધું તારા માબાપને..???”

“ હા…મેં મારા પપ્પાને જણાવી દીધું છે અને મારા જીવનના નિર્ણયો મેં સાચાજ લીધા હશે એમ સમજી એમણે કોઈજ વિરોધ નથી કર્યો..”

“ક્યાં છે તારા પપ્પા …?”નફરત વર્તાતી હતી શતરૂપાના એ અવાજમાં.

“ આ શહેરમાં નથી..”

“ ક્યાં છે…? અવાજ સહેજ ઉંચો થઇ ગયો અને કડવાશ ઉતરી આવી એના શબ્દોમાં

‘ હું લઈ જઈશ તમને એમની પાસે… અને હા… હું પણ ઇચ્છું જ છું કે તમે મારા પપ્પાજીને મળો.”

બેચાર દિવસ પછી પ્રક્ષાલ, શતરૂપા અને શુભાંગી કાર લઈને શુભાંગીના ગામ ગયાં. ચારેક કલાક ડ્રાઈવ કર્યું ત્યારે શુભાંગીના ગામ પહોંચ્યા. ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. શુભાંગી અંદર જઈને જોઈ આવી. પપ્પાજી ઘરે નહતા એટલે એ બહાર આવી અને એ બન્નેને બેસાડ્યાં. પાણી આપ્યું. સાવ સામાન્ય ઘર હતું. ચારે બાજુ પુસ્તકોનાં ઢગલા પડ્યા હતા. સામે ગોઠવેલા દીવાન પર લખવાની એક નાની ડેસ્ક હતી. ત્રણચાર રૂમના એ ઘરમાં બધું અસ્તવ્યસ્ત હતું. સ્ત્રી વગરનું એ ઘર હશે એવું પહેલીજ નજરે દેખાઈ આવે.

શતરૂપા ઉભી થઇ અને દીવાન પાસે ગઈ અને દીવાન પર વેરવિખેર પડેલાં કાગળીયાં ઉથલાવ્યાં. એ એટલી ગુસ્સામાં હતી કે એણે ખાલી જોવા ખાતર એ બધું ઉથલાવ્યા કર્યું .

“ પપ્પાજી આટલામાં જ ક્યાંક ગયા હશે… એ આવે  ત્યાં સુધીમાં હું ચા બનાવું..”

પ્રક્ષાલ પણ અસમંજસમાં હતો કે શુભાંગી આટલી ભણેલી ગણેલી  ઍડ્વાન્સ છોકરી… આટલી બધી ઈંટલીજન્ટ છોકરીનું ઘર આવું કેમ..? શુભાંગીના મમ્મી ક્યાં હશે ? એ કેમ નથી દેખાતાં..? મનમાં ગૂંચવાતો હતો પણ મૌન રહ્યો. શતરૂપા કાગળ ફેંદતી હતી એમાંથી એક કાગળ લઈને વાંચવા માંડી

“ પ્રત્યેક માણસને કોઈક ને કોઈક પ્રેમની કક્ષાનું પાગલપન હોય છે કે પછી પાગલપનની કક્ષાનો પ્રેમ હોય છે. જેમને એ નથી મળતું એમની પાસે જીવનના કોઈ અર્થ નથી હોતા અને હોય તો એ બહુ ધૂંધળા અર્થ હોય છે શું એને કહેવાય જીવન…??? હા જીવન તો એને કહેવાય પણ કેવું જીવન…???  શ્વાસ વગરનું જીવન…..મૃત અવસ્થાનું જીવન”

શુભાંગીએ એ બેય ને ચા આપી.ચા પીવાઈ ગઈ પછી શુભાંગીએ કહ્યું કે પપ્પા કદાચ દરિયા પર ગયા હશે ચાલો તમે આવો છો મારી સાથે આપણે ત્યાં જઈને જ એમને બોલાવી લાવીએ. ત્રણેય જણ ચાલતાં ચાલતાં ત્યાં ગયાં. દૂર દરિયા પાસે એક માણસ દરિયાની સામે જોઈને બેસી રહ્યો હતો. માત્ર એની પીઠ દેખાતી હતી. શુભાંગીએ દૂર થી  બૂમ તો પાડી પણ અવાજ ત્યાં સુધી પહોંચ્યો નહિ એટલે શુભાંગી દોડતી ગઈ અને પાછળથી એમને વળગી પડી….પણ એ સાથેજ એ શરીર ઢળી પડ્યું. શુભાંગીથી ચીસ પડાઈ ગઈ. પ્રક્ષાલ અને શતરૂપા પણ ત્યાં દોડીને પહોંચી ગયાં. એ નિશ્ચેતન શરીર ઊંધું પડ્યું હતું…. શુભાંગીને કશું સુજ્યું નહીં અને એતો ત્યાં બાજુમાં બેસીને રડવા માંડી. પ્રક્ષાલે ઊંધા પડેલા શરીર ને છત્તું કર્યું…. અને એ ચહેરો જોતાની સાથે જ શતરૂપા એકદમ ચમકી ગઈ… બે પગલાં પાછી પડી… અને જોરથી એક ચીસ એના મોંમાંથી નીકળી ગઈ…” પરિતોષ…!!!!!!”

શુભાંગી રડતી રહી… રોકકળ સાંભળીને ગામ લોકો ત્યાં દોડી આવ્યાં. પ્રક્ષાલને આ બધું બહુ જ વિચિત્ર લાગતું હતું. ક્ષણેક્ષણ એની સામે આશ્ચર્યો આવતાં હતાં. શુભાંગીની પાસે જઈ ને એણે એને સંભાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એક જબરદસ્ત મોટો પ્રશ્ન એની સામે આવીને ઉભો કે મમ્મી ક્યાંથી ઓળખે એમને…?? જો કે એ સમયે તો બધાજ સંશય એણે મનમાંજ દબાવી દીધાં.

શુભાંગીએ શતરૂપા ની સામે જોયું અને બોલી કે “ મારા પપ્પા પરિતોષ નહિ પણ એક અસંતોષ સાથે જીવ્યા. એકલા અટુલા….” ખૂબ રડતી હતી.

અંતિમક્રિયા પતિ ગઈ. શતરૂપાના મુખ પર ગ્લાની હતી… ભય હતો અને શરીરમાં કમ્પ હતો. અરે ભયાનક મૌન ધારણ કર્યું હતું એણે. મૂક સાક્ષી બનીને બધીજ વિધિ એણે જોયા કરી. અનેક સવાલોનું ઝુંડ એની સામે મ્હો ફાડીને ઊભું હતું.

ધીમેધીમે સગાવહાલા અને બીજા બધાં વિખરાઈ ગયાં. ઘરમાં રહ્યાં માત્ર એ ત્રણ જણ. શુભાંગી અંદરના રૂમમાં ગઈ અને ત્યાંથી એક કવર લઈ આવી અને એ કવર શતરૂપાનાં હાથમાં મૂક્યું….અને એક નફરતભરી નજરે શુભાંગીએ શતરૂપાની સામે જોયું. હતપ્રભ બની ગયેલી શતરૂપાએ ધીમેથી કવર ખોલ્યું. કવરમાંથી બેત્રણ પીળા પડી ગયેલાં કાગળ સાચવીને કાઢ્યા…. કાગળ ખોલતાંની સાથે ચમકી ગઈ એનાંજ અક્ષરો જોઈને… વર્ષો પહેલાં એણે જ લખેલો એ કાગળ હતો…એક શ્વાસે એ વાંચી ગઈ અને આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. ફરી એકવાર એ કાગળ વાંચ્યો અને પછી ગડી કરીને હાથમાં એ કાગળ પકડી રાખ્યો. કવરમાંથી બીજો એક કાગળ કાઢ્યો જે પરિતોષનો અધૂરો લખેલો વણમોકલાયેલો કાગળ હતો. શુભાંગી પાસે એણે પાણી માંગ્યું… એક ઘૂંટો પાણી પીધું અને આંખમાં બાઝેલાં પાણીના પડળ રૂમાલથી સાફ કર્યાં. કાગળ વાંચવા માંડ્યો:

રૂપ,

તું તો ગઈ…… હા મારી પાસેથી જવાનું તારા માટે શક્ય છે….હતું.

પણ તારાથી દૂર થવાનું મારા માટે તો ક્યાં શક્ય હતું..?? મારા જીવનમાં તું આવી દરિયાની ભરતીની જેમ અને મારા સમગ્ર અસ્તિત્વ પર તું વ્યાપી ગઈ….મારા હૃદયનાં પિંજરામાં માળો બાંધીને તું તો ગોઠવાઈ ગઈ અને સતત તારા મધુરા ગુંજનથી મારું અસ્તિત્વ હર્યું ભર્યું બનાવી દીધું… અને અચાનક તારું મન ભરાઈ ગયું..!!

આવી હતી દરિયાની ભરતીની માફક અને એજ દરિયાની ઓટની જેમ ઓસરવા માંડી…!!!

સંકોચી લીધું તે તારું એ આવરણ અને મારા હાથમાંથી હાથ છોડાવીને ચાલવા માંડી… હું જોતો રહ્યો તારી પીઠને….હા… જોતો જ રહ્યો લાચાર ખુલ્લી આંખોએ…..

પણ રૂપ…. હું તો હાથ પ્રસારીને એમનો એમજ ઉભો રહયો….. પ્રતીક્ષા કરતો રહ્યો…. મારા હૃદયમાંથી એકજ ચિત્કાર નીકળે છે તારે આવવાનું છે…. તું આવીશ રૂપ…. તારે આવવાનું છે….

તું……..”

કાગળ અધૂરો હતો…શતરૂપાએ એને વાળીને પાછો કવરમાં મૂકી દીધો. અને નીચું જોઇને બેસી રહી…

શુભાંગી ઉભી થઇ એ કાગળ એના હાથમાંથી લઈ લીધો અને પછી બોલી:

તમને ખબર છે મીસીસ શતરૂપા…. આ મારો બાપ પાગલ હતો તમારી પાછળ…. અને તમારી પ્રતીક્ષામાં પાગલની જેમ આ દરિયે બેસી રહ્યો…. કેટલાંય વર્ષોથી…. અને છેવટે આ દરિયામાં સમાઈ ગયો… પણ મેં  મારા બાપને વચન આપ્યું હતું કે હું લઈ આવીશ તમારી એ શતરૂપાને તમારી પાસે. મેં મારા બાપને આપેલું વચન તો પૂરું કર્યું …પણ …???????

રડતી રહી શુભાંગી…..

શતરૂપાએ એને બાથમાં લઈ લીધી….

********

વિજય ઠક્કર

June 26, 2017 @ 3.15 am